29 December, 2025 11:11 AM IST | Mumbai | Ruchita Shah
ખુશી પારેખ, તન્મય મોદી અને કરણ ઓઝા
નાનપણથી જ ઍક્ટિંગનો શોખ હતો અને એ જ ઇન્ડસ્ટ્રીમાં આગળ વધવાનો અભરખો પણ હતો એટલે જ ૩ વર્ષનો ફિલ્મમેકિંગનો કોર્સ કર્યો અને સાથે એક ગુજરાતી ફિલ્મના પ્રોજેક્ટ માટે કામ પણ કર્યું પણ એમાં મન લાગ્યું નહીં એટલે સાત મહિના પહેલા કાંદિવલીમાં રહેતા ૨૪ વર્ષના તન્મય મોદીએ તેની ફિયાન્સે ખુશી પારેખ અને ફ્રેન્ડ કરણ ઓઝા સાથે મળીને ઍમ્બિશન’ અને ‘મૅક્સિમમ’ આ બે શબ્દોના કૉમ્બિનેશનથી બનેલી ‘ઍમ્બી મૅક્સ’ નામની કંપની શરૂ કરી છે જે વિવિધ યુનિવર્સિટીના ઑથોરાઇઝ્ડ એનરોલમેન્ટ પાર્ટનર તરીકે કામ કરે છે. એનું કામ છે પોસ્ટ-ગ્રૅજ્યુએશનને લગતા કોર્સ માટે માર્કેટિંગ કરવું અને લીડ જનરેટ કરવી.
‘ફિલ્મમેકિંગનું ભણ્યા પછી એ ઇન્ડસ્ટ્રીમાં કામ કર્યા પછી લાગ્યું કે આમાં મને જોઈએ એવી મજા નથી આવતી.’ એમ જણાવીને તન્મય કહે છે, ‘એ દરમ્યાન વિવિધ યુનિવર્સિટીના ઑથોરાઇઝ્ડ એનરોલમેન્ટ પાર્ટનર તરીકે કામ કરતી કંપનીમાં પણ કામ કરતો હતો. કંપનીમાં જોડાયા પછી પહેલા છ મહિનામાં જ મને સમજાઈ ગયું હતું કે બસ, મારે આ જ કામ કરવું છે અને ત્યારે જ પોતાની આવી જ કંપની શરૂ કરવાનો વિચાર આવી ગયો હતો. જોકે એ પછીયે ૧૦ મહિના નોકરી કન્ટિન્યુ કરી જેથી દરેક લેવલ પર કામ શીખી શકું અને મારું નેટવર્ક બની શકે. ૧૦ મહિના મેં માત્ર એ ટ્રેઇનિંગ અને નેટવર્કિંગ માટે ઇન્વેસ્ટ કર્યા. મારો એક ફ્રેન્ડ અને કલીગ જે કૅનેડામાં ભણતો હતો તે કરણ ઓઝાને મેં આ આઇડિયા શૅર કર્યો. તેને પણ એ ગમી ગયો અને તે પણ ત્યાંથી આ સ્ટાર્ટઅપ માટે અહીં શિફ્ટ થયો. મારી ફિયાન્સે ખુશી પારેખ જેની પાસે સાડાચાર વર્ષનો માર્કેટિંગનો અનુભવ હતો તેને પણ આ આઇડિયા અને એની સાથે જોડાયેલું વિઝન ગમી ગયાં અને અમારી એક ટીમ તૈયાર થઈ ગઈ.’
ત્રણેયની કેટલીક ખૂબી છે જેને કારણે કંપીને ધાર્યા કરતાં ઝડપી સક્સેસ મળી છે. અહીં કંપનીનો બીજો ફાઉન્ડર કરણ ઓઝા કહે છે, ‘હું કૅનેડામાં સ્ટુડન્ટ હતો અને ભણવાની સાથે જૉબ પણ કરતો હતો. મેં સ્ટોર મૅનેજરથી લઈને રેસ્ટોરાંમાં ફૂડ સર્વ કરવાનું કામ કર્યું હતું અને હજી તો ત્યાં જ થોડાં વર્ષો જૉબ કરવાનો વિચાર હતો, પરંતુ જ્યારે તન્મયે આ આઇડિયા શૅર કર્યો ત્યારે જ મને એમાં પોટેન્શિયલ દેખાયું એટલે હું કૅનેડાથી જલદી ભારત પાછો આવી ગયો. અમે દેશની વિવિધ ટોચની યુનિવર્સિટીના વિવિધ કોર્સિસ માટે માર્કેટિંગ કરીએ અને તેમની ઍડ્મિશન પ્રોસેસ સ્મૂધ બનાવીએ. તન્મયનું વિઝન ક્લિયર હોય છે અને પ્લાનિંગ જોરદાર છે. ખુશીનો માર્કેટિંગનો અનુભવ અમને કામ લાગી રહ્યો છે અને મારું પીપલ મૅનેજમેન્ટ મદદરૂપ થઈ રહ્યું છે. અમે ૩ ફાઉન્ડર અને ૭ જણ બીજા મળીને ૧૦ જણની ટીમે છેલ્લા સાત મહિનામાં મિરૅકલ કહી શકાય એવું પરિણામ મેળવ્યું છે અને હજી તો માત્ર શરૂઆત છે.’
આ કંપની પોસ્ટ-ગ્રૅજ્યુએશનના કોર્સિસના એનરોલમેન્ટ માટે સ્ટુડન્ટ્સ અને યુનિવર્સિટી માટે સેતુ બને છે. જેમ કે કોઈ વર્કિંગ પ્રોફેશનલ છે અને પોતાની જૉબ સાથે MBA જેવી કોઈ ડિગ્રી લેવા માગે છે તો તેમના માટે યુનિવર્સિટીના ઑપ્શન્સ આ કંપની વિવિધ માર્કેટિંગ અને ઍડ્વર્ટાઇઝમેન્ટ સ્ટ્રૅટેજી દ્વારા આપે છે. અહીં કંપનીની કો-ફાઉન્ડર ખુશી કહે છે, ‘અત્યારે અમે પોસ્ટ-ગ્રૅજ્યુએશન કોર્સ માટે કામ કરીએ છીએ, પરંતુ અમારો લૉન્ગ ટર્મ ટાર્ગેટ છે સ્ટુડન્ટ્સને કરીઅર માટે ગાઇડ કરવાનો. તેમને સ્કિલ ડેવલપમેન્ટ માટે હેલ્પ કરીએ અને પ્લેસમેન્ટની વ્યવસ્થા પણ ઊભી કરીએ. એક વન સ્ટૉપ સૉલ્યુશન તરફ અમારી કંપનીને લઈ જવાનું પ્લાનિંગ છે.’
તન્મય ઉમેરે છે, ‘છ મહિનામાં જ અમારી કંપનીનું વૅલ્યુએશન ૮૫થી ૯૦ લાખ રૂપિયા છે. અમારો શૉર્ટ ટર્મ ગોલ છે કે ૨૦૨૮ સુધીમાં અમારી કંપનીનો વૅલ્યુએશન-માર્ક પાંચ કરોડનો થાય અને ૨૦૩૫માં એને લિસ્ટેડ કંપની બનાવવી છે. ફિક્સ ઇન્કમ સાથેની સારી જૉબ છોડીને આ સ્ટાર્ટઅપ કરવાનું નક્કી કર્યું ત્યારે કેટલાકને એ બહુ જ તરંગી ડિસિઝન લાગ્યું હતું, પરંતુ આજે જ્યારે તેઓ પ્રોગ્રેસ જુએ છે તો ખુશ થઈ જાય છે.’