04 March, 2026 01:03 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
હેમંત ઠક્કર અને તેમનાં પત્ની ઉષ્મા
સવારની ચા પીને હું દીવાનખંડમાં આવ્યો અને સોફા પર બેઠો. બાજુમાં સવારનાં દૈનિકો આવીને પડ્યાં હતાં. મેં હાથમાં એક દૈનિક લીધું. મારાં પત્ની સામેના સોફા પર બેઠાં હતાં. તે તો મારા કરતાં વહેલા ઊઠવાવાળાં. મારી સામે જોઈ સ્મિત કરતાં બોલ્યાં, ‘આજે મને બહુ આનંદ થયો.’ ‘કેમ? છાપામાં કંઈ એવા સમાચાર છે?’ મેં દૈનિકનાં પાનાં પર નજર ફેરવતાં પૂછ્યું. તે વહેલી ઊઠે એટલે મારા કરતાં પહેલાં કોઈ સારા સમાચાર તેણે વાંચી લીધા હશે એવું ધારીને મેં તેને પૂછ્યું. તેણે હસતાં-હસતાં જવાબ આપ્યો, ‘ના... ના.. છાપાના સમાચારની વાત નથી.’
‘તો? શેનો આનંદ થયો? તારા ચહેરા પરથી હર્ષ ઢોળાતો હોય એવું લાગે છે.’ મેં કહ્યું.
પત્નીએ જવાબ આપ્યો, ‘આજે તમે રાતે ત્રણ વાગ્યે ઊઠીને લખવા બેઠા એટલે!’ હું આ સરળ, સ્નેહાળ નિર્દોષ હાસ્ય કરતી મારી પત્ની સામે જોઈ રહ્યો. અમે કંઈ નવાં-નવાં પરણેલાં નથી. અમારાં લગ્નને ૪૬ વર્ષ થઈ ચૂક્યાં છે. છેલ્લા ઘણા વખતથી સંજોગોને કારણે રાત્રે ઊઠીને હું લખતો નહોતો. લખવાનું હોય તો વહેલી સવારે ઘરનાં બધાં સૂતાં હોય, મોબાઇલની ઘંટડી વાગતી ન હોય ત્યારે નીરવ શાંતિમાં લખવું ફાવતું. એક ફકરો લખાઈ જાય પછી એકાદ ચાનો નાનો કપ પેટમાં પધરાવી પાછો લખવા બેસી જતો, પરંતુ હમણાં એ બધી મજા બંધ હતી. લેખ મોકલવાની ડેડલાઇન હતી એટલે ફિકરમાં રાત્રે ત્રણ વાગ્યે જ ઊઠીને લખવા લાગ્યો.
‘તમને શરીરે સારું હોય તો જ તમે અડધી રાતે ઊઠીને લખવા બેસો. છેલ્લાં બે વર્ષથી ક્યારેય તમે રાતે લખવા માટે ઊઠ્યા નથી. તમારી તબિયતની મને ચિંતા રહે. તમને કહું નહીં પણ આજે તમે પહેલાંની જેમ વહેલા ઊઠ્યા,’ કહેતાં તે અટકી. તેની આંખોમાં ઝળઝળિયાં આવી ગયાં. આ સ્ત્રીને મન મારું અસ્તિત્વ, મારું સ્વાસ્થ્ય, મારી પ્રવૃત્તિ, મારો આનંદ કેટલાં મહત્ત્વનાં છે એનો અમારા ૪૬ વર્ષના દામ્પત્યજીવનમાં ડગલે ને પગલે અનુભવ થયો છે. હું તેને કયા શબ્દોમાં મારા હૃદયના ભાવો કહું? તેને મન હું જ સર્વસ્વ છું. મારી માંદગીમાં કે મુશ્કેલીમાં તેના સાંત્વનથી જે શાતા મળે છે એ મોટા ડૉક્ટરોની ટ્રીટમેન્ટ કે મોંઘી દવાઓ પણ આપી નથી શકતાં. હું તેની સામે જોઈ રહ્યો. મને તેના ચહેરા પરનો આનંદ અપાર્થિવ, અલૌકિક અનુભવાયો. તેની સામે જોતાં હું વિચારતો હતો, કેટલી નાની વાત તેના ધ્યાનમાં આવે છે. કેટલી નાની ઘટના તેને મોટું સુખ આપે છે. તેને કોઈ વાતમાં, વસ્તુમાં કે અન્યોની પંચાતમાં રસ નથી, સિવાય કે તેના પતિ અને બાળકોનાં સુખ, સ્વાસ્થ્ય અને સગવડમાં. સ્ત્રીનો આ શુદ્ધ, નિ:સ્વાર્થ અને નિર્વ્યાજ સ્નેહ છે. સ્વયંપ્રેરિત સમર્પણ છે. માતાએ આપેલા સંસ્કાર છે. સ્ત્રીના મુક્તિઆંદોલનની તેને જરૂર નથી; તેનું સુખ તેના ઘરમાં છે, પતિમાં છે, સંતાનોમાં છે. આ ગુલામી નથી, સમર્પણ છે. મારા મનમાં થાય છે દૈવી સ્વરૂપ શું સ્ત્રીથી જુદું હશે? ‘યા દેવી સર્વભૂતેષુ શક્તિરૂપેણ સંસ્થિતા’ વગેરે કહેવાયું છે, મને તો સાક્ષાત્ અનુભવ થયો. મારી આંખોમાંથી બે અશ્રુબિંદુ સરી પડ્યાં. તેણે એ જોયું અને ચિંતાથી પૂછ્યું, ‘શું થયું? કેમ રડ્યા?’ મેં કહ્યું, ‘એ તો હર્ષનાં આંસુ છે. ચિંતા ન કર.’
એક સૂફી સંતે કહેલી વાત યાદ આવે છે. આ સંતને પ્રશ્ન પૂછવામાં આવ્યો, ‘ઈશ્વર ક્યાં રહે છે?’ તેમણે જવાબ આપ્યો, ઈશ્વરની શોધમાં નીકળવાની કોઈ જરૂર નથી. જરૂર નથી. મંદિરમાં શોધવાની કે મસ્જિદમાં. કોઈ ધર્મગુરુની પણ જરૂર નથી. જે પોતાનું કાર્ય, કર્તવ્ય શ્રેષ્ઠ રીતે સમર્પણભાવથી, શુદ્ધ સ્નેહથી કરતો રહે છે ત્યાં જ ઈશ્વર હોય છે. ધર્મનાં પ્રવચનો પણ ન સાંભળો તો ચાલશે. એ બધાં સાધનો અલ્પકાલીન છે. સર્વકાલીન છે કર્તવ્ય, કર્મ, સત્કર્મ અને સ્વયંસ્ફુરિત સમર્પણ... એવું બને તો ઘર-ઘરમાં ઈશ્વર છે.
જૂની એક કવિતામાં કહેવાયું છે, ‘આસપાસ આકાશમાં ઘાસચારાની પાસ પણ વિશ્વપતિનો વાસ.’ જો આ બધી જગ્યાએ વિશ્વપતિનો વાસ હોય તો માણસના હૃદયમાં કેમ ન હોય? તેના નિષ્ઠાભર્યા કર્મમાં કેમ ન હોય? તેના શુદ્ધ સ્નેહમાં કેમ ન હોય?