ગુજરાતી માધ્યમની સ્કૂલોનું ભવિષ્ય વાલીઓની માનસિકતા બદલવામાં નથી; એ સ્કૂલની ગુણવત્તા બદલવામાં છે

26 August, 2026 05:55 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

હાલમાં જ વિશ્વ ગુજરાતી ભાષા દિવસે ગુજરાતી ભાષા બચાવવાની વાતો થઈ. જોકે ગુજરાતી ભાષા બચાવવા માટે ગુજરાતી માધ્યમના શિક્ષણને પ્રોત્સાહન આપવું જરૂરી છે અને ગુજરાતી માધ્યમની સ્કૂલોને ઉત્તમ અંગ્રેજી શીખવતી અને આધુનિક બનાવવાની જરૂર છે

ગુજરાતી માધ્યમની સ્કૂલોનું ભવિષ્ય વાલીઓની માનસિકતા બદલવામાં નથી; એ સ્કૂલની ગુણવત્તા બદલવામાં છે

એક સમય હતો જ્યારે ગુજરાતી માધ્યમની સ્કૂલના આંગણામાં પગ મૂકતાં જ બાળકોના કલબલાટથી વાતાવરણ ગુંજી ઊઠતું. વર્ગખંડો ભરચક રહેતા. શિક્ષકનું સ્થાન માત્ર ભણાવનારનું નહીં, માર્ગદર્શક અને ઘડવૈયાનું હતું. ગુજરાતી માધ્યમમાં ભણવું મજબૂરી નહીં, ગૌરવ હતું. આજે એ જ સ્કૂલોમાં ક્યાંક ખાલી બેન્ચો છે, ક્યાંક આંગળીના વેઢે ગણાય એટલા વિદ્યાર્થીઓ છે અને ક્યાંક સ્કૂલના દરવાજે કાયમ માટે તાળું લાગી ગયું છે. આ પરિસ્થિતિ માટે એક જ ફરિયાદ થાય છે કે ‘આજના વાલીઓ ગુજરાતી માધ્યમમાં બાળકોને ભણાવવા માગતા નથી.’ પરંતુ શું ખરેખર વાલીઓ જ જવાબદાર છે? આ સવાલનો જવાબ શોધતાં પહેલાં વાલીઓને આરોપીના કઠેડામાં ઊભા કરવાને બદલે તેમની આંખે દુનિયા જોવી જરૂરી છે. દરેક માતા-પિતાનું સપનું એક જ હોય છે કે પોતાનું બાળક સારું ભણે અને આત્મવિશ્વાસ સાથે જીવનમાં સફળ બને. આજના વાલીઓ અંગ્રેજી માધ્યમ પસંદ કરે છે કારણ કે તેમને લાગે છે કે અંગ્રેજી ભાષા પર સારી પકડ બાળકના ભવિષ્યમાં વધુ તકો ખોલશે અને તેમની આ માન્યતા સાવ ખોટી નથી. પોતાના બાળકના ભવિષ્યની ચિંતા કરવી એ માતા-પિતાનો અધિકાર છે, ગુનો નથી.
હવેનો સવાલ થોડો અસ્વસ્થ કરનારો છે, પરંતુ પૂછવો જરૂરી છે. ગુજરાતી માધ્યમમાં ભણાવતા કેટલા શિક્ષકોએ પોતાનાં બાળકોને ગુજરાતી માધ્યમમાં ભણાવ્યાં છે? ગુજરાતી માધ્યમની સ્કૂલનું સંચાલન કરતા કેટલા લોકો પોતાના બાળક માટે પોતાની સ્કૂલને પ્રથમ પસંદગી આપે છે? આ સવાલનો જવાબ કદાચ આખી સમસ્યાનું પ્રતિબિંબ બની શકે છે, કારણ કે સ્કૂલની વાસ્તવિક સ્થિતિ વાલી કરતાં શિક્ષક અને સંચાલક વધુ સારી રીતે જાણે છે. જો તેઓ જ પોતાના બાળક માટે અંગ્રેજી માધ્યમ પસંદ કરે તો સામાન્ય માતા-પિતાને ગુજરાતી માધ્યમ પસંદ કરવા સમજાવવાં કેટલું યોગ્ય છે? મારી દૃષ્ટિએ ગુજરાતી માધ્યમની સ્કૂલોની હાલની પડતી માટે સંચાલકો ૪૦ ટકા અને શિક્ષકો ૬૦ ટકા જવાબદાર છે. આ કોઈ સર્વેનો આંકડો નથી પરંતુ જવાબદારીનું પ્રમાણ સમજાવતી વિચારણા છે. આજે ગુજરાતી માધ્યમની સ્કૂલોના સંચાલકો અને શિક્ષકોએ પોતાની જાતને એક જ સવાલ પૂછવો જોઈએ કે ‘જો હું વાલી હોત તો શું મારા બાળક માટે આ સ્કૂલને પસંદ કરત?’ અને એનો જવાબ પૂરી નિખાલસતાથી આપવો જોઈએ.
ગુજરાતી માધ્યમની સૌથી મોટી નબળાઈ અંગ્રેજી નથી પરંતુ અંગ્રેજી પ્રત્યેનો વાલીઓનો ભય છે. સ્કૂલોએ માત્ર વચન નહીં, પરિણામ સાથે ખાતરી આપવી પડશે કે તેમનું બાળક અંગ્રેજી વાંચી, સમજી, લખી અને આત્મવિશ્વાસથી બોલી શકશે. સાથે જ ગણિત, વિજ્ઞાન, ઇતિહાસ-ભૂગોળ, ટેક્નૉલૉજી, રમતગમત, વાંચન અને જીવનકૌશલ્યનું પણ ઉત્તમ શિક્ષણ આપવું પડશે, કારણ કે સારું શિક્ષણ માત્ર અંગ્રેજી શીખવવામાં નહીં પરંતુ બાળકને સર્વાંગી રીતે સક્ષમ બનાવવામાં છે. એટલે એવી આધુનિક સ્કૂલો બનાવવી પડશે જ્યાં સ્કૂલની દીવાલો પણ બોલતી હોય, વર્ગખંડની દીવાલો પર માહિતીસભર ચિત્રો હોય, ડિજિટલ બોર્ડ હોય, પુસ્તકોથી ભરેલી લાઇબ્રેરી હોય, જીવંત પ્રયોગશાળા હોય, રમતગમતની સુવિધા હોય, સ્વચ્છ શૌચાલય હોય અને જાણે કે આખું વાતાવરણ વાલીઓને કહેતું હોય કે ‘તમારા બાળકના ભવિષ્યની ચિંતા અમે કરવા બેઠા છીએ.’
હવે આધુનિકીકરણ માટે પૈસા જોઈએ એ હકીકત છે, પરંતુ પૈસાની અછત વિકાસનો રસ્તો રોકી શકે નહીં. સ્કૂલનું માળખું અને શિક્ષણની ગુણવત્તા સુધારીને વાલીઓ પાસેથી યોગ્ય ફી લઈ શકાય અને જરૂર પડે તો સ્કૂલના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓને પણ જોડવા જોઈએ. જે વિદ્યાર્થીઓએ આ જ સ્કૂલમાં જીવનનો પહેલો પાઠ શીખ્યો છે એમાંના અનેક આજે આર્થિક રીતે સધ્ધર છે. તેમને પોતાની સ્કૂલને ફરી ઊભી કરવામાં યોગદાન આપવા પ્રેરિત કરી શકાય. નાશિકની પંચવટી એજ્યુકેશન સોસાયટી સંચાલિત ગુજરાતી માધ્યમની સ્કૂલનું ઉદાહરણ અહીં પ્રેરણાદાયક છે, જ્યાં ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ આજે સ્કૂલના વિકાસ અને સંચાલનમાં તન-મન-ધનથી જોડાઈ રહ્યા છે. પરિણામે નાશિકની ગુજરાતી માધ્યમની સ્કૂલમાં વિદ્યાર્થીઓની સંખ્યામાં વધારો થઇ રહ્યો છે. આ ઉદાહરણ બતાવે છે કે ઘણી વાર સંસાધનો કરતાં સંકલ્પની અછત હોય છે. અલબત્ત, સંચાલકોએ પણ પારદર્શિતા અને વિશ્વાસનું વાતાવરણ ઊભું કરવું જરૂરી છે. સમાજને જો લાગશે કે તેની મદદનો એક-એક રૂપિયો ખરેખર બાળકના ભવિષ્ય માટે વપરાઈ રહ્યો છે તો મદદ માટે હાથ આગળ આવવામાં વાર નહીં લાગે.
સંચાલકોની જેમ શિક્ષકોએ પણ અભિગમ બદલવો પડશે. વિદ્યાર્થીઓ ઓછા થાય ત્યારે ઘર-ઘર જઈને પ્રવેશ માટે વિનંતી કરવી એ સ્કૂલ બચાવવાનો ઉપાય ન હોઈ શકે, એ તો સમસ્યાનું લક્ષણ છે; કારણ કે સારી સ્કૂલ વિદ્યાર્થીઓને શોધતી નથી, વિદ્યાર્થીઓ સારી સ્કૂલને શોધે છે. એટલે ‘અમારી સ્કૂલમાં પ્રવેશ લો’ કહેતાં પહેલાં ‘અમારી સ્કૂલમાં તમારા બાળકને શું મળશે?’ એનો જવાબ તૈયાર હોવો જોઈએ. શિક્ષકો ખરા અર્થમાં શિક્ષક બને, બાળકોને સમજવા માટે સમય આપે, નવી શિક્ષણપદ્ધતિ અપનાવે, અંગ્રેજી શીખવવામાં ખાસ મહેનત કરે અને પોતાના વિદ્યાર્થીઓની સફળતાને પોતાની સફળતા માને તો પરિસ્થિતિ બદલાઈ શકે છે. ગુજરાતી માધ્યમને ‘ભિક્ષાવૃત્તિ’ના અભિગમથી નહીં, ‘શ્રેષ્ઠ’ બનાવવાના અભિગમથી ચલાવશો તો પરિવર્તન વધુ ઝડપથી આવશે.
અહીં ગુજરાતી ભાષાપ્રેમીઓ માટે પણ એક વિચાર છે. માત્ર ‘ગુજરાતી બચાવો’નાં ભાષણો કરવાથી ગુજરાતી માધ્યમની સ્કૂલો બચવાની નથી. ભાષા પ્રત્યે જો ખરેખર પ્રેમ હોય તો ગુજરાતી ભાષામાં ચાલતી સ્કૂલોને ગુણવત્તાની દૃષ્ટિએ શ્રેષ્ઠ બનાવવાની ચિંતાની સાથે મહેનત પણ કરવી પડશે; કારણ કે વાલી ભાવનાથી નહીં, વિશ્વાસથી નિર્ણય લે છે અને વિશ્વાસ ભાષણોથી નહીં, પરિણામોથી આવે છે. આ કામ આજે શરૂ કરીએ તો પરિણામ આવતી કાલે નહીં મળે, કદાચ અમુક વર્ષો લાગશે; પરંતુ કોઈ પણ મોટું પરિવર્તન પ્રથમ પગલાથી જ શરૂ થાય છે. આજે જો આપણે માત્ર વાલીઓને દોષ આપતા રહીશું તો આવતી કાલે કદાચ ફરિયાદ કરવા માટે પણ સ્કૂલો નહીં રહે.

અંતિમ વિચાર

ગુજરાતી માધ્યમની સ્કૂલોનું ભવિષ્ય વાલીઓની માનસિકતા બદલવામાં નથી. એ શિક્ષકોની નિષ્ઠા, સંચાલકોની ઇચ્છાશક્તિ અને સ્કૂલની ગુણવત્તા બદલવામાં છે. વાલીને ગુજરાતી માધ્યમ તરફ ખેંચવા માટે ભાષણોને બદલે એવી સ્કૂલ બનાવવાની જરૂર છે જ્યાં વાલી પોતાના બાળકનો હાથ પકડીને ગર્વથી કહે કે ‘મારા બાળક માટે મને આ જ સ્કૂલ જોઈએ છે.’  

columnists gujarati medium school gujarati community news exclusive gujarati mid day