તમારાં કામ જાતે કરવાની આદત પાડો એ પણ ફિટનેસની દિશામાં એક સ્ટેપ છે

17 May, 2022 11:17 AM IST  |  Mumbai | Rashmin Shah

‘બાલિકા વધૂ’, ‘ડોલી અરમાનોં કી’, ‘ક્યોં રિશ્તો મેં કટ્ટી-બટ્ટી’, ‘ઝલક દિખલા જા’, રિયલિટી શો ‘બિગ બૉસ’ની સીઝન ૪ ઉપરાંત અનેક શોમાં જોવા મળેલી નેહા મર્દા આવું માનતી જ નથી, તે પોતે પણ આ જ આદત કેળવી ચૂકી છે

નેહા મર્દા

સાચું કહું તો બાળપણમાં ક્યારેય ફિટનેસની બાબતમાં કોઈ ગાઇડ કરનારું હતું જ નહીં. જે થયું એ બધું અહીં મુંબઈ આવ્યા પછી અને આ ઇન્ડસ્ટ્રીમાં જોડાયા પછી. જોકે એ પણ એટલું જ સાચું છે કે આપણા ભારતીયોની રહેણીકરણીમાં જ ફિટનેસ વણાઈ ગયેલી હોય છે કે તમે વધારાના પ્રયત્ન વગર પણ શિસ્તબદ્ધ રીતે જીવો તો હેલ્ધી રહી શકતા હો છો. આઇ કૅન સે, એવી શિસ્તબદ્ધતાની ટ્રેઇનિંગ મને નાનપણથી મળી છે. આ ટ્રેઇનિંગ દરેક બાળકને મળવી જોઈએ. પેરન્ટ્સના પક્ષે આ બહુ મોટી જવાબદારી છે. તમે ભલે તમારા બાળકને જિમમાં ન મોકલો, પણ સ્વાસ્થ્યનું મહત્ત્વ તો તેને સમજાવવું જ જોઈએ. શું ખાવું, કેવું ખાવું, કેટલું ખાવુંથી લઈને અત્યારના ડિજિટલ યુગમાં ફિઝિકલી ઍક્ટિવ કેટલું રહેવું એની ટ્રેઇનિંગ પણ મહત્ત્વપૂર્ણ છે જ.
જો મને કોઈ વ્યક્તિગત ધોરણે પૂછે કે ફિટનેસ એટલે શું? તો મારો જવાબ સીધો, સાદો અને સરળ હોય.
ખુશ રહેવું, મસ્ત રહેવું અને વ્યસ્ત રહેવું; એ પણ કોઈ પણ જાતના બાહ્ય સપોર્ટ વિના. યસ, જાત પ્રત્યેની આત્મનિર્ભરતા એ ફિટનેસ છે. એનો શ્રેષ્ઠ અને સરળ રસ્તો એ છે કે તમે જો તમારા શરીરને આદર આપવાનું શરૂ કરી દો તો પછી અપને આપ તમે એનું ધ્યાન રાખતાં શીખી જશો. 
માય ફેવરિટ યોગ
મારા ફિટનેસ રેજિમમાં મોટા ભાગે રોજની ચાલીસથી પચાસ મિનિટ કાઢું છું. એમાં કમસે કમ વીસથી પચ્ચીસ મિનિટ યોગ કરવાના. એ સિવાય ચાલવાનો હું એક પણ મોકો છોડતી નથી. યસ, જ્યારે-જ્યારે તક મળે ત્યારે હું વૉક પર નીકળી જાઉં છું. 
બીજો પણ એક નિયમ મેં બનાવ્યો છે કે ઘરનાં કામોમાં જ્યાં ઊઠબેસ કરવાની હોય એ હું જ કરું, જેથી એટલો સમય શરીરનું હલનચલન અકબંધ રહે. તમે ડેઇલી સોપમાં કામ કરતા હો ત્યારે શૂટિંગના લાંબા કલાકો કામ કરવું પડતું હોય છે. ત્યારે પણ ફિઝિકલ ઍક્ટિવિટીને મહત્ત્વ આપીને હું મારું હલનચલન સતત ચાલુ રાખું છું. ક્યારેક જિમમાં પણ જાઉં અને ક્યારેક સ્વિમિંગ પણ કરું. ટૂંકમાં, જાતને સતત ચેન્જ આપતી રહું છું એટલે ક્યારેય મને કંટાળો નથી આવતો અને યોગની વાત કરું તો એની પાસે એટલાં આસન છે કે તમે એનાથી ક્યારેય કંટાળો નહીં.
હેલ્ધી જ ભાવે
હું એને ગૉડ ગિફ્ટ માનું છું કે મને ખાવાની બાબતમાં મોટા ભાગની હેલ્ધી આઇટમો જ પ્રિય છે. સાકર અને ગ્લુટનને છોડ્યાને લાંબો સમય થઈ ગયો, જેણે મારી હેલ્થને બહુ સારો સપોર્ટ કર્યો છે. એ સિવાય જોકે હું બધું ખાઉં છું. બહુ સ્ટ્રિક્ટ ડાયટ પર નથી રહેતી. ક્યારેક સાકરવાળું કંઈક બાય-ચાન્સ ખાઈ લીધું હોય તો હવે તો એ મને સૂટ પણ નથી કરતું. ક્યારેક મૂડ અપ-ડાઉન હોય તો કોઈક ચટાકેદાર આઇટમ ખાઉં, પણ ઇન જનરલ તો મને સાદું ઘરનું જ ભોજન ભાવે. 
ફૂડી નથી અને એટલે જ ફિઝિકલ ઍક્ટિવિટીમાં મારે ઇન્ટેન્સ વર્કઆઉટની જરૂર નથી પડતી. હું જે ફીલ્ડમાં છું ત્યાં લુકનું બહુ મહત્ત્વ છે અને એટલે જ અમુક પ્રકારની ખોટી આદતો નથી અને ખાવામાં પણ હું સાદું ભોજન પ્રિફર કરું છું, જેને કારણે પણ મને ખૂબ જ હેલ્પ થઈ છે.

સમય સાથે બધું બદલાય

આગળ કહ્યું એમ ઍક્ટિંગમાં પગ નહોતો મૂક્યો ત્યાં સુધી હેલ્થ અને ફિટનેસની એવી કોઈ મોટી-મોટી વાતો મને ખબર નહોતી, પરંતુ જેમ-જેમ હવે એને સમજતી ગઈ એમ મારો વધુ ઝુકાવ વધતો ગયો છે. મારા અનુભવ પરથી કહું છું કે જ્યારે પણ તમે કોઈ બાબતમાં વધુ ઊંડા ઊતરો છો એના પ્રત્યેનો લગાવ તમારો વધે છે. અમારા ઘરમાં મારા થકી ફિટનેસનું કલ્ચર શરૂ થયું છે એમ કહું તો ચાલે. હવે મારાં મધર ઇન લૉ યોગ, વૉકિંગ કરી લે છે તો મારા પેરન્ટ્સ પણ કલકત્તામાં પ્રાણાયામ અને મેડિટેશન કરે છે. ટૂંકમાં, ઘરમાં એક વ્યક્તિ પણ ફિટનેસનું મહત્ત્વ સમજી જાય અને એનું નૉલેજ લે તો દેખીતી રીતે માત્ર તમે જ નહીં પણ તમારા આખા એન્વાયર્નમેન્ટ પર એનો પ્રભાવ પડતો હોય છે.

columnists Rashmin Shah