✕

નવરાત્રિ: અંતરનાં અમી (પ્રકરણ ૩)

21 October, 2026 08:44 PM IST  |  Mumbai | Samit (Purvesh) Shroff

બીજી બપોરે પોતે તૈયાર થઈને રવિરાજના વિડિયો-કૉલની રાહ જોતી હતી ત્યાં નવા કોઈ નંબર પરથી નાનકડી વિડિયો-ક્લિપ આવી, જેમાં પોતે બ્રેસિયરનું હુક ખોલીને ઉન્નત ઉરજોને ઉઘાડાં કરતી હતી! 

ઇલસ્ટ્રેશન

રવિરાજ પ્રત્યે ઊંડે-ઊંડે પ્રીતના અંકુર ફૂટ્યા ન હોત તો પોતે વિડિયો-કૉલમાં અંગ ઉઘાડાં કરવા જેવું ગાંડપણ દાખવત પણ ખરી! 
મારી એ પ્રીતનો પરપોટો બીજા જ દિવસે ફૂટી ગયો. 
અત્યારે હોઠ કરડતી ઉર્વશીએ કડી સાંધી: 
બીજી બપોરે પોતે તૈયાર થઈને રવિરાજના વિડિયો-કૉલની રાહ જોતી હતી ત્યાં નવા કોઈ નંબર પરથી નાનકડી વિડિયો-ક્લિપ આવી, જેમાં પોતે બ્રેસિયરનું હુક ખોલીને ઉન્નત ઉરજોને ઉઘાડાં કરતી હતી! 
અફકોર્સ, આ તો ગઈ કાલના અમારા વિડિયો-કૉલનું રેકૉર્ડિંગ! એમાં કૉલરની સ્ક્રીન પણ નીચે ખૂણામાં દેખાય છે. મારું જોબન જોઈને રવિરાજના ચહેરાની રંગત એમાં આબાદ ઝિલાઈ છે! 
પણ એની ક્લિપ મને કોઈ શું કામ મોકલે? અરે, મારી જાણ બહાર રવિરાજ અમારા વિડિયો-કૉલનું રેકૉર્ડિંગ કરી જ કેમ શકે? નૅચરલી, તેણે રેકૉર્ડ કર્યું હોય તો જ કોઈની પાસે ક્લિપ જવી સંભવ બને! 
મગજ ધમધમ થવા માંડ્યું. ત્યાં તો નવા નંબર પરથી સામેથી વૉઇસ-કૉલ આવ્યો, ‘હાય ઉરુ!’ 
‘ર...વિ તું!’ એવો તો હાશકારો થયો, ‘આ કેવી ક્લિપ તેં મોકલી! પ્લીઝ, ડિલીટ ઇટ. આવી વાતમાં મજાક ન હોય.’ 
‘હું મજાક કરતો પણ નથી હની...’ રવિ ખંધું હસતો હોય એવું લાગ્યું, ‘તારે ફિલ્મ ડિલીટ કરાવવી છે - થઈ જશે. બસ, એની કિંમત ચૂકવી દે.’ 
કિંમત! મારો શ્વાસ ફૂલી ગયો : તું મને બ્લૅકમેઇલ કરે છે? તું... રવિ તું?
મારું દરદ ફાટ્યું, પણ તે તો હસ્યો, ‘નાદાન રૂપવતીઓની આબરૂ બાંધી મુઠ્ઠીની જેમ રાખવાના પવિત્ર પેશાને બ્લૅકમેઇલિંગ જેવું અપવિત્ર નામ ન શોભે ઉરુ!’
પછી તેના અવાજમાં ધાર ઉપસી, ‘શરદપૂનમ સુધીની મુદત આપું છું... કહું એ રીતે ૭ લાખનો હવાલો પહોંચાડી દેજે, પછી તું સેફ!’ 
કૉલ કટ થયો. હું ધબ દઈને બેસી પડી : રવિરાજના સંદર્ભ હવે નવા અર્થમાં ઊઘડતા ગયા. પહેલો ફોન અજાણતાં લાગ્યો જ નહોતો, કોઈ રોહન કદાચ હશે પણ નહીં. અરે, તેનું નામ પણ સાચું નહીં હોય. ભોળી યુવતીઓને ભોળવીને બ્લૅકમેઇલનો પેશો ધરાવતો આદમી દરેક નવા કેસ સાથે નવું નામ ધારણ કરતો હશે... 
એ જે હોય એ, મારે હવે મારું વિચારવાનું. મારી ફિલ્મ ફરતી ન કરવી હોય તો કહેવાતા રવિરાજને રૂપિયા ધીરવા રહ્યા. જોકે રૂપિયા આપ્યા પછી તે ફિલ્મ ડિલીટ કરી જ દેશે, ફરી મોં નહીં જ ઉઘાડે એની કોઈ ગૅરન્ટી નથી; પણ રૂપિયા નથી આપતી તો-તો બદનામ થવાનું રિસ્ક ૧૦૦ ટકા છે અને મારી ક્લિપ જો ફરતી થઈ તો મારાં માબાપે જીવતેજીવ વખ ઘોળવા જેવું થાય, મારે કૂવો પૂરવા સિવાય આરો ન રહે! નહીં, રવિને રૂપિયા ધીરીને બચવાનો ચાન્સ તો લેવો રહ્યો... 
પણ એ માટે ૭ લાખ રૂપિયા કાઢવા ક્યાંથી! અમે મધ્યમ વર્ગના માણસ. હા, પપ્પાની બચતમૂડી ખરી, પણ તેમને કે માને તો આ ઘટનાની ભનક સુધ્ધાં પહોંચવી ન જોઈએ!
તો કરવું શું?
‘બાઈ, તેં કંઈ સાંભળ્યું!’ દશેરાના દહાડે રસોડામાં કામવાળી નીરુને મા સાથે કાનાફૂસી કરતી જોઈને મારા કાન આપોઆપ સરવા થયા : ક્યાંક કોઈને મારી ક્લિપની ગંધ નથી આવીને! 
૨૭ વર્ષની નીરુ ખાસ્સાં ચારેક વર્ષથી ઘરે કામે આવતી. આમ તો તે બીજાં ચાર-છ ઘરે કામ કરતી, પણ મારી નિર્મળામા સાથે તેને ભળી ગયેલું. રસોડામાં જાણે તેમની શું-શું ગુસપુસ થતી રહેતી! નીરુ પરણેલી હતી, પણ છૈયાંછોકરાં નહોતાં એટલે ધણી સાથે ખટપટ ચાલતી રહેતી એટલી મને જાણ. તે દહાડે કાન માંડતાં જાણ્યું કે...
‘૪ નંબરવાળી બંગાળણ ખરીને – મિસિસ દાસ? તેના ઘરે કોઈ લેભાગુ આવ્યો હશે. કહ્યું કે તમારા જૂના દાગીના નવા જેવા ચમકાવી આપું. બાઈજીએ લોભમાં આવીને પહેરેલા દાગીના ઉતારી આપ્યા અને પછી જાણે પેલાએ કેવી ભૂરકી નાખી કે બે-ચાર મિનિટ પૂરતા બાઈના હોશ ગુમ અને ભાન આવ્યું ત્યારે ન તે આદમી મળે, ન ઘરેણાં! ૧૫ લાખની મતા એમ જ ચપટીમાં જતી રહી!’
૧૫ લાખ. 
અને મને ઝબકારો થયો : મારો સોનાનો સેટ! 
પપ્પાના બોનસ કે ઇન્ક્રીમેન્ટની મોટી રકમ આવી હોય એમાંથી મા થોડું-થોડું સોનું ખરીદતી રહેતી. મારી વીસમી વર્ષગાંઠે તેણે સરસ મજાનો ડેલિકેટ સેટ બનાવડાવ્યો હતો. દિવાળીમાં પહેરવા માટે મા હજી ગઈ કાલે જ બૅન્કના લૉકરમાંથી સેટ લાવી હતી... માના રૂમના કબાટના ચોરખાનામાં રહેલો એ સેટ કાઢી નાખું તો આરામથી સાત-આઠ લાખનો મેળ થઈ જાય! 
હૈયેથી પહાડ જાણે હટ્યો. અને બસ, કઈ હામે મેં માની ગેરહાજરીમાં ઘરે ધાડ પાડી, દાગીનો વેચીને હવાલો કર્યો એ તો ભગવાન જ જાણે! પણ રૂપિયા મળ્યા પછી રવિરાજનો સંદેશો આવી ગયો : ફિલ્મ ડિલીટેડ. નાઓ યુ આર ફ્રી બર્ડ! 
હા...શ. 
જોકે ત્યારે ક્યાં જાણ હતી કે વસમી કસોટી તો હવે થવાની... કોઈના અપમૃત્યુમાં હું નિમિત્ત બનવાની! 
ઉર્વશીનો નિસાસો સરી ગયો : એ પાપના પસ્તાવાએ મને કેવી એકલગંધી, નિરુત્સાહ કરી મૂકી! મારું સ્વભાવ-પરિવર્તન મા-પિતાજીની સમજ બહાર છે. મારી ચિંતામાં તેમને અડધાં થતાં જોઈને ગિલ્ટનો ભાવ ગહેરો બને છે... 
- અને એ બધું ધૅટ રવિરાજના પ્રતાપે! 
- અત્યારે પણ ઉર્વશીનાં નાખોરાં ફૂલી ગયાં : ભૂલેચૂકે ક્યાંક ભેટી ગયો તો-તો ખલાસ... 
‘કેમ આટલા આવેશમાં છે!’ 
મીઠા રણકાએ ઉર્વશીને ઝબકાવી દીધી. વિચારમેળો સમેટતાં સમયભાન થયું : ઓહ, પોતે મુંબઈ માસીને ત્યાં આવી છે અને સામે મોટી બહેન જેવી કઝિન સિસ્ટર લજ્જા ઊભી છે. 
ના, પપ્પા-મમ્મીને કોઈ સગાં 
ભાઈ-બહેન નહીં, પણ મમ્મીનાં દૂરનાં પિતરાઈ કામિનીમાસી સાથે માને બહેનપણાં જેવું એટલે નાનાં હતાં ત્યારે હું-લજ્જાદીદી વેકેશનમાં ભેળાં રહેતાં અને ખૂબ મજા કરતાં. મોટાં થતાં પોતપોતાના વર્તુળમાં વ્યસ્ત બનતાં ગયાં એમ મળવાનું ઘટતું ગયું, પણ સંબંધની ઉષ્મા તો રહી. કેરીગાળામાં મમ્મીના આગ્રહે 
માસી-લજ્જાદીદી સુરત આવેલાં ત્યારે જ દીદીએ કહી દીધેલું : ઉર્વશીને ગરબાનો શોખ છે એ મને યાદ છે, અમારે ત્યાં જુહુમાં હાઈક્લાસ ઇવેન્ટ થાય છે, હું ત્યાં જતી હોઉં છું; આ વેળા ઉર્વશી મારી સાથે હશે ઍન્ડ ધૅટ્સ ફાઇનલ!
પરિણામે મુંબઈ આવ્યા વિના છૂટકો ન રહ્યો. 
ખરેખર તો મારો કોશેટો તોડવા માએ માસીનો સહારો લીધો છે તો માસીને તેમની એકની એક દીકરી એવી લજ્જાની ચિંતા છે. ભણી-ગણીને લજ્જાદીદી સરસ મજાની નોકરીએ લાગ્યાં છે. તેમના માટે કેવાં-કેવાં કહેણ આવે છે, પણ દીદી લગ્ન માટે રાજી જ નથી થતાં એ માસા-માસી માટે કોયડો બની ગયો છે. એટલે દીદી મારું મન ટટોલે અને હું દીદીનો તાગ પામું એ આશાએ બે માતાએ આવી ગોઠવણ કરી છે એ તો તેમની વાતો ઉપરછલ્લી સાંભળ્યા પછી અમે બેઉ જાણીએ-સમજીએ છીએ... દીદીની કાળજી મને સ્પર્શે છે. ક્યારેક થાય છે કે તેમના ખોળામાં માથું મૂકીને મારી પીડા વહાવી દઉં, મારાં પાપ-પશ્ચાત્તાપનો હિસાબકિતાબ ખોલી દઉં... 
અત્યારે પણ એની તક હતી, પણ છેલ્લી ઘડીએ ઉર્વશીની હામ ફસકી ગઈ, ‘ના રે, એ તો તમને એવું લાગ્યું...’ 
લજ્જા ઉર્વશીને તાકી રહી. કંઈક તો બન્યું છે ઉર્વશી સાથે. એ વિના જુવાન છોકરીમાં આવા ઉતાર-ચડાવ આવે નહીં! છતાં હું તેનું અંતર ટટોળવાથી દૂર રહું છું... કેમ કે કોઈનું અંતર ટટોળવાની પહેલી શરત છે પહેલાં તમારું અંતર ખોલવું. અને હું તો મારું અંતર જેને ચાહું છું તેને પણ દેખાડી શકી નથી! 
કૉલેજના પહેલા દિવસે જે છોકરો આંખોને ગમી ગયો તેને જાણતી ગઈ એમ તે હૈયે ઊતરતો ગયો, પણ પછી...
પછીનું સંભારવાને બદલે લજ્જાએ મલકી લીધું, ‘આપણા નવરાત્રિના પાસ આવી ગયા છે... મને ખાતરી છે કે આ નવરાત્રિ યાદગાર બની રહેવાની!’
લજ્જા તો કેવળ ઉર્વશીને પાનો ચડાવવા બોલી, પણ નોરતાંમાં શું થવાનું એની કોને ખબર હતી? 
lll
‘બોલો અંબે માત કી... જય!’
જયકાર ગુંજ્યો, ઢોલ ઢબૂક્યાં અને આસોની નવરાત્રિનો મંગળ પ્રારંભ થયો. 
જુહુના AC ડોમમાં પણ પહેલા નોરતાથી રંગત જામી છે. મેદાનની વચ્ચોવચ માતાનો ગરબો મંડાયો છે. એન્ટ્રી-એક્ઝિટના ગેટની મધ્યમાં લાઇવ ઑર્કેસ્ટ્રા માટેનું સ્ટેજ છે. થોડા-થોડા અંતરે પાણી-છાશનાં કાઉન્ટર્સ છે. શ્રોતાસમૂહ માટે ગરબાનાં કૂંડાળાં ફરતે ખુરસીઓ ગોઠવાઈ છે. એક ખૂણે ફર્સ્ટ એઇડની વ્યવસ્થા પણ છે અને આયોજક મંડળના વૉલન્ટિયર્સ ખડા પગે છે. 
ખેલૈયાઓના રંગબેરંગી પહેરવેશથી ઝાકમઝોળ જામી છે. માતાના આરતીગાન પછી ગરબાના રાઉન્ડ શરૂ થવાની જાહેરાતે ખેલૈયાઓમાં રોમાંચ પ્રસરાવી દીધો. કાયમના રમનારાઓએ પોતપોતાની ટોળી જમાવી દીધી. 
કેડિયું-ધોતીના પોશાકમાં આવેલો આકાર દૂરથી જ આકૃતિને જોઈ મલકાઈ લે છે : ભાઈ સાથે આવેલી તે જોકે ખૂલીને મળી-રમી નહીં શકે એની તો જાણ છે. ઉત્ક્રાંતભાઈને દૂરથી તો પહેલા પણ જોયા છે, બહુ સરળ લાગ્યા. આકૃતિ જાણે કેમ તેમને અમારો પ્રણયભેદ કહી ન શકતી હોય! એવું જ રહ્યું તો આકુની ભીતિ ઓળંગી હું ઉત્ક્રાંતભાઈને મળીને ખુલાસો કરીશ... 
આકારને દૂરથી નિહાળીને આકૃતિનું હૈયું હરખાય છે ને પોતાનો ભાવ ભાઈની આંખે ન ચડી જાય એ માટે સાવધ પણ થઈ જવું પડે છે... 
પણ પછી ગરબાના તાલમાં ઉમંગ ઊછળતો ગયો. સમૂહમાંથી અળગા થઈને બેઉ કૂંડાળાની મધ્યમાં માના ગરબા ફરતે દાંડિયારાસ રમવા લાગ્યાં એથી ઘણાનું ધ્યાન ખેંચાયું. જોડું એટલું સુંદર હતું, એટલા લયમાં નાચતું હતું કે સિસોટી મારીને સર્કલમાં આવવાનું કહેવાને બદલે વૉલન્ટિયર્સ પણ તેમને નિહાળી રહ્યા. 
પણ ઉત્ક્રાંતની ભ્રૂકુટિ તંગ થઈ. તેનાથી થોડા અંતરે બેઠેલી લજ્જાએ હોઠ કરડ્યો, જ્યારે લજ્જાના પડખે ગોઠવાયેલી ઉર્વશીના અણુએ અણુમાં ખળભળાટ પ્રસરી ગયો. 
આ જુવાન... આકારને જોતી તેની આંખો પહોળી થઈ, કપાળની નસ ઊપસી આવી અને હાંફતી છાતીમાંથી જુસ્સો ફેંકતી ઉર્વશી વચ્ચે દોડી ગઈ. 
આકાર-આકૃતિને કંઈ સમજાય એ પહેલાં હાથ ખેંચી આકૃતિને હડસેલીને આકાર પર ખાબકી. 
ધબાક.
આકાર મેદાનમાં ચત્તોપાટ પડ્યો કે તેની છાતી પર ચડી બેસેલી ઉર્વશીએ તેના વાળ ખેંચીને માથું અફાળ્યું, ગાલે ધડાધડ તમાચા વીંઝયા. પછી તેના હાથમાંથી દાંડિયો ઝૂંટવીને ઊભા થઈને ધીબેડવા માંડ્યો : બદમાશ. તારા પાપે મને ક્યાંયની ન રાખી! 
ત્યાં સુધીમાં જોકે આક્રમણનો આંચકો પચાવી ગયેલી આકૃતિએ ધસીને ઉર્વશીનો દાંડિયાવાળો હાથ પકડી લીધો : બહુ થયું. આકુ તને છોકરી જાણીને માર ખમી લે છે એથી તેને નબળો ન ગણીશ! અને આ શું લવારો માંડ્યો છે?
એટલામાં ઉત્ક્રાંત-લજ્જા પણ દોડી આવ્યાં. 
‘તમાશો તું કરી રહી છે આકુ.’ ઉત્ક્રાંતે દબાયેલા અવાજે બહેનને ડારો આપ્યો. લજ્જાએ ઉર્વશીને સંભાળી : શું છે આ બધું! 
ઉર્વશી હજીયે હાંફતી હતી. કપડાં ખંખેરીને આકાર ઊભો થયો.
‘હાઉ ડેર યુ. મારી બહેન સાથે આમ રાસ રમવાની તારી હિંમત કેમ થઈ?’ ઉત્ક્રાંતે આકારનો કાંઠલો ઝાલ્યો. 
‘એક મિનિટ ઉત્ક્રાંત. આકારની ગૅરન્ટી હું લઉં છુ.’ 
કહેતી લજ્જાને નિહાળતી આકૃતિનાં નેત્રો જરાં પહોળાં થયાં : આ તો પેલી જ યુવતી – નોરતામાં ભાઈને તાકી રહેતી તે... ગયા વર્ષે આકુએ મને લિફ્ટ આપેલી ત્યારે અમારી પાછળ આવેલી તે! ભાઈને બરાબર જાણતી હોય એમ બોલી! ને તેણે આકુની ગૅરન્ટીનું કહેતાં ભાઈનું જોશ પણ કેવું ઠંડું પડી ગયું!
આકૃતિ ઘડીક લજ્જાને તો ઘડીક ઉત્ક્રાંતને નિહાળી રહી. 
lll
ત્યારે સુરતમાં -
બે બદન એકમેકમાં પરોવાઈ રહ્યાં હતાં અને તેમના એકાંત પર કોઈની નજરોની ચોકી છે એનાથી સાવ બેખબર હતાં! 
(ક્રમશ:)

Sameet Purvesh Shroff columnists navratri gujarati mid day life and style lifestyle news exclusive Garba festivals