ધ કર્મા ફાઇલ્સ (પ્રકરણ ૪)

16 April, 2026 05:58 PM IST  |  Mumbai | Rashmin Shah

જે. પી. ઠક્કરના આલીશાન બંગલાની લાઇબ્રેરીમાં અત્યારે મોતનો સન્નાટો હતો. ચૅર પર ઠક્કરની લાશ હતી અને સામે ટેબલ પર ખુલ્લા પડેલા લૅપટૉપની સ્ક્રીન પર ઇન્સ્પેક્ટર સાવંતનો દીકરો દેવાંશ હતો.

ઇલસ્ટ્રેશન

જે. પી. ઠક્કરના આલીશાન બંગલાની લાઇબ્રેરીમાં અત્યારે મોતનો સન્નાટો હતો. 
ચૅર પર ઠક્કરની લાશ હતી અને સામે ટેબલ પર ખુલ્લા પડેલા લૅપટૉપની સ્ક્રીન પર ઇન્સ્પેક્ટર સાવંતનો દીકરો દેવાંશ હતો. દેવાંશના ચહેરા પર ખુન્નસ હતું. એવું ખુન્નસ જે જોઈને ખુદ સાવંત પણ ગભરાઈ ગયા હતા. 
સાવંતના કાનમાં હજી પણ દેવાંશના શબ્દો પડઘાતા હતા...
‘પપ્પા, કાયદો મારા હાથમાં છે...’
સાવંતની આંખ સામે અંધકાર હતો. જે દીકરાને તેણે અત્યાર સુધી દિલથી સાચવ્યો, જોઈતું હતું એ બધું આપ્યું, લાડના નામે બગાડવામાં પણ કશું બાકી રાખ્યું નહીં એ દેવાંશ અચાનક આ રીતે આટલો ક્રૂર કઈ રીતે થઈ શકે? શું આ બધા પાછળ વસંત મારુનો હાથ છે? શું વસંત મારુએ દેવાંશને એ બધું કહી દીધું છે જે આજ સુધી સાવંત સંતાડતા રહ્યા?
ઇન્સ્પેક્ટર સાવંતે જમીન પર પડેલી પોતાની સર્વિસ રિવૉલ્વર હાથમાં લીધી અને એ જ ક્ષણે તેના મોબાઇલની રિંગ વાગી.
સાવંતે સ્ક્રીન પર જોયું. ફોન ઘરેથી હતો.
‘બોલ માલતી...’
‘દેવાંશ... દેવાંશ સવારથી ગાયબ છે...’ સામેથી માલતીનો રડતો અવાજ સંભળાયો, ‘ફ્રેન્ડને ત્યાં જવાનું કહીને નીકળ્યો, ૧૫ મિનિટમાં આવી જવાનું કહીને ગયો પણ ત્યારથી તે પાછો નથી આવ્યો.’
‘તને મેં ના પાડી હતી કે તેને ક્યાંય જવા નથી દેવાનો...’
‘હા પણ... તે મારું ક્યાં સાંભળે છે?’
મમ્મીની વાત ખોટી પણ નહોતી. બાપે દીકરાને એ સ્તર પર ચડાવ્યો હતો કે દીકરો કોઈના બાપની સાડીબારી રાખતો નહોતો.
‘ઠીક છે, હું દેવાંશને ફોન કરું છું...’
‘મેં ફોન કરી લીધો, તેનો મોબાઇલ ઘરે છે...’
સાવંતના પગ નીચેથી ધરતી સરકી ગઈ.
તે સમજી ગયા કે આ કોઈનું પર્ફેક્ટ માઇન્ડથી કરવામાં આવેલું પ્લાનિંગ છે. પ્લાનિંગનો આગળનો ભાગ તો હવે તેની આંખ સામે આવવાનો હતો. 
ફોન કટ કરીને સાવંત લાઇબ્રેરીમાંથી બહાર નીકળવા જતા હતા ત્યાં તેની નજર ઠક્કરના ટેબલ નીચે પડેલી એક નાની ડાયરી પર પડી. એ જે. પી. ઠક્કરની પર્સનલ ડાયરી હતી. સાવંતે ઉતાવળે ડાયરીનાં પાનાં ફેરવ્યાં અને ડાયરીના છેલ્લા પાને કંઈક એવું વાંચ્યું જે વાંચીને સાવંતના કપાળે પરસેવો વળી ગયો.
lll
‘વસંત મારુની દીકરી ધ્વનિ પાસે જે પુરાવા છે એ જો બહાર આવશે તો માત્ર મારું જ નહીં, મારી સાથે મહારાષ્ટ્ર પોલીસ અને ઇન્સ્પેક્ટર સાવંત પણ બરબાદ થઈ જશે. સાવંતને ખબર નથી કે જે રાત્રે ધ્વનિની છેડતી થઈ એમાં માત્ર રાજીવ જ નહોતો... બીજું પણ કોઈ હતું.’
સાવંતના મગજમાં ધડાકો થયો. 
‘બીજું કોઈ? કોણ?’ 
સાવંત લૅપટૉપ પાસે ગયા અને તેણે લૅપટૉપની સ્ક્રીન ફરી શરૂ કરી. લૅપટૉપની હોમ-સ્ક્રીન પર એક વિડિયો ફાઇલ પડી હતી. સાવંતે એ ફાઇલ ઓપન કરી અને સ્ક્રીન પર એ જ વિડિયો આવી ગયો જે તેણે થોડી વાર પહેલાં જોયો હતો.
સ્ક્રીન પર રાજીવ ઠક્કર હતો અને રાજીવની બાજુમાં દેવાંશ ઊભો હતો. દેવાંશના ચહેરા પર ગુસ્સો કે ખુન્નસ નહોતા, પણ પીડા હતી. દેવાંશ બહુ રડ્યો હોય એવું પણ તેની આંખો પરથી દેખાતું હતું.
સાવંતને અચાનક યાદ આવ્યું કે ધ્વનિ અને દેવાંશ એક જ કૉલેજમાં હતાં. તો શું?
‘ઓહ ગૉડ!’ સાવંતની આંખો ફાટી ગઈ, ‘તો શું દેવાંશ ધ્વનિના પ્રેમમાં હતો?’
lll
‘ચાચા, ખાસ કામ પડ્યું છે...’
ઘરની બહાર નીકળતાંની સાથે જ સાવંતે તેના બાતમીદાર એવા કાકાને ફોન કર્યો હતો. ઠક્કરના ઘરેથી નીકળતાં પહેલાં સાવંતે પેલી ડાયરી અને લૅપટૉપ સાથે લઈ લીધાં હતાં જેથી ઇન્ક્વાયરી દરમ્યાન એ મુદ્દાઓ બહાર આવે નહીં.
‘બોલોને ભાઈજાન... શું કરવાનું છે?’
‘ચાચા, મને ધ્વનિ અને દેવાંશના કૉલેજના રેકૉર્ડ્સ જોઈએ. હમણાં જ!’
‘આમ તો થોડું અઘરું છે, પણ...’
‘પૈસાનું ટેન્શન છોડી દો ચાચા... જ્યાં જેને જે જોઈતું હોય એ આપો. મારે જાણવું છે કે દેવાંશ અને ધ્વનિ વચ્ચે કેવા સંબંધો હતા?’ ઇન્સ્પેક્ટર સાવંતે ફોન કટ કરતાં પહેલાં તાકીદ કરી, ‘ચાચા, એવું જ માનો કે મારા જીવન અને મરણનો સવાલ છે.’
‘ઇત્મીનાન રખીએ ભાઈજાન... કામ હો જાએગા...’
lll
પછીના અડધા જ કલાકમાં કાકાનો ફોન આવી ગયો.
‘ભાઈજાન, ધ્વનિ અને દેવાંશ બન્ને એક જ સંસ્થામાં સમાજસેવાનું કામ કરતાં હતાં. તમારો દીકરો ધ્વનિ તરફ વધારે ખેંચાયેલો હતો, પણ ધ્વનિ તેને સારો ફ્રેન્ડ માનતી. બન્ને વચ્ચે એને લીધે પણ કોઈ તકલીફ નહોતી.’
‘હં...’ ઇન્સ્પેક્ટર સાવંતે પૂછ્યું, ‘એ સિવાય કંઈ ખાસ...’
‘હા...’ કાકાએ ધીમા અવાજે કહ્યું, ‘જે રાત્રે ધ્વનિ પર હુમલો થયો એ રાતે... કલાક પહેલાં તેણે દેવાંશને ૨૦થી વધુ વખત ફોન કર્યા હતા, પણ દેવાંશે એક પણ ફોન ઉપાડ્યો નહીં.’
જે રાત્રે ધ્વનિ પર હુમલો થયો એ રાતે...
મતલબ કે સોમવારની રાતે. એ સમયે દેવાંશ ક્યાં હતો?
ઇન્સ્પેક્ટર સાવંતની આંખ સામેથી ૩ દિવસ પહેલાંનો એ દિવસ પસાર થવા માંડ્યો.
સોમવારે સાંજે તે દેવાંશ પર ગુસ્સે થયા હતા અને દેવાંશનો ફોન તેણે લઈ લીધો હતો. આખો દિવસ દીકરો મોબાઇલ પર ગેમ રમ્યા કરે એવી એકધારી મમ્મીની ફરિયાદથી કંટાળીને ઇન્સ્પેક્ટર સાવંતે આ પગલું લીધું હતું.
‘ઓહ ગૉડ!’
સાવંતને પોતાની ભૂલ સમજાઈ. એ રાત્રે જો દેવાંશે ફોન ઉપાડ્યો હોત તો કદાચ ધ્વનિ બચી ગઈ હોત. દેવાંશ એ અપરાધભાવમાં જીવી રહ્યો હતો કે તે પોતાના બાપને લીધે ધ્વનિને બચાવી શક્યો નહીં.
‘ઓહ નો, નો, નો...’
ઇન્સ્પેક્ટર સાવંત ધ્રૂજી ઊઠ્યા.
lll
ચોથા દિવસનો સૂરજ આથમવાની તૈયારીમાં હતો. હવે માત્ર ૨૪ કલાક બાકી હતા. ઇન્સ્પેક્ટર સાવંત અત્યારે પોતે મુંબઈ પોલીસ માટે વૉન્ટેડ બની ગયા હતા. ઠક્કરના બંગલે તેના ફિંગરપ્રિન્ટ્સ મળ્યા હતા તો ડૉક્ટર મહેતાના ઘરેથી પણ તેના ફિંગરપ્રિન્ટ્સ મળ્યા હતા. સાવંતના ઘરે પોલીસના ખબરીઓ ગોઠવાઈ ગયા હતા અને સાવંતના ખાસ ખબરીઓએ તેને આ સમાચાર પણ આપી દીધા હતા. 
ખુલાસા અને ચોખવટમાં નહીં પડવાના હેતુથી સાવંત અત્યારે વેસ્ટર્ન એક્સપ્રેસ હાઇવે પર આવેલી બોરીવલી નજીકની એક હોટેલમાં પહોંચી ગયા હતા. રૂમમાં અજંપા સાથે આડા પડેલા ઇન્સ્પેક્ટર સાવંતના પર્સનલ ફોન પર અચાનક એક અજાણ્યો કૉલ આવ્યો. 
‘સાહેબ, હું મરવા નથી માગતો! પ્લીઝ મને બચાવો.’
ફોન ડૉક્ટર મહેતાનો હતો. ડૉક્ટર મહેતા રીતસર કરગરતા હતા.
‘મેં પોસ્ટમૉર્ટમ રિપોર્ટમાં ખોટું લખ્યું હતું. ધ્વનિની જીભ કોઈએ કાપી નહોતી. ઠક્કર સાહેબના કહેવાથી મેં એવું લખ્યું, પણ જીભ ધ્વનિ મરી ગયા પછી કાપવામાં આવી. મારે એસ્ટૅબ્લિશ્ડ કરવાનું હતું કે આ કેસ સાઇકો કિલરનો છે... મર્ડર તો બીજું કોઈ કરે છે.’
‘કોણ?’
‘આ બધાં મર્ડર...’
ડૉક્ટરનો અવાજ એ રીતે કપાયો જાણે કે કોઈએ તેના હાથમાંથી મોબાઇલ છીનવી લીધો હોય. મોબાઇલ તરત કટ નહોતો થયો એટલે પાછળથી કોઈના ચાલવાનો અવાજ આવ્યો અને પછી એક તીણી ચીસ સંભળાઈ. 
lll
‘જાદવ, એક નાનકડી હેલ્પ જોઈએ છે...’ ઇન્સ્પેક્ટર સાવંતે પોતાના ભરોસાપાત્ર એવા સબ-ઇન્સ્પેક્ટર જાદવને ફોન કર્યો, ‘મને ખબર છે કે તું કદાચ મને હેલ્પ કરવા...’
‘અરે સાવંત, ટેન્શન નહીં કર... મને અત્યારનું ટેન્શન ખબર છે પણ અલ્ટિમેટલી આપણે ફ્રેન્ડ્સ છીએ.’ જાદવનો અવાજ સહેજ દબાયેલો હતો, ‘બોલ, શું કરવાનું છે?’
‘મારા ફોન પર હમણાં એક ફોન આવ્યો. મને એ એક્ઝૅક્ટ લોકેશન જોઈએ છે.’
‘પાંચ મિનિટમાં લિન્ક મોકલું છું...’
સબ-ઇન્સ્પેક્ટર જાદવે બોલ્યું પાળ્યું અને પાંચમી મિનિટે ઇન્સ્પેક્ટર સાવંતના મોબાઇલ પર લોકેશન આવી ગયું.
ડૉક્ટર મહેતાએ જૂના કોટ વિસ્તારથી ફોન કર્યો હતો.
lll
ઇન્સ્પેક્ટર સાવંત લોકેશન પર પહોંચ્યા. મોબાઇલમાં આવેલું લોકેશન સ્ટૉપ થયું અને સાવંત સમજી ગયા કે પોતે લોકેશન પર પહોંચી ગયા છે.
આજુબાજુનાં મકાનોમાં આછીસરખી અવરજવર હતી, પણ ઇન્સ્પેક્ટર સાવંતની બરાબર સામે એક જૂનું, અવાવરું અને પડતર મકાન હતું જેના દીદાર જ એવા હતા કે કોઈને પણ ખબર પડી જાય કે એ મકાન વર્ષોથી બંધ પડ્યું છે.
સાવંતે ધીમેકથી એ મકાનનો દરવાજો ખોલ્યો. મકાન અંદરથી એ હદે અવાવરું હતું કે આપોઆપ માણસના મનમાં ડર જન્મી જાય. મકાન બે ફ્લોરનું હતું. ઘરમાં દાખલ થઈને ઇન્સ્પેક્ટર સાવંત ક્ષણવાર માટે શાંત ઊભા રહ્યા કે તેમના કાને કોઈના રડવાનો અવાજ અથડાયો.
અવાજ ઉપરથી આવતો હતો. 
સાવંત ધીમા પગલે ઉપર ગયા. ઉપરના ફ્લોર પર આમ તો અંધારું હતું પણ એક રૂમમાં લાઇટ હતી. રૂમનો દરવાજો ત્રાંસો ખુલ્લો હોવાથી આછીસરખી લાઇટ બહાર આવતી હતી. સાવચેતી સાથે સાવંત આગળ વધ્યા અને તેણે રૂમમાં નજર કરી. રૂમમાં ખુરસી પર ડૉક્ટર મહેતા બેઠા હતા. તેના હાથ-પગ બાંધેલા હતા અને ડૉક્ટર મહેતા સામે ઊભેલી વ્યક્તિને કરગરતા હતા.
‘પ્લીઝ, મને જવા દો... મારી ભૂલ થઈ ગઈ.’
નક્કી સામે દેવાંશ ઊભો છે. અનુમાન સાથે સાવંતે નજર ત્રાંસી કરી કે તેની આંખો સામે અચરજ આવ્યું. રૂમના એક ખૂણામાં રાજીવ ઠક્કર પડ્યો હતો. તેના દીદાર જોતાં પોલીસ ડિપાર્ટમેન્ટના અનુભવો પરથી સમજાતું હતું કે રાજીવ બેભાન છે. સાવંતને હવે ખાતરી થઈ ગઈ કે રૂમમાં નક્કી દેવાંશ છે.
ઇન્સ્પેક્ટર સાવંતે રૂમનાં બારણાંને જોરથી ધક્કો માર્યો અને અંદર દાખલ થયા. જોકે અંદર દાખલ થતાંની સાથે જ રૂમના ખૂણામાં જે ઊભું હતું તેને જોઈને સાવંત થીજી ગયા. તે દેવાંશ નહોતો.
તે કોઈ મહિલા હતી જેણે કાળો બુરખો પહેર્યો હતો. તે લેડીના હાથમાં લાંબી અને ધારદાર છરી હતી.
‘કોણ છે તું?’
‘તારી રિવૉલ્વર નીચે કર...’ 
સાવંતને જોઈને પણ તે મહિલાના અવાજમાં કોઈ થડકાર આવ્યો નહોતો. તે મહિલાએ ધીમેકથી પોતાના છરીવાળા હાથને પોતાના ખભા સુધી લીધો અને છરીથી જ પોતાનો બુરખો હટાવ્યો. હવે તે મહિલાનો ચહેરો સાવંતની સામે હતો અને સાવંતના પગ નીચેથી ધરતી સરકી ગઈ હતી.
સામે બીજું કોઈ નહીં પણ માલતી હતી, ઇન્સ્પેક્ટર વસંત સાવંતની પત્ની માલતી.
‘આ બધું તું... તું આ શું કરે છે માલતી?’ સાવંતને શબ્દો નહોતા મળતા, ‘તું આ લોકોને છોડી દે, આપણે ઘરે જઈને બધી વાત કરીએ... આવ...’
સાવંત જેવો આગળ વધ્યો કે ત્યાં જ તેની પીઠ પાછળથી અવાજ આવ્યો.
‘હૅન્ડ્સ અપ...’
સાવંતે પાછળ ફર્યો અને તે રીતસર થીજી ગયો.
પાછળ સબ-ઇન્સ્પેક્ટર જાદવ ઊભો હતો. જાદવે તેના તરફ પિસ્તોલ તાકી હતી.
‘હાથ ઉપર.. અને પગ જ્યાં છે ત્યાં જ...’
જાદવના ચહેરા પર એક ક્રૂર સ્મિત હતું.

(ક્રમશ:)

Rashmin Shah Crime News columnists exclusive gujarati mid day