25 January, 2026 02:10 PM IST | Mumbai | Kajal Oza Vaidya
છાયા-પડછાયા
અચ્યુત સામેથી અઝીઝના ટેબલ પર ગયો, ‘આઇ થિન્ક, અમને તમારી સાથે આવવાનો વાંધો નથી,’ તેણે કહ્યું, ‘પણ એક શરત છે. અમે હાફ એક્સપેન્સ શૅર કરીશું.’
‘મહેમાન થઈને આવો છો ને પૈસાની વાત કરો છો? હજી તો દોસ્તી શરૂ થઈ છે... અહેસાન ઉતારવાના બહુ મોકા આવશે!’ અઝીઝની આંખોમાં એક ન સમજાય એવો ભાવ વંચાયો અચ્યુતને! ‘કાલે સવારે આઠ વાગ્યે મળીએ? તમે ક્યાં ઊતર્યા છો?’
‘લે જાર્ડિસ.’ અચ્યુતે સહેજ સંકોચ સાથે કહ્યું. તેને સમજાયું કે આ લોકો તો અહીં, ‘લક્સ લે મોર્ન’માં જ રહેતા હશે!
‘તમને પિકઅપ કરવા કાર આવી જશે. સાડાઆઠે તૈયાર રહેજો. યૉટ પર જ બ્રેકફાસ્ટ કરીશું.’ અઝીઝે કહ્યું, ‘સ્વિમસૂટ લઈ લેજો. આપણે ફિશિંગ કરીશું, સ્વિમ કરીશું, ડૉલ્ફિન જોઈશું...’
‘શ્યૉર.’ અચ્યુતે આદરપૂર્વક કહ્યું, ‘થૅન્ક યુ.’
અચ્યુત પાછો ફર્યો ત્યારે અક્ષરા આતુરતાથી તેની રાહ જોતી હતી, ‘શું થયું?’
‘સવારે આઠ વાગ્યે તે આપણને પિકઅપ કરશે.’ અચ્યુતે કહ્યું તો ખરું, પણ હજી તેને મનમાં ક્યાંક નાનકડો ખટકો હતો. એક અજાણી વ્યક્તિ બીજી અજાણી વ્યક્તિ માટે આટલોબધો ખર્ચ શું કામ કરે એ સવાલ તેના મિડલ ક્લાસ મનને મૂંઝવી રહ્યો હતો.
અઝીઝ અને તેની બેગમ તો થોડી વારમાં ચાલ્યાં ગયાં, પરંતુ અક્ષરા અને અચ્યુતે જ્યારે બિલ માગ્યું ત્યારે તેમને જાણ થઈ કે તેમનાં ડ્રિન્ક અને ડિનરનું બિલ... લગભગ ૧૬ હજાર રૂપિયા, અઝીઝે ચૂકવી દીધું હતું. અચ્યુતને જરા અકળામણ થઈ, ‘આ બધું શેના માટે કરે છે આ માણસ?’
‘તેને આપણે ગમી ગયાં...’ અક્ષરાએ કહ્યું, ‘આવા અમીર લોકોને પૈસાની કિંમત ન હોય, દોસ્તીની કિંમત હોય કદાચ!’
‘દોસ્તી?’ અચ્યુત સહેજ અકળાયેલો હતો, ‘તે આપણને પહેલી વાર મળ્યો.’
‘આવા લોકોને માણસોની પરખ હોય.’ અક્ષરાએ અજાણતાં અઝીઝનો બચાવ કર્યો, ‘એ તો કેટલાય લોકોને મળતા હોયને? તેને ખ્યાલ આવી ગયો હશે કે તું સારો માણસ છે...’
‘કે પછી, તું બહુ સુંદર છે... એટલે...’ અચ્યુતની ભીતરનો પતિ સહેજ ઈર્ષાળુ થઈ ગયો.
‘સ્ટુપિડ!’ અક્ષરાએ વહાલથી અચ્યુતના ગળામાં હાથ નાખ્યો, તેને નજીક ખેંચીને તેના હોઠ પર ચુંબન કર્યું, ‘તેની વાઇફ મારાથી વધારે હૉટ છે... ને આ તો ત્રીજી છે.’ તે હસી. તેની રાખોડી આંખોમાં તેણે પીધેલા કૉકટેલનો નશો છલકાયો, ‘તે તો ચોથી-પાંચમી, કેટલીયે કરી શકે. તેને મારામાં શું રસ પડે?’
‘તો પણ.’ અચ્યુતે કહ્યું, ‘તે તને જે રીતે જોતો હતો એ મને ન ગમ્યું.’ પછી તેણે ઉમેર્યું, ‘કાલે સ્વિમસૂટ લઈને આવવાનું કહ્યું છે.’ તેણે પૂછ્યું, ‘તું તેની સામે િસ્વમસૂટ પહેરીશ?’
‘ના, બુરખો પહેરીશ બસ!’ અક્ષરા હસી. તેણે અચ્યુતનો હાથ ખેંચીને ચાલવા માંડ્યું, ‘મૉરિશ્યસમાં યૉટ પર સ્વિમસૂટ ન પહેરું તો શું પહેરું? તેની બેગમ પણ પહેરશેને? તું તેને જોજે...’ અચ્યુતે કંઈ કહ્યું નહીં, પરંતુ તેના મનનો મુંઝારો અટક્યો નહીં.
બીજા દિવસે સવારે અક્ષરા છ વાગ્યામાં ઊઠી ગઈ. નાહી, વાળ સેટ કર્યા. સરસ મેકઅપ કરીને તૈયાર થયા પછી એણે અચ્યુતને જગાડ્યો. અચ્યુત આશ્ચર્યચકિત થઈ ગયો, જે દસ વાગ્યા પહેલાં આંખો નહોતી ખોલતી તે સાડાસાત વાગ્યે તૈયાર હતી! અક્ષરાએ શૉર્ટ્સ અને સ્પગેટી ટૉપ પહેર્યાં હતાં, ફ્લોરલ પારદર્શક જૅકેટ સાથે તે સેક્સી દેખાતી હતી.
‘તું આ પહેરવાની છે?’ અચ્યુતની ભીતરનો પઝેસિવ પતિ ફુત્કાર્યો.
‘કેમ, આમાં શું ખરાબ છે?’ અક્ષરાએ પૂછ્યું.
‘થોડું... વધારે પડતું ઉઘાડું નથી?’ અચ્યુતે જરા અચકાતાં પૂછ્યું. તેને ખબર હતી કે અક્ષરાને નહીં ગમે, છતાં તેનાથી કહેવાઈ ગયું. અક્ષરાનું મોઢું ચડી ગયું. તેણે બૅગ ખોલીને ફુલ પૅન્ટ કાઢ્યું. શૉર્ટ્સ કાઢીને પૅન્ટ પહેરી લીધું. અચ્યુતને એક વાર થયું કે તેને અટકાવે... પછી કોણ જાણે કેમ તેણે પત્નીને રોકી નહીં, બલકે ફુલ પૅન્ટ જોઈને તેને સારું લાગ્યું! તે ઊઠીને બાથરૂમમાં ચાલ્યો ગયો. તેણે એક વાર શૉર્ટ્સ કાઢી ને પછી કોણ જાણે શું વિચારીને પોતે પણ લિનનનું ફુલ પૅન્ટ પહેરી લીધું. તૈયાર કરેલી બૅગ સાથે લઈને અચ્યુતની રાહ જોયા વગર અક્ષરા રૂમની બહાર નીકળી ગઈ. અચ્યુત સમજતો હતો કે તેનાં વસ્ત્રો પર કરેલી કમેન્ટને લીધે અક્ષરાનો મૂડ ખરાબ છે પણ સામાન્ય રીતે અક્ષરાનો મૂડ સાચવતા અચ્યુતે આજે અક્ષરાને મનાવવાનું ટાળી જ દીધું!
આઠ વાગ્યે શાર્પ, અઝીઝ અને મહઝબીન તેમની મર્સિડીઝ વિઆનો-સિક્સ સીટરમાં આવી પહોંચ્યાં. પાછળ એક બીજી ગાડીમાં ચાર ગાર્ડ્સ ઑટોમૅટિક ગન્સ સાથે બેઠા હતા. સ્લાઇડિંગ ડોર ખૂલ્યું, મહઝબીન અત્યંત ટૂંકી શૉર્ટ્સ અને ઑલમોસ્ટ અન્ડરગાર્મેન્ટ કહી શકાય એવા ટૉપ સાથે બેઠી હતી. એ જોઈને અક્ષરાએ ડોળા કાઢ્યા. અઝીઝ પણ શૉર્ટ્સ અને ગંજીમાં હતો. તેણે અચ્યુત અને અક્ષરાને જોઈને સ્મિત કર્યું, ‘આપણે યૉટ પર જઈએ છીએ. આટલાં ફૉર્મલ વસ્ત્રોની જરૂર નહોતી.’
‘વેલ!’ અક્ષરાએ ખભા ઉલાળ્યા, ‘મારા પતિનો આગ્રહ હતો. હી ઇઝ ઇન્ડિયન... ગુજરાતી પતિ!’ કહીને તે વૅનમાં ચડી ગઈ. અચ્યુત જરા ઝંખવાઈને અંદર દાખલ થયો.
‘હજી બદલી શકાય.’ અઝીઝે કહ્યું, ‘આપણે રસ્તામાંથી કપડાં ખરીદી શકીએ.’
‘ના! હું બૅગમાં લઈને આવી છું.’ અક્ષરાએ કહ્યું, ‘મને તો ખબર જ હતી કે મહઝબીન શું પહેરશે! પણ સવારના પહોરમાં ઝઘડા કરવાને બદલે મને થયું કે એક વાર મારા ગુજરાતી પતિ તેમને જોઈ લે, પછી હું કપડાં બદલીશ.’ અક્ષરાના અવાજમાં વ્યંગ હતો, પણ અઝીઝ હસી પડ્યો. અચ્યુત થોડો અકળાયો અને થોડો ઝંખવાયો. અક્ષરાએ આગળ કહ્યું, ‘તમે મુસ્લિમ છો, આરબ છો, બુરખા કલ્ચરમાંથી આવો છો તો પણ તમારાં વાઇફને તો અહીં જે ગમે તે પહેરવા દો છોને?’
‘અફકોર્સ!’ અઝીઝે ખેલદિલીથી કહ્યું, ‘બિચારી અહીં જ તો ખૂલીને જે ગમે તે પહેરી શકે છે. ત્યાં તો તેણે અમારા કલ્ચરને અનુરૂપ જ રહેવું પડે.’
‘અમારે ત્યાં તો અહીં પણ...’ અક્ષરા આગળ કહેતાં અટકી ગઈ કારણ કે તેની નજર અચ્યુત સાથે ટકરાઈ. અચ્યુતની નજરમાં થોડું ‘સૉરી’ અને થોડું અટકી જવાની વિનંતી હતી.
‘ઓકે, ઓકે.’ અઝીઝે બન્ને જણની નજરોને માપી લીધી, ‘તમે યૉટ પર બદલી લેજો.’ તેણે અચ્યુતને પૂછ્યું, ‘તમારી પાસે કૅઝ્યુઅલ કપડાં છે? નહીં તો આપણે લઈ લઈએ...’
‘લાવી છું, તેનાં પણ...’ અક્ષરાએ છણકો કર્યો, ‘મને પૂરાં કપડાં પહેરાવવાના ચક્કરમાં તે પણ જોકર બનીને આવ્યો.’ અક્ષરાની કમેન્ટ સાંભળીને અઝીઝ ફરી હસી પડ્યો. આ બધા સમય દરમિયાન મહઝબીન જરા ચૂપ, સહેજ અળગી હતી. જોકે અક્ષરા એ વિશે બેધ્યાન હતી પણ અચ્યુતની ચકોર નજરમાં એ ચુપકીદી નોંધાઈ ગઈ.
લૉકઅપમાં બેઠેલો અચ્યુત યૉટની એ ટ્રિપ અને અઝીઝ સાથે વિતાવેલો એ દિવસ યાદ કરી રહ્યો હતો. એ મજા આટલી મોંઘી પડશે એવી ખબર હોત તો તેણે અક્ષરાની ઇચ્છા માનવાનો સ્પષ્ટ ઇનકાર કરી દીધો હોત!
માણસ જો પોતાની આવી રહેલી મુસીબતને ઓળખી શકતો હોત તો જીવનની કેટલીયે સમસ્યાને આવતાં પહેલાં જ રોકી શકાય!
સ્મૃતિની દુનિયામાં ખોવાઈ ગયેલો અચ્યુત અચાનક ચોંક્યો. રાઘવ સળિયા પાસે જ ઊભો હતો, ‘રાઘવ લોખંડે નામ છે મારું.’ ઇન્સ્પેક્ટર બરાડ્યો, ‘માત્ર નામ નહીં આખો જ લોખંડનો છું હું!’ તેના હાથ દંડા પર ટાઇટ થઈ ગયા, ‘એક તો તારો હાઈ પ્રોફાઇલ કેસ છે. અડધું ગામ તને ને તારી માને ઓળખે છે, બાકી અત્યાર સુધીમાં તારા ટાંટિયા તોડીને મોઢામાં ખોસી દીધા હોત... ચલ, બોલ ફટાફટ ક્યાં છે તારી વાઇફ?’
‘તમે સમજતા નથી. હું અને અક્ષરા અહીંથી સાથે જ ગયાં હતાં, પણ પાછાં આવતાં...’
‘હાઆઆ...’ ઇન્સ્પેક્ટર લોખંડેની આંખો ચમકી, ‘પછી? શું થયું પાછાં આવતાં?’
અચ્યુત ફરી રડવા લાગ્યો, ‘તેણે ગાયબ કરી નાખી.’
‘તેણે? તેણે કોણે?’ ઇન્સ્પેક્ટરે લૉકઅપ પાસે આવીને દંડો સળિયા પર પછાડ્યો, ‘તમને શું લાગે છે? મારા કપાળ પર કંઈ લખ્યું છે?’ તેણે ગુસ્સામાં પૂછ્યું, ‘તમે અહીંથી તમારાં વાઇફને લઈને કોઈ ફાલતુ રિયાસત... જે નામ હોય તે... ત્યાં ગયાં. એ પછી તમારાં વાઇફ અંદર મહેલમાં ગયાં... ને પછી... પુફ્ફફ... ગાયબ?’ ઇન્સ્પેક્ટરને આટલા ગુસ્સામાં પણ હસવું આવી ગયું, ‘તમારાં વાઇફ મિસ્ટર ઇન્ડિયા છે? નૉન્સેન્સ!’ તેણે કહ્યું, ‘હજી કહું છું, સાચું બોલી જાઓ તો બચી જશો.’ તેણે કહ્યું, ‘બૈરી આરબોને વેચી નાખી કે શું?’
‘તમને અક્કલ છે કે નહીં?’ અચ્યુતે પૂછ્યું, ‘કોઈ પતિ પોતાની પત્નીને વેચી નાખે?’
‘હા... મારી પાસે એવા કેસિસ છે જેમાં હસબન્ડે વાઇફને વેચી કાઢી હોય.’
‘મારી ૧૧ ઑફિસિસ છે. પૅન ઇન્ડિયા કામ છે મારું... હું વાઇફને વેચી મારું? આર યુ ક્રેઝી?’
ઇન્સ્પેક્ટરે કહ્યું, ‘તો પછી નક્કી મારી નાખી!’
‘હું શું કામ તેને મારી નાખું? આઇ લવ્ડ હર...’ અચ્યુત ફરી ગળગળો થઈ ગયો, ‘પ્લીઝ... મારી પાછળ પડવાને બદલે તમે તાત્કાલિક એ માણસની તપાસ કરો, નહીં તો બહુ મોડું થઈ જશે.’ તેણે રડતાં-રડતાં હાથ જોડ્યા.
ઇન્સ્પેક્ટરે વ્યંગમાં કહ્યું, ‘તમે જેની વાત કરો છો એ માણસ કોણ છે? કોઈ ફોટો, ID, વિગતો છે તમારી પાસે? ક્યાં રહે છે એ માણસ?’
અચ્યુત ફ્રસ્ટ્રેટ થઈ ગયો, ‘અમે તો અહીંથી શારજાહ ઍરપોર્ટ ગયાં હતાં. ત્યાંથી તેના પ્રાઇવેટ જેટમાં અમને એની રિયાસતમાં લઈ ગયા હતા...’
‘વાઓ! વીઝા વગર તેની રિયાસતમાં પહોંચી ગયાં તમે? કેટલા ટાઇમથી ઓળખતા હતા તેને?’
‘બે-અઢી મહિના.’ અચ્યુતે અચકાઈને જવાબ આપ્યો.
‘અઢી મહિનાની ઓળખાણમાં તમને તેણે રિયાસતમાં ઇન્વાઇટ કરી લીધા? ને એ પણ પ્રાઇવેટ જેટ મોકલીને? તમે પહોંચી પણ ગયાં?’ ઇન્સ્પેક્ટરની આંખો લાલ થવા લાગી. ‘તું કોને મૂરખ બનાવે છે?’ ઇન્સ્પેક્ટર લોખંડેએ પૂછ્યું, ‘શારજાહ ઍરપોર્ટથી તમારા કહેવા મુજબ પ્રાઇવેટ જેટમાં તમે જે ઍરપોર્ટ પર ઊતર્યા એનું નામ ખબર છે?’
‘ખોર ફક્કાન.’ અચ્યુતે કહ્યું, ‘પછી ત્યાંથી ગાડીમાં...’
‘ગાડીમાં ક્યાં ગયાં?’ લોખંડેના સવાલો અચ્યુતના માથામાં એક પછી એક ફટકા મારી રહ્યા હતા. તે પસ્તાઈ રહ્યો હતો. શા માટે ટૂંકી ઓળખાણમાં, પૂરી તપાસ કર્યા વિના જવાનું સ્વીકાર્યું? પાછો અક્ષરાને સાથે લઈ ગયો... બિગ મિસ્ટેક! તેના મગજ પર પ્રેશર વધી રહ્યું હતું. તેણે યાદ કરવાની કોશિશ કરી, ‘તેનું નામ તો લાંબું છે પણ શેખ અઝીઝ તરીકે ઓળખાય છે.’ તેણે ઇન્સ્પેક્ટરને ધીમા અવાજે કહ્યું, ‘આ તેનો પ્લાન હતો. ઠંડા કલેજે સમજી-વિચારીને ગોઠવેલો પ્લાન.’
‘ને તમે એમાં ફસાઈ ગયા.’ ઇન્સ્પેક્ટરે ફરી દંડો લૉકઅપના સળિયા પર પછાડ્યો, ‘ભોળું કબૂતર!’ તેણે જોરથી બરાડો પાડ્યો, ‘જો આ સ્ટોરી ચાલુ રાખશો તો હવે અમારે અમારી રીતે જવાબ કઢાવવા પડશે.’ તેણે લૉકઅપની ખૂબ નજીક આવીને આંખો પહોળી કરીને કહ્યું, ‘પોલીસની જવાબ કઢાવવાની રીત સારી નથી હોતી.’ કહીને ઇન્સ્પેક્ટર હસવા લાગ્યો, ‘‘ક્રાઇમ પૅટ્રોલ’ જુઓ છે કે નહીં?’ કહીને તે ત્યાંથી ચાલી ગયો.
અચ્યુતે લોખંડના સળિયા પર માથું પછાડ્યું, ‘એક વાર ચેક તો કરો...’ તેણે કહ્યું.
કોણ જાણે કેમ, રાઘવ લોખંડેને લાગ્યું કે અચ્યુતની વાત કદાચ સાચી હોઈ શકે!
ઇન્સ્પેક્ટરે પોતાની કેબિનમાં જઈને એના IT એક્સપર્ટ મનોજને બોલાવ્યો, ‘હે કાહી તરી નાવ સાંગતા આહેત. આઇકુન ઘે, આણિ બઘ... કાહી હી સાપડત કા?’ તેનો IT એક્સપર્ટ અંદર જઈને અચ્યુતને નામ અને વિગતો પૂછીને બહાર આવ્યો. તેણે તેનું કમ્પ્યુટર ઉઘાડીને શોધવાની શરૂઆત કરી, ‘શેખ અઝીઝ’, ‘ખોર ફક્કાન...’ તેની નજર સામે સ્ક્રીન ઉપર એક અત્યંત દેખાવડા, ઊંચા-પહોળા આરબની તસવીરો આવવા લાગી. યુરોપના દેશોમાં, ક્રૂઝ પર, મહેલ જેવા ઘરમાં, વિશાળ ડાઇનિંગ ટેબલ પર, ગાર્ડનમાં, વાઘ જેવા કૂતરાઓ સાથે... અનેક સ્ત્રીઓ સાથે... મનોજ દોડતો લોખંડે પાસે આવ્યો. તેણે આવીને કહ્યું, ‘છે! સાહેબ! એ જેનું નામ આપે છે એવો માણસ તો છે...’
‘દાખવ.’ ઇન્સ્પેક્ટર હાંફળો-ફાંફળો તેની સાથે તેના કમ્પ્યુટર પાસે આવ્યો. તેણે સ્ક્રીન પર તસવીરો જોઈ. ફેસબુક પેજ ખોલ્યું. અત્યાર સુધી અચ્યુત કહી રહ્યો હતો, લોકેશન પણ એ જ હતું, શારજાહ પાસે આવેલું એક દરિયાકિનારાનું ગામ, ‘ખોર ફક્કાન.’ ટૂરિઝમ માટે આકર્ષક જગ્યા, વિકીપીડિયામાં પણ આ ગામની વિગતો મળી આવી. ત્યાંના વઝીરે આઝમનું નામ હતું, ‘શેખ અબ્દુલ બિન મોહમ્મદ અઝીઝ અલ સઈદ...’ ઇન્સ્પેક્ટર ચોંક્યો, કાં તો અચ્યુત ખૂબ ચાલાક હતો, પૂરા હોમવર્ક સાથે આવ્યો હતો અને કાં તો તે સાચે જ બેવકૂફ બન્યો હતો.
ખાડીના દેશોમાં નાની-નાની અનેક રિયાસતો છે. સાત દેશોના સુલતાનોના તાબામાં આ રિયાસતોના વઝીરે આઝમ હોય, પરંતુ રિયાસતો તેમની પોતાની કહેવાય. હુકમ તેમનો જ ચાલે. કાયદા UAEના લાગુ પડે, સાથે-સાથે દરેક દેશના પોતાના અલગ કાયદા પણ જે-તે રિયાસતને લાગુ પડે. આ વાત લોખંડે જાણતો હતો. હવે જ્યારે ખરેખર ‘ખોર ફક્કાન’ નામની કોઈ જગ્યા કમ્પ્યુટર સ્ક્રીન પર દેખાઈ રહી હતી ત્યારે અચ્યુત જે કંઈ કહી રહ્યો હતો એની તપાસ તો કરવી જ જોઈએ એવું લોખંડેને લાગ્યું. જોકે આ કામ સહેલું નથી એ પણ તેને સમજાયું. UAEના દેશોની દુનિયાના ભેદી દરવાજા ખોલીને તેમની દુનિયામાં પ્રવેશવું લગભગ અશક્ય છે એ વાત આખી દુનિયા જાણે છે! પ્રવાસીઓ માટે UAEના દેશો અબુ ધાબી, દુબઈ, શારજાહ, અજમાન, ઉમ્મ અલ ક્વાઇન, રાસ અલ ખૈમાહ અને ફુજૈરાહ ટૂરિઝમનું આકર્ષણ છે પરંતુ આ દેશોની લગભગ બધી જ રાજકીય માહિતી ગુપ્ત અને રહસ્યમય છે. ગલ્ફના દેશો બાહરીન, ઇરાક, કુવૈત, ઓમાન, કતર અને સાઉદી અરેબિયા પણ એવા જ આકર્ષક છતાં રહસ્યમય દેશો છે. એમની પાસે ખનિજ અને તેલના ભંડાર છે એટલે આ દેશો રણમાં પણ સ્વર્ગ ઊભું કરી શક્યા છે. ઇરાક સિવાયના દેશો ગલ્ફ કૉર્પોરેશન કાઉન્સિલના સભ્યો છે. પ્રવાસીઓ માટે આ જગત મોજમજા અને શૉપિંગનું સ્વર્ગ છે. અહીં કુદરતી સૌંદર્ય અને દરિયાઈ સંપત્તિ વિપુલ પ્રમાણમાં છે એટલે પ્રવાસીઓ આકર્ષાય છે. અહીં બે પ્રકારની દુનિયા છે. એક, જ્યાં પ્રવાસીઓએ મજા માણીને ચાલ્યા જવાનું છે અને બીજું ડાર્ક-ગુપ્ત અન્ડરવર્લ્ડ છે. અહીંના શેખો અને વઝીરો માફિયાને પ્રોટેક્ટ કરે છે. અહીંથી વિપુલ પ્રમાણમાં કાળાં નાણાની હેરફેર થાય છે. હથિયારો, આતંક અને બીજા અનેક ભયજનક બિઝનેસ અહીંથી ઑપરેટ થાય છે. UAEને દુનિયાના કોઈ ટ્રીટી કાયદા લાગુ પડતા નથી, એથી માફિયા અને અન્ડરવર્લ્ડ માટે આ સ્વર્ગ છે. ‘પ્રોટેક્શનના પૈસા ચૂકવો અને મજા કરો’નો ન્યાય ચાલે છે અહીં! આખી દુનિયા આ વાત જાણે છે, પરંતુ જગતભરને તેલ સપ્લાય કરતા આ દેશોની સંપત્તિ અને વર્ચસ્વ સામે પડવાની કોઈની હિંમત નથી થઈ!
સ્ક્રીન પર દેખાતી વિગતો જોયા પછી લોખંડે પણ વિચારમાં પડ્યો. અચ્યુતની વાત સાચી છે કે નહીં એ તપાસવા માટે તો આ જગ્યાએ જ જવું પડે. સીધી રીતે આવી જગ્યાએ પહોંચવું લગભગ અશક્ય છે, પણ આ માણસ જો સાચો હોય તો તેની મદદ કઈ રીતે થઈ શકે એનો વિચાર કરવામાં લોખંડેનું મગજ કામે લાગ્યું.
(ક્રમશઃ)