ધ કર્મા ફાઇલ્સ: પ-૪-૩-૨-૧‍ (પ્રકરણ ૨)

14 April, 2026 03:50 PM IST  |  Mumbai | Rashmin Shah

મુંબઈની એ પ્રભાત કાળા અજગરની જેમ ફૂંફાડા મારતી હતી.

ઇલસ્ટ્રેશન

મુંબઈની એ પ્રભાત કાળા અજગરની જેમ ફૂંફાડા મારતી હતી.

કાંદિવલી આખાએ ગજબનાક સન્નાટો ઓઢી લીધો હતો, પણ ઇન્સ્પેક્ટર સાવંતના બંગલામાં દેકારો મચાવતી શાંતિ હતી. થોડી વાર પહેલાં જ તેમણે વિડિયો-કૉલમાં રાજીવ ઠક્કરની લોહીલુહાણ હાલત જોઈ હતી અને એ પછી તેના કાનમાં ધગધગતા શીશાની જેમ દીકરા દેવાંશનું નામ રેડાયું હતું. મોબાઇલના સામા છેડે વસંત મારુ હતા, પણ વસંત મારુને પોતે કંઈ કહે એ પહેલાં જ મોબાઇલ કટ થઈ ગયો હતો.

ઇન્સ્પેક્ટર સાવંતે તરત એ નંબર પર ફોન કર્યો હતો, પણ મોબાઇલ નેટવર્કની બહાર હતો. સાવંતે તરત વસંત મારુના રિયલ મોબાઇલ-નંબર પર કૉલ કર્યો, પણ ફોન કટ થયો અને વળતી સેકન્ડે જ ઑટો-રિપ્લાયમાં ગોઠવાયેલો મેસેજ જવાબરૂપે મળ્યો.

‘સાવંત, શાંતિ. એવી જ શાંતિ જેવી શાંતિ તમે મને રાખવાનું કહેતા હતા. જો તમારા સ્ટાફને ફોન કરશો તો હેરાનગતિ મારી પણ વધશે અને તમારી પણ. મારી હેરાનગતિ મેં પસંદ કરી છે, પણ તમારી હેરાનગતિ તમારા વંશે ભોગવવી પડશે.’

lll
‘હજી કેટલું જાગવું છે... સૂઈ જાઓને.’

વહેલી સવારે સાડાપાંચ વાગ્યે વાઇફ હૉલમાં આવી. તેણે જોયું કે ઇન્સ્પેક્ટર સાવંત હજી પણ બેઠા હતા.
‘તું જા, હું આવું છું...’

‘શું તું જા... મારા જાગવાનો ટાઇમ થઈ ગયો.’

‘તો જાગ... પણ મારી સામેથી જા.’ સાવંતે ઑલમોસ્ટ રાડ પાડી હતી, ‘નીકળ અહીંથી...

આમ તો આવું ક્યારેક જ બનતું, પણ સાવંતનું આ વર્તન અજાણ્યું નહોતું એટલે વાઇફ ચૂપચાપ ત્યાંથી ફરી રૂમમાં જતી રહી અને સાવંતે ફરી મોબાઇલ હાથમાં લીધો. ફરી તેણે એ જ વૉટ્સઍપ નંબર પર કૉલ ટ્રાય કર્યો જેના પરથી તેને વિડિયો-કૉલ આવ્યો હતો, પણ વ્યર્થ. એ નંબર પર માત્ર રિંગ જતી હતી. ફરી તેણે વસંતના નંબર પર ફોન કર્યો. આ વખતે એ મોબાઇલ-નંબર સ્વિચ્ડ-ઑફ હતો.

કરવું શું?

વસંત મારુએ ધમકી સ્વરૂપે મોકલેલા મેસેજને પાંચ કલાક થઈ ગયા હતા. સાવંતથી હવે વધારે રાહ જોઈ શકાય એમ નહોતી એટલે તેણે તરત જ સાઇબર ક્રાઇમના હેડ અને અંગત મિત્ર એવા ઑફિસર વિશ્વાસ કદમને ફોન કર્યો.

‘કદમ, મને રાતે એક IP કૉલ આવ્યો છે. કૉલ કરનારાનું નામ વસંત મારુ છે. આપણે એ IP કૉલનું લોકેશન ટ્રેસ કરવાનું છે...’ 

‘હું તો ઘરે છું. સવારે જોઈએ તો...’

‘મને હમણાં ને હમણાં એ લોકેશન જોઈએ છે. કર કંઈ પણ...’ સાવંતનો અવાજ ફાટી રહ્યો હતો, ‘તું જા, તારા સ્ટાફને કહે. કંઈ પણ કર...’

‘સાવંતસાહેબ થયું શું?’ કદમની ઊંઘ ઊડી ગઈ હતી, ‘તમે આટલા ગભરાયેલા કેમ છો? ઍનિથિંગ રૉન્ગ...’

‘હા... મારો દીકરો દેવાંશ ગાયબ છે! વસંત મારુ નામનો માણસ તેને ઉપાડી ગયો છે. તે પેલા ફિલ્મ-ફાઇનૅન્સર રાજીવ ઠક્કરને પકડીને બેઠો છે અને મને ધમકી આપે છે. જલદી કર!’
સાવંતે ફોન મૂક્યો અને સોફા પર ફસડાઈ પડ્યો.

તેની આંખ સામે છેલ્લા ૨૪ કલાકની ઘટનાઓનું સરવૈયું પસાર થવા માંડ્યું હતું. ધ્વનિ મારુની લાશ, રાજીવ ઠક્કરનો ભ્રષ્ટ બચાવ અને હવે વસંત મારુનો આ વાર. 
સાવંતે ક્યારેય વિચાર્યું નહોતું કે જે માણસ ૨૪ કલાક પહેલાં લાચાર બનીને પોલીસ-સ્ટેશને આવ્યો હતો તે રાત પડતાં સુધીમાં મુંબઈના સૌથી દમદાર પોલીસ-ઇન્સ્પેક્ટરના નાક નીચેથી તેના દીકરાને ઉપાડી જશે.

lll
સવારના છ વાગી ગયા હતા.

મુંબઈના રસ્તાઓ પર ટ્રાફિક વધવાનો શરૂ થઈ ગયો હતો. વધતા એ ટ્રાફિક વચ્ચે સાવંત પોતાની કાર લઈને બોરીવલી-ઈસ્ટના કાર્ટર રોડના એ બિલ્ડિંગ પાસે પહોંચ્યા જ્યાં વસંત મારુની મોબાઇલ રિપેરિંગની દુકાન હતી. દુકાનને જોઈને સાવંતની આંખો પહોળી થઈ. દુકાનનું શટર અડધું ખુલ્લું હતું.

વસંત દુકાનમાં હશે એવી ધારણા સાથે ઇન્સ્પેક્ટર સાવંતે ગન કાઢી અને અંદર દાખલ થયા. જોકે દુકાનમાં કોઈ નહોતું, પણ એક ખૂણામાં જૂના જમાનાના બૉક્સ જેવા કમ્પ્યુટર મૉનિટરની લાઇટ ચાલુ હતી.

સાવંત મૉનિટર પાસે આવ્યા અને તેમણે માઉસ પૅડને સહેજ હાથ લગાડ્યો કે તરત સ્ક્રીન-સેવર દૂર થયું અને મૉનિટર પર ખુલ્લી હતી એ ફાઇલ સામે આવી ગઈ.
માઇક્રોસૉફ્ટ એક્સેલની એ ફાઇલ પર મોટા અક્ષરે લખ્યું હતું -‘The_Karma_Files.pdf’. ફાઇલની બરાબર મધ્યમાં ઇન્સ્પેક્ટર સાવંતનો ફોટો હતો. સાવંતે ધ્રૂજતા હાથે માઉસ સ્ક્રોલ કર્યું. એ ફાઇલમાં પાછલાં ૧૦ વર્ષમાં સાવંતે ઠક્કર બિલ્ડર્સ પાસેથી લીધેલી દરેક લાંચની વિગત હતી. કઈ તારીખે કેટલા રૂપિયા લેવાયા અને કયા હવાલા નેટવર્કથી એ પૈસા દુબઈ ટ્રાન્સફર થયા એ બધું પણ એમાં લખાયેલું હતું.

સાવંત સ્તબ્ધ હતો, તેની આંખો ફાટી ગઈ હતી. સવારની મીઠી ઠંડક વચ્ચે પણ તેના કપાળ પર પ્રસ્વેદબિંદુ બાઝી ગયાં હતાં.

લખાયેલા આંકડાઓ એટલા પર્ફેક્ટ હતા કે સાવંત અને ઠક્કર બિલ્ડર્સ સિવાય એના વિશે કોઈ પાસે માહિતી નહોતી. અરે, સાવંતની પત્નીને પણ ખબર નહોતી. જ્યારે આ ફાઇલમાં અપ-ટુ-ડેટ બધું લખાયેલું હતું.

સાવંત કંઈ કરે એ પહેલાં અચાનક જ કમ્પ્યુટરની સ્ક્રીન પર એક નાની વિન્ડો ખૂલી અને એ વિન્ડોમાં લાઇવ ફુટેજ ચાલુ થયું. એ ફુટેજ બોરીવલીના કોરા કેન્દ્ર પાસેના ટ્રાફિક સિગ્નલનું હતું. 
એ વિન્ડોની સ્ક્રીન પર ટાઇમ લખ્યો હતો.

રાતના બે વાગ્યાનાં એ વિઝ્યુઅલ્સ હતાં.

ઇન્સ્પેક્ટર સાવંતની જ પોલીસ જીપ એ સિગ્નલ પરથી પસાર થતી દેખાતી હતી. ડ્રાઇવિંગ-સીટ પર એક અજાણ્યો માણસ હતો અને પાછળની સીટ પર દેવાંશ બેભાન હાલતમાં પડ્યો હતો. આશ્ચર્યની વાત એ હતી કે જીપ ચલાવતા તે માણસે માથા પર હેલ્મેટ પહેરી હતી!

‘વસંત...’

ઇન્સ્પેક્ટર સાવંતે દાંત ભીંસ્યા, પણ તે કંઈ કરે એ પહેલાં જ સ્ક્રીન પરનાં વિઝ્યુઅલ્સમાં ચેન્જ આવ્યો અને જીપ ચલાવતી વ્યક્તિએ પોતાના માથા પરથી હેલ્મેટ દૂર કરી અને સાવંતની આંખો ચાર થઈ ગઈ.

જીપ વસંત મારુ નહોતો ચલાવતો, પણ ડ્રાઇવિંગ-સીટ પર સાવંતના જ પોલીસ-સ્ટેશનનો કૉન્સ્ટેબલ પાટીલ હતો!
સાવંતના પગ નીચેથી જમીન સરકી ગઈ. 

પાટીલ? 

પોતાનો સૌથી વિશ્વાસુ માણસ વસંતની સાથે ભળેલો છે?

ઇન્સપેક્ટર સાવંતની આંખ સામે અંધારાં આવી ગયાં.

lll
મંગળવારે બપોર સુધીમાં તો આખા મુંબઈમાં સમાચાર ફેલાઈ ગયા કે એક સિનિયર ઇન્સ્પેક્ટરનો દીકરો ગુમ છે. સાવંત પોતાની ચેમ્બરમાં બેઠા હતા અને એ જ વખતે ઝાટકા સાથે ચેમ્બરનો દરવાજો ખૂલ્યો.

‘સાવંત...’

‘અરે, જે. પી. સાહેબ તમે...’

‘રાજીવ ક્યાં છે?’

દેવાંશના ટેન્શનમાં સાવંતના મનમાંથી રાજીવ ઠક્કર સાવ નીકળી ગયો હતો.

‘સર તે તો... તે તો...’

‘એ હરામખોર... સ્ટોરી નહીં ઊભી કરતો.’ માસમાણી ગાળ આપતાં જે. પી. ઠક્કરે કહ્યું, ‘પેલા ભિખારી ફટીચંદ... વસંતે મને વિડિયો-કૉલમાં રાજીવ દેખાડ્યો. જો સાવંત, મારા દીકરાને કંઈ થયું છે તો યાદ રાખજે... મુંબઈમાં તને કપડાં વિના દોડાવીશ ને પછી તારી ચામડી ઉતારી લઈશ. ક્યાંયનો નહીં રહેવા દઉં તને...’

‘પણ સર, બેસો તો ખરા...’

સાવંત આગળ કંઈ બોલે એ પહેલાં જ વાયરલેસ પર મેસેજ આવ્યો. 

‘બોરીવલીના નૅશનલ પાર્કની પાછળની ઝાડીઓમાંથી એક લાશ મળી છે. મેલ ડેડ બૉડી. ઉંમર અંદાજે ૨૫ વર્ષ.’

સાવંતનું હૃદય એક ધબકારો ચૂકી ગયું.

‘દેવાંશ?’

આ જ હાલત જે. પી. ઠક્કરની હતી.

‘રાજીવ?’

બન્નેના મનમાં આપોઆપ ભગવાન આવી ગયા અને બીજી જ સેકન્ડે સાવંત અને ઠક્કર બન્ને પોલીસ-સ્ટેશનની બહાર ભાગ્યા.

lll
ઘટનાસ્થળે પોલીસનું કીડિયારું ઊભરાયું હતું. લાશ સફેદ ચાદરથી ઢંકાયેલી હતી. સાવંતે ધ્રૂજતા હાથે ચાદર હટાવી અને તેના શરીરમાં લખલખું પસાર થઈ ગયું.

લાશ દેવાંશની નહોતી, પણ જે. પી. ઠક્કરના પર્સનલ સેક્રેટરી નીલેશ વૈદ્યની હતી.

નીલેશની હત્યા અત્યંત ક્રૂર રીતે કરવામાં આવી હતી. તેના ગળા પર ઊંડો ઘા હતો, પણ સૌથી ભયાનક દૃશ્ય એ હતું કે નીલેશની જીભ કાપી નાખવામાં આવી હતી. લાશના હાથમાં એક કાગળની ચબરખી હતી જેના પર લોહીથી લખ્યું હતું:

‘જેણે પાપ જોયું પણ બોલ્યો નહીં તેને જીભની જરૂર શું છે? હજી તો માત્ર બે દિવસ થયા છે સાવંત, ૩ દિવસ 

બાકી છે. આ ૩ દિવસમાં જો તું નહીં બોલે તો મુંબઈના રસ્તાઓ સત્ય બોલતા થઈ જશે.’

નીલેશની લાશ જોઈને ઠક્કરનો ચહેરો ફિક્કો પડી ગયો.

નીલેશ તે માણસ હતો જે રાજીવનાં તમામ કાળાં કામોનો હિસાબ રાખતો.

શું વસંત મારુ એક-એક કરીને એ તમામ લોકોનો સફાયો કરતો હતો જે ધ્વનિના કેસમાં રાજીવને બચાવતા હતા?

lll
સાંજે સાવંતને અજાણ્યા IP ઍડ્રેસથી એક ઈ-મેઇલ આવી. ઈ-મેઇલમાં ભાયખલાની બંધ પડી ગયેલી એક મિલનું સરનામું હતું. કોઈને જાણ કર્યા વિના સાવંત પોતાની સર્વિસ રિવૉલ્વર સાથે લોકેશન પર પહોંચ્યો.

મિલની અંદર જૂનાં મશીનો અને કરોળિયાનાં જાળાં સિવાય કંઈ નહોતું, પણ મિલના બિલકુલ પાછળના ભાગમાં આવેલી રૂમના દરવાજામાંથી લાઇટનો ઝીણો પ્રકાશ બહાર આવતો હતો.

ક્ષણનો પણ વિચાર કર્યા વિના સાવંતે દરવાજા પર લાત ઠોકી અને દરવાજો પણ જાણે જોરૂકાની લાત જોતો હોય એમ મિજાગરામાંથી છૂટો પડી ગયો.

અંદર વસંત મારુ ખુરસી પર બેઠા હતા. તેની સામે આઠથી વધુ લૅપટૉપ અને સ્ક્રીન ચાલુ હતાં. એવું જ દૃશ્ય હતું જાણે કે આખું મુંબઈ આ રૂમમાંથી કન્ટ્રોલ થતું હોય.

‘વસંત, ગેટ-અપ...’ 

સાવંતે ગન વસંતના માથા પર તાકી. જોકે વસંત તરફથી કોઈ પ્રત્યાઘાત આવ્યા નહીં. સાવંત ધીમે રહીને વસંતની ફ્રન્ટમાં ગયો અને તેના હોશ ઊડી ગયા. વસંત મારુના હાથ અને પગ ખુરસી સાથે બંધાયેલા હતા અને તેનો જીવ નીકળી ગયો હતો.

વસંતને છાતીમાં ગોળી મારવામાં આવી હતી અને તેની જીભ પણ કાપી નાખવામાં આવી હતી.

સાવંત સ્તબ્ધ થઈ ગયો.

જો વસંત મારુ પોતે જ મરી ગયો છે તો હવે દેવાંશ અને રાજીવ ઠક્કર કોના કબજામાં છે?

અચાનક રૂમનાં તમામ સ્પીકર્સમાં એક અવાજ ગુંજ્યો. એ વસંતનો જ રેકૉર્ડેડ અવાજ હતો. 

‘સાવંત, કર્મા ફાઇલ્સ... આ તો શરૂઆત છે. હવે રમત અસલી કાતિલ અને તારી વચ્ચે છે. તારી પાસે ૩ દિવસ બાકી છે. જોજે, તારો વંશ તારી નજર સામે જ રાખ ન થઈ જાય.’

સાવંતને અહેસાસ થયો કે આ કોઈ એક માણસનો બદલો નથી, પણ એક એવી જાળ છે જેમાં તે પોતે જ શિકારી બનીને ફસાઈ ગયો છે. કાતિલ વસંત મારુ નહોતો, પણ વસંતના નામે રમનાર કોઈ ત્રીજી જ તાકાત હતી.

સાવંતે રૂમની બહાર નીકળવાની કોશિશ કરી, પણ લોખંડનો ભારે દરવાજો બહારથી લૉક થઈ ગયો. સ્ક્રીન પર લાલ અક્ષરોમાં કાઉન્ટડાઉન શરૂ થયું: 
૭૨:૫૯:૫૮

(ક્રમશ:)

columnists Rashmin Shah gujarati mid day exclusive kandivli