✕

ગાંધીજીને ટૉલ્સ્ટૉય ક્યાં મળ્યા? પુસ્તકોમાં, પત્રોમાં કે તેમના અંતરાત્મામાં?

29 September, 2026 11:57 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ગાંધીજીના પૌત્ર ગોપાલકૃષ્ણ ગાંધી અને ટૉલ્સ્ટૉયના પ્રપૌત્ર દાનિશ ટૉલ્સ્ટૉયે સાથે મળીને આ મહિને એક પુસ્તક પ્રકાશિત કર્યું છે. યુદ્ધથી ત્રસ્ત દુનિયાને કદાચ એમાં અશાંતિનો ઉપાય મળી આવે

ગાંધીજીને ટૉલ્સ્ટૉય ક્યાં મળ્યા

ગાંધીજી અને લિયો ટૉલ્સ્ટૉયની સાથેની એક તસવીર શોધવા બેઠો તો ગૂગલે પણ નિરાશા જ આપી. કારણ સ્પષ્ટ હતું, બન્ને ક્યારેય મળ્યા જ નહોતા. એક રશિયાના યાસ્નાયા પોલ્યાના ખાતે બેઠેલો વિશ્વવિખ્યાત લેખક હતો અને બીજો દક્ષિણ આફ્રિકામાં લોકોના અધિકારો માટે લડી રહેલો ભારતીય વકીલ. 
પરંતુ ઇતિહાસની કેટલીક સૌથી ગહન મુલાકાતોને હાથ મિલાવવાની જરૂર પડતી નથી.
ક્યારેક એક પુસ્તક પૂરતું હોય છે. તો ક્યારેક એક પત્ર.
ક્યારેક કોઈ સાવ અજાણી વ્યક્તિના વિચારો અંતરાત્મામાં એવી રીતે પ્રવેશી જાય છે કે પછી આપણે પહેલાંની વ્યક્તિ નથી રહેતા. ગાંધીજી અને લિયોનો સબંધ એવો જ હતો. 
તાજેતરમાં મહાત્મા ગાંધીના પૌત્ર ગોપાલકૃષ્ણ ગાંધીએ લિયો ટૉલ્સ્ટૉયના પ્રપૌત્ર દાનિશ ટૉલ્સ્ટૉય સાથે મળીને એક નવું પુસ્તક પ્રકાશિત કર્યું છે. Truth and Love : The Gandhi Tolstoy Letters નામના પુસ્તકમાં ગાંધીજી અને ટૉલ્સ્ટૉય વચ્ચેના પત્રવ્યવહારને રજૂ કરવામાં આવ્યો છે. આ પત્રો માત્ર ઐતિહાસિક દસ્તાવેજો નથી; પણ બન્નેના સિદ્ધાંતોની જે ગહનતા છે એ આજે પણ યુદ્ધગ્રસ્ત, ત્રસ્ત દુનિયા માટે એટલી જ પ્રસ્તુત છે. એટલે જ પેન્ગ્વિન રૅન્ડમ હાઉસે એનું પ્રકાશન હમણાં કર્યું છે. 
ટૉલ્સ્ટૉયની ખ્યાતિ મુખ્યત્વે નવલકથાકાર તરીકે છે. War and Peace અને Anna Karenina જેવી કૃતિઓએ તેમને ૧૯મી સદીના મહાન વિચારકોમાં સ્થાન અપાવ્યું હતું. જોકે તેમનાં અન્ય લખાણો પણ એટલાં જ મહત્ત્વનાં છે. રાજ્ય દ્વારા થતી હિંસા, ધર્મનો વધતો પ્રભાવ, ખાનગી મિલકતની ટીકા કરનાર ટૉલ્સ્ટૉયનું નૈતિક અને આધ્યાત્મિક તત્ત્વચિંતન વધુ અસરકારક હતું. The Kingdom of God is within you‌ વાંચ્યા પછી ગાંધીજી માટે તેઓ માત્ર મહાન નવલકથાકાર નહોતા રહ્યા. તેમના વિચારોમાં સત્ય, પ્રેમ, સાદગી અને હિંસાના અસ્વીકારનું જે તત્ત્વ હતું એ ગાંધીજીને ઊંડે સુધી સ્પર્શી ગયું હતું.
એ પત્ર તેમની Free Hindustan નામની જર્નલમાં તેમણે છાપ્યો. પત્રમાં લિયોએ ભારતની સ્વતંત્રતાના પ્રશ્નો માટે પ્રેમ સાથે શાંત વિરોધ અને હિંસાનો અસ્વીકાર જેવાં પગલાંની વાત કરી હતી. ગાંધીજી સુધી આ જર્નલ પહોંચી. તેમણે લિયોને પત્ર લખીને એનો અનુવાદ કરવાની પરવાનગી માગી. પછી એને Indian Opinionમાં ફરી પ્રકાશિત કર્યો અને ગુજરાતીમાં અનુવાદ પણ કર્યો. રશિયાના એક વૃદ્ધ સાહિત્યકારના ભારત વિશેના વિચારો દૂર દક્ષિણ આફ્રિકામાં બેઠેલા યુવાનને સ્પર્શી ગયા. એ રસપ્રદ ક્ષણથી શરૂ થયો પત્રોનો સંવાદ. 
૧૯૦૯થી ૧૯૧૦નાં બે‌ વર્ષ દરમ્યાન ગાંધીજી અને ટૉલ્સ્ટૉય વચ્ચે ૭ પત્રની આપ-લે થઈ હતી. ફક્ત ૭ જ પત્રો. જોકે ઇતિહાસકારો માટે આજે એ મોટું વૈચારિક ભાથું બની રહ્યું છે. ગાંધીજીનો પ્રથમ પત્ર ૧૯૦૯ની પહેલી ઑક્ટોબરે હતો. એમાં તેમણે દક્ષિણ આફ્રિકામાં ભારતીયો પરના કાયદાકીય ભેદભાવ અને અન્યાયનો ઉલ્લેખ કરીને ટૉલ્સ્ટૉયને પૂછ્યું હતું કે અન્યાયી કાયદાનો વિરોધ કરવા માટે સજા ભોગવવી નૈતિક રીતે યોગ્ય છે કે નહીં? આવા અનોખા સવાલના જવાબમાં ટૉલ્સ્ટૉયે ગાંધીજીના સંઘર્ષને માત્ર દક્ષિણ આફ્રિકા પૂરતી સમસ્યા ગણી નહીં, પણ એમાં તેમને પ્રેમ અને નમ્રતા સામે ક્રૂરતા અને હિંસાનો મોટો માનવીય સંઘર્ષ દેખાયો. અહીંથી બે વ્યક્તિ વચ્ચેનો સંવાદ વધુ ગહન બન્યો. ગાંધીજી ટૉલ્સ્ટૉય પાસે માત્ર સલાહ માગતા નહોતા, તેઓ પોતાની માન્યતાઓની તેમની પાસે કસોટી કરાવતા હતા.
૧૯૧૦માં ગાંધીજીએ સત્યાગ્રહીઓના આશ્રય માટે જગ્યા ખરીદી ‘ટૉલ્સ્ટૉય ફાર્મ’ નામ આપ્યું. સાદું જીવન, જાતમહેનત, ખેતી, શિક્ષણ, સામૂહિક જીવન અને વિવિધ ધર્મના-વર્ગના લોકો સાથે રહેવાના પ્રયોગો ત્યાં થયા. એ ફાર્મ ગાંધીજીની સામૂહિક જીવનની કલ્પનાની પ્રયોગશાળા બની ગયું. એટલે ટૉલ્સ્ટૉયનો ગાંધીજી પરનો પ્રભાવ માત્ર પુસ્તકો પૂરતો નહોતો‌. એ પ્રભાવ ભોજનની થાળીમાં પણ દેખાયો, ખેતરમાં ઊગતા પાકમાં અને સ્કૂલના શિક્ષણમાં પણ દેખાયો‌ અને જીવન જીવવાની રીતમાં વિસ્તર્યો. 
ગાંધીજીએ ટૉલ્સ્ટૉય, થૉરો, રસ્કિન, ભગવદ્ગીતા, જૈન-હિન્દુ ધર્મ પરંપરા અને શ્રીમદ રાજચંદ્ર સહિત અનેક સ્રોતોમાંથી વિચારો ગ્રહણ કર્યા હતા અને પોતાના જીવનના પ્રયોગોને તેમણે નવાં સ્વરૂપો આપ્યાં હતાં. ટૉલ્સ્ટૉયના હિંસા સામેના નૈતિક પ્રતિકારના વિચારને તેમણે સત્યાગ્રહના રૂપમાં વિકસાવ્યો. ગાંધીજીએ પોતાના પુસ્તક ‘ઇન્ડિયન હોમ રૂલ’ (હિન્દ સ્વરાજ) વિશે અભિપ્રાય આપવા વિનંતી કરી હતી. લિયોએ બે પત્રોમાં વિસ્તૃત ઉત્તર આપ્યો અને ‘અસહકારની ચળવળ’નો વિચાર ગમ્યો. ૧૯૧૦માં તેમનું મૃત્યુ થયું. બન્ને ક્યારેય મળી શક્યા નહીં. જોકે ક્યારેક મુલાકાત કરતાં સંવાદ વધુ લાંબો જીવતો હોય છે. ટૉલ્સ્ટૉયના વિચારો રશિયા પૂરતા જ ન રહ્યા, પણ ભારતના એક યુવાનના જીવનમાં પ્રવેશી ચૂક્યા હતા અને તે યુવાને પછી આખા વિશ્વને સાબિત કરી બતાવ્યું કે હિંસાનો જવાબ હંમેશાં હિંસા હોવો જરૂરી નથી.
બે મહાન વિચારકો ક્યારેય સામસામે મળ્યા નહોતા છતાં ૭ પત્રોએ સત્ય, પ્રેમ, અહિંસા અને સાદગીનો એવો સંવાદ રચ્યો જે એક સદી પછી પણ અધૂરો લાગતો નથી.
Googleને તસવીર ન મળી પણ ઇતિહાસને અમર સંવાદ મળી ગયો.

બાય ધ વે

તમને ખબર છે કે ટૉલ્સ્ટૉય ફાર્મમાં ગાંધીજી પોતે બાળકો માટે ચંપલ-જૂતાં બનાવતા હતા? કારણ કે સ્વાવલંબન અને સાદગીભર્યા જીવનને તેમણે ટૉલ્સ્ટૉય ફાર્મની ‘નયી તાલીમ’ના પ્રયોગોમાં પણ વણી લીધું હતું. કોઈ બાબત માટે બીજા પર અવલંબન કરવું ન પડે એ જ હેતુથી આગળ જતાં ઘરે-ઘરે ચરખો અને ખાદીનો પ્રચાર કર્યો. એટલે જ કહેવાતું હતું કે વિદેશી વસ્તુઓની હોળી ભારતની ગલીઓમાં થતી હતી અને એની ઝાળ ઇંગ્લૅન્ડની રાણીના રાજમહેલને લાગતી હતી .

-યોગેશ શાહ

columnists mahatma gandhi india exclusive gujarati mid day