21 December, 2025 12:22 PM IST | Mumbai | Sameera Patrawala
પ્રતિકાત્મક તસવીર
ટ્રેનમાં હું મારી નિયત જગ્યાએ બેસી ગઈ હતી. મુંબઈની ટ્રેનોમાં રોજ મુસાફરી કરનારાને ખબર જ હોય છે કે સીટ મેળવવા કઈ ટ્રેન ક્યાંથી પકડવી જોઈએ. મારે તો અમથું પણ લાસ્ટ સ્ટૉપ હોય એટલે આરામથી જ બધું ચાલે. નક્કી કરેલી સીટ પણ આરામથી જ મળી જાય. પછી જેમ સ્ટેશન ઉમેરાતાં જાય એમ ભીડનો મારો ચાલે અને ચર્ચગેટથી બોરીવલીની ટ્રેનના લેડીઝ ડબ્બામાં સ્ત્રીઓ દરિયામાં ભરતી આવે એમ ઉમેરાતી જાય. મને ટ્રેનમાં પુસ્તકો વાંચવા કરતાં જીવતીજાગતી જિંદગીઓ વાંચવામાં વધુ રસ પડે. એક દિવસ લેડીઝ ડબ્બામાં થોડીક આછી ભીડમાં કશુંક અજુગતું બની ગયું, એ દિવસ હું ક્યારેય નથી ભૂલી શકવાની.
માહિમથી એક વૃદ્ધ માણસ અચાનક લેડીઝ ડબ્બામાં ચડી ગયો. એકાદ છોકરી પણ જો ધક્કા મારી ચડે તો ભીડમાં કકળાટ ફેલાઈ જાય એવામાં એક પુરુષ આવ્યો છતાંય ડબ્બામાંની કોઈ સ્ત્રી તેને કશું જ બોલી ન શકી. મારી આંખ સામે નાનકડા ટોળાની આડશ હતી એટલે હું સ્પષ્ટપણે તેને જોઈ ન શકી, પણ સાંભળ્યું કે તેને કશુંય કહેવાને બદલે એક છોકરીએ ઊઠીને તેને જગ્યા આપી દીધી હતી. મને થઈ આવ્યું કે હશે કદાચ તેના પપ્પા કે ભાઈ, છોડોને પંચાત! આપણે શું? પણ ડબ્બાની ભેદી શાંતિએ મારી પંચાતને પાછી જગાડી. અચાનક મારા કાને એક વૃદ્ધ રુદન દસ્તક દેવા લાગ્યું. કાનને જ્યારે ફક્ત સાંભળવાનું જ કામ કરવાનું હોય ત્યારે આંખોને પણ જોવાની તાલાવેલી જાગી જાય છે. મેં ગણતરી કરી, અંધેરી આવશે પછી અડધી ભીડ ઓછી થઈ જશે. બસ, હવે બે સ્ટૉપ સુધી જ રાહ જોવાની છે, જોઈ જ નાખીએ! પણ ત્યાં સુધી એ રુદન એટલું મોટું થયું કે એ ટ્રેનના દરેકને ધ્રુજાવવા લાગ્યું.
મે ધાર્યું હતું એમ જ અંધેરી આવતાં ભીડ ઓછી થઈ પણ આંખ સામેથી એ ભીડનો પડદો હટતાં એક આંચકો વધુ લાગ્યો. સામેની બાજુએ સાયલી અને તેની ચમચા જેવી બે-ચાર સખીઓ એ વૃદ્ધને ઘેરીને બેઠી હતી. સાયલીની ઓળખાણ પણ આપું. મેં પહેલાં કહેલુંને કે મેં મારી જગ્યા નક્કી કરી છે એમ આ સાયલીએ પણ ડબ્બાના આ ભાગને પોતાનો એરિયા બનાવેલો જેમાં તેને ગમે ત્યાં તે બેસે. તેની ચમચીઓ વહેલાં આવીને જગ્યાઓ સગેવગે કરી લે. એટલે ક્યારેક મોડું થાય તો પણ સાયલીને ધારી સીટ મળે અને જો કોઈ વિરોધ કરે તો સાયલી તેની ચમચા ગૅન્ગ સાથે તેને બરાબર કરે. મારી જેમ રોજ મુસાફરી કરવાવાળા અનેકને તે ખટકતી, પણ કોઈ તેની સાથે પંગો ન લે. મને જાણવા મળ્યું કે એ વૃદ્ધને સીટ આપનાર બીજું કોઈ નહીં પણ એ સાયલી પોતે જ હતી. વૃદ્ધ તેને રડી-રડીને કાંઈક કહી રહ્યો હતો. ડબ્બામાં ફરી શાંતિ છવાઈ ગઈ હતી. સૌના કાન એ રુદનનું રહસ્ય ઉકેલવા એક જ તરફ મંડાયા હતા. અમુક બૈરાં તો રીતસરની પંચાત કરવા ત્યાં પહોંચી પણ ગયેલાં. મારી સીટ પરથી સામેના ખૂણા તરફ થોડુંક જોઈ શકાતું હતું એટલે હું તેમની વાતનો છેડો જ પકડી શકી.
‘મૈં નહીં બચેગા અભી...મેરા પોતા ક્યા કરેગા અકેલા.. મૈં નહીં બચેગા સા’બ. મૈં નહીં..’
‘સા’બ’ શબ્દ સાંભળતાં જ હું ચમકી. કશીક ઓળખાણ પડી હોય એવું લાગ્યું. ‘સા’બ!’ આવી આદત તો એક માણસને જ હતી. તેમનું દરેકને સા’બ કહેવું મને બહુ ગમતું. હા, જયચંદકાકાને જ આવી આદત હતી. ઊંચો બાંધો, પાતળું સ્ફૂર્તિલું શરીર, મહેનત કરીને, તડકામાં ચાલીને કાળી પડેલી કાયા અને દિવસ-રાત રંધો ઘસીને પાછળથી ઊપસેલું ઊંટની ખૂંધ જેવું ગરદનનું હાડકું. હાથેથી ધોયેલાં કધોણિયાં સફેદ કપડાં. હા, એ જ! બસ આટલાં વર્ષે ઉમેરામાં માથે પૂરા ધોળા વાળ અને ઢીલુંઢાલું વૃદ્ધ શરીર. દસેક વર્ષે જોયા હશે કદાચ. જયચંદકાકા ભૂલી શકાય એવી વ્યક્તિ તો નહોતી જ.
કઈ વાતે રડતા હશે? તેમના જેવી ખુમારીથી ભરપૂર વ્યક્તિ આમ જાહેરમાં રડે એની તો હું કલ્પના પણ કરી શકું એમ નથી. મારી વાત તેમને સંભળાઈ હોય એમ ભીડમાં તરતો જવાબ મારી બાજુવાળીએ સ્પષ્ટ સૂરમાં કહ્યો, ‘બોલા કે ઉસે ફૂટ-ફૂટ કે રોના થા ઇસલિએ જાનબૂઝકે લેડીઝ ડબ્બે મેં આયા. બોલતા હૈ આજ બહોત રોના આ રહા હૈ ઉસે.’
જયચંદકાકાનું રોવાનું રોકાતું નહોતું. મને પેટમાં ઊંડે ફાળ પડી રહી હતી. જયચંદકાકા જેવી મજબૂત વ્યક્તિ આમ જાહેરમાં કેમ રડતી હશે? મને થઈ આવ્યું કે જઈને તેમને સાંત્વના આપું. પણ પછી થયું ના, જો તેમને થશે કે આ ડબ્બામાં તેમને કોઈ ઓળખે છે તો તે રડી નહીં શકે અને ઊલટાનું તે રડી પડ્યા એનો ડંખ પણ તેમના જેવી વ્યક્તિને જિંદગીભર રહેશે. ક્યારેક જાણીતા કરતાં અજાણ્યા સામે જખમ દેખાડવા સરળ રહે છે. ‘રડી લેવા દો તેમને.’ મેં મનમાં જ કહ્યું. હું તેમને દેખાય નહીં એમ થોડીક વધુ નજીકની સીટમાં બેસી ગઈ. અહીંથી બધું જ સ્પષ્ટ સંભળાતું હતું.
‘પઢા-લિખા કે બેટા કો દાક્તર બનાયા થા સા’બ. દિલ્લી ભેજા થા પઢને. મૈં યહાં બંબઈ મેં, ગાંવ મેં ખેત છોડ કે. બહોત મેહનત કી, ઉસકી શાદી કરવાઈ, સોચા ઉસકી પઢાઈ કા લોન ચૂકા કે કામ છોડ દૂંગા. દાક્તર બનને કે બાદ બેટા કામ છોડને કા બહોત બોલતા થા લેકિન ઉસકી પઢાઈ કા લોન તો મેરી ઝિમ્મેદારી હૈના સા’બ! થોડે સાલ મેં ઉસકો બેટા હુઆ. ચાર સાલ કા બેટા છોડ કે ઍક્સિડન્ટ મેં બેટા-બહૂ દોનોં...’ જયચંદકાકા ધ્રુસકે-ધ્રુસકે રડી પડ્યા.
સાયલી કોઈ પ્રેમાળ માની જેમ એ વૃદ્ધને સંભાળી રહી હતી. આજે પહેલી વાર તેના તરફનો મારો દૃષ્ટિકોણ બદલાઈ રહ્યો હતો. ‘આપ બોલતે જાઓ કાકા, આપકો અચ્છા લગેગા.’ મને ભરોસો નહોતો આવતો કે સૌને રડાવનાર સાયલી આમને રડવામાં મદદ કરી આ રીતે પુણ્ય કમાઈ રહી હતી. મારા નવા ઘરનું સુથારીકામ જયચંદકાકાએ જ કરેલું. તેમના જેવું કામ ભાગ્યે જ કોઈ કરે. એકલપંડે બહુ જ આરામથી દિવસ આખો લઈને નાની-નાની ડીટેલ ધ્યાનમાં રાખીને કામ કરે. તેમની કોઈ વર્કશૉપ નહીં એટલે તે જાતે જ હરતી-ફરતી દુકાન હતા. તે કહેતા, ‘સા’બ, વર્કશૉપ કા ભાડા મેરે કો નહીં પરવડતા.’
એક વખત તો ઘરમાં કામ ચાલતું હતું ત્યારે ખીલી સીધી તેમના હાથમાં જ ઘૂસી ગઈ તો પણ તેમણે ડૉક્ટર પાસે ગયા વગર જાતેથી ફટ કરતાં ખીલી ખેંચી નાખેલી. આવું કરતાં તેમના મોઢે જરાસરખીય કરચલી ન આવી. મારા દીકરાએ પૂછેલું, ‘તમને રડવું નથી આવતું કાકા?’ તો કહે, ‘મર્દ કો રોના નહીં ચાહિએ સાબ. રોતે તો ઔરત લોગ હૈં, કમઝોર થોડી હૈં હમ?’
મને હજીયે વિશ્વાસ નહોતો આવતો કે આ એ જ જયચંદકાકા હતા.
પુનિતામાં પહેલાંથી જ ધીરજનો અભાવ છે એની મને ખબર, પણ તેની આ વાત મને જરા ખટકેલી. આમ તો ગેરજવાબદારીથી વર્તે એમાંના નહોતા, જરૂર કશુંક થયું હોવું જોઈએ. એ દિવસે તેમના વિશે છેલ્લી વાત થઈ પછી દસેક વર્ષ બાદ આજે ફરી દેખાયા. ભૂતકાળમાંથી જાણે કોઈ મરીને જીવતું થયું હોય એમ તેમનું મારી સામે હાજર થવું મને અત્યારે ચમત્કાર જેવું જ લાગતું હતું. હું સતત મને રોકી રહી હતી કે તેમની પાસે ન જાઉં. સાયલી સિવાય બીજી સ્ત્રીઓ પણ હવે તેમને સાંત્વન આપી રહી હતી. ‘ભાઈસાબ. ભગવાન કી યહી ઇચ્છા હોગી.’
પહેલાં ઘરમાં અને પછી મારા પતિની ઑફિસમાં નાનામોટા સુથારીકામ માટે જયચંદકાકા વારંવાર મળતા રહ્યા એટલે ધીરે-ધીરે ઊઘડતા ગયા. ‘સા’બ. મેરા બેટા દાક્તર બન રહા હૈ. મૈં પઢા નહીં, લેકિન બેટે કો બોલા કે દિન-રાત રંધા ઘિસૂંગા. તૂ પઢ, તેરે કો દાક્તર ઝરૂર બનાઉંગા. ઉસકી માં તો ઉસકે બચપન મેં હી ચલ બસી થી.’
તેમનો દીકરો દિલ્હીમાં ભણતો અને તે અહીંથી પૈસા મોકલતા. પછી તો મારી નાની બહેન પુનિતાએ પણ તેના ઘરનું કામ કરવા તેમને બોલાવેલા. પુનિતાને ઇન્ટીરિયરનો બિઝનેસ એટલે કોઈ ખાસ પ્રકારની કસ્ટમાઇઝ્ડ ફરમાઈશ હોય તો તે જયચંદકાકાને આપવા લાગી. તેમના કામથી બહુ ખુશ હતી એ. પછી તો કાકા ક્યાંય ભુલાઈ જવાયા. ઘણા સમય પછી એકાદ વખત પુનિતાએ કહેલું, ‘જયચંદકાકાના દીકરાનાં લગ્ન થયાં. કેવો સારો માણસ! યુપી બાજુ તો દહેજ કેટલું લેવાય! પણ જયચંદકાકા એક રૂપિયો લીધા વગર વહુ લાવ્યા. વહુ પણ ભણેલીગણેલી અને નોકરિયાત. હવે તો તેને શાંતિ.’ પહેલાં તો પુનિતા તેનાં વખાણ કરતાં થાકતી નહીં પણ પછી અચાનક એક દિવસ ફોન પર તેના નામનો કકળાટ કર્યો, ‘જયચંદ સાલો આવતોય નથી અને ફોન પણ ઉપાડતો નથી. હવે તો આવે તોયે તેને કામ ન આપું.’
પુનિતામાં પહેલાંથી જ ધીરજનો અભાવ છે એની મને ખબર, પણ તેની આ વાત મને જરા ખટકેલી. આમ તો ગેરજવાબદારીથી વર્તે એમાંના નહોતા, જરૂર કશુંક થયું હોવું જોઈએ. એ દિવસે તેમના વિશે છેલ્લી વાત થઈ પછી દસેક વર્ષ બાદ આજે ફરી દેખાયા. ભૂતકાળમાંથી જાણે કોઈ મરીને જીવતું થયું હોય એમ તેમનું મારી સામે હાજર થવું મને અત્યારે ચમત્કાર જેવું જ લાગતું હતું. હું સતત મને રોકી રહી હતી કે તેમની પાસે ન જાઉં. સાયલી સિવાય બીજી સ્ત્રીઓ પણ હવે તેમને સાંત્વના આપી રહી હતી. ‘ભાઈસાબ. ભગવાન કી યહી ઇચ્છા હોગી.’
‘આપ હિંમત નહીં હારના.’ એક દયાળુ સ્ત્રીએ તો મોટી રકમ પણ ઑફર કરી પણ જયચંદકાકાએ બે હાથ જોડી ના પાડી.
‘અગર બચ સકું તો મેરા સબ બેચ ડાલૂંગા સા’બ! કૅન્સર કા લાસ્ટ સ્ટેજ આયા. મેરે કો એક હી ચિંતા હૈ સા’બ! મેરે બાદ મેરે પોતે કા ક્યા હોગા?’ ગળગળા થઈ ખોંખારો ખાઈ કાકા ફરી બોલ્યા, ‘ઉસકા બાપ દાક્તર થા. વો હોતા તો...’ કાકા ફરી રડી પડ્યા.
‘ભગવાનને તીન-તીન જવાન લાશ ઉઠાને કા ભાગ્ય દિયા મેરે કો સા’બ. ભગવાન કરે કે બચ્ચા લાવારિસ ના હો જાએ અબ! અબ ઝોર નહીં રહા બરદાસ્ત કા સા’બ!’ જયચંદકાકા અનરાધાર રડી રહ્યા હતા. એક જણી તેમને પાણીની બૉટલ આપતાં પોતે પણ રડી રહી હતી. કાકાએ જોયું કે કાંદિવલી આવી ગયું હતું. સૌનો, ખાસ કરીને સાયલીનો આભાર માનતાં કાકા બોલ્યા, ‘રો કે બડા અચ્છા લગા સા’બ! ભગવાન ભલા કરે આપ સબ લોગોં કા. ઔરત જાત કો ભગવાનને રોને કી બડી શક્તિ દી હૈ સા’બ! જિંદગી મેં પહેલી બાર ઇતના ફૂટ-ફૂટ કે રોયા હૂં. અપને બેટોં કો બોલના સા’બ, કભી-કભી રોના આએ તો બેઝિજક રોયા કરે. મર્દ કો ભી તકલીફ હોતી હૈ, મન કી તફલીફ મન મેં રહકે બિમારી બન જાતી હૈ.’
કાંદિવલી સ્ટેશને બીજા સૌની જેમ હું પણ મારી સીટ પરથી ઊભી થઈ તેમની પીઠને જોતી હતી. ગરદન પર ખૂંધ જેમ ઊપસેલા હાડકાવાળો તે બાજુમાં આવેલા પુરુષોના ડબ્બામાં ચડે ત્યાં સુધી! એ દિવસ વીત્યાને પણ ઘણો વખત થયો, તો આજે કેમ યાદ આવ્યું?
આજે ઇન્સ્ટાગ્રામ પર કોઈએ ચાર્લી ચૅપ્લિનનો એ ફેમસ ડાયલૉગ મૂક્યો છે, ‘મને વરસાદમાં ચાલવું ગમે છે, કારણ કે ત્યારે કોઈ મારાં આંસુ નથી જોઈ શકતું.’