બગીચાની બેન્ચ અને હાથમાં ચોપડી!

25 June, 2022 12:52 PM IST  |  Mumbai | Jigisha Jain

સામૂહિક સામાજિક દાયિત્વ થકી શરૂ થયેલી આ લાઇબ્રેરીઓમાં બીએમસી ઇચ્છે છે કે પુસ્તકોનું દાન કરીને સામાન્ય મુંબઈકર પણ જોડાઈ જાય અને આ લાઇબ્રેરીને પોતીકી બનાવી લે

બગીચાની બેન્ચ અને હાથમાં ચોપડી!

મુંબઈના ૨૪ વૉર્ડનાં જુદાં-જુદાં ૨૪ ગાર્ડનમાં બીએમસી દ્વારા મફત લાઇબ્રેરી શરૂ કરવામાં આવશે જેમાંની ૧૧ અત્યારે કાર્યરત થઈ ગઈ છે, જેને લીધે ગાર્ડન જવાનાં કારણોમાં એક વધુ સુખદ કારણ જોડાઈ ગયું છે. સામૂહિક સામાજિક દાયિત્વ થકી શરૂ થયેલી આ લાઇબ્રેરીઓમાં બીએમસી ઇચ્છે છે કે પુસ્તકોનું દાન કરીને સામાન્ય મુંબઈકર પણ જોડાઈ જાય અને આ લાઇબ્રેરીને પોતીકી બનાવી લે

આમ ભલે મુંબઈનાં ગાર્ડન્સ અને પાર્ક હંમેશાં ભરેલાં જ હોય છે પરંતુ ચોમાસામાં એ સાવ ખાલીખમ થઈ જતાં હોય છે. વરસતા વરસાદમાં લોકો વૉક માટે ગાર્ડનમાં આવતા નથી અને માંદા ન પાડી જવાય એ બીકે પેરન્ટ્સ બાળકોને ગાર્ડનમાં રમવા આવવા દેતા નથી. જે લોકો દરરોજ ગાર્ડન જાય છે એ લોકો ચોમાસામાં ગાર્ડનને અનહદ મિસ કરે છે. પરંતુ કદાચ આ ચોમાસે એવું નહીં થાય. આ ચોમાસે લાગે છે કે મુંબઈનાં ગાર્ડન્સ ખાલી નહીં રહે, કારણ કે મુંબઈગરાઓને ગાર્ડન જવાનું એક વધુ સારું બહાનું મળી ગયું છે અને એ છે ઉદ્યાન વાંચનાલય. 
૨૪ વૉર્ડમાં લાઇબ્રેરી
બીએમસીના ૨૪ વૉર્ડના જુદા-જુદા બગીચાઓમાં કુલ ૨૪ લાઇબ્રેરીઓ ઊભી કરવાનો આ પ્રોજેક્ટ એટલે જ ઉદ્યાન વાંચનાલય પ્રોજેક્ટ, જેમાં હાલમાં કુલ ૧૧ લાઇબ્રેરીઓનું નિર્માણ થઈ ગયું છે અને બાકીની લાઇબ્રેરીઓ પણ જલદી બની જશે. મંત્રાલય, માટુંગા, દાદર, લોઅર-પરેલ, અંધેરી, ગોરેગામ, મલાડ, કાંદિવલી, બોરીવલી અને મુલુંડ એરિયામાં જુદા-જુદા બગીચાઓમાં બાળકો અને વયસ્ક લોકો માટે ફ્રી લાઇબ્રેરી શરૂ કરવામાં આવી છે. તમે ગાર્ડનમાં જાઓ, તમારી મનપસંદ ચોપડી લો, કુદરતી વાતાવરણનો આનંદ લેતાં-લેતાં વાંચો. વરસાદ આવતો હોય તો પણ લાઇબ્રેરીઓમાં એટલી વ્યવસ્થા છે કે તમે અંદર બેસીને પણ વાંચી શકો. 
મોકળાશનો સદુપયોગ
બીએમસીના સુપરિન્ટેન્ડન્ટ ઑફ ગાર્ડન જિતેન્દ્ર પરદેશી આ બાબતે કહે છે, ‘દરેક ગાર્ડનમાં કોઈને કોઈ સ્ટ્રક્ચર તો હોય જ છે. આઇડિયા હતો એ સ્ટ્રક્ચરના સદુપયોગનો. તો બીએમસીએ વિચાર્યું કે અહીં લાઇબ્રેરી શરૂ કરીએ તો લોકોને ગાર્ડનના વાતાવરણમાં વાંચવાની મજા પડશે. આમ વિચારવા જઈએ તો લોકો માટે ગાર્ડન કે પાર્ક એક એવી જગ્યા છે જ્યાં એ સ્ટ્રેસ-ફ્રી થઈ જતા હોય છે. આવી જગ્યાઓએ વ્યક્તિને શાંતિ મળે છે, કુદરત સાથે બે પળ વિતાવવાની મોકળાશ મળે છે અને 
એટલે જ આવી જગ્યાઓએ વાંચન કોઈ કરે તો એ ફળી શકે છે. ઘરની બંધ દીવાલો વચ્ચે વાંચવા કરતાં ગાર્ડનમાં બેઠાં-બેઠાં વાંચવાની મજા જુદી છે. એમાં કોઈ શંકા નથી. અમને આશા છે કે મુંબઈકરો આ ફૅસિલિટીનો પૂરો લાભ લેશે.’ 
સામૂહિક સામાજિક દાયિત્વ 
આ લાઇબ્રેરીઓનું નિર્માણ CSR - કૉર્પોરેટ સોશ્યલ રિસ્પૉન્સિબિલિટી એટલે કે સામૂહિક સામાજિક દાયિત્વ હેઠળ કરવામાં આવ્યું છે. એટલે કે મુંબઈમાં કામ કરનારી સમાજસેવી સંસ્થાઓ કે કંપનીઓ આ લાઇબ્રેરીની સ્થાપના અને એના મેઇન્ટેનન્સ માટે જવાબદાર બનશે. લાઇબ્રેરી માટે જરૂરી કબાટ, પુસ્તકો અને સ્ટેશનરી જેવી વસ્તુઓ આ કંપની કે સમાજ સેવી સંસ્થાઓ કે સામાન્ય નાગરિકો દ્વારા પૂરી પાડવામાં આવશે. હાલમાં ખૂલેલી ૧૧ લાઇબ્રેરીઓ આ જ રીતે કાર્યરત છે. બીએમસીની ૨૪ લાઇબ્રેરીમાંથી લગભગ ૨૦ જેટલી લાઇબ્રેરીનું કામ પ્રોજેક્ટ મુંબઈ નામની સામાજિક સંસ્થા સાંભળવાની છે જેમાં એમના વૉલન્ટિયર્સ પાસેથી હાલમાં પુસ્તકો એકઠાં કરવાનું કામ ચાલી રહ્યું છે. દરેક લાઇબ્રેરીમાં બાળકો માટે અને વયસ્કો માટે અલગ-અલગ પુસ્તકો હશે અને એની ગોઠવણી પણ એ જ રીતે કરવામાં આવશે.
લોકોની ભાગીદારી 
આ પ્રોજેક્ટમાં બીએમસી ઇચ્છે છે કે નાગરિકો પણ એમાં જોડાય અને પોતાનું યોગદાન આપે. એ વિશે વાત કરતાં પ્રોજેક્ટ મુંબઈના ફાઉન્ડર અને સીઈઓ શિશિર જોશી કહે છે, ‘જે પણ પ્રોજેક્ટમાં નાગરિકો જોડાઈ જાય એ પ્રોજેક્ટ આપોઆપ પોતીકો બની જાય છે. આજે ગાર્ડનમાં વૉક કરવા આવવાવાળી વ્યક્તિ જ ગાર્ડનમાં પુસ્તકો દાન કરે અને બીજા લોકોને એનો લાભ મળે એનાથી આ લાઇબ્રેરી આપણી છે એવો એક ભાવ ઉત્પન્ન થાય છે. એવું થાય પછી એના મેઇન્ટેનન્સ માટે વધુ પ્રયાસોની જરૂર નથી. વ્યક્તિ પોતાનું ઘર જે રીતે સાચવે એ જ રીતે અહી લાઇબ્રેરી પણ સાચવે. અમારો પ્રયાસ ખાસ એ રહેશે  કે રહેવાસીઓને લાગવા લાગે કે આ એમની લાઇબ્રેરી છે. પછી બધું આપોઆપ જળવાઈ રહે છે.’ 
માહોલ 
મુંબઈમાં મોટા ભાગનાં ઘરોમાં બાળકોને દરરોજ સાંજે કે શનિ-રવિની રજાઓમાં લઈ જવાની પ્રથા છે જ, જેને લીધે રિસ્પૉન્સ ઘણો જ સારો છે એમ જણાવતાં R/S વૉર્ડના ગાર્ડનના અસિસ્ટન્ટ સુપરિન્ટેન્ડન્ટ સચિન શામરાવ પારખે કહે છે, ‘અમારા વૉર્ડમાં કાંદિવલી ગાર્ડનમાં પહેલી જૂને લાઇબ્રેરીનું ઉદ્ઘાટન થયું હતું. પહેલા દિવસથી જ લોકોનો રિસ્પૉન્સ અહીં ઘણો સારો છે. ઘણા સ્ટુડન્ટ આવીને અમને ધન્યવાદ કહી ગયા, કારણ કે એમને વાંચવા માટે એક શાંત અને સારી જગ્યા મળી. અમુક સિનિયર સિટિઝન આવ્યા જેમણે કહ્યું કે ઘણા વખતે અમે એક બુક હાથમાં લીધી અને આખી વાંચી. એમનું વાંચન છૂટી ગયું હતું પરંતુ અહીં લોકોને વાંચતા જોઈને એમને વાંચવાની પ્રેરણા મળી. લાઇબ્રેરીના આવવાથી ગાર્ડનના માહોલમાં ઘણો ફરક આવ્યો છે.’ 

 પહેલા દિવસથી જ લોકોનો રિસ્પૉન્સ ઘણો સારો છે. ઘણા સ્ટુડન્ટ આવીને અમને ધન્યવાદ કહી ગયા, અમુક સિનિયર સિટિઝન આવ્યા જેમણે કહ્યું કે ઘણા વખતે અમે એક બુક હાથમાં લીધી અને આખી વાંચી. - સચિન શામરાવ પારખે

તમને ખબર છે?
કોરોનાને કારણે આવેલી મૂવમેન્ટ રિસ્ટ્રિક્શન્સને કારણે વિશ્વના ૩૫ ટકા લોકો દિવસમાં બે કલાકથી વધુ વાંચતા હતા. બાકી ૧૫થી ૪૪ વર્ષના લોકો સરેરાશ રોજનું દસ જ મિનિટ વાંચન કરે છે.

 

columnists Jigisha Jain