18 November, 2026 02:54 PM IST | Mumbai | Samit (Purvesh) Shroff
ઇલસ્ટ્રેશન
અનિરુદ્ધ!
વિક્રમ સંવતના નવા વર્ષની રાત્રે મહેલના આંગણામાં ફૂટતી આતશબાજીનો નજારો નિહાળવાને બદલે રેવાની નજર ફટાકડા ફોડવાનો આનંદ માણતા રાજકુમાર પર જ ખોડાઈ રહી.
વર્ષો પછી પરત થયેલો રાજકુટુંબનો વારસ વીત્યા આ છ માસમાં એવો ગોઠવાઈ ગયો છે જાણે ક્યારેય મહેલથી દૂર થયો જ નહોતો. અનિરુદ્ધના દિવસની શરૂઆત મંદિરની પૂજાથી થાય ને રાતે પિતા-દાદીના પગ દબાવ્યા વિના તે પોતાના કક્ષમાં ન જાય. અને આમાં ક્યાંય દંભ નહીં. મહારાજ તેને જાગીરનાં કામો સોંપતા થયા છે, એમાંય તેણે નીતિમત્તાનાં ઉચ્ચ ધોરણો દાખવ્યાં છે.
‘અને મને એનો જ ખટકો રહે છે...’
દેવયાનીબાનો સાદ પડઘાતાં રેવાના કપાળે હળવી કરચલી ઊપસી.
કુંવરને આયુષ્યની ઘટ નથી એવું છાતી ઠોકીને કહેનારા રાજજોશી દાદા મહારાજના વિશ્વાસુ. તેમના ગયાનાં થોડાં વર્ષોમાં મમ્મી-પપ્પાએ પણ પિછોડી તાણતાં રાજાસાહેબ અને રાજમાતાએ જ મારી સંભાળ રાખી.
અંગે યૌવન મહોર્યું, સમજમાં ડહાપણ ઊભર્યું એ પછી રેવાએ પણ પોતાના હક-ફરજ સમજી મહેલનાં સૂત્રો સંભાળવા માંડેલાં.
આમાં અનિરુદ્ધના અચાનકના આગમને રેવા પણ અવાક બનેલી. હાઈનેસને તો જાણે દેવોનું વરદાન મળ્યું.
પણ અનિરુદ્ધનું ઘેરૈયાઓની ટોળીમાં મળી આવવું રાજમાતાના ગળે નથી ઊતરતું. પૂરમાં તણાયેલું સવા વર્ષનું બાળક જીવી જાય એ શક્યતા જ દેવયાનીબાને શૂન્યવત્ લાગી હતી. લાખાની સરખી નિશાની ધરાવતો આ કોઈ ઇમ્પોસ્ટર નથી ને! એની આશંકાવશ દેવીબા રોજ કુંવરને બંગલે મળી
સવાલ-જવાબ કરતાં, એમાંથી કોઈ કડી ન મળી. પછી તો ડીએનએ ટેસ્ટ દ્વારા અનિરુદ્ધ મહારાજસાહેબનો જ પુત્ર હોવાનું સાબિત થયું, તોય દેવીબાનો ખટકો આજેય પૂરેપૂરો ઓસર્યો નથી.
‘એના મૂળમાં અનિરુદ્ધના ગુણ જ છે, મને એ જ ખટકે છે.’
હજુ ગયા અઠવાડિયે દેવીબાએ પોતાની ભીતિ સમજાવેલી : બાળકના ઉછેરમાં તેની પરવરિશ મોટો ભાગ ભજવે છે. સંજોગોની ચક્કીમાં પિસાયેલું બાળક મોટપણે થોડું રુક્ષ બને, થોડું આપમતલબી હોય એ સહજ-સ્વીકૃત લાગે, પણ અનિ જેવો આસ્થાળુ ને પ્રામાણિક હોય ત્યારે વહેમ રહે જ કે જરૂર આ કોઈના સંસ્કારસિંચનનું પરિણામ છે - જેના વિશે આ છોકરો હજુ ફોડ પાડતો નથી. એટલે એક જ શક્યતા રહે છે, અને તે એ કે લાખુંના મળતાપણાનો ગેરલાભ ઉઠાવી, સંસ્કારના વાઘા પહેરી તે આપણી લાગણી સાથે રમત તો નથી રમી રહ્યો ને! ‘પણ દેવીબા, ડીએનએ ટેસ્ટ પછી...’
રેવા દેવીબાના હોઠ વંકાતા જોઈ અડધે જ અટકી ગયેલી.
‘જેણે આપણા વિશ્વાસનો, શરીરની નિશાનીનો ગેરલાભ લેવો જ હોય તેણે ડીએનએનો રિપોર્ટ ફિક્સ કરવાની તૈયારી પણ રાખી જ હોય ને!’
દેવીબા કેટલું દૂરનું વિચારે છે!
‘અને તું એ કેમ ભૂલે છે કે અનિરુદ્ધ અહીંનો - વેજલગઢનો રાજકુમાર ઠરે એટલે આપોઆપ સજ્જનગઢનો પણ વારસ ઠરી જાય!’
રેવાએ ડોક ધુણાવેલી.
અનિરુદ્ધના મોસાળની ગાથા તેનાથી છૂપી નહોતી. ચોવીસ વર્ષ પહેલાં, વરસાદની રાતે મનોહરસિંહ અણધાર્યા આયખાને આરે આવી ઊભા. તેમના અંતિમ મોંમેળાપ માટે નીકળેલાં ઉદયસિંહ, સૂર્યારાણી અને ડ્રાઇવર જીવણભા પૂરમાં ડૂબ્યા ને બીજી બાજુ સજ્જનગઢમાં મહારાજે પણ પરોઢિયે પ્રાણ ત્યજ્યા.
મનોહરસિંહજીએ મૃત્યુના વર્ષ અગાઉ પોતાની વસિયત કરેલી. એ મુજબ રાજગાદી દોહિત્ર અનિરુદ્ધને મળવાપાત્ર હતી, પરંતુ તે પણ પૂરમાં ગાયબ હતો. વસિયત કરતી વેળા અનિરુદ્ધની ગેરહાજરી કે ગેરહયાતી કલ્પવાની કોઈની સ્થિતિ નહીં હોય એટલે એ સંજોગોમાં શું કરવું એનો કોઈ ઉલ્લેખ વસિયતમાં નહોતો. હા, દાસી મણિ થકી થયેલા પોતાના પુત્ર લલિતસિંહને આપવાજોગ પોતે આપી ચૂક્યા છે, એટલે વારસામાં તેનો કોઈ હક નહીં રહે એવી સ્પષ્ટતા તેમણે કરેલી, પરિણામે કાયદાના નિષ્ણાતોના અભિપ્રાય મુજબ મિલકતની સોંપણી જમાઈ તરીકે ભરતસિંહને થઈ હતી. જોકે પિતા-પત્નીની વિદાય અને પુત્રવિયોગમાં વૈરાગી જેવા બની બેઠેલા ભરતસિંહને એનો મોહ નહોતો. સજ્જનગઢ જવામાં પોતે સ્વજનોને ખોયાં એટલે પણ એ તરફ તે ક્યારેય ગયા નહીં. ત્યાંના દીવાન રણમલભાઈ બધો કારભાર સંભાળતા ને કામકાજ અર્થે ભરતસિંહબાપુની સહી લેવા કે પછી વારતહેવારે શુભેચ્છા મુલાકાત કરી જતા. ચારેક વર્ષથી તેમની સાથે તેમનો એકનો એક દીકરો દિવાકરસિંહ પણ આવે છે. સત્તાવીસેક વર્ષનો દિવાકર હજુ પરણ્યો નથી, પણ બધાં લક્ષણે પૂરો છે એવું સાંભળ્યું છે. દેવયાનીબા એટલાં પૂરતાં તો ખબરદાર છે. સજ્જનગઢના હિસાબકિતાબમાં રાજમાતા ઊંડાં નથી ઊતરતાં, પણ રણમલભાઈએ એકબે વાર દિવાકરને વેજલગઢમાં સેટ કરવાનો પ્રસ્તાવ મૂકતાં સિફતથી ટાળી ગયેલાં : દીકરાને બાપ જેવું કોઈ ઘડી ન શકે, રણમલ!
અને આ આખા કિસ્સામાં રહસ્યમય છે મનોહરસિંહના અનૌરસ સંતાન લલિતસિંહની ગેરહાજરી! દાસી મણિના દેહાંતના બીજા મહિને લલિતને સાંકળતું કશુંક બન્યું, જે મહારાજ અંત સમયે કહી નહોતા શક્યા... તેમના દેહાંત બાદ લલિત ક્યાંય, ક્યારેય નજરે ન પડ્યો. પછીથી દેવયાનીબાને તપાસમાં એવુંય જાણવા મળ્યું કે તે તો મહારાજના દેહાંત પહેલાં જ તેમણે મણિને આપેલી જમીન-ઘર વેચી અજાણ્યા વાટે નીકળી ગયેલો... જેણે કશું ખોટું કર્યું હોય કે કરવું હોય તેણે જ આમ છુપાવવું પડે! મહારાજે વસિયતમાં પોતાને ઠેંગો દેખાડ્યો એની કોઈક રીતે જાણ થતાં તેણે મનમાં વેર રાખ્યું હોય એ સાવ સંભવ છે. જરૂર તેણે કોઈ બાજી બિછાવી હશે, પણ એ પહેલાં કુદરતે જ કેર વર્તાવી દીધો... શક્ય એ પણ છે કે આટલાં વર્ષે શરીરની સરખી નિશાનીવાળો, સરખી વયનો જુવાન દેખાતાં ધરબાયેલું વેર વાળવાનો મોકો જોયો હોય! એ દૃષ્ટિએ આ કહેવાતો અનિરુદ્ધ વહુના સાવકા ભાઈનું પ્યાદું પણ હોય!
દેવીબાની ગણતરી આમ જુઓ તો તર્કબદ્ધ છે. મનોહરસિંહજીની વસિયત મુજબ અહીંના રાજકુમાર અનિરુદ્ધ સજ્જનગઢના તો રાજવી થયા. બબ્બે રાજકુટુંબની અધધધ મિલકત માટે આવા કાવાદાવા થાય પણ ખરા!
‘તું તો જાણે છે, અનિરુદ્ધના ખબર જાણી રણમલ-દિવાકર મળવા આવેલા ત્યારે તેમણે સજ્જનગઢમાં અનિરુદ્ધના રાજ્યાભિષેકનો પ્રસ્તાવ મૂકેલો, પણ આ જ બધા કારણે હું ટાળતી આવી છું.’ કહી દેવીબાએ ઊંડો શ્વાસ લીધેલો, ‘આ બાજુ ભરત પણ અનિરુદ્ધને ગાદી સોંપવા અધીરો બન્યો છે. એ પહેલાં મારે દૂધનું દૂધ કરી નાખવું છે, અને એ એક જ વ્યક્તિ દ્વારા સંભવ છે... હિંમતગઢનાં રાજમાતા મીનળદેવી!’
તેમના ઉલ્લેખ માત્રથી રેવા અદબમાં આવી ગયેલી. રાજપૂતાનાની બેચાર ઇવેન્ટમાં ભરતસિંહબાપુ જોડે જવાનું બનેલું એમાં મીનળદેવીને નિહાળી અભિભૂત થવાયેલું. દેવીબા જેવાં જાજરમાન વડીલ પણ રાજમાતાના સન્માનમાં ઊભાં થઈ જાય એવું તેમનું માન.
‘દિવાળીના તહેવાર નિમિત્તે વેજલગઢ પધારવાનું મારું નિમંત્રણ રાજમાતાએ સ્વીકારી લીધું છે, ભાઈબીજના બીજા દિવસે તેઓ વેજલગઢના મહેમાન બનશે. અને મને ખાતરી છે, તેમના પગલે મારી શંકા-કુશંકાનું નિવારણ અચૂક આવી જવાનું!’
દેવીબાની શ્રદ્ધાનો રણકો અત્યારે પણ રેવાનું ભીતર સહેજ કંપાવી ગયો.
ધારો કે રાજમાતાનો ચુકાદો અનિરુદ્ધની વિરુદ્ધમાં આવ્યો તો... અનિરુદ્ધ સાચે જ કોઈ ઇમ્પોસ્ટર નીકળ્યો તો? વીત્યા આ છ માસમાં એક જ છત નીચે રહેતાં બે જુવાન હૈયાં વચ્ચે સ્વાભાવિક એવી નિકટતા અમારી વચ્ચે ઘૂંટાઈ છે. મને જોઈ અનિરુદ્ધની કીકીમાં ઊભરાતો હૈયાભાવ મારી સ્ત્રીનજરથી ઓછો અજાણ રહે! દેવીબાના આશંકાભાવે મારી ઊર્મિઓને અત્યાર સુધી ઊઘડતાં રોકી છે, પણ તે રાજમાતાના વિપરીત ચુકાદાથી નામશેષ થશે ખરી?
રેવા પાસે આનો જવાબ નહોતો!
lll
‘લો, કુંવરજી, હાથ ધોઈ લો!’
આતશબાજીમાંથી પરવારી અનિરુદ્ધ મહેલનાં પગથિયાં તરફ વળે છે કે રંભા દોડી આવી. એ જોઈ ઉપર બેઠેલાં દેવયાનીબાનું મોં કટાણું થયું : આ છોકરી તો ખરી પાછળ પડી છે!
તેમના બબડાટે બાજુમાં બેઠેલી રેવા જરા ચમકી.
વરસેકથી અહીં દાસી તરીકે ફરજ બજાવતી રંભા જુવાન છે, કોઈની પણ નજર લપસાવે એવું તેનું જોબન છે. વયસહજ તેનાં લટકાંઝટકાંથી મહેલના રસોઇયાથી માંડી રખેવાળ સુધીના પાણી-પાણી થતા હોય, પણ તે કોઈને ગણકારે એવી નથી. હા, રાજકુમારના આગમન પછી તેની ગુડબુકમાં રહેવા નોકરવર્ગમાં હોડ લાગવી સ્વાભાવિક છે, એમાં રંભા પણ અનિરુદ્ધની સેવામાં ખડેપગે રહેવા તેની આગળપાછળ ઘૂમતી રહે એમાં પેધી પડવા જેવું શું છે?
‘જોતી નથી - અનિરુદ્ધ પણ તેને ટાળી નથી શકતો! મને કશુંક ઠીક નથી લાગતું. દાસી ગમે એટલી લળતી આવે, કુંવરે તેની મર્યાદા ન ભૂલવી જોઈએ.’
કમાલ છે, એક બાજુ દેવીબાને કુંવરના કુંવર હોવામાં આશંકા છે, ને છતાં તે કુંવરની મર્યાદામાં રહે એવી અપેક્ષા પણ છે! દાસી પર નજર રાખનારાં દેવીબાને અનિરુદ્ધની નજરમાં હું વસી છું એનો અણસાર પણ નથી! સહેજ સ્મિતભેર રેવાએ તેમનો પહોંચો પસવાર્યો : પહેલાં અનિરુદ્ધની સચ્ચાઈ તો પુરવાર થવા દો, દેવીબા, બાકીનું પછી જોયું જશે!
lll
- ત્યારે હિંમતગઢમાં - ‘આજે હું તને વેજલગઢના રાજકુટુંબની ગાથા કહીશ.’ હિંમતગઢ રોકાવાનું બને ત્યારે તર્જની રાજમાતાના કક્ષમાં સૂતી. રાજમાતા પાસે રાજપૂતાનાની વાતોનો ખજાનો હતો અને ફેરીટેલ જેવી ગાથા સાંભળવાનો રોમાંચ અનેરો રહેતો.
અત્યારે પણ તેમણે કહાણીનો આરંભ કરતાં ગોદડી ઓઢીને આડા પડખે થયેલી તર્જની એકકાન થઈ.
lll
તર્જની સ્તબ્ધ હતી. ચોવીસ વર્ષ અગાઉ પૂરમાં ડૂબેલો મનાતો રાજકુમાર વણજારાની જેમ ભટકતો ઘેરૈયાઓ સાથે વેજલગઢ આવે છે... ગાલે નિશાન પરથી મહારાજ તેને રોકી પાડે છે, ને ડીએનએ ટેસ્ટથી તે રાજકુટુંબનો જ વંશજ પુરવાર થાય છે એ કુદરતનો જ ચમત્કાર કે પછી...
તર્જનીના ડિટેક્ટિવ દિમાગમાં કંઈક શક્યતાઓ વળ ખાવા લાગી. આખી ગાથામાં લલિતસિંહની ગેરહાજરી રહસ્યમય લાગતી હતી. લલિતસિંહની વર્ષો અગાઉની ગુમનામી અને અનિરુદ્ધનું તાજેતરનું પ્રાગટ્ય - આ બે વચ્ચે કોઈ કનેક્શન હોઈ શકે ખરું?
‘આગંતુકને અનિરુદ્ધ માનવામાં દેવીબાનું મન પાછું પડે છે...’ તેમના કાર્યકારણ સમજાવી રાજમાતાએ ઉમેર્યું, ‘અનિરુદ્ધની સચ્ચાઈ તારવવાની જવાબદારી દેવયાનીબાએ અંગતપણે હવે મને સોંપી છે. તહેવાર નિમિત્તે ચારેક દિવસ વેજલગઢનાં મહેમાન બનવાનું છે. તમે આવશો ને?’
રાજમાતાને ઇનકાર હોય જ નહીં ને!
lll
‘નવા વર્ષનાં વધામણાં!’
ભાઈબીજની બપોરે વેજલગઢના આંગણે સજ્જનગઢનું રાજચિહ્ન ધરાવતી વિન્ટેજ કાર આવી ઊભી. રાજકુમારના વટથી ઊતરતા દિવાકરસિંહે દેવયાનીબા, ભરતસિંહને ઝૂકીને પ્રણામ કર્યા, ‘પિતાશ્રીએ પણ નવવર્ષની શુભેચ્છા પાઠવી છે.’
દેવયાનીબાએ જોયું તો નોકરો ગાડીમાંથી ફ્રૂટ-મીઠાઈના સજાવેલા કરંડિયા ઉતારી મહેલમાં લઈ જતા દેખાયા. ત્યાં અનિરુદ્ધ-રેવાએ દેખા દીધી. દેવીબાએ આમતેમ કીકી ફેરવી : લો, રંભા પણ પેલી રહી!
‘હાય, અનિરુદ્ધ!’ કુંવરને ભેટતાં દિવાકરસિંહની નજર રેવા પર મંડાઈ હતી. હોઠ કરડી રેવાએ ગરદન ઘુમાવી : દિવાકરની ચાલચલગત વિશે સાંભળ્યું એ સાવ ખોટું નહીં જ હોય... માણસની પ્રકૃતિ તેની હરકતથી ઊઘડી જ જાય છે! ‘રાજમાતા, આપ આજ્ઞા આપો તો કુંવરને સજ્જનગઢ લઈ જવા છે... પિતાશ્રીએ ખાસ કહેવડાવ્યું છે. રાજવીનું આગમન થાય તો ત્યાંના મહેલનો સૂનકાર પણ ટળે.’
દેવયાનીબાએ બહુ ઉમળકો ન દેખાડ્યો, ‘તમે સૌ પૅલેસમાં જ રહો છો એટલે સૂનકાર શાનો હોય, બાકી તો અહીં આવતી કાલે ખાસ મહેમાન પધારવાના છે એટલે અનિરુદ્ધે અહીં હાજર રહેવું આવશ્યક છે.’
‘ઓહ! ત્યારે તો કોઈ વીવીઆઇપી મહેમાન હશે!’
‘હા, હિંમતગઢનાં રાજમાતા મીનળદેવી!’ ભરતસિંહે સરળપણે કહી દીધું, ‘રાજમાતા બેત્રણ દિવસ રોકાવાનાં પણ છે. લાભપાંચમના શુભ દિને તેમના સન્માનમાં મહેલમાં ભોજનસમારંભ યોજ્યો છે, જેમાં નગરશ્રેષ્ઠીઓને પણ નિમંત્રણ પાઠવ્યું છે... દિવાકર, તમે પણ કેમ રોકાઈ નથી જતા! હું તો કહીશ તમારા પિતાજીને પણ તેડાવી લો.’
‘ભલે. હું પિતાશ્રીને પૂછી જોઉં. બાકી રાજમાતાને મળવાનો લહાવો ચુકાય નહીં!’
શું થવાનું હતું એની કોને ખબર હતી?
(ક્રમશઃ)