19 November, 2026 02:16 PM IST | Mumbai | Samit (Purvesh) Shroff
ઇલસ્ટ્રેશન
‘આવો... આવો!’
વેજલગઢના મહેલમાં રાજમાતાને આવકારતાં દેવીબા ભાવવિભોર બન્યાં. ભરતસિંહે હોંશભેર દીકરાને આગળ કર્યો : રાજમાતા, આ મારો અનિરુદ્ધ!
મીનળદેવી ઘડીક તેને જોઈ રહ્યાં : કેવો સોહામણો જુવાન! રાજકુટુંબનું જ લોહી હોય એવી ક્ષત્રિયતા તેનામાં ઝળકે છે. પાયલાગણના તેના વિવેકમાં બનાવટ નથી.
‘ખુશ રહો’ના આશિષ ઉચ્ચાર્યા કે રેવા ઝૂકી.
‘રેવાને તો તમે મળ્યાં છો, રાજમાતા...’
‘હા, તેના થકી તો આ મહેલમાં રોનક છે!’
સાંભળીને પોરસાતી રેવા અનિરુદ્ધના પડખે ઊભી રહી એ જોઈ કેતુ-તર્જનીની નજર ટકરાઈ.
‘અને આ દિવાકરસિંહ!’ ભરતસિંહે ખંડમાં હાજર છેલ્લી વ્યક્તિનો પરિચય આપ્યો : ‘સજ્જનગઢના દીવાન રણમલભાઈનો દીકરો.’
‘આપનાં દર્શનના લોભે રોકાઈ ગયો રાજમાતા, પિતાશ્રી પણ પાંચમના ભોજ પહેલાં આવી જશે.’
ભરતસિંહે ડિનરપાર્ટી રાખી છે જાણી મીનળદેવી બોલ્યાં પણ ખરાં : આવી ધમાલ કરવાની શી જરૂર હતી!
‘હોતું હશે રાજમાતા, આપના સ્વાગતનો લહાવો કેમ ચુકાય!’ કહેતાં ભરતસિંહ કેતુ-તર્જનીને તાકી રહ્યા એટલે મીનળદેવીએ પરિચય આપવાની ઢબે કહ્યું : આ છે અનિકેત-તર્જની. મારા સંતાન જેવાં જ ગણોને.
આમ પણ મીનળદેવી તેમની જાસૂસ તરીકેની ઓળખ આપવાનું ટાળતાં. શી જરૂર? જ્યારે અહી તો કુંવરની તપાસનું કામ પણ હતું!
‘ભલે પધાર્યાં’, અનિરુદ્ધ-રેવાએ કેતુ-તર્જની સમક્ષ હાથ જોડ્યા.
અને એ જ ક્ષણે રંભા ટપકી : દેવીબા, મહેમાનોના કક્ષ તૈયાર છે!
lll
‘તમે જરાય ચિંતા ન કરો, દેવીબા.’
રાત્રે પિતાની પગચંપી કરી રાબેતા મુજબ દાદીમાના કક્ષ આગળ આવી દરવાજે ટકોરા મારવા જતો અનિરુદ્ધ અંદરથી આવતા અવાજે અટકી ગયો. ફાટમાંથી જોયું તો – રાજમાતા મીનળદેવી!
‘મેં કોઈને કહ્યું નથી, તમે પણ કહેશો નહીં - કેતુ-તર્જની નીવડેલાં જાસૂસ છે. એટલે અનિરુદ્ધની સચ્ચાઈ જાસૂસજોડી બહુ જલદી સાબિત કરી દેવાની...’
અનિરુદ્ધના શરીરમાંથી કંપન પસાર થઈ ગયું. જા...સૂ...સ!
આખી સાંજ અમે સાથે ગાળી. દિવાકરસિંહ પણ જોડે હતા. બે નોકરો ભેગી રંભા પણ હતી. રેવાએ પૅલેસ દેખાડ્યો, બજારમાં ફર્યાં, નદીએ ગયાં... પણ જો જરા પણ તેમના જાસૂસ હોવાની ગંધ આવી હોય!
આ તો કુદરત કસોટીએ ચડી છે કે પછી -
‘તમે અહીં ઊભા છો!’
પીઠ પાછળ રંભાના ઊંચા અવાજે અનિરુદ્ધ સજાગ થયો એમ અંદર સચેત થતાં રાજમાતાએ વાત પલટી : તમારા પગની બળતરા હવે કેમ છે?
જવાબ ઘીનો કટોરો લઈ પ્રવેશતી રંભાએ આપ્યો, ‘હવે તો ઘણો ફેર છે, રાજમાતા. કુંવર પોતે રોજ રાતે તળિયે ઘીનો મસાજ કરે છે પછી બળતરા શાની રહે?’
દેવીબાએ રાજમાતાને ઇશારો કર્યો : કુંવરના પડછાયા જેવી બની ગયેલી દાસી વિશે મેં કહ્યું’તુંને... એ જ આ રંભા!
‘કુંવર દાદીનો આટલો ખ્યાલ રાખે છે તો કુંવરનો ખ્યાલ રાખે એવી પણ કોઈ દાદીએ હવે ગોતી કાઢવી જોઈએ... શું કહે છે, રંભા?’
મીનળદેવીના સવાલે ટેબલ પર કટોરો મૂકવા વાંકી વળેલી રંભાએ ચહેરો ઘુમાવી કેડના વળાંક આડેથી રાજમાતાને નિહાળ્યાં, ‘દાદીમાની નજરમાં કોઈ હોય પણ ખરી... યા તો કુંવરે પોતે કોઈને પસંદ કરી રાખી હોય!’
અનિરુદ્ધ તરફ જોતાં તે મીઠું મલકી ને અનિરુદ્ધે નજર ફેરવી લીધી.
lll
‘રંભા અનિરુદ્ધના પ્રેમમાં હોત તો તેનાં લગ્નની વાતે શરમાઈ હોત, પણ તે તો જાણે મજા લેતી હોય એમ અનિરુદ્ધને નિહાળતી હતી...’
બીજી સવારે કેતુ-તર્જનીને પોતાના કક્ષમાં તેડાવી રાજમાતાએ ગઈ રાતનો હવાલો આપી ઉમેર્યું, ‘અનિરુદ્ધ તેને ખમી લે છે એ પણ પઝલ છે.’
‘હં. અનિરુદ્ધ ગમે તે હોય, તેણે પોતે અહીંનો પ્રિન્સ હોવાનો દાવો નથી કર્યો, પિતા-દાદી માટેની તેની કન્સર્નમાં દંભ નથી.’ તર્જનીએ કેતુને નિહાળ્યો, ‘રેવા માટે તેની આંખોમાં ડોકાતો પ્યાર પણ સાચો જ!’
‘કેતુ, અનિરુદ્ધના છેડાની તપાસનું શું થયું?’ રાજમાતાને સંભાર્યું.
‘ચિતરંજન-ચેતાલી ઘેરૈયાની ટોળીને મળવા પહોંચ્યાં છે... હોપફુલી કોઈ ક્લુ મળવી જોઈએ...’
lll
રાત્રે ડિનર-ટેબલ પર અલકમલકની વાતો સાથે લિજ્જતદાર ખાણાનો સૌ આસ્વાદ લઈ રહ્યા હતા. કોઈક વાતે હસવા જતી તર્જનીને અંતરાશ આવી, ને આવા જ કોઈ મોકાની રાહ જોતો હોય એમ અનિરુદ્ધે પોતાની થાળી આગળ દબાવેલું ટિશ્યુ પેપર ધર્યું : પ્લીઝ!
‘થૅન્ક્સ!’ તર્જનીએ મોં લૂછવા ટિશ્યુની ગડી ખોલી એવો જ સંદેશ ભોંકાયો : મધરાતે, રંભાના સર્વન્ટ ક્વાર્ટર પર!
તર્જનીની મુખરેખામાં તસુભારનો ફરક ન પડ્યો. મોં લૂછી તેણે ટિશ્યુની ગડી વાળી થાળી નીચે દબાવી દીધું.
તેણે સંદેશ વાંચ્યો પણ ખરો?- અનિરુદ્ધને સમજાયું નહીં!
lll
આભમાં કમોસમની વીજ ઝબૂકી ને પોતાના કક્ષના ઝરૂખે ઊભા અનિરુદ્ધને એ મેઘલી રાત સાંભરી ગઈ.
હોનારતની એ રાત્રે પૅલેસની કાર પુલ તૂટતા પૂરમાં તણાઈ એટલું જ અહીં સૌ માને છે, હકીકત થોડી અલગ હતી...
અનિરુદ્ધ સમક્ષ દૃશ્ય ઊપસ્યું :
lll
મહારાજ ઉદયસિંહ વહુ સૂર્યા અને સવા વરસના અનિરુદ્ધને લઈ વરસતા વરસાદમાં મરણને આરે ઊભેલા વેવાઈને ત્યાં પહોંચવા વિન્ટેજ કારમાં નીકળ્યા છે. વાઇપર્સ સરકાવી શકે એનાથી વધુ પાણી વિન્ડસ્ક્રીન પર ઝીંકાય છે. કારની પીળી હેડલાઇટમાં વરસાદની ધાર સિવાય કશું દેખાતું નથી. સર્વત્ર જળબંબાકાર છે. ડ્રાઇવર જીવણભા બહુ સાવચેતીથી કાર હંકારી રહ્યો છે. તેના પડખે મહારાજ છે, પાછલી સીટ પર વચ્ચે પલાંઠી વાળી બેઠેલાં વહુરાણીના ખોળામાં અનિરુદ્ધ ઊંઘી રહ્યો છે. ગાંડીતૂર બનેલી રૂખી નદી પરનો બ્રિજ ઢૂંકડો છે કે -
‘અરે! કોઈ માણસ સામો ઊભો છે...’
સરસર સરકતાં વાઇપર્સ વચ્ચેથી જોયું તો એક માણસ રસ્તાની વચ્ચોવચ બે હાથ હલાવી ઊભા રહેવાનો આદેશ આપતો હોય એવું લાગ્યું.
‘રોકો. કોઈ માણસ મુસીબતમાં લાગે છે.’
મહારાજના આદેશે જીવણભાએ બ્રેક મારી. એવો જ તે દોડી આવ્યો, મહારાજે કાચ સરકાવતાં સહેજ ધ્રૂજ્યો : હાઇનેસ, આપ!
પછી કરગર્યો : પુલને પેલે પાર મારું ઘર છે, પહોંચાડી દો તો મહેરબાની. મારી ઘરવાળી બેજીવી છે...
આટલું સાંભળતાં જ વહુએ દરવાજો ખોલી નાખ્યો, ‘આવી જાઓ ભાઈ.’
અને પાછલી સીટ પર બેસતાં ‘ભાઈ’એ વહુના પડખે ચાકુ દબાવ્યું : ખબરદાર! ઉતાર તારાં ઘરેણાં!
ઉદયસિંહ સમસમી ગયા, પણ સમય નાજુક હતો. સજ્જનગઢ પહોંચવું જરૂરી હતું. લૂંટારાને તો પછી પાતાળમાંથી પણ ખોળી કઢાશે.
તેમના આદેશે વહુએ ઘરેણાં ઉતારી આપ્યાં. સહેજે આઠેક લાખની મતા જોઈ ખુશ થતો લૂંટારો કારમાંથી ઊતરવા જાય છે કે જાણે શું વિચારી અચાનક તરાપ મારી વહુના ખોળામાં સૂતું બાળક ઝૂંટવી લે છે. વહુ હાયકારો નાખે છે, ઉદયસિંહ તાડૂકે છે, પણ લૂંટારો ચાલાક છે : અહીંથી ઊતરી તમે મને ઘર સુધીયે પહોંચવા ન દો. તમારા વંશના વારસને હું મારી ગૅરન્ટી માટે લઈ જવાનો. બે દિવસ તેના વિયોગમાં ઝૂરશો એટલે મને પકડવાનું પાણી ઊતરી જશે અને ત્રીજા દહાડે તમારું બાળ હેમખેમ મહેલમાં પહોંચી જશે એ એભલસિંહનું વચન છે!’
અને નિઃસહાયપણે
મહારાજ-વહુ-જીવણભા એભલને પુલ ઓળંગતો જોઈ રહે છે.
હળવેથી જીવણે કાર ચાલુ કરી, અડધે પહોંચતાં જ પુલ તૂટ્યો અને...
બીજા છેડે પહોંચી ચૂકેલા એભલસિંહની આંખો ફાટી ગઈ. ના, તે કોઈ ખંધો લૂંટારો નહોતો. આ તો ખેતીમાં ઊપજ નહીં, માથે શાહુકારનું કરજ. ઘરે હાલ્લાં કુસ્તી કરતાં હતાં. ભૂખ તેના બે વરસના એકના એક દીકરાને ખાઈ ગઈ ત્યારથી લૂંટફાટનું ઝનૂન વ્યાપ્યું હતું.
એમાં આજે લૂંટ પછી નજર સામે કારને જળસમાધિ લેતી જોઈ એ દૃશ્ય તેને ઊંઘમાંથી ઝબકાવી દેતું. બેચાર દિવસ તો એભલ ઘરની બહાર નહોતો નીકળ્યો. ઘરેણાં દાટી દીધાં, પણ છોકરું જોઈ તેની પત્ની ઘેલી-ઘેલી થઈ ગઈ : તમે હવે કંઈ કામની ચીજ લૂંટી લાવ્યા! મારો આનંદ પાછો આવ્યો!
આજુબાજુમાં એવું કહ્યું કે ભાઈબંધનો દીકરો ખોળે લીધો છે.
દરમ્યાન ગામમાં કરુણાંતિકા ગાજતી થઈ. એભલ ઘણી વાર વિચારતો કે અમારા મહારાજ પિતા-પત્નીના અંજામે ભાંગી પડ્યા હશે, તેમને દીકરો સોંપી આવું તો ટેકો મળી રહે...
પણ ઘરવાળીના માતૃત્વને ફરી રડતું કરવાની તેની હામ ન થઈ. આનંદને તે અછો વાનાં કરતી. એભલને સમજાવતી : દીકરો દીધા પછી મહારાજ જો ફરી પરણ્યા તો આનંદના માથે સાવકી મા થોપાશે! એના કરતાં ચાલો અજાણવાટે નીકળી આને આનંદ તરીકે જ ઉછેરીએ!
- અને પતિ-પત્ની ઠેઠ તુલસીશ્યામ જઈ વસ્યાં, થોડી જમીનમાં ખેતી કરી ગરીબ ખોરડે આનંદને સ્વમાનભેર ઉછેર્યો, મરતી વેળા ઘરવાળીએ વચન લીધું હતું : આનંદને ક્યારેય સચ્ચાઈની જાણ ન થાય!
- પણ આનાં દસેક વરસ પછી એક બાળકને દીપડાથી બચાવ્યાના કિસ્સામાં આનંદ યુટ્યુબ પર ઝળક્યો અને પછી -
- અને ટાવરની ઘડિયાળમાં બારના ટકોરા પડતાં અનિરુદ્ધ ગતખંડનાં વહેણમાંથી નીકળી આવ્યો.
અત્યારે રંભાના ઓરડે પહોંચવું જરૂરી છે!
lll
મધરાતના સુમારે રંભાના દરવાજે ટકોરા પડ્યા.
રંભાએ દરવાજો ખોલ્યો. સામે અનિરુદ્ધને ભાળી ખંચકાઈ. અંદર દાખલ થઈ અનિરુદ્ધે દરવાજો બંધ કર્યો એટલે દૂર થાંભલાની આડશે છુપાયેલી તર્જની દબાતા પગલે ખોલીની બીજી દીવાલે પડતી બારી આગળ ઝૂકી કાન માંડી રહી. મનમાં ગણતરી ચાલી : અનિરુદ્ધ પોતે જ રંભાને મળવા આવવાનો હતો તો એ મેળ પર નજર રાખવા મને શું કામ બોલાવી? મને બોલાવવાનું તેને સૂઝે જ કેમ! આમાં કોઈ રમત છે?
હોઠ કરડતી તર્જનીમાં શિકાર પર તરાપ મારવા તૈયાર વાઘણ જેવી ચપળતા વ્યાપી ગઈ.
lll
...અને સવાના સુમારે તર્જની પોતાના કક્ષમાં પરત થઈ ત્યારે આખો કેસ તેના માટે સ્પષ્ટ હતો. શતરંજની ચાલમાં દુશ્મનને ચેકમેટ કરવાની વેળા કાલે આવી જવાની!
lll
અને લાભપાંચમની બપોરે રણમલભાઈ વેજલગઢ જવા પૅલેસ પરથી નીકળ્યા એની થોડી જ મિનિટમાં ભારત સરકારની મહોરવાળી ગાડી કૅમ્પસમાં દાખલ થઈ. છ જણની ટીમના લીડર જેવા આદમીએ ગેટ બંધ કરાવ્યો : ખબરદાર. કોઈ અહીંથી ક્યાંય નહીં જાય. બધાના મોબાઇલ જમા કરાવી દો. આ ઇન્કમ-ટૅક્સની રેઇડ છે!
lll
સાંજે સાતના સુમારે પૅલેસના આંગણામાં સજાવેલા ઍર-કન્ડિશન્ડ શામિયાણામાં મહેમાનો ભેગા થવા લાગ્યા.
છૂટાંછવાયાં બાર-પંદર જેટલાં
ગોળ ટેબલ અને દરેકની ફરતે
સાત-આઠ ખુરસીઓ એ રીતે બેઠકવ્યવસ્થા ગોઠવાઈ હતી. મુખ્ય અતિથિ રાજમાતા મીનળદેવીના સત્કારનો મહેમાનોમાં પણ અનેરો ઉત્સાહ હતો.
‘આજે તો બધાની નજર તમારા પર અટકી જાય છે!’ રેવાએ તર્જનીની તારીફ કરી એમાં અતિશયોક્તિ નહોતી. મોતીનાં લટકણિયાંવાળા ગુલાબી ચોલીસૂટમાં તર્જની ગજબની આકર્ષક લાગતી હતી.
‘અમને તો તમારી જોડી ગમી!’ તર્જનીએ કેતુ સાથે ઊભા અનિરુદ્ધ
તરફ ઇશારો કરી આંખ મીંચકારી : મેડ ફૉર ઈચ અધર!
રેવા લાલ-લાલ થઈ.
‘અમારા અહોભાગ્ય, રાજમાતા!’
સહેજ ઊંચા અવાજે બેઉનું ધ્યાન ગયું. પંચાવન-સાઠ વરસનો આધેડ મીનળદેવીને પ્રણામ કરતાં બોલ્યો. રેવા ગણગણી : આ રણમલકાકા. સજ્જનગઢના દીવાન, દિવાકરના પિતાશ્રી!
અ..ચ્છા. તર્જનીએ જોયું તો દિવાકર નગરશેઠ સાથે ગપ્પાં મારતો દેખાયો, મહેમાનો માટે ઠંડું શરબત ફેરવતા નોકરવર્ગ પર નિગરાની રાખતી રંભા પણ અહીં મોજૂદ છે... બરાબર અનિકેતના પડખે!
તર્જનીએ અનિકેત તરફ ભ્રમર ઊંચકી અને -
(ક્રમશઃ)