છાયા-પડછાયા: સરકતી છાયા અને છેતરતા પડછાયા વચ્ચે અટવાયેલા એક પ્રેમીની રહસ્યમય કથા (પ્રકરણ ૭)

22 February, 2026 11:28 AM IST  |  Mumbai | Kajal Oza Vaidya

કોર્ટનો આ ચુકાદો દેશભરના મીડિયા માટે એક રસપ્રદ કિસ્સો બની ગયો. અનોખો, માની ન શકાય એવો, અજબ કિસ્સો!

ઇલસ્ટ્રેશન

અચ્યુત ગોહિલે તેની પત્નીને ગુમ કરી છે એવા તેની સામે કોઈ પુરાવા નથી પરંતુ તેમનાં પત્ની અક્ષરા ગોહિલ CCTV ફુટેજમાં ઇન્ટરનૅશનલ ઍરપોર્ટ પર ફ્લાઇટમાં બેસતાં દેખાય છે અને પાછાં ફરતાં દેખાતાં નથી તેથી અક્ષરાનાં માતા-પિતાની ફરિયાદને આધારે અચ્યુત ગોહિલની પૂછપરછ કરવા માટે પોલીસને બે દિવસના રિમાન્ડ આપવામાં આવે છે. આ દરમિયાન જો અચ્યુત ગોહિલની વિરુદ્ધ પુરાવા નહીં મળે તો તેમને મુક્ત કરવામાં આવશે એની પોલીસે નોંધ લેવી.’

કોર્ટનો આ ચુકાદો દેશભરના મીડિયા માટે એક રસપ્રદ કિસ્સો બની ગયો. અનોખો, માની ન શકાય એવો, અજબ કિસ્સો!

કોર્ટમાં બેઠેલા મિહિર પાઠકને આ કેસમાં TRPથી આગળ વધીને એક માણસ તરીકે રસ પડ્યો. ૨૦ વર્ષની ઇન્વેસ્ટિગેટિવ જર્નલિઝમની કારકિર્દીમાં તેણે અનેક માણસોને જોયા હતા, જાણ્યા હતા, ઓળખ્યા હતા. પત્રકારત્વનો તેનો અનુભવ તેને કહી રહ્યો હતો કે અચ્યુત સાચો હોઈ શકે છે! હજી બે વર્ષ પહેલાં જ મિહિરે બંગાળ, ઓડિશા, બિહાર અને નૉર્થ ઈસ્ટમાંથી લગ્ન કરીને લાવવામાં આવતી છોકરીઓના હ્યુમન ટ્રાફિકિંગના મોટા કેસનો પર્દાફાશ કર્યો હતો. તે જાણતો હતો કે આવી છોકરીઓને UAE, યુરોપ અને બીજા દેશોમાં મોકલવામાં આવે છે. અચ્યુતની પત્ની UAEના દેશમાં ગુમ થઈ હોય એ વાત તદ્દન હમ્બગ કે પાયાવિહોણી તો નહોતી જ એવું મિહિરની બુદ્ધિ કહી રહી હતી. કોણ જાણે કેમ, પણ મિહિરને લાગ્યું કે અદાલતના કટઘરામાં ઊભા રહીને પોતાના નિર્દોષ હોવાની આજીજી કરી રહેલા અચ્યુતની મદદ કરવી એક માણસ અને પત્રકાર તરીકે તેની ફરજ છે.

રાઘવ લોખંડે જ્યારે અચ્યુતને લઈને બહાર નીકળી રહ્યો હતો ત્યારે મિહિર ત્યાં પહોંચી ગયો. તેણે રાઘવને એક મિનિટ રોકાવાની વિનંતી કરી. મીડિયાના લોકોની માનસિકતાથી બરાબર સભાન રાઘવે ઊભા રહેવાની ચોખ્ખી ‘ના’ પાડી દીધી. મિહિરે આવું કંઈ ધાર્યું જ હતું એટલે તેણે લખી રાખેલી ચિઠ્ઠી અચ્યુતના હાથમાં પકડાવી દીધી. પોલીસ વૅનમાં બેસીને અચ્યુતે એ ચિઠ્ઠી વાંચી. મિહિરે એમાં લખ્યું હતું, ‘હું તમારી મદદ કરવા તૈયાર છું, જો તમે સાચા હો તો.’ અચ્યુતને પહેલી વાર એક આશાનું કિરણ દેખાયું. તેણે રાઘવ લોખંડેને કહ્યું, ‘મને એક વાર આ માણસને મળવા દો.’ તેણે પોતાના હાથમાં પકડેલી ચિઠ્ઠી રાઘવના હાથમાં આપી. રાઘવે ચિઠ્ઠી વાંચી. તે હજી ગૂંચવણમાં હતો. એક તરફથી તેને લાગતું હતું કે અચ્યુત સીધો છે અને સાચો છે, પણ બીજી તરફથી તેનું મન કહેતું હતું કે અચ્યુત જબરદસ્ત ખેલાડી છે. ભોળપણનું નાટક કરીને તે પોલીસને ગુમરાહ કરવાનો પ્રયાસ કરી રહ્યો છે. ચિઠ્ઠી વાંચીને રાઘવને વિચાર આવ્યો કે આ પત્રકાર કદાચ પોતાને અચ્યુતનો કેસ સમજવામાં મદદ કરી શકે. તે થોડી વાર વિચારતો રહ્યો, પછી તેણે ધીમેથી કહ્યું, ‘ઠીક છે. હું સાંજે તારી મુલાકાત અરેન્જ કરાવી દઈશ.’ રાઘવે તરત જ તાકીદ કરી, ‘એક પણ અક્ષર જો મીડિયામાં આવ્યો છે કે આ હરામખોર મિહિરને તેં જો ઇન્ટરવ્યુ આપ્યો છે તો મારાથી ખરાબ કોઈ નથી એટલું યાદ રાખજે.’ અચ્યુતે ડોકું ધુણાવીને હા પાડી.

મિહિર પાઠકે પોતાને ઘેર જઈને અચ્યુતને મળવાની તૈયારી કરવા માંડી. અત્યાર સુધી અચ્યુતે આપેલાં તમામ સ્ટેટમેન્ટ્સ અને કોર્ટમાં રજૂ કરેલા બધા પુરાવા સાથે તેણે તપાસ કરવાની શરૂ કરી. અઝીઝ, ખોર ફક્કાનની તસવીરો, અચ્યુતના ફોનકૉલ રેકૉર્ડ્સ અને બીજી વિગતો તપાસતાં તેને એવું સમજાયું કે પોલીસ અચ્યુતને ગુનેગાર માનીને જ તપાસ કરી રહી હતી. પૂર્વગ્રહ સાથે લગભગ કન્ફર્મેશન બાયસને મનમાં રાખીને ચાલી રહેલા આ પ્રીડિટરમિન્ડ ઇન્વેસ્ટિગેશનમાં કોઈએ અક્ષરા વિશે તપાસ કરવાનો પ્રયત્ન જ નહોતો કર્યો. અત્યાર સુધી પોલીસ અક્ષરાને ‘બિચારી’ માનીને જ તપાસ કરી રહી હતી. ઇન્વેસ્ટિગેટિવ જર્નલિઝમમાં લોકો જેને ગુરુ માનતા એવા મિહિર પાઠક પાસે પોલીસખાતામાં પણ પોતાના માણસો હતા. તેણે એક મિત્રને ફોન કરીને અક્ષરાના ફોનના કૉલ ડીટેલ રેકૉર્ડ્‌સ (CDR) કાઢવાની વિનંતી કરી. સાથે જ અક્ષરાનું બૅકગ્રાઉન્ડ, તેના મિત્રો, તેના સંપર્કો, શોખથી શરૂ કરીને બધી બાબતોને તેણે ઝીણવટપૂર્વક તપાસવા માંડી.

લગભગ બે-અઢી કલાક પછી પોલીસખાતામાંથી તેના પર ફોન આવ્યો. અક્ષરાના CDRમાં મળેલી વિગતો ચોંકાવી નાખનારી, આશ્ચર્યજનક હતી. મિહિરના ચહેરા પર સ્મિત આવી ગયું. તેની ધારણા ખોટી નહોતી! અચ્યુત નિર્દોષ હોઈ શકે છે એ વિચારને સપોર્ટ કરતા આ કૉલ-રેકૉર્ડ્‌સ લઈને તે પોલીસ-સ્ટેશન જવા નીકળ્યો ત્યારે મુંબઈની બપોર ઢળી ગઈ હતી.

અનવર કુરેશી અને રાઘવ લોખંડેએ પોલીસ-કસ્ટડીમાં અચ્યુતની પૂછપરછ શરૂ કરી. થોડી ધોલધપાટ પણ કરી. અચ્યુત એકનો બે થતો નહોતો. તે રહી-રહીને એક જ વાત કહેતો હતો કે બન્ને જણ ‘ખોર ફક્કાન’ ગયાં અને ત્યાંથી પાછા આવતાં અઝીઝ નામના આરબે તેની પત્ની અક્ષરાને છેતરીને પોતાના મહેલમાં કેદ કરી દીધી.

સમજાવીને, મારીને, ધાકધમકીથી, સહાનુભૂતિથી લગભગ અઢી-ત્રણ કલાક ચાલેલી પૂછપરછ પછી રાઘવ લોખંડે અને તેના સિનિયર અનવર કુરેશી લગભગ થાકી ગયા. અચ્યુત કોઈ રીઢો ગુનેગાર નહોતો. આટલી પૂછપરછ પછી કોઈ પણ સામાન્ય ગુનેગાર ઘૂંટણિયે આવી જાય, ગુનાની કબૂલાત કરી લે; પણ મારપીટ, પૂછપરછ પછી પણ અચ્યુત પોતાની વાત પર કાયમ હતો.

અંતે બન્ને જણને લાગ્યું કે એક બ્રેક લેવો જોઈએ.

‘શું લાગે છે?’ ઇન્ટરોગેશન રૂમની બહાર નીકળતાં અનવરે પૂછ્યું. રાઘવ લોખંડે વિચારતો રહ્યો. તે પોતાની નાનકડી ચેમ્બરમાં દાખલ થયો. અનવર કુરેશી તેની સાથે હતો. સિનિયર અનવર ટેબલની પેલી તરફ બેઠો ને રાઘવ ઊભો રહ્યો.

રાઘવે સિગારેટ સળગાવી, ‘સમજાતું નથી, સર.’ તેણે જવાબ આપ્યો, ‘લૉજિકમાં ઊતરતું નથી, પણ તે જેટલી વિશ્વસનીયતાથી કહે છે એ સાંભળીને તેનો ભરોસો કરવાની ઇચ્છા થાય છે.’

‘મને પણ આ માણસ સાચો લાગે છે.’ અનવર કુરેશીએ સહેજ અચકાઈને કહ્યું, ‘તેનો નાનકડો પણ ક્રિમિનલ રેકૉર્ડ નથી. કોઈ અફેર નથી. CDR ક્લિયર છે. તેના પર શક કરવાનું કોઈ કારણ દેખાતું નથી.’

‘એ જ...’ રાઘવ ટેબલ પાસે ઊભો રહીને અચ્યુત ગોહિલની ફાઇલનાં પાનાં ફેરવી રહ્યો હતો, ‘સારું કમાય છે. બન્ને જણ વચ્ચે નૉર્મલ ઝઘડા સિવાય બીજો કોઈ પ્રૉબ્લેમ સામે નથી આવ્યો...’

‘હશે! જે હશે એ બહાર આવ્યા વગર નહીં રહે. ઍૅટ લીસ્ટ, હવે મારતો નહીં બિચારાને.’ અનવરથી કહેવાઈ ગયું. પોલીસના અન્ય સિનિયર ઑફિસર્સમાં અનવર જરા જુદો પડતો. IPS કરીને સીધો ઑફિસર તરીકે નિયુક્ત થયો હતો. ઉત્તર પ્રદેશના અત્યંત ગરીબ પરિવારમાં તેનો જન્મ અને ઉછેર થયો હતો. માઇનોરિટી અને ગરીબીનો તેને ઘણો લાંબો અને કડવો અનુભવ હતો. તેનામાં અન્ય ઑફિસર્સ કરતાં થોડી વધારે દયા અને સહાનુભૂતિ હતાં. આજે અચ્યુતને કરગરતો જોઈને તેને દયા આવી ગઈ. ‘અઝીઝના ફોટો મળ્યા છે. ખોર ફક્કાન નામની જગ્યા પણ છે. કોને ખબર આ આરબાએ આની સાથે કંઈ તિકડમ કર્યું પણ હોય.’

‘જી સર.’ રાઘવે ડોકું ધુણાવ્યું. હવે તેને પોતાને પણ લાગતું હતું કે અચ્યુતને ઠમઠોરવાથી કંઈ નહીં મળે.

અનવર કુરેશી અને રાઘવ લોખંડે આ કેસમાં બીજું શું થઈ શકે એની ચર્ચામાં મશગૂલ હતા ત્યાં પ્રેમલતા ગોહિલ તેના વકીલ રાકેશ વિરમાણીને લઈને આવી પહોંચી. રાકેશ વિરમાણી પ્રમાણમાં યુવાન હતો, પણ બે-ચાર મોટા ક્રિમિનલ કેસિસમાં તેણે પોતાની આવડતની કમાલ બતાવીને સિનિયર વકીલોને પાછા પાડી દીધા હતા. એક જાણીતા ફિલ્મસ્ટારને ડ્રગ-કેસમાંથી નિર્દોષ બહાર કાઢીને તેણે લગભગ ચમત્કાર કરી બતાવ્યો હતો. એ પછી રાકેશ વિરમાણી કલાકના હિસાબે પૈસા લેતો ખૂબ મોંઘો અને ગ્લૅમરસ વકીલ બની ગયો હતો, પરંતુ બહુ ઓછા લોકો તેનો ભૂતકાળ જાણતા હતા. તેની ગરીબી, તેની પીડાના દિવસો તે ભૂલ્યો નહોતો. રાકેશની મા હાઈ-એન્ડ એસ્કોર્ટ સર્વિસમાં કામ કરતી એક મજબૂર સ્ત્રી હતી. તેણે પોતાનું શરીર વેચીને રાકેશને ભણાવ્યો હતો. પ્રેમલતા ગોહિલે એક સોશ્યલ વર્કરની હેસિયતથી અનેક વાર રાકેશની મા અને રાકેશની મદદ કરી હતી. પ્રેમલતાના મા-દીકરા પર અનેક ઉપકાર હતા, જેને કારણે અચ્યુતના કેસની જાણ થતાં જ રાકેશ બધાં કામ છોડીને પ્રેમલતા પાસે પહોંચ્યો.

ખોર ફક્કાનથી થોડા કિલોમીટર દૂર આવેલી એસ્ટેટમાં અઝીઝ જ્યારે તેની બેગમો માટે બનાવેલા પૅલેસમાં દાખલ થયો ત્યારે સૂરજ માથે આવી ગયો હતો. મુંબઈમાં બપોરના સાડાત્રણ થયા હતા જ્યારે આ પૅલેસમાં સોનેરી ઘડિયાળો બપોરના બેના ડંકા વગાડી રહી હતી. મહેમાનો ન હોય ત્યારે અઝીઝ બપોરના ભોજન માટે અહીં હરમમાં આવતો. સ્કાય બ્લુ કલરના લિનનના પૅન્ટ અને સફેદ શર્ટમાં અઝીઝનું કસરતી શરીર સ્પષ્ટ દેખાઈ આવતું હતું. ડીઝલના સનગ્લાસિસ તેના ગોરા ચહેરાને આકર્ષક બનાવતા હતા. બપોરની ગરમીને કારણે પૅલેસની આસપાસ એક સુનકાર હતો. પત્તાં હલવાના અવાજ અને પવનની સરસરાહટ સિવાય કોઈ અવાજ નહોતો. અઝીઝની ગાડીનો અવાજ એ સુનકારને ચીરતો પૅલેસ સુધી પહોંચ્યો. ગાડીમાંથી ઊતરીને અઝીઝે ગાર્ડ સાથે કંઈક વાત કરી, પછી તે પૅલેસમાં પ્રવેશ્યો. પ્રવેશ કરતાં જ સેન્ટરમાં એક ફુવારો હતો જેમાં ગુલાબજળ ભરવામાં આવતું. પ્રવેશદ્વાર અને બન્ને તરફ જતી સીડીઓ સુધી એ ગુલાબજળની મહેક માદક સુગંધ રેલાવી રહી હતી.

કોઈ ફાઇવસ્ટાર હોટેલમાં હોય એનાથી વધુ સગવડ અને ઐયાશીનાં તમામ સાધનો ધરાવતા આ પૅલેસની ડાબી તરફનો વિભાગ તેના નિકાહમાં રહેતી તેની કાયદેસર બેગમો માટેનો વિભાગ હતો, જ્યારે જમણી તરફનો વિભાગ ‘રંગમહેલ’ હતો. સ્વિમિંગ-પૂલ, જકુઝી, સ્પા વગેરેની સાથે-સાથે અહીં મુજરા માટેનો ખાસ રંગીન લાઇટોવાળો હૉલ હતો. પોલ ડાન્સ માટેનો પોલ અને ખાસ મહેમાનોની પાર્ટી માટેની બીજી સગવડો પણ આ જમણી તરફના વિભાગમાં હતી. જમણી તરફના વિભાગમાં ખાસમખાસ મહેમાનો માટે ચાર ગેસ્ટરૂમ પણ હતા. અઝીઝની ઐયાશી માટે યુરોપ અને રશિયાથી લાવવામાં આવેલી સ્ત્રીઓને પણ અહીં જ રાખવામાં આવતી. જે મહેમાનોને આ છોકરીઓની ખાસ મહેમાનગતિ ઑફર કરવાની હોય તેમને અહીં રહેવાની છૂટ હતી, પરંતુ બેગમ મહેલમાં માત્ર અઝીઝને પ્રવેશ હતો. જમણી તરફ જેમને ઉતારો આપવામાં આવ્યો હોય એવા મહેમાનોને પણ ડાબી તરફના વિભાગમાં પ્રવેશ નહોતો.

ડાબી તરફના અંગત વિભાગમાં અઝીઝ અને પારિવારિક સ્ત્રીઓ સિવાય કોઈને પ્રવેશની છૂટ નહોતી. ડાબી તરફના વિભાગની બહાર ચાર મહિલા ગાર્ડ તહેનાત રહેતી. બેગમોમાંથી કોઈને પણ બહાર નીકળવા માટે શેખની પરમિશન લેવી પડતી. અઝીઝની સહી કરેલી ચિઠ્ઠી હોય તો જ પડદાવાળી કાર્ટ અહીંથી સ્ત્રીઓને ગાડીઓના પાર્કિંગના ગૅરેજ સુધી લઈ જતી. મહેલથી ગાડીઓના પાર્કિંગનું ગૅરેજ લગભગ એક કિલોમીટર દૂર હતું. આખા રસ્તા પર CCTV કૅમેરા હતા, જેના પર ગાર્ડની ચોવીસ કલાક નજર રહેતી. બહાર નીકળવા માટે દરેક બેગમે ફરજિયાત બુરખો પહેરવો પડતો. ગાડીઓના ગૅરેજમાં દરેક બેગમનો બુરખો ઊંચો કરીને મહિલા ગાર્ડ તેનો ચહેરો જુએ પછી જ તેને ગાડીમાં બેસવાની છૂટ મળતી. બેગમને બહાર જવું હોય, ખરીદી કરવા કે પોતાનાં કોઈ સગાંને મળવા જવું હોય તો તેની સાથે એક દાસી-કૅરટેકર અવશ્ય રહેતી. બાળકોને લઈને બહાર જવું હોય તો બાળકોની નૅની અને એક કૅરટેકર વગર નીકળી શકાતું નહીં. મૉલમાં કે પાર્કમાં જવા માટે હથિયારબંધ ગાર્ડ તેમની સાથે રહેતા. ડાબી તરફના વિભાગની પાછળની તરફ એક વિશાળ બગીચો હતો જેને ઊંચી દીવાલોથી કવર કરી લેવામાં આવ્યો હતો. અહીં બગીચામાં ફરવાની બેગમોને છૂટ હતી, પરંતુ બગીચો પણ CCTVના સર્વેલન્સમાં રહેતો. મહેલની બહાર નીકળવાનો એક જ રસ્તો હતો. બીજા કોઈ પાછળના કે કિચનના દરવાજા નહોતા. પૂરી ઝાકઝમાળ અને તમામ સગવડો સાથેની આ એક જેલ જ હતી જેમાં અઝીઝની મરજી વગર કશું શક્ય નહોતું.

જમણી તરફના વિભાગમાં અહીં ગેરકાયદે લાવવામાં આવેલી, ઐયાશી માટેની સ્ત્રીઓને રહેવાનો વિભાગ હતો. અહીં એક વાર પ્રવેશી ગયેલી સ્ત્રી પણ અઝીઝની મરજીથી જ બહાર નીકળી શકતી. અઝીઝના મહેમાનોની ‘ખાતિરદારી’ કરવી એ જ તેમનું કામ હતું. રશિયન, યુરોપિયન, થાઇલૅન્ડ અને ભારતથી લાવવામાં આવતી સ્ત્રીઓની અહીં ખાસ કાળજી લેવાતી. એક્સરસાઇઝ, મસાજ અને સ્કિનકૅર માટે અહીં એક્સપર્ટ લોકોને કામ પર રાખવામાં આવતા. મુજરા અને પોલ-ડાન્સનું વ્યવસ્થિત પ્રશિક્ષણ આપવામાં આવતું. આ સ્ત્રીઓ પર ચોકી કરવા માટે પણ મહિલા ગાર્ડ તો હતી જ! જમણી તરફના વિભાગની મહિલા ગાર્ડને કડક સૂચના હતી કે કોઈ પણ સ્ત્રીને બહાર નીકળવા દેવી નહીં. બગાવત કરનાર કે ભાગવાનો પ્રયત્ન કરનાર સ્ત્રીઓને ગોળી મારી દીધાના દાખલા પણ આ પૅલેસની દીવાલોને હજી ભુલાયા નહોતા.

પૅલેસમાં દાખલ થઈને અઝીઝ જમણી તરફ વળ્યો. સડસડાટ પગથિયાં ચડીને એક વિશાળ ફૉયર જેવા લિવિંગ રૂમમાંથી પસાર થઈને તે લિફ્ટમાં દાખલ થયો. લિફ્ટ ચોથા માળે અટકી. અહીંથી પાંચમા માળે ફક્ત સીડી ચડીને જઈ શકાતું હતું. સીડી ચડવા માટેના પ્રવેશદ્વારમાંથી દાખલ થતાં પહેલાં બે ગાર્ડ અને એક સ્કૅનરનો સામનો કરવો પડતો. જોકે આ બધું અઝીઝને માટે નહોતું, પરંતુ જુદા-જુદા દેશોમાંથી આવેલી ઐયાશીના સામાન જેવી આ સ્ત્રીઓ સુધી પહોંચવા માટે ત્રણ-ત્રણ ચોકી વટાવવી પડતી. આ નાયાબ અને ખૂબસૂરત તોહફા ફક્ત ખાસ મહેમાનો માટે સુરક્ષિત રાખવામાં આવતા હતા.

સીડી ચડીને પાંચમા માળે આવેલા ચાર લક્ઝુરિયસ ઓરડાના દરવાજા પર પત્તાની કૅટમાં દેખાતી ચાર રાણીઓનાં મોટાં પેઇન્ટિંગ લગાડેલાં હતાં. કાળી, ફુલ્લી, ચર્કટ, લાલની ચાર રાણીઓનાં ચિત્ર ચોંટાડેલા દરવાજામાંથી લાલની રાણીનો દરવાજો ખોલીને અઝીઝ દાખલ થયો. એક સ્ત્રી દોડતી આવીને તેને વીટળાઈ ગઈ. શૉકિંગ પિન્ક કલરના શિફૉનના ગાઉનમાં એ સ્ત્રીનું લાવણ્ય નીખરી ઊઠ્યું હતું. તેના લાંબા, ઘૂંઘરાળા વાળ એક સ્કાર્ફમાં બેદરકારીથી બાંધવામાં આવ્યા હતા જેમાંથી બે-ચાર સ્પ્રિંગ જેવી લટો નીકળીને તેના ચહેરા પર ઝૂલતી હતી.

‘હેય! સ્વીટહાર્ટ...’ પોતાને વેલની જેમ લપેટાઈ ગયેલી સ્ત્રીને અઝીઝે સહેજ અળગી કરી. તેના ચહેરા તરફ જોયું. એ સ્ત્રીએ અઝીઝના ખભા પર માથું મૂક્યું, ‘અહીં ગમે છેને?’ અઝીઝે પૂછ્યું, ‘તારી ખાતિર તો બરાબર થાય છેને?’

‘આઇ ઍમ વેરી હૅપી.’ એ સ્ત્રીએ કહ્યું, ‘કોઈ સપના જેવી જગ્યા છે આ...’ તે ફરી અઝીઝને વીંટળાઈ ગઈ. અઝીઝના સફેદ લિનનના શર્ટના બટન પર તેની આંગળીઓ ફરવા લાગી. બે બટન ખૂલતાં જ રુંવાટીને કારણે મર્દાના લાગતી અઝીઝની છાતી પર એ છોકરીની આંગળીઓએ જાદુ ચલાવ્યો. અઝીઝના હાથ પણ એ સ્ત્રીની પીઠ પર અને તનબદન પર ફરવા લાગ્યા. થોડીક ક્ષણોમાં તો એ ઓરડામાં બે શરીરોની ઉષ્મા એક થવા લાગી. ગરમ શ્વાસથી ઓરડાની બપોર મહેકી ઊઠી. પલંગ પર સૂતેલાં બે શરીરો જ્યારે જુદાં પડ્યાં ત્યારે અઝીઝની છાતી પર ઊંધી પડેલી એ છોકરીના વાળ તેની ગરદન પર થઈને આગળની તરફ સરકી ગયા. ખભાની નજીક આવેલું પતંગિયાનું ટૅટૂ ઉજાગર થયું.

‘તારો વર પોલીસ-કસ્ટડીમાં છે.’ અઝીઝે તેની ખુલ્લી, ગોરી પીઠ પર હાથ ફેરવતાં કહ્યું, ‘તને ખોઈ નાખવા માટે જેલ થશે બિચારાને.’

‘શું કરીએ?’ અઝીઝની છાતી પર ઊંધી પડેલી એ છોકરી અઝીઝના હાથનું ઓશીકું કરીને સીધી થઈ. ‘તે મને અહીં મૂકીને જતો રહ્યો એની સજા તો મળવી જોઈએને?’ એ છોકરીની રાખોડી આંખોમાં તોફાન હતું. તેના પતિ માટેની દયા કે તેની સ્થિતિ વિશેની કોઈ ચિંતા તેની આંખોમાં દેખાતી નહોતી.

આ અક્ષરા હતી. અચ્યુત ગોહિલની પત્ની. અચ્યુત, જે પોતાની પત્નીને બેફામ પ્રેમ કરતો હતો તે અત્યારે પોલીસ-કસ્ટડીમાં માર ખાઈ રહ્યો હતો. જે અક્ષરાની ચિંતામાં અચ્યુત બે દિવસથી નાના બાળકની જેમ રડી રહ્યો હતો એ જ અક્ષરા અહીં
અઝીઝના મહેલની ઐયાશીમાં આરામ કરી રહી હતી.  

(ક્રમશઃ)

columnists kajal oza vaidya lifestyle news life and style gujarati mid day