જો કક્કો બોલવા માંડે તો?

20 September, 2026 01:27 PM IST  |  Mumbai | Sairam Dave

તો સાચે જ લોકોની આંખો ખૂલે અને ABCDની લપમાંથી લોકો બહાર આવે

પ્રતીકાત્મક તસવીર

મૂળાક્ષરોને વાચા હોત તો? 
તો ખરેખર સમજાતું હોત કે ABCDમાં પડી ગયેલી મમ્મીઓને કે આ કક્કો જીવનનો અમૂલ્ય કહેવાય એવો સંદેશો આપે છે. કાલે રાતે કક્કો મારા સપનામાં આવ્યો અને એણે મને પોતાની વાત કરી. શું હતી એ વાત, ચાલો સાંભળીએ...
ક : હું છું કલમનો પણ કલમ ક્યારેક કટાર બને એ પાલવે, પણ કાયમ કટારની જેમ જ વર્તે તો એ કલમની દવા કરાવજો. 
ખ : ખડિયાનો હતો, ખુવારીનો ન થઈ જાય એ જોજો. મૌલિક સર્જકોની પાંખો સાચવજો. ખડિયો યોગ્ય હાથોમાં વપરાશે નહીં તો જીવન કાગળના પડિયા જેવું થઈ જશે.
ગ : સૌના શ્રીગણેશ તો હું જ કરું છું, પરંતુ ગણપતિ ઉત્સવ રાષ્ટ્ર એક કરી રહ્યો છે કે સોસાયટીઓને અલગ-અલગ એ શાંતિથી વિચારજો.
ઘ : ઘરનો હતો, પણ શહેરમાં સંયુક્ત કુટુંબની પાંખી સંખ્યા થતી જોઈને થાય છે કે અહીં હવે ઘર નથી માત્ર મકાનો જ છે.
ચ : ચકલીનો હવે કક્કામાં જ રહ્યો. ચકલીને તો તમે દેશવટો આપ દીધો. ચકલીનાં ચિત્રો તો દોરાવજો અને બાળગીત અને વાર્તામાં પણ મને સાચવજો.
છ : છત્રી ફિલ્મી ગીતોમાં રહી છે બસ... એનો રાજીપો. પેલા પોપટલાલનું સન્માન કરવા આવવું છે રૂબરૂ.
જ : જમરૂખની સંધિ છૂટી ન પાડો, નહીંતર રૂખ જમ તરફ થઈ જશે. જીવતા રહો અને જલસા કરો.
ઝ : ઝભલાં તો હવે Paytmથી દેવાય છે. પ્લાસ્ટિકનાં ઝભલાં પૃથ્વી બરબાદ કરે છે ત્યારે મને થાય છે કે હું આત્મહત્યા કરી લઉં.
ટ : ટપાલીની પાલી હાલતા જોઈતી, હવે ટપાલીને ખાલી હાલતા પણ જોઉં છું. ટપાલ લખવાનું શરૂ કરો તો વિચ્છેદ થતા સંબંધો ફરી બચી જશે એની ગૅરન્ટી.
ઠ : ઠળિયાનો ઠ ઠગનો થઈ ગયો. રોજ-રોજ કેટલી ચોરી? કેવા-કેવા ઠગભગત? બાપ રે! મારું તો રાજીનામું સ્વીકારી લો.
ડ : ડમરુમાંથી ડગલાનો થયો. હજી ડફણાં સુધી ડીવૅલ્યુએટ કરશો કે શું? મારે પણ કાં તો રાજીનામું આપવું છે અને કાં તો આપઘાત કરવો છે.
ઢ : ઢગલાનો ઢ તમે કોઈ એવા ચોઘડિયે નક્કી કર્યો છે કે દેશમાંથી કચરાના ઢગલા દૂર થતા જ નથી. સ્વચ્છતાને સરકારી યોજના નહીં, સ્વભાવ બનાવશો તો ચોખ્ખાઈ વધશે.
ણ : ફેણનો છે. મને તો આશ્ચર્ય થાય છે કે નાગપંચમીએ ફોટોની પૂજા કરો છો તો જીવતા નાગને પથ્થર કેમ મારો છો. નાગ કરતાં વધુ ઝેર તો કેટલાકની જીભે નથી?
ત : તલવાર કરતાં તાવેથાનો ત આખી પેઢીને ફરી ભણાવી શકાય? કારણ કે તલવાર નુકસાન કરે છે અને તાવેથાએ પેટ ઠાર્યાં છે. 
થ : થડ તો સૌનું સનાતન છે. ધર્મ અને સંપ્રદાયોની ડાળીઓનાં પાંદડાં વધારવાની દોડમાં થડને પાણી પિવડાવવાનું વીસરી જશો તો પછી કોના છાંયે જીવશો?
દ : દડાનો હતો અને હજી છું! પરંતુ સમય મળ્યે જો બચ્ચાપાર્ટી પરથી અપેક્ષાનો બોજ ઘટાડી દો તોય ઘણું.
ધ : ધજાની જેમ ફરકતા અને ફફડતા મનને શાંતિ આપો. મનને સ્થિર રાખવાની જે કળા ભારતના ઋષિઓએ શીખવી એના રૂપિયા ફૉરેનના ટ્રેનરોને થોડા અપાય? 
ન : નગારાનો જ હોય, પણ નગારાં-ઘંટ કે લાઉડ સ્પીકરનો વિવાદ કરવામાં સમગ્ર માનવજાત પરથી ઈશ્વર નારાજ ન થઈ જાય હોં એ જોજો. 
૫ : પતંગનો જ રાખજો, પતિનો ન કરતા. ઊંચાઈ સુધી પહોંચવા માટે એકાદ બંધન જરૂરી છે. યુવા પેઢીના કાનમાં પુસ્તકપ્રેમનો મંત્ર ફૂંકી દો તો એ પતંગ કદી ગોટે નહીં ચડે.
ફ : ફિઝિકલી ફાનસ આમ તો હવે ફિલ્મોમાં જ રહ્યું છે; પણ શબ્દો અને વિચારોનું ફાનસ લઈને ફરતા કેટલાય સંતો, મહાપુરુષો અને વિચારકોને પણ સાચવજો.
બ : બકરી તો ગાંધીબાપુ સાથે જ રાજઘાટ પર સમાધિસ્ત થઈ ગઈ એવા સમયે મને ને બાપુને કોણ યાદ કરે.
ભ : ભમરડો આઉટડેટેડ જરાય નથી. પહેલાં માત્ર બાળકો ઘરે ફેરવાતા. હવે મોટા-મોટા ઉદ્યોગપતિઓે ફેરવીને ફૉરેન જતા રહે છે.
મ : મરચાંએ તો સદીઓથી તીખાશ ટકાવી રાખી, પરંતુ માણસોએ માણસાઈ ક્યાં ટકાવી?
ય : યુતિનો તો સૌએ ભણ્યો, પણ યતિનો ત્યાગ કોઈએ ન ભણ્યો. ક્યારેક કશું ન મળે તો ચલાવી લેતાં ક્યારે શીખશો? 
૨ : રમકડાનો જ અને સાવ રમકડા જેવો જ. હાથે બનાવેલાં લાકડાનાં રમકડાંનો આખો વ્યવસાય તો તમે ખોઈ નાખ્યો. રમો ચાઇનીઝ રમકડાંથી, બીજું શું?
લ : લખોટી મેદાનની જગ્યાએ શોકેસમાં ક્યાંક ભૂલી પડી છે. મોબાઇલે કેટલો બધો ફાયદો કરાવ્યો કાં તમારાં બાળકોને?
વ : વહાણની જેમ દરિયામાં મોજથી ટહેલું છું. ફરિયાદો મારી ફિતરત નથી. શીખો કંઈક શીખો.
સ : સગડી તો ગગડી લ્યા! નો ખરખરો પ્લીઝ!
શ : શકોરું માટીનું વાસણ હતું. દેશની માટી અને માતૃભાષા જ છૂટી ગઈ એમાં હું શું ધોખો કરું?
ષ : હા ભાઈ, ફાડિયો ‘ષ’ હું! પણ મેં માણસોની જેમ ધર્મ-ભાષા-પ્રદેશ કે રંગના ફાડા પડાવ્યા તો નથી જ નથી.
હ : હળે VRS મૂકી દીધું છે. ખેતીપ્રધાન દેશના લોકો બસ થોડા જ સમયમાં બધું જ અન્ન ઇમ્પોર્ટ કરવાની તૈયારી રાખજો અને હળને મ્યુઝિયમમાં!!
ળ : નળ અને દમયંતીની કથા સાથે જોડાયેલો હતો. તમે તો ભૂતિયા નળ સાથે મને જોડ્યો. જબરા હોં બકા!
ક્ષ : ક્ષત્રિયનો જ! ક્ષાત્રત્વ એ સંસ્કાર છે. પરમાર્થ માટે જ પ્રાણ ત્યાગે તે પ્રત્યેકમાં હું હાજર! કોઈ શક?
જ્ઞ : યજ્ઞનો છું અને સદૈવ રહેવાનો. યજ્ઞના ધુમાડામાં અને ટાયર બળવાના ધુમાડામાં પાણી અને પેટ્રોલ જેટલો ફરક છે. સમજજો, નહીંતર ધનોત-પનોત નીકળશે હોં!
મૂળાક્ષરોએ મનની વાત દિલથી મને કહી. હવે તમારા હૃદય સુધી પહોંચે તો યત્ન સફળ. બાકી ABCDનો દેકારો આજુબાજુમાં છે જ. એમાં ખુશ રહો. કક્કો કંઈ કમ્પ્લેઇન કરવા નહીં આવે. 

-સાંઈરામ દવે

gujarati medium school gujarati community news culture news religion lifestyle news life and style columnists