05 November, 2026 11:22 AM IST | Mumbai | Samit (Purvesh) Shroff
ઇલસ્ટ્રેશન
દિવાળીના ધડાકા પછી હું કિંગમેકર બનીને કેન્દ્રમાં રહેવાનો એ નક્કી.
રાજશેખરનું સ્મિત પહોળું થયું:
આમ તો પ્લેન-બ્લાસ્ટ માટે પાકિસ્તાન કે જમ્મુ-કાશ્મીરમાં હજીયે ઍક્ટિવ ટેરરિસ્ટ ગ્રુપમાંથી કોઈની પણ મદદ લઈ શકાત, પરંતુ રખેને પછીની તપાસમાં તેમની સંડોવણી બહાર આવી તો સારંગ દેશદ્રોહીઓ સાથે મળી ગયેલો એવી છાપ ભૂંસવી મુશ્કેલ બની જાય. એ હિસાબે બંગલાદેશના યુસુફ ખાનની ગૅન્ગ એટલી પ્રચારમાં નથી, બલ્કે સારંગે અમૅચ્યોર હાઇજૅકર્સ હાયર કર્યા એમાં જ સરકાર પ્લેન ઉડાવવામાં ફાવી એવું કહી શકાય.
બંગલાદેશના કટ્ટરવાદી યુસુફ ખાન સાથે પોતે સંપર્કમાં હતો. તે પૈસા લઈને આવાં કામ કરી આપે. તેની સાથે ડીલ થઈ તો મારું કમિશન અલગથી એવી શરત અગાઉથી કરી રાખેલી. અવતાર હજી તો મારી સલાહથી વિપરીત જતો નથી, પણ પૉલિટિક્સમાં ક્યારે શું બને એ કહેવાય નહીં એટલે મરાય ત્યાં હાથ મારી જ લેવાનો હોય. ખેર, બૅન્ગકૉકનું વેકેશન ઊભું કરવા પાછળનો ઉદ્દેશ તો યુસુફને મળીને ડીલને અંજામ આપવાનો જ હતો. ઍન્ડ ઇટ વર્ક્ડ.
હવે સારંગની ટિકિટ કન્ફર્મ કરીને ફ્લાઇટની ડીટેલ યુસુફને મોકલું એટલે કાઉન્ટડાઉન શરૂ.
lll
‘એક વાત પૂછું?’ બૅન્ગકૉકથી નીકળવાની આગલી રાતે રાજશેખરના કસાયેલા અંગ સાથે રમત કરતાં મારિયાએ પૂછી લીધું, ‘તારા અવતારસાહેબને આવી કંપનીની જરૂર નથી હોતી?’
જવાબમાં રાજશેખર કહી શકત કે અવતાર સિંહનો ઇન્ટરેસ્ટ જુદો છે અને હજી હમણાં સ્વિટ્ઝરલૅન્ડમાં જ તેનું ખુફિયા રેકૉર્ડિંગ કરીને મેં સંઘરેલા સાપની જેમ રાખ્યું છે! પણ એવું બધું મારિયાને કે કોઈને પણ શું કામ કહેવું?
પાકો મુત્સદ્દી રાજશેખર મગનું નામ મરી પાડે એમ નહોતો, પણ એમ તો મારિયા પણ રીઢી હતી. રાજશેખરને પરમ આનંદના ઘેનમાં પોઢાડીને તેના મોબાઇલમાંથી બ્લાસ્ટ માટે ફાઇનલ થયેલી ફ્લાઇટની ડીટેલ સેરવી જ લીધી.
lll
પ્લેન-બ્લાસ્ટ.
પોતાના સ્પામાં પાછી આવેલી મારિયા અત્યારે પણ આતંકવાદી કાવતરાને સંભારીને થથરી ગઈ.
હવે સવાલ એ છે કે મારે શું કરવું? હું શું કરી શકું?
ના, મૂંગા રહીને નિર્દોષોના મોતમાં મારે ભાગીદાર તો નથી જ ઠરવું. રાજશેખરના ફોનમાંથી મેં માહિતી કેવળ જિજ્ઞાસા ખાતર નહોતી સેરવી. પોતાનો દેશ હોત તો પોલીસમાં હાજર થઈ જાત, નનામો ફોન કરી શકત... પણ પરદેશમાં કયા પરદેશીને કહેવું?
અને મારિયાના હોઠ સ્મિતમાં વંકાયા.
હું તેને કેમ વીસરી ગઈ? ના, તે જુવાન વીસરાય એવો તો નહોતો જ. પાછો ભારતની જાણીતી ઍરલાઇનનો પાઇલટ.
ત્રણેક વરસ અગાઉ તે સ્પામાં પહેલી વાર આવેલો. ત્યારે કદાચ સ્ટાફ ઓછો હતો કે પછી કોઈ બીજા કારણે પણ તેને મેં અટેન્ડ કર્યો હતો. બિચારો થોડો મૂંઝાતો ને કેટલું શરમાતો હતો... પણ એક વાર શરમના વાઘા ઊતર્યા પછી તેની બેશરમ હરકતોએ મને પાણી-પાણી કરી મૂકેલી...
અત્યારે પણ એ યાદે મલકી જતી મારિયાએ મોબાઇલ સ્ક્રોલ કરીને તેને મેસેજ ડ્રૉપ કર્યો : હાય, બૅન્ગકૉક ક્યારે આવે છે? પ્લીઝ મીટ મી... ઇટ્સ ટ્રુલી અર્જન્ટ ઍન્ડ ઇમ્પોર્ટન્ટ.
lll
ડુ સમથિંગ.
અચ્યુતના દિમાગમાં ટિક-ટિક થતી હતી : હમણાં દિવાળી જશે કે મોસમનાં લગ્નનાં ગીત ગવાવા માંડશે. એ પહેલાં તે અક્ષતનો છેડો ફાડે એ માટે જે કરવું પડે એ કર. અક્ષતના સામાનમાં ડ્રગ પ્લેસ કરીને સ્મગલર ઠેરવી દે, કોઈ છોકરી સાથેની તેની રંગરેલી રેકૉર્ડ કરીને વાઇરલ કરાવી દે... ઘણું થઈ શકે અચ્યુત માવાણી, ડુ ઇટ!
અને એ જ ઘડીએ તેના ફોનમાં મેસેજ ટપક્યો.
lll
અક્ષતના ફોનમાં મેસેજ ટપક્યો.
સહેજ મર્માળુ મલકીને, ફોન બાજુએ મૂકીને અક્ષત હોંશભેર લગ્નનું શૉપિંગ દેખાડતી મોસમના ઉત્સાહને માણી રહ્યો : મોસમે મારા પર કેવો જાદુ કર્યો છે એની તો મોસમને પણ ક્યાં ખબર છે!
મોટા થઈને વિમાન ઉડાડવું છે એ તો કિશોરાવસ્થાથી નક્કી હતું. જુવાનીમાં ડગ મૂક્યા પછી અક્ષતને પોતાના ચાર્મની, દેખાવની સભાનતા આવી. શરીરની જાળવણી ગમતી, પણ પોતાના રૂપનું અભિમાન પોષવાથી દૂર રહેતો. તેનું વ્યક્તિત્વ નૈસર્ગિકપણે સામાને આકર્ષિત કરતું.
ઇન્ટરનૅશનલ ફ્લાઇટ ઉડાડતો થયા બાદ દુનિયા ઊઘડી. એ પણ સમજાયું કે તનની જરૂરિયાતોને કચડવાથી વૃત્તિ વકરે છે. એના કરતાં મરજીનું શરીરસુખ માણવું વધુ સ્વસ્થતાપૂર્વકનો અભિગમ છે.
અક્ષતે વસ્ત્રોની મર્યાદા સરકાવી, પણ આત્મભાન ઓસરવા ન દીધું. અક્ષતના દેહના ઉઘાડે જ માનુનીઓ ચિત થઈ જતી, પણ એથી એમાં જ રમમાણ રહેવાનું ન હોય એ સૂઝ મન-મસ્તિષ્કમાં સદા રહી.
આમાં પ્રણયનો તણખો તો જોકે મોસમને જોયાની ક્ષણે જ ઝબૂક્યો. તેનાથી કશું છુપાવ્યું નહોતું. પત્ની સાથે લગ્ન પહેલાં નહીં સુવાય એવી કોઈ જુનવાણી ભાવના ઘર કરી ગઈ હશે કે શું, પણ મોસમ સાથે હકની રાત માણવાના ઉમંગમાં બનાવટ કે દંભ નહોતાં. અચ્યુત મોસમને ચાહતો હોવાની સમજ છતાં કોઈ ઇનસિક્યૉરિટી કે આશંકા પણ નહીં.
આ બધું છતાં સગાઈ પછી કશુંક એવું બનતું રહ્યું છે જે મોસમ સાથે વહેંચાયું નથી... અને તે એ કે તક અને અવકાશ હોવા છતાં પોતે કોઈ જોડે સૂઈ નથી રહ્યો! જેના પર મોસમનો હક છે એ સુખ બીજાને અપાય જ કેમ?
‘તું તો સગાઈમાં જ ફ્રીઝ થઈ ગયો!’ તેને જાણનારી સ્ટાફ-મેમ્બર્સ વ્યંગમાં કહેતી. અત્યારે એવો જ એક મેસેજ આવ્યો કે તું સડનલી ઇમ્પોટન્ટ તો નથી બની ગયોને!
અક્ષતથી અત્યારે પણ મલકી પડાયું. આવાને કેમ કહેવું કે આ મોહબ્બતની કમાલ છે!
lll
‘આખરે તું આવ્યો ખરો!’
મારિયાએ ફુટ-મસાજની તૈયારી કરતા કોચ પર સૂતા પાઇલટને શબ્દોથી પંપાળી લીધો, ‘તું ન આવત તો હું ઇન્ડિયા આવવાની જ હતી.’
‘મારી આટલી તડપ...’ તેણે મારિયાને નજીક ખેંચી.
‘બદમાશ!’ તેને ટપારીને મારિયા ગંભીર બની, ‘તને તેડાવવાનું ખરું કારણ બીજું છે... તને એક ઇન્ફર્મેશન પાસ કરવાની છે...’
lll
વૉટ!
તે માની ન શક્યો. અવતાર સિંહે બંગલાદેશના જેહાદી ગ્રુપના યુસુફ ખાન સાથે મળીને મુંબઈ-ન્યુ યૉર્કની દિવાળીની ફ્લાઇટને હાઇજૅક કરીને ઉડાવી દેવાનું કાવતરું ઘડ્યું છે?
બીજો જોગાનુજોગ એ કે એ ફ્લાઇટ પાછી અમારી જ ઍરલાઇન્સ - DN ઇન્ડિયાની!
‘૪ દિવસ પછી દિવાળી છે. સપરમા દહાડે અનર્થ ન સર્જાય, નિર્દોષ માણસોનો બલિ ન લેવાય એ માટે પ્લીઝ ડુ સમથિંગ!’
મારિયાની પાંપણ છલકાઈ.
ના, મારિયાની નીયત સાફ છે,
તેના બયાનમાં સચ્ચાઈ વર્તાય છે.
પ્લેન-બ્લાસ્ટની ખોટી બાતમી આપીને તેને શું મળવાનું?
‘ડોન્ટ વરી, હું કંઈક કરું છું...’
lll
લતા મંગેશકરના કંઠે મા મહાલક્ષ્મીની આરતી સાથે ધનતેરસની પૂજા શુભ મુરતમાં સંપન્ન થઈ.
લક્ષ્મીપૂજન માટે અક્ષતના ઘરે સૌ ભેગા થયા હતા. અક્ષતે કલાકમાં વિયેતનામ માટે નીકળવાનું હતું. દિવાળીએ પણ તેની ફ્લાઇટ હતી અને રિટર્નનો જોગ લાભપંચમ પછી બને એમ હતો.
જમાઈનું શેડ્યુલ જાણીને આનંદીબહેનની અણખટ છતી થઈ ગઈ, ‘લો, તહેવારમાં પણ જુદા રહેવાનું? એમાં સગાઈ પછી તમારી આ પહેલી દિવાળી! ડ્યુટી બદલાય એવું નથી?’
મોસમ મા સામે કતરાઈ, પણ અક્ષતે તેમનું હેત જોયું.
‘મોસમ, એક રસ્તો છે. અચ્યુતને કહી જોઈએ તો?’
મોસમને ચાહતો અચ્યુત તેનો પ્રસ્તાવ નકારી ન શકે... સામાન્યપણે અક્ષત કોઈની લાગણીનો ગેરલાભ ઉઠાવવામાં માને નહીં, પણ માનું મન રાખવા પૂછવાની ફૉર્માલિટી કરવાનો ઇશારો મોસમ સમજી.
અચ્યુતે પહેલી જ રિંગમાં કૉલ રિસીવ કર્યો. ખબરઅંતરની આપ-લે કરીને મોસમ મુદ્દે આવી, ‘દિવાળીનું તમારું શું શેડ્યુલ છે?’
‘નથિંગ.’ મોસમ પ્રોગ્રામનું ઇન્વાઇટ આપવા માગતી હશે એમ વિચારીને અચ્યુતે ઉમેર્યું પણ ખરું, ‘આ વખતે ડ્યુટી પર રજા છે એટલે તમે કહો એ ફાવશે.’
‘તો એક રિક્વેસ્ટ છે.... અક્ષતને અમેરિકાનું શેડ્યુલ છે. તમે ડ્યુટી એક્સચેન્જ કરી શકો તો અમે અમારી પહેલી દિવાળી સાથે મનાવી શકીએ.’
ઘડીભર તો અચ્યુતને મોસમે સણસણાવીને તમાચો માર્યો હોય એવું વસમું લાગ્યું. અક્ષત સાથે દિવાળી મનાવવા તું મને દૂર હડસેલવા માગે છે?
બીજી પળે દિમાગમાં કડાકો બોલ્યો : અક્ષતની અમેરિકાની ડ્યુટી! દિવાળીની રાતે...
હે ભગવાન. અચ્યુતના કપાળેથી પસીનો દદડ્યો.
તાજેતરની બૅન્ગકૉકની યાત્રા સાંભરી ગઈ.
ખરેખર તો દુનિયાના દેશોમાં ફરતા થયા પછી અચ્યુતની જુવાનીને પાંખો ફૂટી હતી. સ્ત્રીના સંગની અબળખા વળ ખાતી. પોતાના સ્કિનટોનને કારણે કોઈ કન્યા સામેથી તો આવવાથી રહી, પણ પોતે ક્યાં કેવી રીતે અપ્રોચ કરવો એનીયે ગતાગમ હોવી જોઈએને! આવામાં બૅન્ગકૉકની ટૂર દરમ્યાન મસાજ-ગર્લ્સની કરામત વિશે સ્ટાફની કાનાફૂસી સાંભળી. જાણીતા સ્પામાં પહોંચી તો ગયો, પણ ત્યાંની ઓનર લેડી-મારિયાએ કપડાં ઉતારીને કોચ પર સૂવા કહ્યું ત્યારે પોતે કેટલું શરમાયેલો! મારિયાએ મારો કલર ન જોયો, મારા કસરતી દેહનો ઘાટ જોઈને તેની કીકીમાં ચમક ઊપસી હતી.
પછી તો કેટલીયે વાર પોતે તેનો મહેમાન બન્યો. જોકે એ સિવાય બીજે ક્યાંય જાત ઉઘાડવાની હિંમત થઈ નહીં.
આ વખતે મારિયાના મેસેજે તેને મળવા ગયો તો તેણે કેવી સ્ફોટક માહિતી આપી. તરત તો અચ્યુતે પોતાનું શેડ્યુલ ચેક કરેલું. દિવાળીમાં પોતાને રજા આવતી હતી એટલે નચિંત બની જવાયું. છતાં કોઈક રીતે ઇન્ફર્મેશન પાસ-ઑન તો કરવી રહી... આનો રસ્તો સૂઝે એ પહેલાં અત્યારે જાણ થાય છે કે મારિયાએ કહેલી ફ્લાઇટ નન અધર ધૅન અક્ષત ઉડાડવાનો છે!
બીજા શબ્દોમાં આ અક્ષતની
આખરી ઉડાન બની રહેવાની છે. તેનું મોત પ્લેન-બ્લાસ્ટમાં લખાયાનું નિર્મિત હશે. મોસમ સાથે તેનો સાથ દિવાળીની એ ફ્લાઇટના ડિપાર્ચર સુધી જ રહેવાનો, પછી... અક્ષતનો શોક ઊતરતાં જ હું તેને મારી બનાવી દેવાનો.
એક તરફ આટલું સુંદર ભવિષ્ય અને બીજી બાજુ મોસમ કહે છે કે હું અક્ષતની ડ્યુટી એક્સચેન્જ કરીને તેનું મોત મારા માથે લઈ લઉં? સૉરી, હું એટલો મહાન કે મૂરખ નથી.
‘અમને પાઇલટ્સને ડ્યુટી એક્સચેન્જ કરવાની સવલત હોય છે ખરી અને તારી-તમારી ખુશી માટે હું અક્ષતની ડ્યુટી કરી પણ લેત, પણ...’ અચ્યુતે ભેજું કસીને બહાનું ઘડી કાઢ્યું, ‘પણ હમણાં બૅક-પેઇનનો ઇશ્યુ છે એટલે ઠેઠ અમેરિકા સુધી જવું થોડું કપરું થઈ પડે... હોપ યુ અન્ડરસ્ટૅન્ડ.’
મોસમ કે અક્ષતે ખરેખર ફેવર લેવી પણ ક્યાં હતી? એટલે નો ઇશ્યુ કહીને મોસમે કૉલ કટ કર્યો. એથી આનંદીબહેન થોડાં નિરાશ લાગ્યાં એટલે અક્ષતથી ન રહેવાયું, ‘મમ્મી, અમે-આપણે પહેલી દિવાળી સાથે કરીએ એનો એક રસ્તો છે.’
બીજા ઉત્સુક બન્યા, મોસમ
ટટ્ટાર થઈ.
અક્ષતનો ઉકેલ ભવિષ્ય માટે કેવો ટ્વિસ્ટ સર્જવાનો એની ત્યારે કોને ખબર હતી?
lll
‘ઑલ સેટ.’
ધનતેરસની સાંજે દિલ્હીમાં કાર્યકરો સાથેના સ્નેહમિલન પછી ‘જનભારત’ના કાર્યાલય ખાતે અવતાર સિંહ, રાજશેખર અને સારંગ ૩ જ રહ્યા એટલે રાજશેખરે દીપાવલિ યાત્રાની ચર્ચા છેડી, ‘યુસુફભાઈના બન્ને આદમી મુંબઈમાં દાખલ થઈ ચૂક્યા છે. ઍરપોર્ટની રેકી ચાલુ છે. હથિયાર સાથે ફ્લાઇટમાં ઘૂસવાની લિન્ક તેમણે ગોઠવી કાઢી છે...’
‘હથિયારમાં તો બે ગન જ હશેને.’
સારંગની ટિપ્પણીએ અવતાર-રાજશેખરની આંખો મળી-છૂટી પડી. હથિયારમાં ગન સાથે બૉમ્બ પણ હશે એની સારંગને ભનક નથી અને તેને છેલ્લી ઘડી સુધી અણસાર આવવો પણ ન જોઈએ.
દિવાળીની ફ્લાઇટ પકડવા સારંગ પોતે પણ કાલે મુંબઈના ઘરે પહોંચી જવાનો છે.
‘ન્યુ યૉર્કની ફ્લાઇટ ઢાકા પહોંચતાં જ દુનિયા સ્તબ્ધ થઈ જવાની.’
સારંગના વાક્યે વળી
અવતાર-રાજશેખરે એકમેક સામે
જોઈ લીધું : પણ એ જોવા તું જીવતો નહીં રહે.
(આવતી કાલે સમાપ્ત)