આ ગુજરાતી ફિલ્મમેકરની શૉર્ટ ફિલ્મો પહોંચી છે ઇન્ટરનૅશનલ ફિલ્મ ફેસ્ટિવલો સુધી

18 April, 2024 12:25 PM IST  |  Mumbai | Jigisha Jain

એક લેખક તરીકે તે લખે પણ છે અને કામની શરૂઆત તેમણે પ્રોડક્શનથી પણ કરી હતી. આમ ફિલ્મમેકિંગના દરેક લેવલ પર તે કામ કરી ચૂક્યા છે. 

મિહિર ઉપાધ્યાયની તસવીર

કાંદિવલીમાં રહેતા મિહિર ઉપાધ્યાયે બ્રૅન્ડ-સ્ટ્રૅટેજિસ્ટ તરીકે જમાવેલો ખુદનો બિઝનેસ બાજુ પર મૂકી ફિલ્મમેકિંગનું પોતાનું સપનું પૂરું કરવાનો નિર્ણય લીધો. એ પછી તેમણે ત્રણ શૉર્ટ ફિલ્મ્સ બનાવી છે જે આંતરરાષ્ટ્રીય સ્તરે જુદા-જુદા ફિલ્મ-ફેસ્ટિવલમાં પસંદગી પામી હતી એટલું જ નહીં, એ માટે તેમને અવૉર્ડ પણ મળ્યા છે

‘કોરોનાકાળ દરેક વ્યક્તિ માટે કોઈ ને કોઈ મોટો બદલાવ લાવી ગયો. એ સમય દરમિયાન આપણને બધાને જીવનનું જુદું જ મૂલ્ય શીખવા મળ્યું. જીવન અનિશ્ચિત છે એટલે જે કરવું હોય એ અત્યારે જ કરી લો, કારણ કે આજે છો અને કાલે નથી. આ અનુભૂતિ સાથે મેં બ્રૅન્ડ-સ્ટ્રૅટેજિસ્ટ તરીકેનો ખુદનો જમાવેલો બિઝનેસ બાજુ પર મૂકી, મારા પ્રથમ પ્રેમ ફિલ્મોમાં ઝંપલાવ્યું. મને લાગ્યું કે જેના માટે મને જીવવું ગમે છે એવું જીવન જ હવે મારે જીવવું છે. આવું વિચારી છેલ્લાં બે વર્ષથી મેં ફિલ્મો બનાવવાની શરૂઆત કરી.’ આ શબ્દો છે ફિલ્મમેકર મિહિર ઉપાધ્યાયના જેની શૉર્ટ ફિલ્મ્સ દેશ-વિદેશના ફેસ્ટિવલમાં પોતાની હાજરી નોંધાવી રહી છે અને કેટલાક ખાસ અવૉર્ડ્સ પણ જીતી રહી છે. મિહિર ઉપાધ્યાયે જુદી-જુદી ત્રણ શૉર્ટ ફિલ્મ્સ બનાવી છે જે યુટ્યુબ સિવાયનાં કેટલાંક મૂવી-પ્લૅટફૉર્મ્સ પર પણ ઉપલબ્ધ છે. હાલમાં કાંદિવલીમાં રહેતા ૪૩ વર્ષના મિહિર ઉપાધ્યાય એક ડિરેક્ટર તરીકે શૉર્ટ ફિલ્મો સિવાય ઍડ ફિલ્મ્સ પણ બનાવે છે. એક લેખક તરીકે તે લખે પણ છે અને કામની શરૂઆત તેમણે પ્રોડક્શનથી પણ કરી હતી. આમ ફિલ્મમેકિંગના દરેક લેવલ પર તે કામ કરી ચૂક્યા છે. 

શરૂઆત 
મિહિર ઉપાધ્યાયે ખૂબ નાની ઉંમરથી ફિલ્મોમાં કામ શીખવાનું શરૂ કરી દીધું હતું. એના વિશે વાત કરતાં કહે છે, ‘દસમા ધોરણ પછી મેં ફિલ્મોના સેટ પર ઝીરોથી કામ શરૂ કર્યું. એક સ્પૉટબૉયથી માંડીને કૅમેરા-અટેન્ડન્ટ તરીકે પણ મેં કામ કર્યું છે. ફિલ્મ-સ્કૂલોમાં ભણવાની ઇચ્છા ખૂબ હતી પરંતુ બહારની ફિલ્મ-સ્કૂલોની ફી પરવડે એમ નહોતી. એ સમયે મને ફિલ્મમેકર મીરા નાયરે માર્ગદર્શન આપ્યું કે ફિલ્મો બનાવવાનો શોખ હોય તો બનાવવાનું શરૂ કરી દે, એની મેળે બધું આવડશે, સ્કૂલ નહીં જા તો ચાલશે. હું ત્યારે એ સમયે અંધેરી અને બાંદરાના પસ્તીવાળા પાસેથી ફિલ્મોનાં પુસ્તકો ખરીદતો ને એ વાંચીને હું ઘણું શીખ્યો.’ 

પરિસ્થિતિ
મિહિર ઉપાધ્યાય ૨૩ વર્ષના હતા જ્યારે પૅન નલિનની ડિરેક્ટ કરેલી ‘વૅલી ઑફ ફ્લાવર્સ’ નામની એક આંતરરાષ્ટ્રીય ફિલ્મમાં કો-પ્રોડયુસર તરીકે કામ કરેલું. ૨૦૦૮માં એક મોટો પ્રોજેક્ટ તેઓ કરવાના હતા પરંતુ માર્કેટ તૂટ્યું એમાં મંદીને કારણે એ પ્રોજેક્ટ પડતો મુકાયો અને ફિલ્મમેકર તરીકે કામ કરવાનું સપનું પણ બાજુ પર મુકાઈ ગયું. એ પછી તેમણે ગોલ્ડન મીડિયાઝ નામની સ્ટ્રૅટેજિક બ્રૅન્ડ મૅનેજમેન્ટ ફર્મ શરૂ કરી, જે ૧૩ વર્ષ ચલાવ્યા પછી તેમણે ફરી ફિલ્મમેકિંગ તરફ પ્રયાણ કર્યું એમ જણાવતાં તેઓ કહે છે, ‘કોરોના સમયે મેં એ જ વિચાર્યું કે ફિલ્મમેકિંગ જ કરવાની અંતરંગ ઇચ્છા હોય તો અત્યારથી સારો સમય બીજો કયો હોઈ શકે? અને મેં એ શરૂ કર્યું.’

ફેસ્ટિવલ અને અવૉર્ડ 
મિહિર ઉપાધ્યાયે અત્યાર સુધીમાં ત્રણ શૉર્ટ ફિલ્મો બનાવી છે. એ અમેરિકા, ટર્કી, ઇટલી, ઇંગ્લૅન્ડ, મેસેડોનિયા, ફિલિપીન્સ, રશિયા, પ્રાગ, સ્પેન જેવા દેશોમાં યોજાતા નામી ફિલ્મ-ફેસ્ટિવલ્સમાં સિલેક્ટ થઈને પ્રસ્તુત કરવામાં આવી છે. પૉન્ડિચેરીમાં યોજાયેલા ઇન્ડો-ફ્રેન્ચ ઇન્ટરનૅશનલ ફેસ્ટિવલ, કલકત્તામાં યોજાયેલા બ્લૅક સ્વાન ઇન્ટરનૅશનલ ફિલ્મ ફેસ્ટિવલ, મુંબઈના રોશની ઇન્ટરનૅશનલ ફિલ્મ ફેસ્ટિવલ, મુંબઈ ઇન્ટરનૅશનલ ફિલ્મ ફેસ્ટિવલ, સેવન્થ બૅન્ગલોર ફિલ્મ ફેસ્ટિવલ, હૈદરાબાદમાં યોજાયેલા ઇન્ડિયન વર્લ્ડ ફિલ્મ ફેસ્ટિવલ, દિલ્હીમાં યોજાયેલા ન્યુ દિલ્હી ફિલ્મ ફેસ્ટિવલ, દાદાસાહેબ ફાળકે ફિલ્મ ફેસ્ટિવલમાં તેમની ફિલ્મો દેખાડવામાં આવી હતી. આ ઉપરાંત તેમને ઇટલીમાં મિલાન ગોલ્ડ અવૉર્ડ, અમેરિકામાં સધર્ન શૉર્ટ્સ અવૉર્ડ અને ભારતમાં તેમને વન અર્થ અવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો. શૉર્ટ ફિલ્મોની બજાર વિશે વાત કરતાં મિહિર ઉપાધ્યાય કહે છે, ‘જો ૧૦૦ ફીચર ફિલ્મ બનતી હશે તો એની સામે ૧૦,૦૦૦ શૉર્ટ ફિલ્મ્સ બનતી હશે. ત્યાં નવીનતા અને પ્રયોગો વધુ છે એટલે જ સ્પર્ધા પણ વધુ છે. વળી ત્યાં લાગતા-વળગતા લોકોને મદદ કરવામાં આવતી નથી. ત્યાં તમારું કામ જ તમારી ઓળખાણ બને છે.’ 

મિહિર ઉપાધ્યાયની શૉર્ટ ફિલ્મોગ્રાફી 

૨૦૧૯ - ગુડ નાઇટ સ્લીપ ટાઇટ (૧૬ નૅશનલ અને ઇન્ટરનૅશનલ ફિલ્મ ફેસ્ટિવલમાં ગયેલી ફિલ્મ)


ACP સિંહ એક ખ્યાતનામ પોલીસ ઑફિસર છે જેમણે તેમના કરીઅરનો સૌથી મોટો કેસ સૉલ્વ કર્યો છે. તેમનો પરિવાર - તેમની પત્ની અને દીકરી બન્ને ખૂબ ખુશ હોય છે. જોકે તેમની આ ખુશી એક દુખદ સ્વપ્નમાં પરિણમે છે. સ્વપ્નની દુનિયા જ્યારે સાચી દુનિયા પર હાવી થઈ જાય છે ત્યારે ઊંઘની ઊણપને કારણે જે પરિસ્થિતિ સર્જાય છે એ ગાત્રો થિજાવી નાખે એવી છે. 

૨૦૨૨ - ધ બ્લાઇન્ડ ડેટ (૨૦ નૅશનલ અને ઇન્ટરનૅશનલ ફેસ્ટિવલમાં ગયેલી ફિલ્મ)


બે જુદા ધર્મનાં રાઘવ અને નજમા અંધ હોવા છતાં પોતાના પ્રેમને ખાતર ભવિષ્યનાં સુંદર સપનાંઓ જોતાં હતાં, પરંતુ જીવનના એક વળાંક પર તેમણે એક અઘરો નિર્ણય લેવો પડે છે જેમાં રાઘવે નજમાના સુંદર ભવિષ્ય ખાતર પોતાના પ્રેમની કુરબાની આપવી પડે છે. પ્રેમની પરિભાષા વર્ણવતી આ સુંદર ફિલ્મ આજના યુગના પ્રેમ અને એની પરીક્ષાનું તાદ્રશ ચિત્રણ છે. 

૨૦૨૩ - ટેક અવે  (હાલમાં રિલીઝ થયેલી ફિલ્મ)


દયાના ભાવ સાથે એક ડૉક્ટર રાતના સમયે મુંબઈની ગલીઓમાં બેઘર લોકોને જમવાનું આપવા જાય છે એ સમયે એક શંકાસ્પદ બાઇક તેમનો પીછો કરે છે જે શહેરના અંધકારમાં ગરકાવ થઈ જાય છે. આ દરિયાદિલ ડૉક્ટરના પાત્ર પરથી પડદો ઉઠાવતું સત્ય એક એકદમ થિજાવી મૂકે 
એવા ક્લાઇમેક્સ સાથે સામે આવે છે. 

પ્રોસેસની મજા 
આ દેશના લાખો લોકો ફિલ્મમેકર બનવા માગે છે પણ બધા બની શકતા નથી. એનું કારણ છે કે ફિલ્મમેકિંગની કરીઅરમાં અનિશ્ચિતતા ખૂબ છે. પૈસા મળશે કે નહીં ખબર નથી, ખ્યાતિ મળશે કે નહીં ખબર નથી; પરંતુ એક જ વસ્તુ છે જે તમને અહીં ટકાવી રાખી શકે છે અને એ છે તમારું પૅશન જેને ઘણા લોકો ગાંડપણ પણ કહે છે. એ વિશે વાત કરતાં મિહિર ઉપાધ્યાય કહે છે, ‘આ ગાંડપણ મેં નાનપણથી મારી અંદર ઉછેર્યું છે. સાચું કહું તો ફિલ્મમેકિંગની પ્રોસેસ જ એવી છે જેમાં ખૂબ મજા આવે છે. એમાંથી જે સંતોષ મળે છે એ હું જીવનભર મેળવવા ઇચ્છીશ. મારે બસ લોકોને વાર્તાઓ કહેવી છે. મને સૂઝે એવી અને તેમને ગમે એવી.’

columnists Jigisha Jain gujarati community news kandivli