ગીરમાં લગાતાર વધતી સિંહોની સંખ્યા : ગૌરવની સાથે હવે નવા પડકારોને પણ ગંભીરતાથી લેવાનો સમય આવી ગયો છે

15 July, 2026 03:59 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

હાલમાં સિંહો દ્વારા માનવો પર હુમલાઓ કરવાની ઘટનાઓમાં મોટો વધારો જોવા મળ્યો છે. એમાં કેટલાક કિસ્સામાં સિંહોએ માનવશિકારનું ભક્ષણ પણ કર્યું છે જે અત્યંત ચિંતાજનક છે.

ફાઇલ તસવીર

હાલમાં સિંહો દ્વારા માનવો પર હુમલાઓ કરવાની ઘટનાઓમાં મોટો વધારો જોવા મળ્યો છે. એમાં કેટલાક કિસ્સામાં સિંહોએ માનવશિકારનું ભક્ષણ પણ કર્યું છે જે અત્યંત ચિંતાજનક છે. હવે જ્યારે માનવ-સિંહ સંઘર્ષ ચરમસીમાએ પહોંચ્યો છે ત્યારે આ પરિસ્થિતિમાં માત્ર પ્રાદેશિક ગૌરવ ખાતર સિંહોને એક જ વિસ્તારમાં સીમિત રાખવાને બદલે એમને દેશનાં અન્ય રાજ્યોમાં સુરક્ષિત રીતે સ્થળાંતરિત કરવા બાબતે.

સમગ્ર વિશ્વમાં સિંહ ક્યાંય પણ જોવા મળતા હોય તો એ આફ્રિકામાં અને ભારતમાં જ મળે છે. ભારતના સિંહ એશિયાટિક સિંહ તરીકે ઓળખાય છે. આ એશિયાટિક સિંહોના સંરક્ષણ માટે ગુજરાત સરકારે છેલ્લા અનેક દાયકાઓથી અસરકારક કામગીરી કરી છે જેને લીધે એક સમયે લુપ્ત થવાની કગાર પર પહોંચેલા એશિયાટિક સિંહોની સંખ્યામાં આજે નોંધપાત્ર વધારો થયો છે. ૨૦૨૫ની સત્તાવાર સિંહગણતરી મુજબ રાજ્યમાં એશિયાટિક સિંહોની સંખ્યા વધીને ૮૯૧ થઈ છે, જ્યારે ૨૦૨૦માં આ સંખ્યા ૬૭૪ હતી. માત્ર પાંચ વર્ષમાં ૩૨ ટકાનો વધારો વન્યજીવન સંરક્ષણની અસાધારણ સિદ્ધિ ગણાય.

સિંહોની વધતી સંખ્યાની સાથે એમનો વિસ્તાર પણ સતત વિસ્તર્યો છે. આજે સિંહો માત્ર સાસણગીર પૂરતા સીમિત રહ્યા નથી. એમની સ્થાયી હાજરી જૂનાગઢ ઉપરાંત ગીર-સોમનાથ, અમરેલી, ભાવનગર, રાજકોટ, પોરબંદર અને દેવભૂમિ દ્વારકામાં પણ નોંધાઈ છે અને તેઓ માનવ-વસાહતોની નજીક મુક્તપણે વિહરતા જોવા મળી રહ્યા છે. વન્યજીવ-નિષ્ણાતોનું માનવું છે કે સિંહ સ્વભાવથી વિસ્તારવાદી પ્રાણી હોવાથી નર સિંહ પોતાના વિસ્તારમાં બીજા નર સિંહની હાજરી સહન કરતો નથી. સિંહોની વધતી સંખ્યાને કારણે નર સિંહો વચ્ચે અંદરોઅંદર સંઘર્ષ થાય છે જેમાં ક્યારેક નબળા સિંહોનું મૃત્યુ થાય છે. કેટલાક કિસ્સાઓમાં નવું પ્રભુત્વ સ્થાપિત કરનાર નર સિંહ અગાઉના સિંહનાં બચ્ચાંને પણ મારી નાખે છે. આ સંઘર્ષમાં જે અમુક સિંહો બચી જાય છે તેઓ નવો વિસ્તાર શોધવા માટે ગીરની બહાર નીકળે છે અને ત્યાં પોતાનો નવો પરિવાર બનાવે છે. ગીર સિવાયના બહારી વિસ્તારોમાં સિંહનાં ટોળાંઓ દેખાવાનું આ એક મુખ્ય કારણ છે.

હવે આપણે મૂળ મુદ્દાની વાત કરીએ તો છેલ્લા કેટલાક મહિનાઓમાં સિંહો દ્વારા માનવીઓ પર થયેલા હુમલાની જે ઘટનાઓ સામે આવી છે એને બદલાતી પરિસ્થિતિના સંકેત તરીકે સમજવાની જરૂર છે. છેલ્લાં પાંચ વર્ષમાં સિંહોની સંખ્યામાં થયેલી ૩૨ ટકાની વૃદ્ધિ એક રીતે ગર્વ લેવા જેવી બાબત છે, પરંતુ સામે એ એક ચેતવણી સમાન પણ છે કારણ કે આગામી વર્ષોમાં પણ સિંહોની વસ્તી જો આ જ ગતિએ વધતી રહેશે તો મનુષ્ય તથા સિંહ વચ્ચે સીધા સંઘર્ષની શક્યતાઓ પણ બળવત્તર બનશે. સિંહ દ્વારા માનવો પર થયેલા હુમલાઓ બાબતે કેટલાક સ્થાનિકોનું એવું માનવું છે કે અગાઉ ગણ્યાગાંઠ્યા લોકો જ સિંહ જોવા આવતા; પણ આજે વધેલું ટૂરિઝમ, લાખો સહેલાણીઓ, જંગલની આસપાસના રિસૉર્ટ્સ અને ગેરકાયદે સિંહદર્શનને કારણે સિંહો વારંવાર માનવસંપર્કમાં આવતા થઈ ગયા છે. આ કારણે કેટલાક સિંહોમાં માણસ પ્રત્યેનો ભય ઓછો થયો હોઈ શકે, જેથી તેઓ માનવો પર હુમલાઓ કરી રહ્યા છે. જોકે આ ગંભીર મુદ્દે વધુ ઊંડા વૈજ્ઞાનિક અભ્યાસની જરૂર છે.

આ સમસ્યાના ઉપાયરૂપે અહીં એક વાત સ્પષ્ટ લખવી જરૂરી છે કે ગુજરાતના રાજકીય અને સામાજિક આગેવાનોએ હવે એ અભિગમ છોડવો પડશે કે એશિયાટિક સિંહો તો ફક્ત ગુજરાતમાં જ હોવા જોઈએ. અન્યથા હાલમાં સિંહો દ્વારા મનુષ્યો પર હુમલાઓ કરીને તેમને પોતાનો આહાર બનાવવાની જે ઘટનાઓ બની છે એમાં મોટા પાયે વધારો થઈ શકે છે, કારણ કે સિંહો માટે માનવ એક આસાન શિકાર છે અને કોઈ પણ વન્ય-જાનવરનું માનવભક્ષી બની જવું એ સમગ્ર સમાજ માટે ગંભીર ચિંતાનો વિષય છે. કદાચ એટલે જ નજીકના ભવિષ્યમાં ઘટનારી આ વાસ્તવિકતાને ધ્યાનમાં રાખીને વન્યજીવનિષ્ણાતો (ખાસ કરીને સિંહોના જીવનનો બારીકાઈથી અભ્યાસ કરનારા એક્સપર્ટ્સ) ગીરની બહાર એશિયાટિક સિંહોની બીજી સ્વતંત્ર વસાહત સ્થાપવાની ભલામણ કરતા આવ્યા છે.

હવે થોડાં સરકારી તથ્યોની વાત કરીએ તો ૧૯૯૫માં વાઇલ્ડલાઇફ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ઇન્ડિયા દ્વારા કરાયેલા સત્તાવાર અભ્યાસમાં સિંહોના પુનર્વસન માટે મધ્ય પ્રદેશના કુનો વિસ્તારની ભલામણ કરવામાં આવી હતી. આ ઉપરાંત ૨૦૧૩ની ૧૫ એપ્રિલે ભારતની સુપ્રીમ કોર્ટે એક કેસમાં ઐતિહાસિક ચુકાદો આપીને ગીરની બહાર બીજી જંગલી વસાહત સ્થાપીને સિંહોના સ્થળાંતરણની પ્રક્રિયા તાકીદે હાથ ધરવાનો નિર્દેશ આપ્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે ગીરમાં ૨૦૧૮ અને ૨૦૨૦માં જીવલેણ વાઇરસને કારણે ટપોટપ સિંહોનાં મોત થયાં હતાં. જો ભવિષ્યમાં આવો કોઈ મોટો ચેપી રોગચાળો વ્યાપક સ્તરે ફાટી નીકળે તો એશિયાટિક સિંહોની આખી પ્રજાતિ લુપ્ત થઈ જવાનું મોટું જોખમ છે. સુપ્રીમ કોર્ટે પણ આ જ સંકટના આધારે સ્પષ્ટ જણાવ્યું હતું કે સિંહોની સમગ્ર વસ્તીને એક જ ભૌગોલિક વિસ્તારમાં કેન્દ્રિત કરી રાખવી લાંબા ગાળે જોખમી સાબિત થઈ શકે છે. દુર્ભાગ્યે આજ સુધી આ કાનૂની આદેશને અમલમાં લાવવામાં આવ્યો નથી.

જોકે આ વાતો હવે જૂની થઈ ગઈ છે પણ વર્તમાન સમયમાં આ સ્થિતિ વધુ ગંભીર બની ગઈ છે; કારણ કે ૧૯૯૫માં જ્યારે સ્થળાંતરનો પ્રસ્તાવ મુકાયો ત્યારે ગુજરાતમાં આશરે ૩૦૦ જેટલા જ સિંહો હતા, જ્યારે આજે સિંહોની સંખ્યા લગભગ ૯૦૦ના આંકડા સુધી પહોંચવા આવી છે. સિંહોની આ વિસ્ફોટક વસ્તીને ધ્યાનમાં રાખીને હવે મોદી સરકાર, ગુજરાત સરકાર અને સંબંધિત રાજ્યો વચ્ચે આ ગંભીર મુદ્દે પુનર્વિચારણા થવી જરૂરી છે. હવે સમયની ડિમાન્ડ છે કે વૈજ્ઞાનિક આયોજન સાથે અન્ય રાજ્યોમાં પણ સિંહોની નવી વસાહતો સ્થાપવામાં આવે જેથી સિંહોની પ્રજાતિ ભવિષ્યના રોગો સામે વધુ સુરક્ષિત બનશે અને ગીર વિસ્તારમાં વધતા માનવ-સિંહ સંઘર્ષને ઘટાડવામાં પણ મદદ મળશે

અંતિમ વિચાર : ક્યારેક કોઈના પ્રત્યેનો અતિ-પ્રેમ પણ ઘાતક બની જાય છે. જો આપણે ખરેખર કોઈને ચાહતા હોઈએ તો તેને બંધનમાં રાખવાને બદલે થોડી સ્વતંત્રતા આપવી જોઈએ, જેથી તેઓ સંબંધના દાયરામાં ઘૂંટાય નહીં. એશિયાટિક

સિંહોની બાબતમાં પણ અત્યારે આવું જ કંઈક થઈ રહ્યું છે. એશિયાટિક સિંહોને અપાર પ્રેમ કરતી મોદી સરકારે હવે ગુજરાતના આ સિંહોને બીજાં રાજ્યોમાં પણ મુક્તપણે વિહરતા કરી દેવા જોઈએ.

columnists exclusive gujarati mid day