28 June, 2026 08:32 PM IST | Mumbai | Kajal Oza Vaidya
ઇલસ્ટ્રેશન
સવારના સાડાઆઠે GPS મૅપના આધારે ‘વિલા કાર્સેનો’ના ૭ નંબરના ઘર પાસે રુમીની લાલ મર્સિડીઝ ગાડી ઊભી રહી ત્યારે અચ્યુતનું હૃદય એક થડકારો ચૂકી ગયું. થોડીક ક્ષણોમાં અક્ષરા તેની સામે હશે એ વિચારમાત્રથી અચ્યુત એક તરફ ખુશ તો બીજી તરફ ડરેલો હતો. તેણે ગાડીમાંથી ઊતરતાં ઘણો સમય લીધો. મિહિરે નીચે ઊતરીને અચ્યુતનો દરવાજો ખોલ્યો, ‘કમઑન મૅન! ધિસ ઇઝ ધ મોમેન્ટ. જે ક્ષણ માટે તેં આટલા દિવસો રાહ જોઈ છે, હજારો કિલોમીટરનો પ્રવાસ કર્યો છે એ ક્ષણ આવી પહોંચી.’ અચ્યુતની આંખોમાં ઝળઝળિયાં આવ્યાં. તે ગાડીમાંથી ઊતર્યો. ૭ નંબરની વિલાના દરવાજા પર જઈને તેણે ડોરબેલ વગાડી. મિહિરે જોયું કે અચ્યુતનો હાથ ધ્રૂજતો હતો. તે ચૂપચાપ અચ્યુતની બાજુમાં ઊભો રહ્યો. સ્નેહ અને સહાનુભૂતિથી તેણે અચ્યુતના ખભે હાથ મૂક્યો. મિહિરના સ્પર્શમાં રહેલો સધિયારો અનુભવીને અચ્યુતમાં સહેજ હિંમત આવી. તેણે ફરી ડોરબેલ વગાડી.
ઘરમાં કોઈ નહોતું. અક્ષરા તો સેરેનોબીઓ ગઈ હતી. દરવાજો કોણ ખોલે? અચ્યુતે ત્રીજી વખત ડોરબેલ વગાડી. દરવાજો ખૂલ્યો નહીં. અચ્યુતે ભયગ્રસ્ત આંખોથી મિહિરની સામે જોયું, ‘તેને કંઈ થયું તો નહીં હોય?’
‘શું થવાનું? નેગેટિવ વિચારો ન કર.’ મિહિરે કહ્યું, ‘બહાર ગઈ હશે.’
‘બહાર? ક્યાં?’ અચ્યુતે બાળકની જેમ પૂછ્યું. રુમી એ દૃશ્ય જોઈ રહ્યો હતો. તેણે વહાલથી અચ્યુતની નજીક જઈને તેનો ખભો થપથપાવ્યો. રુમી પાસે જવાબ હતો, પણ તે બોલે એ પહેલાં અચ્યુતે પૂછ્યું, ‘ક્લાયન્ટ પાસે?’ મિહિર અને અચ્યુત બન્ને નીચું જોઈ ગયા. અચ્યુતના મન પર શું વીતી રહી હશે એ બન્નેને સમજાતું હતું. એમ છતાં અચ્યુતની પીડાનો બન્ને પાસે કોઈ ઉપાય નહોતો, ‘હું અહીં જ બેસીશ. તે પાછી ન આવે ત્યાં સુધી.’ કહીને અચ્યુત લૉનમાં ગોઠવાયેલા કેનની એક સોફા ચૅર પર બેસી ગયો.
‘ડોન્ટ બી સિલી.’ રુમીએ કહ્યું, ‘અહીં એમ બેસી ન શકાય. આડોશીપાડોશી કમ્પ્લેઇન્ટ કરી દેશે તો પોલીસ અરેસ્ટ કરશે તને.’
‘તો હું પોલીસ-સ્ટેશનમાં સમય વિતાવીશ... પણ અહીં સુધી આવ્યા પછી અક્ષરાને મળ્યા વગર નહીં જાઉં.’ અચ્યુત પોતાની વાત પર અડી ગયો. રુમી અને મિહિર ગૂંચવાયા. બન્ને જણ એકબીજાની સામે જોઈ રહ્યા, ‘આસપાસમાં પૂછી જુઓ. કોઈ તો ઓળખતું હશે.’
‘એમ અહીં કોઈ એકબીજાને ઓળખે નહીં.’ રુમીએ કહ્યું, ‘કોઈ જવાબ નહીં આપે.’
‘હું અહીંથી નહીં જાઉં...’ અચ્યુતે કહ્યું. તેની આંખોમાં આજીજી હતી. મિહિર સામે જોઈને તેણે હાથ જોડ્યા, ‘આપણે અહીંથી ચાલ્યા જઈએ અને અક્ષરાને ક્યાંક બીજે લઈ જાય તો? પ્લીઝ મિહિર...’ અચ્યુત એકની એક વાત કહેતો રહ્યો.
મિહિરને તેની સ્થિતિ જોઈને દયા આવી, ‘આપણે ૨૪ કલાક માટે બેલાજિયોમાં જ હોટેલ લઈ લઈએ? સાંજે ફરી આવીશું...’
‘સાંજે પણ ન આવી તો?’ રુમીએ સીધો, તીખો સવાલ કર્યો, ‘બે-ત્રણ દિવસ માટે કોઈ ક્લાયન્ટ સાથે બહાર ગઈ હોય... તું સમજતો કેમ નથી?’ અત્યાર સુધી અચ્યુતની દયા ખાતો રહેલો રુમી એક વાર લૉરન્ઝોને મળ્યો પછી તેની વિચારવાની દિશા જ બદલાઈ ગઈ હતી. અક્ષરા તેની મરજીથી ભાગી, તેણે અચ્યુતને દગો કર્યો એ બધું જાણ્યા પછી રુમી ઇચ્છતો હતો કે અચ્યુત સત્યને સ્વીકારે, અક્ષરાનો પીછો છોડીને જિંદગીને નવેસરથી ગોઠવે. તેણે અચ્યુત સામે જોયું, ‘ક્યાં સુધી રાહ જોઈશ?’
‘તે નહીં આવે ત્યાં સુધી...’ અચ્યુતે સાવ સહજતાથી કહ્યું. રુમી તેની આ આશિકી પર વારી ગયો. કોઈ એક વ્યક્તિ બીજી વ્યક્તિને આટલો પ્રેમ કરી શકે એ જોઈને રુમી પણ ઇમોશનલ થઈ ગયો. તેણે મિહિર સામે જોઈને ડોકું ધુણાવ્યું. તે અચ્યુત ખાતર બેલાજિયો રોકાવા તૈયાર થઈ ગયો. અચ્યુતને રોકવાનો પ્રયાસ કરી લીધા પછી હવે રુમીએ પણ મનોમન નિર્ણય કરી લીધો કે હવે જ્યાં સુધી અચ્યુત અને અક્ષરા એકબીજાને મળી ન લે ત્યાં સુધી બેલાજિયો છોડવું નથી. વન્સ ઍન્ડ ફૉર ઑલ. જીવન અને મૃત્યુની વચ્ચે ઝોલાં ખાવાને બદલે કાં તો જીવ બચી જાય ને કાં તો આશાનું વેન્ટિલેટર બંધ થાય એ જ છેલ્લો ઉપાય છે એમ વિચારીને રુમીની આંખોમાં પણ ઝળઝળિયાં આવી ગયાં. બેલાજિયો જેવા શહેરમાં આવી વિલા, વૈભવી જીવન અને પૂર્ણ સ્વતંત્રતા મળતી હોય તો અક્ષરા જેવી સ્ત્રી કદાચ લગ્નજીવનમાં, ભારત કે મુંબઈ પાછા આવવાનું પસંદ નહીં કરે એ સત્ય રુમી સમજતો હતો, પણ અચ્યુતને સમજાવી શકતો નહોતો.
બેલાજિયોમાં નાનકડી હોમ-સ્ટે જેવી હોટેલમાં એક રૂમ બુક કરીને ત્રણેય જણે પોતપોતાનો સામાન મૂક્યો. રુમીએ કહ્યું, ‘આ શહેર જોવા જેવું છે. અહીં સુધી આવ્યા છો તો બેલાજિયોની મજા લો.’
‘તમે જાઓ, મારે નથી આવવું.’ અચ્યુતે કહ્યું. મિહિરે તેને સમજાવ્યો, ‘અહીં રહીને ખોટા વિચારો કરવાને બદલે અમારી સાથે ચાલ.’ મિહિર કહેતો રહ્યો, ‘આલ્પ્સના પહાડો અને લેક કોમોનો આ વિસ્તાર જોવા જેવો છે. ઈસવીસન પૂર્વે અહીં રોમન વસતા હતા. ૨૦૦૦ વર્ષ પહેલાં પણ બેલાજિયો ધનિક લોકોનું હિલ-સ્ટેશન હતું. જેમ આપણે ત્યાં શિમલા, મસૂરી અને દાર્જીલિંગને અંગ્રેજોએ ડેવલપ કર્યું એમ રોમન લોકોએ આ શહેરને ડેવલપ કર્યું છે. મધ્યયુગ દરમ્યાન અહીં ખૂબ યુદ્ધો અને સંઘર્ષ થયાં. એક સમયે આ કમ્યુન બન્યું. સોળમી સદી પછી ઘણા સમય સુધી અહીં સ્પૅનિશ લોકોએ રાજ કર્યું. ઇટલીમાં હોવા છતાં અહીં સ્પૅનિશ ભાષાનું ઘણું ચલણ છે. રોમન અને સ્પૅનિશ આર્કિટેક્ચરનું મિશ્રણ જોવા મળશે અહીં. આ શહેરમાં પથ્થરની સાંકડી ગલીઓ સરોવર તરફ ઊતરે છે. ઢાળ પર વસેલા બેલાજિયોનાં મકાનોના રંગ જોવા જેવા છે. લોકો નિરાંતમાં હોય છે અહીં, વેકેશન ગાળવા જ આવે છે. હજી તો સવાર પડી છે. ક્યાંક સરસ કૅફેમાં બેસીને બિઅર પીશું-લંચ કરીશું... ચાલ હવે!’ મિહિરે સ્નેહથી કહ્યું. અચ્યુત તેના વહાલ અને લાગણીને ઇનકાર ન કરી શક્યો. તે કમને ઊભો થયો. ત્રણેય જણ ફરી એક વાર રુમીની મર્સિડીઝમાં ગોઠવાયા અને બેલાજિયોની સફરે નીકળી પડ્યા.
‘વેલકમ એલેના.’ કહીને જિમી ઊભો થયો. તેણે અક્ષરાને પગથી માથા સુધી જોઈ. જાણે કોઈ ઇલેક્ટ્રૉનિક સાધન, સોફા કે વસ્તુને માપતો હોય એવી નજરે જિમીએ અક્ષરાનાં વસ્ત્રોની આરપાર પણ જોઈ લીધું. અક્ષરાને એ વીંધી નાખતી નજર ખૂંચી ગઈ, પણ તે નીચું જોઈને ઊભી રહી. જિમીએ તેને બેસવાનો ઇશારો કર્યો. અક્ષરા એક ડાહી છોકરીની જેમ ચૂપચાપ ખુરસીમાં ગોઠવાઈ ગઈ.
‘અહીં તમે હશો એવું મેં ધાર્યું નહોતું.’ અક્ષરાથી કહેવાઈ ગયું.
‘હું અરીસામાં જોઉં છું ત્યારે મને પણ આવી જ ફીલિંગ થાય છે... હું છું રિયલ! એ હું જ માની નથી શકતો! એક અદ્ભુત વ્યક્તિ છું હું! ઇઝન્ટ ઇટ!’ જિમી હસી પડ્યો, ‘દર વર્ષે અહીં આવું છું. ખુફિયા વેકેશન પર... ઇટલી મારી ફેવરિટ જગ્યા છે અને આ મારી ફેવરિટ વિલા.’
‘બટ...’ અક્ષરા કશું બોલે એ પહેલાં જિમીએ તેને આંખોથી જ અટકાવી દીધી.
‘પ્રશ્નો પૂછવા એ તમારા
જૉબ-પ્રોફાઇલમાં નથી આવતું.’ અક્ષરાએ ડોકું ધુણાવ્યું. જિમીએ છરીકાંટા હાથમાં લઈને અક્ષરાને બ્રેકફાસ્ટ શરૂ કરવાનો ઇશારો કર્યો. અક્ષરાએ ટેબલ પર પડેલો જૂસનો જગ ઉપાડીને ગ્લાસમાં જૂસ રેડ્યો. જિમીએ હસીને કહ્યું, ‘ચલો એક સવાલ અલાઉડ છે.’
‘તમારાં લગ્ન તો પર્ફેક્ટ માનવામાં આવે છે...’ જિમીનો પ્રભાવ એવો હતો કે અક્ષરા સીધો સવાલ પૂછી શકી નહીં.
જિમી ફરી હસી પડ્યો. તેના સફેદ ચોખ્ખા ગોઠવાયેલા દાંત, તેજસ્વી આંખો અને ચમકતી ત્વચા તરફ અક્ષરા અભિભૂત થઈને જોતી રહી, ‘મૅગેઝિનના કવર પર જે દેખાય છે એને ફોટો કહેવાય... સંબંધો તસવીરોથી નહીં, તાસીરથી ગોઠવાય છે.’ અક્ષરા કશું બોલી નહીં, ‘અમારાં લગ્ન પર્ફેક્ટ જ છે. સંબંધ પર્ફેક્ટ નથી.’ અક્ષરાની આંખોમાં આશ્ચર્ય વાંચીને જિમીએ કહ્યું, ‘અમે યુગલ તરીકે પર્ફેક્ટ ઇમેજ ઊભી કરી છે, પણ વ્યક્તિ તરીકે પોતપોતાના રસ્તા શોધી લીધા છે. આ સમજદારીની અરેન્જમેન્ટ છે. મીડિયા અને શૅરમાર્કેટને મૅનેજ કરવા માટે... અમે પાર્ટી, પ્રીમિયર, ક્રિકેટ-મૅચમાં સાથે અપીઅર થઈએ છીએ, પણ વેકેશન અંગત રીતે માણીએ છીએ. આ મારો સમય છે, મારો પોતાનો. આયેશા તેનો સમય વિતાવી રહી છે.’
‘કોઈ બીજા સાથે?’ અક્ષરાથી પુછાઈ ગયું.
‘જે વાત જાણવામાં મને રસ નથી એ તારે શું કામ જાણવી છે?’ જિમીએ કહ્યું.
‘એક વધુ સવાલ પૂછું?’ કહીને અક્ષરાએ જિમીની પરવાનગીની રાહ જોયા વગર પૂછી નાખ્યું, ‘તમને ડર નથી લાગતો? તમને કોઈ મારી સાથે જોઈ લે... ફોટો અપલોડ કરી લે કે વિડિયો... તમારી ઇમેજ, કારકિર્દી...’
‘જે માણસ આખી જિંદગી કૅમેરા સામે જીવ્યો હોય તેને કૅમેરાનો ડર ન લાગે... સ્કૅન્ડલ બહાર આવશે તો બે દિવસ લોકો ચર્ચા કરશે. મારી તો પબ્લિસિટી જ થશે... એ જ લોકો મારી નવી ફિલ્મની ટિકિટ ખરીદીને બૉક્સ-ઑફિસ છલકાવી દેશે... કૅમેરા અને ઑડિયન્સ મને ચાહે છે.’
‘સ્ક્રીન પર તમે પ્રેમ વેચો છો, અહીં ખરીદવા આવ્યા છો...’ અક્ષરા હસી પડી.
‘પ્રેમ નહીં, શરીર ખરીદવા આવ્યો છું. આપણે બન્ને વ્યાપારી છીએ. તારા ગ્રાહકો એક રાતમાં તને છોડી જાય છે ને મારા ગ્રાહકો મને ક્યારેય છોડતા નથી.’ કહીને જિમી ચૂપચાપ નાસ્તો કરવા લાગ્યો. અક્ષરાને સમજાઈ ગયું કે જિમીને આ સવાલ-જવાબ ગમ્યા નથી. તે ચૂપચાપ બ્રેકફાસ્ટ કરતી રહી. તેને સેરેનાની ચેતવણી યાદ આવી ગઈ - તે કોઈ સામાન્ય માણસ નથી. પહેલાં તારી સાથે વાત કરશે, એક બૉન્ડ ઊભો થશે - તું તેને ગમીશ તો જ ત્યાં રાત રોકાઈ શકીશ, બાકી સાંજ પહેલાં તને પાછી મોકલી દેશે. અક્ષરાને પાછા જવાનો વાંધો નહોતો, પરંતુ જિમીને મળીને તેને એક આશા બંધાઈ હતી. જો આ માણસ ખુશ થાય, તેની સાથે બૉન્ડ ઊભો થાય તો કદાચ તે તેને અહીંથી છટકવામાં મદદ કરી શકે!
બ્રેકફાસ્ટ પત્યો ત્યાં સુધી જિમી એક અક્ષર બોલ્યો નહીં. તેણે એલેના સામે જોયું પણ નહીં. છેલ્લે ઊભા થતાં તેણે અક્ષરાને કહ્યું, ‘નવ પંદર થઈ છે. ટેન ફિફ્ટીને આપણે મળીશું.’ અક્ષરાએ ચાવી દીધેલી ઢીંગલીની જેમ ડોકું ધુણાવ્યું. જિમી તેના આ ‘હા’ પાડવાના ઇશારાની રાહ જોયા વગર જ ત્યાંથી ચાલી ગયો.
સવાદસ વાગ્યે અક્ષરા જ્યારે બ્રાઇટ યલો કલરના બિકિની સ્વિમસૂટ પર લાલ-પીળાં ફૂલો અને લીલાં પાંદડાંની ડિઝાઇનવાળો પાતળો ડ્રેસિંગ ગાઉન પહેરીને બહાર આવી ત્યારે જિમીની આંખોમાં દેખાતી પ્રશંસા જોઈને અક્ષરાને જરા રાહત થઈ. જિમીનું શરીર એક પર્ફેક્ટ વી શેપ બૉડી હતું. પહોળા માંસલ ખભા, પાતળી કમર, લાંબા અને કસરતી પગ, સુદૃઢ પિંડીઓ, સ્નાયુબદ્ધ બાવડાં અને તાંબાવર્ણી ત્વચા... અક્ષરા તેને જોઈ રહી. જિમીએ બે હાથનો આધાર લીધો અને એક જ પુશમાં પૂલની બહાર નીકળી ગયો. ભીના વાળ ઝટકોરતાં તેણે અક્ષરાને પૂછ્યું, ‘આ તો બોનસ છેને? હૅન્ડસમ મૅન વિથ હૅન્ડસમ પેમેન્ટ્સ...’ અક્ષરા કશું જ બોલી નહીં. જિમીએ અક્ષરાના ઘૂંટણની પાછળ અને ગરદન નીચે હાથ નાખીને તેને ઢીંગલીની જેમ પોતાના બે હાથમાં ઉપાડી લીધી. અક્ષરાને પોતાના હાથમાં લઈને જિમી પાણીમાં કૂદ્યો. અક્ષરાને પાણી વાગે નહીં એની પૂરી કાળજી સાથે તેણે અક્ષરાને પૂલના પાણી પર ફ્લોટ કરી... તે હથેળીથી તેની ત્વચાને અનુભવતો રહ્યો. જિમીનો હાથ પુરુષ જેવો બરછટ નહીં બલ્કે સુંવાળો હતો. અક્ષરાના ગળા પર, છાતી, પેટ અને ખુલ્લા પગ પર જિમીની હથેળીના સ્પર્શથી અક્ષરાને રોમાંચ થવા લાગ્યો હતો. તેણે જિમીની ઘણી ફિલ્મો જોઈ હતી. પોતાના ગમતા અભિનેતા સાથે આવી ક્ષણો વિતાવી શકશે એવું તેણે સપનામાં પણ વિચાર્યું નહોતું. જિમીએ હળવેકથી અક્ષરાના ઑલ્ટર બિકિની ટૉપની દોરી છોડી... અક્ષરાની બિકિનીનું ટૉપ તેના શરીરથી અલગ થઈને પૂલના પાણી પર તરવા લાગ્યું. જિમીએ પાણીમાં જ અક્ષરાને પોતાના બાહુપાશમાં લીધી... એ પછી જે બન્યું એ અક્ષરાની કોઈ ફૅન્ટસીમાં, કલ્પનામાં કે તેણે જોયેલા સપનાંમાં પણ ક્યાંય નહોતું! જિમી સાથેની એ ક્ષણો પછી અક્ષરા જાણે સભર થઈ ગઈ. તેણે પહેલી વખત અનુભવ્યું કે માણસનું શરીર આટલો રોમાંચ, આટલું સુખ અને સ્ત્રીત્વની આવી અનુભૂતિ આપી શકે!
‘બેગમ સાહિબા, મેં તમારું કામ કરી દીધું છે.’ વિશ્વપ્પા ધીમા અને ડરેલા અવાજે કહી રહ્યો હતો. તેને ખબર હતી કે બેગમના મહેલના દરેક ફોન પર ચાંપતી નજર રહે છે, ‘ઉઝબેકિસ્તાનની નાયાબ બ્લુ પૉટરી જેવો સૅફાયર મગાવ્યો છે ખાસ તમારે લાયક... તમે જોશો તો વતન યાદ આવી જશે!’
‘ખરેખર?’ અઝીઝની બેગમ ગુલનોરાના અવાજમાં આશાનું કિરણ ઝળક્યું. પોતાના દેશનું નામ સાંભળીને ગુલનોરા એટલું તો સમજી જ શકી કે વિશ્વપ્પા અહીંથી નીકળવાની કોઈ વ્યવસ્થા વિશે વાત કરી રહ્યો હતો. અન્ય છોકરીઓની જેમ જ અઝીઝની ચાલાકીના ચક્કરમાં તે અહીં આવીને ફસાઈ ગઈ હતી! ગુલનોરા અત્યંત સુંદર હતી. બેદાગ ત્વચા અને સોનેરી વાળ, પાતળી કમર, ભરાવદાર ઉરોજ અને નિતંબ... અઝીઝ તેને દુબઈના એક બેલી ડાન્સના શોમાં મળ્યો હતો. એ વખતે તો તેને આ છોકરી તેના સ્ટૉકમાં એક ઉમેરાની જેમ રસપ્રદ લાગી હતી, પરંતુ એ ગુલનોરાને ફસાવવાના ચક્કરમાં અઝીઝ જેમ-જેમ તેને મળતો ગયો તેમ-તેમ તેની સાદગી, ભોળપણ અને સરળતાને કારણે તેના તરફ આકર્ષાતો ગયો. અઝીઝ જડદિમાગ અને હૃદય વગરનો માણસ હતો. તેને પ્રેમ થાય એવી કોઈ શક્યતા જ નહોતી, પરંતુ તેની બીજી બે બેગમો તસલીમા અને મુરૈનાથી તે કંટાળવા લાગ્યો હતો. ખાસ કરીને તેના તાયાની દીકરી, પહેલી બેગમ તસલીમા એક પછી એક ૪ સંતાનોને જન્મ આપીને વ્યસ્ત અને લસ્ત થઈ ગઈ હતી. બીજી બેગમ મુરૈનાની ઉંમર અઝીઝથી અડધી હતી. તેને જ્યારથી અઝીઝના વ્યવસાય અને ગોરખધંધા વિશે જાણ થઈ ત્યારથી તે સતત શરાબમાં ડૂબેલી રહેવા લાગી હતી. અઝીઝની ત્રીજી બેગમ જે યુરોપિયન હતી તે હવે અઝીઝને ભાગ્યે જ પોતાના કમરામાં પ્રવેશ આપતી. અઝીઝનો ગુસ્સો અને તેની બેરહેમીથી કંટાળેલી જર્મન નાગરિક લીઝાનો પાસપોર્ટ અઝીઝ પાસે હતો. તે પાછી જઈ શકે એમ નહોતી એટલે તેણે વિદ્રોહ કરીને મહેલમાં જ રહેવાનું પસંદ કર્યું હતું. તે અઝીઝથી દૂર રહેતી, પરંતુ જ્યારે-જ્યારે અઝીઝનું મગજ છટકી જતું કે તેને લીઝા પર ગુસ્સો આવતો ત્યારે તે તેને બેરહેમીથી મારતો, અત્યાચાર કરતો... જોકે મોટા ભાગે તે લીઝાના ઓરડા તરફ જવાનું પસંદ કરતો જ નહીં! ગુલનોરા તેની ચોથી બેગમ હતી. અન્ય સ્ત્રીઓની જેમ તેને પણ વેચી દેવાના ઇરાદાથી લાવ્યો હતો, પરંતુ તેને ગુલનોરા ગમી ગઈ. નિકાહ પઢીને તેણે ગુલનોરાને હરમમાં જમા કરી લીધી. ગુલનોરા પછી પણ તે બે સ્ત્રીઓને પોતાના હરમમાં લઈ આવ્યો હતો. ગુલનોરાને પણ શરૂઆતમાં અઝીઝ અત્યંત રોમૅન્ટિક અને સારો માણસ લાગ્યો હતો, પરંતુ તેની સાથે લગ્ન કરીને દુબઈથી શારજાહ આવ્યા પછી તેને સમજાઈ ગયું હતું કે તેણે ભયાનક ભૂલ કરી હતી. હવે તે અહીંથી છટકવા, કોઈ પણ રીતે પાછી જવા તત્પર હતી. જોકે અઝીઝના નેટવર્ક અને કનેક્શન્સની તેને જાણ હતી એટલે પોતે અહીંથી છટકી શકશે ને ભાગ્યા પછી પણ સલામત રીતે જીવી શકશે કે નહીં એ વિશે ગુલનોરાને શંકા હતી... તે તમામ પ્રયાસો કરી ચૂકી હતી! મહેલની મહિલા ગાર્ડ, ડ્રાઇવર અને પાર્ટીમાં મળેલા એકાદ-બે જણ સાથે દોસ્તી કરવાનો પ્રયત્ન કરીને પોતાને અહીંથી કાઢવાની વિનંતી કર્યા પછી ગુલનોરાને સમજાયું હતું કે આ બધા જ અઝીઝના વફાદાર હતા. જ્યારે-જ્યારે અઝીઝને જાણ થઈ ત્યારે તેણે ગુલનોરાને પણ બરાબર સજા કરી હતી... ગુલનોરા પસ્તાઈ હતી... છતાં તેણે વિશ્વપ્પાને પણ મદદની વિનંતી કરવાનો પ્રયાસ કર્યો હતો. પોતે કશું સમજ્યો જ નથી એવી રીતે વિશ્વપ્પાએ એ વખતે ગુલનોરાની વાત ટાળી દીધી હતી. નિરાશ થયેલી ૨૪ વર્ષની ગુલનોરાએ સ્વીકારી લીધું કે હવે શારજાહમાં જ પોતાનું નસીબ છે. ગુલનોરા મન મારીને અહીં જીવી રહી હતી ત્યારે અચાનક આવેલા વિશ્વપ્પાના સંદેશામાં તેને મુક્તિની સંભાવના દેખાઈ.
ગુલનોરાએ રાત્રે અઝીઝ પાસે વિશ્વપ્પાની દુકાને જવાની પરવાનગી માગી ત્યારે તેના ચહેરા પર ક્રૂર સ્મિત આવી ગયું, ‘જરૂર જા... તારે જે ખરીદવું હોય તે ખરીદ...’ અઝીઝે કહ્યું. ગુલનોરાએ એ રાત્રે અઝીઝની સેવા કરવામાં કશું બાકી રાખ્યું નહીં.
ગુલનોરાના ઓરડામાંથી નીકળીને પોતાના રૂમમાં ઊંઘવા જતી વખતે અઝીઝે તેના સેલ પર ફોન કર્યો, ‘ઔરત જાત બેવફાઈથી બાઝ નથી આવતી... ગુલનોરાને એલિમિનેટ કરવી પડશે.’ સામે કોઈ કશું બોલ્યું નહીં, ‘જરૂર પડે તો વિશ્વપ્પાને પણ અલવિદા કહી દેજો.’ અઝીઝે ફોન ડિસકનેક્ટ કર્યો અને પોતાના ઓરડામાં જઈને નિરાંતે ઊંઘી ગયો.
(ક્રમશઃ)