16 June, 2026 12:07 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
બિપિનચંદ્ર ગોર ઔદીચ્ય સહસ્ર સાઠા બ્રાહ્મણ સમાજના ભૂતપૂર્વ પ્રેસિડન્ટ અને કાયમી ટ્રસ્ટી છે. આ ઉપરાંત તેઓ સપ્તસૂર રિધમ ફાઉન્ડેશનના સ્થાપક પ્રમુખ અને ભારત સરકારના રિટાયર્ડ સુપરિન્ટેન્ડેન્ટ છે.
અત્યારે ટીનેજર્સ અને યુવાનો પોતાની કરીઅરમાં આગળ વધે એ માટે સામાજિક સ્તરે અઢળક પ્રવૃત્તિઓ થઈ રહી છે. કરીઅર ગાઇડન્સ, સેમિનાર્સ, સ્કૉલરશિપ અને વિવિધ વ્યાવસાયિક કોર્સિસ માટે માર્ગદર્શન આપતી સંસ્થાઓની કોઈ કમી નથી, પણ આ બધી જ પ્રવૃત્તિઓ મોટા ભાગે કરીઅર અને ડિગ્રી પૂરતી જ સીમિત રહી જાય છે. પોતાના પૅશનને ફૉલો કરીને એને જ કરીઅર બનાવી શકે એ માટે સામાજિક સ્તરે હજી પણ જૂજ પ્રયાસો જ જોવા મળે છે.
કોઈ યુવાન સંગીત, કલા કે સંસ્કૃતિના ક્ષેત્રમાં આગળ વધવા માગે છે ત્યારે યોગ્ય પ્લૅટફૉર્મ અને પ્રોફેશનલ માર્ગદર્શનના અભાવે તેનું પૅશન માત્ર એક શોખ બનીને રહી જાય છે. મેં એક કૅરીઓકે સિન્ગિંગ પ્રોગ્રામમાં હાજરી આપી ત્યારે મને ખબર પડી કે સમાજના લોકોમાં ટૅલન્ટ તો છે પણ પ્લૅટફૉર્મ નથી મળી રહ્યું. આ કલાકારોને પ્રોત્સાહનની નહીં, વ્યાવસાયિક ઓળખ આપવી જરૂરી હતી. આથી ૨૦૨૪માં સપ્તસૂર રિધમ ફાઉન્ડેશનની સ્થાપના કરવામાં આવી હતી. સંગીતના સાત સૂરને વણેલી આ સંસ્થા સાત સભ્યોની સમર્પિત કમિટી સાથે કલાકારોનાં સપનાંને પાંખો આપી રહી છે.
સમાજમાં છુપાયેલી સિન્ગિંગ ટૅલન્ટને બહાર લાવીને યોગ્ય દિશા આપવાનું અને તેમને પ્લૅટફૉર્મ પૂરું પાડવાનું કામ આ સંસ્થા હેઠળ થાય છે. તાલીમ આપવાની સાથે કલાકારોનો આત્મવિશ્વાસ વધે એ માટે સતત નવા-નવા પ્રયોગો હાથ ધરવામાં આવે છે. તાજેતરમાં મધદરિયે બોટ પર સમાજના લોકો માટે અનોખો સંગીત પ્રોગ્રામ આયોજિત કરવામાં આવ્યો હતો અને આ યુનિક ઝુંબેશને અદ્ભુત પ્રતિસાદ મળ્યો હતો. આ પ્રયોગ બાકી સમાજના સ્તરે પણ થવો જોઈએ. સંગીત અને કલાને પ્રોત્સાહન આપતી આ નવી પ્રવૃત્તિ હાથ ધરવામાં આવે તો કલાકારો પોતાના પૅશનને ભલે પ્રોફેશનમાં ન બદલવી હોય તો પણ એને માણી શકે છે.
આજના ભાગદોડભર્યા જીવનમાં કળા માત્ર કમાણીનું સાધન બને એ જ પૂરતું નથી, પરંતુ એ માનસિક શાંતિ અને આત્મસંતોષનું માધ્યમ પણ બનવી જોઈએ. દરેક વ્યક્તિ કદાચ સંગીતને પોતાનો વ્યવસાય ન બનાવી શકે, પરંતુ એનાથી વિમુખ થવાની પણ જરૂર નથી. સમાજના સ્તરે આવી પ્રવૃત્તિઓ થતી હોય તો તેઓ કોઈ પણ દબાણ વગર મુક્તપણે પર્ફોર્મ કરી શકે છે અને પોતાની ભીતરની કળાને માણી શકે છે. દરેક વ્યક્તિ કદાચ વ્યાવસાયિક સિંગર ન બની શકે, પરંતુ રોજિંદી જિંદગીના તનાવ વચ્ચે પોતાના સૂર અને પૅશનને મુક્તપણે માણીને અદ્ભુત આત્મસંતોષ ચોક્કસ મેળવી શકે છે; કારણ કે સંગીત માત્ર સૂરોની ગોઠવણ નથી, એ એવો સંવાદ છે જે માણસને પોતાની જાત સાથે જોડે છે.