08 February, 2026 01:08 PM IST | Mumbai | Kajal Oza Vaidya
ઇલસ્ટ્રેશન
હોટેલના રૂમના ડબલ બેડમાં એકલો સૂતેલો અચ્યુત આખી રાત પડખાં બદલતો રહ્યો. આખી રાતના ઉજાગરા દરમિયાન અચ્યુતને સમજાયું હતું કે તે જે રીતે વર્ત્યો એ યોગ્ય તો નહોતું જ. હૉલિડે પર આવેલાં નૉર્મલ કપલ આવુંબધું કરતાં જ હશે! જસ્ટ ફન! અક્ષરા વિશે આવી કમેન્ટ કરવાને બદલે પોતે અઝીઝના વર્તનને થોડી સહજતાથી સ્વીકારી શક્યો હોત તો સારું થાત એવું અચ્યુતને લાગ્યું. તે અસુરક્ષિત અને વિચિત્ર રીતે વર્ત્યો એ વાત પણ તેને સમજાઈ. તેણે સવારે અક્ષરાને વહાલથી જગાડી. રૂમમાં બ્રેકફાસ્ટ મગાવ્યો. અક્ષરાની માફી માગી, ‘સૉરી! તું તો જાણે છે હું કેટલો પઝેસિવ છું. ક્યારેક આવું કરી બેસું છું...’
‘એ લોકોએ આપણા વિશે શું ધાર્યું હશે!’ અક્ષરાને હજી પણ ‘એ લોકો’ની ધારણા અને માન્યતા વિશે ચિંતા હતી એ વાતથી અચ્યુતને ફરી ચીડ ચડી, પરંતુ તે વાતને ગળી ગયો.
‘તારે ફોન કરીને માફી માગવી જોઈએ.’ અક્ષરાએ કહ્યું.
‘કેમ?’ અચ્યુતે ખભા ઉલાળ્યા, ‘મારે એ લોકો સાથે કોઈ નિસબત નથી. હું ફરી તેમને મળવાનો પણ નથી. તને ખરાબ લાગ્યું છે. હું સમજું છું ને એ માટે તારી માફી માગું છું. તારી ખુશી અને નારાજગી સાથે મારે સંબંધ છે. તેમની સાથે શું લેવાદેવા?’ અચ્યુતે કહ્યું.
‘તેમણે આપણા માટે આટલો ખર્ચ કર્યો. આપણને મહેમાનની જેમ માન આપ્યું.’ અક્ષરાએ સ્નેહથી સમજાવવાનો પ્રયત્ન કર્યો, ‘તને નહીં ગમે તો ફરી નહીં મળીએ, પણ માફી માગીને
ઝીરો-ઝીરો તો કરી જ દેવું જોઈએ.’ તેણે કહ્યું, ‘પ્લીઝ!’
‘ઠીક છે.’ અક્ષરાને ફરી નારાજ ન કરવાના ઇરાદાથી અચ્યુતે કમને અઝીઝને ફોન કર્યો, માફી માગી. અક્ષરાએ ફોન લઈને તેમને ડિનર પર ઇન્વાઇટ કર્યાં ત્યારે અચ્યુતને ફરી ગુસ્સો ચડી ગયો, ‘પાછાં મળવાની વાત ક્યાં હતી? હું નહીં આવું ડિનર પર...’
‘પ્લીઝ! મારે માટે?’ અક્ષરાના વહાલ સામે તે પીગળી ગયો, ‘કોઈ પણ ‘ગુડબાય’ એવી રીતે કહેવું જેથી પાછા મળીએ તો સ્માઇલ કરવાનો, ‘કેમ છો’ પૂછવાનો વ્યવહાર બાકી રહે.’ અક્ષરાએ કહ્યું. અચ્યુતને એ વખતે તો એવું જ લાગ્યું કે તેની વાત સાવ ખોટી નહોતી!
ચાર જણ ડિનર પર મળ્યાં ત્યારે મહઝબીને એક નાનકડું જ્વેલરી-બૉક્સ અક્ષરાના હાથમાં મૂક્યું. અક્ષરાએ ખોલીને જોયું તો અંદર ડાયમન્ડનું બ્રેસલેટ હતું, ‘હું આ ન લઈ શકું...’ અક્ષરાએ કહ્યું.
‘આ તો બહુ મોંઘું છે.’ અચ્યુતથી બોલાઈ ગયું.
‘આ આપણી દોસ્તીની ભેટ છે.’ મહઝબીને સ્નેહથી અક્ષરાના હાથ પકડીને કહ્યું.
‘મેં આપ્યું હોત તો કદાચ તમારા હસબન્ડને લાગ્યું હોત કે હું તમારી સાથે ફ્લર્ટ કરું છું.’ અઝીઝ હસ્યો. તે નિખાલસ અને સહજ લાગતો હતો. ગઈ કાલની ઘટનાનો કોઈ રંજ તેના વર્તનમાં દેખાતો નહોતો, ‘આપણા સૌના પોતપોતાના અભિપ્રાય હોય છે. હું અચ્યુતના અભિપ્રાયને માન આપું છું.’ તેણે કહ્યું. તેના કહેવામાં એક એવો અર્થ પણ હતો જ કે અચ્યુતે પણ મારા અભિપ્રાયને માન આપવું જોઈએ!
અચ્યુત વાત સમજ્યો, ‘ના ના... એ મારી ભૂલ હતી.’ અચ્યુતે કહ્યું. તે સાચે જ સંકોચ અનુભવી રહ્યો હતો, ‘તમે બહુ સારા માણસ છો. પણ મેં આવા માણસો અને આવી લાઇફસ્ટાઇલ જોયાં નથી એટલે કદાચ...’ અચ્યુતથી બોલાઈ ગયું, ‘હું મિડલક્લાસ માણસ છું. મારો ઉછેર, માનસિકતા અને વિચારો બધું જ કદાચ...’ તે જરા ખિન્ન થઈ ગયો. અક્ષરાએ બ્રેસલેટ હાથમાં પહેરી લીધું હતું. દરિયાકિનારાની હવા અને ટેબલ પરની મીણબત્તીઓના પ્રકાશમાં તેના ચહેરા પર પડતા હીરાના પ્રતિબિંબને અચ્યુત જોતો રહ્યો. હવે કશું કહેવા જેવું નહોતું. થોડી વાર સુધી એક ઑક્વર્ડ સન્નાટો છવાયેલો રહ્યો.
‘અમે આજે જઈ રહ્યાં છીએ.’ મહઝબીને મૌનને તોડવા કદાચ એમ જ, ફરી વાત શરૂ થઈ શકે માટે કહ્યું, ‘શેખ ત્રણ દિવસથી વધારે એસ્ટેટની બહાર ન રહી શકે.’ તે હસી, ‘આજથી પાછા કેદમાં.’
‘ઓહ! અમે હજી બે દિવસ અહીં છીએ.’ અક્ષરાએ કહ્યું.
‘એન્જૉય...’ અઝીઝે કહ્યું. ટેબલ પર પડેલા ગ્લાસને બૉટમ્સઅપ કરતાં તેણે પૂછ્યું, ‘ડિનર ઑર્ડર કરીએ?’
પોલીસના IT એક્સપર્ટ મનોજે શોધી કાઢેલી તસવીરોમાં એક તસવીરમાં પ્રાઇવેટ જેટની સીડી પર ઊભેલો અઝીઝ દેખાતો હતો. આ એ જ પ્રાઇવેટ જેટ હતું, જે અક્ષરા અને અચ્યુતને લેવા આવ્યું હતું.
શારજાહ ઍરપોર્ટથી ટેકઑફ થયું ત્યારે પ્રાઇવેટ જેટમાં પહેલી વાર બેઠેલી અક્ષરા નાના બાળકની જેમ ખુશખુશાલ હતી. ફ્લાઇટમાં શૅમ્પેન સર્વ કરવામાં આવ્યો. સાથે નટ્સ, ચિપ્સ અને ફ્રેશ કટ ફ્રૂટ્સ... માત્ર ૨૦ મિનિટની ફ્લાઇટ હતી તો પણ મહેમાનોનો પૂરો ખ્યાલ રાખવામાં આવ્યો. ફ્લાઇટ લૅન્ડ થઈ ત્યારે ફરારી તેમને લેવા આવી હતી. ફરારીની ચાવી અચ્યુતના હાથમાં મૂકતાં ડ્રાઇવર નમ્રતાથી ઝૂક્યો, ‘તમને ચલાવવી ગમશે, સર?’ અચ્યુત તો બઘવાઈ ગયો હતો. કોઈની ગાડી... કંઈ, કશું થાય તો? તેને વિચાર આવ્યો. તેણે સહેજ ડરીને ‘ના’ પાડી, પણ અક્ષરાએ ચાવી લઈ લીધી, એ ડ્રાઇવિંગ સીટ પર ગોઠવાઈ ગઈ. ડ્રાઇવરે એક-બે નાનકડી સૂચના ટેક્નૉલૉજીને લગતી આપી. ગાડીની બેઝિક ડીટેલ સમજાવી દીધી અને પછી આદરથી પાછળ ખસી ગયો. અક્ષરાએ ગાડીને સેલ આપ્યો, ગાડી જાણે આસમાનમાં ઊડી. આગળ પાઇલટ-કાર, પાછળ ગાર્ડ્સની કાર અને એક ઍડિશનલ ગાડી સાથે જ્યારે કાફલો અઝીઝની એસ્ટેટ પર પહોંચ્યો
ત્યારે ડ્રાઇવ વે જોઈને અચ્યુત આભો બની ગયો.
બે-અઢી કિલોમીટરની ડ્રાઇવ, જેની બન્ને તરફ ખજૂરીનાં વૃક્ષો, મોટી-મોટી લૉન્સ જેમાં નાના-નાના વૉટરબૉડીઝ અને ફુવારા. ફૂલોની ક્યારીઓ અને લીલાંછમ વૃક્ષો... કોઈ કહી શકે નહીં કે આ રણમાં ઊભું કરાયેલું નંદનવન છે. મહેલ પાસે પહોંચ્યાં ત્યારે અચ્યુતને સમજાયું કે ત્રણ લાખ રૂપિયાની યૉટ કે હીરાનું બ્રેસલેટ આ માણસ માટે કંઈ વિસાતમાં જ નહોતા. કોઈ ફિલ્મનો સેટ હોય એવા વિશાળ સોનેરી ગુંબજો અને મોટા દરવાજા સાથેની ફોયર્સ, નજરથી માપી ન શકાય એવો વિશાળ દીવાનખંડ, ક્રિસ્ટલનાં ઝુમ્મરો, રજવાડી ખુરશીઓ, પર્શિયન કાર્પેટ્સ અને એકથી એક ચડિયાતાં શિલ્પ, પેઇન્ટિંગ્સ અને આર્ટના નમૂના જોઈને અક્ષરા તો ચકિત થઈ ગઈ. દીવાનખંડમાં લગાવેલા એક-એક પેઇન્ટિંગની કિંમત લાખો રૂપિયાની હતી. દીવાનખંડની સાથે લિવિંગ રૂમ, હોમ થિયેટર અને લાઉન્જ. વેઇટિંગ માટેના અલગ ઓરડા અને યુનિફૉર્મમાં ફરતો સ્ટાફ. યુનિફૉર્મના રંગ પણ ગ્રેડ પ્રમાણે, દરેક યુનિફૉર્મ પર ‘AMS’નો સોનેરી મોનોગ્રામ.
બન્નેને મહેમાનખંડમાં લઈ જવામાં આવ્યાં. એ પણ કોઈ ફાઇવસ્ટાર હોટેલના સ્વીટ જેવો! રૂમમાં ઇન્ફિનિટી સ્વિમિંગ-પૂલ, જકુઝી અને ઝરૂખામાંથી દેખાતો દરિયો. રજવાડી પલંગ અને સિટિંગ અરેન્જમેન્ટ જોઈને અક્ષરાએ કહ્યું, ‘યાર! આ માણસ તો...’
‘સાચે જ! હું ખોટો તેના પર શંકા કરતો હતો.’ અચ્યુત હજી તેના ગેરવર્તનના અફસોસમાંથી બહાર નહોતો આવી શકતો.
થોડી વારમાં એક માણસે આવીને નમ્રતાથી પૂછ્યું, ‘તમે આરામ કરશો કે બ્રેકફાસ્ટ?’
‘અઝીઝ ક્યાં છે?’ અચ્યુતે પૂછ્યું.
અચ્યુત વાત સમજ્યો, ‘ના ના... એ મારી ભૂલ હતી.’ અચ્યુતે કહ્યું. તે સાચે જ સંકોચ અનુભવી રહ્યો હતો, ‘તમે બહુ સારા માણસ છો. પણ મેં આવા માણસો અને આવી લાઇફસ્ટાઇલ જોયાં નથી એટલે કદાચ...’ અચ્યુતથી બોલાઈ ગયું, ‘હું મિડલક્લાસ માણસ છું. મારો ઉછેર, માનસિકતા અને વિચારો બધું જ કદાચ...’ તે જરા ખિન્ન થઈ ગયો. અક્ષરાએ બ્રેસલેટ હાથમાં પહેરી લીધું હતું. દરિયાકિનારાની હવા અને ટેબલ પરની મીણબત્તીઓના પ્રકાશમાં તેના ચહેરા પર પડતા હીરાના પ્રતિબિંબને અચ્યુત જોતો રહ્યો. હવે કશું કહેવા જેવું નહોતું. થોડી વાર સુધી એક ઑક્વર્ડ સન્નાટો છવાયેલો રહ્યાો.
‘યુ મીન, શેખસાહેબ! સર અબ્દુલ બિન મોહમ્મદ અઝીઝ અલ સઈદ’ એ માણસે પૂરી નમ્રતાથી છતાં સહેજ સૂર બદલીને અચ્યુતને સમજાવ્યું કે અહીં તેમને ‘અઝીઝ’ નહીં બલકે ‘શેખસાહેબ’ કહીને સંબોધવા જોઈએ.
‘હા, શેખસાહેબ.’ અચ્યુતે સુધાર્યું, ‘તે ક્યારે મળશે?’
‘એ તો... લંચ પર મળશે. અત્યારે તો એસ્ટેટના કામકાજમાં વ્યસ્ત છે. શાર્પ વન થર્ટી pm લંચ માટે આવશે.’ તેણે ફરી કહ્યું, ‘બ્રેકફાસ્ટ સર્વ કરાવી દઉં, સર?’
અક્ષરા અને અચ્યુતના રૂમમાં બ્રેકફાસ્ટ સર્વ કરવામાં આવ્યો. ટ્રૉલીમાં ફ્રૂટ્સ, જૂસ, ચા, ક્રૉસોં, બે-ત્રણ પ્રકારની બ્રેડ, બટર, જૅમ, બીન્સ, સ્પ્રાઉટ્સ અને સૅલડ હતાં. સર્વ કરવા માટે બે માણસો હતા. બન્ને જણ આભા બનીને નાસ્તો કરતાં રહ્યાં. માણસો પૂરી નમ્રતાથી પીરસતા રહ્યા, પછી ટ્રૉલી લઈને ચાલ્યા ગયા. રાતનો ઉજાગરો હતો એટલે બન્ને જણ ઊંઘી ગયાં. ઊઠીને અક્ષરાએ થોડું સ્વિમિંગ કર્યું, ત્યાં તેમના રૂમની બેલ વાગી. માણસ લંચ માટે બોલાવવા આવ્યો હતો. શાર્પ ૧.૧૫ થઈ હતી. લંચ માટે ગૉલ્ફ-કાર્ટમાં બેસાડીને ગાર્ડનમાં આવેલા ગઝીબોમાં લઈ જવામાં આવ્યાં. ગૉલ્ફ-કાર્ટ જ્યાંથી પસાર થઈ એ પ્રાઇવેટ ગૉલ્ફ-કોર્સ હતો. તેમણે આવતાં જેટલી એસ્ટેટ જોઈ એનાથી ડબલ વિસ્તાર તો અહીં હતો. અચ્યુત આભો બનીને જોઈ રહ્યો હતો. અક્ષરાની આંખો પણ ચકાચૌંધ હતી.
સંપૂર્ણપણે કાચના બનેલા ગઝીબોમાં ૧૮ જણ બેસી શકે એવું વિશાળ ડાઇનિંગ ટેબલ હતું. સોનેરી ખુરશીઓ હતી જેમાં એક ખુરશી અલગ અને ઊંચી હતી. વન પીસ આરસપહાણના ટેબલ પર ચાંદીની ડિશિઝ અને ગોલ્ડન છરી, કાંટા, ચમચા ગોઠવવામાં આવ્યાં હતાં. શેખ જમવા આવ્યા ત્યારે તેમણે અરબ ઝભ્ભો અને માથા પર કેફિયાહ (સ્કાર્ફ) અને અઘાલ (સ્કાર્ફને બાંધવાની દોરી) પહેર્યાં હતાં. મૉરિશ્યસમાં દેખાતો હતો એના કરતાં અઝીઝ અહીં સાવ જુદો અને રુઆબદાર દેખાતો હતો. તેની સાથે તેના ચાર ગાર્ડ્સ આવીને ડાઇનિંગ ટેબલની ચારે તરફ ઊભા રહી ગયા. શેખ મુખ્ય ખુરશી પર ગોઠવાયા. તેમણે ઘંટડી વગાડીને ભોજન પીરસવાની શરૂઆત કરવાનો હુકમ કર્યો. એક પછી એક અદ્ભુત વેજિટેરિયન ડિશિઝ પીરસાવા લાગી. દરેક વાનગી સાથે એક અલગ પ્રકારનો વાઇન કે પીણું પીરસવામાં આવ્યું. લગભગ ૧૨ કોર્સનું લંચ પૂરું થયું ત્યાં સુધીમાં અચ્યુત અને અક્ષરા હાંફી ગયાં. ભોજન દરમિયાન જે વાતો થઈ એનો સૂર પણ મૉરિશ્યસ કરતાં જુદો અને ફૉર્મલ હતો. ‘આ’ અઝીઝ જાણે ‘એ’ માણસ જ નહોતો!
ભોજન પછી અઝીઝે પૂરા આદર સાથે કહ્યું, ‘હવે તમે રેસ્ટ કરો. આપણે સાંજે મળીએ.’
‘અમારી રાત્રે બે વાગ્યાની ફ્લાઇટ છે, શારજાહથી.’ અચ્યુતથી કહ્યા વિના ન રહેવાયું.
‘ડોન્ટ વરી. ફ્લાઇટ તમારી રાહ જોશે! ડિનર કરીને આરામથી જજો.’ અઝીઝે સ્મિત સાથે કહ્યું, પછી અક્ષરા સામે જોઈને ઉમેર્યું, ‘તમારે બેગમાતને નથી મળવું?’ અક્ષરાએ ડોકું ધુણાવ્યું. અઝીઝે ત્યાં સર્વિસ કરવા માટે ઊભેલા માણસ તરફ જોયું. તેણે ઇશારો સમજીને નમ્રતાથી ડોકું નમાવી દીધું, ધીમેથી વૉકીટૉકી પર કોઈને સૂચના આપી. તેણે અક્ષરાને આગળ ચાલવાનો ઇશારો કર્યો. એક બીજી ગૉલ્ફ-કાર્ટ તરત જ આવીને ઊભી રહી. એ ગૉલ્ફ-કાર્ટમાં પડદા હતા. અચ્યુત એક ગૉલ્ફ-કાર્ટમાં બેઠો, અક્ષરાને પડદાવાળી ગૉલ્ફ-કાર્ટમાં બેસાડવામાં આવી. તેને દૂર દેખાતા એક નાના મહેલ તરફ લઈ જવામાં આવી જે ગૉલ્ફ-કોર્સની બીજી તરફ હતો. અચ્યુત ફરી પાછો મહેમાનખંડમાં આવીને આડો પડ્યો. ઓવરઈટિંગ અને ઉજાગરાને લીધે તેને ફરી ઊંઘ આવી ગઈ. તેની આંખ ખૂલી ત્યારે ઘડિયાળમાં સાત વાગ્યા હતા. અક્ષરા હજી સુધી આવી નહોતી. તે હાંફળો-ફાંફળો તૈયાર થયો અને ‘સર્વિસ’ લખેલા બટન પર તેણે બેલ વગાડી. તરત જ માણસ આવીને ઊભો રહ્યો, ‘મારે નીકળવાનું છે.’ તેણે કહ્યું.
‘યસ સર. શેખસાહેબ આપની રાહ જોઈ રહ્યા છે. આપ આરામમાં હતા એટલે...’
‘ચાલો.’ અચ્યુત અચાનક જ જાણે બેચેન થઈ ગયો હતો, ‘મોડું થઈ જશે.’
‘ડોન્ટ વરી, સર! તમે નહીં પહોંચો ત્યાં સુધી ફ્લાઇટ નહીં ઊપડે.’ એ માણસે અજબ આત્મવિશ્વાસથી કહ્યું. અચ્યુત ચૂપચાપ તેની પાછળ ચાલવા લાગ્યો.
હવે અચ્યુતને એક નવા ડાઇનિંગ રૂમમાં લાવવામાં આવ્યો જેના ટેબલ પર મીણબત્તીઓ સજાવવામાં આવી હતી. ટેબલ પર હાથ લગાડી શકાય એટલાં નીચાં કાચનાં ઝુમ્મર હતાં. આઠ માણસ બેસી શકે એવો આ પ્રાઇવેટ ડાઇનિંગ એરિયા હતો. અહીં ગાર્ડ્સ નહોતા. સર્વિસ કરતા માણસો અને યુનિફૉર્મ પણ સવાર કરતાં જુદા હતા. રેડ વાઇનથી શરૂઆત કરવામાં આવી. ફરી એક વાર જાતભાતનું ભોજન પીરસવામાં આવ્યું.
ખાવાની જરાય ઇચ્છા નહોતી તેમ છતાં અચ્યુતે થોડુંઘણું ખાવાનો ડોળ કર્યો. ભોજન દરમિયાન અઝીઝ જાતજાતની વાતો કરતો રહ્યો, તેના દુનિયાભરના પ્રવાસો વિશે, તેના બિઝનેસ વિશે, એસ્ટેટ વિશે, તેનાં લગ્નો વિશે અને અફેર્સ વિશે... મૅન ટુ મૅન! અચ્યુત વારંવાર ઘડિયાળ જોઈ રહ્યો હતો. અક્ષરા હજી આવી નહોતી. અચ્યુતે ધારી લીધું કે તેણે બેગમ સાથે જમી જ લીધું હશે.
ભોજન પત્યું, પછી ડિઝર્ટ આવ્યું. અઝીઝને જાણે કોઈ ઉતાવળ નહોતી. તે હજી વાતો કરી રહ્યો હતો.
હવે અચ્યુતની ધીરજ ખૂટી, તેણે કહ્યું, ‘હવે મારે નીકળવું જોઈએ.’
‘અફકોર્સ, તમારે માટે ગાડી તૈયાર છે. જેટ પણ વેઇટ કરી રહ્યું છે. તમને શારજાહ ઍરપોર્ટ મૂકી દેશે.’
‘અક્ષરાને બોલાવી દો, પ્લીઝ.’ અચ્યુતે કહ્યું.
અઝીઝના ચહેરા પર આશ્ચર્ય દેખાયું, ‘અક્ષરા? કોણ અક્ષરા?’
‘આ કયા પ્રકારની મજાક છે? અક્ષરા... મારી વાઇફ...’ અચ્યુત ઉશ્કેરાઈ ગયો.
‘તમારી વાઇફ?’ અઝીઝના ચહેરા પર વિચિત્ર સ્મિત હતું, ‘ક્યાં છે?’
‘અરે! મારી સાથે આવી છે. તમે જ તો તમારી બેગમોને મળવા મોકલી.’ અચ્યુત અકળાવા લાગ્યો, ‘તેને બોલાવો, મોડું થાય છે.’
અચ્યુતે એકદમ ચિડાઈને કહ્યું, ‘સ્ટૉપ જોકિંગ.’
‘આઇ ઍમ નૉટ જોકિંગ.’ અઝીઝ ખરેખર ગંભીર હતો, ‘તમે એકલા જ આવ્યા હતા.’
‘વૉટ નૉન્સેન્સ!’ અચ્યુત હવે વિવેકભાન ભૂલી ગયો, ‘મૂર્ખ જેવી વાત નહીં કરો. તમારી મહેમાનગતિ માટે આભાર, પણ આ મજાક બરાબર નથી.’
‘પણ આ મજાક જ નથી.’ અઝીઝ ખૂબ શાંત અને સ્વસ્થ હતો, ‘મારા માણસો ઊભા છે, પૂછી લો કોઈને પણ. તમારી સાથે કોઈ આવ્યું જ નહોતું.’ કહેતાં-કહેતાં તેનો સૂર સહેજ બદલાયો, ‘ઇન ફૅક્ટ, ભદ્દી મજાક તો તમે કરી રહ્યા છો. કોણ વાઇફ, કેવી વાઇફ...’
‘લુક!’ અચ્યુત એકદમ ગુસ્સે થઈ ગયો. તેણે ત્યાં ઊભેલા માણસો તરફ જોયું, ‘મારી સાથે મારી વાઇફ હતી કે નહીં?’ તેણે પૂછ્યું, પરંતુ એ બધાના ચહેરા પણ સાવ સપાટ, ભાવવિહીન હતા. બધા અચ્યુતને એવી રીતે જોઈ રહ્યા હતા જાણે અચ્યુત કોઈ બેવકૂફ કે જોકર હોય. અચ્યુતે આંગળી ઊંચી કરીને ગુસ્સામાં અઝીઝને ધમકી આપી, ‘હું તમને કહી દઉં છું... અક્ષરાને બોલાવો, નહીં તો...’ કહેતાં-કહેતાં અચ્યુતને સમજાયું કે પોતે અહીં તદ્દન એકલો અને અસહાય હતો. આ જગ્યાએ કોઈ તેની મદદ કરી શકે એમ નહોતું. તેણે હાથ જોડ્યા, ‘પ્લીઝ! હું તમને વિનંતી કરું છું, અક્ષરાને બોલાવી આપો...’ તે રડું-રડું થઈ ગયો, ‘મેં તમારી સાથે ખરાબ વર્તન કર્યું એ બદલ તમારી માફી માગું છું. તમે મને પાઠ ભણાવવાનો પ્રયત્ન કરતા હો તો, પ્લીઝ સૉરી! પણ અક્ષરાને બોલાવી આપો, હું તરત જતો રહીશ.’
‘માફી?’ અઝીઝના અવાજમાં ડરાવી નાખે એવી સ્વસ્થતા હતી, ‘શેની માફી?’ તેની આંખો સ્થિર અને ચહેરો ભાવવિહીન હતો, ‘હું તમારી વાઇફને ઓળખતો પણ નથી.’
ઉશ્કેરાયેલા અચ્યુતે બૅગમાંથી બોર્ડિંગ પાસ કાઢવાનો પ્રયત્ન કર્યો, ‘આ... આ...’ બહાર કાઢ્યા ત્યારે તેને સમજાયું કે એક જ બોર્ડિંગ પાસ બૅગમાં હતો. તેણે તરત જ ટિકિટની પ્રિન્ટેડ કૉપી બહાર કાઢી, પણ અચ્યુત જે ટિકિટ લઈને આવ્યો હતો એ ટિકિટ ‘આ’ નહોતી! તેના હાથમાં જે પ્રિન્ટેડ કૉપી હતી એ એકલા અચ્યુતની ટિકિટ હતી. તેણે બૅગ ઊંધી કરી નાખી, બધું ફેંદી કાઢ્યું, અક્ષરાનો પાસપોર્ટ, બે જણની ટિકિટ, ટ્રાવેલ કરીને આવ્યા ત્યારના બોર્ડિંગ પાસ, કશું જ નહોતું. અચ્યુત ઘાંઘો થઈ ગયો, ‘આમાં અક્ષરાનો પાસપોર્ટ હતો, અમારી ટિકિટ હતી!’ તે હાથમાં નવી, સિંગલ ટ્રાવેલરની ટિકિટનું ફરફરિયું પકડીને ઊભો હતો, ‘આ ટિકિટ જુદી છે...’ તે કહી રહ્યો હતો પણ તેને જ પોતાનો અવાજ અજાણ્યો લાગ્યો.
‘એમ કંઈ બધું બદલાઈ જાય? તમારી કંઈ ભૂલ થાય છે.’ અઝીઝ હજી એટલો જ સ્વસ્થ અને સંયત હતો. તેણે બાજુમાં ઊભેલા તેના માણસ તરફ જોઈને કહ્યું, ‘હવે તેમને ગાડીમાં બેસાડો નહીં તો ફ્લાઇટ મિસ થઈ જશે.’
કોઈ રોબોની જેમ તે માણસ આગળ વધ્યો. અચ્યુતનાં ફેલાયેલાં કપડાં, વસ્તુઓ બધું ફટાફટ બૅગમાં ભરીને તેણે એક હાથે તેની ટ્રૉલી બૅગ અને બીજા હાથે અચ્યુતનો હાથ પકડીને ચાલવા માંડ્યું. અચ્યુતે હાથ છોડાવવાનો પ્રયાસ કર્યો, પણ ઊંચા પહોળા રાક્ષસ જેવા એ માણસની મજબૂત પકડ સામે તેનું કંઈ ચાલ્યું નહીં.
એ માણસે અચ્યુતને લગભગ જબરદસ્તી ગાડીમાં બેસાડ્યો.
ગાડી ઍરપોર્ટ પર પહોંચી. અચ્યુતને પ્રાઇવેટ જેટમાં ચડાવી દેવામાં આવ્યો. તેની સાથે આવેલા માણસે તદ્દન ધીમા અવાજે કહ્યું, ‘જીવ વહાલો હોય તો કોઈ ચાલાકી નહીં કરતા. જેમ મૅડમ ગુમ થઈ ગયાં એમ તમારાં નિશાન મિટાવી દેતાં કંઈ બહુ વાર નહીં લાગે.’
શારજાહ ઍરપોર્ટ પર ઉતારીને તેને સીધો સિક્યૉરિટીમાં દાખલ કરી દેવામાં આવ્યો. અચ્યુતે વિરોધ કર્યો, પણ તેની સાથે ચાલી રહેલા બે માણસો સામે તેનો વિરોધ ટકી શક્યો નહીં. સિક્યૉરિટી ચેક પસાર કરીને પેલી તરફ પહોંચી ગયેલા અચ્યુતને લાગ્યું કે હવે પોતે સેફ છે, પરંતુ બીજી તરફ એક માણસ તેની પ્રતીક્ષા કરતો ઊભો હતો. તે અચ્યુતને સીધો ગેટ તરફ લઈ ગયો. અચ્યુતે ફ્લાઇટ બોર્ડ કરી એ પછી જ પેલો માણસ ત્યાંથી ગયો.
ઍરક્રાફ્ટની બારીમાંથી શારજાહની લાઇટ્સ જોઈ રહેલા અચ્યુતની આંખો છલકાઈ આવી... ‘અક્ષરા! બિચારી... શું થયું હશે તેનું!’
(ક્રમશઃ)