૯૪૯૪ નંબરનું એ હૉન્ડા જ્યારે ચોરાણું ત્યારે...

29 March, 2026 06:55 PM IST  |  Mumbai | Sairam Dave

મારા ભાઈબંધનું હૉન્ડા ચોરાણું પછી જે મારી હાલત થઈ છે એ તમે ધ્યાનથી વાંચશો તો તમે ક્યારેય વાહન રેઢું મૂકવાની ભૂલ નહીં કરો

પ્રતીકાત્મક ફાઇલ તસવીર

બધાયની જિંદગીમાં પાક્કા ભેરુડા હોય, મારી જિંદગીમાં પણ છે. જોકે એ બધાયમાં અતુલનું નામ સૌથી ઉપર આવે. અતુલ અને મારામાં કેટલુંય સામ્ય, પરંતુ મોટો વિરોધાભાસ સાચવણ બાબતનો. અતુલ પાસેથી ૩ વરસ પહેલાંની બૉલપેન પણ જડી જાય ને મારી પાસેથી ૩ દિવસ પહેલાંની વસ્તુ પણ ગેબી રીતે ગાયબ થઈ જાય. અતુલ વસ્તુ સાચવે ને એટલે હું અતુલ સાથે સંબંધ સાચવું. હું થોડો વટ રાખું, તે ચીવટ રાખે.

અતુલે બચત કરીને નવું હૉન્ડા લીધું. ભાભીએ ચાંદલો કરીને લીવર પાસે ચૂંદડી બાંધી, જેથી બહુ લીવર આપતી વખતે અતુલને ખ્યાલ રહે કે તેના નામની ચૂંદડી ઓઢેલી કોઈ તેની રાહ જુએ છે. અતુલના રૅશનકાર્ડમાં બે સંતાનો હતાં. મામલતદાર કચેરીની દખલ વગર એમાં આ હૉન્ડા નામનું ત્રીજું સંતાન ઉમેરાયું. અતુલ પોતે નાહ્યા વગર પેલા હૉન્ડાને નવડાવે. પાંખિયા પર એવો ઘસીને ગાભો મારે કે તમે એમાં સીધું માથું ઓળી શકો. ભાભી પણ અવારનવાર સ્ક્વૉડ ચેકિંગ કરીને બપોરે જમતી વખતે હૉન્ડાને હૅન્ડલ લૉક માર્યું છે કે નહીં એ ચેક કરે. ટ્રાફિકના નિયમો કરતાં વધારે અતુલ પાસે ‘હૉન્ડા પ્રીતિ’ના નિયમોનું લાંબુંલચક લિસ્ટ હતું.

સ્પીડબ્રેકર ઠેકાડવું નહીં, પાણી ભરેલું હોય ત્યાં જવું નહીં, કાદવવાળી શેરીઓમાં નીકળવું જ નહીં. અળવીતરા છોકરાઓ રહેતા હોય ત્યાં હૉન્ડા રેઢું મૂકવું નહીં, હવા રોજ ચેક કરવી, હૅન્ડલ-લૉક દિવસમાં ૩ વાર લગાવતાં સહેજ પણ ન શરમાવું, સોસાયટીમાં કોઈ પણ માણસને હૉન્ડાની ચાવી ન આપવી વગેરે... વગેરે.

અશોકના શિલાલેખ પરથી અશોકના સામ્રાજ્યની વ્યવસ્થા, અહિંસા અને જીવદયાનું માપ તમે લગાવી શકો એ રીતે ઉપર કહ્યા એ નિયમોથી તમે અતુલના હૉન્ડા માટેના મમત્વ અને આસક્તિનો અંદાજ લગાવી શકો. જોકે જગતની કોઈ પણ વ્યક્તિનો કે વસ્તુનો મોહભંગ થયા વગર રહેતો નથી, તમારું નામ મોહન કે મોહિની હોય તો પણ.

એક દિવસ મારા ગોંડલના ઘરે મેં અતુલને નવા હૉન્ડા સાથે બપોરે જમવા નોતર્યો. મારી સોસાયટી પ્રમાણમાં સલામત છે એવું મારા સિવાય બધાને લાગે છે. મને મળવાના ઉમળકા અને ઉતાવળમાં અતુલ હૉન્ડાનું હૅન્ડલ-લૉક ભૂલી ગયો. જમ્યા પછી બન્નેએ બે કલાક વાતના ગપાટા માર્યા અને પછી હું તેને વળાવવા દરવાજે આવ્યો તો અતુલનું હૉન્ડા ગાયબ. મને ફાળ પડી અને અતુલ તો ગુસ્સામાં હાંફવા લાગ્યો.

મેં પૂછ્યું, ‘તારા હૉન્ડાનો નંબર શું હતો?’

‘ચોરાણું ચોરાણું’

‘અલ્યા, હજી ચોરાણું એ ક્યાં ફાઇનલ થયું છે?’

‘સાંઈ નંબર છે, ચોરાણું ચોરાણું.’

ધરપત આપતાં મેં તેને કીધું, ‘ચિંતા કર નહીં, ગોંડલના PI ગોહિલસાહેબ મારા અંગત મિત્ર છે. તે બધું પતાવી દેશે.’

મારા હૉન્ડામાં બેસાડીને હું અતુલ સાથે પોલીસ-સ્ટેશન જવા નીકળ્યો ત્યાં ઘરથી થોડે દૂર ત્રિકોણિયા ચોકમાં ટોળું વળેલું ભાળ્યું. ત્રીસ-ચાલીસ ભાઈઓના ટોળા વચ્ચે એક સાસુ-વહુ રડતાં ભાળ્યાં. વિગતે પૂછતાં જાણવા મળ્યું કે એક હૉન્ડાવાળો વહુની ચેઇનની ચીલઝડપ કરીને અને સાસુને અડફેટે લઈને ભાગી ગયો છે.

‘ચોર કેવી રીતે ભાગ્યો?’ સવાલ પૂછતાં જાણવા મળ્યું કે ચોર ચોરાણું-ચોરાણું નંબરના હૉન્ડા પર આવ્યો’તો. ચેઇન ચોર્યા બાદ માજીને અડફેટે લીધાં એમાં ચોર પણ પડ્યો અને હૉન્ડા મૂકીને દોડતો ભાગી ગયો.

ચોરાણું-ચોરાણું નંબર સાંભળતાં અમારા હૈયામાં ધ્રાસકો પડ્યો. સલમાન ખાન જે રીતે ઐશ્વર્યાને જુએ કંઈક એવી જ નજરથી અતુલે પોતાનું પ્યારું હૉન્ડા રોડના કાંઠે જોયું પણ ખરું, પણ મેં કહ્યું, ‘અતુલ, અત્યારે જો આ હૉન્ડાનો આપણે દાવો કરીશું તો ચીલઝડપ અને માજીની અડફેટના બે ગુના પણ માથે આવશે. ચૂપચાપ પોલીસ-સ્ટેશન જવાય.’

સમયસૂચકતા સાથે અમે પોલીસ-સ્ટેશનમાં ગોહિલસાહેબને મળ્યા. મારા મિત્ર અતુલનું હૉન્ડા ઘરઆંગણેથી કો’ક ચોરી ગયું. આટલું કીધું ત્યાં તો અતુલથી ડૂસકું નખાઈ ગયું. ગોહિલસાહેબે પોતાની ડાયરીમાં હૉન્ડાના નંબર હજી તો લખ્યા કે જીજે થ્રી-કે ચોરાણું ચોરાણું ત્યાં તો કહે કે આવા નંબર રાખો તો ચોરને પણ ચોરવાની પ્રેરણા મળે!

સાહેબે ડાયરી બંધ કરી ત્યાં ફોન રણક્યો કે ગોહિલસાહેબ, ત્રિકોણિયા પાસે જે ચોર ચેઇનની ચોરી કરીને ભાગ્યો’તો એ હૉન્ડાના નંબર છે ચોરાણું-ચોરાણું...!

સાહેબે શંકાભરી નજરે અતુલ સામું જોયુ. હું આખી ચોખવટ કરું ત્યાં એક ટોળું એક જણને ચીંથરેહાલ કરીને ટપલીદાવ રમતું ગોહિલસાહેબની ચેમ્બરમાં દાખલ થયું ને કોઈ બોલ્યું, ‘સાહેબ, આ એ જ ચોર છે જે માજીને અડફેટે લઈને ચેઇન ચોરીને ભાગ્યો’તો.’

ચોર પ્રગટ થવાથી ગોહિલસાહેબની શંકાનું ત્વરિત સમાધાન થયું. સાહેબે કાગળિયાં કરીને ચોરને કસ્ટડીમાં લીધો. અતુલ પાસે સહી કરાવીને ચોરાણું-ચોરાણુંની ચાવી હાથોહાથ સોંપી. હાશકારાનો શ્વાસ લેતાં સૌને આભારવિધિ કરી અમે બેય પોલીસસ્ટેશનની બહાર નીકળ્યા ત્યાં! ત્યાં શું?

મારું હૉન્ડા ગાયબ... ઘર પાસેથી કો’ક ચોરી જાય તો પોલીસ ગોતી દયે, પણ પોલીસ-સ્ટેશનથી કો’ક લઈ જાય એને કોણ ગોતી દયે? પેન્ટાગૉન પર અટૅક થયો ત્યારે જે ફીલિંગ અમેરિકાના પ્રેસિડન્ટને આવી હતી એવી ફીલિંગ મને આવી. ‘ધરમ કરતાં ધાડ પડી’ કહેવત વરસો પહેલાં ભણી હતી, પણ મેં એ દિવસે પહેલી વાર અનુભવી.

નરસૈંયાની હૂંડી શામળિયાએ સ્વીકારી હતી, મારા હૉન્ડાની હૂંડી કોણ સ્વીકારશે? મારા હૉન્ડાનો ચોર ચીલઝડપ કે માજીને અડફેટે નહીં લ્યે તો? કેવી રીતે મારું હૉન્ડા પરત મળશે? આવા કેટલાય વિચારો મેં કરી નાખ્યા. ત્યાં એક કૉન્સ્ટેબલ મારું હૉન્ડા લઈને પ્રગટ થયો કે સાંઈરામ, તમારા હૉન્ડામાં ચાવી એમ ને એમ હતી એટલે ચા લેવા ગયો’તો! આ લ્યો તમારું હૉન્ડા.

મારા મનમાં તો મણ-મણની આવી ગઈ, પણ મેં એ બધી મનમાં ને મનમાં જ ધરબીને ચાવી હાથમાં લીધી.

columnists gujarati mid day lifestyle news life and style gujarati community news