ધ કર્મા ફાઇલ્સ પ-૪-૩-૨-૧‍ (પ્રકરણ ૩)

15 April, 2026 02:17 PM IST  |  Mumbai | Rashmin Shah

ભાયખલાની બંધ મિલના કૅમ્પસમાં સૌથી છેલ્લા ભાગમાં આવેલી એ ભેજવાળી રૂમમાં  ઇન્સ્પેક્ટર સાવંતનો શ્વાસ રૂંધાવા માંડ્યો હતો. તેની સામે વસંત મારુની લાશ હતી. એ વસંત મારુની જેને તે છેલ્લા બે દિવસથી પોતાનો દુશ્મન માનતો હતો.

ઇલસ્ટ્રેશન

ભાયખલાની બંધ મિલના કૅમ્પસમાં સૌથી છેલ્લા ભાગમાં આવેલી એ ભેજવાળી રૂમમાં  ઇન્સ્પેક્ટર સાવંતનો શ્વાસ રૂંધાવા માંડ્યો હતો. તેની સામે વસંત મારુની લાશ હતી. એ વસંત મારુની જેને તે છેલ્લા બે દિવસથી પોતાનો દુશ્મન માનતો હતો. વસંત મારુએ દુનિયા છોડી દીધી હતી, પણ દુનિયા છોડતાં પહેલાં તે સાવંતની સામે એક એવી પઝલ મૂકીને ગયા હતા જેનો જવાબ સાવંત પાસે નહોતો.
વસંતની પણ જીભ કાપવામાં આવી હતી, એ જ રીતે જે રીતે અગાઉનાં બન્ને મર્ડરમાં જીભ કાપવામાં આવી હતી. 
વસંતની લાશ જોતાં થીજી 
ગયેલા સાવંતના મનમાં વિચારનો ઝબકારો થયો.
‘જો વસંતે રાજીવ ઠક્કરને પકડ્યો અને મારા દીકરા દેવાંશને પણ તેણે જ ગાયબ કર્યો તો વસંતને કોણે માર્યો? શું વસંત માત્ર મહોરું છે? જો વસંત મારુ મહોરું હોય તો અસલી ખેલાડી કોઈ બીજું જ છે, પણ કોણ?’
સાવંતે ધ્રૂજતા હાથે વસંતનાં ખિસ્સાં તપાસ્યાં. 
વસંતના ઉપરના ખિસ્સામાંથી એક જૂની ચાવી અને લોકલ ટ્રેનની એક ટિકિટ મળી. ટિકિટ આજની જ હતી. 
બોરીવલીથી ભાયખલા. 
ટિકિટ દર્શાવતી હતી કે વસંત અહીં સામે ચાલીને આવ્યો હતો.
 lll
સાવંત ઘરે પહોંચ્યો ત્યારે અડધી રાત થઈ ગઈ હતી. 
ઘરનો દરવાજો ખોલતાં તેણે જોયું કે વાઇફ માલતી સોફા પર બેસીને રડતી હતી. સાવંતને જોતાં તે ઊભી થઈને સામે આવી.
‘સાવંત, દેવાંશ પાછો આવી 
ગયો છે...’
‘મૂરખી, તું મને ફોન પણ નથી કરતી...’ સાવંતની કમાન છટકી ગઈ, ‘હું સવારથી તેના ટેન્શનમાં છું ને તું...’
‘હા પણ, તે... તે આપણો દેવાંશ નથી રહ્યો!’
‘શું તું ગાંડા જેવી વાત કરે છે?’
માલતી સાથે વાત કરવાને બદલે સાવંત દોડીને દેવાંશની રૂમમાં ગયા. 
દેવાંશ પલંગ પર સૂતો હતો, પણ તેની આંખો છતને તાકતી હતી. 
‘દેવાંશ...’
દેવાંશ પાસે આવીને સાવંતે સૌથી પહેલાં જોયું કે તેના શરીર પર ક્યાંય માર કે ઈજાનાં નિશાન છે કે નહીં. જોકે દેવાંશને આંગળી પણ લગાડવામાં નહોતી આવી. હા, તેના ગળામાં એક લાલ દોરો બાંધવામાં આવ્યો હતો જેમાં એક નાનકડું લૉકેટ હતું. 
સાવંતે તરત એ લૉકેટ ખોલ્યું.
લૉકેટમાં ધ્વનિ મારુનો ફોટો હતો.
‘દેવાંશ, બેટા... કોણ હતું તે?’ ઇન્સ્પેક્ટર સાવંતે સવાલ કર્યો, ‘તને તે ક્યાં લઈ ગયો હતો?’
ખામોશી. રૂમમાં ચુપકીદી અકબંધ રહી.
દેવાંશે જવાબ આપ્યો નહીં. તેણે માત્ર હાથથી બારીની બહાર ઇશારો કર્યો. સાવંતે એ દિશામાં જોયું તો અંધારામાં એક પડછાયો ત્યાં ઊભેલો દેખાયો, પણ સાવંત કંઈ કહે કે કરે એ પહેલાં જ તે પડછાયો હવામાં ઓગળી ગયો. 
સાવંતની પાછળ રૂમમાં આવેલી માલતી આંખના ઇશારા સાથે સાવંતને રૂમની કૉર્નર પર લઈ ગઈ.
‘જ્યારે દેવાંશ પાછો આવ્યો ત્યારે તેના ખિસ્સામાંથી આ લેટર મળ્યો છે.’
માલતીએ સાવંતના હાથમાં એ લેટર મૂક્યો અને સાવંતે તરત એ લેટર ખોલ્યો.
લેટર સાવંત માટે હતો. લેટરમાં લખ્યું હતું : ‘સાવંત, તારા દીકરાને સહીસલામત પાછો મોકલ્યો છે, પણ એને દયા સમજજે. તારા દેવાંશે હજી ઘણું જોવાનું બાકી છે. જોકે યાદ રાખજે, તારા પાપનો ઘડો ભરાઈ ગયો છે. જે દિવસે ધ્વનિની જીભ કપાઈ એ રાત્રે દેવાંશ ક્યાં હતો, કોની સાથે હતો એ તેને જ પૂછી લેજે... તને ઘણા જવાબ મળી જશે.’
સાવંતને અચાનક એ રાત યાદ આવી ગઈ.
જે રાતે ધ્વનિ ગુમ થઈ એ રાતે દેવાંશ મોડો આવ્યો હતો.
 lll
‘આ કપડાંને શું થયું?’ 
દેવાંશનાં કપડાં પર કાદવ હતો, જે જોઈને ઇન્સ્પેક્ટર સાવંતને 
નવાઈ લાગી.
‘પડ્યો? ઍક્સિડન્ટ કર્યો?’
‘ના...’ રાબેતા મુજબ જ ટૂંકો જવાબ આપીને દેવાંશ તેની રૂમમાં જવા લાગ્યો.
‘દેવાંશ, ઊભો રહે... પહેલાં જવાબ દે... શું થયું?’
‘કંઈ નથી થયું, કીધુંને...’ દેવાંશના સ્વરમાં સહેજ તોછડાઈ હતી, ‘હવે હું જઉં?’
ગમ ખાઈને ઇન્સ્પેક્ટર સાવંતે હાથથી જ દેવાંશને જવાનો ઇશારો કર્યો.
 lll
‘કંઈ થયું છે?’ માલતીએ સવાલ કર્યો, ‘આ બધું તમે મૂકોને... ભગવાનનું દીધેલું આટલું તો છે...’
‘તું લપ નહીં કર...’ સાવંતે ચિઠ્ઠી ખિસ્સામાં મૂકી, ‘જા, જલદી જમવાનું કાઢ. બહુ ભૂખ લાગી છે...’
માલતી કિચનમાં ગઈ અને સાવંતનું દિમાગ તરત કામે લાગી ગયું.
શું દેવાંશ પણ રાજીવ ઠક્કરની સાથે આ આખી રમતમાં સામેલ છે?
 lll
ટ્રિન... ટ્રિન...
હજુ તો માંડ ડિનર પૂરું કર્યું હશે ત્યાં ઇન્સ્પેક્ટર સાવંતના ફોનની રિંગ વાગી.
સાવંતે જોયું કે ફોન તેના ખબરીનો હતો. આ તે ખબરી અંકલ હતા જેમનું એક જ કામ હતું - મલાડથી લઈને બોરીવલી સુધીનાં સ્મશાન, કબ્રસ્તાન અને મૉર્ગ પર નજર રાખવી. આ મુસ્લિમ કાકાને કારણે ઘણી વાર એવું પણ બન્યું હતું કે સાવંતને ઘટના વિશે પહેલાં જ ખબર પડી જતી.
‘બોલો ચાચા... કેમ છો?’
‘સારું... તમે કેમ છો?’
‘છે કંઈ ખાસ જાણવા જેવું...’
‘હા, એટલે જ ફોન કર્યો...’ કાકાએ દબાયેલા અવાજે કહ્યું, ‘સાહેબ, એક વાત કહેવી છે. પેલી ગટરમાંથી જેની લાશ મળી હતી તે કોણ...’ 
‘ધ્વનિ...’ સાવંત કમરથી સહેજ કડક થઈ ગયા, ‘તેનું શું થયું?’
‘તે છોકરીનું પોસ્ટમૉર્ટમ કરનારા ડૉક્ટર મહેતા સવારથી ગુમ છે અને સાંભળો... ડૉક્ટર મહેતાના ઘરે અંધેરીમાં તપાસ કરી તો ત્યાંથી એક ડાયરી મળી છે. એ ડાયરીમાં તમારી ટ્રાન્સફર, એને અટકાવવા માટે ઠક્કરે કરેલો ખર્ચ અને ઠક્કર સાથેની તમારી મીટિંગોની બધી જ વાત લખી છે.’
‘તમને કોણે કહ્યું?’
‘કહે કોણ સાહેબ... ઇન્સ્પેક્ટર જોગલેકર પાસેથી ખબર પડી.’
‘ઓકે...’ 
જોગલેકર મિત્ર હતો એટલે સાવંતના હૈયે થોડી શાતા વળી. જોકે હજી એક અગત્યની વાતની ચોખવટ બાકી હતી.
‘ડૉક્ટર મહેતાનો કોઈ પત્તો મળ્યો?’
‘ના સાહેબ... પણ તમારે એક વાર તેના બંગલે જઈ આવવું જોઈએ.’ કાકાએ સૂચન કર્યું, ‘તમારા હિતમાં રહેશે...’
‘ઠીક છે...’
ઇન્સ્પેક્ટર સાવંત તરત જ રવાના થઈ ગયા.
 lll
ડૉક્ટર મહેતાનું ઘર ખુલ્લું જ હતું.
સાવંત ઘરમાં દાખલ થયા કે તરત સામે જે દૃશ્ય આવ્યું એ જોઈને તે ચોંકી ગયા. ઘર આખું વેરવિખેર હતું. સાવંતને જમીન પર લોહીનાં ટીપાં દેખાયાં જે રસોડા તરફ જતાં હતાં. લોહીનાં ટીપાંની દિશામાં સાવંત આગળ વધ્યા અને રસોડામાં દાખલ થયા. રસોડામાં રાખેલા ફ્રિજનું ડોર ખુલ્લું હતું અને ફ્રિજ પાસે લોહીના ડાઘ અટકી જતા હતા. સાવંતના હૃદયના ધબકારા વધી ગયા. તેણે ડરતાં-ડરતાં ફ્રિજનો દરવાજો ખોલ્યો. 
અંદર કોઈ લાશ નહોતી, પણ એક સ્ટીલના ડબ્બો હતો જેના કૉર્નર પર લોહીનાં ટીપાં પડ્યાં હતાં.
સાવંતે એ ડબ્બો હાથમાં લીધો અને એમાં નજર કરી કે બીજી જ ક્ષણે તેને અંધારાં આવી ગયાં. 
સ્ટીલના એ ડબ્બામાં કાપેલી જીભ હતી, જે કદાચ ડૉક્ટર મહેતાની હતી.
સાવંત ફ્રિજ બંધ કરવા ગયો ત્યાં તેનું ધ્યાન ગયું કે ડબ્બા નીચે એક ચિઠ્ઠી મૂકવામાં આવી હતી. સાવંતે ચિઠ્ઠી ખોલી, ચિઠ્ઠીમાં લખ્યુ હતું : ‘સ્ટૅટ્યુટરી વૉર્નિંગ – ટુ કીપ મમ ઇઝ ઇન્જુરિયસ ટુ હેલ્થ.’
ચિઠ્ઠીના શબ્દોએ સાવંતને સમજાવી દીધું કે કોઈ એવું છે જે એક-એક કરીને તે દરેક વ્યક્તિને દૂર કરે છે જે સાચો ગુનેગાર કોણ એ કહી શકે. 
સૌથી પહેલાં ઠક્કરનો સેક્રેટરી નીલેશ, એ પછી વસંત મારુ અને હવે કદાચ ડૉક્ટર મહેતા. કોણ છે તે જે આ બધાં કૃત્યો કરે છે?
સૌથી પહેલાં શક વસંત મારુ પર હતો, પણ વસંત મારુનું પોતાનું મર્ડર થયું છે. તો આ કોણ છે જે આતંક મચાવે છે?
 lll
ત્રીજા દિવસે બપોરે સાવંતને જે. પી. ઠક્કરનો ફોન આવ્યો. 
ઠક્કરનો અવાજ રીતસર ધ્રૂજતો હતો. 
‘સાવંત, જલદી આવ, બચાવ મને...’
‘થયું શું?’
‘અરે, તું આવ જલદી...’ ઠક્કર રીતસર ચિલ્લાયા, ‘તે... તે માણસ મારા ઘરમાં ઘૂસી ગયો છે! તેની પાસે રાજીવનો ફોન છે... તે કહે છે કે જે દિવસે મેં પેલી છોકરી ધ્વનિની ફરિયાદ અટકાવી એ દિવસે જ મેં મારું ડેથ વૉરન્ટ સાઇન કરી લીધું... તે... તે મને મારી નાખવા માગે છે, જલદી આવ...’
ધ્વનિનું નામ પડતાં સુધીમાં તો ઇન્સ્પેક્ટર સાવંત ઑફિસની બહાર નીકળી ગયા હતા. ઠક્કરના બંગલે પહોંચવામાં તેમને બારથી ૧૫ મિનિટ લાગી. બંગલાની બહારનું દૃશ્ય જોઈને સાવંતના મોતિયા મરી ગયા.
  lll
ભરબપોરે બંગલાના સિક્યૉરિટી ગાર્ડ્સ દરવાજા પાસે બેભાન પડ્યા હતા. સાવંત દોડતો સીધો બંગલામાં દાખલ થયો. 
‘ઠક્કરસાહેબ... ઠક્કરસાહેબ...’
ક્યાંયથી કોઈ જવાબ મળ્યો નહીં એટલે હાથમાં બંદૂક સાથે સાવંત હૉલ અને કિચનમાં ફરી આવ્યો. હવે બંગલાના ભોંયતળિયે ઠક્કરની લાઇબ્રેરી બાકી રહેતી હતી. સાવંત લાઇબ્રેરીમાં દાખલ થયો. અંદરનું જે દૃશ્ય હતું એ દૃશ્યએ સાવંતની ધોરી નસમાં વહેતા લોહીને જેટ ઝડપ આપી દીધી.
ઠક્કર પોતાની ખુરસી પર બેઠા હતા. તેમના ગળામાં એ જ લાક્ષણિક રીતે ઘા હતો જે પ્રકારના ઘા સાથે અગાઉ બે મર્ડર થયાં હતાં. લાઇબ્રેરીના ટેબલ પર પણ લોહી હતું. સાવંતની નજર ટેબલ પર પડી. ટેબલ પર ઠક્કરનો કાપેલો કાન હતો. સાવંતે પોલીસ-સ્ટેશને જાણ કરવા માટે તરત મોબાઇલ કાઢ્યો, પણ તે નંબર ડાયલ કરે એ પહેલાં તેના કાને અવાજ અથડાયો.
‘સ્ટૉપ...’
સાવંતે અવાજની દિશામાં જોયું.
અવાજ ઠક્કરના ટેબલ પર રહેલા લૅપટૉપમાંથી આવ્યો હતો. લૅપટૉપ પર એક વિડિયો પ્લે થયો, જેમાં રાજીવ ઠક્કર કેદ હતો. તેની બાજુમાં જે ઊભો હતો તેનો ચહેરો જોઈને સાવંતના હાથમાંથી રિવૉલ્વર પડી ગઈ. 
તે બીજું કોઈ નહીં પણ સાવંતનો દીકરો દેવાંશ હતો!
દેવાંશે રાજીવના ગળા પર છરી રાખી હતી અને કૅમેરા સામે જોઈને તે કહેતો હતો, ‘પપ્પા, તમે કહ્યું હતુંને કે કાયદો મોટા માણસોના ખિસ્સામાં હોય છે? જુઓ, આજે એ જ કાયદો મારા હાથમાં છે. હજી બે દિવસ બાકી છે. જો તમે તમારી જાતે પોલીસ-સ્ટેશન જઈને કબૂલ નહીં કરો કે તમે ધ્વનિના કેસમાં લાંચ લીધી છે તો આ તમારા ચમચાના દીકરા રાજીવની જીભ પણ આ ટેબલ પર હશે.’
સાવંત સ્તબ્ધ હતો. 
‘દેવાંશ... આ તું શું કરે છે?’
સામેથી જવાબ આવવાને બદલે લૅપટૉપની સ્ક્રીન બ્લૅક થઈ ગઈ.
‘આ બધું શું ચાલે છે?’
દેવાંશ તો હમણાં ઘરે હતો તો 
પછી આ... 
ઇન્સ્પેક્ટર સાવંતના મસ્તકમાં વિચારોના હથોડાના ફટકા લાગતા હતા, વિચારોના હથોડા અને દેવાંશે કહેલા શબ્દો : ‘હજી બે દિવસ બાકી છે...’

(ક્રમશ:)

columnists Rashmin Shah lifestyle news life and style gujarati mid day