07 June, 2026 12:02 PM IST | Mumbai | Kajal Oza Vaidya
ઇલસ્ટ્રેશન
અચ્યુત અને મિહિર ૪ દિવસ રુમીના ઘરે બેસીને પ્રતીક્ષા કરતા રહ્યા. રુમી રોજ સવારે બહાર જતો, બપોરે ભોજન લઈને પાછો આવતો, સાંજે વળી બહાર જતો અને મોડી રાત્રે પાછો ફરતો. આ બધા સમયમાં મિહિર અને અચ્યુત પાસે ખાવા અને વાઇન કે બિઅર પીવા સિવાય બીજું કોઈ કામ નહોતું. અચ્યુતની ધીરજ ખૂટવા લાગી હતી, પણ મિહિર શાંત હતો. ચોથા દિવસે અચ્યુતે પૂછ્યું, ‘આપણે ક્યાં સુધી આ રીતે બેસી રહેવાનું છે? મને લાગે છે કે મારી રીતે વ્યવસ્થા કરવી પડશે. આ રુમી આપણને #*#* બનાવે છે.’
તે ગુસ્સામાં આંટા મારી રહ્યો હતો. મિહિર સ્વસ્થતાથી તેના તરફ જોતો રહ્યો, ‘હું ઇટલીમાં વેકેશન કરવા નહીં, મારી પત્નીને શોધવા આવ્યો છું. આ ગે સાલો... આપણું કામ નહીં કરે. ફટ્ટુ છે... આપણને જવાનું નથી કહી શકતો એટલે બેસાડી રાખ્યા છે. હવે હું તો બેસી નહીં જ રહું.’ અચ્યુતનો અવાજ અજાણતાં જ ઊંચો થઈ ગયો.
‘તો?’ મિહિરે એ જ સ્વસ્થતાથી પૂછ્યું, ‘શું કરીશ તું? ઓળખે છે કોઈને ઇટલીમાં? અક્ષરા ક્યાં ગઈ એની જાણ છે તને? કોઈ ક્લુ છે તારી પાસે? ઇટલીની ગલીઓમાં શોધતો ફરીશ? અક્ષરા... અક્ષરા નામની બૂમો પાડીશ?’ અચ્યુત જરા ઠંડો પડ્યો, ‘જો! આપણી પાસે રુમી પર ભરોસો કર્યા સિવાય બીજો કોઈ રસ્તો નથી. શાંતિથી બેસ. તે ચોક્કસ આપણું કામ કરશે.’
‘શું ખાતરી?’ અચ્યુત હજીયે હાર્યો નહોતો.
‘ખાતરી?’ મિહિર હસ્યો, ‘તારી પાસે કોઈ ખાતરી છે કે તું રુમીની મદદ લીધા વગર તારી જાતે અક્ષરાને શોધી શકીશ?’ અચ્યુત પાસે કોઈ જવાબ નહોતો. તેણે ભીંતમાં મુક્કો પછાડ્યો. મિહિર ફરી હસ્યો, ‘આ ઍન્ટિક ઘર છે. તારો મુક્કો બાજુવાળાના ઘરમાં બહાર નીકળશે.’ અચ્યુત ચિડાઈને ઘરમાં ભૂખ્યા વાઘની જેમ આંટા મારતો રહ્યો.
એ બપોરે રુમી આવ્યો ત્યારે તેના ચહેરા પર ઉત્સાહ હતો. તે આવતાંની સાથે મિહિરને ભેટ્યો, ‘બ્રો, આઇ હૅવ ડન ઇટ.’ તેણે અચ્યુત સામે જોઈને કહ્યું, ‘ચલ, તૈયાર થઈ જા. આપણે તેમને મળવા જવાનું છે.’
‘તેમને?’ અચ્યુતે પૂછ્યું.
‘લૉરેન્ઝો વિરેટ્ટોને... અહીં લાવવામાં આવતી બધી જ એશિયન સ્ત્રીઓનો રેકૉર્ડ તેની પાસે રહે છે.’ રુમીએ જરા સંકોચ સાથે મિહિર સામે જોયું, ‘સૉરી બ્રો! તું નહીં જઈ શકે અમારી સાથે.’ મિહિરની આંખોમાં પ્રશ્નાર્થચિહન જોઈને રુમીએ જવાબ આપ્યો, ‘તેણે શર્ત કરી છે કે તે ફક્ત છોકરીના પતિને મળશે.’ મિહિરે ખભા ઉલાળીને પોતાની અસહાયતા જાહેર કરી.
‘પણ, હું એકલો...’ અચ્યુત સહેજ અચકાયો.
‘હમણાં તો એકલો ઇટલીની ગલીઓમાં ભમવા તૈયાર થઈ ગયો હતો. હવે રુમી સાથે લૉરેન્ઝોને મળવા જતાં ડર લાગે છે?’
‘ડર નથી લાગતો.’ અચ્યુતે કહ્યું. તેણે મિહિર સામે જોયું, ‘તું અહીં સુધી આવ્યો એ પછી જો તું મારી સાથે ન આવે તો...’ રુમીએ વચ્ચે જ વાત કાપી નાખી, ‘લૉરેન્ઝો વિરેટ્ટો ખૂબ વિચિત્ર માણસ છે. તેને જો એક વાર શંકા પડી જશે તો આપણી મદદ નહીં કરે. તેણે આપણને ૨૦ મિનિટમાં પહોંચવાનું કહ્યું છે. મોડું કરીશું તો મજા નહીં આવે.’ કહીને રુમીએ મિહિર સામે જોયું, ‘આને કહે યાર.’
મિહિરે ધીમેથી કહ્યું, ‘જા, એક વાર મળી તો આવ. આપણે જોઈએ કે શું થઈ શકે છે...’ અચ્યુત જૅકેટ પહેરીને કમને તૈયાર થયો. આકાશમાં વાદળ ઘેરાયેલાં હતાં. ગોરંભાયેલો વરસાદ ગમે ત્યારે તૂટી પડે એમ હતો. બન્ને જણ ગાડીમાં બેસીને ઇટલીના એવા વિસ્તારમાં પહોંચ્યા જેને ‘રોજ્ઝાનો’ તરીકે ઓળખવામાં આવે છે. ગાડી ચલાવતાં રુમીએ તેને માહિતી આપવા માંડી, ‘આ મિલાનની દક્ષિણ બાજુ છે. અહીં ડ્રગ-માફિયા ઑપરેટ કરે છે. ૧૯૬૦-’૭૦ના દાયકામાં ઇટલીના દક્ષિણ ભાગમાંથી ઘણા મજૂરો કામની શોધમાં મિલાન આવ્યા. તેમને રહેવા માટે ઝડપથી મોટા કૉન્ક્રીટ હાઉસિંગ બ્લૉક્સ બનાવવામાં આવ્યા. રોજ્ઝાનોમાં પણ એવાં વિશાળ અપાર્ટમેન્ટ કૉમ્પ્લેક્સ ઊભા થયા. સમય જતાં બેરોજગારી, ગરીબી અને સામાજિક એકલતા વધતી ગઈ. આ માત્ર ક્રાઇમ ઝોન નથી. અહીં હજારો ગરીબ, નીચલા મધ્યમ વર્ગના લોકો પણ રહે છે જે રોજ મિલાન કામે જાય છે. અહીં ગમે ત્યારે શૂટઆઉટ થઈ શકે. અહીંના લોકો પણ એનાથી ટેવાઈ ગયા છે.’
જેમ-જેમ ગાડી આગળ વધતી ગઈ તેમ-તેમ વાતાવરણ બદલાવા લાગ્યું. સાંકડી ગલીઓ આવવા લાગી. ગ્રૅફિટીથી ભરેલી દીવાલો, જૂનાં બિલ્ડિંગો અને સ્કૂટર પર ફરતા અમુક લોકોને જોઈને ડર લાગે એવું વાતાવરણ હતું. હજી હમણાં જ વરસાદ પડ્યો હતો. ભીંજાયેલો કૉન્ક્રીટ ચારે બાજુ વિખરાયેલો હતો. નાના-નાના બારમાં બેઠેલા લોકોના દીદાર ભયજનક હતા. બારની બહાર ઊભા રહીને જોર-જોરથી ચર્ચા કરી રહેલા કેટલાક ઇટાલિયન અને કેટલાક ડાર્ક લોકોના ચહેરા, તેમનાં વાળ અને વસ્ત્રો જોઈને તરત જ સમજાય કે આ બધા માફિયા ગૅન્ગ સાથે સંકળાયેલા લોકો છે.
રોજ્ઝાનો વિસ્તાર જેમ આગળ વધતો ગયો એમ વધુ ને વધુ એકલવાયો, વધુ ને વધુ શાંત થવા લાગ્યો હતો. ત્યાં ઊભેલાં કૉન્ક્રીટનાં ઊંચાં-ઊંચાં મકાનોમાં ક્યાંક લાઇટ દેખાતી હતી. વરસાદ વધતો જતો હતો. રુમી ગાડી ચલાવતો રહ્યો. ગાડીની વિન્ડસ્ક્રીન પર ફરતાં વાઇપર્સનો, કચડાતી કપચીનો અવાજ સાંભળી શકાય એટલી શાંતિ હતી. વરસાદનાં ટીપાં પથ્થરથી જડેલી શેરીઓ પર ટકરાઈને વિખરાઈ જતાં હતાં. અચ્યુત સહેજ સહેમી ગયો હતો. લૅમ્પપોસ્ટ અડધા તો બંધ જ હતા. જે ચાલુ હતા એની નીચે દેખાતા પીળા વર્તુળમાં વરસાદનાં ચકરડાં જોઈને રુમીએ ગાડી પાર્ક કરી. તે આમતેમ જોઈને નીચે ઊતર્યો. થોડે દૂર એક બારની બહાર બે પોલીસવાળા બેસીને બિઅર પી રહ્યા હતા. તેમણે બન્નેને જોયા, પણ કોઈ પ્રતિભાવ આપ્યો નહીં. રુમીએ ઇશારાથી અચ્યુતને ઊતરવાનું કહ્યું. અચ્યુત ગાડીમાંથી નીચે ઊતર્યો. રુમીએ પોતાના વિન્ડ-જૅકેટની ટોપી માથા પર ચડાવી દીધી. અચ્યુતે પણ પોતાનું હૂડી માથે ઓઢી લીધું. તે રુમીની પાછળ-પાછળ જવા લાગ્યો. બન્ને જણ એક અત્યંત સાંકડી અંધારી ગલીમાં પ્રવેશ્યા. ફુટપાથને બાદ કરતાં ગલીના રસ્તા પર બે માણસ સામસામે ચાલી શકે એટલી પણ જગ્યા નહોતી. એક કાચના દરવાજા પાસે રુમી અટક્યો. વરસાદથી ભીંજાતી એક સાંકડી ગલીમાં, પીળા લૅમ્પપોસ્ટની નીચે એક જૂનો બાર હતો. બહાર નિયોન સાઇનથી લખ્યું હતું, ‘લા ઓમ્બ્રા...’ જલતી-બુઝાતી નિયોનના પડછાયા ભીની સડક પર થોડીક વારમાં રંગની ને થોડીક વારમાં અંધારાની રંગોળી રચી રહ્યા હતા. દરવાજા પર ઊભેલો માણસ છ ફુટ ત્રણ ઇંચનો હતો. તેણે કાળું શર્ટ અને ટાઇટ જીન્સ પહેર્યાં હતાં. તેના પૅન્ટના ગર્ડલમાં દેખાય એવી રીતે રિવૉલ્વર ખોસી હતી. રુમી ત્યાં જઈને ઊભો રહ્યો એટલે તેણે રુમી સામે જોઈને ભવાં ઉલાળ્યાં. ‘કોને મળવું છે?’ તેણે પૂછ્યું.
‘સર લૉરેન્ઝો.’ રુમીએ પૂરા આદર સાથે કહ્યું. તેણે ઊભા રહેવાનો ઇશારો કર્યો. પછી ખિસ્સામાંથી સેલફોન કાઢીને કાને લગાડ્યો. સામેથી કશું કહેવાયું. તેણે ‘હમમ્’ જેવો ઉદ્ગાર કરીને બારનો દરવાજો ખોલી આપ્યો. રુમી અંદર દાખલ થયો. અચ્યુત તેને અનુસર્યો.
ફિલ્મોમાં જોયું હોય એવું દૃશ્ય હતું આ! લગભગ અંધારી કહી શકાય એવી નાનકડી બાર-કમ-રેસ્ટોરાં. દરેક ટેબલ પર લટકાવેલાં લૅમ્પનાં પીળાં ચકરડાં. ત્યાં બેઠેલા માણસોને જોઈને જ સમજાય કે તેમની પાસે ગન અથવા હથિયાર હશે જ. જૅઝ સંગીત ધીમા અવાજે વાગી રહ્યું હતું. લાલ વાળવાળી એક બ્લૉન્ડ છોકરી પેટ સુધી ખુલ્લા ‘વી’ આકારના ગળાનું ગાઉન પહેરીને બેસૂરા અવાજે ગાઈ રહી હતી. રુમી અંદર પ્રવેશ્યો, પાછળ અચ્યુત પણ...
૪ દિવસથી બેસીને પ્રતીક્ષા કરી રહેલો અચ્યુત ઇટલીમાં પોતાની પત્ની અક્ષરાને શોધવા બેચેન હતો. અહીં કોણ હશે લૉરેન્ઝો! તેણે આંખો ઝીણી કરીને જોવા માંડ્યું. બારની હાઈ ચૅર પર એક માણસ વર્સાચેનું શર્ટ પહેરીને બેઠો હતો. તેના ગળામાં હીરાનો ક્રૉસ આછા અજવાળામાં ઝળહળી રહ્યો હતો. તે હતો ડૉન લૉરેન્ઝો વિટ્ટોરી. બારટેન્ડર વાઇન, સ્કોચ કે કૉકટેલ સર્વ કરી રહ્યો હતો. લૉરેન્ઝોએ આ બન્ને જણને પ્રવેશતા જોયા. તેણે પોતાના હાથની આંગળી વાળીને તેની પાસે બોલાવવાનો ઇશારો કર્યો. તેની આંખો એવી શાંત હતી જે જોઈને અચ્યુતને વિચાર આવ્યો, ‘ડૉન જેવો તો જરાય નથી લાગતો. હત્યાઓ પણ પ્રાર્થના જેવી શાંતિથી કરતો હશે?’
‘હેલો ડોન લૉરેન્ઝો?’ રુમીએ હાથ લંબાવ્યો.
લૉરેન્ઝો હજી પણ નિરાંતે બેઠો હતો. પલક પણ ઝપકાવ્યા તે વગર અચ્યુતને જોઈ રહ્યો હતો. તેણે રુમીના શેકહૅન્ડનો જવાબ આપ્યા વગર સીધું અચ્યુતને પૂછ્યું, ‘તો તમે એ પતિ છો જે પ્રેમને પોલીસકેસ સમજીને પત્નીનો પીછો કરી રહ્યા છો.’ તેણે પોતાના જ જોક પર સ્મિત કર્યું અને પછી ઉમેર્યું, ‘ખોવાઈ ગયેલા માણસને શોધી શકાય, ભાગી ગયેલા માણસને નહીં...’
અચ્યુતે ધીમેથી પૂછ્યું, ‘મારી પત્ની ક્યાં છે?’
‘હું મફતમાં કંઈ નથી આપતો. મોત પણ નહીં!’ તેણે ફરી પોતાના જોક પર સ્મિત કર્યું. હવે અચ્યુતે ધ્યાનથી જોયું. તેની આંખો પીળા અને કથ્થાઈની વચ્ચે કોઈ વિચિત્ર રંગની હતી. ચહેરો ગોરો, વાળ સોનેરી. તેના ચહેરા પર હોઠથી હડપચી સુધી એક કાપો હતો, જેને કારણે તેનું સ્મિત વરવું અને ભયજનક લાગતું હતું, ‘દરેક માહિતીની કિંમત છે.’ તેણે કહ્યું, ‘છતાં તમે અહીં સુધી આવ્યા છો તો એટલું કહી દઉં કે તમારી પત્ની મિલાનમાં નથી. આને તમે ક્લુ સમજી શકો છો’
‘મિલાનમાં નહીં હોય એવું તો અમે ધાર્યું જ હતું...’ રુમી વચ્ચે બોલ્યો. લૉરેન્ઝોએ તેની સામે જોયું. તેની આંખોમાં કંઈક એવું હતું જેનાથી રુમી ચૂપ થઈ ગયો.
‘તે પોતાનો ચહેરો પણ ભૂલી ગઈ છે. એટલે તમને ઓળખશે કે નહીં એની કોઈ ખાતરી નથી...’ લૉરેન્ઝો હસ્યો.
‘મને ગેમ્સ ગમતી નથી.’ અચ્યુત સહેજ અકળાઈ ગયો.
‘...અને મને ઉતાવળા માણસો.’ લૉરેન્ઝોએ ગ્લાસ બહાર ટેબલ પર મૂક્યો, ‘તમે ગુસ્સામાં છો સિગ્નોર! ગુસ્સો એ સૌથી સસ્તું હથિયાર છે.’ કહીને તેણે ફરી પેલું વરવું સ્મિત કર્યું, ‘સૌથી નકામું પણ...’ કહીને તેણે ફરી એક આંગળી હલાવીને બેસવાનો ઇશારો કર્યો. અચ્યુત થોડીક ક્ષણ ઊભો રહ્યો. લૉરેન્ઝો એવી રીતે વર્ત્યો જાણે અચ્યુત બેસશે નહીં ત્યાં સુધી તેના તરફ જોશે પણ નહીં. અંતે અચ્યુત બેસી ગયો. તેની આંખોમાં બેચેની સળગતી રહી. લૉરેન્ઝોએ પૂછ્યું, ‘શું કરશો તેને શોધીને? આ બધી મહેનત પછી તે તમારી સાથે આવવાની ના પાડશે તો?’
‘એવું નહીં થાય.’ અચ્યુત કોઈ રીતે શાંત થઈ શકતો નહોતો, ‘અક્ષરા મારી સાથે ખુશ હતી.’
‘સર, તે છેક સુધી તેની પત્નીને શોધવા આવ્યો છે. હી લવ્ઝ હિઝ વાઇફ.’ રુમી ફરી વચ્ચે બોલ્યો.
લૉરેન્ઝોએ તેની સામે ચેતવણીની નજરે જોયું. પછી અચ્યુત તરફ જોઈને કહ્યું, ‘સમજી ગયો કે તે પ્રેમ કરે છે, પણ તેની પત્ની તેને પ્રેમ નથી કરતી એ વાત આ બેવકૂફને કેમ સમજાતી નથી? આમ તો દરેક પતિ એવું જ માને છે!’ કહીને લૉરેન્ઝો ફરી હસ્યો, વરવું, ‘જ્યાં સુધી તેની પત્ની તેને છોડીને ભાગી ન જાય ત્યાં સુધી.’ બહાર વીજળીનો કડાકો થયો, ‘લગ્ન પછી કોઈ ખુશ નથી હોતું. બે લોકો વચ્ચે કરાર ટકી રહે ત્યાં સુધી લગ્ન ટકે છે. પત્ની સેક્સ આપે છે અને પતિ એ માટે કિંમત ચૂકવે છે.’ અચ્યુત સાંભળતો રહ્યો. તેને અચાનક અક્ષરાના ફોનકૉલ્સ અને સુશીલાની સાથે થયેલી વાતચીત યાદ આવી ગઈ. આ માણસ, લૉરેન્ઝો દુનિયાને આરપાર જોઈ રહ્યો હતો. તેણે અચ્યુતની આંખોમાં આંખો નાખીને કહ્યું, ‘જે લગ્ન લાંબાં ટકી જાયને એમાં મહોબ્બત નહીં, મજબૂરી હોય છે. બે વૃદ્ધો જ્યારે લગ્નમાં બંધાઈને રહે ત્યારે એ બે એકલતાઓ વચ્ચેનું સમાધાન છે.’ તેણે કહ્યું, ફરી હસ્યો.
‘અઝીઝના માણસો તેને લઈ ગયા.’ અચ્યુતે દાંત ભીંસીને કહ્યું, ‘મારે જાણવું છે કે તે ક્યાં છે?’
‘અમે બહુ આશા લઈને આવ્યા છીએ સર.’ રુમીએ ફરી કહ્યું.
લૉરેન્ઝો થોડી વાર મૌન રહ્યો. પછી તેણે અચ્યુતની આંખોમાં જોયું, ‘તમારી જાતને મૂરખ બનાવવાનું છોડી દો. તમારી પત્ની અહીં આવી હતી પોતાની ઇચ્છાથી.’
અચ્યુતની આંખોમાં ક્ષણભર ખાલીપો ફેલાયો. તેની આંખોમાં ઝળઝળિયાં આવ્યાં. તે જાણતો હતો કે લૉરેન્ઝોની વાત સાચી છે, ‘મારે તેને મળીને એ જ પૂછવું છે કે તેણે આવું શા માટે કર્યું? બધું જાણો છો તો એનો જવાબ પણ આપી જ દો.’
લૉરેન્ઝોનો કાપો લંબાયો, તેના દાંત દેખાયા, ‘કારણ કે કેટલીક સ્ત્રીઓ સુરક્ષામાં સુખી નથી રહી શકતી. તેમને અજવાળું નહીં, અંધારું આકર્ષે છે. જીઝસ નહીં, ડેવિલ ગમે છે. ખુશ રાખતો, પ્રેમ કરતો પતિ નહીં; ચાબુક મારતો, વાળ ખેંચતો પ્રેમી જોઈએ છે તેેને...’ લૉરેન્ઝોની આંખોમાં સ્ત્રી માટેનો તિરસ્કાર ઝળકી ઊઠ્યો.
‘તમે જુઠ્ઠું બોલો છો.’ અચ્યુતનું મન હજીયે આ સત્ય સ્વીકારવા તૈયાર નહોતું. તે બધું જ સમજતો હતો એમ છતાં જાણે તેનું મન કોઈ ડિનાયલમાં, અસ્વીકારમાં હતું.
લૉરેન્ઝોએ આગળ વધીને અચ્યુતના ખભા પર હાથ મૂક્યો, ‘આ દુનિયામાં સૌથી જુઠ્ઠો શબ્દ પ્રેમ છે. અમે માફિયા સૌથી ઈમાનદાર છીએ. અમે ક્યારેય જુઠ્ઠું નથી બોલતા. લોહી અને બંદૂકની વચ્ચે અમારી પાસે સમય નથી આવા ફાલતુ ઇમોશનલ બકવાસ માટે.’ લૉરેન્ઝોએ સિગાર સળગાવી. તેણે ધુમાડો હવામાં છોડ્યો, ‘તું તારી પત્નીને નહીં તારા અહંકારને પાછો લઈ જવા આવ્યો છે.’ લૉરેન્ઝોની આંખોમાં ફરી એ તિરસ્કાર દેખાયો, ‘દોસ્ત... આખું ઇટલી મારા નામથી ડરે છે, પણ એક સ્ત્રી હતી... જેને રોકવા માટે મેં ગન નહીં, ઘૂંટણ વાપર્યા હતા. એમ છતાં તે ચાલી ગઈ, મારી નજર સામે, તેના પ્રેમીની સાથે. હું તેને મારી નાખી શક્યો હોત, પણ મારી આંગળીઓએ મને સાથ ન આપ્યો...’ લૉરેન્ઝોની આંખોમાં ઠંડી ચમક દેખાઈ, ‘હવે સમજાય છે કે હું તે સ્ત્રીને નહીં, મારા પુરુષત્વને, મારા ઈગોને રોકવા માગતો હતો.’ હવે લૉરેન્ઝોએ રુમી તરફ જોયું, ‘ફાઇવ થાઉઝન્ડ યુરો.’ તેણે કહ્યું. રુમીએ પોતાના જૅકેટમાંથી એક એન્વેલપ કાઢીને ટેબલ પર મૂક્યું. અચ્યુત આશ્ચર્ય અને આઘાતમાં રુમી સામે જોઈ રહ્યો, ‘જુએ છે શું? આ માહિતીની કિંમત તો પહેલાં જ નક્કી થઈ ગઈ હતી. બરાબર છેને?’ લૉરેન્ઝોએ રુમી સામે જોયું, ‘મને એ નથી સમજાતું કે આ માણસ માટે તું આટલા બધા પૈસા શા માટે ખર્ચે છે?’
‘દોસ્તી!’ રુમીના ચહેરા પર સ્મિત હતું, પણ આંખોમાં ઉદાસી હતી, ‘તેનો દોસ્ત મારો દોસ્ત છે... તે માણસે મારી મદદ ત્યારે કરી છે જ્યારે આ દુનિયા મારા પર થૂંકતી હતી. મુંબઈ છોડીને પૅરિસમાં સેટલ થવા માટે તેના દોસ્તે મને પૈસા આપ્યા છે. કદી હિસાબ નથી રાખ્યો... હું આ માણસ માટે પૈસા નથી ખર્ચી રહ્યો, માત્ર મારું દેવું ઉતારી રહ્યો છું! ઋણ-ઑબ્લિગેશન તો ક્યારેય નહીં ઉતારી શકું...’ રુમીની આંખમાં ઝળઝળિયાં આવી ગયાં. પીળા પ્રકાશમાં તેની આંખો ચમકી.
બહાર વરસાદ વધી ગયો હતો. અચ્યુત ચૂપચાપ નીચું જોઈને બેસી રહ્યો. થોડીક ક્ષણ પછી લૉરેન્ઝોએ ખિસ્સામાંથી એક કાગળ કાઢ્યો. ‘બેલાજિયો’ તેણે કહ્યું. અચ્યુતે ઊંચું જોયું. લૉરેન્ઝોએ કાગળ અચ્યુત તરફ સરકાવ્યો, ‘પણ યાદ રાખજે... આ મુલાકાત તને તારી પત્ની સુધી નહીં; તારા અપમાન અને તારી બેચેની, તારા જાતે સર્જેલા નર્ક સુધી લઈ જશે.’ દરવાજા સુધી પહોંચતાં લૉરેન્ઝોનો અવાજ ફરી આવ્યો, ‘સ્ત્રીની પાછળ દોડતો માણસ આંધળો બની જાય છે. તેને સત્ય કે સ્વમાન કશું દેખાતું નથી... તું બેલાજિયો પહોંચીશ ત્યારે તને સમજાશે કે ભાગી ગયેલી સ્ત્રી કરતાં વધારે ખતરનાક પાછી ફરેલી સ્ત્રી હોય છે કારણ કે તે પોતાની સાથે અનેક પુરુષોના સ્પર્શ અને એક વાર ચાખેલી આઝાદી લઈને કેદમાં પ્રવેશે છે... તું તેને લાંબો સમય રોકી નહીં શકે, કારણ કે તેને હવે પોતાની કિંમત કરતાં આવડી ગઈ છે.’
(ક્રમશઃ)