02 August, 2026 09:46 PM IST | Mumbai | Kajal Oza Vaidya
ઇલસ્ટ્રેશન
‘સ્મૃતિ નહીં વેચું તમને... કોઈ કિંમતે નહીં.’ અક્ષરાએ કહ્યું. તે ઊભી થઈ ગઈ, ‘તમે મને ખૂબ સુંદર યાદો આપી છે. હું તમારો આભાર માનું છું.’ અક્ષરા લેક કોમો પર દેખાતા લાઇટના થથરતા પડછાયા જોતી રહી.
જિમી પોતાની સીટ પરથી ઊઠ્યો. અક્ષરાની પાછળ આવીને ઊભો રહ્યો. તેણે વહાલથી કહ્યું, ‘એલેના!’ અક્ષરા ચૂપચાપ સાંભળતી રહી, ‘હું જાણું છું કે આ તારું સાચું નામ નથી.’ અક્ષરાએ ચોંકીને પાછળ જોવાનો પ્રયાસ કર્યો, પરંતુ જિમીએ તેના ગળાની આસપાસ પોતાનો હાથ લપેટી દીધો, ‘તું જણાવીશ તો ગમશે, પણ નહીં જણાવે તોય તારા નામથી મને કોઈ ફરક નહીં પડે. તું ભારતીય છે એટલે અહીં કઈ રીતે લાવવામાં આવી, તારો ભૂતકાળ શું છે, કોઈ પ્રેમી હતો કે પતિ? આ બધા સવાલોથી મારી જિંદગીમાં કોઈ ફરક નહીં પડે.’ જિમીએ કહ્યું, ‘મારે ઇતિહાસ નથી જાણવો...’
‘મારી પાસે કોઈ ઇતિહાસ છે જ નહીં.’ અક્ષરાએ કહ્યું, ‘ભૂતકાળ તો લક્ઝરી છે. મને ઉપલબ્ધ નથી. યાદોને સાચવવાની, વહેંચવાની, વાગોળવાની સગવડ સૌ પાસે નથી હોતી. હું રોજ સવારે મારી ગઈ કાલને દફન કરીને આગળ વધી જાઉં છું. આવતી કાલ વિશે કશું જાણતી નથી ને આજ... પ્રત્યેક મિનિટે બદલાય છે. રોજ સાંજે જેણે એક નવા સ્પર્શ માટે ત્વચાને તૈયાર કરવાની હોય તેને ઇતિહાસ યાદ હોય તો તે વધુ ને વધુ કડવી થતી જાય.’
‘તું ડરે છે...’ જિમીએ ચૅલેન્જ કરતાં કહ્યું, ‘પ્રેમના અનુભવથી...’
‘આ ધંધામાં ડર તો ભૂલી જ જવો પડે. હું પ્રેમથી નહીં, ભ્રમથી ડરું છું.’ અક્ષરા હસી પડી, ‘હું અજાણ્યા લોકોથી નથી ડરતી, જાણીતા લોકોથી ડરું છું જે મને મારા નામથી બોલાવી શકે... જેને મારો ઇતિહાસ ખબર છે એ જ સૌથી વધુ પીડા આપી શકે. હું એટલે જ મારો ઇતિહાસ ભૂલવા માગું છું.’
‘મારે તારા વિશે કશું જાણવું નથી...’ જિમીએ કહ્યું. તેણે અક્ષરાને કમરમાંથી પકડીને નજીક ખેંચી, ‘તને જાણવી છે.’ તેણે અક્ષરાની આંખોમાં આંખો નાખીને પૂછ્યું, ‘હું તને ગમું છું?’
‘ખોટી વ્યક્તિને ખોટો સવાલ પૂછી રહ્યા છો...’ અક્ષરાએ કહ્યું, ‘ભૂતકાળની જેમ પસંદગી પણ લક્ઝરી છે. માલિક વસ્તુને પસંદ કરે છે, વસ્તુને માલિક પસંદ કરવાનો અધિકાર નથી.’
‘તું વસ્તુ નથી, એક વાર્તા છે... નવાઈની વાત એ છે કે તને કોઈએ વાંચવાનો પ્રયત્ન જ ન કર્યો. તું શ્વાસ લેતા મૌનની કથા છે.’ જિમીએ કહ્યું, ‘મેં એક સ્ત્રી ખરીદી હતી, પણ તેનું અસ્તિત્વ મને એટલું બેચેન કરી ગયું કે હવે તે સ્ત્રી નહીં, તેના અસ્તિત્વ સાથે હું જીવવા માગું છું. તું જે છે, જેવી છે... એવી મારી કાયનાત છે, કૉસ્મોસ છે મારું.’ અક્ષરાએ જિમીની આંખોમાં જોયું, ‘તને આશ્ચર્ય થવું જ જોઈએ. બે-ચાર કલાકમાં એવું શું બની ગયું... કે જિમી મહેન્દ્ર તારી પાછળ સમય, શક્તિ અને ઇમોશન બરબાદ કરવા તૈયાર થઈ ગયો એવો સવાલ થવો જોઈએ તને.’ જિમીની આંખો ભીની હતી કે પછી લેક કોમોમાં તરવરતા લાઇટના પ્રતિબિંબને કારણે અક્ષરાને એવું લાગ્યું, ‘મને પણ થાય છે આવો સવાલ...’ જિમીએ બન્ને હાથે અક્ષરાનો ચહેરો પકડ્યો, કોઈ ફૂલને નજીક લાવતો હોય એટલી ઋજુતાથી અક્ષરાને નજીક લાવ્યો, ‘એલેના...’ તેણે સાવ હળવેથી અક્ષરાને કાનમાં કહ્યું, ‘આપણે સાથે મળીને આનો જવાબ શોધીશું.’
‘અક્ષરા...’ માત્ર જિમી જ સાંભળી શકે એવા તદ્દન ધીમા હવાની લહેરખી જેવા અવાજે અક્ષરાએ તેના કાનમાં કહ્યું, ‘અક્ષરા છે મારું નામ.’
‘તો અક્ષરા, વિલ યુ કમ ટુ મુંબઈ વિથ મી?’ જિમી ઘૂંટણિયે બેસી ગયો. લગ્ન પ્રપોઝ કરતો હોય એવી રીતે જિમીએ તેના બ્લેઝરના ખિસ્સામાંથી એક નાનકડી ડબ્બી કાઢી જેમાં ડી બિયર્સના બે સૉલિટેર ઝગમગી રહ્યા હતા.
‘તમે ભૂલી ગયા છો કે તમારે એક પરિવાર છે, પ્રસિદ્ધિ છે અને સૌથી મહત્ત્વની વાત એક પત્ની છે...’ અક્ષરા જાણે અચાનક ભાનમાં આવી હોય એમ તેણે કહ્યું.
‘અક્ષરા...’ જિમીએ ફરી વખત તેનું નામ ઉચ્ચાર્યું. કોઈ પ્રાર્થના કે શ્લોકની જેમ, ‘બધું હોવા છતાં અત્યારે હું અહીં છું, તારી પાસે.’
અક્ષરા હવે સ્વસ્થ હતી. સપનું વીતી ગયું હતું. હકીકતથી સંપૂર્ણપણે જાગૃત અક્ષરાએ કહ્યું, ‘માટે જ... આ ક્ષણ, આ સમય, આ સાંજ અને આપણો સાથ જ્યાં સુધી છે ત્યાં સુધી માણી લઈએ. કશુંય પર્મનન્ટ નથી. કોઈ કલાક સાઠ મિનિટથી લાંબો ન હોઈ શકે.’
‘તું મુંબઈ આવીશ કે નહીં?’ જિમીનો પ્રસ્તાવ હવે ઝનૂનમાં બદલાઈ ગયો.
‘હું સેરેનાની ગુલામ છું. બે લાખ દસ હજાર યુરોમાં ખરીદી છે તેણે મને...’ અક્ષરાની આંખોમાં લોહી ઊતરી આવ્યું, ‘તું કેટલામાં ખરીદીશ? શું કિંમત લગાવી છે તેં મારી?’ અક્ષરાનો સવાલ ખંજરની જેમ જિમીની છાતીમાં ઊતરી ગયો, ‘માલિક બદલાશે, કિંમત વધશે... મારી સ્થિતિ નહીં બદલાય. સેરેનાને બદલે તારી ગુલામી કરવી પડશે, ખરુંને?’ જિમી કશું જ બોલ્યો નહીં. ચૂપચાપ પોતાની સીટ પર બેસી ગયો. એ પછી બન્ને જણ ૭ કોર્સનું ડિનર કરતાં રહ્યાં. એક પછી એક વાનગીઓ અને વાઇન પીરસાતાં રહ્યાં. પ્લેટ્સ અને ગ્લાસ બદલાતાં રહ્યાં, પણ થીજી ગયેલું મૌન તેમના ટેબલ પરથી હટ્યું નહીં.
સુશીલાને મૅજિસ્ટ્રેટ સામે રજૂ કરવામાં આવી ત્યારે પબ્લિક પ્રોસિક્યુટર તરીકે આયરા ખાન મન્સૂરીએ ધુંઆધાર દલીલો કરી. સુશીલાએ પોતાની જ દીકરીને ઊંધા રવાડે ચડાવીને હ્યુમન ટ્રાફિકમાં ધકેલી એ માટે તેને સજા થવી જ જોઈએ એવી રજૂઆત સાથે કેટલાક પુરાવા પણ રજૂ કર્યા. જે ગઈ કાલ સુધી સુશીલા માટે લડતી હતી તે આજે સુશીલાની સામે ઊભી હતી. સંજય પ્રજાપતિ બાંકડા પર બેસીને આયરાની દલીલો સાંભળી રહ્યો હતો. તેની નજર સામે અક્ષરાનો ચહેરો, તેનું સ્મિત, તેની આંખો અને વહાલ તરવરતાં હતાં. ક્યાં હશે મારી દીકરી? તેને
રહી-રહીને એ જ વિચાર આવતો હતો. દીકરીના વિચારોમાં ખોવાયેલા સંજયનું ધ્યાન અચાનક તૂટ્યું જ્યારે જજનો હથોડો તેમના ટેબલ પર પછડાયો, ‘સુશીલા પ્રજાપતિના બેઇલ મંજૂર કરવામાં આવે છે.’ તેણે સાંભળ્યું, તે ઉશ્કેરાઈ ગયો. તેણે આયરા ખાન તરફ જોયું. આયરાએ આંખોથી જ શાંત રહેવાનો ઇશારો કર્યો. સુશીલા અને લોખંડેએ સામસામે જોઈને સ્મિત કર્યું.
કોર્ટરૂમમાંથી બહાર નીકળીને લોખંડે અને સુશીલા સામસામે ઊભા રહીને વાત કરતાં હતાં ત્યાં સંજય પ્રજાપતિ ધસી આવ્યો, ‘તમે પણ બીજા પોલીસવાળા જેવા જ નીકળ્યા.’ તેણે લોખંડે સામે આગઝરતી આંખે જોયું. પછી સુશીલા તરફ જોઈને કહ્યું, ‘શું આપ્યું બદલામાં? પૈસા તો તારી પાસે હતા નહીં એટલે...’ સુશીલા પતિનો ઇશારો સમજી ગઈ. તે જવાબ આપવા જતી હતી ત્યાં જ આયરા આવી પહોંચી, ‘ને તમે...’ સંજય પ્રજાપતિએ તેને પણ છોડી નહીં, ‘તમે તો કહ્યું હતું કે સુશીલાને રિમાન્ડ મળશે, જુડિશ્યલ કસ્ટડી મળશે; પણ આ તો... હરામખોર...’
‘મેં મારો પ્રયત્ન કર્યો, પણ...’ આયરાએ તીખી નજરે લોખંડે તરફ જોયું, ‘પોલીસ જ જ્યારે અમારો સાથ ન આપે ત્યારે અમે શું કરી લેવાના?’
‘મારી વાત સાંભળો સાહેબ.’ લોખંડેએ ધીમા અવાજે, નમ્રતાથી સંજય પ્રજાપતિને સમજાવવાનો પ્રયત્ન કર્યો; પણ હતાશ થયેલો સંજય ગુસ્સામાં લોખંડેને હળવો ધક્કો મારીને મોટાં ડગલાં ભરતો કોર્ટની લૉબીમાં ચાલવા લાગ્યો. લોખંડેએ આયરા તરફ જોયું, ‘તાઈ, FIR કરવાની છે, અઝીઝ શેખ વિરુદ્ધ.’ આયરાની આંખો પહોળી થઈ ગઈ. લોખંડેએ હાથના ઇશારાથી જ તેને ચૂપ રહેવાનું કહ્યું, ‘તેના ખાસ માણસો અબ્દુલ અને મકબૂલ પણ અઝીઝની વિરુદ્ધ ઘણા પુરાવા આપી ગયા છે. મેં બધું લાકડે માકડું ફિટ કર્યું છે. આ વખતે અઝીઝ મુંબઈ આવશે તો પાછો જવા નહીં દઉં.’ આયરા આશ્ચર્ય સાથે અને અવિશ્વાસ સાથે લોખંડે સામે જોઈ રહી, ‘હું પ્રૉમિસ આપું છું કે અચ્યુતને સાફ-સાફ બહાર કાઢી લઈશ અને અઝીઝને આર્થર રોડમાં ચક્કી પિસાવીશ.’ આયરા ખભા ઉલાળીને ત્યાંથી ચાલી ગઈ. લોખંડે તેને જતી જોઈ રહ્યો, ‘તાઈ! મેં તો મારું વચન પાળ્યું. તમારી બેઇલ કરાવી દીધી. હવે તમે પૂઢ ચ પૂઢે ઘરે જાઓ અને મારા પુરાવા લઈને પાછા આવો.’ લોખંડે મૂછમાં હસ્યો, ‘અઝીઝ શેખ મુંબઈ ઍરપોર્ટ પર ગમે ત્યારે લૅન્ડ થશે.’
મુંબઈના જનરલ એવિએશન ટર્મિનસ, છત્રપતિ શિવાજી મહારાજ આંતરરાષ્ટ્રીય ઍરપોર્ટ પર શેખ અબ્દુલ બિન મોહમ્મદ અઝીઝ અલ સઈદનો પાસપોર્ટ તપાસવામાં આવ્યો. ઘણા શેખો પ્રાઇવેટ જેટમાં મુંબઈ આવતા હતા એટલે કોઈને ખાસ નવાઈ ન લાગી. અઝીઝના પેપર્સની ફૉર્માલિટી પતાવીને તેને વિઝિટર વીઝાનો સિક્કો મારી આપવામાં આવ્યો. અઝીઝ ઍરપોર્ટની બહાર નીકળ્યો ત્યારે તેણે પ્રિન્ટેડ શર્ટ અને જીન્સ પહેર્યાં હતાં. તેનો લાંબો ઝભ્ભો અને માથા પરનો સ્કાર્ફ તે શારજાહમાં જ છોડીને આવ્યો હતો. વેલ-બિલ્ટ શરીર અને બ્રૅન્ડેડ સનગ્લાસિસ, બ્રૅન્ડેડ શૂઝ સાથે અઝીઝ આકર્ષક દેખાતો હતો. તેણે બહાર નીકળીને આમતેમ નજર નાખી. મકબૂલ અને અબ્દુલ તેની રાહ જોઈને ઊભા હતા. અઝીઝના હાથમાં નાનકડી ટ્રૉલી બૅગ જોઈને મકબૂલે ધીમેથી મોટા ભાઈને કહ્યું, ‘વધારે સામાન નથી લાવ્યો. તેને ખબર પડી જ ગઈ હશે કે પછી તો જેલનો યુનિફૉર્મ જ પહેરવાનો છે.’ મકબૂલ હસ્યો, પણ અબ્દુલે તેને કોણી મારીને ચૂપ રહેવાનો ઇશારો કર્યો. અઝીઝ નજીક આવ્યો. મકબૂલે હાથ લંબાવીને અઝીઝનો હાથ પોતાના હાથમાં લીધો, હથેળીના પાછળના ભાગને ચૂમીને તેણે કહ્યું, ‘વેલકમ શેખસાહેબ.’
‘મુંબઈની ધરતી પર તમારો ઇસ્તકબાલ કરીએ છીએ.’ અબ્દુલે કહ્યું. તેણે અઝીઝની બૅગ લઈ લીધી. તેને આગળ જવાનો ઇશારો કરીને તે અઝીઝની પાછળ ચાલવા લાગ્યો. મકબૂલ પણ ભાઈની સાથે જોડાયો, ‘સુશીલાએ તમારી વિરુદ્ધના પુરાવા લોખંડેને આપી દીધા છે. દગાખોર, નમકહરામ સાલી...’
‘હમ્...’ અઝીઝે હોંકારો ભણ્યો.
‘લોખંડે વેચાય એવો માણસ નથીને...’ અબ્દુલ સહેજ અચકાયો. પછી તેણે કહી નાખ્યું, ‘સુશીલા પણ હવે બદલાઈ ગઈ છે. તેને તેની દીકરી પાછી જોઈએ છે.’ અઝીઝે તીખી નજરે અબ્દુલ સામે જોયું, ‘ને...’ અબ્દુલ નીચું જોઈ ગયો, ‘તેને પોતાનું ડોકું ફાંસીના ગાળિયામાંથી કાઢીને તમારું માથું ભરાવવું છે.’
‘મારે પ્રૉબ્લેમ નહીં, સૉલ્યુશન સાંભળવું છે.’ અઝીઝ ચિડાયો, ‘આ બધું તું ફોન પર કહી ચૂક્યો છે એટલે તો હું દોડીને અહીં આવ્યો છું. ત્યાં ઇટલીમાં લફરાં ઊભાં છે... અહીંથી કદાચ ત્યાં જવું પડશે.’
‘મુંબઈ પોલીસ જવા દેશે તો.’ મકબૂલ સાવ ધીમેથી તેના ભાઈના કાનમાં ગણગણ્યો. અબ્દુલે માંડ હસવું રોક્યું.
‘સુશીલાનું શું કરવું છે?’ અઝીઝે પૂછ્યું, ‘લૉકઅપમાં કેવી રીતે...’
‘તેની બેઇલ થઈ ગઈ છે. હવે લૉકઅપનું રિસ્ક લેવાની જરૂર નથી.’ અબ્દુલે કહ્યું, ‘તમે હોટેલમાં જાઓ, આરામ કરો. આજે રાત્રે તેનો નિકાલ કરી દઈશું.’ અઝીઝે ડોકું ધુણાવ્યું. તેને લેવા આવેલી ભાડાની મર્સિડીઝમાં તે ગોઠવાયો. મુંબઈની સી-લિન્ક પાસે આવેલી તાજની લૅન્ડ્સ એન્ડમાં ચેક-ઇન કરીને તે થોડા કલાક ઊંઘવા માગતો હતો. આજ સુધી અનેક છોકરીઓની લે-વેચ કરી હતી, પણ આ એક છોકરી તેની જિંદગીમાં જે વાવાઝોડું લઈને આવી હતી એનાથી અઝીઝ ખરેખર થાકી ગયો હતો.
બીજા દિવસે સવારે જિમી જાગ્યો ત્યારે સેરેનેબિયોમાં સવારના ૧૦ વાગ્યા હતા. ગઈ કાલે રાત્રે તેના બાહુપાશમાં સૂતેલી અક્ષરા અત્યારે પથારીમાં નહોતી. ડ્રેસિંગ ગાઉન પહેરીને જિમી બેડરૂમમાંથી બહાર આવ્યો. તેનો સ્ટાફ ‘સાહેબ’ને બહાર આવેલા જોઈને તરત જ અલર્ટ થઈ ગયો, ‘અક્ષરા... આઇ મીન એલેના મૅડમ ક્યાં છે?’ જિમીએ ઇટાલિયનમાં પૂછ્યું.
‘સેને અદાન્તા અલ મતિનો.’ (તે તો વહેલી સવારે જ નીકળી ગયાં.) તેના સ્ટાફમાં રહેલી યુનિફૉર્મ પહેરેલી લેડી ગવર્નેસે જવાબ આપ્યો. જિમીના પગ નીચેથી જમીન સરકી ગઈ. તેણે સપનામાં પણ નહોતું ધાર્યું કે ગઈ કાલ સાંજના આવા અદ્ભુત સમય પછી અક્ષરા તેને કહ્યા વગર છોડીને ચાલી જશે. તેણે ઉશ્કેરાઈને ગાર્ડને બૂમ પાડી, ‘તેને જવા કેમ દીધી? કોની પરમિશનથી ગઈ તે?’
‘તેને લેવા સેરેના મૅડમ આવ્યાં હતાં.’ ગાર્ડે પૂરી અદબ છતાં દૃઢતાથી જવાબ આપ્યો. અહીં ‘વિલા દ એસ્ટે’માં આવનારા ક્લાયન્ટ્સ માટે સેરેનાના ખાસ ગાર્ડ રહેતા. તેના એસ્કોર્ટની સલામતી અને સુરક્ષા આ ગાર્ડની જવાબદારી હતી. સૌ સેરેનાને ઓળખતા. તે જાતે અક્ષરાને લેવા આવી એ વાત જ અહીંના ગાર્ડ્સ માટે આંચકાજનક હતી. તેને રોકવાની કોઈની હિંમત થઈ શકી નહીં.
‘સેરેના કોણ છે તેને અહીંથી લઈ જનારી...’ જિમી ગુસ્સામાં, ઉશ્કેરાટમાં આંટા મારતો હતો. તેણે બ્રેકફાસ્ટ માટે તૈયાર કરાયેલા ટેબલ પર બિછાવેલું ટેબલક્લોથ જોરથી ખેંચ્યું. કાચની પ્લેટ્સ, ગોઠવેલું ભોજન, જૂસનો જગ, ગ્લાસ અને ફ્લાવર વાઝ સહિત બધું જમીન પર પછડાયું. કાચનાં વાસણો તૂટવાનો મધુર પણ મોટો રણકાર થયો, ‘કૉલ હર રાઇટ નાઓ... મને અક્ષરા, આઇ મીન એલેના હમણાં ને હમણાં અહીં પાછી જોઈએ.’
ત્યાં ઊભેલા જિમીના અસિસ્ટન્ટે સેરેનાનો નંબર લગાડ્યો, પરંતુ તેનો ફોન સ્વિચ્ડ-ઑફ હતો. આટલું સાંભળતાં જ જિમીએ જોરથી બૂમ પાડી, ‘ગાડી કાઢો, મારે પાંચ મિનિટમાં બેલાજિયો માટે નીકળવું છે...’ જિમીના આવા વર્તાવથી તેનો આખો સ્ટાફ ડઘાઈ ગયો હતો. સામાન્ય રીતે અત્યંત શાલીન અને સંયમપૂર્વકનું વર્તતા જિમીનું આ રૂપ તેની સાથે ૧૦ વર્ષથી વધુ કામ કરતાં સ્ટાફ માટે પણ નવું હતું.
૧૫ મિનિટમાં જિમી તૈયાર થઈને બહાર નીકળ્યો. તેની કાળા કાચ ધરાવતી વૅનમાં ડ્રાઇવરની બાજુમાં ગોઠવાયો, ‘અક્ષરા બેલાજિયો પહોંચે એ પહેલાં મારે ત્યાં પહોંચવું છે...’ જિમીએ કહ્યું.
‘જે તને મળે છે તે તારા પ્રેમમાં પડી જાય છે... એવું શું છે તારામાં?’ સેરેનાએ થોડી ઈર્ષાથી અને થોડા ગુસ્સાથી પૂછ્યું.
અક્ષરાએ ગઈ કાલે મોડી રાત્રે ફોન કરીને સેરેનાને બોલાવી હતી. વહેલી સવારે જિમી ઊઠે એ પહેલાં પોતાને વિલા દ એસ્ટેમાંથી લઈ જવાની વિનંતી કરી હતી. સેરેનાએ અનેક વાર કારણ પૂછ્યું છતાં અક્ષરાએ કશું જ જણાવ્યું નહીં, પરંતુ સેરેના અક્ષરાના આ અચાનક ભાગવાના કારણથી અજાણ નહોતી. રાત્રે જ જિમીએ તેને ફોન કરીને અક્ષરાને પોતે મુંબઈ લઈ જવા માગે છે એ વાત કહી દીધી હતી. જિમી જેવો માણસ અક્ષરાના મોહમાં સપડાયો એ જોઈને સેરેનાની ભીતર રહેલી સ્ત્રીને આછી ઈર્ષા થઈ હતી. એ પહેલાં ઉવે પણ અક્ષરા પાછળ પાગલ થયો હતો. નવી-સવી બિઝનેસમાં દાખલ થયેલી છોકરી આટલા બધા લોકો માટે આકર્ષણ બની જાય એવું પહેલી વાર બન્યું હતું. સેરેનાને હવે અક્ષરામાં રસ પડવા લાગ્યો. તેણે પૂછ્યું, ‘જિમી જેવો માણસ તારી પાછળ પાગલ થઈ ગયો ને તોય તું ત્યાંથી ભાગી છૂટી... કયા પ્રકારની બાઈ છે તું? શું જાદુ કરે છે?’
‘મોંઘી અને આકર્ષક વસ્તુ તો સૌને ગમે જ.’ અક્ષરાએ જરાય વિચલિત થયા વગર કહ્યું, ‘કોઈને પોસાય, કોઈને ન પોસાય પણ વસાવવાની ઇચ્છા તો સૌને થાય જને?’
‘આ જિમી મૂરખની જેમ તને રોકવા માટે હવાતિયાં મારે છે.’ સેરેનાએ કહ્યું.
‘રોકવા નહીં, ખરીદવા. કેટલાક લોકો જિદ્દી હોય છે. એક વાર વસ્તુ ગમી જાય પછી એ તેમની જ થવી જોઈએ એવો તેમનો અહંકાર હોય છે. જિમી એમાંનો એક છે.’ અક્ષરાએ કહ્યું, ‘તે મારા પ્રેમમાં નથી, તે મને જીતની ટ્રોફી માને છે.’
‘એમ હોય તોય સોદો ખોટો નથી. ગઈ કાલે પાંચ લાખ યુરો ઑફર કર્યા તે સ્ટુપિડે, મને.’ તેના ચહેરા પર એક વ્યંગભર્યું સ્મિત આવી ગયું, ‘વેચી નાખું?’
‘જેવી તમારી ઇચ્છા. વસ્તુને કોઈ ઇચ્છા કે અભિપ્રાય નથી હોતાં.’ અક્ષરાએ કહ્યું. તેમની ગાડી લેક કોમોના કિનારે-કિનારે સુંદર રસ્તા પર પાણીની જેમ સરકી રહી હતી.
‘છતાં, હું તને પૂછું તો?’ સેરેનાએ પૂછ્યું.
‘તો?’ અક્ષરા બારીની બહાર જોતી રહી... થોડીક ક્ષણો, સરકતો રસ્તો લેક કોમોના હવામાં સરસરાતા પાણી પર તેની નજર સ્થિર થઈ, ‘તો મારે મુંબઈ નથી જવું.’ તેણે કહ્યું, ‘કોઈ પણ ભોગે, કોઈ પણ કિંમતે... હું મુંબઈ પાછી નહીં જાઉં.’
‘ને કદાચ અચ્યુત તને લેવા આવી જાય તો?’ સેરેનાએ દાણો દબાવી જોયો, ‘તો પણ મુંબઈ નહીં જાય?’
‘ના...’ અક્ષરાએ જરાય અચકાયા વગર જવાબ આપ્યો. ગઈ કાલ સુધી અચ્યુત પાસે જવા તરફડતી અક્ષરાનો જવાબ આજે સેરેનાને નવાઈ પમાડે એવો હતો. સેરેનાએ ધ્યાનથી જોયું. બારીની બહાર જોઈ રહેલી અક્ષરાની આંખો કોરી હતી, ચહેરા પર કોઈ વિચિત્ર દૃઢતા હતી. તેનો અવાજ એકદમ સ્થિર હતો.
‘કેમ?’ સેરેના પૂછ્યા વગર ન રહી શકી.
‘કારણ કે જે અક્ષરા મુંબઈથી નીકળી હતી તે તો ક્યારની મરી ગઈ.’ અક્ષરાએ એટલા જ સંયમિત અને સ્થિર અવાજે કહ્યું, ‘લાશનું વજન ઊંચકીને મુંબઈ લઈ ગયા પછી પણ દફનાવી જ દેવી પડશે. તો મુંબઈ હોય કે મિલાન, શું ફરક પડશે?’
(ક્રમશઃ)