08 March, 2026 01:42 PM IST | Mumbai | Kajal Oza Vaidya
ઇલસ્ટ્રેશન
‘તેમને કહી દો અત્યારે નહીં મળી શકાય.’ રાકેશે સમાચાર લઈને આવેલા કૉન્સ્ટેબલને જવાબ આપ્યો.
‘મેં બોલાવ્યો છે તેને.’ અચ્યુત ઉશ્કેરાઈ ગયો, ‘હાઉ કૅન યુ...’
તે પોતાનું વાક્ય પૂરું કરે એ પહેલાં રાકેશે કહ્યું, ‘આ અંગત મીટિંગ છે. મેં તમારાં મધરને અલાઉ નથી કર્યાં, ને તમે મીડિયાને બોલાવવા માગો છો?’ રાકેશ દૂબળો-પાતળો અને સૉફ્ટ દેખાતો માણસ હતો, પણ તે જ્યારે પોતાની વાત કહેતો ત્યારે તેનામાં એક વિચિત્ર પ્રકારની દૃઢતા આવી જતી, ‘આ મિહિર પાઠક કોણ છે, ખબર છે તમને?’ રાકેશની આંખો બદલાઈ ગઈ. અત્યાર સુધી એક સહાનુભૂતિપૂર્ણ સજ્જન વકીલની ભૂમિકામાં વાત કરી રહેલા રાકેશનો અવાજ અચાનક તીખો થઈ ગયો, ‘તેના સ્કૂપ માટે માણસનો સોદો કરી નાખે એટલો રૂથલેસ છે આ હરામી.’ રાકેશનું ગળું ભરાઈ આવ્યું, ‘અનિસાએ તેને લીધે જીવ ખોયો.’
‘કોણ અનિસા?’ અચ્યુત અકળાયો.
‘રાખડી બાંધતી હતી મને. માત્ર વીસ વર્ષની હતી. એન્જિનિયરિંગમાં ભણતી હતી.’ રાકેશે બહુ ધીમા અવાજે કહેવા માંડ્યું, ‘તેની મા સેક્સવર્કર હતી. અનિસાને ભણવું હતું. તેની મા જાત વેચીને તેને ભણાવતી હતી. આ હરામખોર મિહિર પાઠકે તેને પાંચ લાખ રૂપિયાની લાલચ આપી. તે બિચારી ફસાઈ ગઈ.’ રાકેશ ક્ષણભર માટે અટક્યો. તેની આંખો સામે અનિસાનો હસતો, તોફાની નિર્દોષ ચહેરો તરવરી ઊઠ્યો. તેણે આગળ કહ્યું, ‘હ્યુમન ટ્રાફિકિંગના મેઇન માફિયા અબ્દુલ કરીમ અને મકબૂલ કરીમ બન્ને ફોકલૅન્ડ રોડના નિયમિત ગ્રાહક હતા. એ લોકો આવે ત્યારે મિહિરને ઇન્ફર્મેશન આપવાના બદલામાં અનિસાને આ પૈસા મળવાના હતા.’
રાકેશની આંખો ફરી એક વાર ધિક્કારથી ભરાઈ ગઈ, ‘કોઈકે આ વાત અબ્દુલ સુધી પહોંચાડી દીધી. ખેતવાડીની લેનમાં બરોબર વચ્ચોવચ ઊભી રાખીને ગળું કાપ્યું તેણે. અનિસા તરફડતી રહી, તેની મા બૂમો પાડતી રહી, પણ ભેગા થયેલા ટોળામાં લોકો વિડિયો બનાવતા હતા પણ કોઈ મદદ કરવા ન આવ્યું.’ રાકેશે આંખો મીંચી લીધી, જાણે બંધ આંખો સામે દેખાતું એ દૃશ્ય સહન ન થતું હોય એમ એક જ ક્ષણમાં આંખો ખોલી નાખી. બાજુમાં બેઠેલો જુનિયર વકીલ કદાચ પહેલાં પણ આવી ક્ષણોનો સાક્ષી રહ્યો હશે. તેણે પોતાની બૅગમાંથી વેટ-વાઇપ કાઢીને રાકેશને આપ્યું. રાકેશે મોઢું લૂછી નાખ્યું. સુગંધી, ઠંડા કાગળના સ્પર્શથી કદાચ તેની અંદર સળગતો ગુસ્સો પણ થોડો ઠર્યો. તેણે કહ્યું, ‘તમારો મિહિર પાઠક પણ ત્યારે ઉંદરડાની જેમ ક્યાંક છુપાઈ ગયેલો.’ અચ્યુત ડઘાઈને રાકેશની આ સ્ટોરી સાંભળતો રહ્યો. મિહિરે જે રીતે પોતાના હાથમાં ચિઠ્ઠી પકડાવી એનાથી અચ્યુતને આશાનું કિરણ દેખાયું હતું, પરંતુ રાકેશ વિરમાણીની વાત સાંભળીને તેને મિહિર એક તકસાધુ અને સ્વાર્થી માણસ લાગ્યો.
‘ભલે! નહીં મળું તેને.’ અચ્યુતે નિરાશ થઈને કહ્યું, ‘પણ આમાંથી નીકળવાનો કોઈ રસ્તો તો શોધવો પડશેને? મીડિયા હો-હલ્લા કરશે તો પોલીસ પ્રેશરમાં આવશે. જુડિશ્યરી પર મીડિયાની અસર થાય છે એ તો આપણે જોયું છે.’
‘આપણે તેને મળીશું.’ રાકેશ હવે સહેજ સ્વસ્થ થયો હતો, ‘પણ તેને આપણો ઉપયોગ નહીં કરવા દઈએ. આ વખતે આપણે તેનો ઉપયોગ કરીશું.’ હવે રાકેશ ફરી એક વાર ચેસના ટેબલ પર ગોઠવાઈ ગયો હતો. ધ રાકેશ વિરમાણી ફરી એક વાર અૅક્શનમાં આવી ગયો, ‘મિહિર પાઠકના કનેક્શન જોરદાર છે. દુનિયામાં ક્યાં એનો છેડો નથી અડતો એનું લિસ્ટ નાનું બને કદાચ!’ તેના ચહેરા પર એક ખંધું સ્મિત આવી ગયું, ‘આપણે તેના કૉન્ટૅક્ટ વાપરીશું. મિહિરને આપણે એટલી જ માહિતી આપીશું જેનાથી આપણું કામ થાય ને સામે આપણું કામ કઢાવી લઈશું.’
‘બોલાવો તેને.’ રાકેશે તેના જુનિયર વકીલ તરફ જોયું, પછી અચ્યુતને કહ્યું, ‘તેને શું અને કેટલું કહેવાનું એ હું તમને સમજાવું છું.’
‘શ્યૉર.’ અચ્યુત આ માણસનાં બહાર અને અંદરનાં બે વ્યક્તિત્વોથી ગૂંચવાઈ ગયો હતો. એક હતો સફળ, ગણતરીબાજ, ચાલાક અને લુચ્ચો કહી શકાય એવો વકીલ. બીજો હતો અત્યંત સંવેદનશીલ, ઋજુ અને પોતાનો ભૂતકાળ ભૂલી નહીં શકેલો એક સેક્સવર્કરનો દીકરો. આ બન્ને તેની ભીતર એક જ સમયે એકસાથે ઍક્ટિવેટ થઈ જતાં જોયાં અચ્યુતે. તેનાથી રહેવાયું નહીં, ‘તમે
જેમ કહેશો એમ જ કરીશ. આ દુનિયાના માણસોને તમે મારાથી વધારે ઓળખો છો.’
જુનિયર વકીલ ઊભો થઈને મિહિરને બોલાવવા ગયો, ‘હું મારા જુનિયરની સામે પણ વાત નહોતો કરવા માગતો. મિહિર પાસે કોઈને પણ પોતાની ચાલમાં ફસાવી લેવાની એક કળા છે. કોને ખબર કાલે આ પણ...’ કહીને રાકેશે એકદમ ધીમા અવાજે અચ્યુતને સૂચનાઓ આપવા માંડી. અચ્યુત ધ્યાનથી સાંભળતો રહ્યો જેમાં એક સૌથી મહત્ત્વનો મુદ્દો એ હતો કે મિહિરને કોઈ પણ માહિતી આપતાં પહેલાં તેની સાથે બાર્ટર કરવું. ‘મિહિરને એવું ચોખ્ખું સમજાવી દેવાનું કે તે આપણી મદદ નથી કરી રહ્યો, આપણે તેને સ્કૂપ આપીને તેની કારકિર્દીમાં મદદ કરી રહ્યા છીએ.’ રાકેશે કહ્યું.
‘ઓકે.’ અચ્યુતે ફરી એક વાર કહ્યાગરા બાળકની જેમ ડોકું ધુણાવ્યું.
સુલતાનના જમણા હાથ જેવા શેખ રહમત અલ શુજા સાથે મિહિર પાઠકને અંગત પરિચય હતો. UAEની પીસ કૉન્ફરન્સને કવર કરવા માટે દુબઈ ગયેલા મિહિરની શારજાહમાં ખાસ મહેમાન તરીકે શેખ રહમતે ઘણી મહેમાનગતિ કરી હતી. એ પછી મિહિરે તેની સાથેનો સંપર્ક જાળવી રાખ્યો હતો. એ વાતમાં મિહિર કાબેલ હતો. એક વાર ઓળખાણ થાય પછી એ માણસ કેટલા કામનો છે એ પ્રમાણે તેને તહેવારોની વિશ કરવી, ભેટ મોકલવી ને તેનાં નાનાં-મોટાં કામ કરી આપીને મિહિર સંબંધ ટકાવી રાખતો. આવા કેટલાય સંબંધો દુનિયાના જુદા-જુદા દેશોમાંથી મિહિર માટે માહિતી અને સંપર્કનાં સૂત્રો બની રહેતા. મિહિરે શેખ રહમતને એક ઈ-મેઇલ મોકલી, જેમાં અચ્યુતના કેસની વિગતો સાથે શારજાહની સરકાર પાસે મદદ માગી. જો સરકાર મદદ કરે તો સત્ય શોધી શકાય એમ છે એવી વિનંતી કરીને સાથે જ લખ્યું કે કદાચ આ કેસ બહાર આવે તો શારજાહની સરકારની બદનામી થઈ શકે એટલે ઘરમેળે વાત પતે તો સારું. મિહિરને વિશ્વાસ હતો કે શેખ રહમત તેને જવાબ આપ્યા વગર નહીં રહે.
શેખ ડૉ. સુલતાન બિન મોહમ્મદ અલ કાસીમી શારજાહના સુલતાન છે. UAEનું નેતૃત્વ કરી રહેલા ૮૬ વર્ષના સુલતાન ઇતિહાસ અને ગલ્ફની રાજનીતિક ભૂગોળમાં ડૉક્ટરેટ પ્રાપ્ત કરી ચૂક્યા છે. ઇતિહાસ, નવલકથા, કવિતાઓ અને નાટક સહિત તેમણે અનેક પુસ્તકો લખ્યાં છે. ૧૯૭૨થી તે ફેડરલ સુપ્રીમ કાઉન્સિલના સદસ્ય બનીને શારજાહના અગિયારમા શાસક બનીને ગાદી પર બેઠા ત્યારથી તેમણે UAEની સંસ્કૃતિ અને ઇતિહાસ માટે ઘણું કામ કર્યું છે. મિહિરને વિશ્વાસ હતો કે આવા ભણેલા અને સમજદાર માણસને જો યોગ્ય રીતે સત્ય જણાવીને વિનંતી કરવામાં આવે તો તે ન્યાયનો સાથ આપશે. પોલીસ, અચ્યુત કે અચ્યુતના વકીલને પણ પૂછ્યા વગર મિહિરે પોતાના તરફથી કામ શરૂ કરી દીધું હતું. તેણે રહમત અલ શુજાને ઈ-મેઇલ કરી ત્યારે તેને ભય હતો કે કદાચ અચ્યુત પોતાને મળવાની ના પાડી શકે છે. એમાંય જ્યારે મિહિરને ખબર પડી કે અચ્યુતનો કેસ તેની મા રાકેશ વિરમાણી પાસે લઈ ગઈ છે ત્યારે તો મિહિરે મનોમન અચ્યુતને મળવાની આશા છોડી દીધી હતી. છતાં તે એક છેલ્લા પ્રયાસ તરીકે પોલીસ-સ્ટેશન પહોંચ્યો હતો, કારણ કે તેને સાચે જ અચ્યુતની મદદ કરવાની ઇચ્છા હતી.
એ પણ હતું કે મિહિરને રહી-રહીને લાગતું હતું કે તેણે ભારતમાં ઇન્વેસ્ટિગેટ કરીને જે કેસનો ભાંડો ફોડ્યો એ હ્યુમન ટ્રાફિકિંગનો કેસ હજી પૂરેપૂરો સૉલ્વ થયો નહોતો. આ અક્ષરા અને અચ્યુતની કથાના કોઈક તાણાવાણા આ કેસ સાથે ગૂંચવાયેલા હોઈ શકે એવી સિક્સ્થ સેન્સ સાથે તે અચ્યુત પાસે વધુ વિગતો મેળવવા તત્પર હતો.
નવાઈની વાત એ હતી કે મિહિરનાં મજબૂત કનેક્શન કામ કરી ગયાં. હજી તો અચ્યુત પોલીસ રિમાન્ડમાં જ હતો ત્યાં મેઇલ મળ્યાના કલાકમાં જ શેખ રહમત શુજાનો જવાબ આવી ગયો. તેમણે મિહિરને મદદ કરવાની પૂરી તૈયારી બતાવી એટલું જ નહીં, શારજાહની લોકલ પોલીસ પણ તમામ સહયોગ આપશે એવી ખાતરી આપી.
પહેલું પગથિયું સર કર્યાના આનંદ સાથે મિહિરે બીજી તૈયારીઓ
કરવા માંડી. તેણે આ કેસને કોઈ ન્યુઝ- સ્ટોરીની જેમ નહીં પરંતુ પર્સનલ ઇશ્યુ બનાવીને અચ્યુતની મદદ કરવાનું નક્કી કર્યું હતું, પરંતુ વકીલ રાકેશ વિરમાણી પોતાનો વિશ્વાસ નહીં કરે એ વાતની પણ મિહિરને ખાતરી હતી.
કૉન્સ્ટેબલે આવીને કહ્યું, ‘સાહેબ કહે છે, હમણાં નહીં મળાય.’ સાંભળતાં જ મિહિર હસી પડ્યો કારણ કે તે જુહુ પોલીસ સ્ટેશનમાં દાખલ થયો ત્યારે પાર્ક થયેલી રાકેશ વિરમાણીની ગાડી 5050 તેણે જોઈ લીધી હતી. રાકેશ વિરમાણી સાથે જૂના પ્રૉબ્લેમને કારણે બન્ને વચ્ચે વૈમનસ્ય હતું જ. મિહિરે ધાર્યું જ હતું કે રાકેશ આ મુલાકાત નહીં થવા દે.
એક વધુ પ્રયત્ન તરીકે તેણે રાઘવ લોખંડેને મળવાનો વિચાર કર્યો. કૅબિનનો અડધો દરવાજો ખોલીને મિહિર અંદર દાખલ થયો, ‘પધારો...’ ખુરસી પર બેઠેલા અનવરે કહ્યું ત્યાં જ ઊભેલા રાઘવે તેને જોયો. અનવરથી બોલાઈ ગયું, ‘મારી લૅન્ગ્વેજ માઇન્ડ નહીં કરતા, પણ જેમ જંગલી પ્રાણીને લોહીની ગંધ આવે એમ તમને પત્રકારોને કેસની ગંધ આવી જતી હશે, નહીં? આ વખતે પાછું કંઈ છમકલું નહીં કરતા, આઇ વૉર્ન યુ.’ મિહિરના હ્યુમન ટ્રાફિકિંગના કેસમાં અનવર પણ ઇન્વૉલ્વ્ડ હતો. અનિસા મરી ગઈ ત્યારે અનવર પર ઇન્ક્વાયરી થઈ હતી અને તેને એક મહિના માટે સસ્પેન્ડ કરવામાં આવેલો એ વાતને લીધે અનવર મિહિરને ધિક્કારતો હતો. અનિસાના મોત માટે રાકેશની જેમ જ અનવર પણ મિહિરને જ જવાબદાર માનતો હતો.
‘અરે નહીં રે, સર! આમાં હ્યુમન ટ્રાફિકિંગનું સેન્સેશન નથી, હ્યુમન ઍન્ગલ છે.’ મિહિરે પોતાના સ્માર્ટ શબ્દો ફેંક્યા. મિહિર હૅન્ડસમ હતો. સૉલ્ટ ઍન્ડ પેપર વાળ, ઊંચો. તેના અવાજમાં એક કશિશ હતી. તેના ચહેરા પર સૌથી આકર્ષક હતી તેની આંખો. મિહિરની આંખોમાં કોઈ ગહેરાઈ હતી. થોડી લૉસ્ટ, થોડી બેફિકર છતાં જાણે રહસ્યના કોઈ ધુમ્મસ પાછળથી ડોકિયાં કરતી હોય એવી તેની આંખોમાં ભલભલી છોકરીઓ પોતાનું દિલ ખોઈ બેઠી હતી. તેની આ લફરાબાજીને કારણે તેની પત્ની તેને છોડી ગઈ હતી. ડિવૉર્સ પછી મિહિર ઓર બેફામ અને વાઇલ્ડ થઈ ગયો હતો. દર છ મહિને તેની ગર્લફ્રેન્ડ બદલાઈ જતી. આ વાતની જાણ પત્રકારજગતના તમામ લોકોને હતી એટલું જ નહીં, ક્રાઇમ-બીટના પોલીસ-અધિકારીઓ પણ મિહિરની આ લપસણી વૃત્તિથી વાકેફ હતા. જોકે મિહિર ક્યારેય કોઈ છોકરીનો ખોટો ઉપયોગ કરે, ન્યુઝ કે બીજી કોઈ લાલચ આપીને તેની સાથે રિલેશનશિપ બાંધે એવો લંપટ નહોતો. તે ચાર્મર હતો. તેનું ફ્લર્ટિંગ એટલું સહજ અને શાલીન રહેતું કે તેણે એક વાર શરસંધાન કર્યું પછી નિશાન સાધે જ છૂટકો કરતો!
‘ખબર છે ભાઈ, તારો હ્યુમન ઍન્ગલ.’ અનવર તેના ટેબલ પરથી ઊભો થયો. મિહિરની નજીક આવ્યો, ‘આ કેસમાં કોઈ કાંકરીચાળો કર્યો છે તો આ વખતે હું તને છોડીશ નહીં.’ અનવરે આંખો ઝીણી કરીને મિહિરની આંખોની ગહેરાઈમાં જોયું, ‘નડતો નહીં. કહી દઉં છું.’
‘નડવા નહીં, હેલ્પ કરવા આવ્યો છું, સર.’ કહીને મિહિરે બૅગમાંથી રહમત અલ શુજાની ઈ-મેઈલનો પ્રિન્ટઆઉટ બતાવ્યો, ‘આપણે તેને કહીને લોકલ પોલીસ દ્વારા સર્ચ કરાવીએ.’
‘ને લોકલ પોલીસ સર્ચ શું કામ કરે? ફરિયાદ નોંધાયા વગર?’ અનવર હસ્યો, ‘મારી સાથે કોઈ ગેમ નહીં!’
‘સર,’ મિહિર પોતાના હેતુને સાચો અથવા સ્વાર્થ વગરનો પુરવાર કરવા મથી રહ્યો હતો, ‘આપણે બૅકડેટમાં ફરિયાદ નાખીએ.’ અનવરની આંખો ચમકી, પણ તેણે મિહિરને જણાવા નહીં દેવાનો પૂરો પ્રયત્ન કર્યો. ‘અચ્યુત ગોહિલ ત્યાંથી નીકળ્યો એ પહેલાં તેણે ફરિયાદ નોંધાવી હોય એવું દેખાડીએ તો?’ રાઘવ લોખંડેને મિહિરની વાત સાચી લાગી, પણ સિનિયરની સામે તે ચૂપ રહ્યો, ‘આઇ મીન, જે દિવસે અક્ષરા ખોવાઈ એ દિવસે જ ફરિયાદ નોંધાઈ હોય એવું લાગે.’
‘અરે યાર! પોલીસવાળાને સ્કીમ વેચે છે?’ અનવરે ટેક્નિકલ સવાલ પૂછ્યો. એ પછી પણ તો ફરિયાદો નોંધાઈ હોયને? FIRનો નંબર પાછલી તારીખનો કેવી
રીતે આપે?’ ત્રણે જણ થોડીક ક્ષણો માટે ચૂપ રહ્યા.
‘જુઓ સર, આ કોઈ લોકશાહી નથી. સવાલ-જવાબ કરનારા અમારા જેવો લોકો નથી ત્યાં. UAEના દેશોમાં કંઈપણ થઈ શકે. તેમના કાયદા કડક છે, પણ જ્યારે ઇચ્છે ત્યારે એ બધા કાયદા તેમના શેખોના ઇશારે બદલી પણ શકાય છે.’ કહીને મિહિરે ઉમેર્યું, ‘બધું જાણો તો છો તમે. પેલી ઍક્ટ્રેસનો કેસ... દાઉદ, છોટા રાજનને શેલ્ટર મળ્યું ત્યારે ક્યાં હતા તેમના કાયદા? દોસ્તી કે દિરહામ, બે જ વસ્તુ કામ કરશે ત્યાં. આપણી પાસે દિરહામ નથી, પણ દોસ્તી તો છે.’ બન્નેના બદલાયેલા હાવભાવ જોઈને મિહિર એકદમ સહજતાથી ખુરસી પર ગોઠવાઈ ગયો. અનવર અને રાઘવે એકબીજાની સામે જોયું. બન્નેને તરત જ સમજાઈ ગયું કે મિહિરની વાતમાં દમ હતો. મિહિરે આગળ કહ્યું, ‘આ દેશની ઑફિશ્યલ પ્રોસીજર આ કેસને ક્યાંય નહીં પહોંચવા દે! આપણે અહીં ફરિયાદ નોંધાવીએ, પછી એમ્બેસીને ઍપ્લિકેશન આપીએ, એ શારજાહની પોલીસને ફૉર્વર્ડ કરે, ત્યાંથી જવાબ આવે... એ બધું બાજુએ મૂકીને સીધા જ અઝીઝનાં ઘરનાં ફુટેજ મેળવી આપે એટલી કૅપેસિટી છે આ રહમત શુજાની...’
‘પણ તે આપણી મદદ શું કામ કરે?’ હવે રાઘવથી ન રહેવાયું, ‘અઝીઝ તેના દેશનો માણસ છે. પાવરફુલ હશે જ. કદાચ કંઈ પકડાય કે અઝીઝ ગુનેગાર પુરવાર થાય તો તેના દેશમાં આવી રીતે એક બાઈ ગુમ થઈ છે એવો કિસ્સો ઊછળે. ઇન્ટરનૅશનલ મીડિયા ઇન્વૉલ્વ થાય. તેના દેશની બદનામી થાય...’
‘એટલે જ...’ મિહિરના અવાજમાં આત્મવિશ્વાસ હતો, ‘એટલે જ, આમાં ઑફિશ્યલ ફરિયાદ ન થાય એ તેના ફાયદામાં છે, રહમત શુજા એટલું ન સમજે એટલો મૂર્ખ નથી.’
ત્રણે જણ થોડી વાર માટે આ વાત પર વિચારતા રહ્યા. મિહિરની વાત સાચી હતી છતાં આ પ્રયત્ન ખતરનાક હતો. ક્યાંય પણ, સહેજ પણ માહિતી લીક થાય તો આ બન્ને પોલીસવાળાની નોકરી જાય! આ કરાય કે નહીં, એ વિશે ચર્ચા કરવા માટે બન્નેને એકાંતની જરૂર હતી, પણ મિહિરને અત્યારે અહીંથી જવાનું કહેવાની બેમાંથી કોઈની હિંમત નહોતી. ત્યાં જ રાકેશ વિરમાણીનો જુનિયર વકીલ બોલાવવા આવ્યો. અનવર કુરેશી અને રાઘવ લોખંડેએ નિરાંતનો
શ્વાસ લીધો.
‘ચલો, બુલાવા આયા હૈ...’ કહીને મિહિર હસતો-હસતો ઊભો થયો, ‘મારી વાત પર વિચાર કરજો. જો યોગ્ય લાગે તો રાકેશ વિરમાણીને પણ કૉન્ફિડન્સમાં લેવો પડશે. એ અળવીતરો મારી વાત તો નહીં જ માને. તેને મારા માટે ખાસ પ્રેમ છે.’ કહીને મિહિરે પેલા જુનિયર વકીલના ખભે ધબ્બો માર્યો, ‘કેમ? સાચું કહું છુંને?’ જુનિયર વકીલ સહેજ ઝંખવાઈ ગયો. મિહિર લૉકઅપ તરફ આગળ નીકળી ગયો. જુનિયર તેની પાછળ ગયો.
અઝીઝના મહેલમાં બૉડી-મસાજ કરાવી રહેલી અક્ષરાની પીઠ પર પતંગિયાનું ટૅટૂ તેલને કારણે ચમકતું હતું. કોઈ અરેબિયન સંગીત વાગતું હતું. થાઇલૅન્ડથી ખાસ અહીં લાવવામાં આવેલી સ્પેશ્યલી ટ્રેઇન્ડ છોકરી મસાજ કરી રહી હતી. તેની આંખો બંધ હતી, પણ મગજમાં વિચારોનું ઘમસાણ ચાલતું હતું.
અત્યાર સુધી તો બધું રંગીન અને સુંવાળું હતું. છેલ્લા થોડા દિવસોથી અઝીઝ અક્ષરાને કોઈ રાજકુમારીની જેમ રાખતો હતો; પરંતુ હમણાં થોડી મિનિટો પહેલાં અઝીઝે જે કહ્યું, જે વર્તન કર્યું એનાથી અક્ષરા હચમચી ગઈ હતી. તેને રહી-રહીને એક સવાલ ઊઠતો હતો કે પોતે અહીં આવવાનો નિર્ણય કરીને કોઈ ભૂલ તો નથી કરીને? આ સવાલનો જવાબ અક્ષરાને મળવાનો હતો આજની સાંજે જ! અક્ષરાના હોશ ઊડી જાય એવી ઘટના તેની પ્રતીક્ષા કરી રહી હતી...
(ક્રમશઃ)