✕

બાજી : ઘટના-દુર્ઘટના (પ્રકરણ ૨)

03 November, 2026 04:04 PM IST  |  Mumbai | Samit (Purvesh) Shroff

બાલ્કનીના હીંચકે ઝૂલતી મોસમના કાને સ્મિતાભાભીનો સાદ પડ્યો. કદાચ તે મારી આનંદીમા સાથે જ ગપાટી રહ્યાં છે... એમાં અમદાવાદના ઉલ્લેખે ગતખંડનું અનુસંધાન થઈ ગયું.

ઇલસ્ટ્રેશન

‘અમદાવાદથી મારી મમ્મીનો ફોન હતો...’

બાલ્કનીના હીંચકે ઝૂલતી મોસમના કાને સ્મિતાભાભીનો સાદ પડ્યો. કદાચ તે મારી આનંદીમા સાથે જ ગપાટી રહ્યાં છે... એમાં અમદાવાદના ઉલ્લેખે ગતખંડનું અનુસંધાન થઈ ગયું:

સગાઈ પહેલાં પોતે સ્મિતાભાભી સાથે તેમના પિયર ગયેલી અને કાંકરિયામાં ડૂબતાં મને અચ્યુતે ઉગારેલી... તે સાંભરી રહી:

વયમાં અક્ષત જેવડો જ તે પહેલી નજરે ગાઢા શ્યામ વર્ણને કારણે અનાકર્ષક લાગે; પણ લોકોને ત્વચાથી મૂલવવાના મારા સંસ્કાર નહોતા, સ્વભાવ નહોતો. એમાં વળી તેની આંખોની ચમકમાં મારા માટે અકથ્ય ભાવ ઘૂઘવતો લાગ્યો.

ભાભીએ તેને લંચ માટે ઇન્વાઇટ કર્યો ત્યારે એટલું જાણ્યું કે અચ્યુતના પેરન્ટ્સ અમદાવાદમાં રહે છે, તે પોતે મુંબઈ. વીક-એન્ડમાં ઘરે આવેલો અચ્યુત રવિની સવારે લેક પર ટહેલવા નીકળ્યો એમાં મને બચાવવાનો જોગ સર્જાઈ ગયો!

ભાભીના ઘરે લંચમાં પોતે સિંગલ છે એવું પણ વાત-વાતમાં બોલી ગયો. તેની એકધારી નજરથી હવે હું અકળાતી હતી. આનો એક જ ઇલાજ હતો. હોઠ કરડી મેં સ્મિતાભાભીને કહ્યું, ‘તમે મારી સગાઈનું નિમંત્રણ તો અચ્યુતભાઈને આપ્યું જ નહીં!’

સગાઈ! એકાએક રાજામાંથી રંક બની ગયાનો ભાવ અચ્યુતના વદન પર ફરી વળ્યો - ઘડીભર. વળતી પળે તેણે સ્વસ્થતા કેળવી લીધી : અભિનંદન! કોણ છે તે ખુશનસીબ?

તેના જવાબમાં મેં કહી દીધું : એ જાણવા તમારે સગાઈમાં આવવું રહ્યું!

અને તે ખરેખર આવ્યો!

મોસમે વાગોળ્યું:

જુહુના બૅન્ક્વેટમાં ફંક્શન હતું. નજીકના કુટુંબીઓની હાજરીમાં
ન્યાતની વિધિથી સગપણ ચોપડે નોંધાયું. હું-અક્ષત વડીલોના આશિષ લેતાં હતાં ત્યાં હૉલનો દરવાજો ખોલીને તે પ્રવેશ્યો કે પહેલાં અક્ષતની નજર પડી : અરે, અચ્યુત અહીં!

અક્ષત અચ્યુતને ઓળખે છે!
મારી-સ્મિતાભાભીની નજરો
મળી-છૂટી પડી. નૅચરલી, અમદાવાદના અકસ્માત વિશે અમે મુંબઈમાં કોઈને કશું કહ્યું નહોતું. મમ્મી-પપ્પા ચિંતા કરે, સત્યેનભાઈ સ્મિતાભાભીને વઢે અને અક્ષત ક્યાંક મારા હરવા-ફરવા પર પ્રતિબંધ મૂકી દે એ બીકે અમે બેઉએ ચૂપકી રાખેલી, પણ આ તો અચ્યુત જ અક્ષુની ઓળખાણમાં નીકળ્યો!

‘કમાલ છે, મેં સ્ટાફમાં તો કોઈને કહ્યું નથી...’ અક્ષત બબડ્યો.

ત્યારે જાણ્યું કે અચ્યુત પણ અક્ષતની જેમ DN ઇન્ડિયાનો કેળવાયેલો પાઇલટ છે!

‘અમે ઉડ્ડયનની તાલીમમાં પણ સાથે હતા...’ અક્ષત અચ્યુતને આવકારીને મારી પાસે દોરી લાવ્યા. પછી પૂછ્યું, ‘હવે કહે, તું અહીં ક્યાંથી!’

અક્ષતની પૃચ્છામાં વણનોતર્યા મહેમાનને ટકોરાય એવો ભાવ હતો.

બન્ને સાથે વિમાન ઉડાવતાં શીખ્યા, એક જ કંપનીમાં કામ કરે છે એથી દોસ્તીનું બૉન્ડ થવું જોઈએ એ દેખીતી રીતે મિસિંગ લાગ્યું. અક્ષત સ્ટાફના ઘણા કિસ્સા કહેતા, પણ અચ્યુતનો ઉલ્લેખ ક્યારેય થયો નહોતો.

‘અચ્યુતને મેં ઇન્વાઇટ કરેલો – તે મારા પિયરની ઓળખાણમાં છે...’ અણીના સમયે ટપકીને સ્મિતાભાભીએ જાળવી લીધું.

‘ડોન્ટ વરી, આપણી પહેલી મુલાકાતનું સીક્રેટ મારા હૈયે અકબંધ રહેશે.’

પછીથી હું અક્ષતથી જરા છૂટી પડી કે અચ્યુત સામે આવી ઊભો, હૈયે હાથ મૂકી તેણે સ્મિત ફરકાવ્યું. તેની નજરોમાં મારા માટે એ જ ભાવ અકબંધ હતો - હું અક્ષતની ફિયૉન્સે છું એ જાણ્યા પછી પણ!

મેં હોઠ કરડ્યો, ‘અક્ષુ અને મારી વચ્ચે સીક્રેટની સ્પેસ નથી, રાધર કોઈના પૂરતી નથી.’

ઇશારો પોતાના માટે છે એ સમજાતું હોય એમ તેણે ખભા ઉલાળ્યા, ‘આઇ અન્ડરસ્ટૅન્ડ.’ પછી નરમાશથી ઉમેર્યું, ‘જોકે તમારો જીવ બચાવનારાની મૈત્રી તો તમે નહીં જ ઠુકરાવો એવું માની લઉં છું.’

આનો ઇનકાર ન થયો, પણ પોતે મૈત્રીથી ઉપરની સીમામાં વસે છે એનો ખુદ અચ્યુતને ખ્યાલ નહીં હોય શું?

જોકે કાંકરિયાની ઘટના સગાઈની સાંજે જ મેં અક્ષતને કહી દીધેલી. મૈત્રીની વાતે અક્ષુ હસેલા : તે તારા પર લટ્ટુ થઈ ગયો છે એમ કહે! તને જોતી તેની આંખો પરથી ખબર પડે, કમ ઑન!

‘તમને પણ એવું જ લાગ્યુંને! બટ... કોઈ તમારી થનારી પત્નીને ચાહે છે અને તમે પાછા આમ હસો છો?’

‘અફકોર્સ, મને તો ખુશી છે કે મારી માશૂકા છે જ એટલી ખૂબસૂરત કે દુનિયાભરના પુરુષો ઘેલા થાય!’ કહીને અક્ષત સહેજ ગંભીર બનેલા, ‘અચ્યુત આમ પાછો મીંઢો આદમી છે. પાઇલટ તરીકે એક્સપર્ટ ખરો, પણ પોતાની
ક્રૂ-ટીમથી પણ અતડો રહે છે. મે બી, તેના કલરટોનને કારણે તે પોતાના કોચલામાં ભરાઈ રહેતો હશે. તું પણ તેના નજરભાવથી અકળાઈને તડફડ કરીશ તો તે કદાચ કોશેટામાંથી નીકળી જ નહીં શકે... ઇન્સ્ટેડ, તેને થોડો સમય આપ. આપણે બે એકમેક માટે બન્યાં છીએ એટલું તેને સમજાતું જશે એમ આપોઆપ તેનું મન એકતરફી ઇશ્કમાંથી વળતું જશે...’

આવું તો મારા અક્ષત જ વિચારી શકે! હું ઓળઘોળ થયેલી.

એ પણ સાચું કે મારો મોબાઇલ-નંબર લઈને અચ્યુત પેધો પડ્યો હોય એવું નહોતું. કોઈ રોમૅન્ટિક પોસ્ટ યા મેસેજ નહીં. ક્યારેક હું તેનો કૉલ ઇગ્નૉર કરું તો જતું કરે. ક્યારેક ફૉરેનથી પરફ્યુમ કે પર્સ જેવી ગિફ્ટ લઈ આવે...

પણ આ બધું ક્યાં સુધી?

વિચારમેળો સમેટતી મોસમે દમ ભીડ્યો:

જાન્યુઆરીમાં કમુરતાં ઊતરતાં મારાં-અક્ષતનાં લગ્ન લેવાનાં છે એની અચ્યુતને પણ જાણ છે. હું કોઈની વહુ બનું પછી વનસાઇડ લવરને ખમી નહીં શકું એ તો અચ્યુતે સમજવું-સ્વીકારવું જ રહ્યું!

lll

તે સહેજ હાંફી રહ્યો.

‘યુ આર ટૂ ગુડ મારિયા!’

મસાજના કોચ પર સૂતેલો ગ્રાહક આટલું બોલીને અટકી જતો નથી એ તો અનુભવે મારિયા પામી ગઈ હતી. બૅન્ગકૉકના તેના સ્પામાં મસાજ માટે આવતા ટૂરિસ્ટ પુરુષો હકીકતમાં તો ઢીંગલી જેવી થાઈ ગર્લ્સના સ્પર્શસુખને ઝંખતા હોય છે અને ગર્લ્સ પણ તેમને જોઈતું આપીને તગડી ટિપ વસૂલતી હોય છે. આમ જુઓ તો સ્પાના નામે કૂટણખાનું જ થયું, પણ આ વહેવાર પર તો અમારી રોજીરોટી અને બૅન્ગકૉકનું ટૂરિઝમ નભે છે.

મધની ધાર કસ્ટમરની પીઠ પર રેડીને મારિયાએ અંગૂઠા-આંગળીના દબાણથી લસરકો માર્યો. મસાજમાં તેની એક્સપર્ટાઇઝ બેજોડ ગણાતી. પોતાના સ્પામાં કામ કરતી દરેક યુવતીને મારિયા ખુદ ટ્રેઇનિંગ આપીને ઘડતી. લેકના કિનારે વિશાળ એરિયામાં ફેલાયેલું સ્પા ધીકતી કમાણી રળી આપતું. શહેરના સ્પા-સર્કલમાં મૅડમ મારિયાનો દમામ વર્તાતો. પાંત્રીસના પડાવે પહોંચેલી મારિયાની ખૂબસૂરતી અકબંધ હતી. લગ્ન કે લિવ-ઇનમાં બંધાવાને બદલે તે પોતાના સિંગલ સ્ટેટસથી ખુશ હતી. આ સ્ટેજે પહોંચ્યા પછી તે પોતે ભાગ્યે જ કોઈને મસાજ આપતી, કૉલ પર જવાનું તો ક્યારનું છોડી દીધેલું. અલબત્ત, જૂજ અપવાદો સિવાય. ક્યાં તો પુરુષ પોતાને ગમી જાય એવો હોય કે પછી ઊંચી પહોંચવાળો હોય.

અને આજનો ગ્રાહક આવો જ એક અપવાદ હતો. ભારતના અગ્રણી રાજપુરુષનો અંગત સચિવ VVIP જ કહેવાયને!

રાજકારણમાં મારિયાને રસ નહીં, છતાં બૅન્ગકૉકનું ટૂરિઝમ મહદંશે ભારતીયો પર નભે છે એટલે પણ ત્યાંના ખેરખબર સાથે પોતાના બિઝનેસનો તાલમેલ સાધવા મારિયા અપડેટ રહેતી.

આજે વિશ્વભરના દેશોમાં ક્યાં તો યુદ્ધનો ઉત્પાત છે તો ક્યાંક જેન-ઝીના નામે ચળવળિયાઓ ક્રાન્તિની મોટી-મોટી વાતો કરીને હુતાશની સળગાવે છે. બધું એકસરખી પૅટર્નથી થાય છે.

ભારતમાં પણ અમુક તત્ત્વો એક થઈને સરકાર વિરુદ્ધ પડ્યાં છે. સત્યની સુરક્ષા માટે જંગ થવો જ જોઈએ, પણ કમનસીબે અહીં જંગ છેડનારાઓનું સત્ય પ્રદેશ મુજબ પલટો મારે છે. સત્તાધારી પક્ષના રાજ્યમાં પેપર ફૂટે તો શિક્ષણપ્રધાનના રાજીનામા માટે ધરણાં કરનારા વિરોધ પક્ષના રાજ્યમાં એવું બને ત્યારે રહસ્યમયપણે મૂંગામંતર બની જાય છે. સત્તાધારી પક્ષ જીતે ત્યાં વોટચોરી અને પોતે જીત્યા ત્યાં લોકશાહી એ બેવડો અભિગમ શાણી પ્રજા તો સમજતી જ હોય છેને!

મારિયાને ભારતના આંતરિક મામલા સાથે નિસબત નહોતી, પણ આવામાં વોટચોરીના મુદ્દે સરકારને ઘેરનારા ભારતની અગ્રણી પૉલિટિકલ પાર્ટીના નેતા સ્વિટ્ઝરલૅન્ડની એકાદ ઇન્ટરનૅશનલ ઇવેન્ટમાં હાજરી પુરાવીને અચાનક અઠવાડિયા માટે બૅન્ગકૉકના વેકેશને નીકળી આવ્યા એ ખબરે તે મનમાં જ હસેલી : પિસ્તાલીસીમાં પ્રવેશેલા વિરોધ પક્ષના આ નેતામાં હજીયે પાકટતા ન આવી! ખરેખર તો ‘જનભારત’ પક્ષની તિજોરીની ચાવી બાપાદાદાના જમાનાથી તેમના કુટુંબ પાસે રહેતી આવી છે એટલે ગરજના માર્યા સૌ અવતાર સિંહને સહી લે છે એવી સોશ્યલ મીડિયાની ગૉસિપમાં તથ્ય પણ હોવું જોઈએ. માતા-પિતાના દેહાંત બાદ સંસારમાં એકલા પડેલા અવતાર સિંહ હજી પરણ્યા નથી, પૉલિટિક્સમાં તેમને સિરિયસ્લી લેવાની હવા બંધાય ત્યાં જ આવું ગતકડું કરીને પોતાના પગ પર કુહાડો મારવા જેવું તો કોણ કરે!

જોકે તેમની યાત્રામાં પોતે સંકળાવાનું થશે એવું મારિયાએ ક્યાંથી ધાર્યું હોય? પણ તેમની અહીંની ટૂર અરેન્જ કરનારા લોકલ કૉન્ટૅક્ટનો કૉલ આવ્યો : કીપ ઇટ સ્ટ્રિક્ટ્લી કૉન્ફિડેન્શિયલ... આપણા VIP વિઝિટરને બેસ્ટ મસાજર જોઈએ છે અને બૅન્ગકૉકમાં એ તારા સિવાય કોણ હોય! આખો રિસૉર્ટ બુક્ડ છે, તારે પણ અઠવાડિયું ત્યાં જ રહેવાનું.

ખરેખર તો રિસૉર્ટના સ્ટાફને છુટ્ટી આપીને અવતાર સિંહની ટીમ ગોઠવાઈ ગઈ હતી. અવતારનો ઉતારો રિસૉર્ટના અંદરના ભાગે હતો. આજુબાજુ સશસ્ત્ર ચોકિયાતો હતા. ત્યાં જવાની કોઈને પરવાનગી નહોતી. પોતે અવતારની નહીં પણ તેના અંગત સચિવ રાજશેખરની સેવામાં રહેવાનું છે એ જાણીને આજે સવારે જ રિસૉર્ટ આવેલી મારિયા નિરાશ નહોતી થઈ. અવતાર સિંહનું બ્રેઇન ગણાતા રાજશેખર વિશે મીડિયામાં ભાગ્યે જ કશું આવતું, પણ છેવટે તો રાજનેતાઓની મહેરબાનીની ચાવી આવા સચિવોના કબજામાં જ હોય છેને! અને મારે ક્યાં કોઈ પૉલિટિકલ ફેવર જોઈએ છે? સાથે લાવેલી બૅગ ભરાય એટલું મળે કે બસ.

ચાલીસેક વર્ષનો રાજશેખર પણ સિંગલ છે, અવતાર સિંહની જેમ અદોદળો નથી, વેલ-બિલ્ટ છે, તેની કીકીમાં મહત્ત્વાકાંક્ષાની તણખ પણ છે...

પછી આવાને રીઝવવામાં કસર શું કામ છોડવી!

અને મારિયાના હાથોએ તેનો કરતબ દેખાડવા માંડ્યો એમ રાજશેખરના ઊંહકારા વધુ ને વધુ તીવ્ર બનતા ગયા.

lll

અહીં કંઈક તો રંધાઈ રહ્યું છે!

પોતાની રૂમના કર્ટન આડેથી મારિયાએ નજર નાખી : પાછલા ૪ દિવસથી હું અવતાર સિંહના અંગત સચિવ રાજશેખરની સેવામાં છું. પહેલા દિવસના પહેલા મસાજે તેને મારું બંધાણ થઈ ગયું હોય એમ બે દિવસ તો સવાર, બપોર, રાત મને પડખેથી ચસવા નહોતી દીધી.

પણ પછીના બે દિવસ તે ખાસ્સો વ્યસ્ત રહ્યો. રિસૉર્ટમાં અજાણ્યા લોકોની ભેદી અવરજવર વધી ગઈ. એમાં પચાસેક વર્ષનો દાઢીધારી મુખ્ય આદમી લાગ્યો. તેના માણસો પાસે હથિયાર પણ હતાં. અવતારના પ્રવેશબંદીવાળા એરિયામાં તેમની સાથે લાંબી બેઠકો થતી રહી. સાંજે અવતાર સિંહ ધૅટ દાઢીધારી જોડે લૉનમાં આંટા મારતા દેખાયા. રાતે ખુલ્લામાં કરેલી મિજબાનીમાં ‘બિસ્મિલ્લા’ જેવા ઉદ્ગાર કાને પડ્યા એટલે મહેમાનો મુસલમાન છે એની જોકે નવાઈ ન લાગી. આમ પણ અવતાર સિંહની પાર્ટીનો ભારતના લઘુમતીઓતરફી અભિગમ છૂપો નથી... વાટાઘાટો હજી ચાલુ હોય એમ રાજશેખરે રાતે પણ મને ન તેડાવી. આજે સવારથી ફરી મંત્રણાનો દોર ચાલ્યો એ હવે અત્યારે સાંજ ઢળ્યે પૂરો થયો હોય એમ અવતાર સિંહ સ્વયં મહેમાનોને વળાવવા આવ્યા છે. તેમના શબ્દો તો અહીં સુધી પહોંચે એમ નથી, પણ અવતારના કોઈ વાક્યે મુખ્ય મહેમાને મોટેથી ‘ઇન્શા અલ્લાહ!’ કહ્યું અને જુઓ, તેમનો કાફલો રવાના થયો...

અવતારે રાજશેખર સાથે કશીક ગુફ્તગૂ કરીને પોતાના કક્ષ તરફ કદમ ઉપાડ્યાં અને રાજને તેના કૉટેજ તરફ જતો ભાળીને મારિયાએ કર્ટન ઢાંકી દીધો : નહીં, મીડિયામાં આવ્યું એમ આ અવતારની રિલૅક્સ થવા માટેની પ્લેઝર ટ્રિપ નથી... જરૂર આમાં કશો ભેદ છે!

(ક્રમશ:)

lifestyle news life and style Sameet Purvesh Shroff columnists