15 February, 2026 05:02 PM IST | Mumbai | Kajal Oza Vaidya
ઇલસ્ટ્રેશન
‘પણ તમે તેમને મૂકીને પાછા કેમ આવ્યા?’ લોખંડેએ પૂછ્યું.
પોલીસ-સ્ટેશનમાં બેઠેલા રડી રહેલા અચ્યુતને પોતાને પણ આ સવાલ કોરી ખાતો હતો.
આ ક્ષણે પણ વિમાનમાં બેસતી વખતે અનુભવેલી અસહાયતા, નિરાશા અને ગુસ્સાનો અનુભવ પીડા આપી રહ્યો હતો.
‘તો શું કરી શક્યો હોત?’ અચ્યુતે અકળાઈને પૂછ્યું, ‘તેનો દેશ, તેના માણસો, તેની હકૂમતમાં મારા હાથમાં હતું શું?’ તેણે લોખંડેને પૂછ્યું.
અચ્યુતની વાત સાચી જ હતી.
તે રડતો-રડતો વિમાનમાં દાખલ થયો હતો.
શારજાહ ઇન્ટરનૅશનલ ઍરપોર્ટથી રાત્રે ૧૨.૪૦એ ઊપડેલી ફ્લાઇટ લગભગ વહેલી સવારે અઢી વાગ્યે છત્રપતિ શિવાજી મહારાજ ઇન્ટરનૅશનલ ઍરપોર્ટ પર લૅન્ડ થઈ ત્યાં સુધી અચ્યુત નાના બાળકની જેમ ધ્રુસકે-ધ્રુસકે રડી રહ્યો હતો. ઍર-હૉસ્ટેસે બે વખત આવીને તેને પૂછ્યું, ‘આર યુ ઓકે સર? ડૂ યુ વૉન્ટ ઍનિથિંગ સર? કૅન આઇ હેલ્પ યુ સર?’ પરંતુ દરેક સવાલના જવાબમાં ‘ના’માં ડોકું ધુણાવતો અચ્યુત બસ, રડતો રહ્યો!
જુહુ નાઇન્થ રોડ પરના ડુપ્લેક્સ ફ્લૅટના દરવાજામાં ચાવી નાખીને ઘર ખોલતાં અચ્યુતને લાગ્યું કે જાણે કોઈકે તેનું હૃદય મુઠ્ઠીમાં લઈને ભીંસી દીધું છે. ઘરમાં દાખલ થતાંની સાથે તે જમીન પર ફસડાઈ પડ્યો. તેનો શ્વાસ રુંધાવા લાગ્યો. અક્ષરા વગરનું ઘર જાણે ભૂતિયું-ભેંકાર મકાન લાગ્યું અચ્યુતને!
મા-દીકરો જુહુ પોલીસ સ્ટેશન પહોંચ્યાં ત્યારે સવારના સાડાદસ વાગ્યા હતા. નાઇટ ડ્યુટીનો સ્ટાફ ઘરે ચાલ્યો ગયો હતો. દિવસની ડ્યુટીનો સ્ટાફ હજી ધીરે-ધીરે આવી રહ્યયો હતો. બન્ને જણ પોલીસ સ્ટેશનમાં દાખલ થયાં. પ્રેમલતાને જોઈને લેડી કૉન્સ્ટેબલ અરુણા કાંબળે તરત જ ઓળખી ગઈ, ‘અરે, પ્રેમાતાઈ તુમ્હીં? ઈથે કાય?’ અરુણાને બહાર બોલાવીને પ્રેમલતાએ આખી હકીકત સમજાવી. વાત સાંભળતી વખતે અરુણા ઝીણી નજરે અચ્યુત તરફ જોતી રહી. પત્નીનું ખૂન કરીને તેની મિસિંગ કમ્પ્લેઇન્ટ લખાવનારા અનેક પતિના કેસ અરુણા જાણતી હતી. તેણે ધીમેથી પ્રેમલતાને પૂછ્યું, ‘તાઈ... તમને ખાતરી છેને કે આણે...’
બૅગ ત્યાં જ મૂકીને તે બેડરૂમમાં દાખલ થયો. બેડરૂમની સાથે આવેલા ઍડ્જૉઇનિંગ વૉકઇન વૉર્ડરોબમાં અક્ષરાનાં વસ્ત્રો, તેનાં પરફ્યુમ્સ, ઘડિયાળો અને જૂતાં તરતીબથી ગોઠવેલાં હતાં. જતાં પહેલાં બૅગ પૅક કરતી વખતે અક્ષરાએ ૧૦ વસ્તુઓ બૅગમાં મૂકી અને પાછી કાઢી... તે ખૂબ એક્સાઇટેડ હતી! એ વખતના બધાં દૃશ્યો અચ્યુતની સામે ગોળ-ગોળ ફરી રહ્યાં હતાં. બેહોશની જેમ તે ઊંધે મોઢે પલંગમાં પડ્યો. શું કરવું-શું ન કરવું અચ્યુતને સમજાતું જ નહોતું. તેણે ઘડિયાળ જોઈ, સવારના ચાર વાગીને પિસ્તાલીસ મિનિટ થઈ હતી. તેણે બેબાકળા થઈને પ્રેમલતા ગોહિલ, તેની માને ફોન લગાડ્યો. પ્રેમલતા બહુ જ મોટાં સામાજિક કાર્યકર્તા હતાં. દહિસર, ભાઈંદર, વિરાર અને નાલાસોપારા વિસ્તારોમાં મહિલાઓના ઉત્કર્ષ માટે છેલ્લાં ૩૦-૩૫ વર્ષથી કામ કરતાં. મુંબઈની ફોકલૅન્ડ રોડની બદનામ બસ્તીમાં પણ પ્રેમલતા ગોહિલને સેક્સવર્કર્સ ‘પ્રેમાતાઈ’ તરીકે ઓળખતી, ખૂબ માન આપતી. તેમનાં બાળકોનું શિક્ષણ, સેક્સવર્કર્સના સ્વાસ્થ્યના પ્રશ્નોથી શરૂ કરીને તેમના અધિકારો માટેની લડાઈ લડતાં-લડતાં પ્રેમલતાએ પોતાની જિંદગી ખર્ચી નાખી હતી. અવારનવાર અખબારનાં મથાળાં પ્રેમલતાના કોઈ ને કોઈ કારનામાથી ચમકી ઊઠતાં. તે જાણતી હતી કે દીકરો અને વહુ તેમના મિત્રને ત્યાં શારજાહ ફરવા ગયાં હતાં. અત્યારે પાછાં આવવાં જોઈએ એવી તેમને ખબર હતી. ચારને પિસ્તાલીસ વાગ્યે ફોન પર ‘બેટુ’ વાંચીને તેમણે સ્મિત સાથે ફોન ઉપાડ્યો, ‘વેલકમ હોમ...’ હૂંફાળા સ્નેહાળ અવાજમાં તેમણે વાત શરૂ કરી.
‘મા...’ અચ્યુતથી ડૂસકું મુકાઈ ગયું.
‘અરે! બેટુ, શું થયું?’ પ્રેમલતાએ પૂછ્યું, ‘પાછાં ઝઘડ્યાં કે શું?’ તેના ચહેરા પર હજી સ્મિત હતું.
‘મા... અક્ષરા...’ અચ્યુત નાના બાળકની જેમ રડી રહ્યો હતો. હવે પ્રેમલતાને સમજાયું કે વાત રોજિંદા ઝઘડાથી ઉપર હતી. અચ્યુતે તૂટક શબ્દોમાં કહ્યું, ‘અક્ષરા ખોવાઈ ગઈ...’
‘હેં?’ પ્રેમલતાને સમજાયું નહીં, ‘ખોવાઈ ગઈ? ક્યાં ખોવાઈ ગઈ? ઍરપોર્ટ પર? આવી જશે...’ પ્રેમલતાને હજી પરિસ્થિતિની ગંભીરતા સમજાતી નહોતી, ‘ઘર જોયું છે તેણે... રડે છે શું?’ તેને દીકરાના આ વર્તનથી નવાઈ તો લાગી હતી. અચ્યુત હિંમતવાળો અને પરિસ્થિતિ સામે લડી શકે એવો મજબૂત માણસ હતો. પ્રેમલતાએ તેને સંજોગોની આગમાં તપાવીને ઉછેર્યો હતો. પ્રેમલતાના પતિ વિજયકુમાર ગોહિલ મહેનતુ અને પ્રામાણિક માણસ હતા. પરિવારમાં સૌને એકમેક માટે ખૂબ પ્રેમ અને કાળજી હતાં. પહેલા હાર્ટ-અટૅક પછી વિજયકુમારની નોકરી ગઈ ત્યારે અચ્યુત ૨૧ વર્ષનો હતો ને વિજયકુમાર ગુજરી ગયા ત્યારે ૨૯નો. જિંદગીના ઉતારચઢાવ જોઈને આજે તે અક્ષરા માટે રડે એ વાતથી પ્રેમલતાને આશ્ચર્ય થયું, ‘શું થયું અક્ષરાને?’ તેણે રડી રહેલા દીકરાને ફરી પૂછ્યું.
‘એ... એ... ખોર ફક્કાનમાં ફસાઈ ગઈ.’ અચ્યુતે કહ્યું તો ખરું, પણ પ્રેમલતાને કંઈ સમજાયું નહીં. તેના રુદનને કારણે અવાજમાં અસ્પષ્ટતા હતી ને વાત પણ કંઈ સમજાય એવી નહોતી.
‘હું આવું છું.’ પ્રેમલતાએ કહ્યું. તેણે ફોન મૂક્યો. ઊભી થઈ. મોઢું ધોઈ, સાડી પહેરીને તૈયાર થઈ ત્યારે સાડાછ થયાં હતાં. બોરીવલીથી જુહુ સુધી વહેલી સવારનો ટ્રાફિક ઓછો હતો તેમ છતાં લગભગ એક કલાક લાગી ગયો. મા આવી રહી છે એ વાતે જ અચ્યુતને જાણે એક વિચિત્ર પ્રકારની રાહત થઈ ગઈ. ઉજાગરો, સ્ટ્રેસ અને માનસિક પરિતાપને કારણે તેની આંખો ક્યારે મીંચાઈ ગઈ એની અચ્યુતને ખબર જ ન પડી.
ઘરમાં કામ કરતી હાઉસહેલ્પ મીનાએ આવીને પડદા ખોલ્યા ત્યારે અચ્યુતની આંખો બહારના સૂર્યપ્રકાશથી અંજાઈ ગઈ, ‘કેટલા વાગ્યા?’ તેણે પૂછ્યું, મીના જવાબ આપે એ પહેલાં તેણે ઘડિયાળ જોઈ. ત્યાં જ બેલ વાગી. તે લગભગ દોડીને મુખ્ય દરવાજા સુધી પહોંચ્યો. પ્રેમલતાને જોતાં જ અચ્યુત તેને વળગી પડ્યો. ૩૮ વર્ષનો પુરુષ ૮ વર્ષના બાળકની જેમ હીબકે ચડી ગયો, ‘મા... મા... અક્ષરા...’ પ્રેમલતાએ તેને થોડી વાર રડી લેવા દીધો, પછી તેનો હાથ પકડીને સોફા પર બેસાડ્યો, પરંતુ અચ્યુત જમીન પર બેસી ગયો. પ્રેમલતાના ખોળામાં માથું મૂકી દીધું. અક્ષરા ઘરમાં નહોતી એ વાતની પ્રેમલતાએ નોંધ લીધી. તેણે ઇશારાથી જ મીનાને ચા-નાસ્તો તૈયાર કરવાનું કહ્યું. અચ્યુત માના ખોળામાં માથું નાખીને રડી રહ્યો હતો. પ્રેમલતા તેના વાળમાં હાથ ફેરવતી રહી. થોડી મિનિટો પછી ઊભરો શમ્યો ત્યારે અચ્યુતે કહ્યું, ‘અમે... અમે સાથે ગયાં હતાં મા! તે મારી સાથે જ હતી. અંદર, તેની બેગમને મળવા ગઈ. પછી એણે કહ્યું કે અક્ષરા મારી સાથે આવી જ નહોતી.’ અચ્યુતની આંખોમાંથી ફરી આંસુ વહેવા લાગ્યાં, ‘તેણે ફસાવી દીધી... પૂરી દીધી તેને. મને ઍરપોર્ટ ધકેલી દીધો અને ફ્લાઇટમાં ચઢાવી દીધો. હું અહીં પહોંચી ગયો ને તે ત્યાં... ફસાઈ ગઈ.’
‘શું બોલે છે તું? એમ કેવી રીતે કોઈ ફસાવી શકે?’ પ્રેમલતા હજી ગૂંચવણમાં હતી, ‘મને સરખી રીતે સમજાવ.’ તેણે કહ્યું. પ્રેમલતાનો અવાજ સહેજ સખત થયો, ‘શું શીખવાડ્યું છે મેં તને? દુનિયાની કોઈ સમસ્યા આપણી હિંમતથી મોટી ન હોઈ શકે...’ તેણે ચીબુક પકડીને દીકરાનો ચહેરો ઊંચો કર્યો. તેની આંખોમાં આંખો પરોવી, ‘પરિસ્થિતિને નહીં કહેવાનું કે મને મુશ્કેલી છે... મુશ્કેલીને કહેવાનું કે હું પરિસ્થિતિ બદલી નાખીશ. ચાલ, જોઉં. પાણી પી, પછી મને સમજાવ.’ માના સધિયારાથી અચ્યુત સહેજ સ્વસ્થ થયો. તેણે પાણી પીધું, ચા પીધી. ચા પીતાં-પીતાં તેણે માને આખી ઘટના સવિસ્તર સમજાવી. પ્રેમલતા પહોળી આંખે આ માની ન શકાય એવી વાત સાંભળતી રહી. તેણે અનેક તડકા-છાંયડા જોયા હતા. પોતાનો દીકરો હતો માટે સાચો જ હોય એવું ધારી લે એમાંની મા નહોતી આ, તેણે દીકરાને પૂછ્યું, ‘તેં કંઈ નથી કર્યુંને? સાચું કહેજે?
મને પછીથી પણ ખબર પડી કે તું ક્યાંય ખોટો છે તો તારી મદદ નહીં કરું. યાદ રાખજે...’
‘મા!’ અચ્યુતને આઘાત લાગ્યો, ‘હું પ્રેમ કરું છું અક્ષરાને. તેની સાથે કોઈ દિવસ કંઈ ખોટું કરું?’ હવે અચ્યુત ખાસો સ્વસ્થ થયો હતો. પ્રેમલતાની હાજરીને કારણે તેની હિંમત અને સ્પષ્ટતાથી વિચારવાની શક્તિ પાછાં ફર્યાં હતાં, ‘એ માણસની નજર હતી અક્ષરા પર. મને તો લાગે છે કે તેણે અમને ત્યાં બોલાવ્યાં ત્યારે જ આ પ્લાન તેના મગજમાં નક્કી હતો.’
‘ચાલ, ઊભો થા. પોલીસ-સ્ટેશન જઈએ.’ પ્રેમલતાએ તરત જ વિચારવા માંડ્યું. સૌથી પહેલી પોલીસ-ફરિયાદ કરવી જોઈએ.
‘પણ મારી વાત કોણ માનશે?’ અચ્યુતના અવાજમાં હજી નિરાશા હતી, ‘અમારી ટિકિટ, બોર્ડિંગ પાસ અને બીજા બધા પુરાવા બદલી નાખ્યા છે. અક્ષરા મારી સાથે ગઈ હતી એવો કોઈ પુરાવો નથી મારી પાસે.’
તેણે કહ્યું.
‘તું એક વાર ચાલ.’ પ્રેમલતાએ તેને ઊભો કર્યો.
મા-દીકરો જુહુ પોલીસ સ્ટેશન પહોંચ્યાં ત્યારે સવારના સાડાદસ વાગ્યા હતા. નાઇટ ડ્યુટીનો સ્ટાફ ઘરે ચાલ્યો ગયો હતો. દિવસની ડ્યુટીનો સ્ટાફ હજી ધીરે-ધીરે આવી રહ્યો હતો. બન્ને જણ પોલીસ સ્ટેશનમાં દાખલ થયાં. પ્રેમલતાને જોઈને લેડી કૉન્સ્ટેબલ અરુણા કાંબળે તરત જ ઓળખી ગઈ, ‘અરે, પ્રેમાતાઈ તુમ્હી? ઈથે કાય?’ અરુણાને બહાર બોલાવીને પ્રેમલતાએ આખી હકીકત સમજાવી. વાત સાંભળતી વખતે અરુણા ઝીણી નજરે અચ્યુત તરફ જોતી રહી. પત્નીનું ખૂન કરીને તેની મિસિંગ કમ્પ્લેઇન્ટ લખાવનારા અનેક પતિના કેસ અરુણા જાણતી હતી. તેણે ધીમેથી પ્રેમલતાને પૂછ્યું, ‘તાઈ... તમને ખાતરી છેને કે આણે...’
‘અરે, અરુણા! માઝા મૂલ આહે. કરતો હશે?’ પ્રેમલતાએ કહ્યું, ‘ફરિયાદ લખાવવી છે.’
પોલીસ-સ્ટેશનમાં જઈને પ્રેમલતાએ ફરિયાદ તો લખાવી, પણ પુરાવાના અભાવે અને હજી ૨૪ કલાક થયા નહોતા એટલે FIR થઈ શકે એમ નહોતો. આવી, ફિલ્મો કે નવલકથામાં પણ ન સાંભળી હોય એવી સ્ટોરી સાંભળીને જુહુ પોલીસ સ્ટેશનનો આખો સ્ટાફ એકઠો થઈ ગયો. કેટલાક લોકો અચ્યુતની વાત માનવા તૈયાર હતા, કેટલાકને અચ્યુત પર શંકા હતી. એકાદ-બે જણે વળી અચ્યુતને જ ધમકાવવા માંડ્યો. આ બધો તમાશો પૂરો થતાં બપોર થઈ ગઈ.
પ્રેમલતા અને અચ્યુત પોલીસ-સ્ટેશનમાં હતા ત્યારે અચ્યુતના ફોન પર અક્ષરાના માતા-પિતાના અનેક ફોન આવી ચૂક્યા હતા. અક્ષરાનો ફોન બંધ હતો એટલે એ લોકો પાછાં ફર્યાં કે નહીં, અક્ષરા કેમ છે અને ટ્રિપ કેવી રહી... એવા સવાલોના જવાબ મેળવવા માટે અક્ષરાનાં માતા-પિતા બેચેન હોય એ સ્વાભાવિક હતું. પોલીસ-સ્ટેશનમાં બેઠેલો અચ્યુત થોડા ભય અને થોડા અચકાટમાં ફોન ઉપાડવાનું ટાળતો રહ્યો. અંતે અક્ષરાની મમ્મીનો ફોન પ્રેમલતા પર આવ્યો. પ્રેમલતા તેમને પરિસ્થિતિ સમજાવે એ પહેલાં તો ‘અક્ષરા ખોવાઈ ગઈ...’ એ વાતે તેમણે ધમાલ મચાવી દીધી. રડારોળ કરતાં ને બૂમો પાડતાં અક્ષરાના માતા-પિતા જુહુ પોલીસ સ્ટેશન આવી પહોંચ્યાં. કોઈ કશું સમજે કે સમજાવે એ પહેલાં તેમણે અચ્યુત પર આક્ષેપો કરવાના શરૂ કરી દીધા. બન્ને જણ વચ્ચે ખૂબ ઝઘડા થતા હતા. અક્ષરા ખુશ નહોતી ને અચ્યુત ખૂબ પઝેસિવ, ડૉમિનેટિંગ, ઝઘડાળુ હતો એવા જાતભાતના આક્ષેપોની સાથે-સાથે અક્ષરાની મમ્મીએ ખુલ્લેઆમ આરોપ લગાવ્યો કે અચ્યુતે જ કોઈક રીતે અક્ષરાને ગુમ કરી છે...
‘આ જ છે... એક નંબરનો જુઠ્ઠો અને દગાબાજ. મારી છોકરીને ફસાવી...’ અક્ષરાની મમ્મી જે પ્રકારે જોર-જોરથી બૂમો પાડી રહી હતી એનાથી પ્રેમલતાને સહેજ શરમ આવી, ‘મારી દીકરી તો મિસ ઇન્ડિયા કૉન્ટેસ્ટમાં ભાગ લેવાની હતી. તેને તો ફિલ્મોની ઑફર હતી... આણે...’ સુશીલા પ્રજાપતિએ કાગારોળ મચાવી હતી. તેનો વર, અક્ષરાના પિતા સંજય પ્રજાપતિ નરમઘેંસ જેવા માણસ હતા. મરતાને ‘મર’ ન કહે, મોઢા પરથી માખી ન ઊડે એવો માણસ. તેના હાવભાવ પરથી સમજાતું હતું કે તેની પત્ની જે કંઈ કરી રહી હતી એ વર્તન સાથે તે સહમત નહોતો. તેને અચ્યુત નહોતો ગમતો એનું એકમાત્ર કારણ અચ્યુતની ઉંમર... પરંતુ સમય જતાં અચ્યુતે પોતાના સ્વભાવ અને વર્તનથી સંજય પ્રજાપતિનું મન અને સન્માન જીતી લીધાં હતાં. હવે અક્ષરાના પિતાને અચ્યુત સામે એટલોબધો વાંધો નહોતો, પણ અક્ષરાની માને તો હજીયે અચ્યુત દીઠોય નહોતો ગમતો. અક્ષરાને મિસ ઇન્ડિયા અને અભિનેત્રી બનાવવાનાં સુશીલાનાં સપનાં હજીયે ભુલાયાં નહોતાં. તે હજીયે અક્ષરાને અચ્યુતના ‘કન્ટ્રોલ’માંથી છોડાવીને મિસિસ ઇન્ડિયા કે OTT-સિનેમાની અભિનેત્રી બનાવવા માગતી હતી, પરંતુ તેની શિયાળ જેવી લુચ્ચી માનસિકતામાં હવે આ પરિસ્થિતિનો ઉત્તમ લાભ લેવાની ગણતરીઓ શરૂ થઈ ગઈ હતી! જોકે અક્ષરા અહીંથી અચ્યુતની સાથે જ ગઈ હતી ને અચ્યુતના કહેવા પ્રમાણે પાછી નહોતી આવી એટલે શું થયું હશે એ જાણવા માટે પણ સુશીલા બેચેન હતી. તેણે ફરી-ફરીને અચ્યુતને જ જવાબદાર ઠેરવ્યો. તેણે જ અક્ષરાની સાથે ‘કંઈક કરી નાખ્યું છે’ એ આક્ષેપ પછી પરિસ્થિતિ ગૂંચવાઈ ગઈ. હવે પોલીસે અક્ષરાની મમ્મીની ફરિયાદ લેવી જ પડે એવી સ્થિતિ ઊભી થઈ ગઈ.
તપાસ કરતાં પાડોશીઓ અને ઘરમાં કામ કરતા માણસોને પૂછતાં રાઘવ લોખંડેને સમજાયું કે અક્ષરા અને અચ્યુત વચ્ચે ઉંમરનો તફાવત હતો. અક્ષરા શોખીન હતી, તેજમિજાજ અને ખર્ચાળ હતી... અચ્યુત અને અક્ષરા વચ્ચે આવી અનેક બાબતે દલીલો અને ઝઘડા થતા હતા. ઘરમાં કામ કરતી મીના અને નેપાલી નોકર લાલબહાદુરે પુષ્ટિ કરી કે બન્ને જણ સાથે વિદેશ જવા નીકળ્યાં હતાં. વૉચમૅને પણ બન્નેને સાથે ઉબરમાં ઍરપોર્ટ જતાં જોયાં હતાં, પણ પાછાં ફર્યાં ત્યારે સાહેબ એકલા હતા. આ જુબાની અચ્યુતની વિરુદ્ધ મોટો પુરાવો બની ગઈ. મુંબઈ ઇન્ટરનૅશનલ ઍરપોર્ટના CCTVમાં બન્ને જણ બોર્ડ કરતાં દેખાયાં. સવારની ફ્લાઇટમાં અચ્યુત એકલો ઊતર્યો. એનાં પણ CCTV ફુટેજ મળી આવ્યાં.
૨૪ કલાકની તપાસ દરમિયાન અચ્યુત ગોહિલ પૂરેપૂરો ગુનેગાર સાબિત થઈ ગયો. તેણે જ આ ટ્રિપનું પ્લાનિંગ કરીને શારજાહના પ્રવાસ દરમિયાન અક્ષરાને ક્યાંક ગુમ કરી કે મારી નાખી હોવી જોઈએ એ વાત રાઘવ લોખંડેના ગળે ઊતરી ગઈ હતી. તેણે અચ્યુતને લૉકઅપમાં નાખ્યો. પ્રેમલતાની વિનંતીઓ અને છેક મિનિસ્ટર લેવલની ઓળખાણો છતાં પણ રાઘવ તેને છોડવા તૈયાર ન જ થયો. શુક્રવારે સાંજે અરેસ્ટ થયેલો અચ્યુત હવે સોમવારે મૅજિસ્ટ્રેટ સમક્ષ હાજર થાય એ પહેલાં તેના જામીન શક્ય નહોતા. સાથે જ જે પ્રકારની પરિસ્થિતિ ધીમે-ધીમે પરત-દર-પરત ઊઘડતી જતી હતી એ પછી તેના જામીન થશે કે નહીં એ વિશે પણ પ્રેમલતા ગોહિલ અવઢવમાં પડી ગયાં હતાં.
અચ્યુત વારંવાર એક જ સ્ટોરી કહી રહ્યો હતો. રાઘવ લોખંડે એટલોબધો અકળાઈ ગયો કે અંતે તેણે તેના સિનિયરને બોલાવ્યા. અચ્યુતની ‘વાર્તા’ તેમને પણ કોઈ રીતે ગળે ઊતરી નહીં. સાથે જ તેમને એ પણ સમજાઈ ગયું કે આ કેસ દેખાય છે એટલો સીધો નથી. આવનારા દિવસોમાં ઇન્ટરનૅશનલ પોલીસ, શારજાહ એમ્બેસી, ઇન્ડિયન એમ્બેસી અને UAEના કાયદા સાથે કામ પાડવું પડશે એ વિચારે જ લોખંડેના સિનિયર અનવર કુરેશીના ટાંટિયા ઢીલા થઈ ગયા હતા.
રવિવારની સાંજે રાઘવ લોખંડેએ કડક પૂછપરછ શરૂ કરી, ‘મિસ્ટર અચ્યુત ગોહિલ... વેર ઇઝ યૉર વાઇફ?’
રાઘવ લોખંડેએ કહ્યું, ‘તમારા કહેવા મુજબ અક્ષરા ત્યાં રોકાઈ ગઈ...’
‘રોકાઈ નથી ગઈ...’ અચ્યુતે વચ્ચે જ રાઘવને રોકી લીધો, ‘તે ફસાઈ છે...’ અચ્યુત ઉશ્કેરાઈ ગયો, ‘તે પેલા રાસ્કલ, હરામીના સકંજામાં સપડાઈ છે. પ્લીઝ કંઈક કરો...’ તે બેબાકળો થઈ ગયો, ‘પેલો અઝીઝ તેની સાથે કંઈ પણ કરી શકે છે... બળાત્કાર, જોરજબરદસ્તી... ખૂન... તમને સમજાય છે?’ અચ્યુતે બૂમ પાડી, ‘અહીં તમે મારી મેથી મારો છો, પણ જે કરવાનું છે એ
કરતા નથી...’
‘ઓ!’ ઇન્સ્પેક્ટર લોખંડેએ હાથ જોડ્યા, ‘તમારી બધી વાત સાચી હોય તો પણ હું શું કરી શકું એમ છું? ચાલો માની લીધું ખોર ફક્કાન નામની રિયાસત છે. આ માણસ, જેનું નામ તમે અઝીઝ કહો છો, એ પણ સોશ્યલ મીડિયા અને ગૂગલ પર દેખાય છે.’ લોખંડેના અવાજમાં થોડી સહાનુભૂતિ હતી, ‘પણ ભાઈ! તેથી તમારી વાઇફ ત્યાં ફસાઈ છે એવું કેવી રીતે સાબિત થાય? ઇન ફૅક્ટ, તમે ત્યાં ગયા હતા એનો કોઈ ફોટો, એ માણસ સાથે તમારો ફોટો કે તેને તમે મળ્યા છો એવી કોઈ સાબિતી નથી તમારી પાસે. આવું રૅન્ડમ કોઈનું નામ લઈને કોઈ પણ, કંઈ પણ કહી શકે...’ લોખંડેએ કહ્યું, ‘સમજો છો?’
અચ્યુત કંઈ બોલવા ગયો, પણ લોખંડેએ તેને અટકાવ્યો, ‘જુઓ મિસ્ટર, આ હું નથી કહેતો. કાલે મૅજિસ્ટ્રેટ કહેશે.’ અચ્યુતને સમજાયું કે લોખંડે સાચું કહી રહ્યો હતો. તેણે આગળ કહ્યું, ‘ભણેલા છો. તમે વાંચ્યું જ હશે, કેટલાય લોકો આવી મોટી હસ્તીઓને ઓળખવાનો, તેમના મિત્ર હોવાનો દાવો કરીને ફ્રૉડ કરે છે. શી ખાતરી કે તમે તેમના પર ખોટો આરોપ નથી મૂકી રહ્યા?’
અચ્યુત સાંભળતો રહ્યો. ‘તમે ત્યાં ગયા હતા એવું કેવી રીતે સાબિત થાય? એવું કેવી રીતે સાબિત કરશો કે તેણે અક્ષરાને કિડનૅપ કરી છે?’ લોખંડેએ ફરી ખૂબ ભારપૂર્વક કહ્યું, ‘પ્રૂફ જોઈએ મિસ્ટર, પ્રૂફ!’ લોખંડેએ ચપટી વગાડી, ‘બાકી આવતી કાલે રિમાન્ડ આપી દેશે મૅજિસ્ટ્રેટ...’ અચ્યુતનો ચહેરો સફેદ થઈ ગયો, ‘સાચું કહું?’ લોખંડેએ કહ્યું, ‘બેલ તો ગ્રાન્ટ નહીં જ થાય. મારો આટલાં વર્ષનો અનુભવ કહે છે, જો તમારી સ્ટોરી સાચી હોય તો તમે ફસાયા છો... બરાબરના સપડાયા છો.’
(ક્રમશઃ)