પાઇલટ બનવા માગે છે આ ટીનેજ કલાકાર

24 April, 2024 12:30 PM IST  |  Mumbai | Heena Patel

સફળ મૉડલ હોવા છતાં અને ફિલ્મોમાં પણ જામી રહ્યો હોવા છતાં મન મોટાે થઈને પાઇલટ બનવા માગે છે.

મન ગાંધીની તસવીર

બાળકોને ખૂબ ગમેલી ફિલ્મ ‘માય ફ્રેન્ડ ગણેશા’ જેવી જ ફિલ્મ ‘લવ યુ શંકર’ ગયા અઠવાડિયે રિલીઝ થઈ છે જેમાં મુખ્ય ભૂમિકામાં બાળકલાકાર તરીકે બોરીવલીનો ૧૪ વર્ષનો મન ગાંધી છે. ‘તેજસ’, ‘બાયપાસ રોડ’, ‘ફરાઝ’ જેવી ફિલ્મોમાં પણ દેખાયેલો મન ૨૦૦ જેટલી બ્રૅન્ડ‍્સની ઍડ કરી ચૂક્યો છે

માત્ર ૧૪ વર્ષનો મન ગાંધી ૧૦ વર્ષનો અનુભવ ધરાવતો મૉડલ-ઍક્ટર છે. હાલમાં જ આવેલી ફિલ્મ ‘લવ યુ શંકર’માં ચમકેલો મન ફિલ્મો ઉપરાંત અઢળક ઍડ-ફિલ્મ્સમાં કામ કરી ચૂક્યો છે. સફળ મૉડલ હોવા છતાં અને ફિલ્મોમાં પણ જામી રહ્યો હોવા છતાં મન મોટાે થઈને પાઇલટ બનવા માગે છે.

ઍડથી મૂવી સુધીની સફર
મન જુનિયર KGમાં હતો ત્યારથી​ જ તેણે ઑડિશન્સ આપવાનું શરૂ કરી દીધું હતું. સૌથી પહેલાં તેણે ઍડમાં કામ કરવાનું શરૂ કર્યું હતું. પાંચ-છ ઑડિશન્સ આપ્યા પછી બે મહિનામાં જ મનને પહેલી ઍડ મળી ગઈ હતી. મન સિનિયર KGમાં આવ્યો ત્યારે તેણે ‘દો દિલ બંધે એક ડોરી સે’ સિરિયલમાં પણ કામ કર્યું હતું. જોકે એ પછી તેણે કોઈ દિવસ સિરિયલ્સમાં કામ કર્યું નથી. પછીથી તેણે ફિલ્મોમાં કામ કરવાનું શરૂ કર્યું હતું. બોરીવલીમાં સુલોચના મૅટરનિટી ઍન્ડ નર્સિંગ હોમ ચલાવતા મનના ગાયનેકોલૉજિસ્ટ પપ્પા ડૉ. અમર ગાંધી ‘મિડ-ડે’ને કહે છે, ‘સિરિયલ્સમાં દરરોજ કલાકો સુધી કામ કરવું પડે. એને કારણે મનની સ્ટડી અફેક્ટ થતી હતી. અમે પતિ-પત્ની બન્ને વર્કિંગ છીએ. બાળક સાથે અમારા બન્નેમાંથી એકને સેટ પર તેની સાથે રહેવું પડે. આને કારણે ટાઇમ-મૅનેજમેન્ટ કરવાનું અઘરું પડી જતું હતું. આ સિરિયલમાં મને ચાર મહિના કામ કર્યું હતું. એ પછી તેનો ટ્રૅક જ ખતમ થઈ ગયો હતો. આ તેની પહેલી અને છેલ્લી સિરિયલ હતી. તેને ઘણી સિરિયલ્સમાં કામ કરવાની ઑફર આવેલી, પણ અમે ચોખ્ખી ના પાડી દીધેલી. એ પછી અમે મૂવી તરફ વળ્યાં, કારણ કે એમાં વધુમાં વધુ એક મહિનાનું શેડ્યુલ હોય. વર્કિંગ અવર્સ પણ સિરિયલ જેટલા લાંબા ન હોય. આપણે સ્ટડી પણ મૅનેજ કરી શકીએ. અત્યાર સુધીમાં મને ૨૦૦ જેટલી બ્રૅન્ડ્સની ઍડ કરી છે. આમાં ઘણી જાણીતી બ્રૅન્ડ્સ જેમ કે પતંજલિ, સૅવલોન, પેપરબોટ, ડાબર, ડેટોલ, અમૂલ વગેરે છે. ઍડમાં ઇશ્યુ એ છે કે લોકો તમને નામથી ન જાણે, તેમને ફક્ત ચહેરો જ યાદ હોય. મને ‘મારા દાદા’ નામની એક ગુજરાતી શૉર્ટ ફિલ્મમાં પણ કામ કર્યું છે. હિન્દી ફિલ્મોની વાત કરીએ તો મને નીલ નીતિન મુકેશ સાથેની ‘બાયપાસ રોડ’, હંસલ મહેતાની ‘ફરાઝ’, કંગના રનૌત સાથેની ‘તેજસ’માં કામ કર્યું છે. આ બધી ફિલ્મોમાં તેની સીમિત ભૂમિકા હતી. મનની મુખ્ય ભૂ​મિકા ધરાવતી કોઈ ફિલ્મ હોય તો એ ‘લવ યુ શંકર’ છે, જે ૧૯ એપ્રિલે રિલીઝ થઈ છે. આ ​ફિલ્મમાં મને ડાન્સ, ઍક્શન, કૉમેડી બધું જ કર્યું છે. ફિલ્મમાં તેની સાથે શ્રેયસ તલપડે, તનીશા મુખરજી, સંજય મિશ્રા જેવા કલાકારો છે અને એનું દિગ્દર્શન રાજીવ રુઇયાએ કર્યું છે જેમની ’માય ફ્રેન્ડ ગણેશા’ બાળકોને ખૂબ પસંદ પડી હતી. મનના જીવનની આ સૌથી મહત્ત્વપૂર્ણ ફિલ્મ છે.’ 

 પ્રોડક્શન હાઉસમાં મીટિંગ માટે બોલાવે તો જવું પડે, ફોટો-સેશન માટે જવું પડે, કૉસ્ચ્યુમ-ટ્રાયલ માટે જવું પડે, મૂવીનું પ્રમોશન હોય તો ત્યાં જવું પડે. એટલે એ હિસાબે મારે અને મારી વાઇફને ટાઇમ મૅનેજ કરવો પડે. હું ડૉક્ટર છું એટલે મારે હૉસ્પિટલ સંભાળવી પડે એટલે મુંબઈમાં શૂટ હોય તો મનને હું કંપની આપું. બાકી મુંબઈની બહાર હોય તો મારી વાઇફ તેની સાથે જાય. અમારા માટે સૌથી મોટો ટાસ્ક ટાઇમ મૅનેજ કરવાનો છે. ઘણી વાર કામ માટે વહેલી સવારે ઘરેથી નીકળવું પડે, રાત્રે આવતાં મોડું થઈ જાય, સ્કૂલથી સીધા ઍરપોર્ટ જવું પડે એવું બધું થતું રહે.
- ડૉ. અમર, મન ગાંધીના પપ્પા

અત્યારથી ઍક્ટિંગમાં શા માટે?
મનનાં મમ્મી કાશ્મીરા ટ્યુશન્સ લે છે. મનને ઍક્ટિંગમાં મોકલવા પાછળનું કારણ જણાવતાં કાશ્મીરા કહે છે, ‘ઍક્ટિંગ ફીલ્ડ એવું છે જેમાં તમારા બાળકનું ઓવરઑલ ડેવલપમેન્ટ અન્ય બાળકોની સરખામણીમાં જલદીથી થાય છે. તેમનું બહારની દુનિયાના લોકો સાથે ઇન્ટરૅક્શન થાય એટલે આપોઆપ તેઓ નવી-નવી વસ્તુ જાણતાં, સમજતાં અને શીખતાં થઈ જાય. મનની જ વાત કરીએ તો ચાર વર્ષની ઉંમરે તેણે ઑડિશન્સ આપવાનું શરૂ કર્યું ત્યારે તો તે બીજાં બાળકોને જોઈને તે જેમ કરતાં હોય એમ કરી નાખે. એ પછી માતા-પિતા તેમને જેમ શીખવાડે એમ એ લોકો કરે. એ પછી તો અનુભવ સાથે તેઓ જાતે સીનનાં ઇમોશન્સને સમજીને ડાયલૉગ-ડિલિવરી અને ઍક્ટિંગ કરતાં શીખી જાય. એ સિવાય ડિફરન્ટ ટાઇપના રોલ કરવાના હોય તો એના માટે તેમને ડાન્સ, ઍક્શન એ બધું આવડી જાય. એટલે તેમને ડાન્સ, કરાટેના એક્સ્ટ્રા ક્લાસ કરાવવાની જરૂર ન પડે. એ સિવાય ઘણી બાબતોનું નૉલેજ તેમને અન્ય સ્ટુડન્ટ્સ કરતાં જલદી આવી જાય. જેમ કે તેને એક ઍડમાં કામ કરવાનું હતું તો એમાં ફોટોસિન્થેસિસ વર્ડનો યુઝ થયેલો. એ શું હોય એ મનને બુકમાં એ ચૅપ્ટર આવે એ પહેલાં જ ખબર પડી ગઈ હતી. એ સિવાય ડાયલૉગ્સ વગેરે યાદ રાખવાના હોય તો એને કારણે તેમની મેમરી શાર્પ થઈ જાય, જે તેમને તેમના સ્ટડીમાં હેલ્પફુલ થાય. સેટ પર બીજા સિનિયર કલાકારો કઈ રીતે ઍક્ટિંગ કરે છે, ડાયલૉગ બોલે છે એ બધું તેઓ જોતાં હોય છે તો એને કારણે તેમનું ઑબ્ઝર્વેશન અને ફોકસ પણ વધે છે. આ બધી વસ્તુ તેમને લાઇફના બધા જ ઍસ્પેક્ટમાં કામ આવે છે.’

ઍક્ટિંગ સાથે સ્ટડી પણ 
મન ભણવામાં પણ હોશિયાર છે. સ્કૂલમાં ફર્સ્ટ ફાઇવમાં તેનો રૅન્ક હોય જ છે. મન ટ્યુશનમાં પણ જતો નથી, ઘરે જ સ્ટડી કરે છે. કાંદિવલીની ચિલ્ડ્રન્સ ઍકૅડેમીનો સ્ટુડન્ટ મન કહે છે, ‘હું હવે દસમા ધોરણમાં આવવાનો છું એટલે મારે ભણવા માટે પણ સારોએવો સમય કાઢવો પડે. ઘણી વાર શૂટ માટે થોડા દિવસો માટે બહાર જવાનું હોય તો એવા સમયે હું સ્કૂલમાંથી રજા લઈ લઉં છું. મારો સ્કૂલમાં સારો પર્ફોર્મન્સ છે એટલે મને ઈઝીલી પરમિશન મળી જાય છે. ઈવન સેટ પર પણ હું બુક્સ લઈ જાઉં છું. દિવસમાં વધુમાં વધુ ચાર-પાંચ સીન થાય. એક સીન પત્યા પછી લાઇટ, કૅમેરા વગેરે ઍડ્જસ્ટ કરવામાં ટાઇમ લાગે. એટલે બે સીન વચ્ચે મને એક-બે કલાકનો ફ્રી સમય મળે તો એ સમયમાં હું સ્ટડી કરું. એ સિવાય એક્ઝામ વખતે અમે કોઈ પ્રોજેક્ટ્સ ન લઈએ. સવારે સાત વાગ્યાની સ્કૂલ હોય છે એટલે છ વાગ્યે ઊઠીને રેડી થઈ પોણાસાત વાગ્યે ઘરેથી નીકળી જાઉં. બપોરે સવાએક વાગ્યાની આસપાસ ઘરે આવી જમીને થોડી વારમાં ફ્રેશ થઈ ભણવા બેસી જાઉં. સાંજે પાંચ-છ વાગ્યા સુધી મારી સ્ટડી જ ચાલુ હોય. એ પછી સાંજે ફ્રેન્ડ્સ સાથે ક્રિકેટ રમવા જાઉં. ઇન શૉર્ટ, શૂટ ન હોય ત્યારે મારું રેગ્યુલર રૂટીન મારા બીજા ફ્રેન્ડ્સ જેવું જ હોય છે. મને પાઇલટ બનવું છે એટલે હું ઍક્ટિંગ સાથે સ્ટડી પર પણ એટલું જ ધ્યાન આપું છું એટલે વાતો કરવાનો એટલો સમય જ ન મળે. મનની સાથે ભણતા તેના મિત્રો ખૂબ હેલ્પપુલ છે. શૂટિંગને કારણે મનના ક્લાસ મિસ થયા હોય તો તેની સાથે પોતાની નોટ્સ વગેરે શૅર કરે.’

columnists life and style