26 April, 2026 03:08 PM IST | Mumbai | Kajal Oza Vaidya
ઇલસ્ટ્રેશન
‘તું આ બધું જાણતી હતી?’ સંજય પ્રજાપતિ, અક્ષરાના પિતાના અવાજમાં છેતરાયાની પીડા હતી, ‘તેં સગી દીકરીને ખોટા રવાડે ચડાવી?’
‘ખોટા રવાડે? રાજ કરવા ગઈ છે...’ સુશીલાના અવાજમાં હજીયે અપરાધનો ભાવ નહોતો. તે તો હજીયે એમ જ માનતી હતી કે તેની દીકરી અઝીઝ સાથે ખુશ છે. અક્ષરાને ઇટલી પહોંચાડી દેવામાં આવી છે એ માહિતી હજી સુશીલા સુધી પહોંચી નહોતી. સુશીલાની નજર સામે ટેબલ પર આયરા ખાન મન્સુરીએ કેસ છોડી દીધાની નોટિસ હતી. સાથે જ કોર્ટને પૂરી માહિતી ન આપવા, ગુમરાહ કરવાની પ્રવૃત્તિ બદલ તેમને મળેલી શોકૉઝ નોટિસ હતી, ‘મેં તો વિચાર્યું હતું કે બધું ગોઠવાઈ જશે એટલે તમને કહીશ. તે શેખ તેને બૉલીવુડમાં લૉન્ચ કરવાનો છે.’
‘મૂરખ બાઈ છે તું. મને સહેજ પણ કલ્પના હોત કે તું આવા બધા ધખારા કરી રહી છે તો હું તેને અટકાવી દેત.’ સંજયે કહ્યું.
‘એ મને ખબર હતી... એટલે જ તમને ન કહ્યું.’ સુશીલા ભડકી, ‘મેં ના પાડી હતી આ આધેડ અચ્યુત સાથે પરણાવવાની, તમે ન માન્યા!’ સુશીલાએ ચાળા પાડીને કહ્યું, ‘આવો સંબંધ ફરી નહીં મળે... તમે જ કહેતા હતાને? મારી છોકરી જરાય સુખી નહોતી.’
‘તેના ઘરમાં સુખી જ હતી. કોઈ ખોટ નહોતી. અચ્યુત સારો માણસ છે. તેં તેના મગજમાં કારણ વગરનાં ફિતૂર નાખ્યાં. તારાં સપનાં પૂરાં કરવાં માટે તેં તેને ખાડામાં ધકેલી દીધી.’ સંજય પ્રજાપતિ પણ રડવા લાગ્યા, ‘કોણ જાણે ક્યાં હશે મારી દીકરી...’
‘ક્યાં શું?’ સુશીલાએ પૂરા આત્મવિશ્વાસ સાથે કહ્યું, ‘શારજાહમાં જ છે. અઝીઝના મહેલમાં આરામ કરતી હશે. અહીં તો રાત-દિવસની મજૂરી કરીને બિચારી...’
‘સ્ત્રી પોતાના ઘરમાં કામ કરે એને મજૂરી ન કહેવાય.’ સંજય પ્રજાપતિ એક સામાન્ય પણ સમજદાર માણસ હતો, ‘આરબોના મહેલમાં કોઈ સુખી નથી થતું. આપણે કેટલાય કિસ્સા વાંચ્યા છે. આ લોકો છોકરીઓને લઈ જઈને...’ સંજય પ્રજાપતિએ કપાળ કૂટ્યું, ‘હે ઈશ્વર! મારી દીકરી સાથે કંઈ ખોટું ન થયું હોય.’ તેણે પૂછ્યું, ‘તેના ગયા પછી વાત થઈ છે તારી?’
‘હેં!?’ સુશીલા પ્રજાપતિની આંખો પહોળી થઈ, ‘પહોંચી ત્યારે વાત થઈ હતી. અચ્યુત નીકળી ગયો ત્યારે તેણે કહ્યું હતું.’ સુશીલાએ કહ્યું, ‘એ પછી પણ બે વાર વાત થઈ. વિડિયો-કૉલ પર. તેણે મને તેનો રૂમ, મહેલ બધું બતાવ્યું. મને ખબર છે તે ત્યાં સુખી છે.’
‘એ વાતને કેટલા દિવસ થયા?’ સંજયે પૂછ્યું. એક સમજદાર, દુનિયા જોઈ ચૂકેલા પિતાને ફાળ પડી.
‘દસ-બાર...’ સુશીલાને હજી ગંભીરતા સમજાતી નહોતી, ‘અરે! બિઝી હશે...’ સુશીલા હજીયે પોતાની શેખી અને ખોટા ખ્યાલોમાંથી બહાર આવવા તૈયાર નહોતી, ‘નવો-નવો પ્રેમ છે...’
‘તું બેશરમ છે.’ આટલાં વર્ષોથી પત્નીથી દબાયેલા રહેલા સંજયે આજે કહી નાખ્યું, ‘સગી દીકરીની જિંદગી બરબાદ કરી નાખી તેં.’ સુશીલા તેની સામે જોઈ રહી, ‘વાત કરાવ મારી... હમણાં.’ સંજયનો આવો અવાજ અને આ સૂર સુશીલાએ પહેલાં કદી સાંભળ્યો નહોતો. તેના કકળાટથી કાયર સંજયે છેલ્લાં ઘણાં વર્ષોથી જરૂર સિવાય વાત કરવાનું જ બંધ કરી દીધું હતું. સુશીલાને જેમ મનફાવે તેમ વર્તવા અને જીવવા દેતો સંજય આજે વીફર્યો હતો. દીકરીની જિંદગીનો સવાલ આવ્યો ત્યારે તેને સમજાયું હતું કે હવે ચૂપ બેસી રહેવાથી નહીં ચાલે. તેણે ફરી કહ્યું, ‘લગાવ ફોન, મારે તેનો અવાજ સાંભળવો છે.’ સુશીલાએ ફોન લગાવ્યો. મુંબઈનો ફોન અક્ષરાએ બંધ કરી દીધો હતો. દુબઈ પહોંચીને તેણે જે નંબર પરથી ફોન કર્યા હતા એ નંબર, અક્ષરાનો ફોન અનરીચેબલ હતો. બીજી, ત્રીજી, ચોથી વાર સુશીલા ફોન લગાવતી રહી. ફોન અનરીચેબલ જ રહ્યો. સુશીલાએ બેબાકળા થઈને અઝીઝને ફોન લગાવ્યો.
અઝીઝે ફોન ઉપાડ્યો, ‘હેલો!’ સુશીલાએ પૂરા ચાપલૂસ અવાજમાં કહ્યું, ‘સલામ વાલેકુમ.’ અઝીઝ સાંભળતો રહ્યો. તે જાણતો હતો કે આ સુશીલાનો ફોન છે, ‘મારે મારી દીકરી સાથે વાત કરવી છે.’ સુશીલાએ કહ્યું. તેણે સંજય સામે એવી રીતે જોયું જાણે જંગ જીતી હોય.
‘કોણ?’ અઝીઝે અજાણ્યા હોવાનો ડોળ કર્યો.
‘અરે, સુશીલા બોલું છું, મુંબઈથી...’ સુશીલાએ ઘરોબો વ્યક્ત કરવાનો પ્રયત્ન કર્યો.
‘કોણ સુશીલા? હું તમને નથી ઓળખતો.’
‘હું અક્ષરાની મા છું.’ સંજયની આંખો બદલાતી જતી હતી. સુશીલાને પણ પરસેવો વળવા લાગ્યો.
‘અક્ષરા? કોણ અક્ષરા?’ અઝીઝે પૂછ્યું. સુશીલાને લાગ્યું જાણે તેના પગ નીચેની ધરતી ફાટી, ‘રૉન્ગ નંબર.’ ફોન કપાઈ ગયો. સંજય જે રીતે સુશીલા સામે જોઈ રહ્યો હતો એ નજર સુશીલા સહી શકી નહીં. ઝંખવાઈ ગયેલી સુશીલાએ ફરી નંબર જોડવાનો પ્રયત્ન કર્યો, પણ કદાચ તેનો નંબર બ્લૉક કરી દેવામાં આવ્યો હતો.
‘શું થયું?’ બધું સમજતો હોવા છતાં સંજયે પૂછ્યું. તેનું મન માનવા તૈયાર નહોતું.
‘હું... મને... એટલે કે...’ સુશીલા પાસે કોઈ જવાબ નહોતો. તેને હવે પોતાની ભૂલ સમજાઈ હતી, પણ સાથે-સાથે એ પણ સમજાયું હતું કે આ સમજણ આવતાં-આવતાં ઘણું મોડું થઈ ગયું હતું.
સૌએ ધાર્યું હતું એમ નેક્સ્ટ હિયરિંગમાં અચ્યુત નિર્દોષ છૂટી ગયો. આયરા ખાન મન્સુરીએ કેસ છોડી દીધો હતો. એની જગ્યાએ આવેલા પબ્લિક પ્રોસિક્યુટર પાસે કોઈ ખાસ દલીલો નહોતી. કૉલ રેકૉર્ડ્સ, ક્રેડિટ કાર્ડના ખર્ચા અને સુશીલાને કરેલા કૉલના આધારે રાકેશે સાબિત કરી દીધું કે સુશીલા પ્રજાપતિ તેની દીકરીના પ્રેમસંબંધ વિશે જાણતી હતી, બલ્કે તેણે જ અક્ષરાને ભાગી જવા માટે ઉકસાવી હતી. અક્ષરાના ગુમ થવા પાછળ અચ્યુતનો કોઈ હાથ નથી એ વાત તો સાબિત થઈ અને ખોટી ફરિયાદ કરવા બદલ કોર્ટે સુશીલાને ૫૦,૦૦૦ રૂપિયાનો દંડ કર્યો, નોટિસ આપી!
અચ્યુત નિર્દોષ સાબિત થયો એ દિવસે સાંજે તેના ઘરે રાકેશ અને મિહિરની સાથે તેને આશ્વાસન આપવા આવેલા રાઘવ લોખંડેએ અચ્યુતને કહ્યું, ‘સાહેબ, મારી ભૂલ થઈ. અત્યાર સુધી જે કંઈ અનુભવ છે એમાં મને એવું જ લાગ્યું કે તમે...’
‘તમારો વાંક નથી.’ અચ્યુત ખૂબ નિરાશ અને દુઃખી હતો, ‘તમારી જગ્યાએ કોઈ પણ હોત તો આ જ થયું હોત. આપણો સમાજ અત્યાર સુધી સ્ત્રીને નિર્દોષ અને પુરુષને દોષી માનતો આવ્યો છે. પતિ જ અત્યાચાર કરે, પતિ જ આવા ગોરખધંધા કરે એવું આપણું કન્ડિશન્ડ લર્નિંગ છે.’
‘સત્ય સાહેબ!’ રાઘવ લોખંડે ખૂબ અપરાધભાવ અનુભવી રહ્યો હતો. તે થોડી વાર અચ્યુતની સામે મૌન બેસી રહ્યો. રાકેશ અને મિહિર પણ ચૂપ હતા. શું વાત કરવી એ કોઈને સમજાતું નહોતું. પછી રાઘવે કહ્યું, ‘છોડી દો... જે થવાનું હતું એ થઈ ગયું. તમે માંડ-માંડ જેલમાં જતા બચ્યા. ભગવાનનો આભાર માનો.’
અચ્યુત થોડી વાર માથું નીચું કરીને કંઈક વિચારતો રહ્યો. પછી તેણે કહ્યું, ‘મારે ઇટલી જવું છે.’
‘કેમ?’ રાકેશે પૂછ્યું, ‘જે વાત પતી ગઈ છે એને છોડી દો. અક્ષરા ભાગી ગઈ છે એ વાત સાબિત થઈ ચૂકી છે. હવે ૩ મહિના પછી આપણે ઇનફિડાલિટીના ગ્રાઉન્ડ પર ડિવૉર્સની અરજી કરીશું. કોર્ટ તમારા ડિવૉર્સ ગ્રાન્ટ કરી દેશે. રાત ગઈ બાત ગઈ. ભૂલી જાવ તે બાઈને.’
‘એમ નહીં ભૂલું...’ અચ્યુતની આંખોમાં કોઈ વિચિત્ર પ્રકારનું ઝનૂન હતું જે જોઈને રાઘવ લોખંડે સહેજ ડરી ગયો. મિહિર કંઈ બોલવા ગયો, પછી તેણે અચ્યુતને જ બોલવા દીધો, ‘હું એક વાર તેને ચોક્કસ મળીશ. મારે જાણવું છે કે તેણે મારી સાથે આવું શું કામ કર્યું, વાય?’
મિહિરે કહ્યું, ‘તને લાગે છે કે તે જવાબ આપશે? સાચો જવાબ? છેતરપિંડી એ પ્રવૃત્તિ નથી, માણસની વૃત્તિ છે. તને કારણ વગર ક્યાંક ફસાવે ને પારકા દેશમાં કંઈ લફરું થશે તો...’
‘જે થાય તે. હું તૈયાર છું.’ અચ્યુત કટિબદ્ધ હતો. તેણે મિહિર સામે જોયું, ‘તમારા ખૂબ કૉન્ટૅક્ટ છે. મને મદદ કરશો?’ અચ્યુતના આ સવાલ સાથે જાણે એક સોપો પડી ગયો. સૌ એકબીજાના ચેહરા તરફ જોઈ રહ્યા.
‘સાહેબ... આ કરવા જેવું નથી.’ રાઘવ લોખંડેએ કહ્યું, ‘યુરોપની પોલીસ આપણા જેવી નથી. ભાષા આવડે નહીં, ત્યાંની જેલમાં કોઈ રાઘવ લોખંડે નહીં હોય.’ તેણે હસવાનો વ્યર્થ પ્રયત્ન કર્યો. રાકેશ અને મિહિર ગંભીર હતા.
‘કોઈ આવે કે નહીં...’ અચ્યુતે જાણે સ્વગત કહ્યું, ‘હું તો જઈશ.’
‘તેને આવડા મોટા દેશમાં ક્યાં શોધશો?’ મિહિરે પૂછ્યું, ‘૧૮૧ ચોરસ કિલોમીટરમાં ૩૦થી ૪૦ લાખ લોકો રહે છે. મિલાનથી નીકળીને તે ક્યાંય પણ પહોંચી હોય. રોમ, વેનિસ, ફ્લોરન્સ, નેપલ્સ કે મિલાનની આસપાસના કોઈ નાના ગામમાં... એમ સહેલાઈથી મળી જશે એમ માનો છો?’
‘જો હું સાચો હોઈશ તો તે મળશે જ.’ અચ્યુતની આંખોમાં કોઈ ન સમજાય એવો વિશ્વાસ હતો. મિહિર થોડીક ક્ષણો આ પાગલ, ઝનૂની માણસ સામે જોઈ રહ્યો. પછી કંઈક વિચારીને તેણે કહ્યું, ‘હું આવીશ તમારી સાથે.’
‘યુ કાન્ટ બી સિરિયસ.’ રાકેશ વિરમાણીને લાગ્યું કે મિહિર કારણ વગર અચ્યુતને ઉશ્કેરી રહ્યો છે, ‘આવી શોધમાં મહિનાઓ નીકળી જાય એ સમજાય છે તમને?’
‘ના, હું ગંભીર છું.’ મિહિર કંઈક વિચારતો રહ્યો. પછી તેણે કહ્યું, ‘હું સમજું છું કે આમાં ઘણો સમય જઈ શકે, પણ સાથે જ મને એવું લાગે છે કે મારા હ્યુમન ટ્રાફિકિંગના કેસનો એક છેડો અહીં ક્યાંક અડતો હોવો જોઈએ.’ તેની આંખોમાં પણ અચ્યુતને સાથ આપવાનો નિર્ધાર દૃઢપણે જોઈ શકાતો હતો.
‘પણ તમે જશો ક્યાં?’ રાકેશે પૂછ્યું.
‘મિલાન.’ બન્ને જણ એકસાથે બોલ્યા.
બેલાજીઓ પહોંચ્યા એ રાત્રે અક્ષરાને ઊંઘ ન આવી. મોટા-શાંત, એકાંત ઘરમાં તેને બેચેની થતી રહી. જાતજાતના વિચારો આવતા રહ્યા. તેણે અડધી રાતે ઊઠીને કૉફી બનાવી, ટીવી જોવાનો પ્રયત્ન કર્યો; પણ મન ક્યાંય લાગતું નહીં. હજી તો બેલાજીઓમાં સૂરજનાં સોનેરી કિરણો ગામનાં વૃક્ષોનાં પાંદડાં પર ઝળહળે એ પહેલાં એક લાંબી ગાડી આવીને અક્ષરાના ઘર સામે ઊભી રહી. એમાંથી ફૅશનેબલ કપડાં પહેરેલી એક પાતળી સ્ત્રી નીકળી. તેના વાળ સોનેરી હતા, પણ સ્કિન ભારતીય હતી. પૂરા મેકઅપ અને આર્ટિફિશ્યલ પાંપણો સાથેનો તેનો ચહેરો કોઈ બાર્બી ડૉલનો પ્લાસ્ટિકનો ચહેરો હોય એવો પ્રાણવિહીન, બનાવટી લાગતો હતો. અક્ષરાએ તેને ઊતરતી જોઈ. તે ઊભી થઈને પોતાના ઘરનો દરવાજો ખોલે એ પહેલાં તે સ્ત્રી બેલ માર્યા વગર પોતાની પાસેની ચાવીથી અક્ષરાનું ઘર ખોલીને દાખલ થઈ. તેના પ્રવેશની સાથે જ ગુચીના ફ્લોરા પરફ્યુમની સુગંધ આખા ઘરમાં ફેલાઈ ગઈ. તેણે અક્ષરાને જોઈને સ્મિત કર્યું, ‘બુઑન જ્યોંર્નો (ગુડ મૉર્નિંગ),’ અક્ષરા તેની સામે જોઈ રહી. તેણે સ્કાય બ્લુ રંગનો અરમાનીનો ફૉર્મલ સૂટ પહેર્યો હતો. ગળામાં બલગારીની જ્વેલરી અને હાથમાં લુઈ વિત્તોંનું પર્સ હતું. પગથી માથા સુધી બ્રૅન્ડની દુકાન દેખાતી તે સ્ત્રીએ ઘરમાં દાખલ થઈને આરામથી બેઠક જમાવી. પર્સ ખોલીને એમાંથી ત્રણ-ચાર જુદા-જુદા રંગનાં એન્વલપ કાઢ્યાં, ‘બેસને, તારું જ ઘર છે.’ તેણે અક્ષરાને કહ્યું. અક્ષરા સંકોચ સાથે બેઠી. ઉજાગરાને કારણે તેનું માથું ફાટતું હતું. તે સ્ત્રીએ એક પછી એક એન્વલપ અક્ષરાના હાથમાં પકડાવ્યાં, ‘આ ક્રેડિટ કાર્ડ, આ ગ્રોસરીની કૂપન્સ, આ સૅલોંનું કાર્ડ અને આ તારા ઘરના રેન્ટ ઍગ્રીમેન્ટનાં પેપર્સ.’ ધીરે-ધીરે બધું સમજાવીને તેણે અક્ષરાના કાગળો, જરૂરી વસ્તુઓ તેના હવાલે કરી. એક અદ્યતન મોંઘો આઇફોન તેણે અક્ષરાના હાથમાં આપ્યો, ‘આમાં સિમ છે અને ટ્રૅકર પણ. તું ટ્રૅકર બંધ નહીં કરી શકે એટલે પ્રયત્ન પણ ન કરતી.’ ફરી એક વાર પ્લાસ્ટિકિયું સ્મિત કરીને છેલ્લે પાસપોર્ટ આપતાં તેણે કહ્યું, ‘પાસપોર્ટ તારી પાસે રહેશે, પણ ઇટલીના કોઈ પણ ઍરપોર્ટ પર નાનકડું હલનચલન પણ બૉસની નજર બહાર નહીં રહે. કોઈ ચાલાકી નહીં કરતી. બેઈમાનીની સજા ફક્ત મોત છે.’
‘પહેલાં સાંભળી ચૂકી છું.’ અક્ષરાએ કહ્યું. તેના અવાજમાં નિરાશા હતી, ‘ચાલાકી કરીને ક્યાં જઈશ? પાછા જવાના રસ્તા ખુદ મેં જ બંધ કર્યા છે.’
‘કરેક્ટ!’ તે સ્ત્રીએ ફરી સ્મિત કર્યું, ‘મારું નામ સેરેના છે. અહીં ઇટલીમાં બૉસનો આખો બિઝનેસ હું જ સંભાળું છું.’
‘ઓહ! દલાલી કરો છો...’ કંટાળેલી, થાકેલી અને ફ્રસ્ટ્રેટ થઈ ગયેલી અક્ષરાથી કહેવાઈ ગયું.
સેરેનાએ ફરી સ્મિત કર્યું, ‘કો-ઑર્ડિનેશન કહેવાય.’ તેની આંખો સહેજ બદલાઈ, પણ ગુસ્સે થયા વગર તેણે અક્ષરાને કહ્યું, ‘આજથી તારું નામ એલેના છે. તારા પાસપોર્ટમાં પણ એ જ નામ છે.’ સેરેનાની વાત સાંભળીને અક્ષરાએ પોતાનો પાસપોર્ટ ખોલીને જોયો. તેનું નામ એલેના જ્યૉર્જ હતું. ભારતીય ઓરિજિન, છેલ્લાં ૩ વર્ષથી ઇટલીમાં રહેતી હોવાના EU કાર્ડ સાથે પાસપોર્ટમાં વિગતો બદલાઈ ચૂકી હતી. તેની આંખોમાં આશ્ચર્ય જોઈને સેરેનાએ ફરી સ્મિત કર્યું, ‘આ જોઈને તને સમજાઈ ગયું હશે કે બૉસ શું કરી શકે છે? યુરોપના લગભગ બધા દેશના ખૂણે-ખૂણે તેમનું નેટવર્ક છે.’
‘મારા જેવી કેટલી છોકરીઓ છે?’ અક્ષરાએ પૂછ્યું. તેનું ગળું ભરાઈ આવ્યું. પોતે પૂરેપૂરી ફસાઈ ચૂકી હતી એ વાત તેને વધુ ને વધુ ડરાવવા લાગી હતી.
‘અત્યારે ૩૩૬ છોકરીઓ ઑપરેટ કરે છે.’ સેરેનાએ કહ્યું. તેના ચહેરા પર કોઈ ભાવ જ નહોતો. પ્લાસ્ટિકનો ચહેરો સમય સમયાંતરે સ્મિત કરતો ને પછી પાછો ભાવવિહીન બની જતો, ‘તારો રોલ-નંબર ૩૨૨મો છે. તને નામથી નહીં, નંબરથી ઓળખવામાં આવશે.’
‘તમને શરમ નથી આવતી? એક સ્ત્રી થઈને બીજી સ્ત્રીના શરીરનો સોદો કરો છો...’ અક્ષરાથી બોલાઈ ગયું.
‘શરમ?’ સેરેનાના ચહેરા પર હજી પણ કોઈ ભાવ નહોતો. તેણે તેની આર્ટિફિશ્યલ પાંપણ પટપટાવી, ‘તને શરમ નથી આવતી? પતિને મૂકીને ભાગી આવી? ઇન્ડિયન છેને તું? વિધિથી લગ્ન કર્યાં હશે? સપ્તપદીનાં વચન આપ્યાં અને લીધાં હશે... આપણે ત્યાં તો સ્ત્રીઓ પતિ માટે જીવ આપી દે ને તું પતિનો જીવ જોખમમાં મૂકીને ભાગી આવી? કર્મા ઇઝ અ બિચ સ્વીટી!’ તેણે કહ્યું, ‘હવે જ્યાં પહોંચી ગઈ છે ત્યાં શાંતિથી ટકી જજે. બાકી પસ્તાવાનો પાર નહીં રહે!’ તે થોડીક ક્ષણો અક્ષરા સામે જોઈ રહી. પછી તેણે પોતાનો ફોન કાઢ્યો, ‘જસ્ટ ફૉર યૉર ઇન્ફર્મેશન, આ બે-ચાર તસવીરો મોકલું છું, જોઈ લે એટલે સમજાઈ જશે.’
અક્ષરાએ ફોન ઉપાડીને તસવીરો ખોલી. તેનું લોહી નસોમાં થીજી ગયું. એક છોકરીના ચહેરા પર બ્લેડથી ચીરા મારેલા હતા. આખા ચહેરા પર ચોકડીની ડિઝાઇન બનાવીને તેનો ચહેરો વિકૃત કરી નાખવામાં આવ્યો હતો. આંખો ખુલ્લી હતી એટલે ચહેરો વધુ ભયાવહ લાગતો હતો. બીજી તસવીરમાં કપાળની વચ્ચોવચ ગોળી મારવામાં આવી હતી. ત્રીજી તસવીરમાં એક તરફના લમણામાંથી મારેલી ગોળી બીજી તરફ બહાર નીકળી ગઈ હતી. લોહીના ખાબોચિયામાં પડેલું માથું જોઈને અક્ષરાને કમકમાં આવી ગયાં. તે કશું બોલી નહીં. ચૂપચાપ સેરેના સામે જોતી રહી. થોડીક ક્ષણ એમ જ થીજેલા ભય અને સેરેનાની આંખોમાં દેખાતી ઠંડી ક્રૂરતા વચ્ચે વીતી ગઈ, ‘તો! ગુડલક એલેના. યૉર ન્યુ લાઇફ ઍન્ડ બિઝનેસ બિગિન્સ ટુડે.’ સેલેના ઊભી થઈ, ‘આજે સાંજે તું તારા પહેલા ક્લાયન્ટને મળીશ.’
‘આજે?’ અક્ષરાના અવાજમાં થોડો કંપ અને ભય હતા.
‘યસ... બૉસને ટાઇમ વેસ્ટ કરવો નથી ગમતો.’ સેરેનાએ કહ્યું, ‘સાંજે શાર્પ સાડાછ વાગ્યે તને ગાડી લેવા આવશે.’ કહીને તેણે તેની પાછળ-પાછળ ઘરમાં આવેલા એક માણસ તરફ જોયું, ‘મિરાન!’ અત્યાર સુધી અક્ષરાનું ધ્યાન તે માણસ તરફ નહોતું. છ ફુટની ઊંચાઈ અને કસરતી શરીર ધરાવતો તે માણસ સેરેનાના બૉડીગાર્ડ જેવો હતો. તેણે આગળ વધીને પોતાના હાથમાં પકડેલી કેટલીક શૉપિંગ બૅગ્સ અક્ષરાની સામે મૂકી દીધી, ‘આમાંથી જે ગમે એ પહેરી લેજે. પ્રૉપર મેકઅપ અને હેર સાથે તૈયાર રહેજે.’ સેરેનાએ આંખોમાં આંખ પરોવીને ચાકુની ધાર જેવા ઠંડા અવાજે કહ્યું, ‘બૉસને મોડું કરે એવા લોકો પસંદ નથી. હી મીન્સ બિઝનેસ.’ સૅન્ડલનો ટક-ટક અવાજ નીરવ શાંતિમાં જાણે ભયના પડઘા પાડતો હતો. દરવાજો ખોલીને તે બહાર નીકળી ગઈ. જતાં-જતાં તેણે ફરી કહ્યું, ‘શાર્પ સાડાછ.’ અક્ષરા ત્યાં જ હતપ્રભ ઊભી-ઊભી તેને જતી જોઈ રહી.
(ક્રમશઃ)