અગ્નિપથ : અશ્રુ સ્વેદ રક્ત સે લથપથ

25 June, 2022 01:38 PM IST  |  Mumbai | Raj Goswami

એ વખતે તેમની પાછળ ‘ગંગા જમુના સરસ્વતી’, ‘તૂફાન’, ‘જાદુગર’ અને ‘મૈં આઝાદ હૂં’ જેવી નિષ્ફળ ફિલ્મોની ‘લાશ’ પડેલી હતી.

‘અગ્નિપથ’માં અમિતાભે માર્લન બ્રૅન્ડોના અવાજની નકલ કરી હતી, પરંતુ તેમનું પાત્ર ટોની મૉન્ટાનાથી પ્રેરિત હતું. ખભા હલાવવાની બૉડી લૅન્ગ્વેજ અલ પચીનોની હતી.

‘અગ્નિપથ’ એવા સમયે આવી હતી જ્યારે બૉક્સ-ઑફિસ પર અમિતાભની હાલત ‘પતલી’ હતી. એક તો બચ્ચને રાજકારણમાં બેઇજ્જત થઈને ફિલ્મોમાં વાપસી કરી હતી અને બીજું, તેમના જાદુમાં કમી નજર આવતી હતી. એ વખતે તેમની પાછળ ‘ગંગા જમુના સરસ્વતી’, ‘તૂફાન’, ‘જાદુગર’ અને ‘મૈં આઝાદ હૂં’ જેવી નિષ્ફળ ફિલ્મોની ‘લાશ’ પડેલી હતી.

ભારતીય સશસ્ત્ર દળોની વિવાદાસ્પદ બનેલી યોજના ‘અગ્નિપથ’નું નામ, દેખીતી રીતે જ ૧૯૯૦માં રિલીઝ થયેલી અમિતાભ બચ્ચનની ફિલ્મ ‘અગ્નિપથ’ પરથી પ્રેરિત છે અથવા વધુ સારી રીતે કહીએ તો ફિલ્મમાં ઉપયોગમાં લેવામાં આવેલી પિતા ડૉ. હરિવંશરાય બચ્ચનની ‘અગ્નિપથ’ કવિતાથી પ્રેરિત છે. ફિલ્મના નિર્દેશક મુકુલ એસ. આનંદે એ કવિતા પરથી જ ફિલ્મનું ટાઇટલ રાખ્યું હતું. 
હિન્દી સાહિત્યમાં છાયાવાદી કવિ તરીકે સન્માનનીય ડૉ. બચ્ચને માણસના જીવનના ઉતાર-ચડાવ પર ઘણી પ્રેરણાદાયી કવિતાઓની રચના કરી છે. ‘અગ્નિપથ’ એમાંની એક છે. સંભવતઃ ૧૯૭૫ની આસપાસ આ કવિતા લખાઈ હતી. એમાં જીવનની અનંત કઠિનાઈઓનો સામનો કરીને આગળ ચાલતા રહેવાની વાત હતી. ડૉ. બચ્ચને એ જીવનમાર્ગને અગ્નિપથનું નામ આપ્યું, જ્યાં કોઈની પણ મદદ લીધા વિના, માત્ર આત્મિક શક્તિના આધારે લક્ષ્ય તરફ જવાની પ્રેરણા હતી. બીજાની મદદ લેવાથી આપણી શક્તિ કમજોર થઈ જાય છે એટલા માટે ડૉ. બચ્ચન એમાં રસ્તામાં વૃક્ષની છાયા (લોકોની મદદ)માં રોકાયા વગર ચાલતા રહેવાનું કહે છે ઃ
‘વૃક્ષ હોં ભલે ખડે, 
હોં ઘને હોં બડે
એક પત્ર છાંહ ભી,
માંગ મત, માંગ મત, માંગ મત
અગ્નિપથ, અગ્નિપથ, અગ્નિપથ...’
એક એકલ વ્યક્તિના સંઘર્ષની આવી તાકાતવર કવિતાના પેંગડામાં ડૉ. બચ્ચનનો ઍન્ગ્રી યંગ મૅન’ દીકરો પગ ન ઘાલે એ જ નવાઈ હતી. આ કવિતા ફિલ્મ માટે અને એ ફિલ્મ અમિતાભ માટે મેડ ફૉર ઇચ અધર જેવી હતી. ભલે એ વખતે (અમિતાભના ઘેરા, બેરિટોન અવાજ સાથે છેડછાડ કરવાને કારણે) એ ફિલ્મથી દર્શકો નાસીપાસ થયા હતા. આજે ૩૦ વર્ષ પછી પણ એ ફિલ્મ એ કવિતા અને વિષયવસ્તુને કારણે ક્લાસિક ગણાય છે.
‘અગ્નિપથ’ એવા સમયે આવી હતી જ્યારે બૉક્સ-ઑફિસ પર અમિતાભની હાલત ‘પતલી’ હતી. એક તો બચ્ચને રાજકારણમાં બેઇજ્જત થઈને ફિલ્મોમાં વાપસી કરી હતી અને બીજું, તેમના જાદુમાં કમી નજર આવતી હતી. એ વખતે તેમની પાછળ ‘ગંગા જમુના સરસ્વતી’, ‘તૂફાન’, ‘જાદુગર’ અને ‘મૈં આઝાદ હૂં’ જેવી નિષ્ફળ ફિલ્મોની ‘લાશો’ પડી હતી. 
તેઓ જેમની સાથે કામ કરતા હતા એ ફિલ્મ-નિર્દેશકો, લેખકો એ જ ઘીસીપીટી વાર્તાઓમાં ફસાયેલા હતા. અમિતાભને તેમની કારકિર્દીમાં પ્રાણ ફૂંકવા હતા અને એ માટે નવેસરથી કશું વિચારી શકે એવા ફિલ્મમેકરની તેમને જરૂર હતી. એ વખતે તેમનો ભેટો મુકુલ એસ. આનંદ સાથે થયો. અમિતાભની કારકિર્દીના આકાશમાં મુકુલ આનંદનું સ્થાન, ટૂંકા સમય માટે જોરથી ચમકી ગયેલા તારા જેવું છે. 
માત્ર ૪૦ વર્ષ, ૧૦ મહિના અને ૨૭ દિવસનું જીવન જીવેલા આનંદે કુલ ૧૧ ફિલ્મો બનાવી હતી; એમાં અમિતાભ બચ્ચન સાથે ઉપરાછાપરી ત્રણ ફિલ્મો આવી; ‘અગ્નિપથ’ (૧૯૯૦), ‘હમ’ (૧૯૯૧) અને ‘ખુદાગવાહ’ (૧૯૯૨). આ ત્રણેત્રણ ફિલ્મો એના મેકિંગની દૃષ્ટિએ ટેક્નિકલી સ્લિક ફિલ્મો હતી. ત્રણે ફિલ્મોમાં મુકુલે હૉલીવુડની ફિલ્મોમાં હોય છે એવાં લોકેશન્સ, સિનેમૅટોગ્રાફી, એડિટિંગનો ઉપયોગ કરીને દર્શકોને એક નવો જ અનુભવ કરાવ્યો હતો. 
અમિતાભને આનંદમાં એ પ્રતિભા દેખાઈ હતી એટલે જ તેમની સાથે ત્રણ બિગ-બજેટ ફિલ્મો કરવાનો જુગાર ખેલ્યો હતો. ‘અગ્નિપથ’માં જોકે હૉલીવુડની ‘ધ ગૉડફાધર’ના નાયક ડૉન કોરિલિયોન (માર્લન બ્રૅન્ડો)ના અવાજની નકલ કરવાનું ભારે પડી ગયું. એમાં માર્લન બ્રૅન્ડો ગાલમાં અંદર રૂ દબાવીને સંવાદ બોલ્યા હતા. ‘અગ્નિપથ’માં પણ ડૉન વિજયના પાત્રને ધ્યાનમાં રાખીને અમિતાભ પાસે એવો જ પ્રયોગ કરાવ્યો હતો, પણ ‘ઍન્ગ્રી યંગ મૅન’ના અવાજથી ટેવાયેલા ચાહકોને એ પ્રયોગ પસંદ નહોતો પડ્યો. જોકે ‘હમ’ અને ‘ખુદાગવાહ’ એનાથી પણ મોટા સ્કેલ પર બનાવવામાં આવી હતી અને બન્નેએ બૉક્સ-ઑફિસ પર ધૂમ મચાવી હતી. 
મુકુલ સુધેશ્વર આનંદ એટલે વરિષ્ઠ પટકથા અને સંવાદલેખક (ટીનું આનંદના પિતા) ઇન્દર રાજ આનંદના ભત્રીજા. મુકુલના પિતા ચાર્ટર્ડ અકાઉન્ટન્ટ હતા અને ૬૦ના દાયકાની ઘણી ફિલ્મી હસ્તીઓના હિસાબ-કિતાબ રાખતા હતા, પણ તેમની ખુદની આર્થિક હાલત પ્રત્યે બેપરવાહ હતા. એવામાં પિતા બીમાર પડ્યા એટલે પૈસાની વધુ મુસીબત આવી. મીઠીબાઈ કૉલેજમાંથી બહાર પડેલા મુકુલને ફિલ્મોમાં હાથ અજમાવવો હતો, પણ કોઈ ઘૂસવા દેતું નહોતું એટલે તેમણે બાંદરાના લિન્કિંગ રોડ પરથી પસાર થતી મોટરકારમાં બેઠેલા લોકોને લૅમ્પશેડ્સ વેચવાનું શરૂ કર્યું હતું. 
ત્યારે કોને ખબર હતી કે રોડ પર એક લૅમ્પશેડ વેચીને ૨૫ રૂપિયા કમાતો આ છોકરો બૉલીવુડના સૌથી મોટા સુપરસ્ટાર સાથે કરોડો રૂપિયાના બજેટવાળી ત્રણ દમદાર ફિલ્મો કરશે. ચેતન આનંદની ‘હિન્દુસ્તાન કી કસમ’ (૧૯૭૩)માં ટ્રેઇની તરીકે શરૂઆત કરનાર મુકુલને અમિતાભના અંગત ફોટોગ્રાફર મેહબૂબ આલમ સાથે દોસ્તી થઈ હતી અને ૧૯૮૭માં વિનોદ ખન્નાની કમબૅક ફિલ્મ (વિનોદ ત્યારે રજનીશ આશ્રમમાં માળા જપતો હતો) ‘ઇન્સાફ’ જોઈને અમિતાભને મુકુલમાં રસ પડ્યો હતો. 
‘ઇન્સાફ’ ઍક્શન-પૅક્ડ ફિલ્મ હતી અને મુકુલે એને સરસ રીતે શૂટ કરી હતી. બૉક્સ-ઑફિસ પર વિનોદનું કમબૅક હીરોને છાજે એવું હતું. ધર્મા પ્રોડક્શનના યશ જોહર અને અમિતાભે મુકુલ પાસે ‘અગ્નિપથ’ કરાવવાનું નક્કી કર્યું એનું શ્રેય ‘ઇન્સાફ’ને જાય છે. મુકુલ પાસે ચોક્કસ રીતે ફિલ્મો બનાવવાની દૃષ્ટિ હતી. એક જૂના ઇન્ટરવ્યુમાં તેઓ કહે છે, ‘હું ફિલ્મોને મોટા સ્કેલ પર જ જોઉં છું. મારી ફિલ્મો લાર્જર ધૅન લાઇફ હોય છે.’
‘અગ્નિપથ’ના વિજય દીનાનાથ ચૌહાણનું પાત્ર લાર્જર ધૅન લાઇફ હતું. આમ તો વિજયનું પાત્ર અમિતાભ બચ્ચનની ઍન્ગ્રી યંગ મૅનને અનુરૂપ જ ઘડવામાં આવ્યું હતું અને ‘અગ્નિપથ’ના વિજયની કહાની પણ ‘દીવાર’ના વિજય જેવી જ હતી, જે પરિવાર સાથે થયેલા અન્યાયનો બદલો લેવા માટે કાનૂનની સામે જઈને ઊભો રહી જાય છે. બન્નેમાં આદર્શવાદી પિતાની તબાહીથી વ્યથિત વિજય પોતાના અગ્નિપથ પર ચાલી નીકળે છે. બન્નેમાં વિજયની માતાઓ આદર્શોને વળગી રહે છે.
જોકે મુકુલ આનંદે ‘અગ્નિપથ’ના વિજયમાં એક મહત્ત્વનો ફેરફાર કર્યો હતો. ‘દીવાર’નો વિજય ગૅન્ગસ્ટર ઓછો અને ગેરમાર્ગે દોરવાયેલો યુવાન વધુ હતો, જ્યારે ‘અગ્નિપથ’ના વિજયમાં ડૉન બન્યાનો અફસોસ નહોતો, બલકે એનું ગૌરવ હતું. એટલા માટે જ તે ઇન્સ્પેક્ટર ગાયતુંડે સમક્ષ અતિઆત્મવિશ્વાસ સાથે કહી શકે છે, ‘વિજય દીનાનાથ ચૌહાણ પૂરા નામ, બાપ કા નામ દીનાનાથ ચૌહાણ, મા કા નામ સુહાસિની ચૌહાણ, ગાંવ માંડવા, ઉમર છત્તીસ સાલ નવ મહિના આઠ દિન... યે સોલવા ઘંટા 
ચાલુ હૈ.’
‘દીવાર’ના વિજયમાં આવી મગરૂરી અને ફ્લૅમબૉયન્સી નહોતી. મુકુલ આનંદ નવા જમાનાને અનુરૂપ ઍન્ગ્રી યંગ મૅન બતાવવા માગતા હતા. એને માટે તેમણે ૧૯૮૩માં આવેલી હૉલીવુડની ‘સ્કારફેસ’ ફિલ્મમાંથી પ્રેરણા લીધી હતી. ઓલિવર સ્ટોન લિખિત અને બ્રાયન ડે પાલ્મ નિર્દેશિત ‘સ્કારફેસ’માં એક ક્યુબન રેફ્યુજી ટોની મૉન્ટાના (અલ પચીનો)ની કહાની હતી, જે પહેરેલાં કપડે ક્યુબામાંથી સામૂહિક હિજરત કરનાર લોકો સાથે મિયામી બીચ પર ઊતરે છે અને ધીમે-ધીમે એક શક્તિશાળી ડ્રગ-માફિયા બની જાય છે. 
‘અગ્નિપથ’માં અમિતાભ બચ્ચને માર્લન બ્રૅન્ડોના અવાજની નકલ કરી હતી, પરંતુ તેમનું પાત્ર ટોની મૉન્ટાનાથી પ્રેરિત હતું. તેઓ જે રીતે પહોળા થઈને ખુરસીમાં બેસે છે અને વિશેષ તો જે રીતે ખભા હલાવે છે એ અલ પચીનોની બૉડી-લૅન્ગ્વેજ હતી. ડૉન બન્યા પછી વિજય જ્યારે પહેલી વાર માતા (રોહિણી હટંગડી)ના ઘરે જઈને જે રીતે ડિનર-ટેબલ પર વાત કરે છે (જિસ આદર્શવાદી, સત્યવાદી માસ્ટરજી કા હાથ ઇંટ-પથ્થર સે કુચલ દિયા ગયા થા ઉસ મેં કૌન સા મૈલ થા? જિસ માસૂમ, બેબસ મા કી ઇજ્જત પે હમલા કિયા ઉસ પર કૌન સા મૈલ થા? નહીં ના? મૈં બતાતા હૂં...) એ આખું દૃશ્ય ‘સ્કારફેસ’ પરથી લેવામાં આવ્યું હતું. એ જ રીતે માધવી સાથે તેઓ એક રેસ્ટોરાંમાં જઈને ત્યાંના ભદ્ર લોકોને ભાંડે છે એ પણ ‘સ્કારફેસ’ પરથી લેવામાં આવ્યું હતું. 
‘અગ્નિપથ’ની કહાની દેશી લાગે એ માટે વિજયનો એક સંદર્ભ ૬૦થી લઈને ૮૦ના દાયકાના મુંબઈમાં ધાક જમાવનારા તામિલિયન ડૉન વરદરાજન મુદલિયાર ઉર્ફે વર્દાભાઈ પરથી પણ હતો. વરદરાજન ૧૯૨૬માં તૂતીકોરિનમાં પેદા થયો હતો અને ૧૯૪૫માં મુંબઈ આવીને વીટી (સીએસએમટી) સ્ટેશને પોર્ટરનું કામ કરતો હતો. એ પછી તેણે ડૉકયાર્ડમાં ચોરીચપાટી શરૂ કરી હતી. ધીમે-ધીમે તેણે તેનો જુગાર, દારૂ, સ્મગલિંગ, ખંડણી, કિડનૅપિંગ, કૉન્ટ્રૅક્ટ કિલિંગ, જમીન પચાવી પાડવા જેવા અપરાધનો ધંધો એટલો વિકસાવ્યો કે એક સમયે તે ધારાવીની ઝૂંપડપટ્ટીમાં ‘મસીહા’ બની ગયો હતો. 
‘અગ્નિપથ’ના વિજયને એટલા માટે જ ઝૂંપડપટ્ટીના લોકપ્રિય ડૉન તરીકે પેશ કરવામાં આવ્યો હતો. વરદરાજનની જેમ વિજય પણ ફિલ્મમાં સફેદ પૅન્ટ-શર્ટ પહેરે છે. અમિતાભ બચ્ચને એક ઇન્ટરવ્યુમાં કહ્યું હતું કે ‘ફિલ્મ ‘અગ્નિપથ’માં તેના બોલવાની જે શૈલી હતી એ વરદરાજનની નકલ હતી. તે આવી રીતે જ તામિલિયન છાંટ સાથે પહોળા ઉચ્ચાર કરતો હતો. ફિલ્મોના જાણકાર લોકો જોકે વિજયના પાત્રને માન્યા સુર્વે નામના ગૅન્ગસ્ટર સાથે પણ જોડે છે. માન્યાએ દાઉદ ઇબ્રાહિમના ભાઈ શબ્બીરને નિપટાવી દીધો હતો. મુંબઈની પઠાણ ગૅન્ગ અને દાઉદની ગૅન્ગ વચ્ચે માન્યા એક નવું કેન્દ્ર બનીને ઊભર્યો હતો. મુંબઈ પોલીસના એન્કાઉન્ટરમાં માર્યા ગયેલા પહેલા ડૉન તરીકે માન્યાનું નામ ચર્ચિત છે. 
એ જે હોય તે, એક વાત માનવી પડે કે મુકુલ આનંદે પોતાની તો ખરી જ, પણ અમિતાભની કારકિર્દીની પણ એક સીમાચિહ્‍ન ફિલ્મ બનાવી હતી. ફિલ્મને જે રીતે ભવ્ય લોકેશન્સ પર શૂટ કરવામાં આવી હતી, જે રીતે વિજયના પાત્રને વન મૅન આર્મી જેવું બનાવવામાં આવ્યું હતું અને જે રીતે કાંચા ચીના (ડૅની ડેન્ઝોન્ગ્પા) અને ક્રિશ્નન ઐયર ‘યમયે’ (મિથુન ચક્રવર્તી)નાં પાત્રોને ઘડવામાં આવ્યાં હતાં એ હિન્દી સિનેમાના દર્શકો માટે નવીનતા હતી. 
ફિલ્મમાં અમિતાભના અવાજ સાથે છેડછાડ કરવામાં ન આવી હોત તો ‘અગ્નિપથ’ ફિલ્મે બૉક્સ-ઑફિસ પર રેકૉર્ડ બ્રેક કર્યો હોત. જોકે આજે આવું કહેવું સહેલું છે. ફિલ્મ જ્યારે બનતી 
હતી ત્યારે અવાજની એ નવીનતા નુકસાન કરશે એવું કોઈએ વિચાર્યું નહીં હોય. એમ તો, ૧૯૭૨માં ‘ધ ગૉડફાધર’માં માર્લન બ્રૅન્ડોએ ગાલમાં રૂનાં પૂમડાં ઘાલીને જ્યારે ડાયલૉગ ફટકાર્યો કે ‘આઇ વિલ મેક હિમ ઍન ઑફર હી કાન્ટ રિફ્યુઝ’ ત્યારે કોને ખબર હતી કે તેના પડઘા ભારત સહિત દુનિયાભરનાં સિનેમાઘરોમાં પડશે!

 ‘અગ્નિપથ’માં અમિતાભે માર્લન બ્રૅન્ડોના અવાજની નકલ કરી હતી, પરંતુ તેમનું પાત્ર ટોની મૉન્ટાનાથી પ્રેરિત હતું. ખભા હલાવવાની બૉડી લૅન્ગ્વેજ અલ પચીનોની હતી. 

જાણ્યું-અજાણ્યું...

 મુકુલ આનંદ-અમિતાભની બીજી ફિલ્મ ‘હમ’નું સુપરહિટ ગીત ‘જુમ્મા ચુમ્મા’ હકીકતમાં ‘અગ્નિપથ’ માટે રચવામાં આવ્યું હતું, પરંતુ વિજયના પાત્ર સાથે બંધ બેસતું ન હોવાથી એને બાકાત રાખવામાં આવ્યું હતું.
 ફિલ્મ ‘દેશપ્રેમી’માં અમિતાભનું નામ માસ્ટર દીનાનાથ છે, જે નામ ‘અગ્નિપથ’માં આલોક નાથનું છે.
 ડૅની ડેન્ઝોન્ગ્પાએ જ મુકુલ આનંદને તેના પાત્રનું નામ કાંચા ચીના રાખવાનું સૂચન કર્યું હતું.
 મિથુન ચક્રવર્તીએ ક્રિશન ઐયરનો અનોખો કિરદાર તેમના સંઘર્ષના સમયના રૂમમૅટ પરથી કર્યો હતો. ડેવિયો નામનો આ રૂમમૅટ અને મિથુન એક રૂમમાં રહેવાના અનુક્રમે ૧૫૦ અને ૭૫ રૂપિયા આપતા હતા, કારણ કે ડેવિયો પલંગમાં સૂઈ જતો હતો અને મિથુન ફર્શ પર.
 ડૅની અને અમિતાભ પહેલી વાર આ ફિલ્મમાં ભેગા થયા હતા. ડૅનીએ કહ્યું કે તેણે અમિતાભ સાથે કામ કરવા માટે ૩૦ વર્ષ સુધી યોગ્ય ફિલ્મની રાહ જોઈ હતી.
 અમિતાભના અવાજમાં ખરાશ હોય તો સારું એવું સૂચન કાદર ખાનનું હતું.
 ફિલ્મ પચીસ કરોડના ખર્ચે બની હતી, પણ ૧૦ કરોડ જ કમાઈ શકી હતી.

columnists agneepath raj goswami