22 October, 2026 02:41 PM IST | Mumbai | Samit (Purvesh) Shroff
ઇલસ્ટ્રેશન
‘ઓહ સૉરી!’
કૉલેજના પહેલા દિવસે ક્લર્કની ઑફિસમાં સ્પેલિંગમાં કરેક્શનની અરજી આપીને બહાર નીકળતો ઉત્ક્રાંત કોઈ જોડે અથડાઈ પડ્યો. સૉરી કહ્યા પછી નજર માંડતાં દૃષ્ટિ જકડાઈ ગઈ:
કેટલી ખૂબસૂરત છોકરી!
તે પણ ઘડીક તેને જોતી રહી. ના, અત્યંત સોહામણો જુવાન પારદર્શક જણાય છે, છોકરી સાથે જાણીને અથડાય એવો આછકલો લાગતો તો નથી... તે મલકી, ‘ઇટ્સ ઓકે.’
તેનો ઘૂંટાતો અવાજ, મોહક સ્મિત ઉત્ક્રાંતના ચિત્તમાં જડાઈ ગયાં.
તે લજ્જા હતી.
lll
‘મતલબ, લવ ઍટ ફર્સ્ટ સાઇટ?’
આકૃતિના અવાજમાં અચંબો ઘૂંટાયો.
લજ્જાના હસ્તક્ષેપ પછી ઉત્ક્રાંતે આકારનો કાંઠલો તો છોડ્યો, પણ તેનો રોષ ઊતર્યો નહોતો. ઉર્વશીને પણ લજ્જાદીદીનું રવિરાજને - ઉર્ફે આકારને છાવરવાનું રુચ્યું નહોતું. તેનો ધૂંધવાટ ઓસર્યો નહોતો, પણ તાત્પૂરતા તો સૌએ લજ્જાને અનુસરવું પડ્યું. ગરબાના વેન્યુમાંથી નીકળીને સૌ દરિયાકિનારે બત્તીના અજવાશમાં ગોઠવાયાં હતાં એમાં આકૃતિને ભાઈ-લજ્જાનું કનેક્શન પારખવાની અધીરાઈ હતી. આજે બન્યું જ એવું હતું કે ઉત્ક્રાંતનું ચિત્ત બીજે વાળવા પણ લજ્જાએ હૈયાતાળું ખોલી દીધું.
તેમની પહેલી મુલાકાતનો કિસ્સો સાંભળીને આકૃતિએ પૂછેલા સવાલે ઉત્ક્રાંત સહેજ રતાશભર્યો થયો. પ્રેમથી તેને નિહાળતી લજ્જાના હોઠ વંકાયા, ‘કૉલેજમાં આવીએ એટલે અમારી આંખો એકબીજાને શોધતી હોય... અમે મળતાં, વાતો કરતાં; પણ બોલવા કરતાં ન બોલેલું અમે એકબીજા સાથે વધુ વહેંચતાં. લોકોને દેખાય એવી આ દોસ્તી નહોતી અને જે હતું એ દોસ્તીથીયે ક્યાંય વધુ હતું. એક્ઝામના દિવસે હું મોડી પહોંચું તો ઉત્ક્રાંત પણ ગેટ આગળ લટકી રહ્યો હોય, મારા પછી જ એક્ઝામ હૉલમાં પ્રવેશે. ઉત્ક્રાન્તના બર્થ-ડેના દિવસે હું કેવળ તેને ગમતું લતાનું કોઈ ગીત શૅર કરતી, બસ અને તે એવો મહોરી ઊઠતો કે હું સાત ભાવ ઓવારી જતી...’
આકૃતિ મોટા ભાઈને તાકી રહી. ભાઈ કૉલેજમાં હતા ત્યારે પોતે તો ઘણી નાની એટલે તેમની મહોબતનો અણસાર પહોંચે પણ કઈ રીતે!
‘પણ પછી...’ લજ્જાનો સ્વર ધ્રૂજ્યો, ‘ગામમાં વેદાંતભાઈના સુસાઇડનો કિસ્સો બન્યો અને..’
‘અને ભાઈનો પ્રણય પરથી વિશ્વાસ જ ઊઠી ગયો...’ આકૃતિએ ડોક ધુણાવી, ‘લવ-લફરાં પ્રત્યે એવી સૂગ થઈ કે તે પોતાના પ્રત્યે જ આકરા થઈ બેઠા!’
લજ્જાએ હળવો નિ:શ્વાસ નાખ્યો.
વેદાંતનાં ક્રિયાપાણી પછી કૉલેજ રિઝ્યુમ કરનારો ઉત્ક્રાંત કેટલો જુદો લાગ્યો : નિઃસ્પૃહ, શૂન્યાવકાશથી ભરેલો અને પોતાનાથી યત્નપૂર્વક દૂરી રાખનારો. ક્યારેક ગ્રુપમાં વેદાંતના નિષ્ફળ પ્રેમની દાસ્તાન કહેતો ને મને સંભળાય એમ ઉમેરતો : ઇશ્ક-મહોબત ફિલ્મી બકવાસ છે, મને દરેક કન્યામાં અરુણા દેખાય છે...
‘અને તમે સાંભળી લીધું?’ અત્યારે આકૃતિનો આવેશ ઊછળ્યો, ‘ભાઈને લડવું હતું, કંચન-કથીરનો ભેદ
સમજાવવો હતો...’
લજ્જા આછું મલકી, ‘સમજાવટથી માણસનું મન માને આકૃતિ, હૈયું નહીં. ઉત્ક્રાંતને મેં ક્યારેય કહ્યું નથી કે હું તને ચાહું છું, પણ મારા અંતર ન ખોલવાથી તેને મારું અંતર ન સમજાય એવું ઓછું!’
ઘડીભર ચુપકી રહી. સાવ જ અનોખી પ્રણયગાથા સાંભળીને આકાર પણ ગરબાના વેન્યુમાં થયેલો તમાશો વીસરી ગયો. ઉર્વશી માટે લગ્નના પ્રસ્તાવ નકારતા રહેવાનો લજ્જાદીદીનો અભિગમ સ્પષ્ટ બન્યો. આકૃતિને લજ્જાના સંદર્ભ હવે સમજાતા હતા : દૂર રહીને પણ તેણે ભાઈના ખબર રાખ્યા, ગયા નોરતે ભાઈની ગેરહાજરીમાં મારી સાથે અજુગતું ન બને એ માટે નજર રાખી... હવે તો તેને હું મારી ભાભી બનાવીને રહેવાની!
અને ઉત્ક્રાંત... લજ્જાને તે ચાહતો, પહેલી નજરથી. અંતરની ઊર્મિ આંખોમાં છલકાતી, સામે લજ્જાનો અંતરભાવ પણ પરખાતો ને પ્યાર વધુ ઘૂંટાતો; પણ પછી વેદાંતનો કિસ્સો બન્યો ને કદી ન જોયેલી અરુણાનો ઓછાયો એવો છવાયો કે પોતે મહોબતથી મોં ફેરવી લીધું! કૉલેજ પછી લજ્જાના ખબર રાખવાની કોશિશ ન કરી, ગરબામાં કે ક્યાંક ક્યારેક દેખાઈ જાય તો જોયું ન જોયું કરીને નજર ફેરવી લેતો. લજ્જા મને તોય ચાહતી રહી એ જાણીને નવાઈ કેમ નથી લાગતી? આકાર માટે હું આકૃતિનેય ગાંઠત નહીં, પણ લજ્જાની ગૅરન્ટી પર કેમ ઢીલો પડી ગયો?
‘આ જ પ્યાર ઉત્ક્રાંતભાઈ...’ આકારે કહેવાની હિંમત કરી, ‘શાયરોને કદાચ આ સરખામણી નહીં ગમે, પણ મહોબત પણ કૉક્રૉચ જેવી હોય છે... કભી મરતી નહીં.’
ઉત્ક્રાંતની રતાશ વધી.
‘આકાર-આકૃતિની પાંગરતી નિકટતા મેં દૂર રહ્યે નિહાળી છે...’ લજ્જાએ ઉમેર્યું, ‘આકાર બાબત મેં પૂરતી તપાસ કરાવી લીધેલી. તેને વરનારી નસીબવંતી જ હોવાની એટલે આકૃતિને રોકવાની જરૂર ન લાગી.’
બીજું કોઈ હોત તો ઉમેરવું પડત કે જે કર્યું એ મને તારી જગ્યા પર મૂકીને કર્યું, બાકી તારી બહેનનાં લવમૅરેજના બહાને તને પ્યારની કદર સમજાય એવો કોઈ જ સ્વાર્થ નહોતો... પણ ઉત્ક્રાંતને આવું કહેવાની જરૂર નહોતી. તે આજે પણ મારી આંખોને એટલી જ સરળતાથી વાંચી જાણે છે ને તેના અંતરનાં ઊંડાણમાં મહોબત અકબંધ હોવાના અહેસાસ માટે આટલું પૂરતું છે!
ડોક ધુણાવવા જતા ઉત્ક્રાંતનાં જડબાં ઉર્વશીને જોતાં તંગ થયાં : લજ્જા, તું આકારની તરફેણ કરે છે, પણ ઉર્વશીનું શું?
‘યા... એ તો મારે પણ જાણવું છે...’ આકારે ઉત્સુકતા દાખવી, ‘હું તમને જાણતો નથી અને તમે...’
‘બસ રવિરાજ - આઇ મીન આકાર...’ ઉર્વશી ઊકળી ઊઠી, ‘આવી જ માસૂમિયતથી વિડિયો-કૉલ દ્વારા મહોબત રચીને પોતે નિર્વસ્ત્ર થયા અને પછી મને ભોળવીને મારાં વસ્ત્રો...’
અને ગઈ નવરાત્રિથી શરૂ થયેલી ગાથાથી માંડીને ઘરેણાં વેચી, રવિ ઉર્ફે આકારને હવાલો મોકલીને સેફ થયાના વળાંક સુધી પહોંચતાં ઉર્વશી હાંફી ગઈ.
lll
‘વાત અહીં પૂરી નથી થતી... ધનતેરસના દિવસે માએ ચોરખાનું ખોલ્યું અને ઘરેણાંનો ડબ્બો ગાયબ જોઈને પપ્પા સાથે તેણે આખું ઘર ઉપરતળે કરી નાખ્યું, પણ દાગીનો ઘરે હોય તો મળેને! માએ ધારી લીધું : આનો અર્થ સાફ છે - ઘરેણાં કોઈએ ચોર્યાં છે! અને ચોર કામવાળી નીરુ સિવાય બીજું તો કોણ હોય!’
ઓહ. ઘરમાં કંઈ આડુંઅવળું થાય એટલે પહેલી શંકા હાઉસસ્ટાફ પર જ જાય એવું બનતું આવ્યું છે.
‘નીરુ પર શંકા જવાનાં બીજાં કારણો પણ હતાં...’
ગતખંડ ઉખેળતી ઉર્વશી સમક્ષ દૃશ્યો ઊપસતાં ગયાં.
lll
‘ચોક્કસ... આ નીરુનું જ કામ.’ દાગીનો ગુમ થવાથી રઘવાયાં બનેલાં નિર્મળાબહેન કડી ગોઠવવા લાગ્યાં, ‘૪ દિવસ પહેલાં હું બજારનું કામ પતાવવા નીકળી ત્યારે ઘર તેને સોંપીને ગયેલી અને બીજી સવારે તેણે ફોન કરીને કહ્યું કે તબિયત ઠીક નથી રહેતી એટલે કામ પર નહીં અવાય - તે આજ દિન સુધી નથી આવી!’ નિર્મળાબહેને એક વત્તા એક કર્યું, ‘અને ફરકે પણ કેમ? ચોરી કરનારો ખાતર પાડ્યું હોય એ ઘર તરફ જુએ પણ ખરો?’
હે ભગવાન. કાગનું બેસવું ને ડાળનું પડવું. નીરુના સંજોગનો મા કેવો અનર્થ કરી રહી છે! તેને શું ખબર કે ઘરેણાં તો એ પહેલાંનાં ચોરાયાં છે!
‘ચાલો જોઉં, રિક્ષા બોલાવો.’ નિર્મળાબહેન આવેશમાં ઊભાં થયાં, ‘તેના ઘરે જઈને પકડીએ.’
‘જવા દેને મમ્મી...’ પહેલી વાર ઉર્વશીને માની બીક લાગી, ‘પુરાવા વિના આપણાથી કંઈ ન થાય. ગંધાતી વસ્તીમાં રહેનારાને સંસ્કારભાન કેટલું! અને બની શકે કે ઘરેણાં આપણાથી – મારાથી ક્યાંક આડા હાથે મુકાઈ ગયાં હોય ...’ બોલતાં ઉર્વશી થોથવાઈ પણ ખરી.
‘નીરુનો ખોટો બચાવ ન કર. પોતાનાં દુખડાં કહીને મને કાલી થતી રહી. માની જેમ મેં તેનાં રખોપાં કર્યાં એનો આવો શિરપાવ? અને તમે શું જુઓ છો, કહ્યુંને બોલાવો રિક્ષા!’
મા-પિતા સાથે ફફડતા જીવે ઉર્વશી પણ નદીકાંઠે આવેલી વસ્તીમાં પહોંચી. નીરુના બેઠા ઘાટના નાના પણ પાકા મકાનમાં પ્રવેશતાં તેને ચટાઈ પર ખાંસતી જોતાં એ પણ સમજાયું કે તેના બીમાર હોવાની વાત બનાવટ નથી.
‘તમે મારી ખબર કાઢવા આવ્યાં બાઈ!’ નીરુનાં ગદ્ગદ થવામાં પણ દેખાડો નહોતો જ.
‘ને બીજો મારો લફરેબાજ ધણી રવજી! મારી કાળજી લેવાને બદલે સૌતન જેવી ધનિયા સાથે રંગરેલી મનાવતો હશે મૂઓ. મને વાંઝણી કહીને ફારગતી માગે છે, પણ હું ગાંઠતી નથી. ખોલી મારા નામે છે એટલે પણ તેનું જોર ચાલતું નથી. તમે તો બધું જાણો જ છો બાઈ.’ આટલું કહેતાં હાંફી જવાયું એટલે શ્વાસ લેવા રોકાઈ. ઉમેર્યું, ‘તે હાજર હોત તો તમારા માટે લેમનસોડા મગાવત.’
‘હું નથી સોડા પીવા આવી કે નથી તારા ખબર પૂછવા આવી.’ નિર્મળાબહેને સપાટ સ્વરે કહ્યું, ‘૭ તોલાનો મારો દાગીનો આપી દે એટલે મારે પોલીસ-ફરિયાદ કરવાની ન રહે.’
નીરુનાં નેત્રો ચકળવકળ થયાં : બેનબાનાં ઘરેણાં ચોરાયાં! તમને મા...રા પર શ...ક છે બાઈ?
આઘાતથી બેવડ વળી હોય એવો નિસાસો તેણે નાખ્યો.
‘ધારું તો તારો તમાશો કરી શકું એમ છું... પણ તારા માટે હજીયે થોડી મમતા બચી હશે અને એટલું રહેવા દેવું હોય તો દિવાળી પહેલાં ઘરેણાં મને પહોંચતાં કર!’
નિર્મળાબહેનને હતું કે દિવાળી સુધી રાહ જોવી જ નહીં પડે, નીરુ કાલ સવારમાં ઘરેણાં દેવા આવવાની!
પણ ના, નીરુ તો નહીં તેના ખબર મોડી બપોરે મળ્યા. વસ્તીમાં રહેતી બીજી કામવાળી કહી ગઈ : તમારી નીરુએ રાત્રે પંખે લટકીને આપઘાત કર્યો!
સાંભળીને પાણી પીવા કિચનમાં આવેલી ઉર્વશી પૂતળા જેવી થઈ : નીરુએ આપઘાત કર્યો? માના આરોપનું એટલું વસમું લાગ્યું કે તે પંખે લટકી ગઈ? ધણીથી તે દુભાયેલી હતી. એમાં માએ છેડો ફાડવા જેવું કરતાં તેણે જિંદગી સાથેનો છેડો જ ફાડી નાખ્યો!
‘અરેરેરે...’ નિર્મળાબહેને જુદી રીતે આઘાત દર્શાવ્યો, ‘બિચારી ધણીથી ત્રાસી હતી... છૂટી ગઈ!’
કામવાળીના ગયા પછી બબડ્યાં : મરતાં પહેલાં ઘરેણાં પરત કરી ગઈ હોત!
ઉર્વશીનો નિ:શ્વાસ સરી ગયો : નીરુના આપઘાતમાં પળ પૂરતુંય પોતાનો ગલત આરોપ કારણભૂત હોય એવો તર્ક માને નથી થયો. અને થાય પણ કેમ - તેના માટે તો નીરુ જ ચોર હતી - આજે પણ છે!
-પણ હું તો સચ્ચાઈ જાણું છું. અસલી ગુનેગાર હું છું, નીરુ પર જૂઠું આળ મુકાયું. માએ આપેલો આરોપનો આઘાત તેનાથી જીરવાયો ન હોય એટલે તેણે આત્મહત્યા કરી લીધી હોય એ જ શક્ય છે. બાકી ધણીનું લફરું કે ત્રાસ પહેલાંય ક્યાં નહોતાં? ફટ રે ભૂંડી, બીજાને નહીં તો તારાં માવતરને કહીને નીરુની છબિ ઊજળી કરવા જેવું તો કર!
ભીતર વીંછીના ડંખ જેવા લાગતા, પણ જીભ ઊપડતી નહીં. ક્લિપનું સાંભળીને મમ્મી-પપ્પા દીકરીએ કોઈ લફરું કરેલું એવું જ ધારી લે તો તેમની નજરમાંથી ઊતરવું આપઘાત જેવું જ લાગે. મારા સ્વાર્થવશ હું ચૂપ રહું છું અને એ ચુપકી મને મનોમન જ ચૂંથતી રહી છે. હું મારા કોચલામાં પુરાઈ રહું છું. આ બદલાવ માબાપની સમજ બહાર છે. મમ્મી-પપ્પાને મારી ચિંતામાં વ્યાકુળ થતાં જોઈ હું વધુ મૂરઝાઉં છું...
lll
‘અને આ બધું આ રવિરાજ ઉર્ફે આકારના પ્રતાપે!’
અત્યારે ઉર્વશી રડી પડી. તેણે લજ્જા-આકૃતિને ક્લિપ પણ દેખાડી. એ જોઈને લજ્જા ગૂંચવાઈ, પણ આકૃતિની આસ્થા અચલ રહી : જરૂર આ ક્લિપમાં કોઈ છળ છે...
‘અને જ્યાં છળની સંભાવના પણ હોય ત્યાં મારી આકુ નહીં રહે.’ ઉત્ક્રાંતે ફેંસલાની ઢબે કહ્યું.
આકૃતિ થીજી ગઈ.
lll
રૂમમાં ગોઠવાઈને તે પોતાની કરામત સામી દીવાલે લટકતા મોટા ટીવી-સ્ક્રીન પર નિહાળી રહ્યો. પોતાની પીઠ થાબડવાનું મન થયું.
પછી ગજવામાંથી ચબરખી કાઢી. અંદર લખેલો નંબર વાંચતાં હળવું સ્મિત પ્રસરી ગયું : વી આર મીટિંગ સ્વીટી... વેરી સૂન!
તેને જાણ નહોતી કે પોતાના એકાંત પર આ વખતે કોઈની નજર છે!
(આવતી કાલે સમાપ્ત)