આપી છે કન્યાદાનમાં એણે નદી વરસાદમાં

12 July, 2026 05:41 PM IST  |  Mumbai | Hiten Anandpara

તરસનો ઉપચાર પાણી છે, પણ પાણી વધારે પ્રમાણમાં ન પીવાય. પંદરમી સદીમાં સજારૂપે પાણીનો ઉપચાર કરવામાં આવતો. ના, આ નેચરોપેથીમાં હોય છે એવો ઉપચાર નહોતો. ખરેખર તો એ વૉટર ટૉર્ચર હતું જેમાં કેદીને પાણી પીવડાવી-પીવડાવીને અધમૂઓ કરી મૃત્યુને હવાલે કરવામાં આવતો.

પ્રતીકાત્મક ફાઇલ તસવીર

જૂનમાં રિસાયેલો વરસાદ આખરે જુલાઈમાં રુઆબભેર વરસ્યો. ૧૦ ટકા પાણીકાપમાં મુંબઈગરાનો જીવ ઉચ્ચક થઈ ગયેલો અને ૨૦ ટકા પાણીકાપની બીકથી શિયાવિયા થઈ ગયેલો. બે કરોડથી વધારે વસ્તી ધરાવતા મુંબઈમાં જો સમયસર અને પ્રમાણસર વરસાદ ન પડે તો જળાશયોનાં તળિયાં દેખાવા લાગે. વર્ષારાણી આવવામાં મોડું કરે છે, પણ આવ્યા પછી મોળું નથી વરસતી એ આપણા પર મોટો ઉપકાર છે. ડૉ. પ્રણય વાઘેલા તરસ અને તૃપ્તિને જોડે છે...

તું કદી તરસાવે પારાવાર પણ

ને કદી વરસ્યો છે અનરાધાર પણ

છે અસર તારીયે વરસાદીપ્રણય

દર્દ પણ તું, દર્દનો ઉપચાર પણ

તરસનો ઉપચાર પાણી છે, પણ પાણી વધારે પ્રમાણમાં ન પીવાય. પંદરમી સદીમાં સજારૂપે પાણીનો ઉપચાર કરવામાં આવતો. ના, આ નેચરોપેથીમાં હોય છે એવો ઉપચાર નહોતો. ખરેખર તો એ વૉટર ટૉર્ચર હતું જેમાં કેદીને પાણી પીવડાવી-પીવડાવીને અધમૂઓ કરી મૃત્યુને હવાલે કરવામાં આવતો. જેને તરતાં આવડતું ન હોય તેને પાણીમાં ભયંકર ગૂંગળામણ થાય છે. જાહેર પ્રદર્શનોમાં પોલીસ ઘણી વાર વૉટર કૅનનનો ઉપયોગ કરે ત્યારે પ્રદર્શનકારી થોડી ક્ષણ માટે તો ગૂંગળાઈ જાય. અંકિતા મારુ ‘જિનલ’ ક્ષણભંગુરતાની વાત કરે છે...

ના નદી ગંગા કે ના કૈલાસ છું

ના દુઃખીની આંખની ભીનાશ છું

વાર શુંજિનલસુકાતાં લાગશે

હું તો ચોમાસે ઊગેલું ઘાસ છું

વરસાદ પડે એટલે થોડા દિવસમાં જ ઘાસ ફૂટી નીકળે. વર્ષાઋતુ વિશે નિબંધ લખતી વખતે ધરતીએ લીલા રંગની સાડી પહેરી છે એવું આપણે અચૂક લખતા. આજના બાળકે જો લખવું હોય તો ધરતીએ પ્લાસ્ટિકની કબાડી પહેરી લીધી છે એવું લખવું પડે. રસ્તા ભીના પણ થાય છે અને ગંદા પણ થાય છે. માર્કેટ વિસ્તારમાં તો રસ્તા ઘાની જેમ પચપચી જાય. જે નસીબવંતો મુંબઈગરો નરીમાન પૉઇન્ટની પાળીએ બેસીને ટેસથી વરસાદી વહાલ ઝીલે છે તે ક્ષણભર માટે ટેસ્લાના માલિક ઈલૉન મસ્ક જેટલો ધનવાન બની જાય છે. અહીં મહત્ત્વ આંકડાનું નથી, મહત્ત્વ આનંદનું છે જે નાની-નાની વાતોમાંથી નિષ્પન્ન થતો હોય છે. ભારતી વોરા ‘સ્વરા’ પ્રિયજન સાથેનો આનંદ વ્યક્ત કરે છે...

ભીંજાયો છું રોમે-રોમે ચોમાસે

વરસી છે તું મુશળધારે ચોમાસે

વાવી દઉં થોડાં બી હૈયાની ધરતી પર

કોઈ પોતીકું ઊગી જાશે ચોમાસે

આ ઋતુમાં સરકારી તંત્ર ઉપરાંત વિવિધ સંસ્થાઓ પોતપોતાની રીતે વૃક્ષારોપણનાં કાર્યો કરે છે. એક પ્રકાશકે બીજને છાપામાં સમાવી વાવણીની ઝુંબેશ ઉપાડી. બીજ વાવવાનું કામ ગમે એટલું કરીએ તોય ઓછું જ પડવાનું. હરિયાળીનું નિકંદન એ હદે નીકળી ગયું છે કે એને સરભર કરવા દાયકાઓ જોઈએ. શહેરોમાં કૉન્ક્રીટીકરણને કારણે ધરતીમાં પાણી ઊતરતું નથી એટલે થોડા વરસાદમાં પણ નાના-નાના હોજનું નિર્માણ થતું હોય છે. શહેરવાસીઓ હવે એવા ટેવાઈ ગયા છે કે રસ્તા પર પાણી ભરાય તો હાયવોય કરવાને બદલે એમાં રમીને હળવા થાય છે. ડૉ. ભૂમા વશી વરસાદને વધાવે છે...

અહીં કાગળની હોડીમાં બધો આનંદ બેસાડી

પછી પાડે છે સૌ તાળી, જુઓ વરસાદ આવે છે

કદી આડો, કદી ત્રાંસો, કદી ફરફર, કદી છાંટા

પવનની પાદુકા પહેરી જુઓ વરસાદ આવે છે

વરસાદ એટલે આમ તો આભથી વરસતું પાણી, પણ એને આપણે વિવિધ નામે ઓળખીએ છીએ. એકદમ ઝીણો વરસાદ હોય અને માત્ર રૂંવાટી ભીની થાય એને ફરફર કહેવાય. દિવસો સુધી આ ઝીણો વરસાદ ચાલુ રહે તો એને ઝડી કહેવાય. ફરફરથી મોટાં ટીપાં હોય એને છાંટણાં કહેવાય. છાંટણાંથી મોટાં ટીપાં ફોરાં કહેવાય. છાપરાના ખૂણાઓ પરથી પાણી વહેવા લાગે એને નેવાધાર કહેવાય. જેની ધારાઓ સતત વરસે એવા સળંગ વરસાદને અનરાધાર કહેવાય. નિશિ સોલંકી સખી સાથે વાત કરે છે...

થિરકતાં ઓટલા આંગણ, સજાવ્યા સાથિયે ઉંબર

જરા હું આંજી લઉં કાજળ, સખી વરસાદ આવે છે

ક્ષિતિજને મેઘદલ અડકે, બળદના ઘૂઘરા ઘમકે

વિખેરે બૂંદ ભાતીગળ, સખી વરસાદ આવે છે

લાસ્ટ લાઇન

તપતી ધરાને આજ તો ટાઢક વળી વરસાદમાં

લાલાશ જો ગુલમ્હોરની ઝાંખી પડી વરસાદમાં

પલળી અને બેસી ગયાં છે પંખીઓ સૌ ઝાડ પર

આકાશમાં ઊડે છે કાળી વાદળી વરસાદમાં

લાગે પહાડો પર હશે દરિયાનું લેણું એટલે

આપી છે કન્યાદાનમાં એણે નદી વરસાદમાં

વરસાદની બુંદો સનમને એવી તે શણગારતી

જોવાને એને ઇન્દ્ર કરતા વીજળી વરસાદમાં

- કાકા કુંજ સંજયકુમાર

monsoon news mumbai rains mumbai monsoon mumbai weather columnists hiten anandpara