12 July, 2026 04:37 PM IST | Mumbai | Kajal Oza Vaidya
ઇલસ્ટ્રેશન
સ્વિમિંગ-પૂલમાંથી બહાર નીકળી ત્યારે અક્ષરા અભિભૂત થઈને જિમી સામે જોઈ રહી. તેની બિકિનીનાં બન્ને વસ્ત્રો સ્વિમિંગ-પૂલના પાણી પર તરતાં હતાં. નિર્વસ્ત્ર અક્ષરાના શરીર પરથી પાણીનાં બુંદ ટપકતાં હતાં. પૉર્સલિનમાંથી બન્યું હોય એવું તેનું બેદાગ, બેનમૂન શરીર જોઈને જિમી પણ એક ક્ષણ માટે અંજાઈ ગયો. પૂલમાંથી બહાર નીકળીને અક્ષરાએ લાલ-પીળા ફૂલવાળું તેનું ટ્રાન્સપરન્ટ ડ્રેસિંગ ગાઉન પહેરી લીધું. પાતળું ગાઉન તેના ભીના શરીર સાથે ચીપકી ગયું હતું. ત્યાં મૂકેલી લાઉન્જ ચૅર પર બેસીને અક્ષરાએ સનગ્લાસિસ પહેર્યાં. તેના ઘૂંઘરાળા ફ્લફી વાળ અત્યારે ભીના હોવાને કારણે તેના શરીર પર ચીપકી ગયા હતા. નજીક આવીને જિમી અક્ષરાની બાજુની લાઉન્જ ચૅર પર ગોઠવાયો. તેણે કહ્યું, ‘યુ આર ગુડ... રાધર વેરી ગુડ.’
અક્ષરાએ માત્ર સ્મિતથી તેની પ્રશંસા સ્વીકારી, ‘બૉસને ત્યાંથી મારે ત્યાં નિયમિત એસ્કોર્ટ્સ આવે છે, પરંતુ તું...’ જિમીની આંખોમાં આકર્ષણ, પ્રશંસા, અંજાઈ ગયાની એક અનુભૂતિ સ્પષ્ટ વાંચી શકાતી હતી, ‘તું તો અદ્ભુત છે.’ અક્ષરાએ પોતાનો હાથ લંબાવીને જિમીનો હાથ પકડ્યો, પણ જિમી ઊભો થઈ ગયો, ‘હવે મારે બે-ચાર મીટિંગ્સ છે, તું રેસ્ટ કર. આપણે સાંજે ડિનર પર મળીશું. સવાસાત વાગ્યે.’ આટલું કહીને જિમી ત્યાંથી ચાલી ગયો. હજી ૧૦ મિનિટ પહેલાં જે પુરુષ પોતાના શરીર સાથે ઓતપ્રોત હતો તેને આટલી નિઃસ્પૃહ રીતે ચાલી જતો જોઈને અક્ષરા
ડઘાઈ ગઈ.
જિમી પોતાના ઓરડા તરફ ગયો. અક્ષરાને પોતાના ઓરડામાં લઈ જવા માટે બે જણ તેની આજુબાજુ ઊભા રહી ગયા. બીજા રૂમમાં શું બને છે એ કોઈ રીતે જાણી ન શકાય એટલી પ્રાઇવસી અને મિનિટ-દર-મિનિટનો પ્લાન અહીં એ રીતે ચાલતો હતો જાણે કોઈ આર્મીનું ગુપ્ત ઑપરેશન ચાલતું હોય!
પોતાના ઓરડામાં ગયા પછી અક્ષરા ખાસ્સી વાર સુધી વિચારતી રહી. જિમી વિશે, જિમીના વ્યક્તિત્વ વિશે, તેનાં લગ્ન વિશે, તેના દેખાડવાના અને જીવવાના બે તદ્દન ભિન્ન તરીકાઓ વિશે... આ બધામાં અચ્યુતનો વિચાર પણ તેને ક્યાંક-ક્યાંક કનડતો રહ્યો. અચ્યુત શું કરતો હશે, ક્યાં હશે, મારા વિશે વિચારતો હશે કે તેણે મને ભૂલી જવાનું નક્કી કરી લીધું હશે, તે મને શોધવા આવશે કે નહીં જેવા અનેક સવાલો તેના મનની સપાટી પર તરંગોની જેમ ઊઠ્યા અને જવાબોના કિનારે પહોંચ્યા વગર ખોવાઈ ગયા.
ખાસ્સી વાર સુધી શૂન્યમનસ્ક પડી રહ્યા પછી અક્ષરાને પોતાની ફોનડાયરી યાદ આવી. તેણે ડાયરી ઉઠાવી. ફોન ઑન કર્યો અને રેકૉર્ડ કરવાનું શરૂ કર્યું, ‘આજે સમજાયું કે સ્ત્રીનું શરીર માત્ર સ્પર્શથી નથી જાગતું. એ તો વિશ્વાસની ખૂબ ધીમી ઋતુમાં ખીલતું ફૂલ છે. વર્ષો સુધી હું એમ માનતી રહી કે મારા શરીર અને મન વચ્ચે એક લાંબું, સૂકું રણ છે. ગ્રાહક બનીને સૌ શરીર સુધી આવે છે, મન સુધી કોઈ નથી પહોંચતું. કદાચ એટલે જ અંદર હંમેશાં તરસ રહેતી. અચ્યુત પણ ક્યાંક શરીરમાં જ અટકી ગયો હશે? મન સુધી પહોંચવાનો પ્રવાસ શરૂ થાય એ પહેલાં જ હું નીકળી ગઈ? અચ્યુતે મારી સાથે લગ્ન કર્યાં... સન્માન આપ્યું, પ્રેમ પણ, કદાચ! પણ મારું શરીર કંઈક વધુ માગતું હતું. સૌની ભૂખ જુદી હોય... મને ભૂખ નહીં તરસ હતી... ગળે શોષ પડે એમ મારા શરીર, મન અને આત્માને શોષ પડતો હતો... તરફડાટ હતો, ન સમજાય એવો!
અચ્યુતને છોડીને ભાગી ત્યારે લાગ્યું કે અઝીઝ મને ‘એ’ આપશે! તેણે મારું સર્વસ્વ છીનવી લીધું... તરસ વધી! તરફડાટ પણ... આજે પહેલી વાર લાગ્યું કે મારા શરીરના ધખતા રણમાં ક્યાંક વરસાદ પડ્યો હતો. એ વરસાદનો અવાજ કોઈ સાંભળી શક્યું નહીં. કદાચ એ વરસાદ મારા સિવાય કોઈએ જોયો નથી. એમાં મારા સિવાય કોઈ ભીંજાયું નહીં, જિમી પણ નહીં. તે તો વાદળની જેમ પોતાનામાં રહેલી ભીનાશ વરસાવીને નીકળી ગયો કોરોધાકોર! પણ ભીની થયેલી માટીની સુગંધ હજી પણ મારી અંદર ફરે છે. વિચિત્ર છે - શરીર યાદ રાખે છે એવી ક્ષણોને જેને ભાષા ક્યારેય પૂરી રીતે લખી નથી શકતી. કેટલાક અનુભવ ચામડી પર નથી રહેતા, શ્વાસ અને સ્મૃતિ વચ્ચે ક્યાંક વસી જાય છે.
એક એસ્કોર્ટ પૈસા સિવાય શું કમાય? પણ આજે મેં માત્ર પૈસા નથી કમાયા; આજે મેં એક પ્રશ્ન કમાયો છે, એક નવી દિશા ઊઘડી છે વિચારની... શરીરમાં રહીને પણ શરીરની બહાર જીવી શકાય! મન અને શરીરને છૂટાં પાડી શકાય. લાગણીઓને દરેક વખતે વહી જવા દેવાને બદલે એક બંધ બાંધીને એનો સંગ્રહ કરી શકાય જેથી જરૂર પડે ત્યારે એને વહાવી શકાય... આ બધું શીખી હું આજે જિમી પાસેથી. કોઈ આટલું નિઃસ્પૃહ કઈ રીતે હોઈ શકે? આ માણસના બે ચહેરા નથી, બે વ્યક્તિત્વ છે... કદાચ બેથી વધારે પણ હોય!
આજે હું જેને મળી છું તે માણસની હાજરીમાં મને સતત લાગતું રહ્યું કે તે મારી સામે નથી, જાણે મારી ભીતર પ્રવેશી ગયો છે. તે મારી સાથે વાત કરતો હતો ત્યારે મને લાગતું રહ્યું કે તેને મારા વિશે કંઈ જાણવાની ઇચ્છા કે ઉતાવળ નહોતી. કોણ જાણે કેમ મને પણ તેને મારા વિશે કંઈ જણાવવાની જરૂર જ ન લાગી. આ મારો પહેલો અનુભવ હતો જ્યારે એક શરીર બીજા શરીર સાથે વાત કરે, શબ્દો વગર!
આવું થઈ શકે! થયું!
ન કોઈ વચન માગ્યું, ન આપ્યું... ન મને જાણવાનો પ્રયાસ કર્યો, ન પોતાના વિશે કંઈ જણાવા દીધું... મને પ્રશ્નો ન પૂછ્યા કે મને પૂછવા દીધા પણ નહીં. સામાન્ય રીતે એસ્કોર્ટને બોલાવે તે દરેક ગ્રાહક તેની પાસેથી કંઈક લેવાની અપેક્ષા રાખે - સેક્સ, શરીર, સમય... પણ જિમીએ મને આપ્યું. ભરપૂર, સભર અને ભીતરથી કદીયે ન ભૂંસાય એવી સ્મૃતિનો એક અનુભવ. મારી ઓળખ, મારા શરીરની ઓળખ. મને મારી સાથે એકલી મૂકીને તે ચાલી ગયો છે પણ અનુભૂતિ બનીને તે મારી આસપાસ ઊડ્યા કરે છે, કોઈ સુગંધની જેમ, કોઈ પતંગિયાની જેમ! એવું લાગે છે કે મારી અંદર વર્ષોથી પડેલો ધૂળનો એક સ્તર કોઈએ હળવેથી ફૂંક મારીને ઉડાડ્યો છે. હું જાણે મારાથી દૂર લાંબા પ્રવાસે જઈને પાછી ફરી હોઉં, મારા ઘરે, મારી પાસે...
આજે પહેલી વાર મને સમજાયું કે સ્ત્રી હોવું અને કોઈ સ્ત્રીત્વને ઓળખે આ બે તદ્દન અલગ અનુભવ છે. વર્ષોથી લોકો મારા ચહેરા સાથે વાત કરતા હતા, મારા શરીર તરફ જોતા હતા, મારા અવાજને સાંભળતા હતા. અચ્યુત પણ કદાચ એમ જ કરતો હતો; પણ આજે જિમીએ મારા અસ્તિત્વ સાથે ઓળખાણ કરી ને કરાવી, મારા આત્માને સંબોધ્યો. આ અનુભવને શબ્દોમાં કહેવો મુશ્કેલ છે. જાણે વર્ષોથી બંધ પડેલું એક મંદિર હોય જ્યાં કોઈ ચૂપચાપ આવે, પણ કશું માગવા નહીં; માત્ર દીવો પ્રગટાવીને ચાલી જાય એમ ચાલી ગયો જિમી!
મને આજે કોઈએ મેળવવાનો પ્રયત્ન ન કર્યો. મને લાગ્યું કે હું ઘસાઈ, ખોવાઈ કે લૂંટાઈ નથી પણ કમાઈ છું. પૈસા નહીં... બીજું ઘણું. સ્ત્રીનું સૌથી મોટું સૌંદર્ય કદાચ તેની આંખો, તેની ત્વચા કે તેની યુવાનીમાં નથી. સ્ત્રી એ ક્ષણે સૌથી સુંદર લાગે છે જ્યારે કોઈ પુરુષ તેની સામે પોતાના પૌરુષ સાથે નહીં પણ પોતાની ઓળખાણ વગરના અસ્તિત્વને લઈને ઊભો રહે. એવી ક્ષણે સ્ત્રીને પ્રેમ નથી થતો. એવી ક્ષણે સ્ત્રીને પોતાની જાત પર ફરી વિશ્વાસ જન્મે છે.
વિચિત્ર છે... પણ આજે મને મારા શરીરનો ભાર ઘટ્યો હોય એવું લાગ્યું. અચ્યુતને છોડ્યો ત્યારથી એ ભાર રોજ વધતો હતો. મારા એ જ હાથ છે, મારો એ જ ચહેરો છે, મારી એ જ ઉંમર છે; પણ આજે મારી અંદર જે સ્ત્રી શ્વાસ લઈ રહી છે એ ગઈ કાલની નથી, આજની છે, નવીનક્કોર... થોડી મિનિટો પહેલાં જ જન્મી છે.
કેટલાક લોકો આપણું જીવન બદલતા નથી, માત્ર આપણને આપણામાં જ પાછા મૂકીને ચાલી જાય છે. મને હંમેશાં લાગતું હતું કે હું મારા શરીરમાં રહું છું. આજે પહેલી વાર લાગ્યું કે મારું શરીર પણ મારી અંદર રહે છે. આ બન્ને વચ્ચે કેટલાંય વર્ષોથી જે અંતર હતું, આજે થોડું ઓગળ્યું... જિમીને મારી જરૂર નહીં પડે, તે મને કદાચ ફરી મળશે પણ નહીં; પરંતુ હું થોડોક જિમી મારી ભીતર લઈને અહીંથી જઈશ એની મને ખાતરી છે.
અક્ષરાએ જ્યારે ફોનનું રેકૉર્ડિંગ બંધ કર્યું ત્યારે તેની આંખો ભીની હતી... હજી તો માત્ર ૧૨ વાગ્યા હતા. તેણે પૂરા ૭ કલાક ૧૫ મિનિટ જિમીની રાહ જોવાની હતી. અક્ષરાને એક એક મિનિટ કલાકથીયે લાંબી લાગવા માંડી.
વિશ્વપ્પા પોતાની દુકાનમાં ગુલનોરાની રાહ જોઈ રહ્યો હતો. તેણે ગુલનોરા માટે ઉઝબેકિસ્તાન જવાની વ્યવસ્થા કરી દીધી હતી, પરંતુ સામે અઝીઝની જાસૂસી કરવામાં ગુલનોરા તેની મદદ કરશે કે નહીં એ વિશે વિશ્વપ્પાને ખાતરી નહોતી. આજે વિશ્વપ્પા ખૂબ બેચેન હતો. ગુલનોરાને કઈ રીતે કહેવું, શું કહેવું એની સ્ક્રિપ્ટ તેણે મનોમન પાંચ વાર લખી અને પાંચ વાર ભૂંસી...
ગુલનોરા કદાચ અઝીઝના મહેલથી નીકળી હશે કે તરત જ અઝીઝનો ફોન આવ્યો, ‘ગુલનોરા અહીંથી નીકળી છે, તારે ત્યાં આવવા...’ વિશ્વપ્પા સહેજ ડર્યો, ‘મારો માણસ તારી દુકાનની બહાર જ ઊભો છે. ગુલનોરાને ચામાં ઝેર આપવાનું છે.’
વિશ્વપ્પાના હાથમાંથી સેલફોન પડતાં-પડતાં રહી ગયો. તેણે સહેજ દલીલ કરવાનો પ્રયાસ કર્યો, ‘હજૂર...’ પરંતુ શું કહેવું એ તેને સમજાયું નહીં. ગુલનોરાનો અહીં આવવાનો ઇરાદો અને એનું કારણ જો અઝીઝ જાણતો હોય તો પોતાના વિશે પણ અઝીઝ પાસે પૂરેપૂરી માહિતી હશે જ એ વિચારે વિશ્વપ્પાના પેટમાં ફાળ પડી. ફોન ટૅપ થતો હશે, પોતાને ત્યાંથી કોઈ માણસ અઝીઝ સુધી માહિતી પહોંચાડતો હશે કે પછી શુજા જ ફૂટેલો હશે... એવા અનેક વિચારો થોડી જ ક્ષણોમાં વિશ્વપ્પાના મગજમાંથી પસાર થઈ ગયા, ‘બેગમ તો અહીં... નવો સૅફાયર જોવા આવે છે.’ વિશ્વપ્પાએ કહ્યું તો ખરું, પણ અઝીઝ હસ્યો એટલે વિશ્વપ્પાને પોતાના જ શબ્દો પોલા લાગ્યા, ‘મારો કોઈ વાંક નથી.’ વિશ્વપ્પા કરગરી પડ્યો. હવે સત્ય કહ્યા વગર છૂટકો નથી એ વાત તેને સમજાઈ ગઈ એટલે તેણે તરત જ કન્ફેશન આપી દીધું, ‘શુજા મારા પર પ્રેશર કરે છે.’ અઝીઝ સાંભળતો રહ્યો, ‘મારે શારજાહમાં રહેવું હોય તો શુજાનું કામ કરવું પડે ને જીવવું હોય તો તમારી સાથે વફાદાર રહેવું પડે.’ વિશ્વપ્પા લગભગ રડી પડ્યો, ‘ફસાઈ ગયો છું.’
‘હં...’ અઝીઝે માત્ર હોંકારો ભણ્યો. બન્ને તરફ થોડીક ક્ષણો માટે ભયાનક મૌન ઘૂમરાતું રહ્યું, ‘ગુલનોરાને ચા પીવડાવી દે પછી મને ફોન કરજે.’ અઝીઝે કહ્યું, ‘મારો માણસ ત્યાં જ ઊભો છે. અચાનક બેહોશ થઈ ગયેલી મારી બેગમને તે ગાડીમાં બેસાડીને મહેલ પર લઈ આવશે. બાકીનું હું સંભાળી લઈશ.’
‘એ જ કરવું હોય તો અહીં શું કામ...’ વિશ્વપ્પાને પૂછવું હતું, પરંતુ તેના ગળામાંથી અવાજ નીકળ્યો નહીં.
‘એ પછીનાં CCTV કૅમેરાનાં ફુટેજ તારે શુજાને મોકલવાનાં છે.’ અઝીઝે કહ્યું. તેના અવાજમાં કોઈ ભયાનક તીણી ધાર જેવી તીક્ષ્ણતા હતી, ‘તેને સમજાઈ જવું જોઈએ કે તેના પર બીજી ઓરતની કત્લનો ગુનો ચડ્યો છે. અલ્લાહ તેને માફ નહીં કરે.’ અઝીઝે કહ્યું. ફોન ડિસકનેક્ટ થઈ ગયો. સેલફોન હાથમાં પકડીને બાઘાની જેમ ઊભેલા વિશ્વપ્પાને તેના માણસે ગુલનોરા આવી ગઈ છે એ સમાચાર આપ્યા ત્યારે વિશ્વપ્પાના પગથી માથા સુધી કોઈ ઇલેક્ટ્રિક કરન્ટ પસાર થઈ ગયો હોય એમ તે ધ્રૂજી ઊઠ્યો.
ગુલનોરા દાખલ થઈ. વિશ્વપ્પા ક્ષણભર માટે તેની સામે જોઈ રહ્યો. આવી બેદાગ ચમકતી ત્વચા, નમણા નયનનક્શ અને હસ્તો, આંખોમાં ઊભરાતી આશા જોઈને વિશ્વપ્પાને પોતાની જાત પર તિરસ્કાર થયો. તેણે ગુલનોરાને આવકાર આપવાનો પ્રયત્ન કર્યો, પણ તેનું સ્મિત ફિક્કું હતું, ‘ઝહે નસીબ... સઅિદ્તુ કથીરન બિ-કુદૂમિકી.’ ગુલનોરા નજીક આવી એટલે વિશ્વપ્પાએ તેનો હાથ પોતાના હાથમાં લઈને હથેળીના પાછળના ભાગે હળવું ચુંબન કર્યું, ‘હલ તુવદ્દીન શુર્બ અશ-શાય?’ તેણે પૂછ્યું. તેનો અવાજ ધ્રૂજી ગયો. પચીસ વર્ષની આ છોકરી થોડી વારમાં આ દુનિયા છોડી દેશે એ કલ્પના જ વિશ્વપ્પાને થથરાવી મૂકતી હતી.
વિશ્વપ્પાનો માણસ નાની-નાની પ્યાલીઓમાં ચા લઈને આવ્યો. ચાની પહેલી પ્યાલી નકારી ન શકાય એ અરબી અદબ અને આદબનું પ્રતીક છે. ગુલનોરાએ ચાની પ્યાલી ઉપાડી. તે મોઢે માંડે એ પહેલાં વિશ્વપ્પાએ એક ક્ષણ માટે આંખો મીંચી. ઈશ્વરને પોતાના આ ભયાનક કૃત્ય માટે ક્ષમા કરવાની વિનંતી કરી ને પછી પોતે પણ એ ટ્રેમાંથી ચાની પ્યાલી ઉપાડી. બન્ને જણે સામસામે આદરપૂર્વક ચા મોઢે માંડી. ગુલનોરાએ ખાલી પ્યાલી ટ્રેમાં પાછી મૂકી... વિશ્વપ્પા ધડકતા હૃદયે ગુલનોરાના શ્વાસ બંધ થવાની પ્રતીક્ષા કરી રહ્યો હતો ત્યાં જ જાણે કોઈ પોતાનું ગળું દબાવતું હોય એવી ભયાનક અનુભૂતિ સાથે વિશ્વપ્પાની આંખો પહોળી થઈ ગઈ. તેના શ્વાસ રૂંધાવા લાગ્યા. AC કૅબિનમાં તેને પરસેવો થવા લાગ્યો. વિશ્વપ્પા જમીન પર ફસડાઈ પડ્યો. આ ૩૦ સેકન્ડમાં તેને સમજાઈ ગયું કે ઝેર ગુલનોરાને નહીં, પોતાને આપવામાં આવ્યું હતું. વિશ્વપ્પાએ માત્ર તૂટતા શ્વાસે એટલું જ કહ્યું, ‘દગો... દગો થયો...’ ડરી ગયેલી ગુલનોરા દોડતી બહાર આવીને બૂમો પાડવા લાગી, ‘વિશ્વપ્પાને કંઈ થઈ ગયું છે. જલદી દોડો, ઍમ્બ્યુલન્સ બોલાવો.’ ગુલનોરાની બૂમો સાંભળીને અફરાતફરી મચી જવી જોઈતી હતી, પરંતુ જાણે આ જ સમાચારની રાહ જોતા હોય એમ દુકાનના માણસોએ નિરાંતે કૅબિનમાં દાખલ થઈને વિશ્વપ્પાના શરીરને ઉપાડ્યું અને બહાર લાવીને વેઇટિંગ માટે ગોઠવાયેલા સોફા પર ગોઠવ્યું. ગુલનોરાએ ઉશ્કેરાટમાં ફરી કહ્યું, ‘ઍમ્બ્યુલન્સ બોલાવો... તેને કંઈ થઈ ગયું છે.’
‘બ્લડ-પ્રેશર લો થઈ ગયું છે. આવું થાય છે... વારંવાર.’ કહીને વિશ્વપ્પાના મુખ્ય માણસે સાકરવાળું પાણી તેને પિવડાવવાનો પ્રયત્ન કર્યો. પાણી વિશ્વપ્પાના હોઠમાંથી અંદર ગયું. ગુલનોરા આ બધું જોઈ રહી હતી, ‘બેગમસાહેબા, તમે ઘરે જાઓ. અહીંનું અમે સંભાળી લઈશું.’ વિશ્વપ્પાના માણસે કહ્યું. ગુલનોરા રોકાવા માગતી હતી, પરંતુ વિશ્વપ્પાના માણસે તેને લગભગ બાવડેથી પકડીને બહાર મૂકી દીધી. ભાંગેલા પગલે અને ડરેલી ગુલનોરા ગાડીમાં બેસી ગઈ...
દુકાનમાં પહેલેથી નક્કી થયા મુજબ થોડી રાહ જોવામાં આવી. પછી ઍમ્બ્યુલન્સ બોલાવવામાં આવી. વિશ્વપ્પાને હૉસ્પિટલમાં લઈ જવામાં આવ્યો અને તપાસ કર્યા વગર જ વિશ્વપ્પાનું કાર્ડિઍક-અરેસ્ટથી મૃત્યુ થયું છે એવી જાહેરાત કરી દેવામાં આવી.
ગાડી જ્યારે મહેલથી વિરુદ્ધ દિશામાં જવા લાગી ત્યારે ગુલનોરાએ ડ્રાઇવરને પૂછ્યું, ‘આપણે ક્યાં જઈએ છીએ?’
‘ઍરપોર્ટ.’ ડ્રાઇવરે કહ્યું, ‘શેખસાહેબનો હુકમ છે. તમને અત્યારે ફ્લાઇટમાં રવાના કરવાના છે.’
‘ક્યાં?’ ગુલનોરાએ પૂછ્યું. તે પહેલેથી જ ડઘાયેલી અને ડરેલી હતી. અઝીઝને અત્યાર સુધીમાં તેણે બરાબર ઓળખી લીધો હતો. અહીં થતા સોદા અને હ્યુમન ટ્રાફિકિંગ વિશે તેને જાણ હતી એટલે વધુ સવાલ પૂછવાનો અર્થ નહોતો.
‘મને નથી ખબર...’ ડ્રાઇવરે કહ્યું. એ પછી કોઈ કશું બોલ્યું નહીં. ખોરફક્કાનના પ્રાઇવેટ ઍરપોર્ટ પર ગુલનોરાને ઉતારી દેવામાં આવી. પ્રાઇવેટ જેટમાં બેસી જવા સિવાય ગુલનોરા પાસે કોઈ ઑપ્શન નહોતો. તે ફ્લાઇટમાં બેઠી, ફ્લાઇટ ટેક-ઑફ થઈ... ગુલનોરા હવે અઝીઝની બેગમ નહીં પણ તેના ‘ધંધા’નો એક ભાગ બની જવાની હતી એટલું તેને સમજાઈ ચૂક્યું હતું.
(ક્રમશઃ)