તમારા વૉલેટને બ્રેક આપો બિનજરૂરી ખર્ચથી

02 January, 2026 11:05 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ઑનલાઇન શૉપિંગ અને વન ક્લિક પેમેન્ટને કારણે ખર્ચ કરવાનું બહુ સરળ બન્યું છે ત્યારે ઝીરો સ્પેન્ડિંગ ચૅલેન્જ સેવિંગ્સ અને સેલ્ફ-કન્ટ્રોલ માટે રેવલ્યુશનરી કન્સેપ્ટ સાબિત થઈ રહ્યો છે

પ્રતીકાત્મક તસવીર

મોબાઇલના એક નોટિફિકેશનમાં સેલની જાહેરાત આવે અને આંગળી તરત જ ‘બાય નાઓ’ પર પહોંચી જાય, કંટાળો આવે એટલે ઑનલાઇન ફૂડ ઑર્ડર થઈ જાય કે પછી જરૂર ન હોય છતાં કંઈક નવું લેવાની લાલચ જાગે. શું આવું તમારી સાથે પણ થાય છે? જો હા તો તમારું ફાઇનૅન્શિયલ મૅનેજમેન્ટ બરાબર નથી. અત્યારના સમયમાં તો કંઈ ન ખરીદવું એ ટફ ટાસ્ક છે અને આ ટાસ્ક અત્યારે ‘ઝીરો સ્પેન્ડિંગ ચૅલેન્જ’ તરીકે પૉપ્યુલર થઈ રહ્યો છે.

અહીં વાત કંજૂસાઈની નથી, પણ જાણતાં-અજાણતાં આપણા હાથેથી થતા બિનજરૂરી ખર્ચને કન્ટ્રોલમાં લાવવાની એક પદ્ધતિ છે. આને એક પ્રકારનો ફાઇનૅન્શિયલ ઉપવાસ કહી શકાય. આ ચૅલેન્જને ડીકોડ કરીએ તો ઝીરો સ્પેન્ડિંગ ચૅલેન્જ એટલે એક નિશ્ચિત સમયગાળા જેમ કે એક દિવસ, એક અઠવાડિયું કે એ મહિના માટે જરૂરી ચીજો સિવાયના તમામ બિનજરૂરી ખર્ચ પર પ્રતિબંધ મૂકવો. આનો અર્થ એ નથી કે વ્યક્તિએ જમવાનું કે દવાઓ જેવી મૂળભૂત જરૂરિયાતનો ત્યાગ કરવો, પણ મોજશોખ, બહાર ડિનર કરવું, બિનજરૂરી ઑનલાઇન ખરીદી કે લક્ઝરી ચીજો અથવા સેવા માટે થતા ખર્ચ પર અંકુશ લગાવવામાં આવે છે. ફક્ત અમુક નક્કી કરેલા દિવસોમાં આર્થિક શિસ્ત જાળવવી જરૂરી છે.

અઢળક ફાયદા

ઝીરો સ્પેન્ડિંગ ચૅલેન્જ દરમિયાન બિનજરૂરી ખર્ચ અટકતાં તમારી સેવિંગ્સની રકમ વધે છે, જેને તમે શૅરમાર્કેટમાં અથવા બીજી કોઈ રીતે ઇન્વેસ્ટ કરી શકો છો.

મોટા ભાગના લોકો ઇમર્જન્સી ફન્ડ બનાવી શકતા નથી, કારણ કે તેમને લાગે છે કે બચત કરવા માટે પૂરતા પૈસા નથી. આ ચૅલેન્જ સાબિત કરે છે કે નાની-નાની બચતથી પણ સારું ઇમર્જન્સી ફન્ડ ઊભું કરી શકાય છે.

ઝીરો સ્પેન્ડિંગ ચૅલેન્જ તમારા બજેટની મર્યાદા સમજાવે છે. એ તમને શીખવે છે કે કઈ રીતે મર્યાદિત સંસાધનોમાં સારી રીતે જીવી શકાય જે ભવિષ્યના મની મૅનેજમેન્ટમાં મદદરૂપ થાય છે.

આપણને ખબર નથી હોતી કે નાનાં સબસ્ક્રિપ્શન, ઑટો ડેબિટ પેમેન્ટ કે રોજબરોજની નાની ખરીદી મહિનાના અંતે કેટલો મોટો આંકડો બની જાય છે. ઝીરો સ્પેન્ડિંગ ચૅલેન્જ આવા ફાઇનૅન્શિયલ લીકેજને અટકાવે છે.

શૉપિંગ કરવાની અથવા બહારનું ખાવાની પ્રબળ ઇચ્છાને રોકવી એ માનસિક કસરત છે. આનાથી તમારી ઇમ્પલ્સ કન્ટ્રોલ શક્તિ વધે છે અને જીવનનાં અન્ય ક્ષેત્રોમાં પણ એક ડિસિપ્લિન આવે છે.

જ્યારે તમે નવી ચીજો નથી ખરીદતા ત્યારે ધ્યાન તમારી પાસે રહેલી જૂની ચીજો પર જાય છે. તમે જે છે એની કિંમત શીખો છો જે માનસિક સંતોષ માટે અનિવાર્ય છે.

શું ખરીદવું અને ક્યાંથી મળશે એવી સતત વિચાર પ્રક્રિયામાંથી મગજને મુક્તિ મળે છે. ઓછી પસંદગી અને મર્યાદિત ખર્ચને કારણે માનસિક થાક ઓછો લાગે છે.

સામાન્ય રીતે આપણે ખરીદી કે ખર્ચને હૅપીનેસ સાથે જોડીએ છીએ. આ ચૅલેન્જ આપણને પૈસાનો ખર્ચ કર્યા વગર પણ જેમ કે પરિવાર સાથે સમય વિતાવીને, વાંચન કરીને કે કુદરત સાથે રહીને પણ સુખી થઈ શકાય છે જે ફાઇનૅન્શિયલ ઍન્ગ્ઝાયટી દૂર કરે છે.

કેવી રીતે અમલ કરવો?

શરૂઆતમાં બેબી સ્ટેપ્સ લઈને શરૂઆત કરો. પહેલાં એક નો સ્પેન્ડ વીક-એન્ડથી શરૂઆત કરો અને પછી એને અઠવાડિયા કે મહિના સુધી લંબાવો.

ચૅલેન્જ શરૂ કરતાં પહેલાં જરૂરી આખા મહિનાનો જરૂરી સામાન લઈ લો.

ઑનલાઇન શૉપિંગની આદત થઈ ગઈ હોય તો એ ઍપ્લિકેશન્સ જ ડિલીટ કરી દો.

જે સમય તમે શૉપિંગ કે બહાર ફરવામાં વિતાવતા હતા એ સમયમાં પુસ્તકો વાંચો, ઘરની સફાઈ કરો અથવા નવી સ્કિલ શીખો. નવી સ્કિલ શીખવામાં જો પૈસા લાગે તો એમાં ખર્ચ કરવામાં લોભ કરવો નહીં. એ એક પ્રકારનું ઇન્વેસ્ટમેન્ટ જ છે.

ચૅલેન્જને સક્સેસફુલ બનાવવાનો ફંડા

ડિજિટલ પેમેન્ટ કરતી વખતે ઘણી વાર ખર્ચનો અંદાજ રહેતો નથી. તેથી કાર્ડ અને UPIનો ઉપયોગ ઓછો કરવો.

એક ડાયરીમાં લખો કે દિવસ દરમિયાન તમે કેટલા પૈસા બચાવ્યા. આ હૅબિટ તમને ચૅલેન્જ પૂરી કરવામાં પ્રોત્સાહન આપશે.

જ્યારે તમે આ ચૅલેન્જ શરૂ કરો ત્યારે તમારા ફ્રેન્ડ્સને કહો જેથી તેઓ બહાર જમવા કે ફરવાના ખર્ચ માટે આગ્રહ ન કરે.

જો તમે ફરવાના શોખીન હો તો બજેટ-ફ્રેન્ડ્લી ટ્રિપ્સનું પ્લાનિંગ કરવાનો આગ્રહ રાખવો.

new year happy new year mutual fund investment foreign direct investment finance news business news columnists lifestyle news life and style