21 June, 2026 06:41 PM IST | Mumbai | Kajal Oza Vaidya
ઇલસ્ટ્રેશન
‘વી કૅન કિલ હર...’ સેરેનાના અવાજમાં એક વિચિત્ર પ્રકારની ક્રૂરતા હતી, ‘આ છોકરી બધાને ફસાવશે...’
‘તેને મારી નાખવી એ ઉપાય નથી.’ અઝીઝે સ્વરોવ્સ્કીના ગ્લાસમાં સિંગલ મૉલ્ટ ઘુમાવી. બરફના ટુકડા પાતળા ગ્લાસ સાથે ટકરાયા, ‘તેના બેવકૂફ આશિકને પતાવવો પડે. નહીં તો તે બેવકૂફ તેને કબરમાંથી પણ શોધી કાઢશે.’
‘સાચી વાત છે. ગઈ કાલે તે લૉરેન્ઝોને મળ્યો છે, આજે એલેના સુધી પહોંચી જ જશે.’ સેરેનાએ કહ્યું, ‘તમે કહો તો અહીં બેલાજિયોમાં જ...’
‘ક્યાં મારવો એ અગત્યનું નથી. કેવી રીતે મારવો એ વિચારવું પડશે.’ અઝીઝે તેના હાથમાં પકડેલા ગ્લાસમાંથી આલા શરાબની ચૂસકી ભરી, ‘કાર-ઍક્સિડન્ટ કે આત્મહત્યા લાગવી જોઈએ.’ સેરેના સાંભળતી રહી, ‘રહમત શુજા મારું પગેરું દબાવી રહ્યો છે.’
‘ઓકે, હું મૅનેજ કરું છું.’ કહીને સેરેનાએ ફોન ડિસકનેક્ટ કર્યો.
અઝીઝ આજે પહેલી વાર એકલો બેસીને શરાબ પી રહ્યો હતો. તે સામાન્ય રીતે શરાબ પીતો જ નહીં... એકાદ-બે પેગ, કોઈની સાથે કંપનીમાં કે સોશ્યલી પીએ, પણ તે ‘શરાબી’ નહોતો. આજે નજમાનું ખૂન કરાવ્યા પછી તેની ભીતર ભયનું એક લખલખું પસાર થઈ ગયું હતું. છેલ્લાં કેટલાંય વર્ષોથી તે આ વ્યવસાયમાં સ્ત્રીઓની લે-વેચ કરતો હતો, પરંતુ આજ સુધી કોઈ દિવસ તેના સફેદ કંડુરા (ઝભ્ભા) પર છાંટો સરખો ઊડ્યો નહોતો. અક્ષરાની પાછળ-પાછળ રહમત શુજા તેના મહેલ સુધી પહોંચી ગયો ત્યારે તોળાઈ રહેલા ભયનો અંદાજ અઝીઝને આવી ગયો હતો. અક્ષરાને મારી નાખવાથી તેને શોધતા સૌની ટ્રેઇલ પૂરી થઈ જશે. જો અક્ષરા જ ન રહે તો આપોઆપ સૌના હાથ હેઠા પડશે; પરંતુ પછી તેને સમજાયું કે હવે રહમત શુજા માત્ર અક્ષરાના ગુમ થવાના કેસને નહીં, અઝીઝની આખી જાળને ઉકેલવાના પ્રયાસમાં લાગી ગયો હતો. તેને રોકવો અઘરું હતું, પરંતુ પુરાવાનો નાશ કરી શકાય તો જ પોતે બચી શકે એ પણ અઝીઝને સમજાવા લાગ્યું હતું.
રહમત શુજાને કેવી રીતે ચકમો આપવો એ વિશે અઝીઝનું મગજ કમ્પ્યુટરની ઝડપથી ચાલવા લાગ્યું. તેણે રહમત શુજાના બધા સોર્સિસ વિચારી જોયા. નજમાના કિસ્સા પછી હવે શુજા તેના મહેલમાંથી કે ગાર્ડની ટીમમાંથી કોઈ પાસે માહિતી કઢાવવાનો પ્રયાસ નહીં કરે એ વાતની અઝીઝને ખાતરી હતી. પોતાના વિશે માહિતી કઢાવવા રહમત કોનો ઉપયોગ કરી શકે એ તમામ વ્યક્તિનો વિચાર કરતાં છેલ્લે તેના મગજમાં વિશ્વપ્પાનું નામ ચમક્યું.
બીજી તરફ વિશ્વપ્પા પાસે અઝીઝના ખબર પહોંચાડ્યા વગર બીજો કોઈ છૂટકો નહોતો. રહમત શુજાએ તેને જે રીતે ધમકી આપી હતી એ પછી શારજાહમાં રહીને વિશ્વપ્પા કોઈ રીતે રહમત શુજાનો હુકમ ટાળી શકે એમ નહોતો. વિશ્વપ્પા ફસાયો હતો. રહમત શુજા તેનું કામ પત્યા પછી પોતાને નહીં બચાવે એવા ડરને કારણે તેણે અઝીઝના શરણે જવાનો નિર્ણય કરી લીધો.
અઝીઝે ઘણું વિચાર્યા પછી વિશ્વપ્પાને ફોન લગાડ્યો. તે દુકાન વધાવવાની તૈયારીમાં હતો.
‘બોલો... બોલો... શેખસાહેબ...’ વિશ્વપ્પાએ બને એટલા સહજ રહેવાનો પ્રયાસ કર્યો. હવે તેની ત્રીજી પેઢી શારજાહમાં વસતી હતી. તે અરેબિક ચોખ્ખું બોલી શકતો, પરંતુ તેના હિન્દી અને અંગ્રેજી ઉચ્ચારો દક્ષિણ ભારતીય હતા.
‘બોલવાનું તો તારે છે... કોની વફાદારી નિભાવીશ? મારી કે રહમતની?’ અઝીઝે સીધો જ ઘા કર્યો. બન્ને તરફ એક વિચિત્ર મૌન છવાઈ ગયું.
વિશ્વપ્પાને ફાળ પડી હતી, પરંતુ તેણે હસવાનો પ્રયાસ કરતાં કહ્યું, ‘કોણ રહમત શુજા? હું તો તમને ઓળખું છું શેખસાહેબ. વર્ષોની દોસ્તી છે આપણી. તમારું નમક ખાધું છે...’ તેણે કહ્યું. વિશ્વપ્પાએ ધાર્યું હતું એમ જ અઝીઝે કોઈ પ્રતિભાવ ન આપ્યો. ગભરાયેલો અને બઘવાયેલો વિશ્વપ્પા બોલતો રહ્યો, ‘હા... હા! શુજાસાહેબ આવ્યા હતા. તેમણે મને તમારી જાસૂસી કરવાનું કામ સોંપ્યું છે. ધમકી પણ આપી છે. કહ્યું કે સલ્તનતનો અહેસાન અદા કરવાનો સમય આવી ગયો છે... શેખસાહેબ, હું ફસાયો છું. તમે જ બચાવી શકશો.’ આ બધું સાંભળ્યા પછી પણ અઝીઝ ચૂપ
રહ્યો. ‘શેખસાહેબ, હું શું કરું?’ વિશ્વપ્પાએ પૂછ્યું.
‘ખુદકુશી.’ અઝીઝે એકાક્ષરી જવાબ આપ્યો. વિશ્વપ્પાને પરસેવો વળી ગયો. તે દુકાન બંધ કરતી વખતનો છેલ્લો હિસાબ કરી રહ્યો હતો. નજર સામે દિરહામની થોકડી પડી હતી. તેના ડ્રૉઅરમાં હંમેશાં રહેતી રિવૉલ્વર તરફ તેની નજર ગઈ. અઝીઝે ભલે ધમકીના સૂરમાં કહ્યું હોય, પરંતુ અંતે એ જ પરિસ્થિતિ આવશે એવી શંકાથી વિશ્વપ્પા નખશિખ ધ્રૂજી ઊઠ્યો.
વિશ્વપ્પાએ ધીમા અવાજે કહ્યું, ‘શેખસાહેબ, હું ક્યારેય તમને દગો નહીં કરું, પણ મને સલ્તનતના ખૌફથી બચાવી લો.’
‘શારજાહ છોડી દે.’ અઝીઝે કહ્યું, ‘બાકી શુજા તને નહીં છોડે.’ બે ક્ષણના મૌન પછી અઝીઝે ઉમેર્યું, ‘ને શુજાનાં તળિયાં ચાટવા જઈશ તો કુત્તાથી બદતર મોત માટે તૈયાર રહેજે.’
‘શેખસાહેબ...’ વિશ્વપ્પા લગભગ રડી પડ્યો, પણ સામે છેડેથી ફોન ડિસકનેક્ટ થઈ ચૂક્યો હતો. સાવ અન્યમનસ્ક થઈને વિશ્વપ્પા થોડી વાર બાઘા જેવો બેસી રહ્યો. તેની આંખોમાંથી આંસુ વહેતાં હતાં, ગળું સુકાઈ ગયું હતું. શાવર નીચે ઊભા રહીને બહાર નીકળ્યો હોય એમ AC કૅબિનમાં હોવા છતાં કપડાં પરસેવાથી લથપથ થઈ ગયાં હતાં. તેણે સામે ગોઠવેલી તિરુપતિ બાલાજીની તસવીર તરફ જોયા કર્યું. થોડીક ક્ષણ એમ જ બેસી રહ્યા પછી તેણે રહમત શુજાને ફોન લગાવ્યો, ‘અઝીઝ મને મારી નાખશે.’ શુજાનો અવાજ સંભળાયો કે તરત સલામ, દુઆની કોઈ ફૉર્માલિટી વગર તેણે કહી નાખ્યું, ‘હું તમારું કામ નહીં કરી શકું. હું સુલતાનસાહેબની સજા માટે તૈયાર છું.’
‘તું ડરી ગયો છે.’ રહમત શુજાએ સહેજ સમજાવવાનો પ્રયાસ કર્યો, પરંતુ સામા છેડે વિશ્વપ્પા નાના બાળકની જેમ મોટા અવાજે ડૂસકાં ભરીને રડતો રહ્યો. શુજાએ તેને આશ્વાસન આપવાનો, સમજાવવાનો, હિંમત આપવાનો ઘણો પ્રયાસ કર્યો; પણ વિશ્વપ્પાએ એક જ વાત પકડી રાખી. અંતે જ્યારે વિશ્વપ્પાએ ખુદકુશીની ધમકી આપી ત્યારે શુજાએ થાકીને કહ્યું, ‘તને બીજો કોઈ રસ્તો સૂઝે છે?’
‘તેની બેગમો ઝવેરાત ખરીદ્યા કરે છે. અવારનવાર મારી દુકાને આવે છે. અઝીઝની એક બેગમ ગુલનોરા ઉઝબેકિસ્તાની છે. તે અઝીઝથી કંટાળી છે. જેટલી વાર અહીં આવે છે એટલી વાર મારી સાથે વાત કરવાનો પ્રયત્ન કરે છે. તે પાછી જવા માગે છે, પણ મેં કોઈ દિવસ દાદ દીધી નથી. એક વાર તેણે ચોખ્ખું કહ્યું હતું કે અઝીઝના સકંજામાંથી છટકવું સરળ નથી. જો તમે તેને સહીસલામત પાછી મોકલવાનું વચન આપો તો...’ વિશ્વપ્પાએ થૂંક ગળે ઉતાર્યું, શાંત થવાનો પ્રયત્ન કરતાં તેણે કહ્યું, ‘તે આપણી મદદ ચોક્કસ કરશે.’
‘હંમમ...’ રહમત શુજાએ થોડો વિચાર કરીને કહ્યું, ‘મીટિંગ ફિક્સ કર. તારી દુકાનમાં.’
‘શુજાસાહેબ...’ વિશ્વપ્પા કરગર્યો.
‘૨૪ કલાકની અંદર.’ કહીને શુજાએ ફોન ડિસકનેક્ટ કરી નાખ્યો.
સવારે સાડાછ વાગ્યે મિલાનથી નીકળીને બેલાજિયો જવાના રસ્તે બ્રુનેટ નામના ગામની બહાર આવેલા એક સુંદર ‘કૅફે ફ્યુનિક્યુલર’ની બહાર રુમીએ ગાડી ઊભી રાખી.
ફ્યુનિક્યુલર સ્ટેશન પાસે આવેલી આ કૅફેમાં બહારનું દૃશ્ય જાણે કોઈ ઇટાલિયન ચિત્રકારે ધીરજથી રંગેલા કૅન્વસ જેવું લાગતું હતું.
સામે દૂર સુધી પથરાયેલો લેક કોમો બપોરના સૂર્યપ્રકાશમાં ચાંદીના પાતળા વરખ જેવો ચમકતો હતો. તળાવનું પાણી રંગો બદલતું હતું, ક્યાંક વાદળી, ક્યાંક લીલુંછમ અને ક્યાંક સૂર્યનાં કિરણોથી સુવર્ણ. રસ્તાની એક બાજુ ઊભેલાં સાયપ્રસ અને ઑલિવનાં વૃક્ષો પવન સાથે ધીમે-ધીમે હલતાં હતાં. એમની વચ્ચેથી પસાર થતી પથ્થરથી જડેલી સાંકડી ગલીઓ ઉપર ચડતી અથવા નીચે ઊતરતી દેખાતી હતી. ક્યાંક કોઈ વૃદ્ધ દંપતી હાથમાં હાથ નાખીને ચાલતું હતું તો ક્યાંક રંગીન સ્કાર્ફ પહેરેલી પ્રવાસી સ્ત્રીઓ ફોટો પડાવી રહી હતી. ઑલિવના ઝાડ નીચે ઊભેલું એક યુગલ ચુંબન કરવામાં મસ્ત હતું. તેમને જોઈને અચ્યુતને ફરી એક વાર અક્ષરાની યાદ ફાંસની જેમ ખૂંચી ગઈ. કૅફેની બહાર નાનાં ગોળ ટેબલો પર સફેદ કપમાંથી ઊઠતી કૉફીની વરાળ અને તાજા બેક થયેલા ક્રોસોંની સુગંધ હવામાં ભળી જતી હતી. ‘મને તો આ સુગંધથી જ ભૂખ લાગી જાય છે.’ રુમીએ કહ્યું, ‘અહીંનું સફેદ માખણ આ કૅફેની વિશેષતા છે. ગાયના દૂધમાંથી બનેલું માખણ અને ઇટાલિયન ચીઝ ખાવા માટે અહીં
દૂર-દૂરથી પ્રવાસીઓ આવે છે.’
‘આપણે પહેલાં પણ અહીં આવ્યા છીએ.’ મિહિરે કહ્યું.
‘તને યાદ છે?’ રુમીએ પૂછ્યું. તેના ચહેરા પર સ્મિત આવ્યું, ગાલમાં ખાડા પડ્યા, ‘મારી ફેવરિટ જગ્યા છે. અહીં સવાર કરતાં સાંજની વધુ મજા છે. આકાશમાં જે રંગો દેખાય છે એ દુનિયાની કોઈ કલર પૅલેટમાં મળે નહીં! પાણીમાં તરતા વૃક્ષોના પડછાયા ધીમે-ધીમે હલતા હોય ત્યારે લાગે કે જાણે સમય સ્વયં શ્વાસ લેવા લાગ્યો છે.’
‘તું તો કવિ થઈ ગયો છે.’ મિહિરે કહ્યું.
‘ઇટલીમાં રહીને કોઈ પણ કવિ બની જાય. આ દેશ પાસે એક વિચિત્ર પ્રકારનો રોમૅન્ટિક ઇતિહાસ છે. ફ્રાન્સ લોહિયાળ છે, બુદ્ધિશાળી અને વિદ્રોહી છે; પરંતુ ઇટલી પાસે હૃદય છે. ‘લા ડોલ્શે વિતાં’ - મીઠું જીવન એ ઇટલીની ફિલોસૉફીનો ભાગ છે. અહીં જીવન ધીમું છે ને કદાચ એટલે જ આ દેશ ખુલ્લો, હૂંફાળો અને આત્મીય લાગે છે. ફ્રાન્સ એક ઝડપથી ભાગતું હરીફાઈમાં હાંફતું વિશ્વ છે, જ્યારે ઇટલી શિયાળાના લાંબા હૂંફાળો તડકો ધરાવતા બપોર જેવું છે. અહીં કૉફી ઠંડી થઈ જાય તો લોકો બીજી મગાવે છે... પણ વાત અટકતી નથી...’ રુમી હજી બોલતો જ રહ્યો હોત, પરંતુ અચ્યુત અકળાઈ ગયો.
‘થઈ ગયું? હું અહીં ઇટલી ફરવા નથી આવ્યો કે નથી અહીં ફ્રાન્સનો ઇતિહાસ જાણવા આવ્યો. મારે બેલાજિયો પહોંચવું છે. ઑર્ડર કર, નાસ્તો કરીએ એટલે આગળ વધીએ.’ અચ્યુતે જે રીતે છણકો કર્યો એનાથી રુમી ચિડાઈ ગયો. તે જવાબ આપવા જતો હતો, પરંતુ મિહિરે તેને આંખોથી જ રોકી લીધો. રુમીએ ગરમ ક્રોસોં, વાઇટ બટર, કૉફી અને હેલેપિનો બ્રેડનો ઑર્ડર કર્યો. સૌએ પેટ ભરીને નાસ્તો કર્યો અને ત્રણેય જણ પાછા ગાડીમાં ગોઠવાયા ત્યારે તેમને કલ્પના પણ નહોતી કે મિલાનમાં સેરેનાએ અચ્યુતને ખતમ કરવાનો પ્લાન બનાવવાની શરૂઆત કરી દીધી હતી.
સવારે સાડાછ વાગ્યે મર્સિડીઝની જી-વૅગન આવીને ઊભી રહી. સેરેનાએ અપાવેલા
ફૅન્સી-મોંઘા લગેજની સાથે અક્ષરા એ ગાડીમાં ગોઠવાઈ. તેના મનમાં ભીતરથી કોઈ વિચિત્ર પ્રકારની લાગણી થઈ રહી હતી. જાણે કોઈ તેની રાહ જોઈ રહ્યું હોય, તેના સુધી પહોંચવાનો પ્રયાસ કરી રહ્યું હોય એવું ખેંચાણ અક્ષરાનું મન અનુભવી રહ્યું હતું. તે પાછી ફરી-ફરીને રસ્તો જોતી રહી. કોઈ અચાનક મળી જશે એવો પૂર્વાભાસ તેને થયા કરતો હતો, પરંતુ તે મનોમન હસી પડી. આ અજાણ્યા દેશમાં બદલાઈ ગયેલા નામ અને ઓળખ સાથે કોણ મને મળવા આવે?!
સેરેનોબીઓ... સ્વિટ્ઝરલૅન્ડની સરહદની નજીક, લેક કોમોના પશ્ચિમ કિનારે આવેલું સુંદર શહેર... એક બાજુ વીંટીમાં જડ્યો હોય એવો લેક કોમો અને બીજી તરફ પહાડોના ઢાળ પર જાણે ચોંટાડી દીધાં હોય એવાં પથ્થરનાં નાનકડાં ઘરો. ક્યારેક કોમોનું પાણી રસ્તાની એટલી નજીક આવી જાય કે ગાડી પાણીમાં વહી જવાની બીક લાગે! વિસ્ટેરિયા, ઑલિવ, સાયપ્રસ જેવાં વૃક્ષોથી ઢંકાયેલા રસ્તામાં મોલ્ટ્રાસિયો, લેજ્લિઓ, કૅરેટ અને યુરિયો જેવાં ગામડાં આવે. સવારના સોનેરી તડકામાં યુગલો અને ભૂલકાં પીચ, એપ્રિકોટ, ચેરી, અંજીર જેવાં તાજાં ફળો; ઑલિવ અને ઑલિવનું તેલ; ગાય અને બકરીના દૂધનું ચીઝ; ઘરના બનાવેલા જૅમ અને સૂકાં ફૂલો; લૅવન્ડર્સ અને સુગંધી વનસ્પતિ વેચવા માટે ઊભાં હતાં. વૃદ્ધો તડકો માણતાં કૉફી પી રહ્યા હતા. ઇટાલિયન ગ્રામજનોને જોતાં-જોતાં અક્ષરા વિચારી રહી હતી... કોણ હશે આ VVIP ક્લાયન્ટ!
તે જ્યારે ‘વિલા દ એસ્ટે’ પહોંચી ત્યારે એ વાતાવરણની શાંતિમાં તેને ગાડીના ફરતા વ્હીલનો અવાજ પણ બહુ મોટો લાગ્યો! રાજવંશી ઇટાલિયન આર્કિટેક્ચરની બનેલી આ જગ્યા વિશ્વની ઉત્તમ હોટેલોમાંની એક છે. ધુમ્મસમાં ઓગળતા પહાડની વચ્ચે આવેલી ‘વિલા સેમા’ પાસે જઈને તેની ગાડી ઊભી રહી. લેક કોમોનાં શાંત પાણી એના કિનારા સાથે ટકરાવાનો અવાજ પણ સાંભળી શકાય એવી અદ્ભુત શાંતિ અનુભવતી અક્ષરા ગાડીમાંથી ઊતરી. તે વિલાના મુખ્ય રૂમમાં પહોંચી ત્યારે સફેદ યુનિફૉર્મ પહેરેલા ૪ સ્ટુઅર્ટ તેના સ્વાગત માટે હાજર હતા. એક જણે તેનો સામાન લઈ લીધો. બીજાએ તેને રૂમ તરફ દોરી જવા નમ્રતાથી ઇશારો કર્યો તો ત્રીજાએ પૂરા આદરથી તેની પાછળ ચાલવા માંડ્યું.
‘વિલા સેમા’નો માસ્ટર બેડરૂમ બંધ હતો. એની બાજુના રૂમમાં અક્ષરાનો સામાન લઈ જવામાં આવ્યો. તેનો સામાન જે સ્ટુઅર્ટ લઈ આવ્યો હતો તેણે નમ્રતાથી પૂછ્યું, ‘દુ યુ વોન્ત મી તુ અરેન્જ યૉર ક્લોથ્સ સિગ્નોરિના!?’ અક્ષરાએ ડોકું ધુણાવીને ‘ના’ પાડી. તેણે તરત જ પૂછ્યું, ‘યુ વોન્ત મી તુ સ્તે ઑર ગો?’
‘યુ મે ગો.’ અક્ષરાએ કહ્યું. ત્રણેય જણ ચાવી દીધેલા રોબોની જેમ ચાલી ગયા. દરવાજો બંધ કરીને અક્ષરાએ ઊંડો શ્વાસ લીધો. ૮-૯ ફુટની મોટી-મોટી ફ્રેન્ચ વિન્ડોના સ્લાઇડિંગ ડોર લેક તરફ ખૂલતા હતા. ભૂરું, શાંત પાણી અને એના પર ઝળૂંબી રહેલા પર્વતોને જોઈને અક્ષરાએ ક્ષણભર માટે આંખો મીંચી દીધી. તેણે ઘડિયાળ જોઈ. સવારના ૮ વાગ્યા હતા. તે પોતાની બૅગ ખોલીને વસ્ત્રોને વૉર્ડરોબમાં ગોઠવવા લાગી. સવાર, બપોર, સાંજના ત્રણ અલગ પહેરવેશની સાથે સ્વિમ-સૂટ અને રોબ, ઈવનિંગ ગાઉન્સ, મેકઅપનો સામાન, જાતજાતનાં શૂઝ અને બીજી કેટલીયે વસ્તુઓને ખોલીને ગોઠવતાં લગભગ વીસેક મિનિટ થઈ હશે. ત્યાં અચાનક તેના રૂમના દરવાજા નીચેથી એક એન્વલપ અંદર આવ્યું. અક્ષરાએ ઉપાડીને એન્વલપ જોયું. બફ રંગના હૅન્ડમેડ પેપર પર ખૂણામાં સોનેરી અક્ષરે JMનો મોનોગ્રામ હતો. કાગળમાં આખા દિવસનું શેડ્યુલ લખેલું હતું. સાડાઆઠ વાગ્યે બ્રેકફાસ્ટનો સમય હતો... એનો અર્થ એ હતો કે અક્ષરાએ પાંચ મિનિટમાં હાજર થવાનું હતું.
તેણે ઝડપથી લેમન યલો રંગનું ફ્રૉક પહેર્યું જેમાં સફેદ લેસ લગાવેલી હતી. વાઇટ મોકાશન પહેરીને તે હળવા મેકઅપ સાથે તૈયાર થઈ ત્યારે ૧૬ વર્ષની કોઈ સ્કૂલ-ગર્લ જેવી દેખાતી હતી! તેણે દરવાજો ખોલ્યો તો તેના આશ્ચર્ય વચ્ચે બે સ્ટુઅર્ટ દ્વારપાળની જેમ ઊભા હતા. એક તેની આગળ અને એક તેની પાછળ ચાલવા લાગ્યો. આગળ ચાલી રહેલો સ્ટુઅર્ટ પૂલના કિનારે સેટઅપ કરેલા બ્રેકફાસ્ટ ટેબલ સુધી તેને દોરી ગયો. બ્રેકફાસ્ટ ટેબલ પર આછા ગુલાબી રંગનું ટી-શર્ટ અને જીન્સ પહેરીને બેઠેલા માણસની પીઠ જોઈને અક્ષરા સહેજ અચકાઈ. વેલ-બિલ્ટ ખભા, પાતળી કમર અને સાફ કાપેલા વાળ જોઈને તેના સંભ્રાંત હોવાનો અંદાજ સરળતાથી લગાવી શકાતો હતો.
અક્ષરા ટેબલની સામે જઈને ઊભી રહી.
માર્બલ ટૉપના ટેબલ પર બ્રેકફાસ્ટ સજાવેલો હતો. ઇટાલિયન ખુરસી પર બેઠેલા માણસને જોઈને અક્ષરાના હૃદયની ધડકન તેજ થઈ ગઈ. ભારતનું કોઈ બિઝનેસ મૅગેઝિન એવું નહીં હોય જેના કવરપેજ પર આ માણસની તસવીર નહીં છપાઈ હોય! ૪ પેઢીથી ભારતના ઔદ્યોગિક ક્ષેત્રે રાજ કરતો તેનો પરિવાર દેશના રાજકારણમાં પણ વર્ચસ ધરાવતો હતો. પ્રખર રાજનેતા અને ભારતના ફાઇનૅન્સ મિનિસ્ટર અમર મહેન્દ્રનો દીકરો જય મહેન્દ્ર જેને મીડિયાએ ‘જિમી’નું હુલામણું નામ આપ્યું હતું. તેને જોઈને અક્ષરાની આંખો આશ્ચર્યથી પહોળી થઈ ગઈ. જિમી અભિનેતા અને પ્રોડ્યુસર હતો. તેણે ભારતના જાણીતા ઉદ્યોગપતિની દીકરી આયેશા મર્ચન્ટ સાથે લગ્ન કર્યાં હતાં. બન્ને જણ મીડિયાનાં ફેવરિટ હતાં. તેમના સર્કિટમાં તે બન્ને ‘ગોલ્ડન કપલ’ તરીકે ઓળખાતાં. પાર્ટી, પિકનિક, રેસ, ક્રિકેટ મૅચ કે પ્રીમિયર... ગમે ત્યાં પાપારાઝીઓ માટે આ બન્ને જણ લૉલીપૉપ હતાં. આયેશા ફૅશન-આઇકન હતી. ઊંચી, પાતળી, પર્ફેક્ટ ફિગર ધરાવતી આયેશા અને જિમીના કપલને #જિમીશા તરીકે કરોડો લોકો ફૉલો કરતા હતા...
જેનાં લગ્નને એક પર્ફેક્ટ મૅરેજ તરીકે પ્રોજેક્ટ કરવામાં આવતાં હતાં તે માણસ અહીં ઇટલીમાં એક એસ્કોર્ટ સાથે શું કરી રહ્યો હતો? અક્ષરાને વિચાર આવ્યો...
GPSનો મૅપ રુમીની ગાડીને જ્યારે ‘વિલા કાર્સેનો’ના ૭ નંબરના બંગલા કે વિલા પાસે લઈ આવ્યો ત્યારે સવારના સાડાઆઠ થયા હતા.
(ક્રમશઃ)