22 June, 2026 02:26 PM IST | Mumbai | Rajendra Bhatia
પ્રતીકાત્મક ફાઇલ તસવીર
આજકાલનાં માતા-પિતા પોતાના સંતાનને વિદેશની પ્રતિષ્ઠિત વિદ્યાપીઠમાં ભણવા મોકલવાનાં સપનાં જોતાં હોય છે. એટલું જ નહીં, એના માટે આયોજન પણ કરતાં હોય છે. તેમની બચત સ્વાભાવિક રીતે ભારતીય રૂપિયામાં સચવાયેલી હોય છે, જ્યારે વાસ્તવમાં તેમણે વિદેશના ચલણમાં ખર્ચ કરવાનો આવતો હોય છે. ચલણના વિનિમય દરમાં રહેલો તફાવત તેમના આયોજન પર પ્રતિકૂળ અસર કરી શકે છે. આ જ કારણ છે કે આપણે રોકાણના પોર્ટફોલિયોને જોવાની દૃષ્ટિ સ્થાનિક મર્યાદાઓની આગળ વધીને ખરેખર વૈશ્વિક બનાવવી જરૂરી છે.
વૈશ્વિક મ્યુચ્યુઅલ ફન્ડમાં રોકાણ કરવાનો અર્થ એવો નથી કે આપણને ભારતના વિકાસની ગાથામાં વિશ્વાસ નથી. અત્યાર સુધીનો અનુભવ કહે છે કે ભારતીય અને અમેરિકન શૅરબજારો વચ્ચે ઘણી વખત ઓછો અથવા ક્યારેક નકારાત્મક સહસંબંધ રહ્યો છે. એનું કારણ એ છે કે બન્ને અર્થતંત્રોનો વિકાસ કરનારાં પરિબળો અલગ છે. ભારતનું અર્થતંત્ર મોટા ભાગે સ્થાનિક વપરાશ, ઊર્જાના ભાવ અને ચોમાસા જેવાં પરિબળોથી પ્રભાવિત થાય છે; જ્યારે અમેરિકાનું બજાર વૈશ્વિક ટેક્નૉલૉજી અને ઇનોવેશન પર વધુ આધારિત છે. સ્થાનિક કારણોસર જ્યારે ભારતીય બજાર દબાણમાં હોય ત્યારે આંતરરાષ્ટ્રીય બજારો જરૂરી સહારો આપી શકે છે. આ પ્રકારની ઝિગ-ઝૅગ ગતિ સમગ્ર પોર્ટફોલિયોની અસ્થિરતા ઘટાડવામાં મદદરૂપ બને છે.
આ ઉપરાંત વૈશ્વિક બજારો એવાં વિશિષ્ટ બિઝનેસ ક્ષેત્રોમાં રોકાણનો વિકલ્પ પૂરો પાડે છે જે હજી સુધી ભારતીય શૅરબજારોમાં ઉપલબ્ધ નથી. સોશ્યલ મીડિયા ક્ષેત્રની અગ્રણી કંપનીઓ હોય, અત્યાધુનિક સેમી-કન્ડક્ટર ઉત્પાદકો હોય કે ઍરોસ્પેસ અને આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ ક્ષેત્રની અગ્રણી સંસ્થાઓ હોય; આવાં ઘણાં ક્ષેત્રોમાં ભારતની બહાર નવસર્જન થઈ રહ્યું છે. વૈશ્વિક રોકાણ દ્વારા ભારતીય રોકાણકાર માત્ર વૈશ્વિક ટેક્નૉલૉજીનો ગ્રાહક રહેતો નથી, આગામી ઔદ્યોગિક ક્રાન્તિને આગળ ધપાવતી કંપનીઓમાં આંશિક માલિકી પણ મેળવી શકે છે.
આ ક્ષેત્રમાં એક રસપ્રદ વિકાસ ગિફ્ટ સિટી (ઇન્ટરનૅશનલ ફાઇનૅન્શિયલ સર્વિસિસ સેન્ટર)નો ઉદ્ભવ છે. આંતરરાષ્ટ્રીય રોકાણ ઘણાં વર્ષો સુધી માત્ર અતિ સમૃદ્ધ લોકો માટે જ હતું, પરંતુ ધારાધોરણો બદલાવાને કારણે હવે આ તક બધાને મળવા લાગી છે. સામાન્ય રોકાણકારો માટે વિદેશી બજારમાં રોકાણ માટેની પ્રવેશમર્યાદા ઘટીને માત્ર ૫૦૦૦ ડૉલર જેટલી થઈ ગઈ છે. સ્થાનિક હોવાની સાથે-સાથે વૈશ્વિક હોય એવું આ માળખું વહીવટી મુશ્કેલીઓ ઘટાડે છે અને પરિચિત નિયમનકારી વાતાવરણમાં સામાન્ય રોકાણકારોને પણ સંસ્થાકીય સ્તરની સુવિધાઓ ઉપલબ્ધ કરાવે છે.
વિદેશી બજારનું રોકાણ લાભદાયક હોવાનું અત્યાર સુધીના આંકડાઓ પણ દર્શાવે છે. એપ્રિલ ૨૦૨૬ સુધીનાં છેલ્લાં ૨૦ વર્ષના ગાળામાં અમેરિકન ઇન્ડેક્સ S&P 500એ સરેરાશ ૧૫.૨ વાર્ષિક સંકલિત વૃદ્ધિદરે વળતર આપ્યું છે. એની તુલનાએ નિફ્ટી 50નો આ દર ૧૧.૪ ટકા રહ્યો છે. ભવિષ્યમાં જે ચલણમાં ખર્ચ થવાનો હોય એ જ ચલણમાં સંપત્તિ રાખવી એક સાહજિક ‘હેજિંગ’ ગણાય છે. ભવિષ્યમાં વિનિમય દરની પ્રતિકૂળતા તમારા પરિવારનાં સપનાં અને આકાંક્ષાઓની પૂર્તિના માર્ગમાં અવરોધ બને નહીં એ માટે વૈશ્વિક બજારમાં રોકાણ કરવાનું ઉપયોગી હોય છે.