12 September, 2025 12:39 PM IST | Mumbai | Ruchita Shah
પ્રતીકાત્મક તસવીર
સામાન્ય રીતે નોકરી છોડવા પાછળ કામનું દબાણ, ઇન્ટર્નલ પૉલિટિક્સનો ત્રાસ કે મળી રહેલી નવી ઑપોર્ચ્યુનિટી જેવાં કારણો જવાબદાર હોય છે. જોકે આજની જેન-ઝીનાં પોતાનાં કારણો છે, તેમના પોતાના નિયમો છે અને તેમની પોતાની અપેક્ષાઓ છે. થોડા સમય પહેલાં એક સમાચાર તમે વાંચ્યા હશે કે કે બૉસિસ જેન-ઝીને હાયર કર્યાના એક મહિનાની અંદર ચાલતી પકડાવી રહ્યા છે, કારણ કે તેમનામાં કામ કરવાની ત્વરા કે સામેથી ઇનિશ્યેટિવ લેવાનો ઉત્સાહ નથી હોતો. પ્રોફેશનલિઝમ, વર્ક-એથિક્સ, પ્રતિભાવનો સ્વીકાર કરવાની અક્ષમતા જેવાં કારણોને કારણે અમેરિકામાં થયેલા સર્વેમાં લગભગ ૫૦ ટકા કંપનીના માલિકોએ કબૂલ્યું કે તેઓ જેન-ઝીને એમ્પ્લૉઈ તરીકે રાખવા માટે ઉત્સુક નથી. જોકે આ વાત અમેરિકાની જ નથી. ભારતીય કંપનીઓમાં પણ કેટલીક કૉર્પોરેટ કંપનીઓ જેન-ઝીના બિહેવિયર ઇશ્યુઝ વિશે ખૂલીને ચર્ચા કરી ચૂકી છે. ખાસ કરીને આજકાલ જેન-ઝીમાં ચાલેલો ‘રિવેન્જ ક્વિટિંગ’નો ટ્રેન્ડ ઘણી કંપનીઓ માટે માથાનો દુખાવો બની ગયો છે. પોતાને જોઈતી મોકળાશ અને હળવાશ ન આપે તો કોઈ પણ પ્રાયર નોટિસ વિના એકાએક છોડી દેવાની અને છોડ્યા પછી સોશ્યલ મીડિયા પર જઈને એ નોકરીમાં તેમના પર કેવો કાળો કેર વર્તાવાઈ રહ્યો હતો એની જાહેરાત કરવાની. કોઈ પ્રોજેક્ટ પૂરો કર્યા વિના એકાએક નોકરી છોડીને, બધાં જ કામ લટકતાં મૂકીને એમ્પ્લૉયરને સબક શીખવવાની દાનત સાથે લેવાતી ઍક્શનને કારણે એને રિવેન્જ ક્વિટિંગ નામ અપાયું છે. જોકે ખરેખર વાસ્તવિકતા આ જ છે? શું ખરેખર ૧૩ વર્ષથી ૨૮ વર્ષના એજ-ગ્રુપમાં આવતી ઊગતી પેઢી, આપણા દેશનું ભવિષ્ય ગણાતી પેઢી એટલી બેકાર અને મનમોજી છે? આના વિશે કેટલાક એમ્પ્લૉયર પાસેથી જાણેલા વાસ્તવિક અનુભવ જાણી લો.
સ્માર્ટ અને મહેનતુ છે, પણ સાથે રજાઓ અને વર્ક ફ્રૉમ હોમ કલ્ચરમાં તેમની દિલચસ્પી વધારે છે
કેતન શેઠ, પરેલ
લોઅર પરેલમાં રહેતા અને સ્કિન-હૅર પ્રોડક્ટ્સની પોતાની ફૅક્ટરી ધરાવતા બિઝનેસમૅન કેતન શેઠ પાસે લગભગ ૭૦ જેટલા કર્મચારીઓનો સ્ટાફ છે. થોડાક મહિનાઓ પહેલાં જ તેમણે પોતાની બ્રૅન્ડને ઑનલાઇન પ્લૅટફૉર્મ પર મૂકી અને એ સેપરેટ વર્ટિકલ માટે તેમણે જેન-ઝી કૅટેગરીમાં આવતા કર્મચારીઓને હાયર કર્યા છે. લગભગ પાંચથી ૭ જણ પચીસથી ૨૮ વર્ષની ઉંમરના છે. કેતનભાઈ કહે છે, ‘આ પેઢી અલગ છે. તેમનો કામ માટેનો અપ્રોચ જુદો છે. એમ ન કહી શકાય કે તેઓ અનપ્રોફેશનલ છે. તેમની ટેક્નૉલૉજીની સૂઝબૂઝ, મલ્ટિટાસ્કિંગપણું દંગ કરનારું છે. એવું પણ નથી કે કામ પરથી ભાગવાની તૈયારીમાં જ તેઓ હંમેશાં હોય છે. ઇન ફૅક્ટ, હું તો કહીશ કે તેઓ ગમતું કામ હોય તો મોડે સુધી કરશે. હા, તેમને કામમાંથી બ્રેક વધારે જોઈએ. મેં જ્યારે ઇન્ટરવ્યુ લીધા ત્યારે લગભગ દરેકનો એક જ પ્રશ્ન હતો કે તેમને વર્ક ફ્રૉમ હોમ કરવા મળશે કે નહીંં, જે મૅન્યુફૅક્ચરિંગ પ્રોડક્ટ્સ માટે શક્ય નહોતું. જોકે એક વાર કામ શરૂ કર્યા પછી તેમની પાસેથી અમે ઘણું શીખ્યા છીએ. તેમની સ્પીડ અકલ્પનીય છે. તેઓ પોતાનું કામ વહેલું પૂરું કરીને જીવનને માણવામાં માને છે. તેમના અતરંગી શબ્દો સમજવા અઘરાં છે, તેમનાં કપડાં જુદાં છે જે આપણને ફની લાગે. એક છોકરો અમારે ત્યાં દરરોજ નવા રંગની ટોપી પહેરીને આવે અને પોતાની મસ્તીમાં કામ કરે. તેમને ખૂબ જ કૅઝ્યુઅલ વાતાવરણ જોઈએ. તેઓ પોતાના કમ્યુનિકેશનમાં ખૂબ જ ટુ ધ પૉઇન્ટ હોય છે. હું એટલું જ કહીશ કે તેઓ જુદા છે, ઇન્ડિપેન્ડન્ટ થિન્કર છે. જોકે તેમની સ્ટ્રેન્ગ્થ લાજવાબ છે એટલે આપણે તેમની સ્ટાઇલમાં ઢળવું પડશે.’
તેમના પર્સનલ ગોલ્સમાં સપોર્ટ કરશો તો તેઓ તમારા માટે દિવસ-રાત જોયા વિના કામ કરશે
રીના તોતલા, નવી મુંબઈ
નવી મુંબઈમાં રહેતાં અને બ્રૅન્ડ મૅનેજમેન્ટ, સેલ્સ સ્ટ્રૅટેજી બનાવતાં બિયૉન્ડ રિયલ્ટીનાં રીના તોતલા પાસે કુલ મળીને લગભગ પચીસેક લોકોનો સ્ટાફ છે અને બધા જ ૧૯થી ૨૬ વર્ષના છે. રીના પાસે કામ કરતી આ જનરેશન સાથે તેમનો એટલો સારો ઘરોબો છે કે તેમણે કહેવું પડે છે કે ભાઈ, હવે ઘરે જાઓ. ઇન ફૅક્ટ, આ યુવાઓના પેરન્ટ્સ પણ પોતાના બાળક પાસે કોઈ કામ કરાવવું હોય તો રીનાબહેન થ્રૂ કહેવડાવે છે. આ પેઢીને સમજો અને સાથ આપો તો એ તમારી છે એવી સ્પષ્ટતા કરતાં રીનાબહેન કહે છે, ‘અમારું રિયલ એસ્ટેટનું કામ છે અને એમાં તમારી કમ્યુનિકેશન સ્કિલ મહત્ત્વની છે. મેં એક વસ્તુ સમજી છે કે આ પેઢીને તમારે ઓનરશિપ આપવી પડે, છૂટ આપવી પડે, સ્વતંત્રતા આપવી પડે તો એ તમે ધાર્યું ન હોય એ રીતે કામ કરી શકે છે. તેમની પાસે નૉલેજ છે અને તેમને વધુમાં વધુ નૉલેજ મેળવવામાં રસ પણ છે, પણ તેમને તેમની પેસ પર કામ કરવું છે. તમારે માત્ર તેમને ટાસ્ક આપવાના. એને પૂરા કરવાનો જુગાડ તેઓ જાતે ગોતી લેશે. હું મારી સાથેની એકેએક વ્યક્તિ સાથે ઇન્ડિવિજ્યુઅલી જોડાયેલી છું. હું પર્સનલી તેમની સાથે બેસું, તેમને મારું કામ સમજાવું તો સાથે તેમનાં ડ્રીમ્સ અને ગોલ્સને સમજું અને એમાં પણ સપોર્ટ કરું. આનો પ્રભાવ એવો છે કે જે જેન-ઝી રાજીનામું હાથમાં લઈને ફરે છે એવું કહેવાય છે તેઓ એક વાર મારી સાથે જોડાયા પછી છોડતા નથી. છ વર્ષથી મારી સાથે હોય એવા કેટલાય છે અત્યારે. દર મન્ડેએ અમારા હૅપી અવર્સ હોય જ્યાં અમે એન્જૉય કરીએ. સાઇટ પર જઈએ તો એન્જૉય કરીએ. મેં એક વસ્તુ જોઈ છે અને જે અમારી પેઢી ચૂકી ગઈ છે તે એ છે કે કામના મામલામાં અમે એટલા ખૂંપી ગયા કે જીવવાનું જ ભૂલી ગયા. એ દૃષ્ટિએ આ પેઢીને પોતાનું મનમગતું જીવતાં આવડે છે.’
જૉબ-સૅટિસ્ફૅક્શન મળતું હશે તો જ અને તો જ એ ટકશે તમારે ત્યાં
ચંદ્રકાંત પારેખ, કાંદિવલી
મ્યુચ્યુઅલ ફન્ડના કામ સાથે સંકળાયેલા ચંદ્રકાંત પારેખ પાસે તેમના સ્ટાફમાં લગભગ દસેક જણ છે અને ટ્રેઇનિંગ માટે નિયમિત યુવાનો સાથે તેમનો પનારો પડતો રહે છે. આજની આ જનરેશનથી ઓવરઑલ ખૂબ ખુશ એવા ચંદ્રકાંતભાઈ કહે છે, ‘આ પેઢી આઇડિયાઝથી ભરપૂર છે અને જીવનને એન્જૉય કરવામાં માને છે. તેમને કામ કરવું છે, પણ પોતાની ટર્મ્સ પર. જેન ઝીમાં પણ જો જરૂરિયાતમંદ હશે તો તેઓ બેફામ નિર્ણય લેનારા નથી. તમે જો તેમને એન્કરેજ કરો, પ્રોત્સાહન આપો તો તેઓ રાજીખુશી કામ કરશે. મારો અનુભવ એવો છે કે જો તેમને જૉબ-સૅટિસ્ફૅક્શન મળતું હશે તો તેઓ ખુશી-ખુશી કામ કરશે.’
યસ બૉસ કલ્ચરમાં જેન-ઝી નથી માનતી એ તમારે સ્વીકારી લેવું પડે
પ્રશાંત વિઠલાણી, કાંદિવલી
રિયલ્ટર તરીકે સક્રિય અને ઑફિસ અને સાઇટ પર મળીને લગભગ ૫૦ એમ્પ્લૉઈઝનો સ્ટાફ ધરાવતા પ્રશાંત વિઠલાણી પાસે લગભગ સ્ટાફ ૨૮ વર્ષથી નાની ઉંમરનો છે. આ જનરેશનની ખાસિયત વર્ણવતાં પ્રશાંતભાઈ કહે છે, ‘આ પેઢી પ્રૅક્ટિકલ અને નૉલેજેબલ છે. એટલે જ એક જમાનામાં વ્યક્તિ કંપનીની ગુડવિલ જોઈને કામ શરૂ કરતી અને આખી જિંદગી તે એક જ કંપનીને નામ કરી દેતી. આ પેઢી એવી નથી. તેઓ થોડાક સારા પૈસા મળે તો તાત્કાલિક બીજી કંપનીમાં જમ્પ મારવાનું ચૂકતા નથી. આ જનરેશન તકવાદી છે અને તેમની પાસે ક્યાંક ને ક્યાંક દીર્ઘદ્રષ્ટાપણું નથી. એ વાત સાચી છે કે તેમને રીટેન કરવા અઘરા છે અને રાજીનામું ખિસ્સામાં લઈને ફરનારા લોકો છે, કારણ કે તેમની પાસે પર્યાયો ઘણા છે. આ પેઢી બૉસ ઇઝ ઑલવેઝ રાઇટમાં નથી માનતી. તેમની પાસે પોતાનો પૉઇન્ટ ઑફ વ્યુ છે અને તમે જો ખોટા હશો તો તેઓ તમારી સાથે આર્ગ્યુ કરશે, તમારાથી ડરીને જૂના જમાનાની જેમ ખૂણામાં બેસી નહીં જાય. ભણેલીગણેલી, ટેક્નૉસૅવી અને ખૂબ જ સ્કિલ્ડ હોવા છતાં આ પેઢીમાં તમને સ્ટેબિલિટી અને લૉયલ્ટીનો અભાવ ક્યારેક લાગી શકે છે.’