✕

પૃથ્વીના સંરક્ષણ અને મહિલાઓના સ્વાસ્થ્ય માટે હવે પિરિયડ્સમાં પણ પ્લાસ્ટિકમુક્ત બનો

21 October, 2026 04:33 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

વાડાસ્થિત ગોવર્ધન ઇકો-વિલેજની મુલાકાતમાંથી જન્મેલી આ જ વિચારધારા આજે મારા માટે એક મિશન બની ગઈ છે. ત્યાં મારી મુલાકાત સીતામાતાજી (ડૉ. સંધ્યા સુબ્રમણ્યમ) સાથે થઈ. તેઓ આશ્રય સેવિકાઓના માધ્યમથી આદિવાસી મહિલાઓના સશક્તીકરણ માટે સક્રિયપણે કાર્ય કરી.

માનસી ઉમરાણિયા

સામાન્ય રીતે પર્યાવરણ બચાવવાની વાતો આવે ત્યારે વૃક્ષારોપણ કરવાની કે પ્લાસ્ટિકની બૅગ પર પ્રતિબંધ મૂકવાની ચર્ચા થાય છે, પરંતુ પર્યાવરણના સંરક્ષણની લડતને સ્ત્રીના સ્વાસ્થ્ય અને માસિક સ્વચ્છતા સાથે જોડીને તદ્દન નવો જ રાહ કંડારી શકાય છે. સમાજ માટે કંઈક કરવું અને ખાસ કરીને મહિલાઓના જીવનમાં સકારાત્મક પરિવર્તન લાવવું એ દરેક સભાન નાગરિકનું વિઝન હોવું જોઈએ. આ વિચારને સાચી દિશા ત્યારે મળે છે જ્યારે આપણે પ્રકૃતિની નજીક જઈએ છીએ. 

વાડાસ્થિત ગોવર્ધન ઇકો-વિલેજની મુલાકાતમાંથી જન્મેલી આ જ વિચારધારા આજે મારા માટે એક મિશન બની ગઈ છે. ત્યાં મારી મુલાકાત સીતામાતાજી (ડૉ. સંધ્યા સુબ્રમણ્યમ) સાથે થઈ. તેઓ આશ્રય સેવિકાઓના માધ્યમથી આદિવાસી મહિલાઓના સશક્તીકરણ માટે સક્રિયપણે કાર્ય કરી રહ્યાં છે. આ મહિલાઓ દ્વારા બનાવવામાં આવતા પુનઃ ઉપયોગી કાપડનાં માસિક પૅડ્સ વિશે જાણીને હું પ્રભાવિત થઈ. 

ગ્રામીણ અને આદિવાસી મહિલાઓનું આ સશક્તીકરણ માત્ર ગામડાં પૂરતું સીમિત ન રહેવું જોઈએ. પર્યાવરણ અને સ્વાસ્થ્યનો સમન્વય શહેરની હાઈ-ટેક સોસાયટીઓ અને ભણેલા-ગણેલા વર્ગ સુધી પહોંચે તો એ સામાજિક ક્રાન્તિનું માધ્યમ બની શકે છે. આજે બજારમાં મળતાં સામાન્ય સૅનિટરી પૅડ્સમાં પ્લાસ્ટિક, કેમિકલ અને કૃત્રિમ સુગંધ વપરાય છે જેને સંપૂર્ણપણે નષ્ટ થતાં સેંકડો વર્ષ લાગે છે. ડિસ્પોઝેબલ સૅનિટરી કચરાના નિકાલથી સ્વચ્છતા વ્યવસ્થા પર ભાર વધે છે. ઇકો-ફ્રેન્ડ્લી ઉત્પાદનોનો ઉપયોગ આ કચરો ઘટાડવામાં મદદરૂપ બને છે અને આપણા સફાઈ-કર્મચારીઓ માટે પણ વધુ સુરક્ષિત અને અનુકૂળ છે. 

પર્યાવરણીય કટોકટી અને સ્ત્રીના સ્વાસ્થ્ય માટે મહિલાઓએ જાગૃત થવું પડશે. NGO, સ્કૂલો અને સોસાયટીઓ દ્વારા કાપડનાં પૅડ્સ, પિરિયડ પૅન્ટી અને બાયોડીગ્રેડેબલ બામ્બુ પૅડ્સનો સ્વીકાર વધે એવા પ્રયાસો અમે કરીએ છીએ. ઑર્ગેનિક કૉટન, બામ્બુ અને મેડિકલ-ગ્રેડ સિલિકૉનમાંથી બનેલાં ઉત્પાદનો વાપરવાથી ત્વચા પર ખંજવાળ, રૅશિસ અને ઍલર્જીનું જોખમ ઘટે છે. આખી પહેલ પાછળનો મુખ્ય ઉદ્દેશ ઉત્પાદનનો પ્રચાર નથી. વાસ્તવમાં આ મહિલા સ્વાસ્થ્ય, માસિક સ્વચ્છતા, પર્યાવરણનું સંરક્ષણ અને ગ્રામીણ મહિલા સશક્તીકરણને એકસાથે જોડતી સામાજિક કડી છે. સાચી દિશામાં કરવામાં આવેલો આપણો નાનકડો પ્રયાસ સમાજમાં મોટું પરિવર્તન લાવી શકે છે. ચાલો સૌ પર્યાવરણમિત્ર બનીએ, પૃથ્વીને પ્રદૂષણથી બચાવી શકાય એવાં ઉત્પાદનો વાપરીએ અને અંતરિયાળ ગામડાંની મહિલાઓને રોજગારી આપીએ. સમાજ માટે કંઈક કરવું, જાગૃતિ લાવવી અને લોકોના જીવનમાં સકારાત્મક પરિવર્તન લાવવાનું માધ્યમ બનવું એ જ આજના સમયમાં દરેક જાગૃત નાગરિકનું ધ્યેય હોવું જોઈએ.

- માનસી ઉમરાણિયા

health tips environment world health organization columnists lifestyle news life and style