17 February, 2026 11:25 AM IST | Mumbai | Heena Patel
પુરુષોત્તમદાસ શાહ
જીવનભર જેમને ઘરઆંગણે કોઈ પ્રસંગ કે ઉજવણી જોવાનું નસીબ ન મળ્યું હોય તેમનું જીવન જ એક દિવસ પ્રસંગ બની જાય તો? ઘાટકોપરમાં રહેતા પુરુષોત્તમદાસ શાહ સાથે પણ કંઈક એવું જ થયું. નિઃસંતાન એવા પુરુષોત્તમદાસભાઈને ઘરઆંગણે માંડવા રોપવાનું સુખ તો ન મળ્યું પણ ભગવાને તેમને ૧૦૦ વર્ષનું જીવન આપ્યું, જે કોઈ સિદ્ધિથી કમ નથી. એટલે જ તેમનાં સગાંસંબંધીઓએ મળીને તેમની જન્મશતાબ્દીની ઉજવણી ઘરનો કોઈ પ્રસંગ હોય એ રીતે કરી.
ઘાટકોપરના સાંઈલીલા હૉલમાં અત્યાર સુધીમાં અનેક બર્થ-ડે પાર્ટીઓ થઈ હશે, પણ પહેલી ફેબ્રુઆરીએ પુરુષોત્તમદાસ શાહને ૧૦૦ વર્ષ પૂરાં થયાં એની ઉજવણી થઈ એ ખાસ હતી. આ પ્રસંગ એવો હતો જે ભાગ્યે જ જોવા મળતો હોય છે. પાર્ટી હૉલને સરસ રીતે સજાવવામાં આવ્યો હતો. બધાં સગાંસંબંધીઓ તેમને વિશ કરવા એકઠાં થયાં હતાં. તેમણે કેક-કટિંગ કર્યું. બધાએ મળીને ફન-ગેમ્સ રમી, પેટ ભરીને વાતો કરી, જમણવાર કર્યો અને છેલ્લે બધા આ ક્ષણને દિલમાં કેદ કરીને છૂટા પડ્યા.
પુરુષોત્તમદાસભાઈ માટે આ સેલિબ્રેશન ખૂબ ખાસ હતું. પોતાની લાગણીઓ વ્યક્ત કરતાં તેઓ કહે છે, ‘મારા જીવનમાં પહેલી વાર મેં મારા જન્મદિવસની ઉજવણી કરી છે. નાના હોઈએ ત્યારે મા-બાપ આપણા જન્મદિવસની ઉજવણી કરતાં હોય અને એક ઉંમર પછી સંતાનો આપણા જન્મદિવસની ઉજવણી કરતાં થઈ જાય. એ જમાનામાં આજની જેમ પાર્ટી રાખીને બાળકોના જન્મદિવસ ઊજવવાનું કોઈ ખાસ ચલણ હતું નહીં. ઉપરથી મારે કોઈ સંતાન પણ નથી એટલે મારા જન્મદિવસનો એવો કોઈ પ્રસંગ મેં જોયો નહોતો. સંતાન ન હોય એટલે ઘરઆંગણે પણ એવો કોઈ મંગળ પ્રસંગ કરવાનો અવસર ન મળે જેમાં અમે બધા મહેમાનોને આમંત્રિત કરીએ. જોકે મારાં સગાંસંબંધીઓએ મારા જન્મદિવસની ઉજવણી કરીને મને ખરેખર જીવનની ખૂબ મોટી ભેટ આપી દીધી.’
આ સેલિબ્રેશનનો વિચાર કઈ રીતે આવ્યો એ વિશે માહિતી આપતાં કુસુમબહેન કહે છે, ‘પુરુષોત્તમદાસભાઈ મારા નણદોઈ થાય. પુરુષોત્તમદાસભાઈ અને અમે બિલ્ડિંગમાં ઉપર-નીચેના માળે જ રહીએ. અમારે દરરોજ દિવસમાં એક વાર તો સાથે બેસવાનું થાય છે. મારાં બીજાં એક નણંદના દીકરાના દીકરાનાં લગ્ન ફેબ્રુઆરીમાં હતાં. લગ્નપ્રસંગ માટે બધાં સગાંસંબંધીઓએ ભેગાં થવાનું જ હતું. બાકી આમ અમારા મોટા ભાગનાં સગાંસંબંધીઓ ફૉરેનમાં સેટલ્ડ છે એટલે ભેગાં મળવાનું ભાગ્યે જ થાય. એટલે અમે વિચાર્યું કે પુરુષોત્તમદાસભાઈની ૧૦૦મી વર્ષગાંઠ પણ છે તો આપણે બધા સાથે મળીને સેલિબ્રેટ કરીએ અને તેમને સરપ્રાઇઝ આપીએ.’
પુરુષોત્તમદાસભાઈનાં પત્ની સુશીલાબહેન પણ ૯૬ વર્ષનાં છે. આ દંપતીના લગ્નજીવનને ૮૨ વર્ષ થયાં છે જે પોતે જ એક દુર્લભ ઘટના છે. આ વિશે વાત કરતાં પુરુષોત્તમદાસભાઈ કહે છે, ‘હું ૧૮ વર્ષનો હતો અને સુશીલા ૧૪ વર્ષની હતી ત્યાં અમારાં લગ્ન થઈ ગયેલાં. એ સમયે એવું મનાતું કે દીકરી રજસ્વલા થાય એ પહેલાં તેનું કન્યાદાન કરી દેવામાં આવે તો માતા-પિતાને સર્વોચ્ચ પુણ્ય પ્રાપ્ત થાય. ત્રણ ભાઈઓ અને બે બહેનોમાં હું મોટો અને સુશીલા બે ભાઈઓ અને પાંચ બહેનોમાં સૌથી મોટી હતી. સુશીલાનો ઉછેર દક્ષિણ મુંબઈના ગિરગામમાં થયેલો છે, જ્યારે હું રાણપુર ગામમાં હતો. લગ્ન પછી સુશીલા રાણપુર સાસરે આવી ગઈ હતી.’
આ દંપતી છેલ્લાં ૭૦ વર્ષથી મુંબઈમાં જ રહે છે. કયા સંજોગોમાં બન્ને રાણપુરથી અહીં આવીને વસ્યાં હતાં એ વિશે વાત કરતાં પુરુષોત્તમદાસભાઈ કહે છે, ‘મારા પપ્પાની કાપડની દુકાન હતી. હું દુકાનમાં તેમની સાથે બેસતો. લગ્નનાં ૧૦ વર્ષ પછી રોજગારીની સારી તક મળે એ માટે મારા સસરાએ અમને બન્નેને મુંબઈ બોલાવી લીધેલાં. અહીં આવીને હું મૂળજી જેઠા માર્કેટમાં ઉઘરાણીના કામે લાગ્યો. સુશીલા સાતમા ધોરણ સુધી ભણેલી હતી એટલે મુંબઈ આવ્યા બાદ તેણે PTC (પ્રાઇમરી ટીચર્સ
સર્ટિફિકેટ)નું ભણવાનું શરૂ કર્યું. એમાં તે પહેલી જ વારમાં ફર્સ્ટ ક્લાસ પાસ થઈ. એ પછી BMCની પ્રાથમિક શાળામાં શિક્ષિકા તરીકે નોકરીમાં જોડાઈ ગઈ. હજી પણ સુશીલાનું પેન્શન ચાલુ છે અને બીજી અમારી થોડીઘણી બચત છે. એના પર જ અત્યારે અમારું ઘર ચાલે છે.’
જીવનના આ પડાવે બન્ને એકબીજાનો સહારો બનીને જીવી રહ્યાં છે એ વિશે વાત કરતાં સુશીલાબહેન કહે છે, ‘આમ તો અમે બન્ને સ્વસ્થ છીએ. એવી કોઈ મોટી બીમારી નથી. ઉંમર સાથે હવે જોવામાં, સાંભળવામાં, ચાલવામાં તકલીફ થાય. જોકે અમે એકબીજાને સાચવી લઈએ. એક સમયે સંતાન ન હોવાનો રંજ હતો, પણ અત્યારે એવું લાગે છે કે ભગવાને અમને અત્યાર સુધી સુખી જ રાખ્યાં છે. ઘરે હેલ્પર છે તો તે ઘરકામ કરે. હું થોડીઘણી મદદ કરાવું. બાકીના સમયમાં ભગવાનની માળા કરવાની, છાપું વાંચવાનું, ટીવી જોવાનું કામ કરીએ. આખો દિવસ ઘરમાં બેસીને કંટાળો આવે એટલે એક માણસ રાખ્યો છે જે સાંજે એક કલાક વૉક માટે લઈ જાય.’
સુશીલાબહેન આ ઉંમરે પણ રસોડાનું કામ કરી લે છે. આ કપલ ખાવાપીવાનું શોખીન છે, પણ સાથે શિસ્ત પણ જાળવી રાખે છે. આ વિશે વાત કરતાં સુશીલાબહેન કહે છે, ‘મારા પતિને મોહનથાળ બહુ ભાવે. આજે પણ તેમને દરરોજ કંઈ ને કંઈ મીઠું ખાવા જોઈએ. એટલે એ તો હું દર થોડા દિવસે બનાવું જ. એ સિવાય સવારે નાસ્તામાં ખાવા માટેની કડક પૂરી, સાત પડનાં બિસ્કિટ ઘરે જ બનાવું.
બપોરના એક જ સમય દાળ-ભાત, શાક-રોટલી હોય. રાતના જમવામાં બાજરાનાં વડાં, મેથીના ગોટા, ઢોકળાં, મૂઠિયાં, હાંડવો એવી કોઈ વરાઇટી હોય. એ સિવાય મહેમાન હોય ત્યારે કે વાર-તહેવારે ઊંધિયું, દહીં પકોડી, કચોરી પણ બનાવું. ઉંમરના હિસાબે વસ્તુ હાથમાંથી છટકી જવાનો ડર લાગે એટલે સાથે મદદ માટે હેલ્પર રાખું. અમે બન્ને જણ મીઠી અને તળેલી વસ્તુ ખાઈએ, પણ માપમાં ખાઈએ. એ સિવાય સવાર, બપોર, સાંજનો જમવાનો સમય અમારો ફિક્સ છે. બહારની એક પણ વસ્તુ અમે ખાતાં નથી.’
દંપતી ખૂબ સાદું અને સંતોષી જીવન જીવે છે. આ વિશે વાત કરતાં કુસુમબહેન કહે છે, ‘કોવિડ સુધી તો ઘરે ટીવી, ફ્રિજ, AC જેવી એક પણ વસ્તુ નહોતી વસાવી. આપણા માટે એ અત્યારે એક જરૂરિયાતની વસ્તુ છે. એ તો પછી કોવિડમાં કોઈના ઘરે અવાય-જવાય નહીં એટલે સમય પસાર કરવા અને સામાન રાખવા માટે ટીવી અને ફ્રિજ વસાવેલાં. બન્નેને હરવા-ફરવાની મનમાં ઇચ્છા ખરી. હરીફરી શકે એવાં હતાં ત્યારે પણ વૃદ્ધાવસ્થામાં સેવિંગ હશે તો કામ આવશે એમ વિચારીને જઈ શક્યાં નહીં. જોકે એ બચત તેમને કામ પણ આવી રહી છે. એ સમયે તો તેમને પણ નહોતી ખબર કે ભગવાન તેમને આટલું લાંબું આયુષ્ય આપશે.’