સુંવાળું રોજ રેશમ ફરફરે છે આંગળીમાંથી

29 June, 2026 02:26 PM IST  |  Mumbai | Hiten Anandpara

જેનો હાથ પકડીને ઉપર આવ્યા હોઈએ તેને છેહ ન દેવાય. માન્યું કે આપણી પ્રતિભા ખરેખર કામ કરતી હોય છે, પણ પ્રારંભિક તબક્કે કોઈ હાથ પકડનારું જોઈએ. પ્રતિભાને તક ન મળે તો ખીલી ન શકે. સમય ચાલ્યો જાય પછી પ્રતિભાને પણ કાટ લાગવા માંડે છે.

પ્રતીકાત્મક ફાઇલ તસવીર

જીભ શબ્દો ઉચ્ચારે છે જ્યારે આંગળીઓ શબ્દો લખે છે. આમ તો બન્નેનું કામ સરખું છે - કશુંક કહેવાનું. છતાં બન્નેમાં ફેર છે. આંગળી થોડી વધારે નસીબદાર છે. એને અભિવ્યક્તિ માટે કલમ મળે છે, પીંછી મળે છે, કૅમેરા મળે છે, કી-બોર્ડ મળે છે. આવાં અનેક માધ્યમો દ્વારા વિવિધ સંવેદનાઓ વ્યક્ત થાય છે. અર્પણ ક્રિસ્ટી એના મુલાયમ પાસાને આલેખે છે...

ઊડતાં તારાં સ્મરણ તારા પછી
જેમ ઊડતી ધૂળ, ગુજરે ધણ પછી

આંગળીઓ સાચવી મૂકી દીધી
મેં તને સ્પર્શી હતી ક્ષણ પછી

પ્રિયતમાના વાળનો સ્પર્શ આંગળીમાં વાદળાં બાંધી જાણે છે. તાજા ખીલેલા ફૂલનો સ્પર્શ કુમાશનો અહેસાસ કરાવે છે. પાળેલી બિલાડીને હળવેથી પંપાળશો તો એને જાણે સ્વર્ગનું સુખ મળ્યું હોય એમ આંખો મીંચીને એને એ માણશે. બાળકના માથે મમ્મીનો હાથ ફરે ત્યારે તેને વિશ્વના શ્રેષ્ઠ આશીર્વાદ પ્રાપ્ત થાય છે. પ્રવીણ શાહ લખે છે... 

એક નિયમ પ્રકૃતિનો પાળજો
અબ ઘડી ફૂટી કળી, ચૂંટાય નહીં

એક નાના બાળને પણ છે ખબર
માની પકડી આંગળી, છોડાય નહીં

આંગળી સલામતીનો અહેસાસ આપે છે, એક સધિયારો આપે છે. કોઈ મારી સાથે છે એ વાત પ્રેરક બળ આપે છે. કોઈક વ્યક્તિ આપણો ખ્યાલ રાખવા છે એ વાત નાનીસૂની નથી. કરોડો રૂપિયા હોય છતાં વાત કરવાવાળું કોઈ ન હોય એનું દુઃખ અલગ જ હોય છે. જિંદગીમાં ખરી કમાઈ આપણે સંપત્તિને ગણીએ છીએ એ ખોટું નથી, પણ એમાં સંબંધનો પણ ઉમેરો મહત્ત્વનો છે. સુધીર પટેલ એક એવો સંબંધ દર્શાવે છે જેને વ્યક્ત કરવો સહેલો નથી...

મનમાં બધાનાં આજ અહીં સવાલ છે
કોનો ખયાલ છે, અમને કોનો ખયાલ છે?

નહીં તો હું એને આંગળી ચીંધી બતાવી દેત
પણ શું કરું ત્રણ ભુવનમાં બેમિસાલ છે!

કોઈને આંગળી ચીંધ્યાનું પુણ્ય પણ મોટું હોય છે. કવિ સુરેશ દલાલના મોટા ભાઈ અરવિંદ દલાલ પ્રસિદ્ધ ચાર્ટર્ડ અકાઉન્ટન્ટ હતા. તેમણે કેટલાય લોકોને યોગ્ય જગ્યાએ નોકરી અપાવીને જિંદગીમાં સેટ કર્યા હતા. આપણા સંપર્કોનો સાચો ઉપયોગ કોઈને મદદ કરી શકે છે છતાં કેટલીક વાર એમાં ભયસ્થાન પણ રહેલું છે. જેને મદદ કરી હોય તે જ આપણી સામે પડે. આવા સંજોગોમાં આપણો વિશ્વાસ ઊઠી જાય. બિજેશ પંચાલ આ ભયસ્થાન નિરૂપે છે...

જાતને મારી દીવાસળી ચાંપી છે
મેં સહનશક્તિની મારી હદ માપી છે
રોજ હાથ માગે છે મારો હવે
જ્યારથી એમને આંગળી આપી છે

જેનો હાથ પકડીને ઉપર આવ્યા હોઈએ તેને છેહ ન દેવાય. માન્યું કે આપણી પ્રતિભા ખરેખર કામ કરતી હોય છે, પણ પ્રારંભિક તબક્કે કોઈ હાથ પકડનારું જોઈએ. પ્રતિભાને તક ન મળે તો ખીલી ન શકે. સમય ચાલ્યો જાય પછી પ્રતિભાને પણ કાટ લાગવા માંડે છે. બૉલીવુડમાં કેટલાય સંગીતકારોના દાખલા છે જેમની પ્રતિભા પ્રારંભમાં ઝળકી, પણ પછી વિવિધ કારણોસર એનું સાતત્ય જળવાયું નહીં. પાછલી ઉંમરમાં એનો ઘેરો અફસોસ ઘેરી વળતો હોય છે. ધૂની માંડલિયા જાતને આશ્વાસન આપે છે...

જે સમય ચાલ્યો ગયો આવશે ક્યારેક તો
ગલી, ઘર, મને બોલાવશે ક્યારેક તો

એમ સમજી હું સમયની બંધ મુઠ્ઠી રાખતો
કોઈ આવી આંગળી ખોલાવશે ક્યારેક તો

આંગળી સત્કર્મ તરફ વળે તો જીવ્યું સાર્થક ગણાય. અન્યથા રમેશ પારેખ કહે છે એવો વસવસો વ્યક્ત કરવો પડે...

અડે અડે ત્યાં ઉઝરડા પડે છે સપનાંને
હાથને ટેરવાં સાથે નખ મળેલા છે

આંગળી નામની પાંચે છિનાળ પુત્રીએ
સળંગ હાથને બેઆબરૂ કરેલા છે

લાસ્ટ લાઇન

સકળ જીવનની પીડા અવતરે છે આંગળીમાંથી
થતી જાણ ને વીંટી સરે છે આંગળીમાંથી

કરું જો બંધ મુઠ્ઠી-હસ્તરેખા થઈ જતી ભીની
ઝીણું ઝાકળ સમું કૈં ઝરમરે છે આંગળીમાંથી

સ્પર્શાતું - તરવરતું - રોકાતું - સમજાતું
પવનથી પાતળું શું સરે છે આંગળીમાંથી

જીવનની શુષ્ક બરછટતાનું આશ્વાસન છે એક
સુંવાળું રોજ રેશમ ફરફરે છે આંગળીમાંથી

વીત્યાં છે વર્ષ પ્હેલા સ્પર્શની પૂનમને ઝીલ્યાને

છતાં ભરતી હજી ક્યાં ઓસરે છે આંગળીમાંથી

પીળાછમ બોર જેવો પોષનો તડકો ઝીલ્યો એની 
હજી પણ વાસ કૈં આવ્યા કરે છે આંગળીમાંથી

ચમત્કારો નથી તો લખાતા શબ્દો બીજું શું?
સતત કાગળ ઉપર કંકુ ખરે છે આંગળીમાંથી

મનોજ ખંડેરિયા

columnists gujarati mid day hiten anandpara lifestyle news life and style