છાયા-પડછાયા: સરકતી છાયા અને છેતરતા પડછાયા વચ્ચે અટવાયેલા એક પ્રેમીની રહસ્યમય કથા (પ્રકરણ ૧૯)

17 May, 2026 03:04 PM IST  |  Mumbai | Kajal Oza Vaidya

‘બીજો રસ્તો ક્યાં છે?’ અરીસાની આ પાર ઊભેલી અક્ષરા પોતાના વસ્ત્રવિહીન શરીરને જોઈને તિરસ્કાર અનુભવી રહી હતી, ‘મરી પણ નથી શકતી... એટલી હિંમત નથી મારામાં.’

ઇલસ્ટ્રેશન

અક્ષરાનાં વસ્ત્રોનો ઢગલો પલંગની ડાબી તરફ પડ્યો હતો. તે નિર્વસ્ત્ર દશામાં છતમાં ચિતરાયેલાં દેવદૂતો અને વાદળને જોઈ રહી હતી. તેની આંખોની બન્ને તરફથી આંસુના રેલા વહીને ઓશીકામાં ગુમ થઈ જતાં હતાં. સૅલ્વેડોર બહાર ગૅલરીમાં ઊભો-ઊભો સિગારેટ પી રહ્યો હતો. તે રૂમમાં પાછો ફર્યો. અક્ષરાને ભય લાગ્યો. સૅલ્વેડોર તેની નજીક આવ્યો. અક્ષરાના વાળમાં, ચહેરા પર હાથ ફેરવતાં તેણે કહ્યું, ‘એલેના... તું અત્યંત સુંદર છે...’ તેણે અક્ષરાના શરીર પરથી સુંવાળી ચાદર હટાવી. માત્ર એક જ અંતઃવસ્ત્ર સાથે સૂતેલી અક્ષરાના શરીર પર તેની ખરબચડી હથેળી ફરી વળી, ‘તું મને ૨૦ વર્ષ પહેલાં મળી હોત તો આખી રાત પ્રેમ કર્યો હોત તને.’ તેણે અંગ્રેજીમાં કહ્યું. અક્ષરાએ સહેજ સંકોચમાં અને સહેજ ચીડમાં ચાદર પોતાના શરીર પર પાછી ઢાંકી દીધી. સૅલ્વેડોર તેના મનમાં ચાલી રહેલી ગડમથલ કે પીડાને સમજી શકે એમ નહોતો. તેને અક્ષરાની આ ‘અદા’ વધુ મોહક લાગી! તેણે ફરી ચાદર ખેંચી. અક્ષરાએ આ વખતે બન્ને હાથે ચાદર પકડી રાખી... ચાદર ઉતારવાની અને ઢાંકી રાખવાની આ મથામણ થોડી સેકન્ડ ચાલી. પછી સૅલ્વેડોરે ચાદર છોડી દીધી, ‘શું ખાઈશ?’ તેણે પૂછ્યું, ‘આટલો પ્રેમ કર્યા પછી ભૂખ તો લાગી હશે તને!’

અક્ષરા પોતાની જાત વિશે એટલી બધી ઘૃણા અનુભવી રહી હતી કે જવાબ આપવાને બદલે તે ઊભી થઈ ગઈ અને વસ્ત્રોનો ઢગલો લઈને બાથરૂમમાં ચાલી ગઈ. બાથરૂમમાં પ્રવેશતાં જ તેણે આખી દીવાલ પર લાગેલા વિશાળ બેલ્જિયમ અરીસામાં પોતાનું પ્રતિબિંબ જોયું. ગઈ કાલ સુધી તેને જે સુંદરતા પર નાઝ હતો એ જ સુંદરતા આજે તેના માટે એક અપમાન બની ચૂકી હતી. તે માર્બલના વિશાળ વૉશબેસિન પર બન્ને હાથ ટેકવીને, સહેજ આગળની તરફ ઝૂકીને પોતાના જ પ્રતિબિંબની આંખોમાં આંખો નાખીને જોતી રહી. તેને પોતાનો જ ચહેરો અજાણ્યો લાગ્યો. અરીસામાં દેખાતી એલેનાની આંખોમાં અક્ષરાને ઉપાલંભ વંચાયો. એલેનાએ અરીસાની આ તરફ ઊભેલી અક્ષરાને પૂછ્યું, ‘આ જિંદગી માટે ભાગી હતી? રોજ નવો ચહેરો, નવો રૂમ અને નવી એલેના બનીને જીવી શકીશ?’

‘બીજો રસ્તો ક્યાં છે?’ અરીસાની આ પાર ઊભેલી અક્ષરા પોતાના વસ્ત્રવિહીન શરીરને જોઈને તિરસ્કાર અનુભવી રહી હતી, ‘મરી પણ નથી શકતી... એટલી હિંમત નથી મારામાં.’

‘તો... રોજ ચૂંથાઈશ? રોજ નવા માણસના હાથ ફરશે તારા શરીર પર... સાપની જેમ એ લીસા, સુંવાળા, ખરબચડા, ભીના, ચીતરી ચડે એવા સ્પર્શ સહી શકીશ?’ અરીસામાં દેખાતા ચહેરા પરનું કડવું સ્મિત આ તરફની અક્ષરાને આરપાર વીંધી ગયું, ‘ક્યાંથી ક્યાં પહોંચી ગઈ?’

‘મારે છૂટવું છે અહીંથી... નીકળી જવું છે. મને બચાવ.’ અરીસાની આ તરફ ઊભેલી અક્ષરાએ સામે દેખાતી એલેનાને કહ્યું.

એલેના હસી, રાક્ષસ જેવું, વિક્ષિપ્ત, ‘તને શું લાગે છે? અહીંથી નીકળવું સરળ છે?’

‘હું અચ્યુતને કહીશ. તે લઈ જશે મને...’ અક્ષરા સ્વગત બોલવા લાગી. સામે અરીસામાં દેખાતી એલેના ખડખડાટ હસતી રહી, ‘હું અચ્યુતની માફી માગીશ, આજીજી કરીશ. તે મને પ્રેમ કરે છે. હું આવી હાલતમાં છું એવી તેને જાણ થશેને તો તે મને છોડાવવા ચોક્કસ આવશે... અચ્યુત... અચ્યુત...’ કહેતાં-કહેતાં અક્ષરા રડતી રહી, ‘તે બચાવશે મને...’

તેને બાથરૂમમાં બહુ વાર લાગી એટલે સૅલ્વેડોરે હળવા હાથે ટકોરા માર્યા, ‘હેલો... બેબી... આર યુ ઓકે?’ અક્ષરા વસ્ત્રો પહેરીને, ચહેરો સાફ કરીને, થોડી સ્વસ્થ થઈને બહાર નીકળી. તેની આંખોમાં એક વિચિત્ર નિર્ધાર હતો. તેણે સૅલ્વેડોરને પૂછ્યું, ‘બે મિનિટ માટે તારો ફોન વાપરવા દઈશ?’

સૅલ્વેડોર બેએક ક્ષણ માટે તેની સામે જોઈ રહ્યો, પછી હસી પડ્યો, ‘હું સારો છું, બેવકૂફ નથી.’ અક્ષરા તેની સામે જોઈ રહી, ‘મેં હાયર કરી હોય એવી પહેલી સ્ત્રી નથી તું...’ સૅલ્વેડોરનો ચહેરો બદલાઈ ગયો હતો. અત્યાર સુધી રોમૅન્ટિક અને શાલીન દેખાતો સૅલ્વેડોર અચાનક જ રુક્ષ અને ભાવવિહીન થઈ ગયો, ‘બૉસના સૌથી જૂના અને ફેવરિટ ક્લાયન્ટમાં મારું નામ છે... અને હમણાં મરવાનો ઇરાદો નથી મારો.’

 સાંભળતાં જ અક્ષરાનું ડૂસકું છૂટી ગયું. તે જમીન પર બેસી પડી. પોક મૂકીને રડવા લાગી. સૅલ્વેડોર આરામથી સામે સોફામાં જઈને ગોઠવાયો. તેણે સિગારેટ સળગાવી. અક્ષરાને થોડી વાર રડવા દીધી, પછી ધીમેથી કહ્યું, ‘એક સલાહ આપું? નસીબ અને પરિસ્થિતિ સામે લડવાનું છોડી દે. તું કો-ઑપરેટિવ થઈને બૉસની આજ્ઞા માનીશ તો તે તને કોઈ તકલીફ નહીં પડવા દે.’

‘આ હું પહેલાં સાંભળી ચૂકી છું.’ અક્ષરાએ રડતાં-રડતાં ચિડાઈને કહ્યું.

‘પણ આ જ સત્ય છે.’ સૅલ્વેડોર સ્વસ્થ હતો, ‘તને શું લાગે છે, તારા પહેલાં કોઈ છોકરીએ બળવો નથી કર્યો? બૉસનું નેટવર્ક ઇન્ટરનેટના વેબ જેવું છે. એક વાર જે ફુટપ્રિન્ટ અહીં પડી એ કદાચ સ્ક્રીન પરથી ભૂંસાય, ડેટામાંથી નીકળી જાય; પણ નેટના ક્લાઉડમાંથી ન છટકી શકે. તું પણ નહીં છટકી શકે.’

‘તમે મદદ કરો તો...’ અક્ષરાએ બે હાથ જોડ્યા.

સૅલ્વેડોરે સામે બે હાથ જોડ્યા. નજીક જઈને અક્ષરાને ઊભી કરી. તેને પોતાના બાહુપાશમાં લઈને હળવે-હળવે તેની પીઠ પર હાથ ફેરવતો રહ્યો, ‘શાંત થઈ જા.’

અક્ષરા રડતી રહી, પણ સૅલ્વેડોરે એના પર ધ્યાન આપ્યા વગર ડિનર મગાવ્યું. વૈભવી અને ફૅન્સી ભોજન. સૅલ્વેડોરે વિનંતી અને આગ્રહથી અક્ષરાને જમાડી. થોડી સ્વસ્થ થયેલી અક્ષરાએ સૅલ્વેડોરને પૂછ્યું, ‘આ બૉસ કોણ છે? તેનું નામ શું છે? ક્યાં રહે છે?’

‘તેનું નામ જ બૉસ છે. તે પૃથ્વીના કોઈ પણ દેશમાં, કોઈ પણ સમયે હોઈ શકે છે. તેના નજીકના માણસોએ પણ તેને જોયો નથી. હું તેના ફેવરિટ ક્લાયન્ટમાંથી છું એટલે એક વાર મેં તેનો અવાજ સાંભળ્યો છે, ફોન પર.’

‘મારે તેને મળવું છે...’

‘મૂરખ!’ કહીને સૅલ્વેડોરે વેટવાઇપથી મોઢું લૂછી કાઢ્યું, ‘સમ વાઇન?’ તેણે અક્ષરાને એવી રીતે પૂછ્યું જાણે બૉસને મળવાનો વિચાર પણ બેવકૂફીનો સીધો પુરાવો હોય.

સૅલ્વેડોરે એ રાત્રે અક્ષરાનો પૂરેપૂરો ઉપભોગ કર્યો. સવારે સાડાછ વાગ્યે, ૧૨ કલાકની ડ્યુટી પછી અક્ષરા નીકળવા માટે તૈયાર થઈ ત્યારે સૅલ્વેડોરે તેના હાથમાં ૧૦૦૦ યુરો મૂક્યા. અક્ષરા અચકાઈ. ત્યારે સૅલ્વેડોરે કહ્યું, ‘ટેક ઇટ બેબી. આ તારી ટિપ છે. તારું મહેનતાણું તો પહેલાં જ સેરેનાને ચૂકવાઈ ગયું છે.’ એક ક્ષણ વિચારીને અક્ષરાએ યુરો લઈ લીધા.

તે નીચે ઊતરી ત્યારે ડ્રાઇવર તેની પ્રતીક્ષામાં પૉર્ચમાં આવીને ઊભો હતો. ઘરે પહોંચતાંની સાથે જ અક્ષરા સીધી બાથરૂમમાં ગઈ. અડધો કલાક નહાયા છતાં અક્ષરાને પોતાના શરીર પર અનુભવાતો સૅલ્વેડોરનો સ્પર્શ કોઈ રીતે ભૂંસાતો નહોતો... તે નહાતાં-નહાતાં રડતી રહી ને રડતાં-રડતાં નહાતી રહી.

રહમત શુજા અને નજમા બન્ને બુરખા પહેરીને અલ નબા મહોલ્લામાં ઇમામની દરગાહ પર બેઠાં હતાં. રહમતને બીજા કોઈ પર વિશ્વાસ નહોતો એટલે તે નજમાને મળવા જાતે જ આવ્યો હતો.

‘બજાર ભરાય ત્યારે CCTV કૅમેરા બંધ થઈ જાય છે.’ નજમાએ ધીમેથી શુજાને કહ્યું, ‘હું બહુ જાણતી નથી, પણ કરોડોના સોદા હોય છે આ...’

‘વરસના કોઈ ચોક્કસ દિવસે હોય છે આ બધું?’ શુજાને પોતાના સવાલોના જવાબ મેળવવા હતા.

‘ધ્યાન નથી રહ્યું.’ નજમાએ કહ્યું, ‘પણ લગભગ આ જ સીઝન હોય છે. હું ૩ વર્ષથી છું.’ નજમાએ કહ્યું, ‘ઍક્ચ્યુઅલી, અઝીઝની એસ્ટેટમાં કોઈને લાંબો સમય રાખવામાં આવતા નથી. ત્રણ-ચાર વર્ષની નોકરી પછી એક યા બીજા કારણસર ગાર્ડ નોકરી છોડી દે છે અથવા તેને કાઢી મૂકવામાં આવે છે.’ કહીને તેણે ઉમેર્યું, ‘મારો ટાઇમ આવી જ જશે...’

‘એ પહેલાં તારે મારું કામ કરવાનું છે.’ શુજાએ કહ્યું, ‘સુલતાનસાહેબ તને એનું યોગ્ય ઇનામ આપશે.’ નજમા કંઈ બોલે એ પહેલાં શુજાએ ઉમેર્યું, ‘અમે તારી હિફાઝત કરીશું.’

‘કામ શું છે?’ નજમાએ શંકાથી પૂછ્યું.

‘મને એ માણસનું નામ અને વિગતો લાવી આપ જે આ છોકરીને અહીંથી લઈ ગયો...’

‘હું ક્યાંથી લાવું?’ નજમા અકળાઈ ગઈ.

‘કોઈ તો હશે, અઝીઝનો અઝીઝ! તેનો ખાસ માણસ જેની પાસે બધી વિગતો હશે; જે તેની રજેરજ, નસેનસથી વાકેફ હશે.’

‘તે મને આ વિગતો શા માટે આપે?’ નજમાએ પૂછ્યું.

‘એક ઔરત ઇચ્છે તો એક મર્દ પાસેથી જે જોઈએ તે મેળવી શકે...’ શુજાએ કહ્યું.

‘હું એવી ઔરત નથી.’ નજમા છંછેડાઈ ગઈ.

‘આ કુરબાની છે. જેહાદ. મુલ્કની ઇજ્જત માટે, બીજી ઔરતો માટે... જે કરવું પડે એ કરીને પણ તારે અમારી મદદ કરવી જોઈએ. ટેરરિસ્ટને શહીદ કહીને તેના ગુનાને ઢાંકવામાં આવે છે, પણ એ જેહાદ નથી. બેગુનાહને મારીને જન્નત ન મળે. હું બેગુનાહને મારવામાં નથી માનતો, બેગુનાહને બચાવવામાં માનું છું. ખુદા સાચા અને સારા કામનો સવાબ આપે છે. સાચા શહીદ તો એ છે જે મુલ્ક માટે, કોમ માટે ચૂપચાપ કુરબાની આપે.’

‘હું... હું...’ નજમા અચકાઈ. તેના મગજમાં ડેટા-પ્રોસેસિંગ શરૂ થયું. પહેલાં તો તે માણસને શોધવાનો ને પછી તેની પાસે માહિતી કઢાવવાની. એમાં જરાક પણ શંકા પડે તો મોત નક્કી. તે જવાબ આપે એ પહેલાં નજમાની નજર થોડે દૂર બેઠેલા એક માણસ પર પડી. નજમાને લાગ્યું કે તેણે તે માણસને ક્યાંક જોયો છે. ધ્યાનથી જોતાં સમજાયું કે તે અઝીઝનો જ એક ગાર્ડ હતો. તેની નજર નજમા અને તેની બાજુમાં બુરખો પહેરીને બેઠેલા રહમત શુજા તરફ હતી. ઘડીભર માટે નજમા ભૂલી ગઈ કે તેણે બુરખો પહેર્યો છે. તે ડરી ગઈ. નજમાનું ગળું સુકાઈ ગયું. પગ ધ્રૂજવા લાગ્યા. તેણે છેલ્લી વાત કહી, ‘આથી વધારે મને કંઈ ખબર નથી ને ફરી હું તમને મળવા નહીં આવું. શેખસાહેબને જરાસરખી ગંધ આવશે તો પણ તે મને જીવતી નહીં છોડે. મારી બુઢ્ઢી અમ્મી છે. તે મારી જવાબદારી છે. મને આવું સાહસ નહીં પોસાય.’ તે ઊભી થઈ ગઈ. રહમત શુજાનો હાથ પકડીને એક સ્ત્રી, બીજી સ્ત્રીની વિદાય લેતી હોય એવી નજાકતથી તેણે હાથ ચૂમ્યો, ‘ખુદા હાફિઝ. અલ્લાહ હાઝિર-નાઝિર છે. બધે જ તેની હકૂમત છે.’ તેણે કહ્યું. શુજા સમજી ગયો કે નજમાએ આસપાસમાં અઝીઝના માણસને જોયો છે. શુજાએ પણ પૂરી નજાકતથી નજમાનો હાથ ચૂમીને કહ્યું, ‘અલ્લાહ હાફિઝ. તે તેના બંદાનો પૂરો ખ્યાલ રાખે છે. ઇન્શા અલ્લાહ, કોઈ દિક્કત નહીં હોગી.’

નજમા ત્યાંથી સડસડાટ નીકળી. તે વારંવાર પાછળ જોઈ રહી હતી, પરંતુ અઝીઝનો ગાર્ડ તો નિરાંતે બેઠો હતો. કદાચ તે નજમાનો પીછો કરવા ન પણ આવ્યો હોય! રહમત શુજા હજી ત્યાં જ બેઠો હતો.

નજમા ઘરે પહોંચી ત્યાં સુધી તેના શ્વાસ અધ્ધર રહ્યા. તે પાછળ ફરીને વારંવાર જોતી રહી, પણ કોઈ તેનો પીછો કરતું હોય એવું લાગ્યું નહીં. તે ઘરે પહોંચીને અમ્મીને ભેટી પડી. તેની આંખોમાં ઝળઝળિયાં આવી ગયાં. અમ્મીએ વહાલથી તેના કપાળ પર ચૂમી ભરી, ‘પાગલ લડકી! રાત કે સપને સે કોઈ ઇતના ડરતા હૈ ક્યા?’

અમ્મીને ક્યાં ખબર હતી કે નજમા સપનાથી નહીં, તેણે જોયેલી અને જાણેલી હકીકતોથી ડરી ગઈ હતી. શુજાએ તેને જે કામ સોંપ્યું હતું એના પરિણામનો વિચારમાત્ર નજમાને ડરાવતો હતો. પોતે કામ ન કરે તો શુજા શું કરી શકે એ કલ્પના પણ તેને ડરાવતી હતી.

મુંબઈથી ફ્રૅન્કફર્ટ અને ત્યાંથી મિલાનની ફ્લાઇટ દરમ્યાન અચ્યુત તદ્દન ચૂપ હતો. તેના મગજમાં ઘમસાણ યુદ્ધ ચાલી રહ્યું હતું. અનેક સવાલો, એના અનેક જવાબો... અક્ષરા કઈ સ્થિતિમાં હશે એની ચિંતા ને સાથે જ મિહિરે આપેલી કડક સૂચના, જેમાં અક્ષરાની મદદ કરવાનો નિષેધ... બધું ભેગું થઈને અચ્યુતના મગજમાં એવી ખીચડી પાકી રહી હતી કે આંખો બંધ કરીને સતત આ વિચારોની ગૂંચ ઉકેલવાના પ્રયત્નમાં અટવાયેલો હતો.

બીજી તરફ મિહિર પોતાના બધા જ કૉન્ટૅક્ટ સુધી પહોંચવાનો પ્રયત્ન કરી રહ્યો હતો. મિલાનમાં વસતા તેના મિત્ર રુમી મખીજા સાથે વાત થઈ ચૂકી હતી. તે મિલાન ઍરપોર્ટ પર તેમને લેવા આવવાનો હતો. ઇટલીમાં આવેલી ભારતીય એમ્બેસીમાં પણ મિહિર એક વ્યક્તિને ઓળખતો હતો. તેનો સંપર્ક કરીને મિહિરે અક્ષરાની વિગતો તેના સુધી પહોંચાડી દીધી હતી. મિલાન ઍરપોર્ટ પર ઊતરેલા પ્રવાસીઓના લિસ્ટમાંથી અક્ષરાનો ચહેરો ઓળખાઈ ચૂક્યો હતો. હવે મિહિર અને અચ્યુતે મિલાનથી આગળના પ્રવાસની વિગતો શોધવાની હતી. એ માટે રુમી જ તેમની મદદ કરી શકે એમ હતો. મિહિરનો એક ઇટાલિયન પત્રકારમિત્ર ઇટલીના કેટલાક સિસિલિયન માફિયાને જાણતો હતો. તેમની સાથે ઓળખાણ કરાવવાનું તે પત્રકારે વચન આપ્યું હતું. મિહિર ખૂબ એક્સાઇટેડ હતો. તે જ્યારે આ બધું કહી રહ્યો હતો ત્યારે અચ્યુત અચાનક અકળાઈ ગયો, ‘તો તું અક્ષરાને શોધવા નહીં, તારી પોતાની રોટલી શેકવા આવે છે.’

‘આમાં મારો શું ફાયદો છે?’ મિહિરે પૂછ્યું.

‘સિસિલિયન માફિયા વિશે આર્ટિકલ કરજે, વાહ-વાહ મેળવજે... સેલિબ્રિટી બની જજે. આ બધામાં અક્ષરા તો છે જ નહીં.’

‘તું મૂરખ છે.’ મિહિર સામે અકળાયો, ‘તેમના વગર આપણે તારી ‘બિચારી’ અક્ષરાને ઇટલીમાં શોધી નહીં શકીએ.’ કહીને તેણે ઉમેર્યું, ‘આ સિસિલિયન માફિયા ઇટલીનો ખૂણેખૂણો જાણતા હોય છે. હ્યુમન ટ્રાફિકિંગમાં પડેલા માણસ માટે આ સિસિલિયન માફિયા સાથે સંબંધ રાખ્યા સિવાય બીજો ઑપ્શન નથી. પોલીસ અને માફિયાને તેમના કટ જતા જ હોય. તો જ આ ધંધો થઈ શકે. આખા યુરોપ પર તેમની પકડ છે. ૧૯૮૦-’૯૦થી શરૂ થયેલું આ નેટવર્ક છે. આજે તો ન્યુ યૉર્ક સિટીમાં પણ ઇટાલિયન માફિયાનું રાજ ચાલે છે. ડ્રગ્સ, હથિયાર, રાજનીતિક ભ્રષ્ટાચાર અને ધમકીનું કામ કરે છે એ લોકો...’

‘એટલે ગુંડા સામે લડવા ગુંડાની મદદ લેવાની?’

‘ના! તારા ને મારા પપ્પા આવશે ઉપરથી...’ મિહિરે વધુ ગુસ્સાથી કહ્યું, ‘અહીં પારકા દેશમાં બહુ દોઢડહાપણ કરવા જેવું નથી. મને મારી રીતે ગોઠવવા દે...’ કહીને તેણે સમજાવવાનો પ્રયાસ કર્યો, ‘આમ તો આ સિસિલિયન માફિયા પોતાના પરિવાર, બાળકો અને પત્નીને ખૂબ મહત્ત્વ આપતા હોય છે, પણ બેહિસાબ પૈસા આવે એની સાથે ઐયાશી આવી જ જાય. આમાંથી કોઈ આપણને અક્ષરાની માહિતી...’

‘યુ મીન કોઈ અક્ષરા સાથે સૂતું હોય... ને આપણે તે માણસને મળીને તેને કરગરીને ઇન્ફર્મેશન માગવાની? વાઉ! વૉટ અ પ્લાન!’

‘પ્લીઝ, તું ચૂપ રહીશ? આ પાવર, પૈસા અને પ્રોટેક્શનની દુનિયા છે... પ્રોસ્ટિટ્યુશન એનો ભાગ છે. તને ગમે કે ન ગમે, જે કરવું પડશે એ કરવું પડશે...’ કહીને તેણે ઉમેર્યું, ‘ગૉડફાધરમાં માઇકલ કાર્લિઓન કહે છે, કીપ યૉર ફ્રેન્ડ્સ ક્લોઝ, બટ યૉર એનિમીઝ ક્લોઝર...’

આ બધું સાંભળીને અચ્યુતને પોતે જ ‘ગૉડફાધર’ ફિલ્મનું કોઈ પાત્ર બની ગયો હોય એવી લાગણી થતી હતી. તેણે સિસિલિયન-ઇટાલિયન માફિયા વિશે માત્ર સાંભળ્યું હતું, તેમને પ્રત્યક્ષ મળવાનું થશે એવી અચ્યુતને કલ્પના પણ નહોતી.

બન્ને જણ મિલાનના ઍરપોર્ટ પર ઊતર્યા ત્યારે ઍરપોર્ટની બહાર નીકળતાં જ મિહિરનો મિત્ર રુમી દોડતો આવ્યો. તે મિહિરને ભેટી પડ્યો, ‘કેટલી વાર બોલાવ્યો... આજે આવ્યો છે. કામ પડ્યું એટલે...’ તેણે હાથમાં પહેરેલાં કડાં, ગુલાબી રંગનું ટી-શર્ટ, ગળામાં નાખેલો સ્કાર્ફ, વાળની પોની અને સ્ત્રૈણ ચહેરા પરથી સમજવું અઘરું નહોતું કે રુમી ગે છે.

મિહિરે વહાલથી તેની પીઠ થપથપાવી, ગાલ પર હળવી ચૂમી ભરી, ‘દેર લગી આને મેં હમકો, શુકર હૈ ફિર ભી આએ તો, યાદ ને દિલ કા સાથ ન છોડા, થોડે હમ ઘબરાએ તો...’ તેણે કહ્યું.

‘ઉફ! યૉર શાયરીઝ... ધે આર કિલિંગ...’ તેણે અચ્યુત સામે જોઈને હાથ લંબાવ્યો, ‘હાય, આઇ ઍમ રુમી. ઍન્ડ યુ આર માય ગેસ્ટ.’

બહાર નીકળીને એ લોકો લાલ કલરની કન્વર્ટેબલ મર્સિડીઝ એસ-ક્લાસ કેબ્રિયોલેટમાં ગોઠવાયા. ગાડીમાં બેસતાં જ અચ્યુતે પૂછ્યું, ‘ક્યાં જવાનું છે?’

‘હમણાં તો મારા ઘરે...’ રુમીએ હસીને કહ્યું. તેના ગાલમાં ડિમ્પલ પડતા હતા.

‘અક્ષરા વિશે કંઈ માહિતી મળી?’ અચ્યુત બેચેન હતો.

‘આ ઇટલી છે... અહીં સત્ય દરવાજાનો બેલ મારીને નથી આવતું, દીવાલોની પાછળ શ્વાસ લે છે. તમે જેટલા વધારે સવાલો પૂછશો એટલું રહસ્યમય બનતું જશે આ શહેર...’ રુમીએ ફરી સ્મિત કર્યું, ‘અહીં જવાબ તેને જ મળે છે જે જાણકારી માગતા નથી, ખરીદે છે.’

(ક્રમશઃ)

columnists kajal oza vaidya gujarati mid day lifestyle news life and style