24 September, 2026 07:20 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
વિષય જ્યારે શ્રદ્ધાનો હોય ત્યારે સવાલ કે શંકાને સ્થાન ન હોય; પરંતુ જ્યારે તહેવારો એનાં મૂળિયાં ગુમાવીને માત્ર સેલિબ્રેશન, ઇવેન્ટ કે વ્યવહાર બની જાય ત્યારે ભીતર કંઈક ખટકે ખરું. વ્યક્તિગત નહીં, સંયુક્તપણે-સામૂહિકપણે બહુબધા લોકો જવાબદાર લાગે. જોકે સાવ નિરાશ થવાને બદલે સમજવાનો પ્રયાસ કરીએ તો ક્યાંક ભયથી અથવા આશા-અપેક્ષાથી અંતે તો લોકો ઈશ્વર તરફ વળતા દેખાય છે. જે છે એ ખોટું નથી, માત્ર એને વધુ સારું અને સાચું કરવા તરફ જવામાં સાર છે.
ગણપતિબાપ્પા દર વર્ષની જેમ અનેક લોકોના ઘરે પધાર્યા, અસંખ્ય મંડપોમાં પણ બિરાજ્યા અને ગણપતિબાપ્પા મોરયા, પુઢચ્યા વર્ષી લવકર યા... પણ થઈ ગયું. જૈનોના પર્યુષણ પણ પૂરા થયા. મિચ્છા મિ દુક્કડં કહીને ક્ષમાના ભાવ શબ્દોમાં એકબીજાને મોકલાયા. હવે નવરાત્રિની તૈયારી શરૂ થશે. પછી દિવાળી કતારમાં ઊભી જ છે અને એ પછી ક્રિસમસ-નાતાલ. રજાઓ અને મજાઓ.
આપણે વર્ષોથી આ જ રીતે તહેવારોના દિવસો પસાર કરી રહ્યા છીએ. આપણા તહેવારોનું ખરું માહાત્મ્ય ઘટતું યા ભુલાતું જાય છે. એ હવે બહુ ઝડપથી સેલિબ્રેશન અને ઇવેન્ટ બનતા જાય છે, જ્યારે ક્યાંક-ક્યાંક તહેવાર માત્ર વ્યવહાર બનતા જાય છે. સાર્વજનિક ગણપતિબાપ્પાને ઠેર-ઠેર બધા વિસ્તારોના રાજા બનાવવાનું માર્કેટિંગ થાય છે. મૂર્તિઓ જેટલી મોટી કે નોખી એટલું લોકોનું ઘેલું વધુ, પ્રચાર વધુ એમ પ્રસાર વધુ. લોકોની દર્શનની કતાર લાંબી એમ (અંધ) શ્રદ્ધા ફેલાવવાનો બિઝનેસ પણ લાંબો.
આ ઉત્સવોમાં ગણપતિબાપ્પાના જીવનની કથામાંથી સર્જાતા ઉપદેશ, બોધ, સંદેશ, રિદ્ધિ-સિદ્ધિનો અર્થ, ભક્તિ, તેમના ગુણો વગેરેમાંથી લોકોએ શું પામવું, શું જીવનમાં ઉતારવું જોઈએ એ વિશે કેટલું નક્કર કામ થાય છે? શું ગણેશોત્સવ એટલે બાપ્પાની મૂર્તિનું આગમન અને વિસર્જન, બસ? અત્યારની નવી પેઢી અને આવનારી પેઢી ગણેશોત્સવને શું સમજશે એ સવાલનો જવાબ તો બાપ્પા જાણે.
ઉદ્દેશ ટીકા કે વિરોધનો નથી
આ વિષયમાં કોઈ પણ અને કોઈની પણ ટીકા કે વિરોધ કરવાનો ઉદ્દેશ યા ભાવ નથી. આ તો સમય-સમયની વાત છે. પરિવર્તન તો કુદરતનો નિયમ છે, પણ અમુક પરિવર્તનો માણસોના નિયમ બની ગયાં છે. અલબત્ત, કેટલીક બાબતોમાં અંધશ્રદ્ધાના પરોક્ષ લાભ પણ હોય છે, જે લાભ જરૂરતમંદ વર્ગને મળે છે. આવા તહેવારો દરમ્યાન અનેક આર્થિક વ્યવહારો થાય છે, અનેક લોકો માટે રોજગાર ઊભા થાય છે, વેપાર-ધંધા વિકસે છે. આમ તો ભગવાનના નામે કે નિમિત્તે આખું વર્ષ-વર્ષોના વર્ષો બહુબધા નાના લોકોના પણ રોજગાર ચાલતા રહે છે.
ઉપવાસનાં પ્રદર્શનો કે પ્રચાર જરૂરી?
આ જ સમય દરમ્યાન પર્યુષણમાં ઉપવાસોની હારમાળા ચાલે. વિવિધ ઉપવાસોના પ્રચાર થાય, લોકોમાં એનું મહત્ત્વ વધે, તપસ્યા વધે એ સારું છે; પણ ખરેખર તો ઉપવાસ જાત પાસે બેસવાની વાત છે. એમાં આટલો પ્રચાર કેમ? શું ભગવાન ઉપવાસમાં આવું કરતા હતા? તો ભક્તો કેમ આવું કરતા હશે? પારણાં જબરદસ્ત ઇવેન્ટ બને. ક્ષમાપના શરૂ થાય જેનો ઉદ્દેશ ઉત્તમ; પરંતુ મિચ્છા મિ દુક્કડંના રેડીમેડ મેસેજ બને, એમાં શબ્દોના શણગાર સજાવવામાં આવે, અનેક શબ્દો તો કૉપી-પેસ્ટ કરીને મોકલવામાં આવે; પણ સાચી ક્ષમા ક્યાં અને કેટલી? જે શબ્દો હૃદયમાંથી આવ્યા જ નથી એમાં ભાવ કઈ રીતે આવે? આ મામલે પણ નવી પેઢી શું સમજે છે ભગવાન જાણે. જૈન ધર્મ શાંતિ-અહિંસાનો હિમાયતી છે. એમાં માનવજીવનની સાર્થકતા માટે અગાધ જ્ઞાન સમાયેલું છે. પર્યુષણ વ્યાખ્યાનમાળામાં એ વિચારોને લોકો સુધી પહોંચતા કરવાના આવકાર્ય પ્રયાસો થતા રહે છે. મહારાજસાહેબો લોકોના જીવનમાં સુપરિવર્તન લાવવા જીવન સમર્પિત કરી રહ્યા છે. ખરેખર તો ધર્મની સાચી સમજ લોકોના જીવનમાં ઊતરે એવા નક્કર પ્રયાસ થાય એમાં ઉત્સવોની સાર્થકતા ગણાય.
નવરાત્રિ અને દિવાળીના દિવસોનો મહિમા પણ આજે શું રહ્યો છે? ક્યાં છે સાચી ભક્તિ-આરાધના? મહદંશે પ્યૉર બિઝનેસ ચાલતો રહે છે. નાતાલ તો વળી ઇન્ટરનૅશનલ તહેવાર. એ પણ કઈ રીતે ઊજવાય છે એ જગજાહેર છે. એમ છતાં પ્રવાહ વધતો જાય છે. બાકી એના વિશે ગૉડ જાણે.
નવી જનરેશન શું સમજશે? શું અનુસરશે?
અમે ફરી સ્પષ્ટતા કરીએ કે હાલ જે થઈ રહ્યું છે એ બધું ખોટું કે અયોગ્ય જ છે એવું કહેવાનો ઉદ્દેશ અને ભાવ નથી. આ પરંપરાના, શ્રદ્ધાના, ભક્તિના, તપ-સાધનાના સાચા અર્થને સમજીને વધુ ઉચ્ચ-ઉત્તમ કક્ષાએ લઈ જઈએ. વ્યવહાર ખાતર કે લોકો ખાતર નહીં; જે શાસ્ત્રોએ સમજાવ્યું છે, સાચા ગુરુઓ કહેતા રહ્યા છે; જેમાં સત્ત્વ, તત્ત્વ તેમ જ સાર્થકતા હોય.
અલબત્ત, આ વિભિન્ન તહેવારોમાં એક સારું પાસું એ ગણાય કે આ ઉત્સવોના બહાને કે નિમિત્તે લોકો એકબીજાને પ્રત્યક્ષ મળે છે. ડિજિટલ કનેક્શનને બદલે ફિઝિકલ કનેક્શન વધે છે. બાકી તો આગામી સમયમાં આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ ઘણું રેડીમેડ તૈયાર કરી આપશે. એક-બે દાયકા બાદની જેન-ઝી કે આલ્ફા જનરેશન કઈ રીતે તહેવાર ઊજવશે? હાલ કલ્પના કરવી કઠિન છે.
ગણેશોત્સવ, નવરાત્રિ, નાતાલ જેવા તહેવારો બિગ બિઝનેસ બનતા ગયા છે ત્યારે સવાલ થાય કે આ બધાં પરિવર્તનો કોણ લાવી રહ્યું છે? આપણે કહીએ અથવા માનીએ કે નવી જનરેશન લાવી રહ્યું છે, પણ ખરેખર તો આ પરિવર્તન બિઝનેસ માઇન્ડમાંથી સર્જાય છે અને ફેલાવાય છે. હવે તો સોશ્યલ મીડિયાની ઇમ્પૅક્ટ પણ જોરશોરથી કામ કરી રહી છે. ઉત્સવ, તહેવાર, શ્રદ્ધા, ભક્તિ, ઉપવાસ, તપસ્યા, પૂજા, પ્રાર્થના, ક્ષમા જેવા પવિત્ર શબ્દોના અર્થ ઝડપથી બદલાઈ રહ્યા છે. એ મોટા ભાગે માત્ર મનોરંજનના માર્ગ બનતા જાય છે. આપણે કઈ દિશામાં જઈ રહ્યા છીએ, કદાચ આપણને જ ખબર નથી અથવા આપણે દિશા બદલવા કે પોતાની દિશા બનાવવા તૈયાર નથી.
છેલ્લે આપણા સૌ માટે એક જ વાત યા મુદ્દો કહેવો છે કે ઈશ્વરને ઇવેન્ટ ન બનાવીએ, ભક્તિ અને શ્રદ્ધાને પ્રદર્શનનું માધ્યમ ન બનાવીએ. બાય ધ વે, આ લખાણ વાંચીને ક્યાંક કોઈનું પણ દિલ કે લાગણી દુભાઈ હોય તો હૃદયપૂર્વક ક્ષમા માગીને વાત પૂરી કરું છું.
-જયેશ ચિતલિયા