પેરન્ટ‍્સનો દિવસ ઊજવવાની આપણને શું જરૂર પડી?

01 June, 2026 12:59 PM IST  |  Mumbai | Jigisha Jain

સમાજનો સૌથી નાનો અને જરૂરી એકમ એટલે કે ‘કુટુંબ’નું અસ્તિત્વ ધીમે-ધીમે ડગમગી રહ્યું છે. એટલે જ માતા-પિતાને પ્રેમ અને આદર આપતી ભારતીય સભ્યતાને દુનિયાભરમાં સ્થાપવાની જરૂર યુનાઇટેડ નેશન્સને લાગી અને એટલે ગ્લોબલ ડે ઑફ પેરન્ટ‍્સની ઉજવણી કરવાનું નક્કી થયું

પ્રતીકાત્મક તસવીર

આજે પહેલી જૂન છે. આજનો દિવસ ધ ગ્લોબલ ડે ઑફ પેરન્ટ્સ તરીકે દુનિયાભરમાં ઊજવાય છે. મધર્સ ડે અને ફાધર્સ ડે તો ખાસ્સા પૉપ્યુલર છે, પણ

માતા-પિતાનો પણ કોઈ દિવસ ઊજવાતો હોય એની ખાસ જાણ લોકોને નથી. કોઈ પણ દિવસની ઉજવણીની વાત આવે ત્યારે એની જરૂર પર લોકો પ્રશ્ન ઊભો કરતા જ હોય છે. જેમ કે હવે સ્ત્રીઓ ઘણી સશક્ત થઈ ગઈ છે એટલે વિમેન્સ ડે ઊજવવાની કોઈ જરૂર નથી એવું કહેનારો એક વર્ગ ઊભો થતો જાય છે. માતા-પિતાની વાત કરીએ તો તેમને આપણી સંસ્કૃતિમાં ભગવાનનું સ્થાન મળ્યું છે. તેમના માટે કોઈ દિવસની ઉજવણી થાય તો એનો તો આનંદ જ થાય, પણ એને ઊજવવાનો ઉદ્દેશ શું છે એ પણ સમજવો જરૂરી છે. ૨૦૧૨માં UN એટલે કે યુનાઇટેડ નેશન્સની જનરલ ઍસેમ્બલીમાં નક્કી થયું કે પહેલી જૂને ગ્લોબલ ડે ઑફ પેરન્ટ્સ ઊજવવામાં આવશે. ૨૦૧૩થી એની ઉજવણી શરૂ થઈ ગઈ.

દરેક દિવસની ઉજવણીનો એક હેતુ હોય છે, એનું મહત્ત્વ હોય છે. જેમ કે વિમેન્સ ડેની ઉજવણી એટલે થતી હોય છે કે સ્ત્રીઓનું જીવનમાં અને સમાજમાં જે પ્રદાન છે એને બિરદાવી શકાય. વૅલેન્ટાઇન્સ ડેની ઉજવણી એટલે થતી હોય છે કે કોઈને પોતાનો પ્રેમ પ્રકટ કરવો હોય તો તેને માહોલ મળી રહે. કૅન્સર ડેની ઉજવણી એટલે થતી હોય છે કે કૅન્સર વિશેની જાગૃતિ લોકોમાં ફેલાય. પરંતુ ગ્લોબલ ડે ઑફ પેરન્ટ્સની ઉજવણી પાછળનો શું હેતુ છે? ઇન્ટરનેટ તો કહે છે કે પોતાની જાત ઘસીને, ઘણું બધું જતું કરીને જીવનભર બાળકને યોગ્ય પાલન અને પોષણ આપનારાં માતા-પિતાને સન્માન આપવાના હેતુસર આ દિવસની ઉજવણી થઈ રહી છે. 

ઘણા લોકો આ વાંચીને કહેશે કે માતા-પિતાને દરરોજ સન્માન આપવાનું હોય, એના માટે કોઈ એક દિવસ ફાળવવાની જરૂર નથી. વાત સાચી, પણ થોડી સમજણ વગરની છે. આપણે જ્યારે બર્થ-ડે ઊજવીએ છીએ ત્યારે એક જ દિવસ જીવનનું સેલિબ્રેશન કરીએ છીએ, પણ જીવીએ છીએ આપણે દરરોજ. એમ જો માતા-પિતાને સન્માન તો દરરોજ આપવાનું જ છે; પણ તેમના નામે એકાદ દિવસ ફાળવવામાં આવે તો ત્યાં ખોટા લૉજિકના નામે અડંગા ન નાખવા, કારણ કે માતા-પિતા એવી વ્યક્તિ છે જેમનો જેટલો આભાર માનીએ એટલો ઓછો. જોકે અહીં પ્રશ્ન એ આવે છે કે UNને આટલાં વર્ષે આવું કેમ સૂઝ્યું હશે? માતા-પિતાનો દિવસ તો પહેલાં પણ શરૂ કરી શક્યા હોત, છેક ૨૦૧૨માં આવો નિર્ણય કેમ લીધો હશે?

UNની દૂરદર્શિતા પર શંકા ન હોઈ શકે. સમગ્ર દુનિયામાં બદલાતાં સમીકરણો એમની ધ્યાન બહાર તો નથી જ હોવાનાં. કુટુંબ સમાજનો સૌથી નાનો અને મુખ્ય એકમ છે. આજની પેઢીમાં એવા ઘણા લોકો છે જે આ એકમ શરૂ જ નથી કરવા માગતા. સિંગલ લોકોની સંખ્યા દિવસે-દિવસે વધી રહી છે. એક આંકડા મુજબ ભારતમાં વિધવા, ડિવૉર્સી અને ક્યારેય ન પરણેલી સ્ત્રીઓની સંખ્યા ૭૩ મિલ્યન એટલે કે કુલ વસ્તીના ૧૨ ટકા જેટલી છે. એક આંકડા મુજબ ૩૦-૩૪ વર્ષના પુરુષોમાં ૧૯.૩ ટકા પુરુષો ક્યારેય પરણ્યા જ નથી. નવી જનરેશન લગ્નથી દૂર ભાગી રહી છે. મૉર્ગન સ્ટેન્લી ઇન્ડિયા નામની ફાઇનૅન્સ કંપનીના માર્કેટ અને સોશ્યોલૉજી પ્રોજેક્ટના આંકડાઓ અનુસાર ૨૦૩૦ સુધીમાં ૨૫-૪૪ વર્ષની ૪૫ ટકા સ્ત્રીઓ પોતાની ઇચ્છાથી અપરિણીત કે બાળક વગરની હશે. જે લોકો વહેલાં કે મોડાં લગ્ન કરી રહ્યા છે એમાંથી ઘણા એવા છે જે લગ્નને નિભાવવામાં અક્ષમ સાબિત થઈ રહ્યા છે. સમગ્ર દુનિયામાં છૂટાછેડાના કિસ્સાઓ ખૂબ વધી રહ્યા છે. આંકડાઓ મુજબ સમગ્ર દુનિયામાં દર ત્રણમાંથી એક લગ્ન તૂટી રહ્યું છે. ભારતમાં પરિસ્થિતિ દુનિયાની સરખામણીમાં ખરાબ નથી, પણ પહેલાંની સરખામણીમાં આપણે ત્યાં પણ છૂટાછેડાના કિસ્સાઓ ઘણા વધતા જઈ રહ્યા છે.

નવાં કપલ્સમાં એવા લોકોની સંખ્યા પણ વધી રહી છે જેઓ વિચારતા હોય છે કે આપણું એકબીજા સાથે જીવન સારું પસાર થઈ રહ્યું છે તો બન્ને કરીઅર બનાવીશું, ખૂબ કમાઈશું, ખુદ પર ખૂબ ખર્ચીશું પણ આપણને બાળક નામની બલા જોઈતી નથી. આજનાં ઘણાં કપલ્સને બાળક એક વધારાની જવાબદારી લાગે છે. એના પરથી જ એક ટર્મ બહાર આવી : DINK-ડબલ ઇન્કમ નો કિડ. આવાં કપલ્સ સાથે તમે વાત કરો તો તેઓ તમને તર્કબદ્ધ રીતે, આંકડાઓ સાથે સમજાવી શકે છે કે કઈ રીતે બાળકને જન્મ આપવો એ દુનિયાનું સૌથી ખોટું કામ છે. તેમની પાસે બાળકને જન્મ ન આપવો જોઈએ એ માટે મોંઘવારી, કરીઅરનું મહત્ત્વ, પૂરી રીતે જીવનને માણી ન શકવાની તકલીફો, વધુ પડતી જવાબદારીઓ અને છતાં બાળકો દ્વારા અંતે અપાતા જશના નામે જૂતાં જેવી બધી જ દલીલો હોય છે. પહેલાંના લોકો બાળકને જન્મ આપવામાં ફાયદા-નુકસાનના ગણિતમાં નહોતા પડતા એટલે જ તેમના માટે બાળકો બોજ નહોતાં, પણ આજે એવો આંધળો પ્રેમ લોકોથી થતો નથી.

આજની તારીખે બાળકને જન્મ આપવાના ગેરફાયદાનું લિસ્ટ લોકો પાસે છે જ તો ગણતરીની સરળતા માટે એના ફાયદાનું લિસ્ટ બનાવવું જોઈએ. આમ તો આ લિસ્ટ ઘણું મોટું છે તો એના અમુક મુખ્ય ફાયદા જણાવી દઉં. બાળકના આવવાથી તમારી અંદર એક બાળક તરીકે ખુદનાં માતા-પિતા માટે જે પણ થોડી-ઘણી ફરિયાદો હશે એ તરત ઓગળી જશે. તમે શું કર્યું મારા માટે વાળો પ્રશ્ન આપોઆપ તમે આટલું બધું કર્યું મારા માટેમાં બદલાઈ જશે. આમ માતા-પિતા બન્યા પછી સૌથી પહેલાં તમે એક સારું સંતાન બનો છો. બાળક હોય તો તમને તમારું બાળપણ જે મહામૂલું છે એ ફરીથી જીવવા મળે છે. બીજું એ કે એક જીવને ઉછેરવા જેવો સંતોષ કોઈ બીજો છે જ નહીં. ગમે એટલા પૈસા કમાઈ લો, ગમે એટલા મોટા બિઝનેસ ઊભા કરી દો, આખી દુનિયાનાં સુખો ભોગવી લો પણ સંતાનસુખને આજે પણ પરમ સુખ માનવામાં આવે છે. લોકો માને છે કે આપણે સંતાનનો ઉછેર કરવાનો હોય છે, પણ હકીકતે એક સંતાન માતા-પિતાની અંદર રહેલા માણસનો ઉછેર કરે છે. માણસ તરીકે પ્રેમ અને પરોપકારની પરાકાષ્ઠા તમારી અંદર અનુભવવી હોય તો તમારે માતા-પિતા બનવું પડે. કોઈ પણ શંકા વગર એ કહી શકાય કે માણસ તરીકેનું બેસ્ટ વર્ઝન માતા-પિતા છે તો પછી પ્રશ્ન એ છે કે માણસ તરીકે જન્મ લીધા પછી ખુદનું બેસ્ટ વર્ઝન ન બની શક્યા તો શું બન્યા?

columnists exclusive gujarati mid day Jigisha Jain