20 May, 2026 12:51 PM IST | Mumbai | Samit (Purvesh) Shroff
ઇલસ્ટ્રેશન
વરસાદની એ રાતે અડધો ઉઘાડો શેખર બેડરૂમના દરવાજે આવી ઊભો...
આરતી સમક્ષ દૃશ્ય ઊપસ્યું:
lll
ખખડાટે જાગેલી આરતી શેખરને દરવાજે ભાળીને ધ્રાસકાભેર બેઠી થઈ ગઈ : આ શું હરકત છે! તમારી રૂમ પર જાઓ શેખરબાબુ. બિહારી ક્યાં છે?
‘તે બિચારો ઘરડો જીવ આજે તેની પત્નીની નથ ઊતરશે એના ગમમાં કહો કે ખુશીમાં થોડું વધારે પીને મારી જ ઓરડીમાં લેટી ગયો છે.’
મતલબ... બિહારીએ શેખરને અમારા બેડરૂમનું સત્ય કહી દીધું, પોતાની જ નબળાઈ ઉઘાડી પાડી દીધી?
‘તેને વંશનો વારસ જોઈએ છે, તેનું બીજ મારે આપવાનું છે.’
આરતી આંખો મીંચી ગઈ. વારસ માટે બિહારી પતિપણું ચૂક્યો!
‘હું વિના લગ્ને પણ કુંવારો નથી અને તું પરણીને પણ કુંવારી છે...’ દરવાજો બંધ કરીને શેખર અંદર આવ્યો, ‘બીજના બદલામાં પોતાની ઓરતને મન ભરીને ભોગવવાની બિહારીએ છૂટ આપી છે.’
આરતીએ હોઠ કરડ્યો.
ત્યાં તો પલંગ નજીક આવીને તેણે કમરપટ્ટો કાઢીને પલંગ પર ફેંક્યો : હું ભીનાં કપડાં ઉતારી દઉં તો વાંધો નથીને!
કહીને તે બટન ખોલીને પૅન્ટ સરકાવવા કમરથી ઝૂક્યો કે તેણે ફેંકેલો ચામડાનો પટ્ટો ઉઠાવીને આરતીએ તેની ઉઘાડી પીઠ પર વીંઝ્યો : સટાક.
શેખરને કંઈ સમજાય, સ્વસ્થ થવાનો મોકો મળે એ પહેલાં તો તે વિફરેલી વાઘણની જેમ પટ્ટો વીંઝતી રહી : લે, લેતો જા!
ઉપરાઉપરી પડતા સટાકાએ શેખરને ધ્રુજાવી દીધો. એક તબક્કે લાગ જોઈને તેણે પટ્ટાનો છેડો પકડી લીધો. હવે બાજી પોતાના હાથમાં આવી ગઈ એવા ગુમાનમાં પટ્ટાને આંચકો આપી આરતીને ખેંચી. એમાં આરતીને અણધાર્યો લાગ મળી ગયો. શેખર તરફ ઢળતા ખુલ્લા હાથે પલંગની બાજુની ટિપાઈ પર પડેલી કાચની ફોટોફ્રેમ ઉઠાવીને એની ચીંધરી અણી શેખરના ચહેરા પર ખૂંતાડીને ચાકુથી તરબૂચની ચીરી કાપતી હોય એમ કપાળથી ચિબુક સુધી સરકાવીને આરતીએ તેને લોહીલુહાણ કરી મૂક્યો... રાડો નાખતા શેખરે ભાગી છૂટવામાં જ સલામતી જોઈ. પોબારા ગણી ગયેલો તે ફરી ક્યારેય દેખાયો પણ નહીં!
બીજી સવારે ભાનમાં આવેલા બિહારીબાબુ રાતની ઘટના જાણીને બગડ્યા : ધારું તો તને ધંધે બેસાડીને તારી મામીને આપેલા ૧૦ લાખ વસૂલી શકું એમ છું; પણ હું તારી બોલી નથી લગાવતો, મને વારસ જોઈએ. યાદ રાખ, આઉટહાઉસનો દરેક એકલો પુરુષ તારો ગ્રાહક બનશે, એમાંથી જેનું બીજ ફળ્યું તે સંતાન છેવટે તો મારું જ સંતાન ગણાશે!
બિહારીની લાલસામાં કરુણા પણ લાગી; પણ તે ઇચ્છે એ રીતે મા બનવાની મારી તૈયારી નહોતી, મારું માતૃત્વ પણ ત્યારે પોકારતું નહોતું.
‘પારકાના બીજે જ તમારું સંતાન થઈ શકતું હોય તો એ માટે મારી આબરૂ શું કામ અભડાવો છો, એનો એક બીજો પણ રસ્તો છે...’
- અને એ રસ્તો એટલે અનાથ બાળકને ગોદ લેવાનો રસ્તો!
આ ઉપાય બિહારીને જચી ગયો. અમે પતિ-પત્નીએ હરિદ્વારની વાટ પકડી. થોડા મહિના ત્યાં રહ્યાં અને માથેરાન આવવાના ૧૫ દહાડા અગાઉ હૃષીકેશના અનાથાશ્રમમાંથી બે દિવસના બાળકને દત્તક લીધું. ના, ખરીદી લીધું!
આરતીએ ઊંડો શ્વાસ લીધો : બિહારીએ અનાથાશ્રમના કર્મચારી જોડે અગાઉથી ગોઠવણ કરી રાખેલી : મારે કોઈ કાગળિયાં ન જોઈએ. બાળક પણ એવું જોઈએ જેનાં માબાપ મરી ચૂકેલાં હોય, સંસારમાં જેનું કોઈ ન હોય...
થોડાક રૂપિયામાં નવજાત શિશુને ખરીદવાનું નહોતું રુચ્યું, પણ છેવટે બિહારીએ બે દિવસનું બાળક ખોળામાં મૂક્યું, મને જોઈને તે મલક્યું ને જાણે જાદુ થયું. મારી મમતા ઊભરાઈ. તેને છાતીએ ચાંપતાં અહેસાસ થયો કે જીવનમાં મને કોઈનો પ્રેમ મળ્યો નથી કે નથી એવું કોઈ જેને હું ચાહી શકું. બાળકના આવતાં બેઉ કમી પૂરી થવાની. હું તેના પર મમતા લૂંટાવીશ અને તે મા-મા કરીને મારાં થાન છલકાવી દેશે!
અને હું બધું ભૂલીને બસ મા બની ગઈ! તેનું નામ રાખ્યું : રુદ્ર!
દુનિયા તો એમ જ જાણે છે કે રુદ્ર મારું-બિહારીનું સંતાન છે અને બિહારીશેઠ દીકરાનું મોં જોઈ, તેને રમાડીને થોડા મહિનામાં વૈકુંઠવાસી થયા!
બિહારીના જવાનું કોઈ દુખ નહોતું. તેના પ્રત્યે સારી કે નરસી કોઈ લાગણી જ નહોતી. રુદ્ર મારો શ્વાસપ્રાણ, મારા જીવનનો આધાર બની ગયો. તે પહેલી વાર ‘મા’ બોલ્યો ત્યારે મેં આખા માથેરાનમાં મીઠાઈ વહેંચી હતી!
‘ઓ...હ!’ વળી આશ્રય પ્રગટ્યો, પણ હવે તેનાં નેત્રોમાં આદર હતો, સન્માન હતું : રુદ્રની કથા હવે જાણી, પણ તને જોઈને કોઈ કહી ન શકે કે તું તેની સગી મા નથી...
‘મા મા હોય છે આશ્રય. યશોદાના મોલ દેવકીથી ઓછા તો ન જ હોઈ શકે! અનાથ તરીકે હું વહાલ માટે વલખાં મારતી રહી, કદાચ એની પ્રતિક્રિયારૂપે પણ હું રુદ્રને હેતથી છલોછલ રાખવા માગતી હોઉં...’
‘તું આવી છે આરતી એટલે જ મને ગમે છે...’
સાંભળીને આરતીની નજર લજ્જાવશ ઝૂકી ગઈ. પાંપણના પડદા વળી ઊંચકાયા ત્યારે આશ્રય નહોતો.
સપનું! બારસાખે માથું ટેકવીને તે સાંભરી રહી:
બિહારીના ગયા બાદ જિંદગી સરળપણે ગુજરતી હતી. સરાઈમાં મહેમાનો આવતા-જતા. કોઈ-કોઈ ફરી આવતા. અને એક દિવસ આશ્રય આવ્યા અને મુખ્ય ઘરનાં પગથિયાં ચડતાં મારી સાથે અથડાયા... કેવો સોહામણો જુવાન. નખશિખ પૌરુષથી ભર્યોભાદર્યો. અને એટલો જ સૌજન્યશીલ! અમારા ટકરાવાથી કેવો સંકોચાયો હતો : સૉરી, મને ધ્યાન ન રહ્યું.
તેના બોલમાં બનાવટ નહોતી, પોકળ શિષ્ટાચાર નહોતો. આમ તો બિહારીના અવસાન બાદ પોતે ફૅમિલી કે લેડીઝ ગ્રુપને જ ઉતારો આપતી, પણ આશ્રયને ઇનકાર ન થયો.
શરૂ-શરૂમાં તે ખપ પૂરતું બોલતો. ચા-કૉફીમાં મોડું થાય તો ફરિયાદ નહીં. હા, કૅન્વસ ખોલીને બેઠો હોય ત્યારે રંગો સાથે તેને ખેલતો જોવાની મોજ પડે.
‘એક બાબતમાં તમારી પરમિશન લેવાની છે.’
બીજા મહિને તેણે એવા જ સંકોચભેર કહ્યું : મારે રુદ્રનું ચિત્ર દોરવું છે... ના, કંપની માટે નહીં, એમ જ. મારા તરફથી તેને ગિફ્ટ!
- ત્યારે ધ્યાનમાં આવ્યું કે રુદ્ર તેની સાથે અને તે રુદ્ર સાથે કેવા હળી-મળી ગયા છે! આમ તો મા દીકરાને પરાયા આદમી પાસે છોડે નહીં, પણ આશ્રય માટે અજાણ્યાપણાનો ભાવ જ નથી જાગતો. એ પણ જાણું છું કે આશ્રય મારી જેમ વૈષ્ણવ છે, પરણ્યો નથી અને હૈયાપાટી પણ કોરી જ લાગે છે.
‘રુદ્રની તસવીર માટે તમારે પરમિશન લેવાની ન હોય આશ્રય.’
સાંભળીને તે કેવો મહોરી ઊઠેલો! પછી તો તે રુદ્રને વલસાડના ગામે પણ લઈ ગયો. રુદ્રએ એક વાર માને સાંભરી પણ નહીં!
બેઉ પાછા આવ્યા ત્યારે મારાથી આશ્રયને બોલી જવાયું : તમે તો પરદેશી. કામ પતશે કે જતા રહેશો... રુદ્રને શું કહેશો? તે તમારા વિના હીજરાતો રહેશે.
‘પ્લીઝ, રુદ્રથી અળગા થવાનો વિચાર હું કરવા પણ નથી માગતો.’
તે એવો તો વહાલો લાગ્યો! હું તેનાં ચિત્રોમાં રસ લેતી. આઉટહાઉસના હૉલને તેણે પેઇન્ટિંગ રૂમ બનાવી દીધેલો. ક્યારેક ત્યાં જઈને બેસું : તમારાં ચિત્રોમાં ફૂલો હસતાં કેમ નથી?
એવું કંઈક પૂછું ને તે હોઠ કરડે : તમે જબરા પારખુ છો!
‘જવાબ ટાળો નહીં. હું કહું? ચિત્રનાં ફૂલો નથી હસતાં કેમ કે ચિત્રકાર મુરઝાયેલો છે. શું કામ - મને નહીં કહો?’
આશ્રયે કેવળ હસી નાખેલું... અહં, ચિત્રકારે કોઈ ચોટ તો ખાધી છે. એનો તાગ કેમ પામવો એના વિચારમાં ગોથાં ખાતી હતી ત્યાં વરસાદની એક બપોરે હું ઓસરીમાં પાલવ નિચોવું છું કે અનાયાસ નજર સામે જાય છે, બારીએ આશ્રયને જોઈને હું પણ પૂતળા જેવી થઈ. ઘડીભર સમય જાણે થંભી ગયો.
અને ધીરે-ધીરે એક બદલાવ જોવા મળ્યો. આશ્રયની આંખોમાં સંકોચ, ઓછપના ભાવના સ્થાને તણખો ઝરે ને ભડકો થાય એવો કામાગ્નિ લબકારા લેતો લાગ્યો ને હું છૂઈમૂઈ થતી અંદર સરકી ગઈ.
એ ક્ષણ આજે પણ સમજાઈ નથી, પણ ત્યાર પછી મને જોતી તેની આંખોમાં ભારોભાર આકર્ષણ જ દેખાયું છે, પ્યાર જ પડઘાયો છે... ક્યારેક વહેલી સવારે નાહીને હું ઓટલે ઊભી ભીના વાળ ઝાટકતી હોઉં ને તે મને આઉટહાઉસના પગથિયે બેસીને મુગ્ધભાવે નીરખતો રહે. એક વાર મેં તેને પૂછી પાડેલું : તમને ક્યારેક મારું ચિત્ર બનાવીને ગિફ્ટ કરવાનું મન નથી થતું?
‘તમારું ચિત્ર મેં બનાવ્યું પણ હોય, હૂ નોઝ!’ તે લુચ્ચું છતાં વહાલું લાગે એવું મલકતો.
- તે અમસ્તો જ કહેતો હોય છે કે ખરેખર તેણે મારું ચિત્ર બનાવ્યું છે એની ખાતરી અત્યારે જ હું કરી શકું એમ છું!
વિચારમેળો સમેટીને આરતી ટટ્ટાર થઈ : મારી તસવીરો તેણે હૉલમાં તો નથી મૂકી એટલે હોય તો તેના કબાટમાં જ હોય... આશ્રય રુદ્રને લઈ વલસાડ ગયો છે ને આઉટહાઉસના તેના બેડરૂમના કબાટની ચાવી પણ મને આપતો ગયો છે.
હવે ધીરજ રહેતી ન હોય એમ તે આઉટહાઉસમાં દોડી ગઈ, ઉતાવળે આશ્રયનું કબાટ ખોલ્યું.
અને કપડાંની ગડી વચ્ચે દબાવેલી ડ્રૉઇંગ-શીટનું ફોલ્ડર મળ્યું. એના પર ફૂલ્સકૅપ કાગળ ચોંટાડ્યો હતો, જેમાં લખ્યું હતું:
આમાં એ સ્ત્રીનું ચિત્ર છે જેણે ઠરી ગયેલા મારા પૌરુષને નવચેતના આપી છે... મારી પ્રિયતમા, મારી પ્રેયસી!
ધડકતા હૈયે આરતીએ ફોલ્ડર ખોલ્યું.
એમાંનુ ચિત્ર જોતાં જ સુરખી છવાઈ : હા, હું જ! માંગમાં સિંદૂર સાથે પોતે આંગણાના તુલસીક્યારે દીવો કરી રહી છે.
આશ્રય મને ચાહે છે!
પોતાના અનુમાન પર મહોર લાગતાં આંખો વરસી રહી. આશ્રય જાણે છે કે હું વિધવા છું, એક બાળકની મા છું છતાં મને ચાહે છે એ મારું સદ્ભાગ્ય! વિધાતા હવે રીઝ્યો લાગે છે. રુદ્રની મમતાએ મારા જીવનને અર્થ આપ્યો એમ આશ્રયની મહોબત મારા સ્ત્રીત્વને મહોરાવી રહી છે! અઠ્ઠાવીસની વયે મારા કુંવારા તનમનને બહેકાવી રહી છે...
એ જ વખતે ફોન રણક્યો. સામા છેડે આશ્રય હતો.
તેને કહી દેવું કે તમારો પ્રણયભેદ હું જાણી ગઈ છું?
પણ તે થોડો ગંભીર લાગ્યો. અધિક માસની કથા નિમિત્તે વલસાડ આવવાનું નિમંત્રણ પાઠવીને તેણે ઉમેર્યું : એ બહાને મમ્મી-પપ્પા પણ તમને મળી લે...
મમ્મી-પપ્પા. આરતી જાણે ઊંચાઈ પરથી ભોંય પર પટકાઈ : આશ્રયના ચાહવાથી શું થવાનું, તેમના પેરન્ટ્સ એક દીકરાની મા એવી વિધવાને વહુ તરીકે સ્વીકારશે ખરા?
રુદ્ર મારો અંશ નથી, અનાથ છે એ સત્ય જાણીને પણ આશ્રયને તે એટલો જ વહાલો રહેશે? હું અક્ષત કુમારી છું એ જાણીને આશ્રય કે તેનાં માવતર રુદ્રને કોઈ અનાથાશ્રમમાં મૂકીને નવેસરથી જીવન જીવવાનો આગ્રહ રાખે તો હું તૈયાર છું ખરી?
આરતીએ દમ ભીડ્યો : તમે જો પ્રણયબદ્ધ હો આશ્રય તો મને કહેવા દો કે આપણી પ્રીત અગ્નિપરીક્ષાથી કમ નહીં હોય!
lll
‘આહ...’
તેના તીણા ઉદ્ગારમાં આનંદનો ચિત્કાર હતો. પત્ની પર છવાતો તે હસ્યો : કેમ, બૉસ કરતાં વધારે મજા મારી સાથે આવે છેને!
આમાં મહેણું હતું? ગામથી દૂર, મુંબઈ જેવા શહેરમાં જ સંભવ બને એવી લાઇફસ્ટાઇલ અમે જીવીએ છીએ, એમાં પરસ્પરની સંમતિ પણ છે અને ફાયદો પણ. પછી આવી કમેન્ટનો શું અર્થ!
સ્થિર થતી પત્ની પતિના ચહેરાને તાકી રહી. કપાળથી ચિબુક સુધીના ચીરાવાળો ચહેરો. શેખરનો ચહેરો.
lll
અધિક માસના પાવન મહિનામાં ‘જય શ્રી વલ્લભ!’ના નારા સાથે વલસાડના યજમાન વૈષ્ણવને ત્યાંથી પોથીયાત્રા નીકળી.
(ક્રમશ:)