27 September, 2026 03:34 PM IST | Mumbai | Varsha Chitaliya
વિસર્જિત કરાયેલી મૂર્તિ સાથે મલ્હાર કળંબે અને ખંડિત મૂર્તિને પ્રોસેસ કરી રહેલા ડૉ. બિનિશ દેસાઈ.
મુંબઈગરાઓએ ‘પુઢચ્યા વર્ષી લવકર યા’ના નારા સાથે ભારે હૈયે અને ભીની આંખે બાપ્પાને વિદાય આપી. દર વર્ષે ઉત્સવનો કોલાહલ શાંત થયા પછી મુંબઈના દરિયાકિનારા પર એક કડવી વાસ્તવિકતા જોવા મળે છે. વિસર્જન બાદ પ્લાસ્ટર ઑફ પૅરિસ (PoP)ની અસંખ્ય ખંડિત મૂર્તિઓના ઢગલાનો અને અન્ય સામગ્રીઓનો નિકાલ કરવો પર્યાવરણવાદીઓ અને મુંબઈ મહાનગરપાલિકા માટે માથાનો દુખાવો બને છે. ભૂતકાળના આંકડા પર નજર કરીએ તો ૨૦૨૫માં ૧.૯૭ લાખ મૂર્તિઓના વિસર્જન બાદ પ્રશાસને ૧૯૮૨ ટન PoPના અવશેષો ભેગા કર્યા હતા. આ કેમિકલ વેસ્ટને વંચિત બાળકના સોનેરી ભવિષ્યનો આધાર બનાવી દેવામાં આવે તો?
આ કોઈ કાલ્પનિક વિચાર નથી. માત્ર ૧૬ વર્ષની ઉંમરે પોતાની વેસ્ટ મૅનેજમેન્ટ કંપની શરૂ કરીને પર્યાવરણ અને વેસ્ટ મૅનેજમેન્ટના ક્ષેત્રમાં અસાધારણ સંશોધનો, નવીન શોધો અને સામાજિક યોગદાન બદલ જેમને ‘રીસાઇકલમૅન ઑફ ઇન્ડિયા’નું બિરુદ મળ્યું છે એવા ડૉ. બિનિશ દેસાઈ અને મુંબઈના જાણીતા એન્વાયર્નમેન્ટલ ઍક્ટિવિસ્ટ મલ્હાર કળંબેએ સાથે મળીને સર્જેલી અદ્ભુત ક્રાન્તિ છે. ૨૦૨૪માં શરૂ થયેલા PoP Ganesh Recycling Initiative અંતર્ગત વિસર્જિત મૂર્તિઓના અવશેષો આદરપૂર્વક એકત્રિત કરાયા અને ડૉ. બિનિશની ખાસ મૂર્તિસાઇકલ નામની ટેક્નૉલૉજીની મદદથી લૅબોરેટરીમાં એના પર અવનવા પ્રયોગો થયા. બે વર્ષમાં તેમની ટીમે ૩૨૦૦ કિલોથી વધુ અવશેષોને રીસાઇકલ કરીને ૭૬૦થી વધુ સ્ટડી-ટેબલ બનાવીને અંતરિયાળ વિસ્તારની સરકારી સ્કૂલોમાં મફત પહોંચાડ્યા છે. જે PoP ગઈ કાલ સુધી પર્યાવરણને દૂષિત કરતું હતું એ આજે બાળકો માટે અક્ષરજ્ઞાનનું નવું સર્જન બન્યું છે. આ અનોખી સફર, ગ્રાઉન્ડ રિયલિટી અને પડકારો વિશે તેમણે ‘મિડ-ડે’ સાથે કરેલી વાતચીત અહીં પ્રસ્તુત છે.
દરિયાકિનારેથી બાપ્પાની વિસર્જિત મૂર્તિઓ એકત્રિત કરીને એમાંથી સ્ટડી-ટેબલ બનાવવાનો આઇડિયા કઈ રીતે આવ્યો? આ પ્રશ્નનો જવાબ આપતાં વલસાડના ડૉ. બિનિશ દેસાઈ કહે છે, ‘મહારાષ્ટ્રમાં દર વર્ષે ગણેશોત્સવ દરમ્યાન PoPની મૂર્તિઓના આશરે ૪૫૦૦ ટન અવશેષો પેદા થાય છે, જેમાંથી માત્ર મુંબઈ એકલું જ આશરે ૧.૫ લાખ મૂર્તિઓમાંથી ૬૭૫ ટન જેટલા અવશેષો આપે છે. PoP પાણીમાં સરળતાથી ઓગળતું નથી, જે દરિયાઈ જીવસૃષ્ટિને નુકસાન પહોંચાડે છે અને પર્યાવરણીય પ્રદૂષણ ફેલાવે છે. ૨૦૧૮થી હું સીક્રેટ વેસ્ટ પ્રોજેક્ટ પર કામ કરી રહ્યો હતો. ગણેશોત્સવ દરમ્યાન ઉપયોગમાં લેવાતા PoP, અબીલ-ગુલાલ અને ફૂલોના અવશેષોમાંથી શું નવું અને મજબૂત બનાવી શકાય એના પર રિસર્ચ ચાલતું હતું. આપણે ખૂબ પ્રેમ અને ભક્તિભાવથી બાપ્પાને ઘરે લાવીએ છીએ, પણ વિસર્જન થઈ ગયા પછી ખંડિત મૂર્તિઓ જોઈએ ત્યારે ભક્ત તરીકે દિલને ઠેસ પહોંચે છે. વલસાડ પ્રશાસન સાથે મળીને PoPની મૂર્તિઓમાંથી પર્યાવરણને અનુકૂળ કેટલીક પ્રોડક્ટ્સ બનાવી હતી, પરંતુ એ નાના પાયે હતું. આ વિચારને એક કદમ આગળ લઈ જવામાં મલ્હાર કળંબેની મદદ મળી. ૨૦૨૩થી મલ્હાર કૉમન ફ્રેન્ડ હતો અને તેને મારા રીસાઇક્લિંગના કામની ખબર હતી. તેણે મને પૂછ્યું કે શું આપણે વિસર્જિત મૂર્તિઓમાંથી ઉપયોગી વસ્તુ બનાવી શકીએ? બસ, અહીંથી જ અમારી શરૂઆત થઈ. ૨૦૨૩માં પ્રાયોગિક ધોરણે મૂર્તિઓના અવશેષોમાંથી કી-ચેઇન, પ્લાન્ટર્સ અને પેન-હોલ્ડર જેવી નાની ગિફ્ટ-આઇટમ્સ બનાવી. એટલું જ નહીં, મૂર્તિઓની અંદર સપોર્ટ માટે જે લાકડાનું ભૂસું વપરાય છે એને પણ ઉપયોગમાં લઈ લીધું.’
નાની ગિફ્ટ બાદ ૨૦૨૪માં અમે સમાજ માટે કંઈક વધુ ઉપયોગી બનાવવાનું વિચાર્યું એમ જણાવીને ડૉ. બિનિશ દેસાઈ કહે છે, ‘વંચિત વર્ગનાં બાળકો વાપરી શકે એવાં સ્ટડી-ટેબલ બનાવવાનો પ્રયોગ કરી જોયો. ૨૦૨૫માં આશરે ૩ ટન અવશેષ રીસાઇકલ કરીને ૭૬૦ સ્ટડી-ટેબલ બનાવ્યાં. રોટરી ક્લબ ઑફ નવી મુંબઈ-જૉય ઑફ ગિવિંગ સાથે ભાગીદારી કરી. રોટરી ક્લબે આ ટેબલોને સરકારી સ્કૂલોનાં એવાં ગરીબ બાળકો સુધી પહોંચાડ્યાં જેઓ એને ઘરે લઈ જઈને ભણી શકે. અંતરિયાળ વિસ્તારોમાં ગરીબ બાળકો પાસે ઘરે બેસીને ભણવા માટે ટેબલ-ખુરસી જેવાં સાધનો હોતાં નથી. કલાકો સુધી જમીન પર વાંકા વળીને બેસવાને કારણે નાની ઉંમરે તેમની પીઠમાં ખૂંધ આવી જાય છે અને બેસવાની ખોટી પોઝિશનને લીધે શારીરિક સમસ્યાઓ થાય છે. બાપ્પાના આશીર્વાદથી બનેલાં ટેબલો હવે બાળકોને આ તકલીફમાંથી બચાવશે. અમે એટલે જ આ પ્રોજેક્ટનું સ્લોગન ‘વિસર્જન સે વિદ્યા તક’ રાખ્યું છે. ત્યાર બાદ નવી મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશન (NMMC) અને વિવિધ શૈક્ષણિક સંસ્થાઓ સાથે મળીને મોટું નેટવર્ક ઊભું કરવામાં આવ્યું. આ પાયોનિયર પ્રોજેક્ટની સફળતા જોઈને રોટરી ઇન્ટરનૅશનલ ડિસ્ટ્રિક્ટે એને અપનાવી લીધો અને ૩ વર્ષનો કરાર કર્યો છે. આ પ્રોજેક્ટના પ્રથમ બે તબક્કા દરમ્યાન ૮૧૦ વિસર્જિત ગણેશમૂર્તિઓને વૈજ્ઞાનિક ઢબે રીસાઇકલ કરવામાં આવી, જેનાથી આશરે ૨૫૦૦ કિલો PoP અવશેષ પ્રકૃતિમાં ભળતા અટકાવી દેવાયા. મૂર્તિ સાઇકલ નામની ટેક્નૉલૉજીથી બનાવેલાં સ્ટડી-ટેબલ રબાળે (નવી મુંબઈ) ખાતે આવેલી પીએમ શ્રી રાજર્ષિ છત્રપતિ શાહુ મહારાજ વિદ્યાલયના ૭૬૦ વિદ્યાર્થીઓને વિતરિત કરવામાં આવ્યાં છે. આ આખી પ્રક્રિયાને કારણે ૪૨૫૦ કિલો કાર્બન ઉત્સર્જન ઓછું થયું છે, જે પર્યાવરણની દૃષ્ટિએ આશરે ૨૧૩ પુખ્ત વૃક્ષો એક વર્ષમાં જેટલો ઑક્સિજન આપે એના બરાબર છે.’
ગ્રાઉન્ડ લેવલ પર કલેક્શન સંભાળતા મલ્હાર કળંબે ‘મિડ-ડે’ સાથેની ખાસ વાતચીતમાં કહે છે, ‘બાપ્પાની મૂર્તિ અમારા માટે અવશેષ નથી, શ્રદ્ધાનો વિષય છે. ગયા વર્ષથી ૬ ફુટથી નાની અને ઘરગથ્થુ મૂર્તિઓ કૃત્રિમ તળાવોમાં વિસર્જિત થાય છે. જોકે ગયા વર્ષે પોલીસ અને પ્રશાસન સાથે દલીલ કરીને ઘણાએ દરિયામાં મૂર્તિઓ પધરાવી હતી, પણ આ વખતે નિયમ એકદમ કડક થઈ જતાં અમારું કામ સરળ થઈ ગયું છે. દરિયાકિનારે ઓપન બીચ પર મૂર્તિઓ મોજાં સાથે તણાઈ જતી, ખંડિત થતી અને રેતી તથા બીજા કચરા સાથે મિક્સ થઈ જતી હતી. એની સરખામણીએ કૃત્રિમ તળાવોમાં આ મટીરિયલ એક જ જગ્યાએ એકત્રિત રહે છે, જેથી રિકવરી અને સૉર્ટિંગ કરવાનું કામ સરળ બન્યું. NMMC સાથે અમારું ટાઇઅપ છે. તેઓ કૃત્રિમ તળાવોમાંથી અવશેષો કલેક્ટ કરીને એક જગ્યાએ રાખે છે. તેમના કલેક્શન સેન્ટરમાંથી લઈ જઈને અમે વલસાડ પહોંચાડીએ છીએ. જોકે આમાં પણ લૉજિસ્ટિક્સનો મોટો પડકાર છે. ટનબંધ PoP એકત્રિત કરીને, એને યોગ્ય રીતે સ્ટોર કરીને વલસાડની ફૅક્ટરી સુધી સુરક્ષિત પહોંચાડવા માટે મેનપાવર અને સંકલનની જરૂર પડે છે. અમારો અસલી પડકાર માત્ર અવશેષો ભેગા કરવાનો નથી. એ અવશેષો ફરી પાછા ક્યાંય ડમ્પિંગ ગ્રાઉન્ડમાં વેસ્ટ ન બને અને સીધા રીસાઇક્લિંગ યુનિટ સુધી પહોંચે એ સુનિશ્ચિત કરવાનો છે. NMMC પાસેથી આ વર્ષે અંદાજે ૩૦૦૦ કિલો અવશેષો મળશે. અમારી પાસે ૮૦૦૦ કિલો અવશેષો પહોંચાડવા માટે ફન્ડિંગ તૈયાર છે. આથી થાણે, મીરાં-ભાઈંદર અને BMC સાથે પણ વાત ચાલી રહી છે.’
વિસર્જન-સ્થળો પરથી મૂર્તિઓ એકત્રિત કરતાં પહેલાં અમારી આખી ટીમ પૂજા કરે છે એમ જણાવીને મલ્હાર કળંબે કહે છે, ‘અમે બાપ્પા સામે પ્રાર્થના કરીએ છીએ કે આ કામ દરમ્યાન જો અમારાથી અજાણતાં કોઈ ભૂલ થઈ જાય તો ક્ષમા કરે. આ ભાવના અમારી ટીમને ટનબંધ વજન ઉપાડતી વખતે પણ થાકવા નથી દેતી. આ પ્રોજેક્ટ અત્યંત સંવેદનશીલ હોવાથી કલેક્શન-પ્રોસેસમાં બહારના કોઈ વૉલન્ટિયર્સ કે સામાન્ય લોકોને જોડતા નથી. અમારી કોર ટીમ જ આખું હૅન્ડલિંગ કરે છે, જેથી બાપ્પાની મૂર્તિઓની ગરિમા જળવાઈ રહે. બીજું એક મોટું કારણ એ છે કે કલેક્શન અને ટ્રાન્સપોર્ટેશન દરમ્યાન મૂર્તિઓની ખંડિત તસવીરો કે વિડિયો સોશ્યલ મીડિયા પર આઉટ-ઑફ-કૉન્ટૅક્સ્ટ વાઇરલ ન થાય અને કોઈની લાગણી ન દુભાય એની કાળજી રાખીએ છીએ. ગણેશમંડળો અને પ્રશાસન તરફથી અમને સકારાત્મક પ્રતિભાવ મળી રહ્યો છે. મુંબઈકરને એક જ વિનંતી છે કે બને ત્યાં સુધી ઇકો-ફ્રેન્ડ્લી મૂર્તિઓ જ લાવો. આ જ અમારો સાચો મેસેજ છે. જે લોકો વિવિધ કારણોસર PoPની મૂર્તિ લાવવી પડે છે તેઓ એને અવશેષ ન ગણે પણ એક જવાબદાર ચૅનલ દ્વારા અમારા સુધી પહોંચાડે જેથી એ કોઈ બાળકના શિક્ષણે પાયો બની શકે. જોકે શાડૂ માટી નૅચરલ રિસોર્સ છે, એનો ઉપયોગ વધે તો એ પણ એક દિવસ ખતમ થઈ જશે. ગણેશભક્તોએ પેપર અને ગાયના છાણનો ઉપયોગ કરીને બનાવેલી મૂર્તિની સ્થાપના કરવી જોઈએ. આપણી પાસે ઇકો-ફ્રેન્ડ્લી મૂર્તિ માટે શાડૂ માટી સિવાય પણ ઘણા વિકલ્પો છે. અમારી ટીમે મુંબઈનાં વિસર્જન-સ્થળો પરથી મૂર્તિઓ એકત્રિત કરવા, એને સુરક્ષિત રીતે ડિસમેન્ટલ કરવા, સૉર્ટિંગ કરવા, પૅકિંગ કરવા અને વલસાડની રીસાઇક્લિંગ ફૅસિલિટી સુધી પહોંચાડવાની આખી લૉજિસ્ટિક્સ જવાબદારી સફળતાપૂર્વક સંભાળી છે.’
વલસાડ યુનિટમાં સ્ટડી-ટેબલ બનાવવાનું કામ મહિલાઓ સંભાળે છે. અત્યારે ૧૭ બહેનો કામ કરી રહી છે અને આ તમામ પ્રોડક્ટ્સ ૧૦૦ ટકા હૅન્ડમેડ છે. ડૉ. બિનિશ કહે છે, ‘આજના ફાસ્ટ વર્લ્ડમાં લોકો ભૂલી ગયા છે કે હાથથી કામ કરવામાં સમય અને મહેનત બન્ને લાગે છે. PoP કુદરતી રીતે ઓગળતું નથી એટલે એને રીસાઇકલ કરવું અત્યંત જટિલ છે. એકત્રિત કરાયેલી મૂર્તિઓમાંથી પહેલાં ફૂલ-હાર અને કેમિકલ કલર્સ અલગ કરવામાં આવે છે. ત્યાર બાદ PoPનો પાઉડર બનાવી, બાઇન્ડિંગ એજન્ટ્સ સાથે મિક્સ કરીને મોલ્ડમાં ઢાળવામાં આવે છે. આ રીતે તૈયાર થતી બેન્ચ લાકડા કે લોખંડ જેટલી જ ટકાઉ હોય છે. આ બધું કામ બહેનો પોતાના હાથે કરે છે. આગામી બે વર્ષમાં અમારો ટાર્ગેટ આ રોજગારીને વધારીને ૧૦૦ બહેનો સુધી પહોંચાડવાનો છે, જેથી તેઓ આત્મનિર્ભર બની શકે. આ પુણ્યના કામમાં લોકો પણ સીધા જોડાઈ શકે છે. બાળકના જન્મદિવસે પાર્ટી આપવાને બદલે ૧૦ સ્ટડી-ટેબલ સરકારી સ્કૂલનાં બાળકો માટે ડોનેટ કરવા માગો છો તો અમારી ટીમનો સંપર્ક કરો. લોકોને એવું લાગે છે કે પ્રોડક્ટ મોંઘી છે, બજારમાં સસ્તાં ટેબલ મળી રહે છે. જોકે આ ઇકો-ફ્રેન્ડ્લી ટેબલની પાછળ આખી વૈજ્ઞાનિક પ્રક્રિયા અને માનવશ્રમ છુપાયેલાં છે. એને મુંબઈથી વલસાડ લાવવી, ક્રશ કરવામાં અને હાથથી પ્રોસેસ કરવામાં કદમ-કદમ પર પડકારો છે. હાલમાં એક સ્ટડી-ટેબલની કિંમત ૨૯૦૦ રૂપિયા છે. અમે એક અનોખી સિસ્ટમ પણ બનાવી છે. જેટલાં સ્ટડી-ટેબલ વેચીશું, દરેક ટેબલદીઠ ૧૦૦ રૂપિયા સાઇડમાં રાખીશું જેથી જરૂરિયાતમંદ બાળકો માટે સ્કૉલરશિપ ફન્ડ ઊભું કરી શકાય. આગામી સમયમાં લૉજિસ્ટિક્સ અને ટ્રાન્સપોર્ટેશનનો ખર્ચ ઓછો થશે તો અમે લોકોને આ ટેબલ સસ્તા દરે આપી શકીશું. અમને સરકાર તરફથી કોઈ નાણાકીય સહાય નથી મળતી, પણ વહીવટી સ્તરે સહકાર બહુ સારો છે. વિસર્જન બાદ પૂજાના અવશેષો અને મૂર્તિઓ એકત્રિત કરીને અમને સોંપવાની પરવાનગી તરત જ આપી દે છે, જે અમારા કામ માટે બહુ મોટો સપોર્ટ છે.’
ડૉ. બિનિશ દેસાઈનો ‘પુષ્પમ’ પ્રોજેક્ટ પણ વેસ્ટ-ટુ-વેલ્થ સસ્ટેનેબિલિટી ડ્રાઇવ પ્રોજેક્ટ છે. ૨૦૨૩માં એની સત્તાવાર જાહેરાત કરાઈ હતી અને ૨૦૨૪થી ૨૦૨૬ દરમ્યાન તેમની કંપનીએ ઉજ્જૈન મહાકાલ મંદિર, શ્રી કષ્ટભંજન હનુમાન સાળંગપુર ધામ, નાથદ્વારા શ્રીનાથજી મંદિર, અયોધ્યામાં હનુમાન ગઢી જેવાં ભારતનાં પ્રખ્યાત મંદિરો સાથે ટાઇ-અપ કરીને કામગીરીને દેશવ્યાપી બનાવી છે. ઉપરાંત અનેક નાનાં-મોટાં મંદિરો અને જૈન દેરાસરોમાંથી પણ વેસ્ટ કલેક્ટ કરવામાં આવે છે. પુષ્પમ પ્રોજેક્ટનો ઉદ્દેશ ધાર્મિક સ્થળો પર ભક્તો દ્વારા શ્રદ્ધાપૂર્વક ચડાવવામાં આવતાં ફૂલોના નિર્માલ્યને નદીઓમાં વહાવી દેવા કે કચરાના ઢગલામાં ફેંકી દેવાને બદલે એની પવિત્રતા જળવાઈ રહે એ રીતે ઇકો-ફ્રેન્ડ્લી આધ્યાત્મિક પ્રોડક્ટ્સમાં રૂપાંતરિત કરવાનો છે. આ પ્રોજેક્ટની વિશેષતા એ છે કે દરેક મંદિરના નિર્માલ્યને કલેક્શનથી લઈને પ્રોસેસિંગ સુધી સંપૂર્ણપણે અલગ રાખવામાં આવે છે અને જે ધામમાંથી ફૂલો કલેક્ટ કર્યાં હોય ત્યાં બિરાજમાન ભગવાનની જ પ્રોડક્ટ્સ તૈયાર કરવામાં આવે છે. દાખલા તરીકે સાળંગપુરનાં ફૂલોમાંથી માત્ર કષ્ટભંજનદાદાની અને મહાકાલનાં ફૂલોમાંથી માત્ર શિવજીની જ વસ્તુઓ બને છે, જેથી ભક્તોની આસ્થા અકબંધ રહે. આ માટે પુષ્પસાઇકલ નામની એક નવીન પેટન્ટ ટેક્નૉલૉજી વિકસાવી છે. પરંપરાગત રીતે ફૂલોના નિર્માલ્યમાંથી માત્ર ધૂપ કે અગરબત્તી બને છે જેમાં માત્ર પાંખડીઓ વપરાય છે; પરંતુ પુષ્પસાઇકલ ટેક્નૉલૉજી દ્વારા ફૂલની પાંખડીઓ, દાંડી અને પાંદડાં સહિતના ભાગોને ઑર્ગેનિક મિશ્રણમાં ફેરવીને ભક્તિ મૅગ્નેટ, ભક્તિ કીચેઇન, ભક્તિ ફ્રેમ, પૂજાની થાળી, સુશોભન માટેના આર્ટિકલ્સ વગેરે બનાવવામાં આવે છે. મંદિરોના કચરાને વૈજ્ઞાનિક અને કલાત્મક રીતે રીપ્રોસેસ કરીને ભક્તો માટે રોજિંદા જીવનમાં ઉપયોગી થાય અને ભગવાનની હાજરીનો અહેસાસ કરાવે એવી સુંદર પ્રોડક્ટ્સની શ્રેણી પુષ્પમની વેબસાઇટ પર પ્રાઇસ સાથે ઉપલબ્ધ છે. સ્નેહલ શાહ, સલોની શાહ અને ડૉ. બિનિશનાં પત્ની યશવી દેસાઈ કો-ફાઉન્ડર છે. આગામી સમયમાં તેઓ અયોધ્યાના રામ મંદિર સાથે ટાઇ-અપ કરવાની યોજના ધરાવે છે.
વલસાડના વતની ડૉ. બિનિશ દેસાઈની સફર કોઈ ફિલ્મી વાર્તાથી કમ નથી. તેઓ માત્ર ૧૧ વર્ષના હતા ત્યારે ટીવી પર પ્રસારિત થતો Captain Planet ઍનિમેટેડ શો તેમનો ફેવરિટ હતો. એની એક લાઇન ‘પૉલ્યુશનને ઝીરો પર લાવવું છે’ બાળમાનસમાં બેસી ગયું. એક સામાન્ય ઘટનાએ તેમના જીવનની દિશા બદલી નાખી. ક્લાસરૂમમાં કોઈએ બેન્ચ નીચે ચ્યુઇંગગમ ચોંટાડી હતી, જે તેમણે કાગળના ટુકડામાં વાળીને મૂકી દીધી. થોડા દિવસ પછી જોયું તો ચ્યુઇંગગમ અને કાગળનું એ મિશ્રણ સુકાઈને પથ્થર જેવું મજબૂત બની ગયું હતું. આ આકસ્મિક ઘટનામાંથી તેમણે ઇકો-ફ્રેન્ડ્લી ઈંટ બનાવવાનો આઇડિયા આવ્યો. ૧૬ વર્ષની ઉંમરે વેસ્ટ મૅનેજમેન્ટ કંપની શરૂ કરી દીધી હતી. બાયોટેક્નૉલૉજીમાં બૅચલર્સ કર્યા પછી તેઓ માસ્ટર્સ કરવા અમેરિકા ગયા. પર્યાવરણ અને વેસ્ટ મૅનેજમેન્ટના ક્ષેત્રમાં કરેલાં અસાધારણ સંશોધનો, નવીન શોધો અને સામાજિક યોગદાન બદલ સાઉથ કોરિયા અને અમેરિકાના પ્રોફેસરોએ ઑનરરી PhDની પદવીથી સન્માનિત કર્યા. જોકે તેમને પોતાનો દેશ બહુ વહાલો છે એટલે પાછા આવી ગયા. ૨૦૧૮માં Forbes 30 Under 30 Asiaની યાદીમાં સ્થાન મળ્યું. ૨૦૧૯માં દિલ્હીમાં યુથ આઇકૉન અવૉર્ડ આપવામાં આવી રહ્યો હતો ત્યારે સ્ટેજ પરથી દેશના ભૂતપૂર્વ નાણાપ્રધાન સ્વ. અરુણ જેટલીએ તેમને પહેલી વાર ‘રીસાઇકલમૅન ઑફ ઇન્ડિયા’ કહીને સંબોધ્યા. ત્યારથી તેમના નામ સાથે આ જોડાઈ ગયું. તેઓ માને છે કે આ કોઈ સામાન્ય પદવી નથી પણ એક બહુ મોટી જવાબદારી છે. તેમને ખરા અર્થમાં રીસાઇકલમૅન બનીને જીવવું છે.
મલ્હાર કળંબે ભારતના પર્યાવરણવાદી યુવા કાર્યકર છે જેમણે માત્ર ૧૯ વર્ષની ઉંમરે ૨૦૧૭માં મુંબઈના દાદર દરિયાકિનારાને સાફ કરવાના ઉદ્દેશ સાથે Beach Please નામની સંસ્થાની શરૂઆત કરી હતી. ગણેશોત્સવ પછી દરિયાકિનારે ફેલાયેલા કચરા અને પ્લાસ્ટિકને જોઈને તેમના મનમાં આ અભિયાન શરૂ કરવાનો વિચાર આવ્યો હતો, જે આજે ભારતનું સૌથી મોટું યુવા-સંચાલિત પર્યાવરણ સંરક્ષણ આંદોલન બની ગયું છે. મલ્હાર અને તેમની ટીમે ૩૦૦થી વધુ અઠવાડિયાં સતત કાર્ય કરીને દાદર બીચ, મીઠી નદી અને ઐરોલીના મૅન્ગ્રોવ્ઝ વિસ્તારોમાંથી ૮૦ લાખ કિલોથી વધુ કચરો સફળતાપૂર્વક હટાવ્યો છે. પર્યાવરણ પ્રત્યેના આ અદ્ભુત સમર્પણ બદલ માર્ચ ૨૦૨૪માં નવી દિલ્હીના ભારત મંડપમ્ ખાતે યોજાયેલા પ્રથમ ‘નૅશનલ ક્રીએટર્સ અવૉર્ડ’ સમારોહ દરમ્યાન વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ મલ્હારને ‘સ્વચ્છતા ઍમ્બૅસૅડર અવૉર્ડ’ એનાયત કર્યો હતો. Forbes 100 Digital Starsમાં તેમને સ્થાન મળ્યું છે.