આવતી કાલ છે ઇ-વેહિકલની

09 May, 2022 11:10 AM IST  |  Mumbai | Varsha Chitaliya

ઇ-વેહિકલ ખરીદવા માગતા લોકો મૂંઝવણ અનુભવી રહ્યા છે. તમે પણ અવઢવમાં હો તો લોકોના અનુભવ શું કહે છે એ જાણી લો

યશ સાવલા

એક તરફ કાર્બન ઉત્સર્જન ઘટાડવા સરકાર ઇલેક્ટ્રિક વાહનો ખરીદવા પ્રોત્સાહિત કરી રહી છે તો બીજી તરફ વાહનોમાં આગ લાગવાની ઘટનાઓ સામે આવી રહી છે. પરિણામે ઇ-વેહિકલ ખરીદવા માગતા લોકો મૂંઝવણ અનુભવી રહ્યા છે. તમે પણ અવઢવમાં હો તો લોકોના અનુભવ શું કહે છે એ જાણી લો

તાજેતરમાં નવી દિલ્હીમાં એક કાર્યક્રમને સંબોધતાં કેન્દ્રીય પરિવહન પ્રધાન નીતિન ગડકરીએ જણાવ્યું હતું કે એ દિવસો દૂર નથી જ્યારે ભારતમાં ઇલેક્ટ્રિસિટી સંચાલિત વાહનોની કિંમત પેટ્રોલ વાહનો કરતાં ઓછી હશે. એક તરફ કાર્બન ઉત્સર્જન ઘટાડવા સરકારી ધોરણે પ્રયાસો થઈ રહ્યા છે. પબ્લિકને પ્રોત્સાહિત કરવા ઇ-વાહનની ખરીદી પર સરકાર સબસિડી પણ આપે છે. ફ્યુઅલના ભાવવધારાના કારણે આમજનતાથી લઈને સેલિબ્રિટીઓ ઇ-વાહન ખરીદવા લાગ્યા છે તો બીજી તરફ ઇલેક્ટ્રિક વાહનોમાં આગ લાગવાની ઘટનાઓ સામે આવી રહી છે. ઇ-વેહિકલ ખરીદવું કે નહીં એ બાબત લોકો મૂંઝવણ અનુભવી રહ્યા છે ત્યારે એવા લોકો સાથે વાત કરીએ જેમણે આ વાહન ખરીદ્યાં છે. 
સરકાર અને પબ્લિક સપોર્ટિવ
એક વર્ષ પહેલાં ઇ-કાર ખરીદનારા ઘાટકોપરના બિઝનેસમૅન શૈલેશ મહેતા કહે છે, ‘ઇલેક્ટ્રિક કાર બજારમાં આવી ત્યારથી એના વિશે જાણવાની ઉત્સુકતા હતી. પર્યાવરણની સુરક્ષા અને કૉસ્ટ-કટિંગ બન્ને દૃષ્ટિએ યોગ્ય લાગતાં ખરીદી લીધી. મહારાષ્ટ્ર સરકારે એક લાખ રૂપિયાની સબસિડી આપી હતી. અત્યારે સબસિડી વધારી હોવાનું જાણવા મળ્યું છે. કંપનીવાળા મીટર કૅબિનમાંથી વાયર ખેંચી પાર્કિંગ પ્લેસમાં ચાર્જિંગનો પૉઇન્ટ ઇન્સ્ટૉલ કરી આપે છે. શૉર્ટ સર્કિટ થાય તો ઑટો ડ્રિ પ થઈ જાય એ રીતે ઍડિશનલ પૉઇન્ટ પણ આપે છે. ટૂ-વ્હીલરમાં આગ લાગવાની ઘટનાઓ બની છે, પરંતુ ફોર-વ્હીલરમાં હજી સુધી કોઈ અકસ્માત થયો હોય એવું સામે આવ્યું નથી. ઇ-કાર ચલાવવામાં સ્મૂધ અને સાયલન્ટ છે. પેટ્રોલ પમ્પ પર લાંબી લાઇનમાં ઊભા નથી રહેવું પડતું એ મોટો બેનિફિટ છે. બૅટરી ફુલ ચાર્જ કરી લો તો સવા બસો કિલોમીટર ચાલે. જોકે લાંબા અંતર માટે પ્રૉપર પ્લાનિંગ કરીને નીકળવું, કારણ કે ચાર્જિંગની જરૂર પડે છે. એક્સપ્રેસ હાઇવે પર ચાર્જિંગ સ્ટેશનો બની ગયાં છે. તાતાની કાર ખરીદનારા કસ્ટમરોનું વૉટ્સઍપ ગ્રુપ છે. કેટલાક મેમ્બરોએ ૩૦ મીટર કેબલવાળું એક્સટેન્શન બૉક્સ વસાવી લેવાની ભલામણ કરી હતી જેથી બહારગામ અથવા કોઈના ઘરે કાર લઈને ગયા હોઈએ તો કામ લાગે. ફ્રિજના પૉઇન્ટમાં બૅટરીનો પ્લગ ભરાવી કાર ચાર્જ કરી શકાય છે. મેં કાર ખરીદી ત્યારે રસ્તા પર દસ દિવસે એક ગ્રીન પ્લેટવાળી કાર જોવા મળતી. હવે દિવસની બે કાર દેખાય છે. કાર ખરીદવામાં કેવી છે એનો જવાબ બજેટ પર આધાર રાખે છે. ૧૫થી ૩૦ લાખના સેગમેન્ટમાં જેમને કાર ખરીદવી છે તેઓ ઇ-કાર લઈ રહ્યા છે. એનાથી નીચેના સેગમેન્ટમાં પેટ્રોલવાળી ગાડી આવે અને ઉપરની રેન્જવાળા આઉડી કે મર્સિડીઝ પસંદ કરવાના છે.’
એક રૂપિયામાં ઑફિસ
પેટ્રોલથી ચાલતું જૂનું સ્કૂટર વેચીને સેમ મૉડલનું નવું લેવા જઈએ એના કરતાં સસ્તા દરે ઇ-સ્કૂટર મળતું હોય તો બેસ્ટ ડીલ કહેવાય એવી વાત કરતાં સેન્ટ્રલ માટુંગામાં રહેતા નિમેશ શાહ કહે છે, ‘અમારી પાસે વર્ષોથી ઍક્ટિવા છે. વધુ એક વાહનની જરૂરિયાત ઊભી થતાં બે મહિના પહેલાં ઇ-સ્કૂટર ખરીદ્યું. પેટ્રોલના દર અને એનાથી ચાલતાં વાહનોના ભાવ જે ઝડપથી વધી રહ્યાં છે એ જોઈને આ વખતે ઇ-સ્કૂટર ખરીદવાનું મન બનાવી લીધું હતું. હવે મન્થલી બજેટમાં ૯૦ ટકા કૉસ્ટ-કટિંગ થયું છે. ઘરેથી દાદરમાં આવેલી ઑફિસ સુધી પહોંચવામાં માત્ર એક રૂપિયાનો ખર્ચ આવે છે. સ્કૂટર વાપરવામાં એકદમ સિમ્પલ છે. પાર્કિંગ પ્લેસમાં પૉઇન્ટ અવેલેબલ ન હોય તો બૅટરીને ઘરે લઈ જઈને ચાર્જ કરી શકાય છે. ચાર કલાક ચાર્જિંગમાં રાખો તો ૮૦ કિલોમીટર આરામથી ચાલે છે. ઇ-સ્કૂટર ખરીદવા માટે સરકાર ૧૫ હજાર રૂપિયાની સબસિડી આપે છે અને ચાર્જિંગ સ્ટેશન વધારવાના પ્રયાસો પણ ચાલે છે. ઇલેક્ટ્રિક ટૂ-વ્હીલરમાં આગ લાગવાની એકલદોકલ ઘટના ઘટી છે, પરંતુ એનાથી ડરવાની જરૂર નથી. આવા અકસ્માતો પેટ્રોલથી ચાલતાં વાહનોમાં પણ થયા છે. મને લાગે છે કે આવનારા સમયમાં ઇલેક્ટ્રિકથી ચાલતાં વાહનોનો વપરાશ વધવાનો છે. જોકે ઇ-સ્કૂટર ડે-ટુ-ડે લાઇફમાં ઉપયોગી છે, લૉન્ગ ડિસ્ટન્સ માટે કામનું નથી.’
ખરીદતાં પહેલાં રિસર્ચ કર્યું
ઘાટકોપરના સૉફ્ટવેર એન્જિનિયર યશ સાવલા પાસે ઇ-કાર અને ઇ-સ્કૂટર બન્ને છે. વાહન ખરીદતા પહેલાં ખાસ્સી ખણખોદ કરી હતી. ઇ-કાર ખરીદવા માટે પપ્પા અને કાકા કન્ફ્યુઝ્ડ હતા, પરંતુ મને ટેક્નૉલૉજી તરફ જવું હતું તેથી ૨૦૨૦માં તાતાની કાર માર્કેટમાં લૉન્ચ થઈ ત્યારથી રિસર્ચ કરતો હતો એવી વાત કરતાં યશ કહે છે, ‘ઇ-કારનાં ફીચર્સ કેવાં છે, ટેક્નૉલૉજી કઈ વાપરવામાં આવી છે, સસ્ટેનેબલ અને ફ્યુચરિસ્ટિક છે કે નહીં, પબ્લિક રિવ્યુઝ, રિસ્ક ફૅક્ટર, વાપરવામાં કેવા ઇશ્યુ ફેસ કરવા પડી શકે છે વગેરે ઝીણી-ઝીણી બાબતોનો ઊંડો અભ્યાસ કર્યા બાદ જૂન, ૨૦૨૧માં ઇ-કાર લીધી. પેટ્રોલ કારની તુલનામાં સસ્તી પડે છે. આઠ વર્ષની બૅટરીની વૉરન્ટી છે. એમાં પ્રૉબ્લેમ આવ્યો તો કંપની ફ્રીમાં રિપ્લેસ કરી આપશે. કાર લઈને અમે લોકો મહાબળેશ્વર, નાશિક, લોનાવલા, અલીબાગ જેવાં સ્થળો ફરી આવ્યા છીએ. હાઇવે પર ઠેર-ઠેર ચાર્જિંગ સ્ટેશન બની જતાં કોઈ સમસ્યા નડી નથી. ૨૦૦ કિલોમીટર કાર ચલાવ્યા બાદ સામાન્ય રીતે આપણે નાસ્તા-પાણી અને વૉશરૂમ માટે બ્રેક લેતા જ હોઈએ. ચાર્જિંગ સ્ટેશનની નજીકમાં બ્રેક લેવાથી બન્ને કામ થઈ જાય. ઇ-કારનો એક્સ્પીરિયન્સ સારો રહેતાં તેમ જ ચાર્જિંગ માટેનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર રેડી હોવાથી આ વર્ષે ઇ-સ્કૂટર પણ ખરીદી લીધું. હવે ફૅમિલીમાં બધા ખુશ છે.’

 લાંબા અંતર માટે પ્રૉપર પ્લાનિંગ કરીને નીકળવું, કારણ કે ચાર્જિંગની જરૂર પડે છે. જોકે હવે એક્સપ્રેસ હાઇવે પર ઘણાં ચાર્જિંગ સ્ટેશનો બની ગયાં છે. - શૈલેશ મહેતા

ફાયદાઓ

ફ્યુઅલવાળાં વાહનોની તુલનામાં ઇવીમાં મૂવિંગ પાર્ટ ઓછા હોવાથી મેઇન્ટેનન્સ અને ઑપરેશનલ ખર્ચ ઓછો. 
સરકાર તરફથી અપફ્રન્ટ પ્રોત્સાહનો મળે છે.
ઇવીમાં ટેલપાઇપ ઉત્સર્જન નથી તેથી વાયુ પ્રદૂષણ ઘટાડવામાં મદદ મળશે.
સાઇડ કૅબિનમાં વાઇબ્રેશન નથી તેમ જ અવાજ ઓછો.
દોઢ રૂપિયો કિલોમીટરના ભાવે ચાલે છે.

ગેરફાયદા

ફ્યુઅલ કારની તુલનામાં ઇવી અને ઇવી ચાર્જર હાલમાં મોંઘાં છે.
વૉટેજની દૃષ્ટિએ ઇલેક્ટ્રિક લોડિંગ વધારે છે, કારણ કે ઇવી ચાર્જર માટે અલગ ઇલેક્ટ્રિકલ નેક્શનની જરૂર પડે છે.
ફુલ ચાર્જ કર્યા પછી પણ લાંબા અંતર માટે ખાસ કામની નથી. 
ચાર્જિંગ સ્ટેશન દરેક જગ્યાએ ઉપલબ્ધ નથી.

આટલું જાણી લો

ઇ-વેહિકલના ચાર્જિંગ ઇન્ફ્રા સેટઅપ માટે કામ કરતી ધ સસ્ટેનરના ફાઉન્ડર ઍન્ડ ડિરેક્ટર નીલંજન ગુપ્તો આગ લાગવાની ઘટનાઓ તેમ જ ઇવીના ફાયદા-ગેરફાયદા વિશે વાત કરતાં કહે છે, ‘આપણા દેશમાં અંદાજે ૩૦ હજાર ઇ-સ્કૂટર અને ૧૦ હજાર તાતા નિક્સનનું વેચાણ થયું હોવાનો ડેટા છે. ઇ-સ્કૂટરમાં ફાયરની ઘટનાઓ ઘટી છે એ માટે પ્રાથમિક તપાસમાં હીટવેવ કારણ હોવાનું માનવામાં આવી રહ્યું છે. જોકે કારમાં એકેય અકસ્માત નોંધાયો નથી. એનો અર્થ અસેસમેન્ટ સર્ટિફિકેટ, ટેસ્ટિંગ અને ગુણવત્તા જેવી બાબતોનો સંપૂર્ણ ખ્યાલ રાખવામાં આવ્યો છે. જોકે ઇ-વેહિકલના ફાયદા અને ગેરફાયદા બન્ને છે.’

columnists Varsha Chitaliya