23 November, 2025 12:05 PM IST | Mumbai | Raam Mori
બાજુ : સ્નેહ અને સપનાના સંબંધની ગાંઠ
લે, તમે જીવીને નથી ઓળખતા? આ રામજી મંદિરની બાજુમાં પટેલ અને ભાયાતુંના જે ડેલા છે... હા, એટલે એ ન્યાં નથી રહેતી, પણ એ ડેલીની બાજુમાં પતરાની જે કાટ ખાઈ ગયેલ ઝાંપા જેવા બારણાવાળી ખડકી છે ને ઈ જીવીનું સરનામું. તમે ગામમાં જઈને પૂછો કે જીવીનું ઘર ક્યાં? તો વેંત જેવડું છોકરુંય તમને જીવીની ખડકી ચીંધી જાય. એટલે તે આટલી જાણીતી કેમ એવું પણ તમને થાય તો કહીં દઉં કે એ જીવરી બહુ. વા સાથેય વાત્યું કરે એવી મીઠડી. કોઈ પણને પરાણે વહાલી લાગે એવી. આ જુઓ, આપણે વાતું કરીએ જ છીએ ત્યાં જુઓ પેલી હાથમાં દૂધની નાની બરણી લઈને, એની ઝાંઝરીની ઘૂઘરી રણકે એમ પથરો ઠેકતી, લાંબો ચોટલો ને એમાં દેવુબાનું પાંથીએ-પાંથીએ સીંચી આપેલું તેલ, તેની મોટી કોડી જેવી આંખોને પટપટાવતી, ગામ આખું સાંભળે એમ ગીત ગાતી-ગાતી આ જે ૧૪ વર્ષનું વાવાઝોડું આવે છેને તે જીવી. ૧૦૦ વરસ જીવવાની ભમરાળી. ચાર બહેનું ને ત્રણ ભાઈઓમાં સૌથી નાની. જીવીના જનમ પછી જીવી તો જીવી પણ તેના બાપુ નો જીવી શક્યા, કોઈક અકસ્માતે તે લાંબે ગામતરે જતા રહ્યા. પણ જીવીનાં બા દેવુમાએ પછી રાત-દી’ જોયા વિના કાળી મજૂરી કરીને આઠ જણનાં પેટ ભરવાનું ચાલુ કરી દીધું પણ બેન, એમ તો કાંઈ પેટ ભરાય? ઈ તો ટંકેટંક નકટું થઈ તમારી સામે કોરી આગ અંદર ફૂંક્યા કરે. ને દેવુમાને બે છેડા ભેગા કરતાં તો મોઢે ફીણ આવી જાય. પણ જાતની ભાઈ ઈ તો અસલ રજપૂતાણી, મરી જાઉં પણ માગું નહીં! એ ધરમે એ તો ભવ આખો ખભે ચડાવી બાપડી ઘર ખેંચતી રહી ને છોકરાઓય બે પૈસા કમાવવા જ્યાં-ત્યાં ફૂલ કે પાંખડી મળે એમાં જાત તોડવા માંડ્યા. રાત પડ્યે ને બધા ખડકીમાં થાક્યા-પાક્યા એક ઓરડા ને નાની ઓસરીવાળા ઘરમાં ગાર્ય પર ગોદડાં પાથરીને બખોલમાં ગલૂડિયાં લપાય એમ સૂઈ રહે. આ જીવી તો સૌથી નાની એટલે તે કામે ન જતી પણ આખો દિવસ ઘરકામ કર્યા કરતી. દેવુમા રોટલા ઘડી નાખે ત્યાં સુધીમાં જીવી ગામની ડેરીએથી દૂધ લઈને આવતી રહે. રોટલા ઘડાતા જાય એમ જીવી એક-એક ભાનુડાને જગાડતી જાય ને વાળું કરાવતી જાય. બહુ જ બોલ્ય-બોલ્ય કર્યા કરે જીવી. તેનાથી ન કંટાળે એક તેનાં બા દેવુબા ને બીજી કરશન પટેલની રેખડી. આ બે જીવીનાં ખાસ. ને જીવીનાં ગીતોનું ગણગણ તો આખો દિવસ ચાલુ જ હોય.. ને એમાં કોઈકે ભૂલથી વખાણ કર્યાં કે ‘વાહ રે સોડી, તારો તો કાંઈ અવાજ!’ ને બસ થઈ રહેતું, જીવી નૉનસ્ટૉપ ગીતો ગાયા કરે. કોઈ ગીત આખું તો ન જ આવડે એટલે ગીતો ગાતાં-ગાતાં એક ગીત બીજા ગીતની સરહદમાં જતું રહે એની નો ખબર રે જીવીને કે નો ખબર રે સામાવાળાને. ને એવું નહીં કે તે જે ગીતો ગાય એના શબ્દો જે હોય એ જ રહે, જીવી ભૂલી જાય તો ગાતી-ગાતી હાથેય શબ્દો ઉમેરી દે ને તે પોતાનો લાભ ગીતનેય દેતી જાય. કોઈક આ સાંભળે તો કે ‘જીવી, આવું આપજોડીયું હું કામ ગાતી હો છો?’ તો તરત જીવી નિશાળમાં જોષીસાહેબે શીખવેલું વાક્ય તેની આંખો પટપટાવતી, ટચાકા ફોડી, નાકને ઓતર-દખ્ખણ મરોડતી કહી દે, ‘એ તમને હું ખબર પડે... આ તો લોકગીત કે’વાય... એમાં લોકો જ બનાવે. અટલે બધું હાલે..’ સામાવાળો હજી કાંઈ બોલવાની તૈયારી કરે કે તરત જીવી રોકડું પરખાવી દે, ‘મારે નથી લપ કરવી, તમે સાચા બસ.
બધી છોકરીઓ ભાદરવીના મેળામાં જવા તૈયાર થઈ પણ જીવી તો કાંઈ ચહલપહલ બતાવતી નહોતી તો મોટી બહેને તેની પેટડીમાંથી સોનાનું બાજુ કાઢ્યું ને જીવીના હાથમાં પહેરાવી દીધું. જીવી તો આંખ્યું ફાડી-ફાડીને જોઈ રહી ને એવી તો હરખાણી એવી તો હરખાણી કે લગનનું ઘરચોળું પહેરી લીધું ને પછી ઉતાવળી-ઉતાવળી ગામમાં બધી શેરીઓમાં ભાયાતુંના ને પટેલના ડેલામાં બહેનપણીઓને બાજુ દેખાડી આવી
રાજી?’ ને પાછી ગીત ગાતી પગની ઠેક લેતી ઝાંઝરી રણકાવતી હાલતી થાય, અલબત્ત મણમણનું મલકાતી તો હોય જ. નિશાળે જોષીસાહેબે દેવુબાને કીધુંય ખરું કે ‘દેવુબા, તમે જીવીને આગળ ભણવા દ્યો. હવે તો દસ સુધી ભણે ત્યાં માસ્તરની નોકરી મળી જાય છે. બાજુના ગામ સુધી અપડાઉન કરવું પડે એટલું જ.’ પણ દેવુબાનો જીવ ન હાલ્યો, ‘ના રે માસ્તર, તમી ક્યો ઈ હંધુંય હાચું પણ અસતરીના અવતારને તો ઉંબરોય નેજવાનું મન પૂછીને ઠેકવાનું હોય, ઈમાં પાછી હું તો ભવની દાઝેલી, એકલા પંડે. ને ટેમ કટલો ખરાબ છે, બળ્યું મારી સોડીનું નશીબ બીજું હું. હવે કામ શીખશે ઘર રહીને.’ એ આખો દિવસ જીવી મૂંગી રહેલી. ઘરની પાછળ વાડામાં દૂધી તોડી આવવાના બહાને રોઈ આવેલી. જીવીની રગેરગ જાણનાર દેવુબા બોલ્યાં, ‘જીવી, ઓલ્યું ગીત ગા તો... દાદા હો દીકરી...’ ને પછી અડધો કલાક જીવીની કૅસેટ વાગેલી.
અહીં સુધી તો બધું બરાબર, પણ વાંધો પડ્યો વડસાવિત્રીના વ્રતની પૂજા ટાણે. જીવીની ખાસ બેનપણી રેખડી તેનાં બાનું ઘરચોળું પહેરીને આવેલી ને જીવીએ પે’રીતી જૂની લાલ દરબારી બાંધણી. ત્યાં સુધીય વાંધો નહોતો આવ્યો, પણ જીવી આખી પૂજામાં જોતી રહી રેખડીના જમણા હાથની કોણી ઉપર પહેરેલું સોનાનું બાજુ. એ બાજુમાં અંદર જડાવેલ લાલ પથ્થરને છેડે લાઇનબધ્ધ ગોઠવાયેલી ઘૂઘરીઓ. તે ન્યાં તો કંઈ ન બોલી પણ ઘેર આવીને દેવુમાને ક્યે, ‘બા, મને તમારું બાજુ પહેરવા આપો!’ જીવીએ કરેલી આ વિચિત્ર માગણીની અપેક્ષા તો દેવુમા સહિત કોઈએ રાખી નહોતી.
‘આ વળી હું નવું સૂઝ્યું તને?’ મોટી બહેન ફળિયું વાળતાં-વાળતાં બોલી.
‘લે હવે, ફરાળ કરવા બેહી જા..!’ દેવુમાએ તાવડી પર શેકેલી શીંગ જીવી સામે ધરી. જીવી તો પૂજાની થાળી કોરે મૂકીને સીધી ઓયડામાં ગઈને પેટી ખોલીને બધાં પોટલાં કાઢવા લાગી, અડધી પેટી ખાલી કરી નાખી પછી ઉપવાસના લીધે હાંફી ગઈ ને બેસી પડી. દેવુબા અંદર ઓયડામાં આવ્યાં અને બધો સામાન ફેંદાયેલો જોયો કે તેમની કમાન છટકી.
‘કાંઈ ભાનબાન પડે છે? આ હું ફેંદવા બેઠી? કામ તો કાંઈ કરે નહીં ને કામ વધારતી જ હોય છે. કાંય કે’તા નથી ને દાડે દી’ બગડતી જાય છે.’
‘બા, મને બાજુ જોવે છે...’
‘બાજુ ક્યાંથી લાવું, પેર્ય તારી માનું કપાળ. આંય તમાર બાપ ખજાના દાટી ગ્યો સે?’ ને દેવુબા ફેંદાયેલા લૂગડાંના ઢગલા પર બેહી પડ્યાં ને બે હાથે મોઢું ઢાંકીને રોઈ પડ્યાં. બાને તો બાપુ વિયા ગ્યા ઈ ટાણેય આવાં રોતાં નો’તા જોયેલાં. જીવીની તો કાપો તો લોહી નો નીકળે એવી સ્થિતિ થઈ ગઈ. બીજાં ભાંડરડાંઓય રોવા લાગ્યાં. એ સાંજ આખી બધાંએ દેવુબાને ભેટીને કાઢી. કોઈ વાળું કરવા ઊભું જ નો થયું. જીવીને એ રાતે ખાટલીમાં સૂતાં-સૂતાં એની બા વધુ સમજાણી.
અંધારામાં ફાનસની ટૂંકી કરેલી વાટ્યના અજવાસમાં ઘરની દીવાલો પીળા રંગ ઓઢીને ખરી પડતા પોપડાને ટેકો આપતી હતી. બાજુમાં સૂતેલી બાના કપાળ પર જીવીએ હાથ ફેરવ્યો ને બાએ જીવીને ગાલે હાથ મૂક્યો.
‘જીવી,’
‘હંમ!’
‘તારે બાજુ જોઈતું છે?’ અંધારામાં દેવુબાની આંખ્યું જીવી જોતી રહી. તેને લાગ્યું કે ફાનસની ટૂંકી વાટ્યમાંથી ઊતરીને પીળો અજવાસ બાની આંખ્યુંમાં બેસી ગ્યો છે. પછી તે ધીમેથી બોલી,
‘નથ જોઈતું બા!’ જીવીની આંખ્યું ભરાઈ આવી. બાએ જીવીના જમણા હાથની કોણીના ઉપરના ભાગને હથેળીથી ઢાંકતાં કીધું,
‘જીવી, આ લે જો, બાજુ તને પેરાવ્યું, સાચવજે...ખોવાઈ નો જાય.’ જીવી તેના જમણા હાથના કોણી ઉપરના ભાગને જોતી રહી. કાંઈ જ નહોતું તોય બા હેતથી બાજુ પે’રાવતી હોય એમ ખાલી-ખાલી ન્યાં હાથ ફેરવતી રહી.
‘જો, મેં બાજુ કાળા દોરાથી ટાઇટ બાંધ્યું છે. થોડી ચામડી ભીંસાશે પણ સરી નહીં જાય.’ બાની આંખ્યું દડ-દડ વરસી પડી. આખી રાત મા-દીકરી વાત્યું કરતી રહી ને જીવી બાજુ પહેર્યું હોય એમ હાથને ઢાંકીને રાતનો છેલ્લો પ્રહર થયો ત્યાં સુધી જાગતી રહી.
પછી તો વડસાવિત્રી પૂરા થઈ ગ્યા અને જીવીની ખાસ રેખડીનું વેવિશાળ નક્કી થયું. સામાવાળા સુધરેલા હતા તો એ ક્યે કે અમારે ચાંદલા કરવા આવવું છે વેવાઈ, ખાલી રૂપિયો-નારિયેળમાં પતાવવું નથી, અમારે તો એકનો એક છોકરો છે. આ તરફ રેખડીના બાય તે વેવાઈની એક ઓસરીએ આઠ ઘર ને બાપુ સુરતમાં હીરાના ત્રણ કારખાનાં ભાળી ગ્યાં’તાં તે રામેરામ. ચૂંદડી ઓઢાડવાનો દિવસ આવ્યો. ગામડાં ગામમાં ચોરાનાં ચાર ડોસલા, રામજી મંદિરની દસ ડોશીને નાકે બેસતાં બાર-તેર જુવાનડાઓને મન કૌતુક આવ્યું. ગામડા ગામમાં આ પેલ્લું વેલ્લું હતું. બસ ભરીને વેવાઈ ચાંદલો કરવા આવ્યાં ત્યારે તો ડોશીયુંના મોતિયે ચડેલ ચશ્માંય આંખ્યું હંભાળવા નાનાં પડતાં હતાં. જીવી તો રેખડીની પાછી ખાસ એટલે એ તો બે દિવસથી ત્યાં ડેરો નાખી બેઠી હતી. એણેય આજે જાંબુડિયા કલરનાં નેટનાં ચણિયાચોળી પહેર્યાં હતાં, આમ તો આ ચારે બેનું વચ્ચે સહિયારાં ચણીયાચોળી હતાં. બ્લાઉઝના સલ્લા તોડીને-ભરીને એકબીજી પેર્યા કરતી. જીવીએ તો તવેથો ઊનો કરી તેના વાળની લટને એ તવેથાના છેડામાં વીંટાળી તવેથો સેરવી લીધો અને વાળની લટ ટીવીમાં આવે એવી એકદમ આંટીવાળી થઈ ગયેલી. તેની ચોળીની ઇસ્ત્રીય જીવી છાલિયામાં દેતવા ભરીને કરી નાખતી, ઊનું-ઊનું છાલિયું કપડાં માથે ફરતું જાય ને કપડાંની ગડ વીંખાતી જાય. જીવીની આ બધી હોશિયારી પર તો દેવુબાને બહુ માન. તે ઈ ચાંદલામાં બાજોઠ માથે બેસેલી રેખડીને તેની નણંદું ચૂંદડી ઓઢાડી ઘરેણાં ચડાવતી હતી ને જીવી ફોટાવાળાને જોઈ લટ સરખી કરીને કૅમેરા સામે સ્માઇલ આપી દેતી. ને જીવીનું ધ્યાન રેખડીના જમણા હાથ પર તેની નણંદે ચડાવેલ સોનાના બાજુ તરફ ગયું. જોઈ રહી ચૂપચાપ. પછી રાત્રે ઘેર આવીને દેવુબાને ક્યે કે ‘બા, મારા સાસરિયાવાળાને ચાંદલા માટે બોલાવોને..!’ અને દેવુબા સહિત બધાં ભાંડરડાંઓ દાંતે બઠ્ઠા પડી ગયા. જીવી સહિત બધી બહેનુંનાં સગપણ નાનપણમાં નક્કી થઈ ગયેલાં. પછી ચાંદલા તો નો નક્કી થયા પણ દિવાળીએ બધ્ધી બહેનોનાં દેવુબાએ લગ્ન નક્કી કરી નાખ્યાં. બાકીની ત્રણેય બહેનુંના આણા સાથે અને જીવીનાં ખાલી લગ્ન જ કરવાનાં આ રીતે લગ્ન લેવાયાં. જાડી જાન આવી. ઘરમાં ચાર-ચાર મંડપ રોપાયા. બધ્ધી બહેનોને સાસરિયેથી આવેલાં ઘરેણાં પહેરાવવામાં આવ્યાં. જીવી તો તેની સાસરિયાની છાબ જોઈ રહી, એક સાડી ને મોડિયા પર પે’રવાનું પાનેતર ને કટલેરી ને નારિયેળ, સાકર ને મોડિયો. જીવીની તો આંખ્યું ભરાઈ ગઈ. જે શોધવા છાબ વીંખી નાખી ઈ તો કાંઈ જડ્યું જ નહીં. દેવુબાએ તેને સમજાવી, ‘આ તારી ત્રણેય બહેનું પરણીને સાસરે વયું જાવાન્યું છે એટલે તેનાં સાસરિયાં સોનું લાયવા છે પણ બટા તારાં તો ખાલી લગન છે, આણું નહીં... એટલે તારાં ઘરેણાં નથી આયવા.’ જીવી રોઈ પડી, તરડાયેલા અવાજે તે બાને ક્યે, ‘હા તો મારુંય આણું હારે કરી નાખોને બા...’ થોડાક દાંત કાઢતી ધીમેથી બા ક્યે, ‘ધીમે બોલ્ય નભ્ભાઈ, કોઈક સાંભળશે તો દાંત કાઢશે... કેશે કે ગાંડી થઈ ગઈ છે, જાન પાછી જાશે! સાનીમાની માંડવામાં બેસી જાજે.’ પછી જીવીની માંડવા બહેનપણી બનેલી રેખડીને આ ગાંડીને સંભાળવાની ખાસ ભલામણ કરીને દેવુબા લગ્નના કામમાં પરોવાયાં, પણ મોટી ત્રણેય બહેનુંના સોનાના બાજુ જોઈને જીવલીની આંખ્યું વરસવાનું બંધ નહોતી કરતી. માંડવામાં બધા જોઈ રહ્યા કે ચાલુ પરણેતરમાંય જીવી તો હીબકે ચડી. ગામની બાયું ને સામેવાળી વેવાણુંએ સીધું લીધું કે ‘જોયું બેન, કેટલી મમત છે તેને તેની મોટી બેન્યુંની... કેવી રોવે છે બિશ્શારી...ગમ્મે એમ તોય દેવુબાના સંસ્કાર હોં... જીવી તો જીવરી બહુ જ!’ જીવીના રોણામાં લગન પૂરાં થઈ ગ્યાં, ત્રણેય બહેનો સાસરે જતી રહી પણ જીવીનું મોઢું બગડી ગ્યું એ વાતે કે લોભિયો મારો સસરો એક નાના સોનાના બાજુમાંથીય ગયો. પટેલવાસની છોકરીયું આગળ તો લગન આવ્યાં ત્યારે પોતાની સસરાની જમીન અને મિલકતના બહુ ફાંકા મારેલા તે હવે એ ફાંકા પર જીવીને પસ્તાવો થતો હતો કે બધ્યુંને કે’વું તો શું કે’વું? કટલાય દિવસ થ્યા, મેંદી ઘસાઈ હાથમાંથી નીકળી ગઈ પણ જીવી ઘરની બહાર નો’તી નીકળી.
એ પછી પગફેરો કરવા માટે મોટી બહેન ઘેર આવી અને તેણે જોયું કે જીવીને મોઘરો હજી મરડાયેલો જ છે. બધી છોકરીઓ ભાદરવીના મેળામાં જવા તૈયાર થઈ પણ જીવી તો કાંઈ ચહલપહલ બતાવતી નહોતી તો મોટી બહેને તેની પેટડીમાંથી સોનાનું બાજુ કાઢ્યું ને જીવીના હાથમાં પહેરાવી દીધું. જીવી તો આંખ્યું ફાડી-ફાડીને જોઈ રહી ને એવી તો હરખાણી એવી તો હરખાણી કે લગનનું ઘરચોળુ પહેરી લીધું ને પછી ઉતાવળી-ઉતાવળી ગામમાં બધી શેરીઓમાં ભાયાતુંના ને પટેલના ડેલામાં બહેનપણીઓને બાજુ દેખાડી આવી. તેને તો જાણે નવી પાંખ આવી. આખો દિવસ મેળામાં ચકડોળમાં ન બેઠી, ન ભેળ ખાધી કે ન તો કટલરી લીધી પણ એ માટે બચાવેલા પૈસામાં ઈ મૉડલિંગ ફોટો પડાવી આવી. મોઢા પર મણનું સ્માઇલ ને સેંથામાં કંકુ ભરેલું, બન્ને હાથમાં બંગડી ને પાટલા, ગળામાં મોતીની માળા ને સાંઈબાબાનું ચગદું, કેડ્યમાં ચાંદીનો કરજુડો ને જમણા હાથે પહેરેલા બાજુની નીચે હાથ મૂકીને કૅમેરા સામે ઊભી રહી ગયેલી. ફોટાવાળાનો તો એ જીવ ખાઈ ગઈ કે ‘ભાઈ, ફોટો બરાબર આવવો જોઈએ... મારું બાજુ દેખાવવું જોવે હોં... આ બાજુ ઢંકાઈ નો જાય..’ પછી મૉડલિંગથી ક્યા ક્યા ફેરફારો કરવાના છે ને ઈ વાતય એણે ફોટાવાળાને સમજાવી ને બે દિવસ પછી એ ફોટો લઈ જાશે ને જો ફોટો સારો આવ્યો તો તેની બહેનપણીયુંય તે આવા ફોટા પડાવવા આવશે ને ફોટાવાળો ફેમસ થઈ જાશે ને વધારે ઘરાક મળશે ને પોતાના સાસરિયે કેટલી જમીન છે ને પોતાની બહેનપણી રેખડીના સાસરિયેથી કેટલું સોનું આવેલું ને કરશનકાકાએય તે કેવો જમણવાર કર્યો હતો ને તેનું આ પેરેલું ઘરચોળું કેટલું મોંઘુ છે ને તેને કયાં-કયાં ગીતો આવડે છેથી માંડીને બધી વાતું તેણે સ્ટુડિયોવાળાને કરેલી. બિચારા સ્ટુડિયોવાળાને તો ન જ ખબર હોયને કે લગન પછી છ મહિના આ બહેન મૂંગાં હતાં ને આજે છ મહિનાની દાઝ એક હારે આયાં ઉતારી એય તે બાજુના લીધે. ઠેઠ સાંજે ઘેર આવી ને બંગડી કાઢવા ગઈ ત્યારે ખબર પડી કે ‘હાય હાય, મારું બાજુ?’ ઓરડામાં જ તેણે લાંબા સાદે રોવાનું ચાલું કર્યું. પછી તો તેના બે ભાયું બત્તી લઈ ઠેઠ શિહોર મેળા સુધી ગયા તપાસ કરવા, દેવુબાય તે ભાયાત ને પટેલની ડેલી સુધી જઈ આવ્યાં, મોટી બહેન અને જીવી શેરી-શેરી ખૂંદી આવ્યાં. સરવાળે કશું હાથમાં ન આવ્યું. ને રાત્રે પછી દેવુબાએ જીવીને નીંઘારી. મોટી બહેન આડાં આવ્યાં અને જીવીને માર ખાતાં અટકાવી. સવારે દેવુબાએ મોટી બહેનના સાસરિયે ભાયાતના ડેલેથી ફોન જોડ્યો ને બાજુ ખોવાઈ ગ્યું એની માફી માગી જવાબમાં સામાવાળા આવીને મોટીને રાતોરાત પાછી તેડી ગયા. જીવીને તો આ વાતની એટલી મોટી ઠેસ વાગી કે તેનું બોલવા-ચાલવાનું સાવ ઓછું થઈ ગયું.
હવે તો સપનામાંય તેને એવું આવતું કે આજુબાજુ મોટાં-મોટાં ચકડોળ ફરતાં હોય, ફેરિયાની બૂમાબૂમ, પાણીપૂરીના ઠેલાઓ લાગેલા હોય, કટલરીની દુકાનો લાગેલી હોય, છૂંદણાં છુંદાતાં હોય, બધ્ધી બહેનપણીઓ હસાહસ કરતી હોય, પેલો મૉડલિંગ ફોટોવાળો કે’તો હોય બેન, તમારો ફોટો તો લઈ જાવ બહુ મસ્ત આયવો છે, તમારું બાજુ બહુ સારું લાગે છે! ને સપનામાં તેને દેખાય કે આખા મેળામાં ઈ તો બસ બાજુ શોધે છે ને ઘેર કોરે બેઠી-બેઠી મોટી બેન રોયા કરે છે ને બા ભાયાતુના ડેલા ખખડાવે છે. ને જીવી જાગી જાતી ને ખાટલીમાં રોયા કરતી. દેવુબા જાગી જતાં અને જીવીને છાની રાખતાં. જીવી દેવુબાને ભેટીને સૂઈ જતી અને ડાબા હાથથી જમણા હાથની કોણીવાળો ભાગ તે અનાયાસે ઢાંકી દેતી.
સમય તો પડખાં બદલતો રહ્યો ને જીવી તો નાગરવેલની જેમ વધતી હાલી. જીવીના સાસરિયે આણાનું પુછાવ્યું ને દેવુબાએ હા પાડી દીધી. જીવીનો કરિયાવર સંકેલાતો ગયો ને બધી બહેનો સાસરિયેથી આવી ગઈ. મોટી બહેનના જમણા હાથ પર જીવીએ પહેલાં હતું એના કરતાંય મોટું બાજુ જોયું ત્યારે એ કેટલાય સમયે હરખાણી. જીવીનું આણું કરવા સાસરિયાવાળા ટ્રૅક્ટર લઈને આયવા. ડાયરો ભરાયો. ઘરેણાં અને સાડીની છાબ લઈને બાયું જીવીને તૈયાર કરી હતી એ ઓયડામાં આવ્યું. રેખડી ધીમેથી જીવીના કાનમાં બોલી, ‘જીવલી, તારાં સાસરિયાં બાકી કાંય બાજુ લાંયવા છે... હું તો બળી-બળીને અડધી થઈ ગઈ. હાટ્ટ.... તું તો જોજે તો ખરી!’ જીવીએ તેનો હાથ પકડી લીધો, ‘ખા ધારાળી ખોડિયારના સમ કે તું હાચું કે છે..!’
જીવીએ તેમની આંખોમાં આંખો નાખી ને પોતાનો જમણો હાથ બતાવતાં કહ્યું, ‘તમને દેખાય છે આ કોણી ઉપર બાજુ? છેને એકદમ મોટું, ચળકાટ કરતું? મને એના છેડાની આ ઘૂઘરીઓ બહુ જ ગમે હોં, મારી બાનું છે આ બાજુ. નાનપણમાં તેણે મને અહીં બાંધી દીધું હતું. ને તમને કહું તેણે કાળો દોરોય ટાઇટ કરીને છેડે બાંધી આપેલો. થોડીક ચામડી ભીંસાય છે પણ સરી નથી જાતું.
‘અરે, માર ભોલિયાના બાપાના હામ... હા...’ પછી તો જીવીને ચટપટી થઈ ગઈ. ઘડીયે-ઘડીયે મોટી બેનને બોલાવી-બોલાવીને કહે કે ‘બેન, હજી કટલી વાર છે? બધાને જમાડી દ્યોને ફટાફટ...’ મોટી બેન દાંત કાઢતી અને કહેતી કે ‘જીવી, ધીરે બોલ્ય, તને શેની ઉતાવળ છે ઇ ખબર્ય છે પણ કોઈક હાંભળશે તો કેહે કે સોડી ઘેલી થૈ છે ને કટલાય અરથ નીકળશે તારી ઉતાવળના’ એ પછી બધાએ જમી લીધું અને જીવીને ઘરેણાં ચડાવાયાં. જીવીને બાજુ પેરાવ્યું પછી જીવી તો એવી હરખાઈ ગઈ-એવી હરખાઈ ગઈ કે ઘડીક તો હરખની મારી રોવાઈ ગયું. પછી અરીસામાં પોતાને આગળ-પાછળ બાજુ દેખાય એમ દાંત કાઢી જોવા લાગી. બહાર દેવુબા બારણું ખખડાવવા લાગ્યાં એટલે રેખડીએ બારણું ખોલ્યું. દેવુબાએ કીધું કે રેખા, વળાવવાનો સમય થઈ ગયો છે. રેખાએ બાજુ રમાડતી જીવીને ઇશારો કર્યો કે જીવી, રોવાનું ચાલુ કર....પણ જીવી જેનું નામ, રોવું તો આવે કેમ? એય તે જ્યારે તે પાછી આટલીબધી રાજીની રેડ થયેલી હોય ત્યારે તો ખાસ. બસ, પછી તો મોટી બેને ફેરવીને ધોલ મારી ત્યારે જીવીને જેવું-તેવું કાંઈક રોવા જેવું આવ્યું. પછી જીવીને લાલ ઘરચોળા પર સફેદ પછેડી ઓઢાડી ટ્રેલરમાં ચડાવી દીધી. જીવીને તેના સોનાના બાજુ ભેગી દેવુબાએ વળાવી દીધી. આખે રસ્તે છાતી સમાણા ઘૂમટામાં જીવી તો ડાબા હાથથી જમણા હાથના બાજુને ઢાંકીને બેઠી અને બાજુની ઘૂઘરીઓ રમાડતી રહી.
સાસરિયે પહોંચી ત્યાં દી’ આથમી ગયો હતો. ઘરચોળાની ભાતમાંથી જીવી સાસરિયાને જોઈ રહી. મોટી ડેલી અને અંદર એક ઓસરીએ સાતેક ઘર, મોટું ફળિયું ને ફળિયામાં મોટો લીમડો. એક બાજુ ગમાણમાં ભેંસો ને બળદ બાંધેલાં અને બીજી બાજુ પાણીની મોટી કુંડી. નણંદુએ જીવીને એક ઓરડામાં બેસાડી. જમીન પર પાથરેલા ગોદડા પર બેસીને કુળદેવીના થાનકે જીવીએ બે હાથ જોડ્યા અને પગ સંકોરી મોં નીચે રાખીને બેસી ગઈ. કુટુંબની એક પછી એક બાયું આવીને દુખણાં લઈ જાય ને જીવીને દસ-દસની નોટો પકડાવતી જાય. ગામના મંદિરે ઝાલર વાગી. રસોડામાં રોટલા ટિપાતા હતા. થોડી વારે જેવોતેવો દેકારો સંભળાયો એટલે પોતાનું બાજુ પંપાળવાનું મૂકી જીવીએ નણંદને હળવેકથી પૂછ્યું, ‘ઘરમાં કાંઈ થયું છે બેન?’ નણંદે જીવી સામે જોતાં કહ્યું, ‘ભાભી, કાળનું વરસ છે એટલે તમને બધાં ઘરેણાં કરાવી હકાય એવી બાપુની પરિસ્થિતિ નહોતી એટલે તમને મોટાં ભાભીનાં ઘરેણાં ચડાવ્યાં છે, ને હવે તમી ઘરમાં આવી ગ્યા છવો તો ભાભી તેનાં ઘરેણાં પાછાં માગે છે, એમાં બધી ચણભણ હાલે છે.’ જીવીએ તો તેનું બાજુ કસકસાવીને પકડી રાખ્યું ને જમીન તરફ જોઈ રહી. બહાર અવાજો વધવા લાગ્યા. થોડી વારે જીવી હતી ઈ ઓયડામાં એક આદમી આવ્યો, જીવી હજુ તેને ઓળખે, નો ઓળખે ત્યાં પેલાએ કીધું,
‘આ તારાં ઘરેણાં ઉતારી નાખ્ય, મોટાં ભાભીને પાછાં આપી દેવાનાં છે..! ખોટી લપ કરવા ચડી ગ્યાં સે અટાણમાં, સવ સમો વરતે સે હાહરિના!’ જીવી એ પાંચ હાથ પૂરાને જોઈ રહી, આછું-આછું આને ચૉરીમાં પરણેતરમાં લાલ બાંધણીના ઘૂમટામાંથી જોયાનું યાદ આવ્યું. જીવીની આંખો ભરાઈ ગઈ. સામાવાળો ધૂંધળો દેખાવા લાગ્યો. તેણે ઘરેણાં ઉતાર્યાં.
‘આ બાજુય તે ઉતારવાનું છે!’ પેલી ધૂંધળાશમાંથી અવાજ આવ્યો. જીવીએ મહામહેનતે બાજુ ઉતારવાનો પ્રયત્ન કર્યો પણ કોઈ વાતે બાજુની આંકડી ખૂલતી નહોતી, નણંદે બેસીને ફટાફટ ખોલી આપી અને બાજુઊતરી ગયું. હવે ઘરમાં જીવી એકલી પડી. ડાબા હાથથી જમણા હાથના બાજુવાળા ભાગને ઢાંકતી તે હીબકે ચડી. આવું રોણું તો વળાવી ત્યારેય નહોતું આવ્યું. તેના બહાર સરી આવતા એકાદ ડૂસકા બદલ ઘરના લોકોએ એમ વિચાર્યું કે સાસરિયે આવેલી નવી-નવી બાઈ પિયર સંભારીને રુએ એ તો સ્વાભાવિક છે. એટલે આંયાંય જીવીનું રોણું ખપ ન લાગ્યું.
રાત્રે તેણે લુસલુસ ખાધું અને કોઈએ તેને આજે વધું ખાવાની તાણ્ય પણ ન જ કરી. તેના ઓયડામાં આવીને જીવી પડખું ફેરવી સૂઈ ગઈ. સૂતી-સૂતી છત માથે લાગેલા પંખાને જોતી રહી. અચાનક લાઇટ જતી રહી અને આખી ડેલીમાં અંધારું પથરાઈ ગયું. જીવીના રૂમમાં બૅટરી પ્રવેશી. જીવીએ ધ્યાનથી જોયું, તેના બાજુનો ઊતરાવનાર જ હતો. તેણે બૅટરી કબાટ પર મૂકી. બારણાને આગળિયો દીધો. બૅટરીનું અજવાળું સામેની દીવાલ પર ભટકાઈને આખા ઓયડામાં પીળાશ ફેલાવતું હતું. પેલો જીવી સૂતી હતી તેની બાજુમાં બેઠો ને જીવીની સામે જોતાં બોલ્યો,
‘જીવી..’
‘હમ્મ..’ જીવીએ તેની સામે જોયા વિના જવાબ દીધો. પેલાએ ધીરેથી કીધું,
‘તને ખરાબ લાગ્યું છે જીવી?’ જવાબમાં જીવી તેના રંગાયેલા નખ પરની નેઇલ પૉલિશને ઉખાડતી હતી.
‘મને ખબર છે કે તને બાજુ બહુ ગમે છે!’ જીવી તેમની સામે જોઈ રહી. જીવીને લાગ્યું કે અંધારામાં બૅટરીની પીળાશ તેમની આંખોમાં ઊતરી આવી હતી.
‘હું તને બાજુ કરાવી આપીશ, મારા પૈસે... કોઈ પાસે આપણે માગવું જ નથી. કોઈનું પે’રવી તો કોઈ ઉતરાવેને?’ જીવીના કપાળે તેમણે હાથ મૂક્યો. જીવીએ તેમનો હાથ દબાવ્યો પછી તેમના ગાલે હાથ મૂકીને કીધું,
‘પણ મારી પાસે તો બાજુ છે જ..’ તે સમજી ન શક્યા. જીવીએ તેમની આંખોમાં આંખો નાખી ને પોતાનો જમણો હાથ બતાવતાં કહ્યું, ‘તમને દેખાય છે આ કોણી ઉપર બાજુ? છેને એકદમ મોટું, ચળકાટ કરતું? મને એના છેડાની આ ઘૂઘરીઓ બહુ જ ગમે હોં, મારી બાનું છે આ બાજુ. નાનપણમાં તેણે મને અહીં બાંધી દીધું હતું. ને તમને કહું તેણે કાળો દોરોય ટાઇટ કરીને છેડે બાંધી આપેલો. થોડીક ચામડી ભીંસાય છે પણ સરી નથી જાતું. થોડો સમય તો હુંય ભૂલી ગયેલી કે આંયા બાજુ બાંધેલું છે જ. છેને બાકી મસ્ત...!’
આછા-આછા પીળા અજવાસમાં જીવી એ હાથને પંપાળતી રહી ને જીવીના ‘એ’ જીવીને આમ બાજુની ઘૂઘરીઓ રમાડતી જોઈ રહ્યા.
કેમ બાકી? મેં તમને નહોતું કીધું? જીવી છે જ એવી, બહુ જ જીવરી. પરાણે વહાલી લાગે એવી. વા સાથે વાતું કરે એવી મીઠડી. મને તો હજી દેખાય છે જુઓ, પેલી દૂધની બરણી લઈને જતી, પોતાની ઝાંઝરીઓની ઘૂઘરીઓ રણકે એમ પથરાઓ ઠેકતી, લાંબો ચોટલો ને અલબત્ત દેવુબાનું એમાં પાંથીએ-પાંથીએ સીંચી આપેલું તેલ, આખું ગામ સાંભળે એમ ગીતો ગાતી જાય ને કોડી જેવી આંખો પટપટાવતી જાય એ જ. સો વરસ જીવવાની ભમરાળી!
(સમાપ્ત)