12 April, 2026 03:08 PM IST | Mumbai | Kajal Oza Vaidya
ઇલસ્ટ્રેશન
જામીન પછી અચ્યુત ઘરમાં દાખલ થયો ત્યારે તેને ધ્રુસકે-ધ્રુસકે રડી પડવાનું મન થયું હતું. માંડ-માંડ સંયમ રાખીને તેણે ઘણા દિવસે ગરમ પાણી અને શાવરમાં સ્નાન કર્યું તથા પ્રેમલતાએ બનાવેલું ઘરનું ભોજન કર્યું. તેને સતત એક જ સવાલ મૂંઝવી રહ્યો હતો, ‘જો મેં કશું જ નથી કર્યું તો મારા પર આ આરોપ શા માટે લગાવવામાં આવ્યો છે?’ તે તદ્દન ચૂપ હતો. પ્રેમલતાએ વારંવાર તેની સાથે જુદી-જુદી વાત કરવાનો પ્રયત્ન કર્યો. કૉલ રેકૉર્ડ્સની વિગતો જાણ્યા પછી અચ્યુતને છેતરાયાનો અહેસાસ પણ તીવ્ર થઈ ગયો હતો. પોતે જેને આટલો બધો પ્રેમ કર્યો, તેની દરેક ઇચ્છા પૂરી કરવાનો પ્રયત્ન કર્યો તે પત્નીએ તેની સાથે દગો કર્યો એ વાત પણ અચ્યુતને જંપવા દેતી નહોતી. તેણે પ્રેમલતાને પૂછ્યું, ‘આ અઝીઝ એક જ હશે કે તેણે પહેલાં પણ મારી સાથે...’ પ્રેમલતા તેના મનની વાત સમજી શકતી હતી, પણ હવે આ વિશે ચર્ચા કરવાનો કોઈ અર્થ નહોતો.
‘બેટા, હવે આ બધું વિચારવાનું છોડી દે.’
‘કેવી રીતે છોડી દઉં? તેણે મને મૂરખ બનાવ્યો... તેના કહેવાથી મેં તે હરામખોરની માફી માગી, ડિનર પર ગયો અને તેને ત્યાં... તેની જાળમાં ફસાવા ગયો.’ અચ્યુતનું ગળું ભરાઈ આવ્યું, ‘તેને જવું જ હતું તો કહીને ગઈ હોત! ડિવૉર્સ માગ્યા હોત! મને શું કામ ફસાવ્યો?’
‘એ જ નથી સમજાતું.’ પ્રેમલતા પણ વિચલિત થઈ ગઈ, ‘પોતાની બૅગ ભરીને નીકળી ગઈ હોત... તોય શું ફેર પડ્યો હોત? તને શું કામ સાથે લઈ ગઈ?’ તેણે દીકરાના ખભે હાથ ફેરવ્યો, ‘હશે! રાકેશ આપણી મદદ કરી રહ્યો છે. બધું બરાબર થઈ જશે.’
મા-દીકરો ક્યાંય સુધી જે કંઈ બન્યું એના વિશે વિચાર કરતાં ચૂપચાપ દુઃખી હૃદયે બેસી રહ્યાં. લગભગ ત્રણેક કલાક વીત્યા હશે ત્યાં રાકેશ વિરમાણી અને મિહિર આવી પહોંચ્યા. મિહિરના દાખલ થતાં જ પ્રેમલતાએ પૂછ્યું, ‘ત્યાંથી કંઈ ખબર આવ્યા?’
‘બસ, હવે ફોન કરું છું.’ મિહિરે કહ્યું, ‘એ લોકો આપણાથી બે કલાક પાછળ હોય એટલે હવે ત્યાં ઑફિસ ખૂલી હશે...’ કહીને મિહિરે વૉટ્સઍપ પર નંબર ડાયલ કર્યો.
રહમત શુજાના અવાજમાં નિરાશા હતી. તેણે મિહિર પાઠકને ફોન કરીને જણાવ્યું, ‘તેણે તે છોકરીને શારજાહની બહાર મોકલી દીધી છે એ વાત નક્કી છે.’
‘શારજાહ ઍરપોર્ટ પરથી તેનાં ફુટેજ મળ્યાં?’ મિહિરે પૂછ્યું.
‘હા, ગઈ કાલે અઝીઝને ત્યાં પાર્ટી હતી. તેની પાર્ટી કેવી હોય છે એ સૌ જાણે છે. મારા હિસાબે તે છોકરી આજે સવારે જ નીકળી છે.’ શુજાના અવાજમાં ચિંતા હતી, ‘શારજાહથી તેણે ઇસ્તાંબુલની ફ્લાઇટ લીધી છે. તેની સાથે કોઈ ઇટાલિયન માણસ જોવા મળ્યો છે. તે શારજાહની બહાર નીકળી ગઈ એ શ્યૉર છે. હવે આપણા હાથમાં કંઈ નહીં આવે...’
‘હું તમારી વાત સમજું છું.’ મિહિર પણ ચિંતામાં હતો, ‘અક્ષરાને શોધવાનું કામ કદાચ પછી કરીએ, પણ પહેલાં અચ્યુતને આ ખોટા આરોપમાંથી છોડાવવો છે. સીધો માણસ છે. કોઈ કારણ વગર અઝીઝની જાળમાં સપડાયો છે.’
‘એ તો થઈ જશે. હું ઇન્ડિયન એમ્બેસી સાથે જાતે વાત કરીશ.’ શુજાએ આશ્વાસન આપ્યું. એ પછી મિહિર અને શુજાએ વર્લ્ડ પૉલિટિક્સની નાની-મોટી વાતો કરીને ફોન મૂકી દીધો.
રાકેશ, અચ્યુત અને પ્રેમલતા તેની સામે આશાભરી નજરે જોઈ રહ્યાં હતાં. બધાં અચ્યુતના જુહુના અપાર્ટમેન્ટમાં એકઠાં થયાં હતાં. મિહિરે ફોન મૂકીને ડોકું ધુણાવ્યું, ‘મને હતું જ... અક્ષરા અત્યાર સુધી ત્યાં ન જ હોય.’ તેણે રાકેશને કહ્યું, ‘અઝીઝને અત્યાર સુધીમાં આ કેસની જાણ થઈ જ ગઈ હશે એટલે તેણે બધું સગેવગે કરી જ નાખ્યું હશે. હવે સવાલ એ છે કે અક્ષરાને ક્યાં મોકલી હશે?’
‘એટલે?’ અચ્યુતની આંખોમાં ફરી ઝળઝળિયાં આવી ગયાં, ‘બિચારી...’
‘તું કોની દયા ખાય છે?’ મિહિર ચિડાઈ ગયો, ‘જેણે તારો વિચાર પણ ન કર્યો, પૈસાના મોહમાં જે બાઈએ બધું ફૂંકી માર્યું તેને બિચારી કહે છે તું?’
મિહિરની વાત સાંભળીને રાકેશના ચહેરા પર પણ ગુસ્સો દેખાવા લાગ્યો, ‘તેની સાથે જે થયું છે એ બરાબર જ થયું છે. વેચી મારી હશે સાલીને! ૧૦ લોકો ચૂંથશે ત્યારે ખબર પડશે...’
‘ના યાર...’ અચ્યુતના હૃદયમાં હજીયે ક્યાંક અક્ષરા માટે સહાનુભૂતિ જીવંત હતી, ‘ક્યાં ગઈ એની ખબર પડે તો...’
‘તો શું?’ હવે પ્રેમલતાએ પણ સંયમ ગુમાવી દીધો, ‘તું જઈને લઈ આવીશ તેને? તે આવશે તારી સાથે? મને તો એ નથી સમજાતું કે તારી બુદ્ધિ આટલી ભ્રષ્ટ કેમ થઈ ગઈ છે?’
‘તે આવે કે ન આવે, તેને લઈ તો આવવી જ પડશે.’ અચ્યુતે કહ્યું. ત્રણે જણ આશ્ચર્યથી તેની સામે જોતા રહ્યા, ‘લાવીને પોલીસ સામે ઊભી તો રાખવી જ પડશેને? તો જ હું નિર્દોષ સાબિત થઈ શકીશ...’ અચ્યુતનો અવાજ ધીમો પણ દૃઢ હતો, ‘તેણે જે કંઈ કર્યું એ પછી દયા ન આવવી જોઈએ, પણ મેં સાચા હૃદયથી પ્રેમ કર્યો છે એટલે એક વાર તેની સામે ઊભા રહીને, તેની આંખોમાં આંખો નાખીને એટલું તો પૂછવું જ છે કે તેણે આવું શા માટે કર્યું? મેં શું બગાડ્યું હતું તેનું?’ કહેતાં-કહેતાં અચ્યુત ફરી રડી પડ્યો. સૌ તેની પીડા સમજી શકતા હતા.
એ જ વખતે મિહિરના ફોનમાં મેસેજનો ટોન વાગ્યો. મિહિરે ફોન ખોલ્યો. શારજાહ ઍરપોર્ટથી અક્ષરા પેગાસિસની ફ્લાઇટ બોર્ડ કરી રહી હતી. ફ્લાઇટ ઇસ્તાંબુલની હતી. ઇસ્તાંબુલથી તે ક્યાં ગઈ એની ખબર કાઢવી અઘરી હતી, પરંતુ તે ઇસ્તાંબુલ ગઈ હોય તો યુરોપના કોઈ દેશમાં ગઈ હોવાની શક્યતા નકારી શકાય એમ નહોતી. મિહિરે પોતાના ઇસ્તાંબુલના કૉન્ટૅક્ટ યાદ કરવા માંડ્યા. એવું કોણ હોઈ શકે જે ઇસ્તાંબુલ ઍરપોર્ટથી અક્ષરાની આગળની ફ્લાઇટ વિશે માહિતી આપી શકે... તેણે વિચારવા માંડ્યું.
રહમત શુજાની ટીમમાંથી એક યુવા ઑફિસરે અઝીઝને જણાવી દીધું હતું કે રહમત શુજા અઝીઝની વિરુદ્ધ પુરાવા તૈયાર કરી રહ્યો હતો. બીજી તરફ વિશ્વપ્પાનો મેસેજ વાંચીને અઝીઝ આવતી કાલ સવાર માટે તૈયાર હતો. રહમત શુજા અને અઝીઝ વચ્ચે જૂનો ઈગો પ્રૉબ્લેમ ચાલતો હતો. હવે જ્યારે રહમત શુજાના હાથમાં ફુટેજ આવી ગયાં છે ત્યારે તે પોતાને નહીં છોડે એ વાત અઝીઝને સમજાઈ ગઈ હતી. લાઇટ બંધ કરીને તેણે ઊંઘવાની કોશિશ તો કરી, પણ એમ સહેલાઈથી ઊંઘ આવી નહીં. એક રીતે અઝીઝ નિશ્ચિંત હતો, કારણ કે શુજા અને તેની ટીમ અહીં પહોંચે એ પહેલાં ફેબિયો ખોર ફક્કાનની બહાર નીકળી જવાનો હતો. શુજાની ટીમ અહીં આવીને ગમે એટલી શોધખોળ કરે, તેમને અક્ષરા કે તેના અહીં હોવાના કોઈ પુરાવા મહેલની અંદર મળવાના નહોતા. એમ છતાં શુજા ચાલાક અને પ્રામાણિક ઑફિસર હતો. આ પહેલાં પણ ગુમ થયેલી બે છોકરીઓની પોલીસ-ફરિયાદ થઈ ચૂકી હતી, પરંતુ કોઈ પુરાવા ન હોવાને કારણે પોલીસ મહેલમાં ઘૂસી શકી નહોતી. ઉઝબેકિસ્તાનથી આવેલી એક છોકરીની માએ તો મહેલમાં ઘૂસીને ઘમસાણ મચાવી દીધું હતું, પરંતુ કશું સાબિત ન થઈ શક્યું એટલે અઝીઝ હજી સુધી સલામત હતો. હવે મુંબઈમાં અક્ષરાની માએ કેસ કરી દીધો હતો. સમાચાર ઇન્ટરનૅશનલ મીડિયામાં ધીમે-ધીમે પહોંચવા લાગ્યા હતા. આવા સમયે જો શુજાના હાથમાં એક પણ પુરાવો આવી જાય તો તે બધા જ જૂના કેસ પણ ખોલી નાખશે એ વાતની અઝીઝને ખાતરી હતી. જાતભાતના વિચારો કરતો, આવતી કાલે સવારે શું કરવું મનોમન એની ચેસ ગોઠવતો અઝીઝ અંતે ઊંઘી ગયો.
વહેલી સવારે ફેબિયો અને અક્ષરાને લઈને તેની ગાડી ખોર ફક્કાન મૂકી આવી. ત્યાંથી પ્રાઇવેટ જેટમાં એ લોકો શારજાહ ઍરપોર્ટ પહોંચી ગયાં છે એ સમાચાર મળતાં જ અઝીઝની કૉફીનો સ્વાદ બદલાઈ ગયો. હવે આવનારી મુસીબત માટે તે તદ્દન તૈયાર હતો. હજી તો તેની એસ્ટેટમાં પૂરેપૂરી સવાર ઊઘડે એ પહેલાં સુલતાનની ઑફિસમાંથી ફોન આવ્યો, ‘આપને મળવા માટે બોલાવ્યા છે.’ હા કે નાનો સવાલ જ નહોતો. અઝીઝ તૈયાર થઈને - પૂરેપૂરો શેખ બનીને તેની ફરારી ગાડી જાતે ચલાવીને સુલતાનની ઑફિસ પહોંચ્યો. સામાન્ય પ્રોટોકૉલ પછી તેને જ્યારે અંદર બોલાવવામાં આવ્યો ત્યારે રહમત શુજા સહિત ૪ ઑફિસરો તેની પ્રતીક્ષા કરી રહ્યા હતા. અરબી રિવાજ મુજબ અઝીઝે સૌના હાથ પકડીને આંખે અને હોઠે અડાડ્યા. પૂરેપૂરો આદર અને સ્નેહ બતાવીને તે સૌની સામે ગોઠવાયો એટલે કશું જ બોલ્યા વગર રહમત શુજાએ તેનું લૅપટૉપ અઝીઝની તરફ ફેરવ્યું. ‘પ્લે’નું બટન દબાવતાં જ અઝીઝના ઘરમાં દાખલ થઈ રહેલાં અચ્યુત અને અક્ષરાનાં ફુટેજ દેખાયાં... એ પછી શારજાહ ઇન્ટરનૅશનલ ઍરપોર્ટ પર લૅન્ડ થયેલાં અચ્યુત અને અક્ષરાનાં ફુટેજ... અને છેલ્લે જી. બી. ઍન્ડ સન્સ જ્વેલર્સમાંથી વિશ્વપ્પા પાસેથી મળેલાં ફુટેજ જેમાં અઝીઝ આગ્રહ કરીને અક્ષરા માટે બૅન્ગલ્સ અને નેકલેસ ખરીદી રહ્યો હતો. રહમત શુજાની નજર આ બધું જોઈ રહેલા અઝીઝના ચહેરા તરફ હતી, પરંતુ તેના ચહેરા પર કોઈ ફેરફાર થયો નહીં. જાણે કોઈ ત્રીજી વ્યક્તિનાં ફુટેજ જોઈ રહ્યો હોય એનાથી પણ વધુ અલિપ્ત ભાવે અઝીઝે ફુટેજ જોયાં. બધું પૂરું થયું એટલે તેણે અદબ વાળીને રહમત શુજા અને બાકીના ૪ ઑફિસરો તરફ નજર નાખી. તેની નજરમાં ‘હા! તો શું?’ એવા પ્રકારનો કોઈ ભાવ હતો.
‘આ છોકરી ગુમ છે...’ હવે રહમત શુજાને ફોડ પાડ્યા વગર છૂટકો નહોતો, ‘તેના શૌહરે ઇન્ડિયામાં ફરિયાદ નોંધાવી છે. કેસ ચાલે છે...’
‘હમ્...’ અઝીઝ હજીયે તદ્દન સ્વસ્થ હતો.
‘હું લોકલ પોલીસ પાસે તપાસ કરાવડાવું તો તું ફસાઈ જઈશ.’
‘હું?’ અઝીઝના ચહેરા પર વિચિત્ર સ્મિત આવ્યું, ‘હું કેવી રીતે ફસાઈ જાઉં?’ તેણે તેના ખબરી ઑફિસર તરફ નજર નાખીને ઊંડો શ્વાસ લીધો અને પછી કહ્યું, ‘તે બન્ને મારે ત્યાં આવ્યાં હતાં. મહેમાન હતાં મારાં.’ તેણે શુજા તરફ જોયું, ‘પછી તે માણસ ચાલી ગયો. તેની પત્ની રોકાઈ ગઈ... તેની મરજીથી.’
‘હવે ક્યાં છે તે છોકરી?’ શુજાએ પૂછ્યું.
‘આઇ ડોન્ટ નો.’ અઝીઝે ખભા ઉલાળ્યા, ‘તેની મરજીથી રોકાઈ હતી, તેની મરજીથી મારા એક અન્ય મહેમાન સાથે ચાલી ગઈ.’ પૂરી લુચ્ચાઈથી તેણે કહ્યું, ‘ઇન્ટરનૅશનલ ઍરપોર્ટનાં ફુટેજ તો તમને મળ્યાં જ હશે.’
‘ચાલી ગઈ કે મોકલી આપી?’
‘જે છોકરી તેના પતિને છોડીને અહીં રોકાઈ જાય તે મારા મોકલવાથી જતી રહે?’ અઝીઝ હસ્યો, ‘મનની માલિક છે તે છોકરી. આઝાદ ખયાલ અને તિતલી જેવી ચંચળ.’ તે ઘડીભર માટે શુજા સામે જોઈ રહ્યો, ‘બેસુકૂન રુહ છે તેની, ક્યાંય ઠરીને નહીં રહે...’
શુજા બિલકુલ સમજતો હતો કે આ એવો કેસ હતો જેમાં કોઈ દાદાગીરી કે દબાણથી કામ થઈ શકે એમ નહોતું. વર્ષોથી આ રમત રમી રહેલો અઝીઝ આ ગેમનો ચૅમ્પિયન હતો. તેણે કોઈ પુરાવા ન જ છોડ્યા હોય અને જે પુરાવા મળ્યા છે એ કોઈ કામના નથી એ બન્ને વાત શુજાને બરાબર સમજાતી હતી. તેણે ફરી એક વાર ધીરજથી વાત પાટે ચડાવવાનો પ્રયત્ન કર્યો, ‘શેખ અઝીઝ, આપણે બન્ને જાણીએ છીએ કે સચ્ચાઈ શું છે? તું કો-ઑપરેટ કરીશ તો તને જ ફાયદો થશે. કાલે સવારે આ કેસ ઇન્ટરનૅશનલ મીડિયામાં ચગે તો શારજાહ બદનામ થાય એને બદલે આપણે અહીંથી જ, અત્યારે જ લપેટી લઈએ. તને કોઈ નુકસાન નહીં થાય, આઇ પ્રૉમિસ.’
‘મને શું નુકસાન થાય?’ અઝીઝ હજીયે ઢીંટની જેમ વર્તી રહ્યો હતો, ‘એક બાલિગ છોકરી, વૅલિડ વીઝા સાથે આ દેશમાં રોકાય છે... તેના વીઝા પૂરા થાય એ પહેલાં આ દેશ છોડીને વૅલિડ વીઝા સાથે બીજા દેશમાં જાય છે. મેં તેને વરગલાવી નથી, કોઈ ખોટાં વચન નથી આપ્યાં કે તેની સાથે કોઈ ચીટિંગ નથી કરી તો મને કેમ નુકસાન થાય?’ અઝીઝે અકળાવાનો ડોળ કર્યો, ‘તમે મારો ટાઇમ બરબાદ કરી રહ્યા છો.’
‘તું ઇચ્છતો હોય તો અમે ખરેખર તારો ટાઇમ બરબાદ કરી શકીએ છીએ.’ અઝીઝના બદલાયેલા સૂર સામે શુજાએ પણ સૂર બદલ્યો, ‘આખરી વાર પૂછું છું કે ક્યાં છે તે છોકરી?’
‘તમે સો વાર પૂછશો તો પણ એ જ જવાબ આપીશ. મારા પ્રાઇવેટ જેટમાં તેને શારજાહ ઍરપોર્ટ છોડી... જે માણસ સાથે જવા માગતી હતી તેની સાથે.’
‘અઝીઝ...’
‘શેખ સાહેબ... મને સાચે જ નથી ખબર.’ અઝીઝે બન્ને કાન પકડ્યા, ‘આવી ઔરતોથી તો ખુદા બચાવે. શૌહરને મૂકીને અહીં રોકાઈ ગઈ, મને છોડીને બીજા સાથે ચાલી ગઈ. હવે કોણ જાણે ત્યાંથી...’ તેના ચહેરા પર ખંધું સ્મિત ફરી ધસી આવ્યું.
રહમત શુજા અને તેના ઑફિસરો અત્યારે આનાથી વધારે કંઈ કરી શકે એમ નહોતા. રહમત શુજાએ હારીને પૂછ્યું, ‘જેની સાથે ગઈ છે તેનું નામ, ઍડ્રેસ તો હશેને?’
‘મહેમાન હતા. યુરોપથી મારા એક દોસ્તની સાથે આવ્યા હતા... વીઝા હશે તેમના. મળી જ જશે આપને.’ અઝીઝની નજરમાં કોઈ ભય નહોતો, ‘મારાથી વધુ જાણો છો આપ.’ તેણે નફ્ફટની જેમ હસીને કહ્યું, પછી સૌની સામે જોઈને જીતતો જુગારી ટેબલ પરથી ઊઠે એમ ઊભો થયો, ‘આ સિવાય હું કંઈ પણ કરી શકું તો મને ચોક્કસ જણાવજો.’ તેણે કહ્યું.
દુઆ-સલામ કરીને તે ત્યાંથી બહાર જવા ઊંધો ફર્યો કે શુજાએ કહ્યું, ‘સુલતાનસાહેબ પોતે ઇચ્છે છે કે આ છોકરીને તેના શૌહરને સોંપવામાં આવે...’
‘પણ, તે છોકરીને જ શૌહર પાસે નથી રહેવું. ઊડતી ચીડિયા છે તે. તમે ઇન્ડિયા મૂકી આવશો તો ક્યાંક બીજે ભાગી જશે.’ કહીને અઝીઝ હસતો-હસતો દરવાજાની બહાર નીકળી ગયો. રહમત શુજા અને ઑફિસરો તેની બેશરમી અને નફ્ફટાઈ જોઈને ચિડાઈ ગયા, પણ અત્યારે ચૂપ રહેવા સિવાય કોઈ ઇલાજ નહોતો.
રાઘવ લોખંડે અને અનવર કુરેશી સામે જ્યારે અક્ષરાના કૉલ રેકૉર્ડ્સ અને ક્રેડિટ કાર્ડના ખર્ચ વગેરેની વિગતો પહોંચી ત્યારે તેઓ આશ્ચર્યચકિત થઈ ગયા. આટલા દિવસ અચ્યુત ગોહિલને પૂરી રાખ્યો, મારપીટ કરી અને તેના પર આક્ષેપ કર્યા એ બદલ બન્ને જણને પસ્તાવો થઈ રહ્યો હતો. હવે તેમને સમજાયું કે કેમ અચ્યુત પોતે ફરિયાદ લખાવવા આવ્યો હતો! એ વખતે કોઈએ તેની વાત ન સાંભળી. હવે જ્યારે ધીમે-ધીમે અક્ષરાની પર્સનાલિટીનાં લેયર્સ ખૂલી રહ્યાં હતાં ત્યારે બન્ને
પોલીસ-ઑફિસર્સ આ કેસની વધુ મોટી ગૂંચવણમાં સપડાયા હતા.
બન્ને પોતાના અનુભવના આધારે એટલું તો સમજી જ ગયા હતા કે અક્ષરા પર કોઈ બળજબરી કે દબાણ નહીં જ થયું હોય. બન્ને જણને અત્યારે જે પ્રશ્ન મૂંઝવી રહ્યો હતો એનો જવાબ ફક્ત અક્ષરા જ આપી શકે એમ હતી, ‘જો તેને જવું જ હતું તો તે ચૂપચાપ વીઝા લઈને શારજાહ પહોંચી શકી હોત... તેણે અચ્યુતની સાથે જવાનું કેમ પસંદ કર્યું? એવું શું હતું જેને કારણે તેણે અચ્યુતને ફસાવ્યો?’
પોલીસ ડિપાર્ટમેન્ટમાં આટલાં વર્ષો કામ કર્યા પછી પણ તેમને આ કેસ અટપટો અને અઘરો લાગવા માંડ્યો હતો. શરૂઆતમાં જે કેસ અપહરણ કે પતિની કોઈ ચાલાકી જેવો લાગતો હતો એ કેસમાં હવે પતિ પોતે જ પીડિત હતો... કોણ સાચું, કોણ ખોટું એનો જવાબ આ બન્ને પોલીસ-ઑફિસરને કોઈ રીતે જડતો નહોતો.
બીજી તરફ મિહિરે ઇસ્તાંબુલ ઍરપોર્ટ પર કામ કરતા તેના એક ઓળખીતા પાસેથી એ જાણી લીધું હતું કે અક્ષરાએ ઇસ્તાંબુલથી મિલાનની ફ્લાઇટ પકડી હતી. ટૂંકમાં, અક્ષરાને ઇટલી મોકલી દેવામાં આવી હતી... હવે ઇટલીમાં તે ક્યાં હોઈ શકે એની તપાસ કરવી એટલે ઘાસની ગંજીમાં સોય શોધવા જેવું કામ હતું.
(ક્રમશઃ)