પિતૃઓને પ્રસન્ન કરવાની નોખી પ્રથાઓ

12 September, 2022 11:02 AM IST  |  Mumbai | Varsha Chitaliya

સામાન્ય રીતે ધાર્મિક પરંપરાઓનું પાલન કરવામાં મહિલાઓ આગળ હોય છે, પણ શ્રાદ્ધ પક્ષમાં આ જવાબદારી પુરુષોના શિરે આવી જતી હોવાથી તેમને જ પૂછીએ કે પૂર્વજોના આશીર્વાદ મેળવવા તેઓ કેવી પ્રથાઓને ફૉલો કરે છે

પિતૃઓને પ્રસન્ન કરવાની નોખી પ્રથાઓ

શ્રાદ્ધ પક્ષમાં શુભ કાર્યો થતાં નથી, પરંતુ આ દિવસોમાં કરેલાં કાર્યો પર પિતૃઓની અમી દૃષ્ટિ રહે છે એવી માન્યતા હોવાથી અનેક ઘરોમાં પૂરી શ્રદ્ધા સાથે રીતિ-રિવાજોને અનુસરવામાં આવે છે. સામાન્ય રીતે ધાર્મિક પરંપરાઓનું પાલન કરવામાં મહિલાઓ આગળ હોય છે, પણ શ્રાદ્ધ પક્ષમાં આ જવાબદારી પુરુષોના શિરે આવી જતી હોવાથી તેમને જ પૂછીએ કે પૂર્વજોના આશીર્વાદ મેળવવા તેઓ કેવી પ્રથાઓને ફૉલો કરે છે

ગણપતિબાપ્પાની વિદાયના બીજા દિવસથી શરૂ થતો શ્રાદ્ધ પક્ષ એટલે પિતૃના ઋણમાંથી મુક્ત થવાના દિવસો. શાસ્ત્ર અનુસાર ભાદ્રપદના વદ પક્ષમાં આવતાં શ્રાદ્ધ દરમ્યાન શુભ કાર્યો થતાં નથી, પરંતુ આ દિવસોમાં કરેલાં કાર્યો પર પિતૃઓની અમી દૃષ્ટિ રહે છે એવી માન્યતા હોવાથી અનેક ઘરોમાં પૂરી શ્રદ્ધા સાથે એને અનુસરવામાં આવે છે. સામાન્ય રીતે ધાર્મિક પરંપરાઓનું પાલન કરવામાં મહિલાઓ મોખરે હોય છે, પણ શ્રાદ્ધ પક્ષમાં આ જવાબદારી પુરુષોના શિરે આવી જાય છે. પિતૃ પક્ષમાં પૂજા, તર્પણ અને પિંડદાન કરીને તેઓ પૂર્વજો પાસેથી આશીર્વાદ મેળવે છે. જોકે, દરેકના ઘરની રીત જુદી હોય છે. શ્રાદ્ધ પક્ષમાં પુરુષો કેવી-કેવી વિધિઓ કરે છે એ તેમને પૂછીએ. 

દરેક જનરેશન ફૉલો કરે

વસઈમાં રહેતા નવગામ ભાટિયા સમાજના રમેશ છોટાલાલ ઉદેશી ૩૫ વર્ષથી માતા-પિતાનું શ્રાદ્ધ કરે છે અને દીકરા ભાવેશને પણ રીત શીખવી છે. તેઓ કહે છે, ‘નવી પેઢીમાં ઘણા ઓછા લોકો પિતૃઓને કાગવાસ નાખતા હશે. જીવનમાં અડચણો અને મુસીબતો પિતૃદોષના લીધે આવે એવું કહો તો માને નહીં. વાસ્તવમાં માતા​-પિતાના આશીર્વાદ સંતાનના માથા પર હોય જ, પણ તેમના સિવાય પરિવારમાંથી કોઈનું અપમૃત્યુ થયું હોય કે ઇચ્છા અધૂરી રહી ગઈ હોય તો આપણી પાસે માગે અને તેમનો અધિકાર છે એવું માનીને કાગવાસ નાખવો જોઈએ. વધુ કંઈ કરવાનું હોતું નથી. અમે માતા-પિતાના ફોટાને ફૂલહાર ચડાવી, દીવો પ્રગટાવી પૂજા કરીએ. ફરસાણ-મિષ્ટાન્ન સાથેની તેમને ભાવતી રસોઈ બનાવી પાતળમાં મૂકીને કાગવાસ નાખવાનો હોય. પિતૃના રૂપમાં આવેલા કાગ જમી લે પછી આપણે જમવાનું. આટલું તો બધા કરી શકે છે. વિધિ દરમ્યાન શરૂઆતથી જ ભાવેશને મારી સાથે રાખું છું, જેથી તેને રિવાજોનો ખયાલ આવે. મારું માનવું છે કે આપણી ધાર્મિક સંસ્કૃતિને જાળવી રાખવા દરેક પેઢીએ આ પ્રથાને અનુસરવી જોઈએ. તેમને શીખવવાની જવાબદારી આપણી છે. આવી પ્રથાઓમાં મહિલાઓનું કામ નથી એવી માન્યતા પણ ખોટી છે. સ્ત્રી અને પુરુષ સંસારની ગાડીનાં બે પૈડાં છે. ઘરની સ્ત્રીઓના યોગદાન અને સહયોગ વિના કોઈ પણ કાર્ય અધૂરું ગણાય. તેમની શ્રદ્ધા અતૂટ છે તેથી આપણા હાથે સારાં કાર્યો થાય છે.’

પૂર્વજો પ્રભુસમાન

પિતૃઓને શ્રાદ્ધમાં જ નહીં, શુભ પ્રસંગોમાં પણ યાદ કરવામાં આવે છે. સારાં કાર્યો કરતી વખતે આપણે તેમનો હિસ્સો રાખીએ છીએ. તેમને પ્રભુસમાન દરજ્જો આપવામાં આવ્યો છે તેથી યથાશક્તિ થાય એટલું કરશો તો તમારી આવનારી પેઢી તરી જશે. બોરીવલીમાં રહેતા નાગર બ્રાહ્મણ જ્ઞાતિના સંકેત મહેતા કહે છે, ‘અમારા ઘરમાં મારા પપ્પા અને દાદાજીનું શ્રાદ્ધ થાય છે. તિથિના દિવસે ખીર-પૂરી સહિત બધી જ રસોઈ બને. પપ્પાને રસગુલ્લા ખૂબ ભાવતા હતા તેથી એ પણ મૂકીએ. પપ્પાની તિથિના દિવસે વૃદ્ધાશ્રમ અને અનાથાશ્રમમાં જઈને જમાડીએ અથવા અનાજ અને જીવનજરૂરિયાતની ચીજવસ્તુ આપી આવીએ. શ્રાદ્ધ પક્ષના પંદર દિવસ દરરોજ વડના વૃક્ષ નીચે દીવો કરવાનો નિયમ પણ જાળવી રાખ્યો છે. મમ્મીનું કહેવું છે કે પિતૃઓને આપણે જેટલું સાચવીશું, ઘરમાં સુખશાંતિ આવશે. અમે બન્ને ભાઈઓ શ્રાદ્ધ પક્ષને મહત્ત્વ આપીએ છીએ. આજની યુવાપેઢી વિધિઓને ફૉલો કરતી નથી, પણ મારું માનવું છે કે આગુ સે ચલી આ રહી પ્રથા પ્રત્યે શંકા-કુશંકા ન હોવી જોઈએ. આપણા વડીલોએ શરૂ કરેલી તમામ વિધિઓમાં કંઈક તથ્ય છે. નેક્સ્ટ જનરેશનને ધાર્મિક વિધિઓનું જ્ઞાન આપવું જોઈએ, જેથી તેઓ શ્રદ્ધાપૂર્વક કાર્ય કરે અને એનું ફળ પામે. બીજું એ કે પિતૃઓ માટે રસોઈ બનાવવાનું કામ તેમ જ અન્ય તૈયારીઓ ઘરની મહિલાઓ કરતી હોવાથી તેમનું યોગદાન પણ અગત્યનું છે.’

વડીલો પાસેથી શીખ્યા

પિતૃઓ માટે આપણે જે કાર્ય શ્રદ્ધાથી કરીએ એનું નામ શ્રાદ્ધ. આ વખતે એકમના દિવસે મારા પપ્પાને શ્રાદ્ધમાં ભેળવવામાં આવ્યા છે એવી માહિતી આપતાં વિરારમાં રહેતા ઘોઘારી મોઢ વૈષ્ણવ વાણિયા સમાજના કેતન મહેતા કહે છે, ‘આપણી સંસ્કૃતિમાં શ્રાદ્ધ પક્ષને ખાસ મહત્ત્વ આપવામાં આવ્યું છે. અમે પણ પરંપરાગત વિધિ પ્રમાણે એનું પાલન કરીએ છીએ. ૨૦૧૯માં પપ્પાનું અવસાન થયું હોવાથી બે વર્ષ બાદ એટલે કે આ શ્રાદ્ધ પક્ષમાં એકમના દિવસે તેમનું પ્રથમ શ્રાદ્ધ હતું. મમ્મી પહેલાં જ મૃત્યુ પામ્યાં છે. આમ બન્નેની પાછળ વિવિધ પ્રકારની રસોઈ બનાવી કાગવાસ નાખવાની તેમ જ ગાયને ઘાસ ખવડાવવાની વિધિ કરવામાં આવે છે. અમારા સમાજના રિવાજો મુજબ તિથિના દિવસે સમય અને સંજોગોની અનુકૂળતા જણાય તો બહેન, દીકરી-ભાણેજને જમવાનું આમંત્રણ આપવામાં આવે છે. મંદિરમાં જઈને બ્રાહ્મણને સીધું (વિવિધ પ્રકારનાં ધાન, શાકભાજી વગેરે) તેમ જ યથાશક્તિ દ​ક્ષિણા આપવાની પ્રથા પણ છે. મારાં મમ્મી-પપ્પાને દાદાજી-દાદીમાનું શ્રાદ્ધ કરતાં જોયાં છે. તેમની પાસેથી હું શીખ્યો હતો. મારું માનવું છે કે દરેક નવી પેઢીએ જૂની પેઢી પાસેથી ધાર્મિક અને સામાજિક વારસો ગ્રહણ કરવો જોઈએ.’

મનનું સમાધાન

નિરંજન પંડ્યા

શ્રાદ્ધ પક્ષ વિશે સરળ ભાષામાં માહિતી આપતાં શાસ્ત્રીજી નિરંજન પંડ્યા કહે છે, ‘શ્રાદ્ધ પક્ષ દરમ્યાન આપણા પિતૃઓ પૃથ્વી પર આવતા હોય છે. પિતૃ નિમિત્તે પિંડદાન, તર્પણ, બ્રહ્મભોજન જેવાં પુણ્યદાન કરવાથી તેઓ પ્રસન્ન થાય છે અને પોતાના પરિવાર સાથે જોડાયેલા રહે છે. શ્રાદ્ધની પરંપરા વૈદિક કાળથી છે. ગ્રંથોમાં બાર પ્રકારનાં શ્રાદ્ધનો ઉલ્લેખ છે. એમાં વૈજ્ઞાનિક અભિગમ પણ છે. જોકે, સાધારણ મનુષ્યની સમજણશક્તિની એક મર્યાદા હોવાથી મુખ્યત્વે પાર્વણ શ્રાદ્ધ અને એકોદિષ્ટ શ્રાદ્ધ કરવામાં આવે છે. ત્રણ પેઢીને ઉદ્દેશીને થતા શ્રાદ્ધને પાર્વણ શ્રાદ્ધ અને મૃતકને ઉદ્દેશીને થતા શ્રાદ્ધને એકોદિષ્ટ કહે છે. ઘણા લોકો સપિંડીકરણ શ્રાદ્ધ કરાવે છે. જે શ્રાદ્ધમાં પ્રેત પિંડનો પિતૃ પિંડમાં સમાવેશ કરવામાં આવે એને સપિંડીકરણ શ્રાદ્ધ કહે છે. આ શ્રાદ્ધ અંત્યેષ્ટિના બારમા દિવસે, ત્રણ માસ, છ માસ અથવા એક વર્ષે થાય. પિતૃ પક્ષના આરંભ પહેલાંથી અનેક લોકોના મનમાં શંકાઓ હોય છે. શ્રાદ્ધ શું છે, ક્યારે કરવું, કઈ રીતે કરવું, શું કામ કરવાનું વગેરે પ્રશ્નોનાં સમાધાન તેમને મળી રહે એવો પ્રયાસ કરીએ. જે તિથિએ મૃત્યુ થયું હોય એ જ તિથિએ શ્રાદ્ધ કરવું. સૌભાગ્યવતી સ્ત્રીનું મૃત્યુ કોઈ પણ તિથિના થયું હોય, પણ શ્રાદ્ધ માતૃ નવમીના દિવસે કરવું. અકાળ મૃત્યુ થયું હોય તેમનું શ્રાદ્ધ ચતુર્દશીના રોજ કરવું. આવાં અનેક વિધાનો છે. પિતૃઓને શ્રાદ્ધ પહોંચે કઈ રીતે? જેમ મોબાઇલમાં મોકલાવેલો મેસેજ સેન્ડર અને રિસીવર વચ્ચે સંપર્કનું માધ્યમ છે એવી જ રીતે શ્રાદ્ધમાં વપરાયેલું દ્રવ્ય પિતૃ સુધી પહોંચે છે અને ઇચ્છિત ફળ આપે છે.’.

આપણી ધાર્મિક સંસ્કૃતિને જાળવી રાખવા દરેક પેઢીએ શ્રાદ્ધ પક્ષની પ્રથાને અનુસરવી જોઈએ. બીજું, ઘરની સ્ત્રીઓના સાથ વિના કોઈ પણ કાર્ય અધૂરું ગણાય. તેમના યોગદાન અને સહયોગથી જ આપણા હાથે સારાં કાર્યો થાય છે એ વાત ભુલાવી ન જોઈએ : રમેશ છોટાલાલ ઉદેશી

અમારા ઘરમાં મારા પપ્પા અને દાદાજીનું શ્રાદ્ધ થાય છે. તિથિના દિવસે ખીર-પૂરી સહિત બધી જ રસોઈ બને. : સંકેત મહેતા

દરેક નવી પેઢીએ જૂની પેઢી પાસેથી ધાર્મિક અને સામાજિક વારસો ગ્રહણ કરવો જોઈએ: કેતન મહેતા

columnists Varsha Chitaliya